સ્વેટર – હરિત પંડ્યા

(‘અધૂરો માળો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

નીરવને રાતની દવાનો ડૉઝ પીવડાવીને શ્વેતા એની પથારીમાં આડી પડી. થોડી વારમાં તો એ નિદ્રાધીન થઈ ગઈ. પણ નીરવને ક્યાંય સુધી ઊંઘ ન આવી. અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. નીરવને શરદી ઝટ થઈ જતી. એટલે ઠંડીનો ચમકારો વરતાવો શરૂ થયો એના બીજા જ દિવસે એણે ગરમ કપડાંનો ઢગલો કબાટમાંથી બહાર કાઢીને ફેંદવા માંડેલો.

“શું શોધો છો ?” શ્વેતાએ પૂછેલું.

“મારું સ્વેટર ક્યાં ?”

“એ તો મેં કામવાળીને આપી દીધું કાલે.”

“હેં !” એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ એનો ચહેરો લેવાઈ ગયો. થોડી વારે જરા સ્વસ્થ થઈને એણે કહ્યું, “પણ શ્વેતા, મને પૂછવું તો હતું !”

“એમાં તમને શું પૂછવાનું હતું ! જૂનાં કપડાં કામવાળીને કે વાસણવાળાંને આપું છું ત્યારે ક્યાં તમને પૂછું છું ! ને છતાં મને કશું કહ્યું નથી તમે ક્યારેય. આજે આ જૂના-પુરાણા સ્વેટર માટે…!”

“એ જૂનું હતું એ વાત તારી સાચી, પણ…”

“તમને પૂછત તો તમે ના જ પાડત, એની મને ખાતરી હતી. કોણ જાણે શુંય એ સ્વેટરમાં હતું તે એને છાતીએથી અળગું જ કરતા નો’તા; આખા શિયાળા દરમિયાન.”

“પણ, આમ કામવાળીને…!”

“એ તો, વાસણવાળીએ લેવાની ના પાડી તેથી, અને કામવાળીએય ના પાડી હોત તો હું કોઈ ભિખારીને એ પધરાવી દેત. મને તો એ દીઠે ગમતું નો’તું. ને એ ઘરમાં હોત ત્યાં સુધી બીજા સ્વેટર સામે તમે નજર સરખીય નાખત નહીં, એય નક્કી.”

એ ગરમ કપડાંના ઢગને જેમનો તેમ રહેવા દઈને ઊભો થઈ ગયો હતો. જૂના સ્વેટરના વિરહમાં એનાથી તે દિવસે નિરાંતે જમાતું પણ નો’તું.

એ ઑફિસે જવા નીકળતો હતો ત્યાં શ્વેતા સામે આવીને ઊભી રહી ગઈ હતી.

“લો. આ નવું સ્વેટર પહેરી લો. નહીં તો શરદીમાં પટકાઈ પડશો પાછા.”

“નવું સ્વેટર ! પણ ખરીદતાં પહેલાં મને પૂછ્યુંય નહીં !”

“કેમ ? ન ગમ્યું ? પહેરી તો જુઓ, જૂના જેટલી જ હૂંફ આપશે.”

પણ સ્વેટર સામે જોયા વિના જ એ ઑફિસે ચાલ્યો ગયો હતો.

શ્વેતાએ ખિજાઈને સ્વેટરને કૉટમાં ફંગોળ્યું. ખુલ્લા બારણામાંથી આવતી ઠંડી લહેરમાં એ, કૉટમાં પડ્યું પડ્યું આછું થરથરતું રહ્યું.

એ સાંજે ઑફિસેથી ઘરે આવતાં નીરવને ખાસ્સું મોડું થઈ ગયેલું. છેક પાંચ વાગે સાહેબે એને બે-ત્રણ કાગળો ટાઈપ કરવા આપેલા એ કાગળો તે જ દિવસે રવાના કરવાના હતા. એ ઘેર પહોંચ્યો ત્યારે આઠેક વાગી ગયા હતા. કશું ગરમ પહેરેલું નહીં, તે બરાબરની શરદી ભરાઈ ગયેલી. બીજે દિવસથી તો થોડો તાવ પણ લાગુ પડી ગયેલો.

એ છત સામે આંખ માંડીને કૉટમાં પડ્યો રહ્યો.

