મંગલ મંદિર ખોલો – નીલમ દોશી

(‘અભિયાન’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંક ભાગ-૨માંથી સાભાર)

નવ્યા લાઈબ્રેરીમાંથી બહાર નીકળી ત્યાં જ વાવાઝોડાની જેમ અવિનાશ એની પાસે ધસી આવ્યો અને હાંફતા અવાજે એકીશ્વાસે બોલી ઊઠ્યો.

“નવ્યા, મારી સાથે આવી શકીશ ? ક્યાં, ક્યારે, કેમ એવા કોઈ સવાલ પૂછ્યા સિવાય મારી સાથે નીકળી પડીશ ? મારા પર વિશ્વાસ રાખી શકીશ ? તારી જિંદગીમાંથી એક મહિનો… બસ ફક્ત એક મહિનો મને, તારા આ દોસ્તને આપી શકીશ ? ભરોસો કરી શકીશ મારો ?”

કોઈ પૂર્વભૂમિકા સિવાય પુછાયેલા આવા પ્રશ્નનો શો જવાબ હોઈ શકે ? એ ન સમજાતા નવ્યા બાઘાની જેમ તેની સામે જોઈ રહી. આપણે બે એકલા ? બહારગામ ? એક મહિનો ? ક્યાં ? શા માટે ? ક્યા સંબંધથી ? હું જ શા માટે ? આવા કોઈ જ સવાલ એ પૂછી શકી નહીં. મન જ ન થયું. એ તો બસ સાવ મૂઢની જેમ અવિનાશની આંખોની ચમકમાં ખોવાઈ રહી.

“નવ્યા, સોરી, મારાથી કોઈ છોકરી પાસે આવી પ્રપોઝલ મુકાય નહીં. મને એવો કોઈ હક નથી.”

“અવિનાશ, ઈટ્‍સ ઓકે, પણ મને તારી વાત સમજાઈ નહીં.”

“મને જ નથી સમજાઈ મારી વાત. ત્યાં તને કેમ સમજાવું ? પણ જવાબ મને ફક્ત હા કે ના માં જ જોઈએ. અલબત્ત, જવાબ જે હશે તે મને મંજૂર છે. હું કોઈ સવાલ નહીં પૂછું, પણ મને જવાબ આજે, આ ક્ષણે જ જોઈએ. વિચાર કરવા બેસું તો ક્યાંક હું જ…!”

અવિનાશ અચાનક બોલતો અટકી ગયો હતો.

“અવિનાશ, વિચાર્યા કે અચકાયા વિના મનમાં જે હોય તે કહી શકે છે.”

“ના, ખાસ કશું જ નહીં. નવ્યા, એક તરંગ તુક્કો, જે કહે તે મનમાં અચાનક ઊગ્યો છે, બસ. મારે ભરપૂર જીવવું છે. જેમ જીવું છું એમ નહીં. કંઈક અલગ જીવવું છે. જિંદગીની એક એક પળ માણવી છે. ખૂબ ખૂબ હસવું છે, રડવું છે અને એ માટે કોઈનો ખભો પણ જોઈએ છે. મને ખબર નથી કયા હક દાવે હું તારા સાથની માગણી કરી રહ્યો છું ? બસ, મનમાં આવ્યું અને પૂછી નાખ્યું સોરી. મારે આવું બાલિશ વર્તન ન કરવું જોઈએ. તું છોકરી છે, તારા મમ્મી-પપ્પાને..”

મમ્મી, પપ્પા શબ્દ સાંભળતા જ નવ્યા ઉતાવળથી વચ્ચે બોલી પડી.

“ઓકે, ઈટ્‍સ ઓકે. અવિનાશ, હું આવું છું કશું પૂછ્યા સિવાય તારી સાથે આવું છું બોલ, ક્યારે અને ક્યાં જવાનું છે ?”

વીસ વરસની જિંદગીમાં પહેલી વાર કોઈએ આ રીતે એને સાદ દીધો હતો. એ સાદને નવ્યા કેમ અવગણે ? પાંચ વરસની હતી ત્યારથી માબાપે એનાથી છૂટવા માટે એને હોસ્ટેલમાં મૂકી દીધી હતી. વેકેશનમાં પણ એને પ્રવાસે મોકલી દેવામાં આવતી. આજે પહેલી વાર કોઈને એની, એક વણજોઈતી છોકરીની જરૂર હતી.

