- ReadGujarati.com - http://www.readgujarati.com -

કૂતરું પાળવાની કઠણાઈ – ડૉ. જગદીશ ત્રિવેદી

(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસથી સાન ડિયાગો જતાં રસ્તામાં મુરીએટા નામનું ગામ આવે છે. આ ગામમાં મૂળ અમરેલી જિલ્લાના જાળિયા ગામના અતુલભાઈ નાકરાણી રહે છે. મેં એમને પૂછ્યું કે આપનો અભ્યાસ કેટલો છે ? આ સાંભળી મને જવાબ આપવા માટે ચાલુ મોટરે બારણું ખોલીને રોડ ઉપર થૂંકતા કહ્યું કે, મારી પાસે બે ડિગ્રી છે. મારી પાસે પીએચ.ડી.ની ત્રણ ડિગ્રી હોવાથી હું એમની વાત સાંભળીને ડરી જઉં તેમ નહોતો, પરંતુ થોડો ગંભીર જરૂર થયો. એમણે મારી ગંભીરતા દૂર કરવા ચહેરા ઉપર હાસ્ય સાથે કહ્યું કે હું નોનમેટ્રિક પાસ અને એસ.એસ.સી. ફેલ છું.

અમારી યાત્રા અને વાત આગળ ચાલી ત્યાં તેમની કારમાં ફીટ કરેલા યંત્રમાંથી વિશિષ્ટ પ્રકારનો અવાજ આવવા લાગ્યો. મેં ફરી જિજ્ઞાસા કરી કે આ શું છે ? એટલે એમણે કહ્યું મને ત્રણ વખત ટિકિટ મળી છે. આ સાંભળીને હું રાજી થતાં બોલ્યો કે, વિધાનસભાની મળી છે કે સંસદની મળી છે ? મારો સવાલ સાંભળીને અતુલભાઈ ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું કે, ભારતમાં પક્ષનો આગેવાન ટિકિટ આપે અને અહીં પોલીસ ટિકિટ આપે છે. ભારતમાં ટિકિટ લેવા માટે લોકો આકાશ-પાતાળ એક કરે છે અને અમારે ત્યાં ટિકિટ ન મળે તે માટે લોકો તમામ પ્રયત્નો કરી છૂટે છે. મને ત્રણ ટિકિટ મળી ગઈ છે. એટલે આ મશીન ફીટ કરાવ્યું છે. જેવી કોઈ પોલીસની ગાડી નજીક આવે એટલે આ યંત્ર રાડારાડ કરી મૂકે છે અને ભાયડો સ્પીડ ધીમી કરી નાખે છે.

મને મશીન બનાવનારની બુદ્ધિ ઉપર માન થયું. મને થયું કે, પોલીસને બદલે લેણિયાત નજીક આવે અને અવાજ કરે એવાં મશીન બને તો ભારતમાં મોટા પાયા ઉપર વેચાણ થઈ શકે તેમ છે. મેં જોયું કે અમેરિકામાં લોકો પોલીસથી થથરે છે કારણ પોલીસને લાંચ આપવાની વાત તો દૂર રહી, પરંતુ લાંચ આપવાનો વિચાર કરવા જેટલી શક્તિ પણ આ પ્રજા ગુમાવી ચૂકી છે. આપણે ત્યાં ઘણા ઉમેદવાર એવા હોય છે જે અમેરિકન ટિકિટ માટે લાયક હોવા છતાં ઈન્ડિયન ટિકિટ મેળવવામાં સફળ થાય છે. અને રાષ્ટ્રના કમનસીબે એ જીતી પણ જાય છે.