તે દિવસે એ બાગમાં એના ચિરપરિચિત બાંકડે બેઠો હતો. એની નજર બાગના દરવાજે મંડાયેલી હતી. ત્યાં એણે દૂરથી ઉષ્માને આવતી જોઈ. પણ પહેલાં તો એ હરણીની જેમ કૂદતી-ઊછળતી એને મળવા આવતી. આજે આમ કેમ ?

એની બાજુમાં બેસતાં તો ઉષ્મા ભાંગી પડી.

“પણ, શું થયું એ તો કહે !”

“પપ્પાએ ના પાડી.” ઉષ્માએ રડતાં-રડતાં કહ્યું. નીરવ એને વાંસે હાથ ફેરવતો રહ્યો.

“એમાં રડવાનું શું ! હું મળીશ તારા પપ્પાને.”

“પણ એ નહીં માને. હું ઓળખુંને એમને.”

“નહીં માને તો એમની મરજી વિરુદ્ધ પણ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, જો તું મક્કમ હોય તો.”

“નીરવ, એ તો સવાલ જ નથી. તારા સાથમાં દુનિયાની કોઈ પણ મુસીબત મારે મન મુસીબત નહીં રહે. પણ તારી મમ્મીને તો તેં પૂછી જોયું છે ને…?”

“મમ્મીની સંમતિ તો મને પહેલેથી મળી ગઈ છે. શું લઈ આવી છે આ પ્લાસ્ટિકની થેલીમાં ?”

“તારે માટે સ્વેટર. તને શિયાળામાં વારેવારે શરદી થઈ જાય છે ને !” કહી ઉષ્માએ એનાં આંસુ લૂછી નાખ્યાં અને થેલીમાંથી સ્વેટર કાઢીને નીરવના હાથમાં મૂક્યું.

“કેટલામાં આવ્યું ?”

“ખરીદ્યું નથી. મેં જાતે ગૂંથ્યું છે તારે માટે. પહેરતો રહેજે, તે મારી ગેરહાજરીમાં પણ તને હૂંફ મળ્યા કરે.” ઉષ્મા ધીમેધીમે સ્વસ્થ થતી જતી હતી.

“તારી ગેરહાજરી ! પરણ્યા પછી આપણે કદી છૂટાં જ પડીશું નહીં, પછી તારી ગેરહાજરીનો સવાલ…”

“હા, પણ તું ઑફિસ જઈશ ત્યાં હું થોડી જ તારી સાથે આવવાની હતી !”

“એ ખરું.”

“ગમ્યું ?” કહી ઉષ્માએ સ્વેટર લઈને નીરવની છાતી પર પાથરી દીધું.

“કેમ ન ગમે ! સરસ છે.” કહેતાં નીરવને થોડી ઉધરસ આવી ગઈ.

“કેમ ? આજે તું ઢીલો લાગે છે.”

“ના, એવું ખાસ કંઈ નથી. સવારનું જરા શરદી જેવું લાગે છે.”

“ભેગો થોડો તાવેય હશે, હું જાણુંને !” કહી ઉષ્માએ એના કપાળે હાથ મૂક્યો. નીરવે એનો હાથ પકડી લીધો.

“ઉષ્મા, હું તારા વિના નહીં જીવી શકું. ઉષ્મા… ઉષ્મા…”

વીંછીનો ડંખ વાગ્યો હોય એમ શ્વેતાએ એનો હાથ નીરવના હાથમાંથી બળપૂર્વક એકઝાટકે છોડાવી નાખ્યો.

એ સાથે જ નીરવ જાગી ગયો.

“ઉં… શ્વેતા, તું હજુ જાગે છે ?”

“ના. ઊંઘી ગઈ’તી. આ તો, બાથરૂમ જવા ઊઠી’તી તે થયું, તમારો તાવ જોતી જાઉં.” પણ આટલું બોલતાં તો શ્વેતાથી રડુંરડું થઈ જવાયું. બાકીની આખી રાત એ કૉટમાં પાસાં બદલતી રહી.