અવિનાશ ચાર વરસથી કોલેજમાં એની સાથે ભણતો હતો. એનો એકમાત્ર દોસ્ત. અલબત્ત, એ દોસ્તી કોઈ અંગત વાત સુધી નહોતી પહોંચી. લાઈબ્રેરીમાંથી શરૂ થયેલી દોસ્તી ફક્ત પુસ્તકોની વાતો સુધી જ સીમિત હતી, પણ નવ્યા એટલું જરૂર જાણી શકી હતી કે, અવિનાશ પણ કદાચ તેની જેમ એકલવાયો… સાવ એકલવાયો અને આજે સાવ અણધાર્યો આવીને સાથે ચાલવાનું ઈજન આપી બેઠો છે. જેને નવ્યા અવગણી શકી નહીં.

બંને પાસે પૈસાની કોઈ કમી નહોતી. જે કમી હતી તે તો સ્નેહની, ચપટીક અમથી હૂંફની અને માનવીમાત્રને ચપટીક હૂંફની ખોટ તો સાલવાની જ ને ? ક્યા કુદરતી સંકેત કે કોઈ અકળ ૠણાનુબંધે અવિનાશ એને ખેંચી ગયો છે એની સાથે અને કશું સમજ્યા સિવાય, સમજવાની પરવા સુધ્ધા કર્યા સિવાય, કોઈ પ્રશ્નો વિના આંખો મીંચીને એ એની સાથે નીકળી પડી હતી.

આજ સુધી કદી જે જોયું નથી એ જોવા, જાણવા, માણવા બે યુવાન હૈયાં નફા-નુકસાનનો, કશું પામવા કે ગુમાવવાના કોઈ વિચાર સિવાય ભરપૂર જીવન જીવવાના અભરખા લઈ બસ નીકળી પડ્યાં હતાં. જ્યાં આગળ પાછળનો કોઈ વિચાર નથી. જ્યાં છે આજ અને ફક્ત આજ… આવતી કાલ અને ગઈ કાલને સદંતર ભૂંસી નાખીને બાળક જેવું મન લઈને બંને નીકળી પડ્યાં છે. નવ્યાના હૈયામાં તો નર્યો રોમાંચ, નરી મુગ્ધતા જ્યારે અવિનાશના હૈયામાં ?

દુનિયાને પહેલીવાર જોતાં હોય એમ આંખોમાં વિસ્મય આંજીને નદી, દરિયો, પહાડ, જંગલ ક્યાં ક્યાં નહોતાં રખડ્યાં ? રોજ રોજ નવો સૂર્ય અને જીવનનું એક નવું જ અણદીઠું રોમાંચક રૂપ ઊઘડતું જતું હતું. જિંદગી આવી મજાની, આવી રળિયાત પણ હોઈ શકે એ આજ સુધી ખબર જ નહોતી ?

આનંદ અને નર્યા આનંદ સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નહોતું. દિવસ તો જાણે ક્ષણમાં સમેટાઈ જતો હતો. બંને ભેરૂબંધ જાતજાતની રમતો રમતાં, અંચઈ કરતાં, લડતાં, ઝઘડતાં, રીસાતાં, મનાવતાં, થાકી જવાય ત્યાં સુધી મસ્તી , તોફાન કરતાં. તો કદીક કલાકો સુધી સ્કૂલની પ્રાર્થનાઓ લલકારતા બેસી રહેતા. નવ્યા કદી ટાગોરને યાદ કરી ગણગણતી રહેતી.

“આમિ ચંચલ હૈ, આમિ સુદૂરેર પિયાસી..” એ સૂર, એ લય સાથે અવિનાશ જાણે સમાધિમાં સરી જતો.

કોઈ સાંજે અસ્ત થતાં સૂરજને નીરખતો અવિનાશ કેવાયે મૌન સાગરમાં ડૂબી જતો. કોઈ પળે અખૂટ શ્રદ્ધાથી નવ્યાને પૂછી બેસતો.

“નવ્યા, આ સૂરજ કાલે ફરીથી ઊગશેને ? સૂર્યોદય થશેને ?

ન જાણે કેવીયે આરત રહેતી આ શબ્દોમાં ! જાણે નવ્યાના જવાબ પર જીવન મરણનો આધાર ન હોય ! નવ્યા કશું સમજ્યા સિવાય તેની સામે જોઈ રહેતી.

કદીક કોઈ ભિખારી આવી ચડે તો ખિસ્સામાં હોય તેટલા પૈસા ઠાલવી દઈ બંને ચાલતા થઈ જતાં. જોકે એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચે નિર્ભેળ, નિર્મળ મૈત્રી ઊંચાઈની પરિસીમાએ પહોંચે એ સમાજના નીતિ નિયમોના ચોકઠાની વિરુદ્ધ જ કહેવાતું હશે ને ?

