Archive for 2017

સરિતાની શરત – રમણ મેકવાન

અત્યાર સુધીમાં સરિતાનાં લગ્નની ત્રણેક વાતો આવી હતી. છોકરાઓ સરિતા સાથે કલાક બે કલાક હોંશથી વાતો કરતા. સરિતા ભણેલી, ગ્રેજ્યુએટ હતી, સરકારી ઑફિસમાં સારા પગારની નોકરી હતી. રૂપાળી, આકર્ષક હતી. છોકરો એની સાથે લગ્ન માટે તૈયાર થઈ જતો, પણ પછી સરિતા અંતમાં છોકરાને એવું કંઈ કહેતી કે છોકરો ભડકીને ભાગી જતો. અત્યાર સુધીમાં બધી વાતોમાં આમ જ બન્યું હતું અને આ પ્રશ્ને સરિતાની મમ્મી શારદાબેન, પપ્પા શાંતિલાલ, સગાંસાથી, સરિતાની સહેલીઓ બધાં પરેશાન હતાં.

સરિતા, છોકરાને એવું તે શું કહેતી હતી કે સરિતા સાથે કશી પૂર્વશરત વગર જીવન જોડવા તૈયાર થતો છોકરો પછી ‘હા’ કે ‘ના’ કહેવાની પણ તસ્દી લેતો નહીં, અને સરિતાનાં મમ્મી-પપ્પા છોકરા તરફથી જવાબની અપેક્ષાએ કાગના ડોળે રાહ જોઈ રહેતાં. છોકરા તરફથી કશો જવાબ આવતો નહીં, આથી બંને, શારદાબેન અને શાંતિલાલ રઘવાયાં થઈ જતાં, સરિતાને પુછાપુછ કરતાં, એની પાસેથી સંતોષકારક ખુલાસો મળતો નહીં. આથી સરિતાની જેટલી સહિયર-મિત્ર હતી, એ બધીને પૂછતાં, ‘સરિતાને કોઈ સાથે સંબંધ છે? તમને ખબર હોય તો કહો, અમે તપાસ કરી યોગ્ય લાગશે તો ચોક્કસ સરિતાની ઈચ્છા પ્રમાણે કરીશું.’ કારણ દિવસે દિવસે સરિતાની ઉંમર વધતી હતી. હાલ સરિતાને બાવીસમું ચાલતું હતું, પછી તેવીસ, ચોવીસ અને… સરિતાનાં મમ્મી-પપ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

છે(છો)ડ સખી સરગમ – સ્વાતિ મેઢ

હમણાં એક વિદ્વાને લખેલો લેખ વાંચ્યો. એમણે કહેલું કે ગુજરાતના આત્મકથા સાહિત્યમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથાઓ જૂજ છે. એવું કેમ? મને ખબર છે એવું કેમ? હું નહીં કહું કહું કારણકે… નહીં કહેવાનું કારણ પણ હું નહીં કહું. પણ ચાલો એ ખોટ પૂરી કરવા પુરતું હું મારી આત્મકથાનું એક પ્રકરણ કહું.

