ગૃહપ્રવેશ – વર્ષા અડાલજા

(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો.

રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, ન કદી જે ઘરમાં પગ પણ મૂક્યો હોય ત્યાં હવે એ લોકો સાથે રહેવાનું હતું.

એમ તો લગ્નનું નક્કી થતાં બંને થોડો સમય સાથે ફર્યાં હતાં. આ રોમાન્ટિક સમયમાં જેમ બીજા યુવાન યુવતીઓ કરતાં હોય એમ દરિયાકાંઠે બેસી સૂર્યાસ્ત જોયો હતો અને ધસી આવતાં મોજાનાં શીતલ જલબિંદુઓ ઝીલ્યાં હતાં. ફિલ્મ જોવા ગયાં હતાં ત્યારે દાદી ખાસ કાનમાં નવી બુટ્ટીઓ પહેરાવી હતી અને મમ્મીએ કાનેથી કહ્યું, ‘વહેલી ઘરે આવી જજે હોં !’ થિયેટરમાં રજતની બાજુની સીટ પર બેસતાં જ અંધારું થયું અને રજતે એનો હાથ પકડ્યો ત્યારે એ થીજી ગઈ હતી. પછી લગ્નની તૈયારીમાં અલપઝલપ મળવાનું ઓછા ભપકાવાળા, મધ્યમ વર્ગનાં હોય એવા લગ્ન અને ગૃહપ્રવેશ.

સ્વજનો વિખરાયાં અને સહજીવનની શરૂઆત થઈ. ભર્યા ઘરમાં એકમાત્ર દીકરી તરીકે મહાલતી હતી. એના હાથમાં સંસારની દોર આવી હતી. ઘરમાં બે અને ત્રીજો મહારાજ એમ સંસાર જરા ખોડંગાતો ચાલતો હતો. એને પણ ખાસ અનુભવ ક્યાં હતો ! કાને કાને મમ્મીની ફોન પર સવાલ અને એક સ્ત્રીની હૈયાઉકલતથી એ કુશળ ગૃહિણી બની ગઈ. ઘરની દીવાલો, રાચરચીલાને એક કોમળ સ્પર્શ મળ્યો. રજતે શરૂઆતમાં જ કહ્યું હતું તને કોઈ પ્રવૃત્તિ કે કામ કરવું હોય તો જરૂરથી કરજે. પણ એવો સમય જ ન મળ્યો. ઘરને વ્યવસ્થિત કરવાનું હતું. નકામી પડી રહેલી વસ્તુઓ કાઢી નાખવાની, જોઈતી અને સુશોભનની વસ્તુઓ ખરીદવાની અને ગોઠવવાની. માતાપિતાને ઘરે રસોડામાં પ્રવેશ નિષેધ હતો, હવે એ એનું સામ્રાજ્ય હતું. એણે નિખાલસતાથી નંદલાલને કહ્યું હતું, ‘પપ્પા, મહારાજ તો રાખવો જ પડશે. મને રસોઈ બરાબર નથી આવડતી.’

તો પણ એમણે હરખથી કહ્યું હતું, ‘તો શું થયું ? અમારે તો ઘરમાં તું આની એ જ મોટી વાત છે.’ એને મન પણ મોટી વાત છે. પોતાનું ઘર અને એ ગૃહસ્વામિની દેવી છતાં પણ પેલા તેત્રીસ દોકડામાંથી હજી પંદરેક જેટલા જ ખર્ચાયા હતા. રજત ખરેખર નજીક હતો ! રોમાન્ટિક ફિલ્મોનાં દ્રશ્યો નજરે તરી આવતાં. ને બગીચાઓમાં, દરિયાકિનારે આંખોમાં આંખ પરોવી કલાકો ગાળ્યા હતા કે રાતોની રાતો મીણબત્તીની જેમ સળગતા, પીગળતા વિતાવી હતી. પતિનાં શોખ, રસ-રુચિ કાને કાને ઊઘડતાં આવતાં હતાં ત્યારે અચાનક થતું, એ ખરેખર રજતને ઓળખે છે ! હજી ક્યારેક અપરિચિતતાનો અહેસાસ થતો અને એ ચમકીને રજતને જોઈ રહેતી.