ક્યારેક નવ્યાને થતું કે અવિનાશ તેનાથી કશુંક તો ચોક્કસ છુપાવે છે, પણ તેણે પૂછ્યું નહીં. કહેવા જેવું નહીં હોય. નહીંતર આ દોસ્ત તેનાથી ન જ છુપાવે. તે કોઈના મનને ખોતરશે નહીં. કોઈ પળે અવિનાશ જાતે કહેશે જ.

નવ્યાએ કશું પૂછ્યું નહીં અને અવિનાશે કહ્યું નહીં. પંદર દિવસ પળની જેમ વીત્યા હતા. આજે સવારથી અવિનાશ થાકેલો લાગતો હતો.

“નવ્યા, હવે બસ. હવે ક્યાંક એક જગ્યાએ જઈને આરામ કરીએ.”

અને હવે હિમાલયના એક છેક છેવાડેના, સાવ અંતરિયાળ ગામમાં ડેરા નખાયા. અહીં આવ્યા બાદ બીજે દિવસે અવિનાશ કહે, “નવ્યા, તું પુનર્જન્મમાં માને છે?”

“ખબર નથી. આજ સુધી એવું કશું વિચાર્યું નથી.”

“પણ હું કહું છું અને હું ચોક્કસપણે માનું છું કે પુનર્જન્મ હશે જ, છે જ.”

અવિનાશના અવાજમાં આજે ન જાણે કેવીયે જીદ ભળી હતી.

“હશે, મેં ક્યાં ના પાડી ? પણ આવો આક્રોશ શા માટે ?”

“ના, એક વાર તું કહે કે હા, પુનર્જન્મ હોય જ. તું પણ માને એ ને એમાં?”

“ઓકે. હું પણ માનું છું. હવે ખુશ ?”

“એમ મને રાજી રાખવા નહીં. સાચા દિલથી કહે કે, પુનર્જન્મ હોય જ, હોવો જ જોઈએ.”

“ઓકે. દિલથી માનું છું બસ.”

“હાશ !” અવિનાશનો શ્વાસ હેઠો બેઠો.

નવ્યાને અવિનાશનું આજનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું, પણ આમ જુઓ તો તેમની આ આખી યાત્રા જ વિચિત્ર નહોતી?”

બે દિવસ હિમાલયના મનોરમ્ય વાતાવરણમાં, પ્રકૃતિના હૂંફાળા સાંનિધ્યમાં વીતી ગયા. અવિનાશને હમણાં તાવ રહે છે, નબળાઈ ખૂબ લાગે છે. નવ્યા ડોક્ટરને બોલાવવાનું કહે છે, પણ અવિનાશે ઘસીને ના પાડી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

“મારી પાસે બધી દવાઓ છે જ. સાથે લઈને જ આવ્યો છું.”

નવ્યા કશું બોલ્યા વિના તેની સામે તાકી રહી., પણ કશું પૂછવું નથી તેને. ત્રીજે દિવસે અચાનક અવિનાશ કહે, “નવ્યા, મેં તારાથી એક વાત છુપાવી છે.” નવ્યા ધીમું હસી રહી.

“કેમ હસે છે ?”

“કહેવું પડ્યું ને અંતે ?”

“એટલે ?”

“મને ખબર હતી કે કંઈક તો તું છુપાવે છે. હું રાહ જ જોતી હતી તારા કહેવાની.”

“તો પૂછ્યું કેમ નહીં?”

“જરૂર ન લાગી. કહ્યા સિવાય તારો છૂટકો થોડો હતો ?”

અવિનાશ મૌન બની નવ્યાની આંખોની આભા જોઈ રહ્યો. આટલા વિશ્વાસને લાયક પોતે હતો ખરો ?

અચાનક અવિનાશ મોટેથી બોલી ઊઠ્યો, “નવ્યા, નવ્યા.. પ્લીઝ.. મારે નથી જવું.. પ્લીઝ.. નવ્યા, મારે મરવું નથી. કંઈક કર ને.. નવ્યા, તું જ મને બચાવી શકીશ. નવ્યા કહે ને કે હું જીવવાનો છું, મને આશીર્વાદ આપને નવ્યા, તારા અશીર્વાદ હશે તો મને કંઈ જ નહીં થાય.” અને અવિનાશ હાંફવા લાગ્યો. નવ્યા ગભરાઈ.

“અવિ, શું થાય છે તને ?”