તો વાત એમ છે કે નાનપણથી મને ગાવાનો બહુ જ શોખ ને પ્રભુજીએ મને મધુર કંઠની બક્ષિસ આપેલી નહીં. આપણે નાના હોઈએ ત્યારે એવી કંઈ ખબર પડે નહીં એટલે હું મારા ગુજરાતી કમ સંગીત ટીચરને કહું, ‘બહેન મને ગાવામાં રાખોને,’ એ કદી મારી વાત સાંભળે જ નહીં. એ તો મને મૌખિક પરીક્ષામાં કવિતાગાન પણ ન કરવા દે. ઉલટાનું કહે, ‘તું ગાય છે તો મારાથી હાર્મોનિયમની ખોટી ચાવી દબાઈ જાય છે. તારે છેલ્લી લાઈનમાં બેસવાનું.’ આને અન્યાય કહેવાય કે નહીં? પણ એ વખતે મને બાલિકાઓના અધિકારો, નારીના અધિકારો વગેરે વિષે ખબર નહોતી, (ભારત દેશમાં કોઈને ય ખબર નહોતી) નહીં તો મેં આ મુદ્દે હડતાળ પાડી હોત. મેં બહુ જ બહુ જ કહ્યું ત્યારે એમણે શરત મૂકી, ‘તું જો ગણિતમાં સોમાંથી પંચાસી માર્ક્સ લાવે તો હું તને ગાવા દઈશ, સંગીત પણ શીખવાડીશ’. આ ય અઘરી શરત કારણકે ગણિતમાં ય આપણું ગાયન જેવું. પ્રભુજી એ આવડત પણ આપતાં ભૂલી ગયેલા! છતાં ય મેં મહેનત કરી, પ્રેક્ટીસ કરી, એ સિવાયની ય રીતો અજમાવી. (કઈ એ ન કહેવાય, છોકરાં ખોટું શીખે) અને વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં પંચાસી માર્ક્સ મેળવ્યા. પછી પડ્યું ઉનાળાનું વેકેશન. નવા વર્ષે સ્કૂલ શરુ થઈ ને મને ખબર પડી કે એ ટીચર તો સ્કૂલ છોડીને જતાં રહ્યાં. કેમ? મને ગાતાં શીખવાડવું પડે એટલે? શી ખબર!

શ્રદ્ધા સ્મૃતિમંદિર – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

‘પપ્પા, આ શું માંડ્યું છે? વહેલી સવારે ઊઠીને શ્રદ્ધાનો મંત્રોચ્ચાર કરીને મારી ઊંઘ બગાડો છો?’ નિખિલેશ સહેજ છણકા સાથે બોલ્યો અને પાસું ફેરવી સૂઈ ગયો !

ભક્તિપ્રસાદ પૂર્વ આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં રહ્યા અને પુષ્કળ ધન કમાયા. તેમનામાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ભારોભાર હતો. શ્રદ્ધા એમના જીવનનું પ્રેરકબળ હતી. એ મૂડીને આધારે જ તેઓ કરોડપતિ બન્યા હતા.

પત્નીના અવસાન પછી તેમણે પુત્ર નિખિલેશને એક માતાની જેમ ઉછેર્યો હતો. તેમની શ્રદ્ધાનો વારસદાર બને પણ નિખિલેશ જુદી જ માટીનો યુવક હતો. એના જીવનમાં શ્રદ્ધાનું નહીં શંકાનું સ્થાન મહત્વનું હતું. એ દેશને બાદમાં અને પોતાની જાતને અગ્રિમસ્થાને મૂકતો હતો.

થોડાસા રુમાની હો જાયે.. – નમ્રતા દેસાઈ

જેવી ટ્રેન આવી, એક જ ઝટકે એ ધક્કામુક્કીમાં અંદર ફેકાઈ ગઈ. હજુ સવારના દસ જ વાગ્યા હતા પણ પુષ્કળ ગરમી અને બફારો લાગતો હતો. દરિયાને પોતાની બાથમાં લઈને દોડતી મહાનગરની લાખો સ્ત્રીઓમાંથી એ એક નાનકડી સ્ત્રી. સૌ દોડે એમ એ પણ દોડતી હતી, આ શહેરની જોડે પોતાને સંસારને મઠારવા!

રોજની જેમ જ એ આજે પણ મોડી પહોચી હતી. હજી પર્સમાંથી પાણીની બોટલ ટેબલ પર મૂકે એ પહેલા જ કેબિનમાંથી હુકમ આવી પહોચ્યો. સખત તરસ લાગી હતી. છતાં પાણી પીવા માટે એ ન રોકાઈ, જીવનની તરસમાં પણ એ આમ જ સુકાઈ જતી છતાં એ તરસ છીપાવવાનો એને સમય જ  કયાં હતો? અનુરાધાને શાંતિથી શ્વાસ લેવાની અને સપના જોવાની મનાઈ હતી.

ત્રણ પદ્યરચનાઓ – પ્રો. મનસુખ ટી. સાવલિયા

અરે વાહ !
તું તો કહેતો હતો કે
સર્વ જીવોમાં તને એકલાને જ સાંપડી છે –
એક અદભુત શક્તિ-વિચારશક્તિ !
પણ કેમ કરીને હું માનું તારી એ વાત ?

Copy Protected by Chetan's WP-Copyprotect.