પહાડ જેવા દુઃખને રાઈનો દાણો કેવી રીતે બનવશો ? – ડૉ. ચંદ્રકાંત મહેતા

(‘સફળતાની સિસ્મોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

માણસને ત્રણ પ્રકારનાં દુઃખ ભોગવવાં પડે છે. દૈહિક, દૈવિક અને ભૌતિક. ગમે તેટલો સમર્થ માણસ હોય પણ એક યા બીજા પ્રકારે એના જીવનમાં આ ત્રણ પૈકી એકાદ અથવા વધુ દુઃખ આવવાનાં જ. માણસ દુઃખથી ભાગી શકતો નથી. એટલે સંત કબીરે કહેલી વાત યાદ રાખવી જોઈએ.

“દેહ ધરે કા રોગ હૈ,
સબ કાહુ કો હોય,
જ્ઞાની ભુગતે જ્ઞાનસે,
મૂરખ ભુગતે રોય.”

દેહ ધારણ કર્યો એટલે દુઃખ રૂપી રોગની શક્યતાઓ બધાં માટે રહેવાની. જેઓ દુઃખનું રહસ્ય એટલે કે અનિવાર્યતા સમજે છે, તેવા જ્ઞાની લોકો જ્ઞાનપૂર્વક એટલે કે સમજણ અને પ્રસન્નતાપૂર્વક દુઃખ સહન કરે છે. જ્યારે અજ્ઞાની માણસ દુઃખ આવતા દેકારો મચાવી મૂકે છે. રુદન કરે છે, ભાગ્યને નિંદે છે, ભગવાનને નિંદે છે અને પોતાનો પ્રતિકૂળ સમય ચાલી રહ્યો છે, એમ સમયને પણ ભાંડે છે.

નરસિંહ મહેતા જ્ઞાની હતા. એમણે દુઃખના સમયમાં માણસને આશ્વાસન આપતાં ગાયું કે :

“સુખ-દુઃખ મનમાં ન આણીએ.
ઘટ સાથે રે ઘડીઆં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે
રઘુનાથનાં જડીઆં.”

અને એ પછી દેવો, દાનવો અને મહામાનવોનાં ઉદાહરણ આપી એ વાત સમજવે છે કે દુનિયામાં કોઈ દુઃખમુક્ત રહી શક્યું નથી. દુઃખના નિમંત્રકો પૈકી માણસની એષણાઓ ત્રણ પ્રકારની છે : ૧. લોકેષણા એટલે કીર્તિપ્રાપ્તિની ઈચ્છા. ૨. વિત્તેષણા એટલે કે ધનપ્રાપ્તિની ઈચ્છા. ૩. પુત્રેષણા એટલે કે પુત્રપ્રાપ્તિ અથવા સ્ત્રીપ્રાપ્તિની ઈચ્છા. માણસ એટલે ઈચ્છાઓના હાથમાં નાચતી કઠપૂતળી. ઈચ્છા ખંડિત થાય, નંદવાય કે નષ્ટ થાય ત્યારે માણસ એનો આઘાત જીરવી શકતો નથી. પરિણામે એ દુઃખી થાય છે. આપણી આશા કે ધારણાની વિરુદ્ધ થવું તેને આપણે દુઃખ માનીએ છીએ. પણ હંમેશા આપણું ધાર્યું થતું નથી. માણસનું ધાર્યું થતું હોત તો આ દુનિયામાં અરાજકતા સર્જાવાની શક્યતા વધી જાત. ફરી પાછા નરસિંહ મહેતાને યાદ કરી લઈએ.

“જે ગમે જગત-ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે,
ઊદરે એક ઉદ્વેગ ધરવો.”

માણસનું ધાર્યું થતું હોત તો ?

“નીપજે નરથી કોઈ નર રહે દુઃખી
શત્રુ મારીને સૌ મિત્ર રાખે,
રાયને રંક કોઈ દ્રષ્ટ આવે નહીં,
ભવન પર ભવન પર છત્ર દાખે.”

જે સમયે, જે સુખ કે દુઃખ મળવાનું હોય છે, તે યથાસમયે માણસને આવી મળે છે એટલે કે

“જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે.”

આટલી વાત સમજાય તો માણસ દુઃખના સમયે રોદણાં રડવાને બદલે ધૈર્યપૂર્વક દુઃખને સહન કરે.

‘વિદૂરનીતિ’માં દુઃખી કોણ રહે, એની સ્પષ્ટતા કરવામાં આવી છે. તદ્દનુસાર ઈર્ષ્યાળુ, તિરસ્કાર કરનાર, અસંતોષી, ક્રોધી, સદાય શંકાળુ સ્વભાવ ધરાવનાર અને બીજાના ભાગ્ય પર જીવનનિર્વાહ કરનાર – આ છ પ્રકારના લોકો દુઃખી રહે છે.