મને પંદર મિનિટ પહેલાં જ જીવનમાં પ્રથમ વખત મળેલા અતુલ પટેલને મેં ત્રીજો સવાલ કર્યો : આપના પરિવારમાં કોણ કોણ છે ? એમણે ગંભીર થઈને કહ્યું કે, થોડા દિવસો પહેલાં અમે છ હતાં, પરંતુ હવે પાંચ જ છીએ. આ સાંભળીને મને ધ્રાસકો પડ્યો. મને થયું કે થોડા દિવસ પહેલાં જ એમનાં સ્વજનનું અવસાન થયું છે. હાસ્યકારને ફરીએ ગંભીર થતો જોઈને તેમણે કહ્યું કે મૂંઝાશો નહીં હું તમને માંડીને વાત કરું છું.

*
જગદીશભાઈ, અમને કોઈ વાતનું દુઃખ નહોતું. મારા બા, હું, મારા એકનાં એક ધર્મપત્ની અને મારી બે દીકરીઓ, અમે પાંચ જણા કિલ્લોલ કરતાં હતાં… પણ કુદરતને અમારું સુખ મંજૂર નહોતું. એક દિવસ મારી બંને દીકરીઓએ હઠ પકડી કે આપણે કૂતરો પાળવો છે. મેં એમને ઘણી સમજાવી કે બેટા.. આપણાં વડવાં ગાય પાળતાં, બળદ પાળતાં પણ આપણી બોંતેર પેઢીમાં કોઈને કૂતરો પાળવાની કમત સૂઝી નથી.

સોબત કરતાં શ્વાનની, બે બાજુનું દુઃખ,
ખીજ્યો કરડે પીંડીએ, રીઝ્‍યો ચાટે મુખ.

મેં ઉપરના દુહાનું અંગ્રેજી કરીને બંને દીકરીઓને સમજાવ્યું, પરંતુ એ માની નહીં. અંતે બંને દીકરીઓને રાજી રાખવા મારે ઈન્ટરનેટ ઉપર અમારા ઘરને લાયક ઉમેદવાર કૂતરાની શોધખોળ શરૂ કરવી પડી. મેં જોયું કે લેબ્રાડોર રીટ્રીવર, બુલડોગ, જર્મન શેફર્ડ, બીગલ અને બોક્ષર જેવી ઘણી જ્ઞાતિના કૂતરા ઉપલબ્ધ હતા. અમને કૂતરો ગમે તો કિંમત ન ગમે અને કિંમત ગમે તો કૂતરો ન ગમે તેવું ત્રણ દિવસ સુધી ચાલ્યું. જેનું કુળ ઊંચું હોય તે સસ્તી કિંમતે ન વેચાય તે સ્વાભાવિક હતું.

જર્મન શિફર્ડ ડોગની કિંમત આશરે હજાર ડોલર હોય છે જે એક જગ્યાએ માત્ર ૫૦૦ ડોલરમાં મળતો હતો. અમને સુખદ આશ્ચર્ય થયું. અમારા પહેલાં કોઈ ખરીદી ન લે એટલે તરત જ ફોનમાં વાત કરીને મેં વચન આપી દીધું. એ કૂતરો કેલિફોર્નિયાનાં આર્ટેશિયામાં હતો જે અમારા ઘરથી મોટર માર્ગે બે કલાક દૂર હતું.

બાએ કહ્યું કે, આવતીકાલે તેરસ છે. ભારે તિથિમાં કૂતરો ઘેર લાવવા કરતાં ત્રણ દિવસ ખમી જાવ અને એકમના રોજ લઈ આવો. મેં કહ્યું મોડું કરવામાં ૫૦૦ ડોલરનું નુકસાન થઈ શકે છે. અમે બીજા દિવસે જ અમૃત ચોઘડિયામાં સાગમટે રવાના થયા.

