જોગસંજોગ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોમ્બર-નવેમ્બર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

સૂર્યાસ્ત થતાં રાબેતા મુજબ સૌ માતાજીના મઢ પાસે આવી પહોંચતાં અને માતાજીની મૂર્તિનું પૂજન-અર્ચન શરૂ થયું. ભીડ જોઈ પૂજારી પણ તાનમાં આવી જતા અને માઈક્રોફોન પર ત્રાસ ગુજારતા. ભક્તિમાં મૌનનું મહત્વ હવે સાવ વીસરાવા લાગ્યું છે ! દેવીદેવતાઓને રિઝવવા માટે કાનફોડ અવાજ કરવો એને ‘ભાવિક ભક્તો’ અને ભજનિક કૉન્ટ્રાક્ટરો પોતાના ભક્તિસિદ્ધ અધિકાર માની રહ્યા છે ત્યારે સાખી મંદિર પાસેના પોતાના ઘરના ખૂણામાં એક નાનકડી બાળકીના માથે ઠંડા પાણીનાં પોતાં મૂકી રહી હતી.

‘સાખી, આરતીનો સમય થયો છે. માતાના મઢમાં શેરીના બધા જ લોકો ભજન-કીર્તનમાં મશગૂલ છે… તું આ છોકરીની સારવાર બંધ કર અને ચાલ મારી સાથે.’ વિધવા સાખીનાં સાસુમાએ આદેશના સ્વરમાં કહ્યું.

‘મમ્મી, આમેય મને ઘોંઘાટ નથી ગમતો. હું માતાજીના ફોટા સમક્ષ બેસીને મનોમન પ્રાર્થના કરી લઈશ… તમે જાઓ, હું આ દીકરીની સારવાર માટે રોકાઈશ.’

‘અરે ! નહીં આવે તો માતાજીના કોપનો શિકાર બનીશ. તને ખબર છે ને કે દેવી-દેવતાઓ ભક્તિભાવથી રીઝે છે ! અને આ છોકરીની નથી તને નાત-જાતની ખબર કે નથી એનાં મા-બાપ વિશે કશી જાણકારી. રસ્તામાં પડી પડી તાવમાં કણસતી હતી એટલે તું એને ઉપાડી લાવી, મારા ઘરમાં ! મારું ઘર કોઈ ધર્મશાળા નથી, સમજી ? એનું કોઈ સગુંવહાલું ન હોય તો અનાથાશ્રમમાં મૂકી આવજો ! અને હા, એની દવા પાછળ ઝાઝો ખર્ચ ન કરતી. મારે ગરબા માટે લખાણમાં પાંચસો રૂપિયા લખાવવાના છે !’ કહીને સાખીના સાસુમા વિદાય થયાં.

પેલી અનાથ લાગતી બાલિકાનું શરીર તવાની જેમ તપી રહ્યું હતું… સાખીએ ઘણી કોશિશ કરી, પણ એનું મન માતાજીની આરતીમાં ન ચોટ્યું એટલે મનોમન માતાજીના સ્મરણ કરવાનું મુલતવી રાખી ડૉક્ટર પાસે દોડી ગઈ !

સાખીનાં સાસુમાના બાતમીદારોએ એમની ‘નાસ્તિક’ પુત્રવધૂને દવાખાના તરફ જતી જોયાના સમાચાર આપ્યા હતા.

સાખીનાં સાસુમા માતાજીના મઢમાં થતી આરતીમાં શારીરિક રીતે હાજર હતાં, પરંતુ એમનું મન પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુત્રવધૂને ‘સીધીદોર’ કરવાના આયોજનમાં વ્યસ્ત હતું.

અંતે આરતી પૂરી થતાં લખાણની રકમમાં પચાસ ટકા કાપ મૂકી રૂ. ૨૫૦/- લખાવી, આરતીમાં પૈસા મૂકવાના ઈરાદાને જાકારો આપી, પ્રસાદ પર સૌપ્રથમ ઝાપટ મારી મુઠ્ઠી ભરી પ્રસાદ લઈ સાખીનાં સાસુમા વિધવા પુત્રવધૂનો ઊધડો લેવા ઝપાટાબંધ ઘર ભણી વળ્યાં.