એમનાં લગ્નને ત્રણેક વર્ષ થયાં હતાં, છતાં નીરવે એની સાથે મન મૂકીને કદી વાત કરી નો’તી. આમ જોઈએ તો એને નીરવ તરફથી કોઈ જાતનું દુઃખ નો’તું, પણ દુઃખનો અભાવ એટલે સુખ, એમ એ માનતી નો’તી. શરૂઆતમાં તો એણે માનેલું કે દાંપત્ય જીવનની ગાડીને પાટા પર લાવતાં દરેકને છ-બાર મહિના તો લાગે જ, પણ આ તો, ત્રણ-ત્રણ વર્ષનાં વહાણાં વાયાં છતાંય નીરવ એનાથી અતડો, અપરિચિત રહ્યો હતો. ને નીરવના પોતાના તરફના આવા વર્તન માટે એણે કોઈ કારણ આપ્યું હોત તોય લેખે લાગત, પણ આ તો… ઘણી વાર તો અવહેલના કડવા ઘૂંટડા ગળી જઈનેય એ નીરવનું હ્રદય જીતી લેવા સદા પ્રયાસ કરતી રહેલી, પણ એમાં એને હજુ સુધી સફળતા મળી નો’તી.

એને જોકે પાછળથી જાણવા મળેલું કે નીરવ લગ્ન કરવાની ના જ પાડતો હતો, પણ પછી માના સંતોષ ખાતર અને માની માંદગી કે વૃદ્ધાવસ્થા દરમિયાન એની સાર-સંભાળ લેનાર કોઈ સ્ત્રી ઘરમાં જોઈએ, એમ વિચારીને એ પરણવા તૈયાર થયેલો. નીરવના પોતાના તરફના આવા ઠંડા વર્તાવનું રહસ્ય એને આજે જાણવા મળ્યું. કોણ હશે આ ઉષ્મા ! આ ઉષ્માને લીધે જ… ને જૂના સ્વેટર માટેના નીરવના લગાવ પાછળ પણ ઉષ્મા જ કારણભૂત હશે.

સવારે ઊઠી ત્યારે નીરવ ઊંઘતો હતો. નીરવના કપાળને સ્પર્શીને એનો તાવ જોઈ લેવાની ઈચ્છાને એણે દૂર હડસેલી મૂકી.

તાવ તો કાલનો ઊતરી ગયો છે, અને ફરી ચડ્યો હશે તોય મારે શું ?

બારણું બહારથી વાસીને એ કામવાળીને ત્યાં આંટો મારી આવી. એ ઘેર પાછી આવી તોય નીરવ ઊઠ્યો નો’તો. નિત્યક્રમથી પરવારી એણે ધીમા ગૅસ પર ચાનું પાણી મૂક્યું. પછી બાથરૂમમાં નીરવનું બ્રશ અને પેસ્ટ મૂકીને એણે એને જગાડ્યો. ગૅસ પર મૂકેલું પાણી બળતું રહ્યું.

નીરવે ઉઠીને બ્રશ પતાવ્યું, ત્યાં સુધીમાં ચા થઈ ગઈ હતી. ચાના કપની બાજુમાં, સવારે લેવાની ગોળીઓ મૂકીને એ નીરવની સામેની ખુરશીમાં બેઠી.

“નીરવ, બપોરની ટ્રેનમાં હું આજે ભાઈને ત્યાં જાઉં છું.” એટલું કહેતાં તો એનો અવાજ તરડાઈ ગયો.

“કેમ ? ત્યાં બધાં સાજાં-સમાં તો છે ને ?”

“ખબર નથી. પણ સાજાં-સમાં હશે તોય…” એનાથી રોઈ પડાશે કે શું ?

નીરવે ચાની ચૂસકી ભરી. એના હોઠ અને જીભ બરાબરનાં દાઝી ગયાં. એણે સિસકારા બોલાવતાં શ્વેતા ભણી જોયું.

“પણ આમ એકાએક…!”

“નીરવ, આ દુનિયામાં કશું એકાએક બનતું નથી. અત્યાર સુધી તો ઠીક, પણ કાલે રાત્રે તમારે જ મોંએ ઉષ્માનું નામ સાંભળ્યા પછી તો મારાથી આ ઘરમાં રહી નહીં શકાય. મને પહેલેથી ખબર હોત તો…” એના હાથમાંનો કપ આછો ધ્રૂજતો હતો.

“શેની ખબર !?” કોણીથી ઢીંચણ પર ટેકવેલા હાથે બેલેન્સ ગુમાવતાં એનો કપ નીચે પટકાતાં માંડ રહી ગયો.