શ્વાન માલિક શ્વેતજનના ઘરમાં પ્રવેશતાં જ બંને દીકરીઓ ડોગને તેડીને રમાડવા લાગી. કૂતરાના સોદામાં ચેકનો રિવાજ ન હોવાથી મેં રોકડા ૫૦૦ ડોલર આપી દીધા. અડધી કિંમતે કૂતરો મળી ગયો તેની ખુશાલીમાં પેલા અમેરિકનના પુત્રના હાથમાં વીસ ડોલર મૂકી દીધા. મેં ગાડીમાં બેસીને વિચાર કર્યો ત્યારે જ્ઞાન થયું કે ૫૨૦ ડોલર એટલે ભારતનાં પાંત્રીસ હજાર રૂપિયા થયા. આટલા રૂપિયામાં અમરેલીમાં ભેંસ આવી જાય, જે દૂધ આપે અને આ કૂતરો શું આપવાનો હતો એ મને ખબર હતી.

અમે પાંચમાંથી છ બનીને ઘર તરફ જતાં હતાં ત્યાં મોટી દીકરી કહ્યું કે, ડેડી, ગાડી પેટકોમાં લઈ લેજો. આ પેટકો એટલે પાલતું પ્રાણીઓનાં ખોરાક, દવા, ગલપટ્ટા અને કપડાં જેવો સામાન વેચતી દુકાન. મેં ઉતાવળમાં આ ખર્ચની ગણતરી કરી જ ન હતી. દીકરીઓએ ત્યાંથી ડોગી માટે ગોદડું, ન્હાવા-ખાવાનાં વાસણો સાથે કુલ ૧૮૦ ડોલરની ખરીદી કરી. હવે મારું બી.પી. વધતું જતું હતું. મેં પેટકોમાં ત્રાડ નાખી કે આ કૂતરો હાજતે જાય તે તમારે સાફ કરવું પડશે. આ વખતે પ્રથમ વખત મારી પત્નીએ પણ દીકરીઓને બદલે મારો પક્ષ લેતાં કહ્યું કે તમારા ડેડીની વાત સાચી છે. એ કામમાં હું પણ તમને મદદ કરીશ નહીં કારણ હું તમારા ડાયપર બદલવાના કામમાંથી માંડ ફ્રી થઈ છું. હવે હું કૂતરાની પળોજણમાં પડવાની નથી.

અમેરિકામાં કોઈ માણસ કૂતરાને લઈને બહર નીકળે તો પોલિથિન બેગ ખિસ્સામાં લઈને નીકળે છે. કૂતરુ કદાચ રસ્તામાં હાજતે જાય તો તેનો માલિક મળને પ્લાસ્ટિક બેગમાં લઈને યોગ્ય જગ્યાએ ફેંકી દે છે. જો ભારતમાં આ પ્રકરનો કાયદો બને તો કોઈ યુવતી પોતાનાં પાળેલા કૂતરાને લઈને ફરવા નીકળે તો ચાર-પાંચ યુવાનો પોલિથિન બેગ લઈને પાછળ જાય. કારણ આપણાં દેશમાં સેવાનો ખૂબ મહિમા રહ્યો છે. અમેરિકામાં માણસ ન્હાય જે ન ન્હાય પરંતુ જો કૂતરો પાળો તો એને એકાંતરા દિવસે શેમ્પૂથી નવડાવવાનું ફરજિયાત છે. માણસ માટેના શેમ્પૂ પાંચ ડોલરમાં અને કૂતરા માટેનાં શેમ્પૂ વીસ ડોલરમાં વેચાય છે. અહીં માણસના વાળ કાપવાના પાંચ ડોલર અને કૂતરાના વાળ કાપવાના પચાસ ડોલર એટલે કે સાડા ત્રણ હજર રૂપિયા છે.

