અપરાધી – કાના બાંટવા

(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

મિલનભાઈ હાથનું કંપન છુપાવવા મુઠ્ઠીઓ વાળી, પણ વધી ગયેલા ધબકારા કંટ્રોલમાં ન આવ્યા. રસોડામાં કામ કરતી અનુરાધા આવશે તો આ ડર, આ અસ્વસ્થતાને જાણી જશે એ બીકે તેઓ વધુ ગભરાયા. ટિપાઈ પર પડેલો પોટેન્સીનો-નપુસંકતાનો મેડિકલ રિપોર્ટ તેમણે છાપાંઓની નીચે મૂકી દીધો. ફ્લેટની ટ્રાન્સફર અને જમીનનો સોદો રોકી દેવાનો ફોન તરડાયેલા અવાજે મેનેજરને કર્યો ત્યારે તેને પણ શંકા થઈ ગઈ કે શેઠને થયું છે શું ? સદા શાંત, એકદમ કુલ રહેતાં મિલનભાઈને આવા બેબાકળા કોઈએ ક્યારેય નહોતા જોયા. સ્વસ્થ દેખાવાના પ્રયાસરૂપે તેમણે રિક્લાઈનર સોફામાં લંબાવ્યું.

મિલનભાઈ આબરૂદાર માણસ. પાંચમાં પુછાય. શાંત, સરળ અને મિલનસાર માણસ તરીકે નામના. શેરબજારનો ધંધો કરે પણ અપ્રામાણિકતા ક્યારેય ન આચરે એવી એમની છાપ. ખોટું કરવા કરતાં સાચે રસ્તે કમાઈ લેવાનો સ્વભાવ. ઘરમાં બે પૈસાનો જીવ છતાં એનું અભિમાન નહીં. એકંદરે સફળ માણસ. એમની જિંદગીની કોઈ પણને ઈર્ષા આવે, એક બાબતને બાદ કરતાં. ઘરમાં હજી શેર માટીની ખોટ હતી. પરણ્યાને અગિયાર બાર વર્ષ વીતી ગયાં છતાં અનુરાધાનો ખોળો ભરાયો નહોતો. દેવના ચક્ર જેવી આ જોડીના જીવનમાં બાળકના કિલ્લોલનો અભાવ હતો.

લગ્ન થયાં ત્યારે કેવી પરીકથા જેવી જિંદગી હતી, મિલનભાઈએ સોફાને જરા વધુ લંબાવતાં વિચાર્યું. ઢળી જતો રિક્લાઈનર સોફો જરા વધુ ખેંચાયો, મિલનભાઈના શરીરને વધુ આરામ આપવા માંગતો હોય તેમ. અનુરાધા પરણીને ઘરમાં આવી ત્યારે મિત્રો તો ઈર્ષામાં બળી મર્યા હતા. કેટલાકે તો કહેલું પણ ખરું, એક્ટ્રેસ કરતાં પણ વધુ સુંદર ભાભી શોધી લાવ્યો ભાઈ તું તો. અનુરાધા હતી પણ એવી. હતી શું, હજી પણ છે જ એવી સાંગોપાંગ સુંદર, પણ રંભલી કહેતી હતી કે હવે પડોશી મહિલાઓ ગુસપુસ કરે છે, ‘ઈશ્યૂ નથી એટલે શરીર આવું રહ્યું છે. બળ્યું. આવા દેહને શું કરવાનો બાળબચ્ચાં વિના.’

રંભલી. રંભા. નામ યાદ આવતાં જાણે હજાર વોલ્ટનો વીજળીનો કરંટ મિલનભાઈને લાગ્યો. રંભલી આઠેક વર્ષથી ઘરમાં કામ કરતી. એટલે કહો ને દસ-અગિયાર વર્ષની હશે ત્યારથી. કહ્યાગરી અને વાચાળ એટલે અનુરાધા અને મિલનભાઈ બંનેની લાડકી. વળી, ઘરમાં કોઈ બાળક નહોતું એટલે અનુરાધા એને વધુ વહાલ કરતી. રંભલી પણ અનુરાધાને કોઈ કામ કરવા દે નહીં. રંભલી ઘરના સભ્ય જેવી નહોતી સભ્ય જ હતી. એમ જ એ રહેતી અને દંપતી એને એમ જ રાખતું, છેક રંભલીનાં લગ્ન સુધી.

