- ReadGujarati.com - http://www.readgujarati.com -

શિક્ષણની સાર્થકતા – મૃગેશ શાહ

(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો શ્રી મૃગેશભાઈ શાહનો સુંદર ચિંતનાત્મક લેખ..)

જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ – એ ત્રણ શબ્દોનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી-જુદી રીતે થતો હોય છે. ઉપનિષદકાળમાં દરેક શબ્દની સાથે ‘જ્ઞાન’ શબ્દ જોડવામાં આવતો. જેમ કે, ‘બ્રહ્મજ્ઞાન’, ‘અધ્યાત્મજ્ઞાન’, ‘આત્મજ્ઞાન’ વગેરે. મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ વધારે પ્રચલિત હતો. એ સમયમાં રાજા-મહારાજાઓ ‘અસ્ત્રવિદ્યા’, ‘શસ્ત્રવિદ્યા’ એવી જુદી જુદી વિદ્યાઓને મહત્વ આપતા. તેમ છતાં અધ્યાત્મની ભૂમિકા પર ‘જ્ઞાન’ અને ‘વિદ્યા’ એ બંને શબ્દો સમાનરૂપથી વપરાતા આવ્યા છે. જે અજ્ઞાનરૂપી અંધારામાંથી વ્યક્તિને મુક્ત કરે – सा विद्या या विमुक्तये – તેને ‘વિદ્યા’ કહે છે અને જેનાથી પોતાના સ્વરૂપની જાણકારી થાય તેને શાસ્ત્રોએ ‘જ્ઞાન’ કહ્યું છે. શ્રીમદ્‍ ભગવદ્‍ગીતામાં આ બંને શબ્દોનો ઉપયોગ સમાનરૂપથી થયેલો છે. જેમ કે –

श्रद्धावान लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं भवद्‍या परां शान्ति मचिरेणाधिगच्छति ॥ (४,३९)

राजविद्या राजगृह्यं पवित्रमिद्‍मुत्तमम् ।
प्रत्यक्षावगमं धन्यं सुसुखं कतुमव्ययम् ॥ (९,२)

‘જ્ઞાન’ અને ‘વિદ્યા’ એમ બંને શબ્દોથી અધ્યાયના નામ પણ અપાયેલાં છે. જેમ કે, ‘જ્ઞાનવિજ્ઞાન યોગ’ (અધ્યાય-૭) અને ‘રાજવિદ્યા-રાજગૃહ્યયોગ’ (અધ્યાય-૯). આ બંને શબ્દો સાધના, આત્મજ્ઞાન કે પછી અધ્યાત્મના સંદર્ભમાં વપરાયેલ છે. શાસ્ત્રો, પુરાણો, પૌરાણિક કથાઓ તથા ઉપનિષદની આખ્યાયિકાઓ – એમ બધી જગ્યાએ આ બંને શબ્દો મળી આવે છે. ઉપનિષદ્‍કાળમાં જ્ઞાન ગુરૂઓ દ્વારા આપવામાં આવતું હતું. પૌરાણિક કાળમાં વિદ્યાઓ આચાર્ય પાસેથી પ્રાપ્ત થતી હતી. એમ બંનેનો પોતાનો કાળ હતો.

હવેનો યુગ છે ‘શિક્ષણયુગ’. અર્વાચીનકાળમાં ‘શિક્ષણ’ની ચારેકોર બોલબાલા છે. ‘શિક્ષણ’ શબ્દ ‘શિક્ષા’ પરથી આવ્યો છે. ‘શિક્ષા’નો મૂળ અર્થ ‘દંડ’ એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નથી હોતો પણ ફરજિયાતપણે સામી વ્યક્તિને સામાજીક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે. અહીં ‘આત્મજ્ઞાન’ની જગ્યાએ ‘જીવનજ્ઞાન’ની વાત છે.