એ હસી પડતો. કહેતો, ‘કેમ મારે માથે શિંગડાં ઊગી આવ્યાં છે કે અરે, જોઉં તો, પુચ્છ તો નથી ફૂટી નીકળી !’

એ શું બોલે ? બોલવું તો છે, તું પણ મારી જેમ જ કરે છે ! તારા પક્ષે તેત્રીસ દોકડામાંથી કેટલા દોકડા મળે છે ! કદાચ એ પ્રશ્ન જ ન સમજે તો ! પપ્પા ક્યારેક પૂછતાં, ‘બેટા ! તું અહીં ઠીક છે ને ! તને ગમે છે ને !’

‘કેમ એમ પૂછો છો પપ્પા ?’

‘જો મારા અને સાવિત્રીનાં લગ્ન થયાં ત્યારે હું તેરનો એ દસની.’

‘બસ, પપ્પા એ ઉંમરે લગ્ન ? ખબર છે નાની ઉંમરે લગ્ન થતાં પણ તમારા…’

‘અરે ભઈ, નાનું ગામ મોટા ફળિયે પાંચ છ કુટુંબ જોડે રહેતાં. એમાં મારી બાને સાવિત્રી ગમી ગઈ. એક ઘરમાંથી બીજા ઘરમાં. મારા દાદા દાદીનાં પેટે ચાંદલા થયેલા.’

એ વિસ્ફારિત થઈ સાંભળી રહેલી પછી પૂછી બેઠી હતી, ‘પછી પપ્પા તમને ગમતું’તું એકમેક સાથે ?’

‘હા રે, જન્માક્ષર પણ નહીં એ ટાણે, આ દોકડાનું ડીંડવાણું નહીં ને ! રજતના જન્માક્ષર સાવિત્રીએ હકથી કઢાવેલા. મેં તો ના પાડેલી. આવડી મોટી દુનિયા, એમાં એક રજત માટે જ ગ્રહો ગોઠડી માંડવા નવરા છે ! પણ જુઓ તમારાં મમ્મીને જન્માક્ષર જોઈતા જ હતા તો કામ આવી ગયા.’

વાત તો ખરી હતી પપ્પાની. એનાં મનની વાત તો નહોતી જન્માક્ષરમાં. રજત હમણાં વધુ વ્યસ્ત રહેતો હતો. કંપનીએ એક મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ માટે મિટિંગ અને ટ્રાવેલિંગ વધુ રહેતું હતું. એણે માનસીને કહ્યું હતું. લગ્ન પછી પપ્પાને મૂકીને ન જવાયું. તું ઘરમાં બિઝી રહી અને હું કંપનીનાં કામમાં. એક વાર પ્રોજેક્ટ ટ્રેક પર આવી જશે પછી આપણે સાથે જઈશું મલેશિયા, ઓકે ! – અને પપ્પા ? એમને માટે કોઈ સરસ વ્યવ્સ્થા કરીશું ને ! એ દિવસે રજત સાંજની મિટિંગ માટે પ્રેઝન્ટેશનની વિગતોની તૈયારી કરી રહ્યો હતો. અને એક હાથ લંબાયો, એની સામે ફાઈલ મુકાઈ. ગોરો કુમળો હાથ, આંગળી પર ઝગારા મારતી વીંટી અને નખ પર ચમકતી નેઈલપોલિશ ગુલાબી… પીચ ખબર ન પડી. એણે જરા ચમક અનુભવી, ખુરશી સહેજ ખસેડી અને ઉપર જોયું એ સાથે જ એણે કહ્યું, ‘મિ. મલ્હોત્રાએ ફાઈલ મોકલી છે સર.’

‘યુ ?’

‘આઈ એમ સ્મિતા નારાયણ. મારી અહીં હેડ ઓફિસમાં ટ્રાન્સફર થઈ છે.’

