વાહનયોગ – મૃગેશ શાહ

(૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્ય લેખ તેમના હસ્તલિખિત લેખોના સંચયમાંથી આજે પ્રસ્તુત કર્યો છે.)

સવાર-સવારમાં ગરમ-ગરમ ચાની ચૂસકીઓ લેતાં લેતાં મેં સોમવારનું શેરબજાર કોલમ જોવાની શરૂઆત કરી.

ઑફિસ આજે મોડું જવાનું હતું એટલે ફ્રેશ થવાને વાર હતી. ત્યાં અમારો નાનકો (કોલેજના બીજા વર્ષમાં ભણતો પણ બુદ્ધિ બાલવાડીના બાળક જેટલી) અને નેન્સી (નાનકા કરતાં નાની એટલે અમે તેને નેન્સી કહેતા. બાર સાયન્સમાં બાવાના બેઉ બગડ્યા એટલે કોમર્સ શરૂ કર્યું) પાસે આવીને બેઠાં.

“તમે તહું ટમર તી?”

“આ તું શું બોલે છે ? જરા બ્રશ તો બરાબર કરીને આવ.” – મેં ડોળા કાઢ્યા. નાનકો હાથમાં તલવાર લઈને ફરતો હોય તેમ ચાલતો ચાલતો પોતાની મુખશુધ્ધન વિધિ કરવા વોશ બેઝીન પાસે ગયો.

ત્યાં નેન્સીએ પોતાનું ભાષણ ચાલુ કર્યું.

“તમને ખબર છે પપ્પા, આ યુગ માહિતી પ્રસારણનો યુગ છે. એકવીસમી સદી ટેકનોલેજીની સાથે ચાલતા ચાલતાં બુદ્ધિને નવી દિશાઓ આપવાની અમૂલ્ય તક લઈને આવી છે. યુ નો ડેડ, નોલેજ ઈઝ પાવર.”

“મને ખબર છે, મને છાપું વાંચતાં આવડે છે. તું વાંચીને ના સંભળાવીશ.” મેં વાતનો તાગ મેળવવા જાણવા છતાં અજાણ રહેતા કહ્યું.

“હું છાપાનું વાંચેલું નથી કહેતી.” – નેન્સી

“તો પછી ક્યાંક ભાષણ સાંભળીને આવી હોઈશ. કે પછી કાલે પિક્ચરોની ચેનલો ફેરવતાં ફેરવતાં ક્યાંક ન્યૂઝ જોઈ લીધાં હશે.” મેં ફાયરીંગ કર્યું.

“ના, એવું પણ નથી ડેડ.”

“તો પછી મૂળ વાત પર આવ અને કંઈક ફોડ પાડ.”

“મારે ઈન્ટરનેટ કનેક્શન લેવું છે. મારી બધી બહેનપણી સપના, સંજના, બબલી, સરિતા બધાએ ઘરે ઈન્ટરનેટ લઈ લીધું છે.”

“તને રૂપિયા ઝાડ પર ઉગેલા દેખાય છે. જે દહાડે આ નાનકો, તારો ભાઈ, કમાતો થાય ને ત્યારે ઈન્ટરનેટ તો શું ઈન્સેટ સેટેલાઈટ પણ લઈ આવશું !”

“પણ પપ્પા, કોઈ દિવસ આકડાના છોડ પર ગુલાબ ઉગેલા જોયો ? આ નાનકો તો મગન માધ્યમમાં ભણેલો એક નંબરનો બબૂચક છે. એ તો વિન્ડોઝને ઘરની બારીઓ જ સમજે છે. તે વળી શું ઈન્ટરનેટ લેવાનો છે.તમે લાવી આપો ડેડી. જો પછી હું કેવું સરસ ભણું છું !”

“જ્યારે ભણવાનું હતું ત્યારે ભણ્યું નહીં. હવે ડહાપણનો દરિયો રેલાવીને શું કરવાનું. હું તને વિચારીને પછી કહીશ.”

“ના પપ્પા, તેમાં વિચારવાનું શું ? એકવીસમી સદીના દરેક ઘરની જરૂરિયાત ઈન્ટરનેટ છે. એ માહિતીનો ખજાનો છે.”