“હું શું કહેવા માગું છું એ તમે બરાબર જાણો છો. હું તમારા અને ઉષ્માના સંબંધો વચ્ચે અંતરાયરૂપ થવા નથી માગતી. લો, આ એમણે ગૂંથેલું સ્વેટર.” કહી શ્વેતાએ કબાટમાંથી જૂનું સ્વેટર કાઢીને નીરવ સામે ટિપાઈ પર મૂક્યું.

“અરે !” કહેતાં નીરવે ચાનો કપ એક કોર મૂકીને સ્વેટર ટિપાઈ પરથી ઉપાડ્યું અને છાતીસરસું ચાંપી દીધું, અને તેની સુંવાળી રુંવાટી પર એ હાથ ફેરવતો રહ્યો. સ્વેટર પણ સાંત્વના અનુભવતું નીરવની છાતીએ વળગી રહ્યું. શ્વેતા એ દ્રશ્ય જોતી રહી. એના ચહેરાની નસો વધુ તંગ બની.

“હવે તમને શાંતિ થઈને ! ને મારા ગયા પછી ઉષ્માનેય અહીં બોલાવી લેજો, તે નિરાંત થાય.” શ્વેતાના અવાજમાં વેદના સાથે કટુતાય ભળી હતી.

નીરવ તો કશુંય બોલ્યા વિના સ્વેટરને પંપાળતો રહ્યો. એણે શ્વેતા સામે નજર કરી. એના તપ્તવર્ણા ચહેરાને આંસુની સરવાણીઓએ ભીંજવી નાખ્યો હતો. એના ચહેરા પર ઊમટી આવેલ વૈશાખી માવઠાએ નીરવને હલબલાવી નાખ્યો.

“શ્વેતા, હું તારો આક્રોશ સમજી શકું છું.” એણે સ્વેટર છાતીએથી અળગું કરતાં કહ્યું, “શ્વેતા જાણે-અજાણે મેં તારું મન દુભાવ્યું છે. તારી લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તને ઘર છોડીને જતી રોકવાનો મને કોઈ અધિકાર રહ્યો નથી, પણ તારા ગયા પછી આ ઘરમાં બીજું કોઈ તારું સ્થાન લેશે નહીં એટલી વાત યાદ રાખજે.”

“કેમ ? ઉષ્માને આ ઘરમાં આવવામાં શો વાંધો આવવાનો હતો, મારા ગયા પછી ? તમારા બંને વચ્ચે હું કાંટારૂપ હતી એ તો આજે દૂર થઈ જાઉં છું.”

“કારણ કે… ઉષ્મા આ દુનિયામાં નથી રહી.” નીરવે રડમસ અવાજમાં કહ્યું.

“હેં !? શું કહો છો !” કહેતાં શ્વેતાનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.

“હા, તું આ ઘરમાં આવી એ પહેલાં જ…”

“પણ…!”

“તારે પૂરી વાત સાંભળવી હોય તો કહું.” નીરવે ગળામાં બાઝેલી ખરખરી દૂર કરતાં કહ્યું, “હું અને ઉષ્મા નિશાળમાં સાથે ભણતાં ત્યારથી એકબીજા તરફ આકર્ષાયેલાં. કૉલેજમાંય સાથે હતાં. પછી તો અમે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. પણ ઉષ્માના પપ્પાને અમારાં લગ્ન મંજૂર નો’તાં, એ સમાચાર આપવા ઉષ્મા એ સાંજે બાગમાં આવી. એ બાગમાં અમે ઘણી વાર મળતાં. એ મારે માટે એક સ્વેટર પણ લેતી આવી હતી. એણે રડતાં-રડતાં બધી વાત કરી. અમે બંનેએ એના પપ્પાની મરજી વિરુદ્ધ લગ્ન કરી નાંખવાનું નક્કી કરી નાખ્યું. એ પછી અમે છૂટાં પડ્યાં. તે દિવસે ઘેર જતાં રસ્તામાં કારની હડફેટમાં આવી જતાં ઉષ્મા…” નીરવ આગળ બોલી શક્યો નહીં. એની વેદના ઓગળીને આંસુના રૂપમાં વહેવા લાગી. શ્વેતાની પણ એ જ દશા હતી.

થોડી વારે સ્વસ્થ થઈને નીરવે વાત આગળ ચલાવી.