જેવી રીતે જ્ઞાન ગુરુ દ્વારા આપવામાં આવે છે, વિદ્યા આચાર્ય પાસે જવાથી મળે છે તેમ શિક્ષણ એ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ, સદ્‍ગુરુ હોવા જોઈએ, વિદ્યા માટે આચાર્ય બધી જ કળાઓમાં નિપુણ હોવા જોઈએ તેમ શિક્ષણ માટે પણ શિક્ષક શુદ્ધ, સાધુ ચરિત્ર અને વિવેકપૂર્ણ જીવન જીવનાર હોવો જોઈએ. શિક્ષક વિદ્યાર્થીનું આંતરિક ઘડતર કરે તેવા હોવા જોઈએ. શુદ્ધ, સાત્વિક જીવન વગર યોગ્ય શિક્ષક બની શકાતું નથી.

ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન ઊઠે કે આજકાલ શિક્ષકો ભણાવવા માટે રૂપિયો-પૈસા લે છે તો તેઓ ‘યોગ્ય શિક્ષક’ કહી શકાય ? આપણે સૌ જાણીએ છીએ કે ધનનો મુખ્ય હેતુ જીવન-નિર્વાહનો હોય છે. સદ્‍ગુરુને ધનની જરૂર બહુધા નથી હોતી તેઓ જરૂરી અન્ન વગેરે ભિક્ષાથી મેળવે છે. વિદ્યાના આચાર્યનો જીવન-નિર્વાહ રાજાના રાજકોશથી થાય છે કારણ કે આચાર્યની નિમણૂક રાજ્ય તરફથી કરવામાં આવતી હોય છે, પણ શિક્ષકનું શું ? શિક્ષક એ સમાજનું જ એક અંગ છે, જે શિક્ષકો કોઈ સંસ્થા, શાળા અને કૉલેજોમાં ભણાવતા હોય તેઓ પોતાનું વેતન જરૂર લઈ શકે તેમજ જે શિક્ષકો ખાનગી શિક્ષણ આપતાં હોય તેમણે પોતાના જીવનનિર્વાહ જેટલું જ લેવું જોઈએ. અહીંયા ખાનગી શિક્ષણમાં ટ્યુશનો કે ક્લાસીસોની વાત નથી પણ જે અભ્યાસક્રમમાં ઘરે બેઠાં કરવાના હોય, તે માટે મદદરૂપ થતા શિક્ષકોની વાત છે. ટ્યુશનો અને ક્લાસીસો દેશનું દૂષણ બની ગયા છે. તેના લીધે જ શિક્ષણ ‘પ્રોફેશનલ’ બની ગયું છે. ટ્યુશનો અને ક્લાસીસોને કારણે શિક્ષણમાં ભ્રષ્ટાચારરૂપી સડો વ્યાપી ગયો છે. ટ્યુશનો અને ક્લાસીસ ચલાવતાં શિક્ષકોને વિદ્યાર્થીના ભાવિની પડેલી નથી હોતી, તેમને તેમના ક્લાસના ઊંચા પરિણામની પડેલી વધારે હોય છે. આ બધાનો ઉપાય વિદ્યાર્થીઓને શાળા અને કૉલેજોમાં જ યોગ્ય શિક્ષણ આપીને દૂર કરી શકાય. આ બધા માટે શિક્ષકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવી જોઈએ.

શિક્ષક નીતિવાન, સદાચારી અને સદ્‍ગુણી હોવો જોઈએ. વિદ્યાર્થીઓનાં જીવનનિર્વાહ માટે તેમને ઉત્તમ શિક્ષણ આપે તેવો હોવો જોઈએ. વિદ્યાર્થીઓના ધન પર પોતાનું ગુજરાન ચલાવનાર શિક્ષકે વિદ્યાર્થીઓને જીવનનો રાજમાર્ગ બતાવીને પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈ. આ શિક્ષકનો ધર્મ છે અને તે જ શિક્ષકની ફરજ છે. ફરીથી કદાચ આપણને પ્રશ્ન થાય છે શિક્ષકે ‘અભ્યાસક્રમ ભણાવવાનો ?’ કે પછી ‘જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે માર્ગદર્શન આપ્યા કરવાનું ?’ શિક્ષકનું સાચું કર્તવ્ય શું ? શિક્ષકનું કર્તવય સમજવા માટે આપણે શિક્ષણના પ્રકારો સમજવા જોઈએ. શિક્ષણ બે પ્રકારનું હોય છે –
(૧) વ્યવસાયલક્ષી
(૨) વ્યવહારલક્ષી