દરેક પેટ સ્ટોરમાં કૂતરાની તબિયત જોવા માટે કર્મચારીઓ હોય છે. અમે કૂતરાને નવડાવવા અને ખવડાવવા માટેની કડાકૂટ કરતાં હતાં ત્યાં એક લેડી કર્મચારીએ અમારા કૂતરાને ઊંચકી લીધો અને ચારેબાજુથી ચેક કરવા લાગી. એણે પાંચ મિનિટ બાદ કહ્યું કે આપના ડોગને તાવ આવ્યો છે. મેં એને મારી ભાંગીતૂટી અંગ્રેજીમાં કહ્યું કે અમે એને ૭૦ માઈલ દૂરથી લઈ આવ્યા છીએ એટલે એને હડદો લાગી ગયો હશે. મેં ખૂબ વિચાર કર્યો પણ ‘હડદા’નું અંગ્રેજી યાદ આવ્યું નહીં એટલે મારી નાની દીકરીએ ફટાફટ સમજાવી દીધું.

આ સાંભળી પેલી કર્મચારી બોલી કે મુલાયમ તબિયતના કૂતરાને લાંબા પ્રવાસથી તાવ આવી શકે છે. તમે એને પંદર મિનિટ સુધી તેડીને ખુલ્લી હવામાં ઊભા રહો પછી આપણે ફરીથી ટેમ્પરેચર ચેક કરીશું. મેં મારી બેમાંથી એક પણ દીકરીને ક્યારેય સળંગ પંદર મિનિટ તેડી નહોતી અને તે દિવસે કૂતરાને તેડીને ઊભો હતો. મને થોડી વાર થયું કે હું કૂતરાને ઊંચકીને ઊભો નથી. પરંતુ કૂતરો મને ઊંચકીને ઊભો છે. કારણ એ જ મને અહીં સુધી ઊંચકી લાવ્યો હતો.

પા કલાક બાદ પેલી કર્મચારીએ મને અંદર આવવાની આજ્ઞા કરી એટલે હું અંદર ગયો. એણે કાળજીપૂર્વક તાપમાન માપીને કહ્યું કે આપના કૂતરાને પ્રવાસનો થાક લાગ્યો નથી પરંતુ એને ખરેખર તાવ આવ્યો છે. આ પરિસ્થિતિમાં એને ઘેર લઈ જઈ શકાય નહીં, પરંતુ તમારે સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે. આટલું કહીને એણે મોટા ડૉક્ટર સાથે ફોનમાં વાત કરીને અમને દાકતરનું સરનામું આપતાં કહ્યું કે, બપોરે બે વાગ્યે આપની એપોઈન્ટમેન્ટ છે.

અમે સાગમટે પેટકોમાંથી હૉસ્પિટલ પહોંચ્યા. ત્યાં જરૂરી ફૉર્મ ભરીને કૂતરો દાક્તરના હવાલે કર્યો. દાક્તરે પ્રાથમિક તપાસ બાદ ગંભીર મોઢું કરીને એક્સરેની ભલામણ કરી. અડધા કલાક બાદ એક્સરે રિપોર્ટ વાંચીને વધુ ગંભીર થયા અને એન્ડોસ્કોપીની સલાહ આપી. અંતે એન્ડોસ્કોપી પણ થઈ ગઈ પછી આશરે બે કલાક બાદ મને અંદર બોલાવ્યો અને પહેલો પ્રશ્ન કર્યો કે આ કૂતરો કેટલા સમયથી આપના ઘરે છે ? મેં કહ્યું કે, આ કૂતરાએ હજુ મારું ઘર જોયું જ નથી. હું નવી ગાડી છોડાવીને સીધો ગેરેજમાંથી લઈને આવ્યો છું.