“નવ્યા, મારી બેગમાં સફેદ બોટલમાં ગોળી છે તે આપ.”

નવ્યાએ જલદી ગોળી આપી. અવિનાશ થોડી વાર એમ જ પડી રહ્યો. નવ્યા તેને માથે હાથ ફેરવતી બેસી રહી બે કલાક પછી થોડું સારું લાગ્યું ત્યારે ધીમેથી કહે, “નવ્યા, સોરી, મેં તારાથી એક વાત છુપાવી છે. મારી બીજી બેગમાં સાવ નીચે એક ફાઈલ છે એ કાઢ અને વાંચ.”

નવ્યાએ કશું બોલ્યા સિવાય ફાઈલ કાઢી. વાંચી. અવિનાશના છેલ્લા સ્ટૅજના કેન્સરના રિપોર્ટ જોયા. કશું બોલ્યા સિવાય અવિનાશનો હાથ હાથમાં લઈને બેસી પડી. રડવાની હામ પણ નથી બચી. એક ચુપકીદી, નીરવતા, મૌનની ચાદર, ઘેરી પીડા.

“નવ્યા, તારે કંઈ પૂછવું, કંઈ કહેવાનું નથી?”

નવ્યા અવાચક. શું પૂછે તે ? શું બોલે ?

થોડી વાર પછી અવિનાશની હાલત જોઈ ધીમેથી બોલી. “અવિ, અત્યારે કઈ ગોળી ખાવાની છે ?” અવિનાશે કહી તે ગોળી આપી નવ્યાએ ધીમેથી કહ્યું.

“હવે કશું બોલ્યા સિવાય સૂઈ જા.”

કહ્યાગરા બાળકની જેમ અવિનાશ સૂઈ ગયો. નવ્યાના મનમાં કેવીયે ઊથલપાથલ ચાલતી રહી. એ ઈશ્વર સિવાય કોણ જાણી શકવાનું ? મોડી રાત સુધી તે અવિનાશના માથા પર હાથ ફેરવતી બેસી રહી. પહેલી વાર અવિનાશની બાજુમાં એને માથે વાત્સલ્યથી હાથ ફેરવતી સૂઈ ગઈ.

બીજે દિવસે સવારે અવિનાશને બરાબર નહોતું. પેઈનકિલરની અસર પણ આજે નહોતી થતી. છતાં હાર્યા સિવાય સવારે બંને રોજની જેમ બહાર નીકળ્યા. બીમારીની કોઈ વાત કાઢ્યા સિવાય બંને ખૂબ હસ્યાં. મસ્તીમજાક કર્યાં. પણ બપોર થતાં જ અવિનાશના શરીરે જવાબ દઈ દીધો. હોટેલમાં પાછા ફરતાં જ અવિનાશ પલંગ પર ફસડાઈ પડ્યો. થોડી વાર પછી નવ્યાના ખોળામાં માથું મૂકી ધીમેથી કહે, “નવ્યા, ધ એન્ડના પાટિયાને હવે બહુ વાર હોય એવું નથી લાગતું. લગતા હૈ પરદા ગિરનેવાલા હૈ. એક માત્રા વધુ હોય એવું લાગે છે. આ બીમારીની જાણ થઈ ત્યારથી ડર્યો નથી કે આજ સુધી ભગવાન પાસે એક વાર પણ બચાવવાની માગણી નથી કરી. જે પરિસ્થિતિ આવી એનો સ્વીકાર કરી લીધો. પણ આજે ડર લાગે છે. મરવાનો ડર. નવ્યા, મારે નથી મરવું. મારે જીવવું છે, નવ્યા મારે જીવવું છે.”

નવ્યા ચૂપચાપ અવિનાશનો હાથ દબાવતી બેસી રહી. તે ડોક્ટરને બોલાવવા જતી હતી ત્યાં…

“નવ્યા પ્લીઝ, આખરી પળે મારે કોઈ નથી જોઈતું. ડોક્ટર પણ નહીં. ફક્ત તું અને માત્ર તું. આજ સુધી તેં મારી દરેક વાત માની છે ને ? પ્લીઝ.” કહીને રીસાઈ ગયો હોય તેમ પડખું ફરી ગયો.

થોડી વારે કોઈ નવો વિચાર સૂઝયો હોય તેમ અચાનક જ ઉત્સાહભેર બેઠો થયો. તેની આંખોમાં એક અપાર્થિવ ચમક ઊભરી આવી.