હાલમાં આપણે જે કંઈ પણ ડિગ્રીઓ માટે ભણીએ છીએ એ બધું જ વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય છે. આ પ્રકારનું શિક્ષણ રોજગારી પૂરતું સીમિત છે. આ શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિનો વિકાસ કરવાનો, વ્યક્તિને વ્યવસાયમાં નિપુણ બનાવવવાનો અને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી ધન કમાઈ શકે તે રીતે તેને પગભર કરવાનો છે. આ શિક્ષણ વ્યક્તિને સાક્ષર બનાવે છે માટે અત્યંત જરૂરી છે. તેમ છતાં કોઈ વ્યક્તિ જીવનભર માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ લઈને બેસી રહે તો સાધન સંપન્ન જરૂર થાય, પણ જીવન ઘડતર તો બાકી જ રહે ! જીવનઘડતર માટે વ્યવહારલક્ષી શિક્ષણ જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણ ના મળે તો લોકો સાક્ષર ના બને, પરિણામે સમાજમાં નિરક્ષરતા વ્યાપી જાય. તેથી વ્યવસાયલક્ષી જરૂરી માત્રામાં હોવું જ જોઈએ. પહેલાના સમયમાં ગામડાઓમાં લોકો ખૂબ અંધશ્રદ્ધા ધરાવતા હતા, તેઓ દોરા-ધાગામાં અટવાયેલાં હતા. હવે તેવું નથી. લોકજાગૃતિથી સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. એકલું વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે તો પણ તકલીફ છે. તેનાથી બૌદ્ધિકતા ઊભી થાય, લોકો ઉચ્છંખલ, ઉધ્ધત અને અવિવેકી બની જાય. આપણે સમાજમાં ઘણી વાર કેટલાંક ડૉક્ટર, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટો અને એન્જિનયરોને તોછડાઈથી વર્તતા જોઈએ છીએ, એનું કારણ તેમને બીજા પ્રકારનું શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળેલું હોતું નથી. ટૂંકમાં, વ્યવસાયલક્ષી શિક્ષણનો છેદ ઉડાવી દઈએ તે નુકસાનકારક છે અને એકલું વ્યવસાયલક્ષી શિક્ષણ ચાલુ રાખીએ તો એ પણ સમાજ માટે પૂરતું નથી. તો હવે કરવું શું ?