પેલા દાક્તરે કહ્યું કે, તમે આજે જ કૂતરો ખરીદ્યો હોય તો આજે જ પાછો આપી આવો. આ કૂતરો જન્મજાત બીમાર છે. એની અન્‍નનળી પહોળી છે. તમારે એને આખી જિંદગી ઊંચું મોઢું રાખીને બોટલથી પાણી પીવડાવવું પડશે. ઊંચું મોઢું રાખીને જ ખવડાવવું પડશે. મેં કહ્યું કે સાહેબ, હું ઊંચું મોઢું રાખીશ તો મને કૂતરાનું મોઢું દેખાશે નહીં. આ સાંભળીને દાક્તર ગંભીરતા છોડીને ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું કે તમારું નહીં કૂતરાનું મોઢું ઊંચું રાખવું પડશે. એ બીજા કૂતરાઓ માફક નીચું મોઢું રાખીને ક્યારેય ખાઈ-પી શકશે નહીં. મેં કહ્યું કે અમે અત્યારે જ પાછો આપી આવીએ છીએ. દાક્તરે શાંતિથી કહ્યું કે, ૪૮૦ ડોલરનું હૉસ્પિટલનું બિલ ચૂકવીને અત્યારે જ પાછો આપી આવો. દાક્તરને ૪૮૦ ડોલર ચૂકવતી વખતે હું રડી ન પડું એની ખૂબ કાળજી રાખી ત્યારે રૂદન રોકવામાં સફળ થયો.

અમે કૂતરાના માલિકને જઈને અમારી વિતકકથા કહી. અહીંના લોકો કાયદાથી ખૂબ ડરતાં હોવાથી તરત જ કૂતરો પાછો લઈને મેં તેમને આપી હતી એ જ નોટો મને પાછી આપી. બીમાર કૂતરો ગયો અને ૫૦૦ ડોલર પાછા આવ્યા એની ખુશાલીમાં મેં ફરીથી વીસ ડોલર તેના દીકરાના હાથમાં મૂકી દીધા.

અમે પાંચ જણાં સવારનાં નીકળ્યાં હતાં તે ભૂખ્યાં-તરસ્યાં છેક સાંજે ઘેર પાછા ફર્યાં ત્યારે કૂતરો ખરીદ્યા વગર મારા સાતસો ડોલર વપરાઈ ગયા હતા.

*
મને સાતસો ડોલરની કળ વળતાં ત્રણ મહિના નીકળી ગયા. દીકરીઓનો દુરાગ્રહ ચાલુ જ હતો. મને પણ થયું કે ૧૮૦ ડોલરની ચીજવસ્તુઓ નકામી પડી છે. જો કૂતરો આવે તો એ ખર્ચ સાર્થક થાય. હાર્યો જુગારી બમણું રમે તેમ મેં ફરી ઈન્ટરનેટ ઉપર સર્ચિંગ શરૂ કર્યું. પુડલ, યોર્કશાયર, ટેરીઅર, પગ, ડોબરમેન, પોઈન્ટર જેવાં ઘણી જાતના કૂતરા વેચાણમાં હતા. અંતે અમે હજાર ડોલરમાં લીલી નામની કૂતરી ખરીદી. અમારી કૂતરી ધોળી હતી, એની માલિકણ કાળી હતી અને ધોળીનું નામ લીલી હતું.

મેં લીલી ખરીદતી વખતે કાળીને ત્રણ વખત પૂછ્યું કે એની અન્‍નનળી પહોળી નથી ને ? એને કોઈ પણ જાતની બીમારી હોય તો અત્યારે જ કહેજો. તમે અમને કૂવામાં ઉતારીને વરત વાઢશો નહીં. લીલી નીચું મોઢું રાખીને જાતે ખાઈ-પી શકે છે તે પણ અમે ચેક કર્યું. અંતે કાળીએ કંટાળીને ખાતરી આપી કે લીલી હેલ્ધી છે, પરંતુ એના પૂર્વજો પણ નિરોગી, શક્તિશાળી, દીર્ઘાયુ અને સંતતિવાન હતા. ત્યાર બાદ હજાર ડોલર આપવામાં આવ્યા.

અમે સીત્તેર હજાર રૂપિયાનાં લીલાબહેનને લઈ આવ્યા એના કરતાં આટલી જ ટિકિટમાં ભારતથી લીલાબહેનને બોલાવે લીધા હોત તો ઘરકામ મદદ કરે, પણ દીકરીઓને સમજાવવી અશક્ય હતી. આમ જુઓ તો અમેરિકા આવીને માણસ જાનવર જેવો જ થઈ જાય છે.