‘યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા’નું રટણ એમના હોઠે ચાલું હતું… જેમ-જેમ ઘર નજીક આવતું ગયું એમ ‘ક્રોધ’ની પ્રબળતા વધતી ગઈ અને ‘ક્ષમા’નું રટણ બંધ થઈ ગયું.

તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ડૉક્ટર પાછા ફરી રહ્યા હતા. સાખીની સાસુમાએ એમને રોકીને કહ્યું : ‘તમને ખબર તો છે ડૉક્ટર, આ ઘરમાં મને પૂછ્યા સિવાય કોઈ નિર્ણય લેવામાં આવતો નથી ! સાખીએ તમને બોલાવ્યા ને તમે દોડી આવ્યા ? આમાન્યા જેવી કશી વાત સમજો છો કે નહીં ? તમારી વિઝિટનો એક પણ પૈસો તમને નહીં મળે સમજ્યા ?’

ડૉક્ટરે કહ્યું : ‘માજી, અમે રહ્યા ડૉક્ટર, સેવા માટે અમારે કોઈની પરમિશન લેવાની ન હોય. દર્દીને રાહત મળે એટલે અમને પણ કળ વળે ! અને નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં મેં પણ સંકલ્પ કર્યો છે કે કોઈ બાળકી કે સ્ત્રીની દવા કે સારવારના પૈસા નહીં લઉં !… સાખીબહેન પાસેથી મેં વિઝિટનો એક પૈસો પણ લીધો નથી અને તમારે પણ આ વિઝિટના પૈસા મને ચૂકવવાના નથી ! ચાલો, જય અંબે.’

‘નવ દહાડા પૈસા નહીં લે અને નવ્વાણું દહાડા લોકોનાં ગજવાં ખંખેરી લેશે ! આવા માણસના મોઢે મા અંબાનું નામ ન શોભે. એવો મોટો ભક્તિભાવ હૈયામાં ઉભારતો હતો, તો ડૉક્ટર આરતી ટાણે માતાજીના મઢમાં દર્શને કેમ ન આવ્યા ? મારી ધુતારી પુત્રવધૂ સાખીએ એમને કહ્યું હશે કે વિઝિટના પૈસા લીધા નથી એમ કહેજો, નહીં તો મારાં સાસુ મારા પર વરસી પડવાનું ચુકશે નહીં.’ સાખીનાં સાસુ બબડતાં બબડતાં ઘેર પહોંચ્યાં.

ડૉક્ટરની સારવાર મળતાં સાખી સાથે ઘેર લવાયેલી બીમાર છોકરી ઘસઘસાટ ઊંઘતી હતી અને સાખી માતાજીના ફોટા સમક્ષ બેઠી બેઠી ચંડીપાઠ કરી રહી હતી.

સાખીનાં સાસુમા સીધાં જ ત્રાટક્યાં : ‘સાખી, તને ખબર છે કે આ રજાઈ નવીનકોર છે અને કેટલી મોંઘી છે ! એક અજાણી છોકરીને નવી રજાઈ ઓઢાડીને રજાઈનું સત્યાનાશ કાઢી નાખ્યું ! તારા બાપે તો દહેજમાં ખોટો રૂપિયોય આપ્યો નહોતો ને તું દાનેશરી થઈ અમારું ઘર લૂંટાવા બેઠી છે ! હે જગદંબા ! બુદ્ધિની બારદાનને કંઈક શિખામણ આપજે ! નહીં તો ઘરડે ઘડપણ મારે ભીખ માગવાનો વારો આવશે ! અને સાખી, જો તું સેવાના આવાં ધતિંગ બંધ નહીં કરે તો હું તને આ ઘરમાંથી તગેડી મૂકતાં ઘડીનો ય વિલંબ નહીં કરું ! આ તો માતાજીની આરતી કરીને આવી એટલે ગમ ખાઉં છું. બાકી તારી ખેર ન હોત !’ સાખીએ ચૂપચાપ બધું સાંભળી લીધું… પૂજા-પાઠ પતાવી સાખી ઊભી થઈ… ઘરમાં જઈને પેલી બાળકી માટે જ્યૂસ લઈ આવી એટલે ફરી પાછાં સાસુમા ગર્જ્યાં, ‘અલી સાખી, આટઆટલું કહ્યું તોય પથ્થર પર પાણી ?… આ પરાઈ છોકરીને તે વળી જ્યૂસ-બ્યૂસ અપાતો હશે ? અને ચીકુ ને કેળાં તો મેં માતાજીના પ્રસાદ માટે રાખેલાં હતાં… માતાજીના પ્રસાદનું અપમાન કરીને તેં ઘોર પાપ કર્યું છે !.. તું પુણ્યશાળી હોત તો મારો દીકરો…’ સાખીનાં સાસુમાં બોલતાં – બોલતાં છુટ્ટે મોઢે રડવા લાગ્યાં !