જેમ કોઈ આર્યુવેદિક દવાને મધ અને દૂધ સાથે મિશ્ર કરીને લેવામાં આવે છે તેમ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સાથે-સાથે વ્યવહારલક્ષી જ્ઞાન પણ અપાવવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો દવા ગરમ પણ ન પડે અને તેની યોગ્ય અસર પણ થાય ! વ્યક્તિના વિકાસ માટે, સમાજિક ઉન્નતિ માટે અને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે જેટલું જરૂરી હોય, તેટલું શિક્ષણ આપવું જ જોઈએ. લોકોએ ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરવી જોઈએ. તેમાં કંઈ ખોટું નથી. એમાં રોકાયેલા શિક્ષકો પૂરતું વેતન પણ લઈ શકે. કુટુંબનો આર્થિક વિકાસ થાય અને સામાજિક સ્તર ઊચું આવે તે માટે આ શિક્ષણ જરૂરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડીને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હોય છે પણ… અફસોસ ! અત્યારે આ પ્રકારના શિક્ષણને ઊધઈ લાગી ગઈ છે. શાળાઓ અને કૉલેજો એક ‘ધંધો’ બની ગયાં છે. અનુશાસન આ પ્રકારના શિક્ષણનું મુખ્ય અંગ કહી શકાય. જે હવે સમૂળગું લુપ્ત થઈ ગયું છે. શાળાઓ, બોર્ડ અને કૉલેજની પરીક્ષાઓમાં પોલીસ ઊભી રાખવી પડે છે તે અનુશાસનની અધોગતિનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. ‘ડોનેશન’ના પૂરમાં અત્યારની શાળા અને કૉલેજો તણાઈ ગઈ છે. બુદ્ધિની તીવ્ર હરીફાઈઓ વચ્ચે સમાજમાં રહેલા નબળા વિદ્યાર્થીઓનું કોઈ જ સ્થાન હોતું નથી. પચાસથી સાઈઠ ટકા માર્કસ લાવનારને લોકો ‘બિચારો’ કહે છે. આ બધી વસ્તુઓ વ્યવહારલક્ષી શિક્ષણને લાગેલા કલંકો છે. આ બધામાં દોષ શાળાઓ, સંસ્થાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો નથી, પણ દોષ આપણે જે બીજા પ્રકારનું શિક્ષણ લીધું નથી તેનો છે. અને તેના પરિણામે આજે આ પહેલા પ્રકારનું શિક્ષણ પણ આપણા હાથમાં રહ્યું નથી. એમાં પણ કોઈ શાળાઓ અને સંસ્થાઓ એટલી બધી ‘પ્રોફેશનલ’ બની ગઈ છે કે અમુક ટકાવારીથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ જ નથી આપતી. એ તો ‘ભણેલાને ભણાવવા’ જેવી વાત છે.

જગતમાં જો આ એક જ પ્રકારનું શિક્ષણ ચાલુ રહે તો, માણસની પ્રગતિ થવાની જગ્યાએ અધોગતિ થઈ જાય. લોકોનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય, મની માઈન્ડેડ બની જાય. અને શિક્ષણ એક બોજ બનીને રહી જાય. પોતાના હોદ્દાનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, બુદ્ધિની તીવ્રતા અને ડીપ્રેશન એ આ પ્રકારના શિક્ષણની નબળી બાજુ છે. બોર્ડની પરીક્ષા અને પરિણામો પછી થતા આપઘાતની વાતો કોણ નથી જાણતું ? બંને પ્રકારના શિક્ષણની યોગ્ય માત્રા જ આપણને આ બધામાંથી બચાવી શકે. એ માત્રા નક્કી કરાવાનું હજી કદાચ આપણે શીખ્યાં નથી. એ કારણને લીધે આ પ્રકારના શિક્ષણમાં દંભ, બાહ્ય આડંબર અને દેખાદેખી ખૂબ ફાલ્યાં છે. વ્યવસાયલક્ષી શિક્ષણ પોતે એક વ્યવસાય બની ગયું છે ને નવા નવા ક્લાસીસો ખૂલતાં ગયા છે. ક્લાસીસો ખૂલે એ તો ચાલો ચલાવી લઈએ પણ દુઃખની વાત એ છે કે હવે ક્લાસીસોમાં પણ ‘માર્કેટિંગ’ આવી ગયું છે. તેના માટે રીતસર સ્પર્ધાઓ યોજાઈ છે. આપણી બૌદ્ધિકતાએ હવે હદ કરી છે ! ક્લાસીસો તરફથી યોજાતાં પ્રવાસો, વાર્ષિક મેળાઓ, આકર્ષક ગિફ્ટો – એ બધાં માર્કેટિંગના પ્રકારો છે. સુધરેલાં સમાજ એને ‘પ્રોફેશનલ કોચિંગ’ કહે છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છે તે હવે કહેવું મુશ્કેલ છે. હવે તો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં અને વ્યવસાયોમાં પણ એકસૂત્રતા જળવાતી નથી. ભણાવાનું કંઈક જુદું હોય છે અને નોકરીમાં જઈને કામ કોઈ જુદા પ્રકારનું કરવાનું હોય છે. આ બધાં કારણોને લીધે બેકારોની સંખ્યા વધાતી જાય છે. આ રીતે વ્યવસાયલક્ષી શિક્ષણનો જરૂરી ફાયદો આપણે ઊઠાવી શક્યા નથી.