રંભલીનાં લગ્ન. કોઈ કડવો ઘૂંટડો ગળે ઉતારી જવો હોય તેમ મિલનભાઈએ ટિપોઈ પર પડેલો પાણીનો ગ્લાસ ઉપાડીને ઉતાવળે મોઢે માંડ્યો. બે વર્ષમાં તો જીવન કેટલું બદલાઈ ગયું ! લસરપટ્ટી પર લપસતાં બાળક જેવી સરળ જિંદગી રોલરકોસ્ટર રાઈડ જેવી બની ગઈ. લગ્નના એક દાયકા પછીયે ખોળાનો ખૂંદનાર નહોતો એટલે અનુરાધા પણ કેટલી હતાશ થઈ ગઈ હતી. પોતાની જાતને કોસતી. વ્રત-ઉપવાસ કરતી. મિલનભાઈ આવા કશામાં માને નહીં છતાં એને ધરાર પ્રસાદ ખવડાવતી. પરણ્યાનાં ચારેક વર્ષ પછી બંનેએ નક્કી કર્યું હતું કે હવે કોઈ બાળક હોવું જોઈએ. પ્રેગ્નન્સી રોકવા માટેના ઉપાયો બંધ કર્યા. તમામ આડશો ફગાવી દીધી. આવતા મહિને પિરિયડ નહીં આવે એવી બંનેને જાણે ખાતરી હતી. કોઈ શંકા હોય જ નહીં ને ? બંને એકદમ નોર્મલ હતા એટલે, પણ એવું થયું નહીં. પછી તો દર મહિને આશા ઠગારી નીવડવા લાગી. પ્રયત્નો થતા રહ્યા સતત. આશા-નિરાશાનો દોર ચાલતો રહ્યો. મિલનભાઈ અનુરાધાને સાંત્વના આપતા, થશે જે થવાનું હશે એ. આપણે શું દુઃખ છે ? બેય એકલાં રહીશું. અનુરાધા ત્યારે માની જતાં, પણ થોડા સમયમાં હતાશા ફરી હુમલો કરતી.

છેલ્લાં કેટલાંક વર્ષમાં પ્રયત્નો વ્યાયામમાં પરિવર્તિત થઈ ગયા હતા. શક્ય એટલો વધુ વ્યાયામ છતાં નિષ્ફળતા. ડોક્ટર્સની વિચિત્ર સલાહો પણ માનીને તેનું પાલન કરતાં. એક ડોક્ટરે મિલનભાઈનો ટેસ્ટ કરાવવાનું કહ્યું ત્યારે તે છંછેડાઈ ગઈ હતી. મિલનભાઈને પણ ટેસ્ટની જરૂર લાગતી નહોતી. દવાઓ પણ તેઓ કમને પીતા. વ્યાયામ થતો રહ્યો અને મિલનભાઈના મનમાં પણ શંકા જાગવા માંડી. શરીર નબળું પડતું હોય એવું લાગવા માંડ્યું. વ્યાયામનો પણ થાક લાગતો. ઢીલા પડી જતા. ગિલ્ટી ફીલ કરતા. જાત ઉપરનો વિશ્વાસ ગુમાવવા માંડ્યા હતા. સદા શાંત અને ધીરગંભીર રહેતા મિલનભાઈ હવે ક્યારેક ગુસ્સે થઈ જતા. અનુરાધાને તો કાંઈ ન કહેતા, પણ રંભાને ખિજાઈ લેતા, ઘરના કોઈ કામમાં ભૂલ બાબતે. અનુરાધા એમને વારતી.