સાખી જેમ જેમ એમને સાંત્વના આપતી તેમ તેમ તેઓ વધુ ને વધુ ઉશ્કેરાતાં ગયાં !

સાખી પોતાના અવસાન પામેલા પતિ શતકના ફોટા તરફ નજર કરી… ભૂતકાળનાં દ્રશ્યો નજર આગળથી પસાર થવા લાગ્યાં.

ત્યારે શતક એની મમ્મી સાથે પોતાને ઘેર આવ્યો હતો. પપ્પાજીએ ત્યારે કહ્યું હતું, ‘શતક, મારી પાસે તને આપવા જેવું કશું જ નથી ! ઈમાનદારીથી જીવ્યો છું અને જે કંઈ બચત હતી એ નાના ભાઈઓનું ભલું કરવામાં ખર્ચી નાખી છે ! મારું મોંઘેરું રતન છે મારી દીકરી સાખી ! ઈશ્વરે એને રૂપ અને ગુણ બંને ખુલ્લે હાથે આપ્યાં છે ! પોતાની ફરજો અદા કરવામાં એ ક્યારેય પાછી પાની કરે તો મને ફટ્‍ કહેજો.’

શતક કશું બોલે એ પહેલાં જ એની મમ્મીએ કહ્યું હતું : ‘મેં પણ મારી દીકરાને પેટે પાટા બાંધીને ઉછેર્યો છે. હું એવું ઈચ્છું કે એને એવો સસરો મળે, જે એને માટે અડધી રાતનો હોંકારો બને ! વખાણ કરનાર શબ્દોની લહાણી કરે, પણ એના હાથ ખાલી હોય તો એવા ફોગટનાં વખાણ સાંભળવાનો પણ શો અર્થ ?’

‘મમ્મી, સાખીના પપ્પા એક આદરણીય સજ્જન છે. આજે ક્યાં છે એમના જેવા ઈમાનદાર અને કુટુંબચાહક માણસો ! આજે દુનિયા વિશાળ થઈ ગઈ છે અને માણસનાં મન સાવ સાંકડાં થઈ ગયાં છે. સજ્જનોને સાચવવા એ પણ કે મોટું સેવાકાય છે ! થોર તો આપોઆપ વધવાના છે, જાળવવાના હોય છે મોગરા કે ગુલાબ ! વડીલ, આપની પુત્રી સાખી મને પસંદ છે અને કંકુકન્યા તરીકે આપે એને વિદાય આપવાની છે… લગ્ન નિમિત્તે પણ આપણે કશું વિશેષ ખર્ચ કરવું નથી ! ચાલ મમ્મી, બાકી વાતો ઘેર જઈને કરશું.’

અને સાખીના પપ્પા, વિદાય થતા શતકને મનોમન વંદન કરી રહ્યા હતા. શતકનાં મમ્મી ઘેર પહોંચ્યાં ત્યાં સુધી શતકની મૂર્ખતા બદલ તેને વેણ સંભળાવતાં રહ્યાં.. શતકે સાખીને ફોન પર માંડીને વાત કરી હતી…

…અને, મમ્મીને ન ગમવા છતાં તદ્દન સાદી વિધિથી સાખી સાથે લગ્ન કરીને શતકે ગૃહસંસાર શરૂ કર્યો હતો.

શતક એક કુશળ ઈજનેર હતો. એક પ્રતિષ્ઠિત કંપનીમાં તેને નોકરી મળી હતી અને એણે બાંધ્યા પગારે બે વર્ષનો અજમાયશી પિરિયડ પૂરો કરવાનો હતો.

એના કામથી પ્રસન્ન થયેલી કંપની મૅનેજમેન્ટ છ મહિનામાં એનો પ્રોબેશન પિરિયડ સમાપ્ત કરી અને ગ્રેડમાં મૂકવાનો નિર્ણય કરી શતકને ખુશખબર સંભળાવવા માટે રૂબરૂ બોલાવ્યો હતો.