“પણ મારી પાસે રૂપિયાનો કોઈ ખજાનો નથી. આવી તમારા લોકોની માગણીઓ હું પૂરી કર્યા કરીશ તો મારું ઘર એકવીસમી સદીનું ડિજીટલ ઝૂપડું બની જશે અને એમાં માહિતીની પ્રિન્ટો કાઢીને આપણે ખાતાં હોઈશું.” મેં કહ્યું અને ઉમેર્યું, “કંઈ સમજ પડી ?”

“ડેડી, એવું નથી. હવે તો ઈન્ટરનેટ ખૂબ સસ્તું છે.”

“કેટલું સસ્તું છે ? બે રૂપિયે કિલો ?”

“તમે પણ શું નાનકા જેવું કરો છો ? ઓફિસમાં જરા તપાસ કરો ને. કોઈ ઈરાના ઈન્ટરનેટ સર્વિસ નામની કંપની છે એમ મને મારી બહેનપણીએ કહેલું.”

“એ કોઈ ઈરાનની કંપની છે કે શું ?” મેં કૂતુહલપૂર્વક પૂછ્યું.

“તમારી સાથે તો વાત કરવી બેકાર છે. જો તમે આજે તપાસ નથી કરી ને તો હું મમ્મીને કહી દઈશ.”

મમ્મીનું નામ આવ્યું અને મારા ગાત્રો ઢીલાં પડવા લાગ્યા. મને જાણે કોઈ અન્ડરવર્લ્ડની ધમકી મળવાની હોય તેવા ભણકારા વાગવા લાગ્યા. મેં વાતને વાળી લેતાં કહ્યું, “સારું સારું, જા હવે ! હું તપાસ કરીને કહીશ.”

“હં ! હવે આવ્યા ને લાઈન પર…” નેન્સીએ જાણે ઉછળતા ઘોડાને બાંધી દીધો હોય તેવી ભારેખમ આંખોથી મારી સામે ડોળા કાઢ્યાં.

“શું થયું ? કોની વાત ચાલે છે ?” નાનકાએ એન્ટ્રી કરી.

“વાત તારા દિમાગ બહારની છે. જે લોકોને બુદ્ધિ હોય તેમના માટેની વાત છે. માટે તું રહેવા દે !” મેં દાંતિયું કર્યું.

“પણ હું આજે તમને એવી વાત કહેવાનો છું કે જે તમારી બુદ્ધિમાં નહીં ઉતરે !”

મારું મગજ ફરી ચકરાવે ચડવા માંડ્યું. શું થયું હશે ? ઘરમાં કોઈ મહેમાન આવવાના હશે ? પેલા બચુકાકાની યાદશક્તિ પાછી આવી ગઈ કે શું ? જો એવું થયું હશે તો પેલા ૫૦૦ રૂપિયા આપવાના બાકી છે તે પણ આપવા પડશે. મને સોસાયટીનો પ્રમુખ બનાવ્યો હશે કે શું ? જો બનાવ્યો હશે તો પેલા કરશન કાણિયાની બરાબર ધોલાઈ કરી તેને મંત્રીપદથી કાઢી મૂકીશ.

મેં વિચારોની ધારા આગળ લંબાવી. ગુજરાતમાંથી ભાજપની સરકાર ઉથલી ગઈ હશે કે શું ? જોકે એવું તો થવાનું જ હતું પણ આટલું જલદી થશે તેની કલ્પના ન હતી. ચાલો કોંગ્રેસ આવશે તો ખિસ્સા જરા ભારે થશે. મેં પોતાની જાતને આશ્વાસન આપ્યું.

શું થયું હશે ? ફરી પાછું મારું મન ચકરાવે ચડવા માંડ્યું.

ભારત પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હશે કે પછી પાકિસ્તાનને અણુબોમ્બ બનાવતાં આવડી ગયો હશે ?

નાનકાનું મોઢું જોઈને મને બે મિનિટમાં અનેક વિચારો આવી ગયા. નાનકો જાણે ચંદ્ર પર જઈને આવ્યો હોય તેમ વાતને પોતાની આંખોમાં નચાવવા લાગ્યો. `

“મારામાં બધું સમજવાની બુદ્ધિ છે, તું તારે ભસ.” હું ઘૂરક્યો.

“આ પાછળવાળા પારેખકાકા છે ને, તેમણે સ્કૂટી શીખી લીધું.”

“ના હોય..” મેં આંખો પહોળી કરી આશ્ચર્ય દર્શાવ્યું.

“મેં કાલે જ તેમને શાક માર્કેટના રસ્તે શાક લઈને સ્કૂટી પર આવતા જોયા. પાછળ કાકી પણ હતા.”