હવે બીજા પ્રકારના શિક્ષણની વાત કરીએ. બીજા પ્રકારના શિક્ષણનું નામ ‘વ્યવહારલક્ષી’ છે. આપણે તેને ‘જીવનલક્ષી’ શિક્ષણ પણ કહી શકીએ. આ શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ ‘સંસ્કાર સિંચન’નો છે. આ પ્રકારના શિક્ષણમાં પહેલાથી નક્કી કરેલા અભ્યાસક્રમો નથી હોતા પણ શિક્ષકના અનુભવો એ વિધાર્થીનો અભ્યાસક્ર્મ બને છે – આ પ્રકારના શિક્ષણમાં શિક્ષકો કોણ ? આ પ્રકારના શિક્ષણની શરૂઆત કુટુંબથી થાય છે માટે માતા-પિતા, દાદા-દાદી તરફથી મળતો સંસ્કાર વારસો વિદ્યાર્થીના જીવન ઘડતરનો પાયો બને છે. માટે કુટુંબના સભ્યો એ આ પ્રકારના શિક્ષણના શિક્ષકો કહી શકાય. માતા પિતા તરફથી મળતાં નીતિના બોધપાઠો જીવનમાં બહુ મોટું કામ કરે છે. આમાં, વળી માતાનો તો મુખ્ય ફાળો હોય એ. કદાચ એટલે જ કહ્યું એ કે ‘એક માતા સો શિક્ષકોની ગરજ સારે.’ માતા હંમેશા વ્યવહારલક્ષી શિક્ષણ આપે છે. દાદા-દાદી વાર્તાઓ કહીને બાળકની કલ્પના શક્તિનો વિકાસ જે રીતે કરી શકે છે તે આજની કાર્ટૂન ફિલ્મોથી થઈ શકતો નથી. પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા, માનસિકતા, શક્તિ- એ બધું કુટુંબના વડીલો પાસેથી મળે છે. સદાચાર, સદ્‍ગુણો અને સભ્યતા વગર કોઈ પણ પ્રકારનું શિક્ષણ અધૂરું છે. વ્યવસાયલક્ષી શિક્ષણ વડે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી આપણે તો એટલા આગળ નીકળી ગયાં છે કે સંયુક્ત કુટુંબો હવે ટીવી સીરિયલોમાં જ જોવા મળે છે ! હવે તો દરેકની એક ‘પ્રાઈવેટ’ લાઈફ હોય છે અને દરેક કપલને સ્વતંત્રતા જોઈએ છે. આ બધાને પરિણામે જીવનલક્ષી અભ્યાસના મૂળ કપાઈ ગયાં છે અને લોકો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માંડ્યા છે એ બુદ્ધિની ચરમસીમા છે. ઘણાં બાળકોનો IQ અત્યારે ખૂબ ઊંચા છે પણ તમને ક્યાં, શું બોલવાનું એનો વિવેક નથી. તેનું કારણ વ્યવહારલક્ષી શિક્ષણનો અભાવ છે. કુટુંબીજનો દ્વારા જો આ પ્રકારનું વ્યવસ્થિત શિક્ષણ મળે તો જીવનની દિશા બદલાઈ જાય. આ પ્રકારના શિક્ષણમાં કોઈ વેતન હોતું નથી, આ પ્રકારના શિક્ષણનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી તેમજ આ શિક્ષકોનું ઋણ કદાપિ ચૂકવી શકાતું નથી.