પણ શતકે કાયમી થવાના ને ગ્રેડમાં મુકાવાના ઑર્ડરનો અસ્વીકાર કરતાં જણાવ્યું હતું : ‘મારી સાથે નિયુક્ત થયેલા સૌને બે વર્ષના પ્રોબેશન પિરિયડનો ઑર્ડર આપવામાં આવેલો છે. સૌ ઈજનેરો યથાશક્તિ નિષ્ઠાથી ફરજ બજાવે છે… કોઈનું કામ ઊડીને આંખે બાઝે તેવું હોય તો કોઈ ચૂપચાપ સુંદર કામગીરી બજાવતો હોય ! હું કર્મચારી વચ્ચે કશો ભેદભાવ ઉત્પન્ન થાય એવું ઈચ્છતો નથી ! ‘વહાલાં-દવલાં’ની નીતિએ જ આ જગતમાં સૌથી વધારે અનર્થો સર્જ્યાં છે ! મારે એમાં ઉમેરણ નથી કરવું ! બે વર્ષે જ મને આપ ગ્રેડમાં મૂકી કાયમ કરજો… આપની મારા પ્રત્યેની લાગણીની હું કદર કરું છું…’ અને કંપનીના ચૅરમૅન અને મૅનિજિંગ ડિરેક્ટર શતકની ઈમાનદારી પર આફરીન થઈ ગયા હતા !

પણ શતક વિશે ભાગ્યવિધાતાનું લેખન કંઈક અવળું જ હતું… શતક મોટરબાઈક પર ઘેર જવા નીકળ્યો અને એક ટ્રકે મોટરબાઈકને ટક્કર મારતાં શતક ભોંય ઉપર પટકાયો… એને હૉસ્પિટલ પહોંચાડવામાં આવે એ પહેલાં જ એનું પ્રાણપંખેરું અનંતયાત્રાએ ઊપડી ગયું…

અને સાખીને માથે આભ તૂટી પડ્યું હતું… શતકની મમ્મીએ પોતાના પુત્રના મોત માટે સાખીનાં પગલાં જ અપશુકનિયાળ હોવાના ભ્રામક ખ્યાલથી એને મહેણાં ટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું.

કંપનીના હોદ્દેદારોએ શતકની ઈમાનદારીની કદર કરી, સાખીને કલાર્ક તરીકેની નોકરીનો મોકો આપ્યો હતો… પણ સાખીનાં સાસુ તેને ઘરમાં રાખવા રાજી નહોતાં… સાખીના પપ્પાજી તેને પિયર તેડી જવા તૈયાર હતા, પરંતુ સાખી એકની બે ન થઈ તે ન જ થઈ. એણે કહ્યું : ‘હું શતકના કર્તવ્ય પૂરાં કરવા બંધાયેલી છું ! મારાં સાસુમાના મારા વિશેના ખ્યાલો ભલે ગમે તેવા હોય, પણ એ શતકનાં માતા છે, એટલે એમની સેવા-ચાકરી કરવા હું બંધાયેલી છું ! જિંદગીમાં કોઈની સાથે સંબંધ જોડવો કે તોડવો એ મહત્વનું નથી, પણ સંબંધની શાન સાચવવા અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે તો એમાં કશો ખચકાટ ન અનુભવવો, એ સંબંધ જાળવવાની ને જીરવવાની સાચી રીત છે ! શતકનાં મમ્મી હયાત હશે ત્યાં સુધી હું એમને જાળવવામાં લેશમાત્ર કસર નહીં રાખું !’

…અને સાસુમાનાં મહેણાં-ટોણાં વચ્ચે પણ સાખીએ પોતાનાં કર્તવ્યો મૂંગે મોઢે અદા કરવાનું વ્રત લીધું હતું.

…સાખી એકાએક ઝબકી ગઈ ! એણે પેલી બાલિકાના ચહેરા તરફ નજર કરી. એ શાન્તિથી ઊંઘતી હતી… તાવ ઊતરી ગયો હતો… બીજે દિવસે સવારે ડૉક્ટર તેને તપાસવા આવ્યા હતા… ડૉક્ટર સાસુમાના સ્વભાવથી પરિચિત હતા. એમણે કહ્યું : ‘મારો દીકરો શહેરમાં પોતાનું નર્સિંગ હોમ ખોલી રહ્યો છે… એટલે અમે થોડોક સમય તેની સાથે રહેવાનાં છીએ… આ બાળકીને સાથે લઈ જઈશું અને એનાં કોઈ સગા-વહાલાં હશે તો પત્તો મેળવીશું. નહીં તો એને ભણાવી-ગણાવીને તૈયાર કરીશું.’

