બે ગઝલરચનાઓ.. – ગૌરાંગ ઠાકર

૧.

ફૂલો ન હોય તોય બગીચો તો જોઈએ,
ખુશ્બુના ખાલીપાને દરજ્જો તો જોઈએ.

તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે,
દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ.

ઘરમાં ભલેને રાચરચીલું ન હોય પણ
એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઈએ.

મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો?
તમને ધનિક કહેવા ગરીબો તો જોઈએ.

ચાલ્યા કરે ચરણ ને શું? મંઝિલથી પણ વધુ,
તળિયાથી તાળવા સુધી જુસ્સો તો જોઈએ.

તમને પૂછ્યા વગર તો મે પાણી નથી પીધું,
મારા પછી જે આવે એ તરસ્યો તો જોઈએ.

૨.

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં તો હરણને ન રણમાં ઉતારો.

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખા નહીં બસ અભરખા ઉતારો.

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.

ફૂલો માંદગીનાં બિછાને પડ્યા છે,
બગીચામાં થોડા ભમરા ઉતારો.

આ પર્વતના માથે છે ઝરણાંના બેડા,
જરા સાચવીને એને હેઠા ઉતારો.

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.

– ગૌરાંગ ઠાકર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “બે ગઝલરચનાઓ.. – ગૌરાંગ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.