એ બળદની માફક સોમથી શુક્ર ઢસરડા કરે છે. પાર્ટીમાં વાંદરાની માફક કૂદાકૂદ કરે છે. ઊભા ઊભા ખાય છે અને ઊભા ઊભા નહાય છે. મને લાગે છે કે, અમારા કરતાં ભારતનાં કૂતરા નસીબદાર છે. અમે ક્યારેય બપોરે સૂઈ શકતા નથી જ્યારે ભારતમાં માણસો સાથે કૂતરા પણ બપોરે ઊંઘી જાય છે. રાજકોટમાં ભિખારી પણ બપોરે બેથી ચાર કટોરા ઊંધા મૂકીને ઊંઘી જાય છે. એમાં કોઈ સિક્કો નાખે અને ખડીંગ અવાજથી મધ્યાહન નિંદ્રા ડિસ્ટર્બ થાય તે ભારતના ભિક્ષુકને પણ પસંદ નથી.

અમે લીલીને ગેરેજમાં રાખી, કારણ કૂતરીને ડ્રોઈંગરૂમ, કિચન કે બેડરૂમમાં રાખવા જેટલાં અમે હજુ સુધરી ગયાં નથી. હું બીજે દિવસે સવારે જાગીને સીધો લીલી દર્શન કરવા ગયો. મેં જોયું તો લીલીએ ગેરેજમાં રંગોળી પૂરી દીધી હતી. આમ તો મારું મોઢું જનમથી બગડેલું છે તે વધુ બગડી ગયું. મેં દીકરીઓ સાથે શરત કરી હતી કે, ગંદકી તમારે જ સાફ કરવી પડશે પણ અત્યારે બંને સ્કૂલે ગઈ હોવાથી મેં ટૂથબ્રશ પકડ્યા પહેલાં સાવરણી પકડી.

હું એક દિવસ બેઠો હતો અને સાન ડિયાગોથી મારા કુટુંબી કાકાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે, અમે સાંભળ્યું છે કે તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યાં છે. અમે લીલીબહેન માટે ઝભલું અને ઝાંઝર ખરીદ્યા છે. અમે લીલીને રમાડવા આવવાનાં છીએ.

મેં કાકાને કહ્યું કે, તમારે લીલીને રમાડવી હોય તો લોસ એન્જલસ જવું પડશે. મેં એની મૂળ માલિકણને અડધી કિંમતે પાછી આપી દીધી છે.

મેં લીલી પરત કરી એનું કારણ ગંદકી નહોતું. એ તો ટ્રેઈન થઈ ગઈ હતી એટલે ઘરની બહાર જ હાજતે જતી હતી. પરંતુ અમે પંદર દિવસ પછી લીલીને રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે લઈ ગયા એટલે ડૉક્ટરે કહ્યું કે તમે એને શું ખવડાવો છો ? મેં અમારું સારું દેખાશે તેવી લાલચે કહ્યું કે જે અમે ખાઈએ છીએ તે લીલીને ખવડાવીએ છીએ. ડૉક્ટરે કહ્યું કે પંદર દિવસમાં એનું વજન ઊતરી ગયું છે. તમારે એને નોનવેજ ખવડાવવું પડશે. અંતે મારે લીલીને અડધી કિંમતે પરત કરવી પડી.

*
એ લોકો છમાંથી પાંચ કેવી રીતે થયા તેનો મને જવાબ મળી ગયો. અમારી વાત પૂરી થઈ ત્યાં અતુલભાઈનું ઘર આવી ગયું. મેં એમના પત્નીને હળવેથી કહ્યું કે, આટલું સરસ મકાન છે તો એકાદ કૂતરો પાળો ને…

– ડૉ. જગદીશ ત્રિવેદી

સંપર્ક : ૨૦, શારદા સોસાયટી, સુરેન્દ્રનગર