સાખીને લાગ્યું કે મા અંબા ડૉક્ટરના દિલમાં વસ્યાં છે અને એની કૃપાથી જ આ અનાથ લાગતી બાલિકાનું માતાજીએ ભલું કર્યું છે… સાખી પણ ડૉક્ટરની ઉદારતા જોઈ હળવી-ફૂલ બની ગઈ હતી…

…સમય વહી ગયો…

બે દશકાના એ સમયમાં સાખીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન મા અંબાની ઉપાસના અને લોકસેવાનાં કામોમાં પરોવ્યું… નોકરીએથી આવ્યા બાદ તે પોતાનો મોટા ભાગનો સમય સાસુમા અને મા અંબાની સેવામાં તથા શેરીનાં બાળાકોને મફત ભણાવવામાં ગાળતી.

…અને સાખી એકાએક હૃદયરોગના હુમલાનો ભોગ બની. તેને શહેરના એક ખાનગી નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી ! આઈસીયુ વૉર્ડના ડૉક્ટરે સાખીની ખડે પગે સારવાર કરી, પણ એના કરતાંય વધુ સેવામગ્ન હતી નર્સ ગણના. એણૅ ડ્યુટી અવર્સ પૂરા થયા બાદ પણા ઘેર જવાનું માંડી વાળ્યું અને સાખીની સેવા-શુશ્રૂષા માટે આખી રાત જાગતી રહી…

સાખી માટે બોતેર કલાક જોખમી હતા… ગણના સાખી પાસેથી એક પળ વાર પણ હટવા તૈયાર નહોતી.

એણે નર્સિંગ હોમના પ્રોપ્રાઈટર ડૉક્ટર જતીન મહેતાના પિતાશ્રી ડૉ. મહેતાને ફોન કરી તાત્કાલિક નર્સિંગ હોમમાં આવી જવાની વિનંતી કરી…

ડૉક્ટર મહેતા થોડી જ વારમાં નર્સિંગ હોમ પહોંચી ગયા ત્યારે ભાનમાં આવેલી સાખી બે હાથ જોડીને નર્સ ગણનાનો આભાર માની રહી હતી. ડૉક્ટર મહેતાને જોઈ સાખીના આનંદનો પાર ન રહ્યો.

ડૉક્ટર મહેતાએ કહ્યું : ‘સાખીબહેન, આ નર્સ ગણનાને તમે અગાઉ ક્યાંય મળ્યા હો એવું લાગે છે ?’

‘ના, મેં એને ક્યારેય જોઈ નથી ! પણ એના પ્રત્યે મારા મનમાં અકારણ જ વહાલ ઊભરાય છે.’ સાખીએ કહ્યું.

‘સાખીબહેન, આ ગણના તે જ પેલી બીમાર, અજાણી છોકરી, જેને તમે બીમાર જોઈ ઘેર લઈ આવ્યાં હતાં અને મને સારવાર માટે બોલાવ્યો હતો અને બીજે દિવસે હું મારી સાથે શહેર લઈ ગયો હતો… ગણનાનાં ગરીબ મા-બાપ ગુજરી જતાં એ અનાથ બની ગઈ હતી. નવરાત્રિના એ દિવસોમાં જો તમે તેને બીમાર હાલતમાં ઘેર લાવ્યાં ન હોત તો એ બાપડી કમોતે મરત ! એની કરુણ કહાણી જાણ્યા બાદ મેં ગણાનાને ઉછેરીને ભણાવી-ગણાવી તૈયાર કરી અને એની રુચિ મુજબ તેને નર્સિંગનું શિક્ષણ અપાવ્યું છે ! હવે યાદ આવ્યું એ બધું ?’

‘હા, ડૉક્ટરસાહેબ ! દીકરી, હું તને ન ઓળખી શકી, પણ તું મને ઓળખી ગઈ અને મારું ૠણ ફેડવા રાત-દિવસ ઉજાગરા કર્યા ! ખરું ને બેટા ?’ સાખીને ગળે ડૂમો ભરાઈ આવ્યો.