“નવ્યા, ના ના.. ડર નથી લાગતો. નવ્યા, મને હવે કોઈ અફસોસ નથી. મારું મન એકદમ શાંત થઈ ગયું છે. સાવ સાચું કહું છું. આ ક્ષણે મનમાં એક પરમ શાંતિ ઊભરી છે, અદ્‍ભુત શાંતિ.”

“બસ, ભગવાન પાસે એક વસ્તુ માગવાનું મન છે. એક આખરી ઈચ્છા જરૂર છે.”

નવ્યા ચૂપ. જ્યારથી અવિનાશની બીમારીની જાણ થઈ ત્યારથી નવ્યા પાસે શબ્દો ખૂટી ગયા છે. બધી સંવેદનાઓ એકાએક બુઠ્ઠી બની ગઈ છે. પરમ પીડાની ક્ષણે માનવી માત્ર આમ વાચાવિહીન બની જતો હશે ?

“નવ્યા, પૂછીશ નહીં કે ભગવાન પાસે શું માંગવું છે મારે?”

નવ્યા મૌન.

“ઓકે ન પૂછીશ. હું મારી જાતે જ કહીશ.”

“નવ્યા, મારી એક વાત માનીશ ?”

“મારી વિદાય પછી તું બહું જલદી લગ્ન કરી લઈશ ?”

“ના, મજાક નથી કરતો નવ્યા, મારે તારે પેટે જન્મ લેવો છે. સાંભળ્યું નવ્યા, મારે તારે પેટે અવતરવું છે નવ્યા, મારી મા બનીશ ને ? તેં પણ કહ્યું હતું ને કે, તું પણ પુનર્જન્મમાં માને છે.”

“નવ્યા, ના ના, નવ્યા નહીં મા મારી મા હું પ્રતીક્ષા કરીશ. મારો આત્મા ત્યાં સુધી ભટકતો રહેશે. હું તારા મા બનાવાની રાહ જોઈશ. મને વિશ્વાસ છે કે હું તારે પેટે જ ફરીથી જન્મ લેવાનો છું. આ ક્ષણે મનમાં ફકત એ એક જ વાત પૂરી તીવ્રતાથી પડઘાઈ રહી છે.”

નવ્યાની કોરીધાકોર આંખો આજે પહેલી વાર ધોધમાર વરસતી રહી, વરસતી રહી. હવે અવિનાશ લવારી ચડ્યો હતો.

“મા, મને તારે પેટે જન્મ આપીશ ને ? અને હા, તોફાન કરું ત્યારે બહુ ખીજાવાનું નહીં હોં અને મારવાનું તો બિલકુલ નહીં અને …”

અવિનાશનું એક શિશુમાં રૂપાંતર થયું હતું. “મા, હું તારી પ્રતિક્ષા કરીશ. હું આવીશ. તારી પાસે આવીશ. મને વહાલ કરીશ ને મા ?” થોડી વાર એ ચૂપચાપ પડી રહેતો અને ફરી પાછી એજ લવારી. પુનર્જન્મની, નવ્યાને પેટે અવતરવાની વાતો.

નીતરતી આંખે નવ્યાના હોઠમાંથી તેની પ્રિય પ્રાર્થનાના શબ્દો સરી રહ્યા.

‘મંગલ મંદિર ખોલો દયામય..’

અસહ્ય પીડાથી છટપટતો અવિનાશ નિઃસહાય શિશુની જેમ નવ્યા સામે એકીટશે તાકી રહ્યો હતો. પરમ સમીપે જવાની ક્ષણ આવી પહોંચી હતી, પણ ન જાણે કેમ થાકેલી પાંપણો બિડાવાનું નામ નહોતી લેતી.

અચાનક વીજળી ઝબૂકી. મોતી પરોવાયું અને.. અને નવ્યાએ પરમ મૃદુતાથી અવિનાશને પોતાની પાંખમાં લીધો. તેની છાતી પર અવિનાશના નબળા હોઠ મુકાયા, ન મુકાયા, એક શિશુનો બુચકારો પૂરો સંભળાયો કે ન સંભળાયો કશી સમજ ન પડી.

એ ક્ષણે એક મા અને એક શિશુ. બસ, એ બે સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નહોતું. બંનેના શરીરનું એક એક રુંવાડું જીવંત બનીને શ્વસતું હતું. આખરી શ્વાસ. તેજનાં અગણિત સૂક્ષ્મ વર્તુળો અવિનાશના શરીરમાંથી નીકળીને હળવે હળવે નવ્યાની ભીતર પ્રવેશી રહ્યાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “મંગલ મંદિર ખોલો – નીલમ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.