‘પારકી છોકરી છે. જુવાન થઈ ગઈ છે, એના પર ગુસ્સે ના થાવ.’ મિલનભાઈ હંમેશા કહેતાં, ‘તે જ એને મોઢે ચડાવી છે.’ જોકે, રંભલી પર આવી વઢની કોઈ અસર થતી નહીં. એ તો જાણે પોતાના જ ઘરમાં એવી મસ્તીથી કામ કરતી રહેતી. અગાઉ એકાદ વખત મિલનભાઈએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢતાં રંભલીને પકડી ત્યારે પણ એણે તો બેપરવાઈથી જવાબો આપ્યા હ્તા. કોણ જાણે કેમ, પણ અનુરાધા અને મિલનભાઈ બંને રંભલીની ભૂલો પ્રત્યે આંખ મીંચામણાં કર્યા કરતાં રહેતાં. બાજુની સોસાયટીના પેલા નાયકના છોકરા રણજિતના આંટાફેરા ઘર તરફ વધી ગયા, રંભલી માટે જ સ્તો, ત્યારે છેક તેને ટપારવાનું શરૂ કર્યું હતું. અનુરાધાએ કડક ઠપકો આપ્યો ત્યારથી પેલાના આંટાફેરા ઘટી ગયેલા, સાવ બંધ તો ન થયા.

મિલનભાઈને હજી એ રાત યાદ હતી, જ્યારે તેણે બહાર વરંડામાંથી આવતા અવાજ સાંભળ્યા. ઊઠીને રસોડામાંથી બહાર પડતું બરણું ખોલવા ગયા તો તે ઠાલું જ વાસેલું હતું. બહાર નીકળ્યા તો અંધારામાં દીવાલ કુદાવીને કોઈને ભાગ્તા જોયો અને રંભલીને કપડાં સરખાં કરતી, રઘવાળી આવતી જોઈ. ખૂબ ખિજાયા મિલનભાઈ અને અનુરાધા તેને. એ પછી રંભલીનું વર્તન સાવ બદલાઈ ગયું. હવે એ અતડી રહેવા માંડી. અનુરાધા અને મિલનભાઈ પણ ક્યારેક વાતવાતમાં એની ચિંતા કરી લેતા. રંભાના મા-બાપને પણ તેમણે સારી ભાષામાં દીકરીને પરણાવી દેવાની સલાહ આપી, પણ તે પછી દોઢેક મહિના વાદ અચાનક રંભલીનું વર્તન સાવ બદલાઈ જ ગયું. અનુરાધાને તે અચ્છોવાના કરવા માંડી. મિલનભાઈ સાથે ખૂબ હસીને બોલવા માંડી. જાણે કશું જ બન્યું જ ન હોય. ક્યારેક એકલી હોય ત્યારે ઉદાસ થઈ જતી. ક્યારેક મિલનભાઈ તેને ફોન પર કોઈની સાથે વાત કરતાં રડતાં પણ દેખાઈ જતી. પૂછતાં વાત ઉડાવી દેતી અને ખડખડાટ હસવા માંડતી. મિલનભાઈને એ હાસ્ય કૃત્રિમ લાગતું. એક દિવસ તો રંભલીએ હદ કરી. અનુરાધા સવારે મંદિરે ગયાં હતાં એમના નિત્યક્રમ પ્રમાણે. એ ક્રમ હતો કે અનુરાધા સવારે મંદિર જાય ત્યારે મિલનભાઈ ઓફિસ જવાની તૈયારી કરે. તે દિવસે રંભાએ મિલનભાઈના ગાલે ચિમટો ભરીન કહેલું, ‘કેવા સરસ છો તમે ! મને બહુ ગમો છો.’ મિલનભાઈ પહેલાં તો શું થઈ રહ્યું છે એ સમજી ન શક્યા, પછી કશું બોલ્યા બગર નહાવા ચાલ્યા ગયા. કંઈક અલગ જ ફીલ થઈ રહ્યું હતું. પહેલી વખત રંભાને તેમણે યુવાન છોકરી તરીકે વિચારી. બીજા દિવસે સવારે પણ અનુરાધા હજી તો મંદિર જવા નીકળ્યાં ત્યાં જ રંભા દરવાજો બંધ કરીને મિલનભાઈની બાજુમાં સોફા પર બેસી ગઈ. રંભાનો હાથ અડ્યો તો મિલનભાઈના આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. થોડી વારે મનને સમજાવી પટાવીને માંડ ઠેકાણે લાવ્યા અને ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. તે દિવસ કંઈક અલગ જ વીત્યો. અંદરથી એક અવાજ કહેતો હતો કે આ યોગ્ય નથી. બીજો અવાજ કહેતો હતો કે થવા દે જે થાય તે. પછીની સવારે મિલનભાઈના દિલનો હિસ્સો જાણે અનુરાધા મંદિરે જાય એની રાહ જોઈ રહ્યો હતો, બીજો હિસ્સો તેમને ચેતવી રહ્યો હતો કે તું ભૂલ કરી રહ્યો છે. અનુરાધા ગઈ. રંભા દરવાજો બંધ કરે પહેલાં જ હતી એટલી હિંમતના ટુકડાઓ એકઠા કરીને તેઓ નહાવા ભાગ્યા. દિલનો પેલો અવાજ તેને બહાર નીકળવા ઉશ્કેરી રહ્યો હતો. રોકનાર અવાજ આજે ક્ષીણ હતો. ઝટપટ નહાવાનું પતાવીને તેઓ બહાર નીકળ્યા. રંભા રસોડામાં હતી. તેનું મોં નારાજગીથી ફૂલેલું હતું, થોડી વાર સોફા પર બેઠા, પરંતુ રંભા ન આવી, પાણી મંગાવવાના બહાને તેમણે રંભાને બોલાવી. પાણીનો ગ્લાસ ટિપાઈ પર મૂકીને તે પાછી ફરી ગઈ. જતાં જતાં બબડી, ‘નકામા.’ મિલનભાઈ હચમચી ગયા. જાત પરની પેલી શંકા મજબૂત બનીને ઘેરી વળી. અનુરાધાએ આવીને પૂછ્યું કે, ‘તબિયત ખરાબ છે?’ મિલનભાઈ શું જવાબ આપે ? પછીની સવારે મિલનભાઈએ નહાવા જવાની ઉતાવળ ન કરી. રંભાએ સામે જ ઊભી રહીને પૂછ્યું, ‘કેવી લાગું છું હું?’ ‘સરસ.’ તેમના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. રંભા તેમનો હાથ પકડીને બેસી રહી. ઘણી વાર પછી પૂછ્યું, ‘હું તમને ગમતી નથી?’ ‘ના ના, એવું નથી પણ…’ આગળ શું બોલવું એ સમજાયું નહીં એટલે ‘અનુરાધા હમણાં આવશે.’ એમ કહીને નાહવા ચાલ્યા ગયા. આવું બીજા બે-ત્રણ દિવસ ગાલ્યું. મિલનભાઈ પણ અનુરાધા મંદિરે એની રાહ જોતા. તેમન પણ રંભાનો સહવાસ ગમવા માંડ્યો હતો. ચાલીસીની નજીક હોવા છતાં અઢાર વર્ષની નવયુવાન છોકરી તેમના ઉપર મરી રહી છે એ અનુભૂતિ તેમને નશો ચડાવતી હતી. તેમનો પુરુષ તરીકેનો અહમ્‍ જાણે સંતોષાતો હતો. પોતાની જાત ઉપરનો વિશ્વાસ જાણે પાછો આવ્યો હતો. છતાં, પ્રયત્ન તેઓ પોતાને આગળ વધતાં રોકી રહ્યા હતા, પણ અંતે એક સવારે તેઓ પોતાના જ દિલ સામે હારી ગયા. રંભા બાજુમાં બેઠી ત્યાં જ તેઓ સુધબુધ ગુમાવી બેઠા.

