જીવકોર બાપા – વિષ્ણુપ્રસાદ ડાહ્યાભાઈ ત્રિવેદી

(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના ‘જોયેલું ને જાણેલું’ વિભાગમાંથી સાભાર)

હમણાં-હમણાં ત્રણ ચાર વર્ષથી પાલનપુરથી મારા વતનમાં જતો ત્યારે અંબાજી ધામ તરીકે ઓળખાતા સણાદર ગામ ને દિઓદર ગામ વચ્ચે દર પૂનમે પગપાળા દિઓદરથી સણાદર જતા લોકો માટે ખુલ્લી પાણીની પરબ જોવા મળવા લાગી. આ પરબ ખાસ કરીને ઉનાળાના ચાર મહિનાની પૂનમે જ ચાલતી હોય તેવું લાગતું. પાલનપુરથી સવારની બસમાં દિઓદર જઈએ ત્યારે બસની બારીમાંથી ખુલ્લી પરબનાં દર્શન થતાં. સાંજે છેલ્લી બસમાં પાલનપુર જઈએ ત્યારે પણ પાણીની પરબ તો ચાલુ જ હોય. લીમડાના છાંયડે હાઈવેને અડીને મોટી સિન્ટેલની ટાંકીમાં બરફ નાખીને ઠંડુ પાણી બનાવેલ હોય. ને આ ટાંકીમાંથી ઠંડુ પાણી ગળાઈને સ્ટીલની પવાલીમાં ભરાય ને પછી સ્ટીલના ગ્લાસથી પાણી પિવડાવવામાં આવતું. જ્યારે પણ આ બાજુથી નીકળવાનું થાય ત્યારે ચાલીસી વટાવી ગયેલ સદ્‍ગૃહસ્થ આખો દિવસ પાણી પિવડાવતા નજરે પડે. આખો દિવસ પાણી પીવડાવે છતાં થાક કે કંટાળાનું મુખ પર નિશાન જોવા ન મળે. ઉનાળાની કાળ-ઝાળ ગરમીમાં ને લૂ ઝરતા વાયરામાં પણ આનંદથી પાણીની પરબ ચલાવ્યા જ કરતા.

મનમાં ઘણીવાર પ્રશ્ન ઉદ્‍ભવતો. આ સજ્જન કોણ છે ? આવી ગરમીમાં જાતે લોકોને શા માટે પાણી પિવડાવતા હશે ? આ પરબનો ખર્ચ કોણ આપતું હશે ? ઘણા લોકો તો પોતાના નામની પરબ છે તે માટે મોટા બેનરો લગાવતા હોય છે. અહીં તો કશા જ પ્રકારના બેનર વગર પાણીની પરબ ચાલતી હતી. સજ્જનના દેખાવ પરથી તો તેઓ સામાન્ય માણસ તો નહોતા દેખાતા. કપડા ને તેમની રહેણીકરણીથી તો વ્યવસ્થિત ઘરના દેખાતા હતા. આ નિરુત્તર રહેલા પ્રશ્નોના જવાબો મેળવવા મનમાં જ ઘણી તાલાવેલી લાગતી.

આ વૈશાખી પૂનમે વતનમાં જવા નીકળ્યો એટલે પ્રથમ દિઓદર જવાના બદલે સવાર-સવારમાં નવ-સવા નવ વાગ્યે પરબે ઊતરી પણ ગયો.

મારા આશ્ચર્યની વચ્ચે આજે પરબમાં ફેરફાર જણાયો. લીમડાનો છાંયડો ગાયબ થઈ ગયેલ ને તેની જગ્યાએ ચાર થાંભલા પર ઉપરના ભાગે સરસ મજાનો રંગીન મંડપ હવામાં હિલોળા લેતો હતો. ચારે દિશાઓ ખુલ્લી હોવાથી બેરોકટોક હવા આવતી જતી હતી. રોડની સાઈડો પહોળી કરવાથી કેટલાંય વૃક્ષોનું નીકળી ગયેલું. તેમાં પરબવાળો લીમડો પણ ભોગ બનેલ જણાયો. સિન્ટેલના ટાંકાએ પણ વિદાય લીધેલ ને તેની જગ્યાએ ટેબલો પર ધોળું બાસ્કા જેવું કાપડ પાથરેલ ને તેની ઉપર સરસ મજાના ચાર-પાંચ મિનરલ પાણીના જગ ગોઠવેલ. દરેકની બાજુમાં સ્ટીલના ગ્લાસ. પ્લાસ્ટિકના કે થર્મોકોલના ગ્લાસ માટે આ પરબમાં પહેલેથી જ સ્થાન મળેલ નહીં. કદાચ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય તેવો ઉદ્દેશ પણ હશે.