એક જિજ્ઞાસુએ કોઈ મહાત્માને ચાર પ્રશ્ન પૂછ્યા, જેના જવાબ મહાત્માએ આ રીતે આપ્યા –

પ્રશ્ન : ૧ એવી કોઈ વસ્તુ છે, જે નિરંતર ઘટ્યા કરે છે ?
ઉત્તર : મનુષ્યનું આપુષ્ય, જ્યારથી માણસ જન્મ ધારણ કરે છે, ક્ષણે-ક્ષણે તેનું આયુષ્ય ઘટતું જાય છે.

પ્રશ્ન : ૨ એવી કઈ વસ્તુ છે, જે નિરંતર વધ્યા કરે છે ?
ઉત્તર : તૃષ્ણા, કારણ કે તૃષ્ણાને તૃપ્ત કરવામાં આવે તો એ ચાર ગણી વધી જાય છે.

પ્રશ્ન : ૩ એવું કોણ છે, જે વધે પણ છે અને ઘટે પણ છે ?
ઉત્તર : માણસનું મન. પરિસ્થિતિ પ્રમાણે માણસનું ચંચળ મન ઘટે પણ છે અને વધે પણ છે. માણસનું મન સર્વ દિશાઓમાં દોડતું રહે છે.

પ્રશ્ન : ૪ એવી કઈ વસ્તુ છે, જે ન તો ક્યારેય ઘટે છે કે ન ક્યારેય વધે છે ?
ઉત્તર : વિધાતાનું વિધાન. તેમાં કશું પરિવર્તન નથી થતું. જે થવાનું હોય છે, તે થઈને જ રહે છે. વિધાતાના વિધાનને કોણ ટાળી શકે છે ?

આ ચારે પ્રશ્નોના ઉત્તરનો સારાંશ એ છે કે મનુષ્ય મનને કારણે, મનની ચંચળાતાને કારણે દુઃખી થાય છે. ભાગ્યવિધાતાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે દુઃખ આવે ત્યારે તેને હસી કાઢવા સિવાય આપણી પાસે બીજા કોઈ જ વિકલ્પ નથી.

માણસના દુઃખના સમયે કેમ વધુ દુઃખી થાય છે ? પોતાના દુઃખને કેમ પહાડ જેવું ગણે છે ? એનું કારણ છે દુઃખની ચિંતા અને દુઃખનું ચિંતન. માણસ પોતાના દુઃખને પહાડ જેવું ગણે છે, કારણ કે એને બીજા લોકોના દુઃખની ખબર પણ નથી હોતી. મોટા દુઃખને રાઈના દાણા સરીખું ગણવા માટે મનમાં સંયમ, સમજણ, સહિષ્ણુતા, ધૈર્ય અને પરમ શક્તિમાં વિશ્વાસ – જેવા ગુણોની આવશ્યકતા રહે છે, સંયમ હશે તો માણસ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ જેવા દુર્ગુણો પર વિજય પ્રાપ્ત કરી શકશે. વિપરીત સંજોગોમાં માનસિક સ્વસ્થતા જાળવી રાખવી એ દુઃખને નાનું બનાવવાનો હાથવગો ઉપાય છે.

સારા મિત્રોનો સાથ અને સત્સંગ દુઃખને હલકું કરવામાં – ગણવામાં મદદરૂપ થાય છે. ગીતાંજલિમાં રવીન્દ્રનાથ ટાગોરની દુઃખના સમયે કરવા જેવી પ્રાર્થના સંકલિત છે તેઓ કહે છે : (હે પ્રભુ) વિપત્તિમાં મારું રક્ષણ કરો એવી પ્રાર્થના હું નથી કરતો, પરંતુ વિપત્તિમાં હું ભયગ્રસ્ત ન બનું, મારી એ જ પ્રાર્થના છે.

ચિંતક વોલે કહ્યું છે તેમ “આફત કે દુઃખ એ કોઈ પાપની સજા છે, તેવું જો માનશો તો આવેલી આફતને દૂર કરી શકશો નહીં. તેમ કરતાં આવેલી આફત બેવડું દુઃખ ઊભું કરશે. આફત એ આફત છે, એમ સમજી તેનો સામનો કરો.

એટલે દુઃખને એક ઘટના સમજી તે અંગે વધુ વિચાર કરી વિહ્‍વળ ન બનવું એ જ દુઃખને નાનું બનાવવાનો ઈલાજ છે. દુઃખને ઘૂંટણિયે પડનારને દુઃખ વધુ સતાવે છે. તમે દુઃખને દુઃખી કરો તો જ સાચા મરદ.

[કુલ પાન ૧૭૪. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a Reply to patel margi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “પહાડ જેવા દુઃખને રાઈનો દાણો કેવી રીતે બનવશો ? – ડૉ. ચંદ્રકાંત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.