‘અ.. ઓ.કે. યુ કેન ગો.’ જરા ઝૂકીને એણે ટેબલ પર મૂકેલો મોબાઈલ લીધો. મીઠી સુગંધની શિકરો ઉડાડતી એ ચાલી ગઈ. એ કામમાં વ્યસ્ત થઈ ગયો. પછી સ્મિતા એને મળવા લાગી. ક્યારેક કોફીના કાઉન્ટર પર, કદીક લિફ્ટમાં, ઓફિસમાં દૂરથી સ્મિત તરતું મૂકતી. એકદમ યુવાન, સ્માર્ટ, ઈન્ટેલિજન્ટ, મોર્ડન કેરિયર વુમન.

‘આ પડદાનો રંગ ગમ્યો રજત ?’

એ ચમકી ગયો.

‘પડદો ?’

‘કેમ ! ધ્યાન નથી ગયું તારું ? નકામી મેં મહેનત કરી.’

‘ઓ સોરી, એટલે કે ફેન્ટેસ્ટિક.’

‘રહેવા દે. પ્રોજેક્ટમાં બિઝી એટલે ઘરની કંઈ ખબર જ નહીં !’

‘ના… ના… સાચ્ચે જ મારું ધ્યાન ન ગયું.’

ક્યાં હતું એનું ધ્યાન ? સ્મિતાએ ગઈ કાલે બહુ સરસ ટ્રાઉઝર પર ટોપ પહેર્યું હતું અને લિપસ્ટિક.

સ્ટોપ ઈટ રજત. તેં તો કદી કોઈની સામે આમ જોયું જ નથી અને હવે અચાનક. મોબાઈલનાં વ્હોટસએપ પર મેસેજ ઝબક્યો. આઈ લાઈક યુ સર. લાઈક યુ અ લોટ. જાણે કોઈએ માઈકમાં જાહેર કરી દીધું હોય એમ એણે ગભરાઈને આસપાસ જોયું.

ફરી મેસેજ : આજુબાજુ નહીં, સામે જુઓ. હું કોર્નર ટેબલ પર છું.

ફફડતા જીવે રજતે જોયું. એ એકીટસે એની દિશામાં તાકી રહી હતી. એણે તરત મેસેજ ડિલીટ કરી નાખ્યા. બે દિવસ પહેલાં જ પપ્પાના ફોનની બેટરી ડાઉન હતી, એમણે આ ફોન લઈ કોઈને ફોન કર્યો હતો, એ વિચારમાત્રથી એ.સી.માં એના હાથ ભીના થઈ ગયા. કપાળ પર રૂમાલ ફેરવ્યો. મોબાઈલ પર નોટિફિકેશનનો ઝીણો મધુર ટંકાર. એમાં ડરવાનું શું ? આઈ લવ યુ અ લોટ. સાંજે મલ્ટિપ્લેક્સના સ્ટારબક્સમાં કોફી પીવા મળીશું. થેંક્સ ફોર એસેપ્ટિંગ માય ઓફર અને મેસેજની નીચે ફૂલોનો બુકે. એણે લખ્યું : નો નેવર. ઓ યસ. ફોરએવર. 6pm.

આ વખતે ફૂલોના ચાર બુકે. કાળજીથી બધા જ મેસેજ ડિલીટ કરી એ વહેલાં ઘરે નીકળી ગયો. ઘરે પહોંચતા જોયું તો માનસી સ્ટૂલ પર ચડી ખીલી ઠોકી રહી છે અને પપ્પા ફોટોફ્રેમ પકડી ઊભા હતા. ‘આવી ગયો બેટા ! લે પકડ આ ફોટો, ઊભો રહે, નહીં તો ખીલી ખોડ, માનસી ક્યારની મહેનત કરે છે પણ…’

એને પથારીમાં પડવું હતું. સ્મિતાના મેસેજીસનો રિંગટોન કાનમાં ગુંજતો હતો. ના નથી ગમતું આ બધું. તો પછી શા માટે આ રિંગટોન સાંભળ્યા કરે છે !