જીવનલક્ષી શિક્ષણ બીજું પુસ્તકોથી પ્રાપ્ત થાય છે. પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી તથા તેમના જેવો કોઈ સાથી નથી. પુસ્તકો એક શિક્ષકની ગરજ સારે છે. તેઓ આપણી પાસે કોઈ વેતન લેતાં નથી. સારા પુસ્તકોનું વાચન વ્યક્તિમાં ચોક્કસ ચરિત્રનું નિર્માણ કરી શકે. મહાપુરુષોની આત્મકથા અને તેમન અનુભવો કેટલાયના જીવન અજવાળી શકે. ગમે તેટલી વ્યસ્તતામાંથી સમય કાઢીને આપણે થોડો સમય પુસ્તકો સાથે વીતાવવો જોઈએ. પુસ્તકોનું વાચન ભાવજગતને પુષ્ટ કરે છે અને તેનાથી ડિપ્રેશન આદિ રોગો દૂર થાય છે. તામામ પૂર્વગ્રહોથી મુક્ત બનીને, પોતાનું જ્ઞાન એક બાજુએ મૂકીને, લેખકની શૈલીથી પુસ્તક વાંચવું જોઈએ અને તેમાંથી યોગ્ય લાગે એટલા સદ્‍વિચારોને ગ્રહણ કરવા જોઈએ. પુસ્તકો મનોરંજનથી લઈને મનોવિકાસ સુધીના કામ એકલા હાથે કરી શકે એમ છે. યુવાનોએ વ્યવહારલક્ષી શિક્ષણ મેળવવા માટે નીતિના પુસ્તકોનું વાચન શ્રેષ્ઠ છે. આપણે વ્યવહારલક્ષી જ્ઞાન માટે પુસ્તકો સાથે પાક્કી મૈત્રી કરવી જોઈએ. પુસ્તક પાસેથી યોગ્ય વિચાર અને શિક્ષણ પ્રાપ્ત કરનારે, તેની જાળવણી અને સાચવણી કરતાં શીખવું જોઈએ. પુસ્તકોની સારસંભાળ એ તેમને આપેલી દક્ષિણા બરાબર છે. ‘આ સારું છે’, ‘આ ખરાબ છે’, ‘આ બરાબર નથી’ એવું મૂલ્યાંકન પુસ્તકો માટે કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે પુસ્તકનું પ્રૂફ રીડિંગ નથી કરવાનું, આપણે તેનાં આપેલા શબ્દોનું આચમન અને આચરણ કરવાનું છે. આ પ્રકારથી પ્રાપ્ત થયેલું વ્યવહારલક્ષી શિક્ષણ વ્યક્તિને શાંતિ, આનંદ અને પ્રસન્‍નતાના માર્ગે લઈ જાય છે. અત્યારે આપણે ટેલિવિઝન તરફ આંધળી દોટ મૂકી છે. તેને પરિણામે પુસ્તકો તરફથી પ્રાપ્ત થતા વારસાથી વંચિત રહી ગયા છીએ. ટેલિવિઝન વ્યક્તિમાં સંસ્કાર સિંચન કરી શકતા નથી. એ તો ફક્ત મનોરંજનનું જ માધ્યમ છે. જ્યારે પુસ્તકો મનોરંજનની સાથે સાથે વ્યક્તિને મનોમંથન પણ કરાવે છે. તે કારણને લીધે જ પુસ્તકો મહાન છે. જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે તેમનો સાથ કદાપિ છોડી શકાય નહીં.