“આમ, ઉષ્મા મને છોડીને સદાને માટે દૂરદૂર ચાલી ગઈ. આ સ્વેટર અમારા આખરી મિલનનું સંભારણું છે. પછી તો હું જિંદગીભર લગ્ન નહીં કરવાનો સંકલ્પ કરી બેઠો, પણ માની માંદગીએ મારો એ સંકલ્પ તોડાવ્યો. માંદાની સારવાર સારી પેઠે તો સ્ત્રી જ કરી શકે. એ પુરુષનું કામ નહીં. આમ, તારી સાથે લગ્ન કરવા હું સંમત થયો. પછી જોકે મા ઝાઝું જીવી નહીં, એ તો તને ખબર છે. પણ શ્વેતા, ઉષ્મા સાથેનાં સ્મરણો ભીતરમાં વાગોળતા રહીને મારે તને દુઃખી કરવી જોઈતી નો’તી. લગ્ન કરતાં પહેલાં જ મારે તને બધી વાત કરવી જોઈતી હતી. શ્વેતા આ ઘરમાં હું તને એક નર્સ કે હાઉસકીપરથી વિશેષ સ્થાન નથી આપી શક્યો. એ બદલ હું તારો ગુનેગાર છું. ઉષ્માના ગયા પછીય હું એની સ્મૃતિ ઓઢીને ફરતો રહ્યો. અતીતના પડછાયા માટેના લગાવમાં મેં વર્તમાનના વાસ્તવિક જીવનને ઠોકરાવ્યું, ઝાંઝવાનાં જળને પામવાની ઘેલછામાં, ભર્યાભર્યા સરોવરને કાંઠે હું તરસે તરફડતો રહ્યો આ જ દિ’ સુધી. શ્વેતા, ઉષ્માની સ્મૃતિ મને જીવનના અંત સુધી સહારો નહીં આપી શકે. તારા ચાલી ગયા પછી હું ક્યાંયનો નહીં રહું. તું ન જાય તો સારું. સ્મૃતિઓના વિશ્વમાંથી બહાર નીકળવા માટે મારે તારી સહાયની જરૂર છે. મહેરબાની કરીને તું ન જા.” કહેતાં એની આંખો ફરી ટપકવા માંડી.

શ્વેતાથી વધારે વખત ખુરશીમાં બેસી રહી શકાયું નહીં. એ ઊભી થઈ અને નીરવ પાસે આવી, ને એણે એના પાલવથી નીરવનાં આંસુ લૂછી નાખ્યાં. નીરવે એનું માથું શ્વેતાની ભરાવદાર છાતીમાં ખૂંપવી દીધું. શ્વેતાનો હેતાળ હાથ એના માથા પર ફરતો રહ્યો.

“ચાલો, નથી જતી, બસ !” શ્વેતાએ એનો નિર્ણય જાહેર કર્યો. થોડી વારે શ્વેતાથી અળગા થઈને નીરવે કહ્યું.

“શ્વેતા એક કામ કરીશ ? આ સ્વેટર મારી નજરે ન પડે એવી જગાએ મૂકી દે. ને લાવ તારું નવું આણેલું સ્વેટર.”

શ્વેતા નવું સ્વેટર લઈ આવી. એ જ ક્ષણે નીરવે એ ચડાવી દીધું. થોડી વારમાં તો એ પરસેવે રેબઝેબ થઈ ગયો. શ્વેતા નીરવના બદન પર શોભતા પોતાના સ્વેટરને નેહભરી નજરે જોતી રહી. એ સાથે જ એના ચહેરા પર વાસંતી પરોઢની સુરખી રેલાઈ રહી. બીજી જ પળે, એની નજર, પાંખો કપાઈ ગયેલા પંખીની જેમ ઢગલો થઈને કૉટમાં પડેલા જૂના સ્વેટર પર પડી. ને એના ચહેરા પરની સુરખી સહેજ ઝંખવાઈ.

બીજે દિવસે નીરવ જાગ્યો ત્યારે બેય સ્વેટરોને એણે સામેની દીવાલ પર એકમેકની પડખે ઝૂલતાં જોયાં. એનાથી શ્વેતા સામે જોવાઈ ગયું. શ્વેતા ન સમજાય એવું મરક-મરક હસતી હતી.

[કુલ પાન ૨૨૪. કિંમત રૂ. ૨૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સ્વેટર – હરિત પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.