‘શેનો ફોટો લગાડવો છે ! પડશે તું માનસી, રહેવા દે ને !’ નંદલાલે કશું બોલ્યા વિના ફોટો તેની સામે ધર્યો, પપ્પા મમ્મીનો સાથે ફોટો હતો. એને નવાઈ લાગી, ‘આવો ફોટો તો હતો જ નહીં માનસી !’

‘છે ને કમાલ ! માનસીએ ક્યાંકથી સાવિત્રીનો જૂનો ફોટો શોધી કાઢ્યો અને કશેકથી અમારો સાથે ફોટો લઈ આવી. કે’ છે હવે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આવું પોસિબલ છે.’ ખરેખર ફોટો સરસ હતો. માતાપિતાના ચહેરાને પણ ડિજિટલી કરેક્ટ કર્યા હતા, બંને યુવાન અને સુંદર લાગતાં હતાં. એને કેમ આવું સૂઝ્યું નહીં ! એ તો ટેક્નોલોજી જાણે છે. એણે માનસીને ટેબલ પરથી ઉતારી. ટેબલ પર ચડી ખીલી ઠોકી ફોટો લગાડ્યો. ફોટોની ગોલ્ડન ફ્રેમમાં પપ્પા-મમ્મી મીઠું હસી રહ્યાં હતાં. ‘થેંક્સ માનસી, મિલિયન થેંક્સ.’

નંદલાલભાઈ એક નજર તસવીરને તાકી રહ્યા. આંખો ભરાઈ આવી. ‘તું તો થેંક્યુ કહીને તારામાં બિઝી થઈ જશે, પણ મને તો આ ફોટો દિવસભરનું ભાથું પૂરું પાડશે. વાતો કરવાનું એક ઠેકાણું મળી ગયું ને ! કેમ સાવિત્રી !’ હસતાં હસતાં રડી પડ્યાં. ‘પ્લીઝ પપ્પા, રડશો તો ફોટો ઉતારી લઈશ. તમને કંપની મળે એટલે આ ફોટો છે.’

‘હા હા, બરાબર.’ કહેતા નંદલાલે કહ્યું, ‘સરસ ચા બનાવ, તો અમે બંને પીએ તને તો સાંજે ચા ફાવતી નથી.’ માનસીને સૂઝી આવ્યું હોય એમ પૂછ્યું, ‘પણ આજે તું વહેલો આવી ગયો.’ કારણ તો એને પણ ક્યાં ખબર હતું ! કે એ જાણતો હતો ! સ્મિતાથી ભાગવું હતું, કદાચ પોતાનાથી ભાગવું હતું. એણે મોટેથી કહ્યું, ‘હા માનસી, હું અને પપ્પા સાથે ચા પીશું, ગપ્પાં પણ મારીશું.’ ચા આવી. પપ્પાએ સગાંવહાલાના કોઈ ને કોઈ ખબર આપ્યા. એણે રસ પડતો હોય એમ સાંભળ્યા. માનસીએ રસોઈ કરી. ત્રણેય સાથે જમ્યાં, ટી.વી.ની ચેનલો ફેરવી અને પથારીમાં લંબાવતા થયું એ ખૂબ થાકી ગયો હતો. થોડી વારે માનસી ઊંઘી ગઈ. એણે અંધકારમાં પોતાને ફંફોસ્યો, તું જવાનો છે સ્ટારબક્સમાં સ્મિતા સાથે કોફી પીવા ? આ અફેર કહેવાય રજત, અને શુદ્ધ ગુજરાતીમાં લફરું. ના એ નથી ઈચ્છતો કે આવા ચક્કરમાં પડે. તો સ્મિતાને કેમ આગળ વધવા દીધી ? લિફ્ટમાં એ તને ઘસાઈને ઊભી રહે, ક્યારેક સ્પર્શ થતાં હાથ પકડી લે એની સામે ઘડી ઘડી તાકીને જોવાનું મન થાય ત્યારે એ એને જોઈ રહી હોય. આંખોથી ઈજન આપતી હોય. ધિસ ઈઝ નોટ ફેર. એણે બળપૂર્વક આંખો મીંચી દીધી અને એક હસતો, જળમાં ઝીલમીલાતા પ્રતિબિંબ જેવો ચહેરો હતો ! રજતે ઓશિકામાં ચહેરો દબાવી દીધો. ઓફિસમાં કામમાં ગળાડૂબ અને સ્ક્રીન પર મેસેજ : કમઓન. આઈ એમ એટ સ્ટારબક્સ વેઈટિંગ ફોર યુ. ધેન અ મૂવી. એણે ફરીને આસપાસ જોયું. સૌ પોતપોતાનામાં વ્યસ્ત હતાં. એ ગભરાતો ઊભો થયો. લેપટોપ લોગ આઉટ કર્યું. પ્યુનને સૂચના આપી એ નીકળી ગયો. થોડી વારમાં તો એ કોફીશોપમાં સ્મિતાની સામે બેસી કોફી પીતો હતો.