“ભારે કહેવાય ! આ ઉંમરે..” મેં કહ્યું.

“તે કહેવાય જ ને ! તમને ક્યાં કશો ઉમંગ છે ?”

“તે તેના વાઈફને ફેરવવાનો મને ઉમંગ ક્યાંથી હોય.”

“મેં તમને એમ થોડું કહ્યું. જરાક તો સમજો. આપણી પાસે સ્કૂટી છે, હવે તો શીખી લો.”

વર્ષોથી ચાલતી વાત ફરીથી પાછી ભૂતની જેમ ભમવા માંડી. પણ મેં મારી જીદ અટલ રાખીને ફરીથી નન્‍નો ભણ્યો, “એ શક્ય નથી.”

સામે પાછો પ્રતિકાર થયો – “કેમ શક્ય નથી ?” ભયંકર ત્રાડ પડે એવો અવાજ સંભળાયો. એક ક્ષણ હું પણ ધબકારો ચૂકી ગયો અને પાછળ વળીને જોયું તો શ્રીમતીજી હતા. ચાચા ચૌધરીની પાછળ સાબુ ધબ્બ ધબ્બ કરતો આવતો હોય તેમ શ્રીમતીજીએ રસોડાથી અમારી તરફ કૂચ કરી.

હાથમાં વેલણ, કપાળમાં મોટો ચાંદલો, કોઠી જેવું શરીર, અનેક ઘનફૂટ હવાના પ્રવાહને પોતાની મદમસ્ત કાયાથી અસ્તવ્યસ્ત કરી દેતાં શ્રીમતીજી જ્યારે અમારી નજીક પહોંચ્યાં ત્યારે મને લાગ્યું કે આ એક દિવસ માટે જો કાશ્મીર જઈ આવે તો આપણને કાશ્મીર તો શું, પાકિસ્તાન પણ એ જ દિવસે મળી જાય.

“કશું જ અશક્ય નથી. આ વખતે હું તમને છોડવાની નથી.” મારા પર જીવલેણ હુમલો થયેલો એવું જાણીને મેં દાંત ભીંસીને પેલા નાનકા તરફ જોયું.

“પપ્પા, તમે પણ શું ? શીખી લો ને હવે. મમ્મીને કેટલી શાંતિ (!?!) થઈ જાય. આ પારેખ કાકા કેટલું સરસ ચલાવતા હતા ! જાણે વર્ષોથી હાઈવે પર લઈને ફરતા હોય તેમ. વળી, તમારે તો પાછો ઈન્સ્યોરન્સ પણ છે.” – નાનકો.

“તે કાલે જ તમારા લોકોએ પકાવી દેવો છે ?” હું ગભરાતાં ગભરાતાં તાડૂક્યો.

“મારે કંઈ સાંભળવું નથી. આજ રાતથી તમારું શીખવાનું શરૂ. આ નાનકો ને નેન્સી છે ને. બંને જણ તમને શીખવાડશે.” શ્રીમતીજીએ હુકમ છોડ્યો.

અનેક વખતથી જે વાતને હું આડા પાટે ચડાવવાની કોશિશ કરતો રહ્યો. કોણ જાણે તે જ સામે ને સામે ભટકાય. પણ હવે જાણ્યું કે પારેખે શીખી લીધું છે એટલે આપણો વારો આવ્યા વગર છૂટકો નથી. પનોતી કંઈ કોઈને છોડે ? હવે આ વાતમાંથી છુટાશે નહીં તેમ વિચારીને મેં કહ્યું. “હવે મને ઑફિસ જવા તૈયાર થવા દો. ખૂબ મોડું થયું. રાતની વાત રાતે.”

જતાં જતાં નેન્સીએ દ્વિઅર્થી વાત કહીને એક જ કાંકરે બે પક્ષી માર્યા. “પણ જો જો હોં કે, ભૂલતા નહીં.”

ઊભા થતાં થતાં મને યાદ આવ્યું કે અઠવાડિયા પહેલા એક જ્યોતિષીએ કહેલું કે તમારે નજીકના સમયમાં વાહનયોગ છે. વાહન તો હતું જ પણ તેના પર વહન કરવાનો યોગ અત્યારે આવ્યો લાગે છે.

છાપું બાજુએ મૂકીને હું ઊભો થયો.

– મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “વાહનયોગ – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.