નહાવા ગયા ત્યારે આનંદની સાથે અપરાધનો ભાવ ઘેરી વળ્યો. આખો દિવસ ખોવાયેલા રહ્યા વિચારોમાં. બીજા દિવસે સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા અને અનુરાધાને આશ્ચર્ય થયું, રંભાને વધુ થયું. મિલનભાઈના દિલનો પેલો અવાજ હજી રંભા તરફ ખેંચતો હતો, પણ રોકનાર બીજો અવાજ હવે પ્રચંડ બની ગયો હતો. એ કહેતો હતો કે, ‘છોકરી તો અબૂધ છે, તારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી તે આવું કરી બેઠો ?’ અંદર ને અંદર પીડાઈ રહ્યા હતા તેઓ.

આ પીડા ત્યારે જ્વાળામુખી બનીને વિસ્ફોટ પામી, જ્યારે રંભાએ અનુરાધા આઘાંપાછાં થતાં તેમને કહ્યું, ‘માસિક નથી આવ્યું. હવે શું કરીશું?’ મિલનભાઈ પર વજ્રઘાત થયો. પોતાની જાત ઉપર તિરસ્કાર છૂટ્યો. એક છોકરીની જિંદગી બગાડ્યાનો અપરાધભાવ તેને રૂંવે રૂંવે આગ લગાડી રહ્યો હતો. બહુ વિચાર્યું. બધું વિચાર્યું. બીજા દિવસે મંદિરે ન ગયા. રંભલીને કહ્યું. ‘મેં તારું જીવતર બગાડ્યું.’ પણ હવે આનો ઉપાય કરવો પડશે. મેં દવાની વ્યવ્સ્થા કરી છે એ લઈ લે, પણ રંભા ન માની. એ પછીના ઘણા દિવસ મનાવી. કરગર્યા, પણ રંભા જીદ પકડીને બેઠી હતી, ‘મારું બાળક હું પડાવીશ તો નહીં જ.’ મિલનભાઈનો અંતરાત્મા કાળોતરા નાગની જેમ ડંખી રહ્યો હતો. ‘કેવું ઘોર પાપ કર્યું. આજ સુધીના તમામ સારાં કામ ધોવાઈ ગયા. તું પાપી છો, પાપી છો.’ ચિંતા અને અપરાધભાવમાં ડૂબેલા મિલનભાઈને રંભાએ બીજો આંચકો આપ્યો, ‘મારા પપ્પા તમને મળવા માગે છે.’ ગાળો ખાવાની, ન સાંભળવાનું સાંભળવાની તૈયારી સાથે પહોંચ્યા મિલનભાઈ રંભાના ઘરે. સ્કૂલવાનના ડ્રાઈવર નસીરભાઈનું રૂપ આજે જુદું હતું. મિલનભાઈને મારવાનું જ તેમણે બાકી રાખ્યું. મિલનભાઈ ભૂલ કબૂલ કરતા રહ્યા અને રસ્તો કાઢવાની વિનંતી કરતા રહ્યા. અંતે નસીરભાઈએ રસ્તો કાઢ્યો, ‘સમાધાન કરી લઈએ. છોરીને પરણાવવાનો અને બીજો ખર્ચ આપી દો.’ ‘હા હા, પૈસા હું આપી દઈશ.’ મિલનભાઈએ રાહતના શ્વાસ સાથે કહેતાં પૂછ્યું, ‘ક્યારે રાખવાં છે લગ્ન ?’ આવતાં અઠવાડિયે જ. રણજિતનું કહેવું છે કે આમાં મોડું ન કરાય.’ ‘રણજિત ? પેલો નાયકનો નપાવટ છોકરો ?’ ‘હા એ જ. એ સારો માણસ કહેવાય કે બધું જાણવા છતાં છોરીનો હાથ ઝાલવા તૈયાર થયો.’ નરસીભાઈની વહુ પહેલી વખત કાંઈ બોલી. રણજિતનું નામ સાંભળતાં જ મિલનભાઈ ધૂંધવાઈ ગયા, પણ તેઓ કશું કરી શકે તેમ પણ નહોતા.