‘સર… સોરી રજત, તારો હાથ ધ્રૂજે છે. કોફી ઢોળાશે, વ્હોટ ઈઝ રોંગ વિથ યુ ?’

‘જો સ્મિતા, ધિસ ઈઝ નોટ રાઈટ.’

‘ઓ રજત ! મેગા સિટીઝમાં હજારો લોકોને અફેર્સ હોય છે, લિવ ઈન રિલેશનશિપ, સેપરેશન, નથિંગ ન્યૂ. કોઈની સાથે ચાલતા હો, માનસી એનું નામ છે ને ! વેરી ઓર્ડિનરી લુકિંગ વુમન.’

સાચ્ચે જ કોફી ઢોળાઈ. એણે કપ નીચે મૂકી દીધો. સ્મિતા હસી પડી, ‘માય ડિયર રજત, મારું રિસર્ચ વર્ક પાકું છે. હું જોઈ આવી એને. તારા ફાધરને લઈને જતી હતી. એ એની જગ્યાએ છે હું મારી જગ્યાએ, સિમ્પલ.’

‘એટલે ?’ પૂછતાં એ સ્મિતાને જોઈ રહ્યો. એનું બોલવું, બેસવું, કપડાં, બોડી લેંગ્વેજ, એનો આત્મવિશ્વાસ બધું જ આકર્ષક. ભૂરકી નાખી દે. સ્મિતાએ એનો હાથ પકડી લીધો, ‘બુદ્ધુ, એટલે આઈ વોન્ટ યુ. મને લગ્નમાં રસ નથી. નો ! એ માનસી માટે છે. આઈ વોન્ટ અ પ્લેસ ઈન યોર લાઈફ. હું જાણું છું કે હું તારાથી નાની છું, મારા પર મરી ફિટે એવા યુવાનોની કમી નથી, પણ મને મેચ્યોર મેન ગમે છે, આઈ લવ યુ ! તને જોઉં છું અને હું ભાન ભૂલી જાઉં છું. ચાલ, મૂવીને બદલે હોટલમાં જઈએ.’ સ્મિતા એને આંખોથી પી રહી હતી. પોતાનું અસ્તિત્વ આખેઆખું ઓગળી જાય એ પહેલાં એ ઊભો થઈ ગયો. ‘સોરી ટુ ડિસઅપોઈન્ટ યુ.’ કહેતાં એ કોફીશોપમાંથી બહાર નીકળી ગયો. પસાર થતી ટેક્સી રોકી ત્યારે હાંફતો હતો. એ ઘરે પહોંચ્યો ત્યારે માનસી બહાર કોરિડોરમાં હતી અને પાડોશી સાથે વાત કરતી હતી. અચાનક રજતને ધસી આવતો જોઈ કશું પૂછવા જાય ત્યાં તો રજતે એને હાથમાં ઊંચકી લીધી, એ ડઘાઈ ગઈ. ‘અરે રજત.’ ‘શીશ… મને આજે ખબર પડી કે આપણા તેત્રીસ દોકડા પૂરેપૂરા મળે છે. સો સેલિબ્રેટ.’ અને માનસીને ઊંચકીને રજતે ગૃહપ્રવેશ કર્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “ગૃહપ્રવેશ – વર્ષા અડાલજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.