વ્યવહારિક જ્ઞાન મેળવવા માટેનો ત્રીજો માર્ગ ‘સંગ’ છે. આપણે ત્યાં ગુજરાતીમાં ‘એવો સંગ તેવો રંગ’ એમ કહેવામાં આવે છે. ‘સંગ’ શબ્દના ઘણા અર્થો કરી શકાય. ઘણી વાર વ્યવહારલક્ષી શિક્ષણ મિત્રો પાસેથી પણ પ્રાપ્ત થતું હોય છે. સારો સંગ કરવાથી વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી જાય છે. તેમ છતાં આ તો જ શક્ય બને છે જો મિત્ર ‘સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય’ તેવો મળે. અત્યારનું કલ્ચર જે રોજેરોજ ‘ફ્રેન્ડ’ બદલે છે તેની આ વાત નથી. સારા મિત્રો પોતાના અનુભવથી બીજા મિત્રનું સંસ્કાર સિંચન કરે છે. સંગની મનુષ્યના વિચારો પર સીધી અસર થાય છે અને વિચારો જ તો મનુષ્યનું ઘડતર કરે છે ! તેમાં પણ વળી સત્સંગ મળી જાય તો કહેવાનું શું ? સત્સંગ આપણને ‘જ્ઞાન’ સુધીની ઊંચાઈ આપી શકે તેમ છે. સંગની અસર વિશે, ભગવાને શ્રી ગીતાજીમાં કહ્યું છે કે –

संगात् संजायते कामः
कामात् क्रोधाभिजायते ।
क्रोधात् भवति संमोह
संमोहत् स्मृति विभ्रम् ।
स्मृतिभंशात् बुद्धिनाशं
बुद्धिनाशात् प्रण्श्यति ॥

ખોટા સંગથી કામનાઓ ઉત્પન્‍ન થાય છે, કામની અપૂર્તિથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિ ભ્રંશ થાય છે. સ્મૃતિભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને જેની બુદ્ધિ નાશ પામે છે તેનું સઘળું નાશ પામે છે. ખરાબ સંગ જીવનને અધોગતિ તરફ લઈ જાય છે. ઉત્તમોતમ સંગ કરીને જીવન ઉર્ધ્વ બનાવવાની આપણે ઈચ્છા રાખવી જોઈએ. સુસંગ એ શિક્ષકનું કામ કરે છે અને જીવનનું શિક્ષણ આપે છે.

વ્યવહારિક શિક્ષણ આ રીતે કુટુંબમાંથી, પુસ્તકોમાંથી અને મિત્રવર્તુળોમાંથી પ્રાપ્ત થતું હોય છે. તેમ છતાં આ શિક્ષણ પ્રાપ્ત કરવાનાં બીજા ઘણાં રસ્તાઓ હોઈ શકે. કોઈને આ શિક્ષણ ‘અનુભવ’થી પ્રાપ્ત થાય છે, કોઈને ‘સેવા’થી, કોઈને ‘દેશ વિદેશના પ્રવાસો’થી પણ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ઘટના, કોઈ પ્રસંગ અથવા કોઈ વ્યક્તિ શિક્ષકના રૂપમાં નિમિત્ત બની જાય છે.

વ્યવહારલક્ષી શિક્ષણ વગર વ્યવસાયલક્ષી શિક્ષણ અધૂરું છે. વળી, આ પ્રકારનું શિક્ષણ જીવનભર ચાલતું રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘જીવન એક પાઠશાળા છે.’ બંનેનો સમન્વય આપણા જીવનને ઉજાગર કરી શકે. જેમણે જ્ઞાનમાર્ગ સુધીની યાત્રા કરવાની હોય તેમણે વ્યવહારલક્ષી પગદંડી પર ગયા વગર છૂટકો નથી. અર્વાચીન યુગમાં શિક્ષણની આ પરિભાષા સમજવી આપણે ખૂબ જરૂરી છે. શિક્ષકોનું કર્તવ્ય એ જુદી જુદી રીતે જુદા જુદા માર્ગમાં વિસ્તરિત થયું છે. જીવનમાં આપણે કદાચ જ્ઞાન અને વિદ્યા સુધી પહોંચી શકીએ તો ઘણું સારું છે પણ જો કદાચ તેમ ન થઈ શકે તો પણ આ બંને પ્રકારના શિક્ષણ આપણો જીવનપંથ જરૂરથી ઉજાગર કરી શકે.

– મૃગેશ શાહ