પરબમાં પેલા સદ્‍ગૃહસ્થ બેઠેલા તેમણે મને આવકારી અંદર ગોઠવેલ ખુરશીમાં બેસવા કહ્યું. મારે આમેય આ પરબ વિશે ઘણી બધી વાતો જાણવી હતી એટલે હું પરબની અંદર ગોઠવેલ ખુરશીમાં ગોઠવાયો. સદ્‍ગૃહસ્થે મને તેમના સ્વહસ્તે ઠંડુ પાણી પાયું. પાણી એક તો ઠંડુ હતું ને પાછું મિનરલ હતું. બે ગ્લાસ પાણીના પી ગયો. મારા શરીરમાં ટાઢક વળી ગઈ. મેં પરબની અંદર જોયું તો બીજા પંદરેક જગ પાણીના ભરેલ હતા. તેમાંથી અંદાજ આવી ગયો કે પરબમાંથી પાણીનો પ્રવાહ સાંજ સુધી અવિરત વહેતો જ હશે.

આ સદ્‍ગૃહસ્થે વટેમાર્ગુઓને પાણી પિવડાવતાં મારી સાથે કલાકેક આત્મીયતાભરી વાતો કરી. વાતચીતનો મુખ્ય સાર જોઈએ તો આ પ્રમાણે હતો. આ સદ્‍ગૃહસ્થ અને તેમના ધર્મપત્ની દિઓદરની બાજુના ગામમાં શિક્ષણકાર્ય સાથે જોડાયેલા. દંપતી કર્મપરાયણની સાથે સાથે ધર્મપરાયણ પણ ખરું. આ સદ્‍ગૃહસ્થે ગુજરાતીમાં ‘જીવકોરમા’ નામનો બાળકોને પાઠ ભણાવ્યો. પાઠમાં જીવકોરમા નામનાં એકલપંડ વૃદ્ધ માજીએ પોતાના ગામના પાદરે ઘેઘુર વડલાના થડમાં ઠંડા પાણીની વરસો સુધી પરબ ચલાવેલ. આજુબાજુનાં ગામોમાં પણ જીવકોરમાની પરબોની વાતો થતી. જીવકોરમાની પરબ ત્રિભેટે એટલે કેટલાય વટેમાર્ગુઓ આ પરબનું ઠંડુ પાણી પી જીવકોરમાને આશીર્વાદ આપતા. આ પાઠના અંતે માનવમૂલ્યમાં લખવામાં આવેલ કે ‘બાળકોમાં સમાજસેવાનો ગુણ વિકસે.’ ત્યારે આ સદ્‍ગૃહસ્થે વિચાર્યું કે બાળકોમાં આ ગુણ ખીલવતાં પહેલાં આપણે આ ગુણને આત્મસાત્‍ કર્યો હોય તો કેવું સારું ! આપણે જીવકોરમાની જેમ ‘જીવકોર-બાપા’ બની જઈએ તો કેમ.

પછી તો તેમણે વિચાર્યું કે કયા રસ્તે સૌથી વધારે વટેમાર્ગુઓ ચાલતા જાય છે ને ઘણીબધી વિચારણાના અંતે તેમણે નક્કી કર્યું કે દિઓદર-સણાદર વચ્ચે હાઈવે પર જ પરબ શરૂ કરવી. મક્કમ નિર્ધાર સાથે પરબ શરૂ થઈ. શરૂઆતમાં થોડીઘણી મુશ્કેલી પડેલ. પણ આ સદ્‍ગૃહસ્થે જરા પણ ડગ્યા વિના પરબ ચાલુ રાખી, ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડા પાણીનો પ્રવાહ અવિરત વહેતો રાખ્યો. ઘણા સહકર્મચારી મિત્રો ઠપકો પણ આપતા, ‘આવી ગરમીમાં શેકાયા વગર ને લોકોને પાણી પિવડાવ્યા વગર ઘરે સરસ મજાની એસીની ઠંડી હવા ખાઓ. લૂ લાગશે તો આમાંનો કોઈ સગો નહીં થાય.’