ઘડિયાં લગ્ન લેવાયાં. મિલનભાઈ દસ લાખ તો અનુરાધાથી છુપાવીને આપી જ દીધા. પોતાનો એક ફ્લેટ પણ ખોલી આપ્યો. છતાં અપરાધભાવ ઘટતો નહોતો એટલે પાંચ તોલાનો સોનાનો હાર લગ્નની ભેટમાં આપ્યો, અનુરાધાને સમજાવીને કે આપણા ઘરે જ ઉછરી એટલે આપવું જોઈએ. લગ્નને હજી તો સાત મહિના પણ નહોતા થયા ત્યાં અનુરાધાએ સમાચાર આપ્યા, ‘રંભલીને ત્યાં દીકરો જન્મ્યો.’ મિલનભાઈએ મનમાં કંઈક ગણતરી કરી, પણ હિસાબ એમને સમજાયો નહીં. અનુરાધાએ આગ્રહ કર્યો, ‘આપણે જવું જોઈએ.’ મિલનભાઈના ખોળામાં બાળક આપતાં રણજિત બોલ્યો, ‘અસ્સલ બાપ પર ગયો છે.’ તેઓ થથરી ઊઠ્યા. ત્યાં જ અનુરાધાએ ટાપશી પુરાવી, ‘હા, રણજિત જેવો જ નાક-નકશો છે.’ બીજા દિવસે રણજિત ઓફિસે આવ્યો. મિલનભાઈને કહ્યું, ‘તમે દીકરાને દત્તક લઈ લો.’ ‘વિચારીશું. મને એમાં કોઈ વાંધો નથી. અનુરાધાને પૂછવું પડે.’ પ્રસ્તાવ તેમને વિચારવા જેવો લાગ્યો, પણ રણજિતે વધુ એક શરત મૂકી, ‘મારે નવો ધંધો ચાલુ કરવો છે. ૨૫ લાખ રૂપિયા આપવા પડશે.’ મિલનભાઈ સમજી ગયા કહેવાનો અર્થ. પૈસા ઓછા કરાવવાનો પ્રયત્ન કર્યો તો રણજિત દબાણ પર ઊતરી આવ્યો. વેપારી માણસ સમજી ગયા કે ખેંચવામાં ફાયદો નથી. અનુરાધા થોડી સમજાવટ પછી બાળક દત્તક લેવા તૈયાર થઈ. પરાનો ફ્લેટ રંભા-રણજિતના નામે ટ્રાન્સફર કરાવવાની અને દત્તકની વિધિની તૈયારી કરવાનો આદેશ મેનેજરને આપી દીધો. સાથે જ ૨૫ લાખની વ્યવસ્થા માટે જમીનનો પ્લોટ વેચવાની પણ સૂચના આપી, પણ અનુરાધાનું મન હજી માનતું નહોતું. તેણે મિલનભાઈને ફરી આગ્રહ કર્યો, ‘એકવાર તમારો પણ ટેસ્ટ કરાવી લઈએ દત્તક લેતા પહેલાં.’ તેમણે મનમાં કહ્યું, ‘ટેસ્ટ તો થઈ ગયો. હવે કોઈ શંકા જ નથી.’ પણ અનુરાધાનું મન રાખવા પોટેન્સી ટેસ્ટ કરાવ્યો.

એનો રિપોર્ટ હમાણાં જ આવ્યો હતો. રોક્લાઈનર સોફા પર અચાનક મિલનભાઈ બેઠા થઈ ગયા. એને રંભલીની ફોન પરની પેલી વાતચીતનો અર્થ સમજાઈ ગયો. જે રંભલીએ ત્યારે ઉડાવી હતી.

રંભલીએ પ્રથમ વખત હાથ પકડ્યો તે પછી તેઓ નાહીને નીકળ્યા ત્યારે રંભલી કોઈને ફોન પર કરગરી રહી હતી, ‘તારા પ્લાન પ્રમાણે પ્રયત્ને તો કરું જ છું, પ્લીઝ થોડો સમય આપ મને. પ્લીઝ એ વીડિયો.’ એમને જોઈને રંભલી થોથવઈ ગઈ હતી. ‘શું થયું ?’ એમ પૂછ્યું ત્યારે ગલ્લાંતલ્લાં કરીને બહેનપણી સાથે કોઈ વીડિયો સીડી એકાંતમાં જોવાનો પ્લાન હોવાના ગોળગોળ જવાબ આપ્યા હતા. ‘રણજિત ? હા, એનો જ ફોન હોય એ અને બાળક પણ.’ રિપોર્ટનું પરિણામ જાણ્યા પછી બધું સ્પષ્ટ થઈ ગયું. પોતાની મૂર્ખતા પર શરમ આવી. છતાં જોકે, મનમાં વિચાર્યું, વાંક મારો પણ કહેવાય, એની સજા ભોગવી બીજું શું ?’

મેનેજરને બધું રદ કરવાની સૂચના આપ્યા બાદ અનુરાધાને બોલાવી. કહ્યું, ‘રિપોર્ટ આવી ગયો. અનુરાધા, મારામાં બાપ બનવાની ક્ષમતા જ નથી.’ અનુરાધાને એ ન સમજાયું કે મિલનભાઈ પોતે નપુંસક હોવાની વાત આટલા ખુશ થઈને શા માટે કહી રહ્યા છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અપરાધી – કાના બાંટવા”

Copy Protected by Chetan's WP-Copyprotect.