ગણના સાખીની કોટે વળગી પડી અને સાખી વહાલથી તેના ગાલ પર ચૂમીઓના વરસાદ વરસાવવા લાગી… ડૉક્ટર મહેતા પણ ગદ્ગદ થઈ ગયા ! મનોમન વિચાર્વા લાગ્યા, મા જગદંબા કેવાં કેવાં રૂપે આપણી સમક્ષ પ્રગટી સેવાનો મોકો આપતી હોઅય છે ! તે દિવસે નવરાત્રિમાં અંબાએ બીમાર બાલિકા વેશે પોતાને અને સાખીને સેવાની તક આપી હતી એ વાતનો ડૉક્ટર અને સાખીને અત્યંત આનંદ હતો !

*
સંપર્ક : ૧૬, હેવનપાર્ક સોસાયટી, શેલ્બી હોસ્પિટલ પાસે, સેટેલાઈટ-અમદાવાદ-૧૫


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કૂતરું પાળવાની કઠણાઈ – ડૉ. જગદીશ ત્રિવેદી
ગૃહપ્રવેશ – વર્ષા અડાલજા Next »   

11 પ્રતિભાવો : જોગસંજોગ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. NIPA MAYUR PATEL says:

  NICE INTERESTING STORY…
  THANK YOU SIR …

 2. sandip says:

  “જિંદગીમાં કોઈની સાથે સંબંધ જોડવો કે તોડવો એ મહત્વનું નથી, પણ સંબંધની શાન સાચવવા અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે તો એમાં કશો ખચકાટ ન અનુભવવો, એ સંબંધ જાળવવાની ને જીરવવાની સાચી રીત છે ! ”

  આભાર્………………………..

 3. Prexa Vyas says:

  Nice Story Telling

 4. સંઞીતા ચાવડા says:

  નવરાત્રી એટલે શક્તિ ઉપાસનાનુ પર્વ શક્તિ એટલે માતાજીની સ્થૂળ મૂર્તી નહી એટલુ આપણો સમાજ ક્યારે સમજશે?

 5. tia joshi says:

  કલ્પના ની દુનિયા મા રાચત કેટલાક વાંચકો ને આ વાસ્તવિક્તા ની નિકટ રહેલા પ્રસંગો ધરાવતી વાર્તા કદાચ નહીં ગમે, પણ હું આ વાર્તા ને પસંદ કરું છું. આ તો કંદોઇ ની દુકાને થી દવા મળવા જેવી વાર્તા છે.

 6. સુન્દર વાર્તા, જો સત્યઘટના હોય તો વળિ અતિ સુન્દર !!
  ” જન સેવા એજ પ્ર્ભુ સેવા ” ને કોરે મુકિ ફક્ત ડરથિ કે ભયથિ જ પથ્થર કે ધાતુનિ નિરજિવ મુર્તીનિ આરતિ-ભજન કિર્તન કે પુજા-સરભરા કરતા હોય છે.

 7. Arvind patel says:

  ખેર આ તો વાર્તા છે, પરંતુ ઋણાનુબંધ જેવી વસ્તુ સંસાર માં છે. જેની અનુભૂતિ સંસારના દરેક વ્યક્તિ એ જરુર અનુભવી હશે, જીવન ના કોઈ પણ પડાવ માં. ઘણી વખત, કોઈ વ્યક્તિએ આપણા માટે કઈ જ કર્યું નથી હોતું છતાં આપણને તેને માટે અપાર સ્નેહ આવી જાય છે. આ વાત મગજ કે વિચારો ની બહાર ની છે. ઋણાનુબંધ જેવી વસ્તુ નો ફક્ત અને ફક્ત અનુભવ જ થાય, કદાચ તેને વર્ણવી શકાય નહિ.

 8. Nilesh says:

  ખુબજ હર્દય સ્પર્શી સ્ટોરી ખરેખર સ્વર્ગ નર્ક અહિયાં છે
  જેવા કર્મ કરો તેવું જ ફ્ળ મળે છે

 9. હર્દય સ્પર્શી સ્ટોરી….. જેવા કર્મ કરો તેવું જ ફ્ળ મળે છે……

 10. Vijay Panchal says:

  ખરેખર સ્વર્ગ નર્ક અહિયાં છે…
  જેવા કર્મ કરો તેવું જ ફ્ળ મળે છે..

 11. Kiran Panchal says:

  સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.