આ મીઠો ઠપકો સહર્ષ સાંભળીનેય આ સજ્જને પોતાનું આ શ્રમકાર્ય ચાલુ રાખ્યું. સવારથી સાંજ સુધી ઠંડા પાણીની પરબ ચાલતી. ક્યારેક રાત્રીના નવેક વાગ્યે પણ પરબ ચાલુ રહેતી. આખો દિવસ જાતે ખડેપગે ઊભા રહી લોકોને હસતા મોઢે પાણી પિવડાવતા. ક્યારેય મોં પર રોષ કે અણગમાનું ચિહ્‍ન જોવા ન મળે. પાણી પિવડાવતાં પિવડાવતાં તરસ્યા માણસની તરસ છીપાતી જોઈ મનોમન રાજી થતા. આ સદ્‍ગૃહસ્થ ખરેખર મૂક સેવક મહારાજ જેવા જ ગણાય. સેવાનો ભેખ ધારણ કરેલ ઓલિયો માણસ.

એમની વાતચીત પરથી એ પણ જાણવા મળ્યું કે પોતે ધારે તો પાણી પિવડાવવા માણસને પગાર આપી રાખી શકે પણ આ પગારદાર માણસ લોકો પાસેથી પાણીના પૈસા ઉઘરાવવા માંડે ને કદાચ કોઈ વટેમાર્ગુ પાસે પૈસા ન હોય ને પાણી પીધા વગર જાય તો તેની આંતરડી કેટલી કકળે એટલે પોતે જાતે જ આ સેવાકાર્ય કરતા.

બપોરના સમયે તેમનાં ધર્મપત્ની ટિફિન લઈ આવતાં. તેઓ પણ બપોરના સમય દરમ્યાન વટેમાર્ગુઓને પરબમાંથી પાણી પિવડાવી પોતાના પતિના ભગીરથ સેવાકાર્યમાં સહયોગ આપતાં.

આજે સમાજમાં માનવમૂલ્યોનું અસ્તિત્વ નાશ પામી રહ્યું છે ત્યારે આવા ‘જીવકોર બાપા’ જેવા સજ્જનો દ્વારા સમાજના દૂર ખૂણે પણ માનવમૂલ્યોનું જતન થતું જોવા મળે ત્યારે આપણું મસ્તક આવા સજ્જનોના સેવાકાર્ય સામે ઝૂકી જાય છે.

સંપર્ક : ૧૧, પરફેક્ટ રેસિડન્સી, ડીસા હાઈવે, પાલનપુર-૩૮૫૦૦૧, મો. : ૯૪૨૯૩૬૧૨૯૫


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બે ગઝલરચનાઓ.. – ગૌરાંગ ઠાકર
કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન – મૃગેશ શાહ Next »   

7 પ્રતિભાવો : જીવકોર બાપા – વિષ્ણુપ્રસાદ ડાહ્યાભાઈ ત્રિવેદી

 1. Gita kansara says:

  Great selute Jivabapane.dhanyawad. God bless you.

 2. સુબોધભાઇ says:

  ઉમદા વિચારો સહીતનુ સદ્કાર્ય.

 3. સંઞીતા ચાવડા says:

  Charity begin at home
  માણસ સમાજમા કંઇક નવું કરે અને તેની શરુવાત પોતાનાથીજ કરે તેનાથી રુડુ બીજુ શુ હોઈ શકે?
  સો સો સલામ તેઓની વિચારધારાને

 4. gopal khetani says:

  “આપણા મલકના માયાળુ માનવી”… ગુજરાત હજુયે પોતાની સંસ્કૃતી ભુલ્યો નથી એ વાતનું ગર્વ છે. સો સો સલામ જીવકોરમાના અનુયાયીને!

 5. sandip says:

  “આજે સમાજમાં માનવમૂલ્યોનું અસ્તિત્વ નાશ પામી રહ્યું છે ત્યારે આવા ‘જીવકોર બાપા’ જેવા સજ્જનો દ્વારા સમાજના દૂર ખૂણે પણ માનવમૂલ્યોનું જતન થતું જોવા મળે ત્યારે આપણું મસ્તક આવા સજ્જનોના સેવાકાર્ય સામે ઝૂકી જાય છે.”

  અદભુત વિચારધારા………….

  આભાર્…………….

 6. Nausad Sheikh says:

  આજ મને દિલ્હિ મા આવેલા ગુજરાતિ સેવા સમાજ મન્દલ નિ યાદ અપાવિ દિધિ.

 7. Kiran Patel says:

  Wish I could take some time off from my work and spend some time helping “Jivkor bapa”

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.