કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન – મૃગેશ શાહ

(૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્યલેખ.)

ઑફિસ જવામાં ટાઈમ હોય તો પણ ઉતાવળિયો મારો સ્વભાવ. દૂધ ને બિસ્કીટ ખાતાં-ખાતાં કાયમ દૂધ ઉતાવળમાં વહેલું પીવાઈ જાય અથવા કાં તો બિસ્કીટ વહેલા ચવાઈ જાય. બંનેનો કદી સંગાથ થાય જ નહીં.

નાહતાં-નાહતાં મોઢે સાબુ લગાડયા પછી ટબલર ક્યાં ખોવાઈ જાય કે જડે જ નહીં. ટબલર જડે ત્યાં વળી પાછી સાબુની ગોટી અદ્રશ્ય થઈ જાય. આવા બધા કારણોને લીધે કાયમ શેંવિગ રહી જાય. આમ પણ મને શેંવિગ અને સેવિંગ એ બંને જોડે બહુ ઓછું બને. મારો ચહેરો જોઈ જોઈને રોજના બે-ચાર જણ પૂછનાર મળી જ આવે – “બીમાર છો યાર કે શું ?”

શ્રીમતીજી કાયમ ટોકે, “હવે તો પગાર થઈ ગયો જરા દાઢી-બાઢી તો કરો.” પણ ઉતાવળ એ મારો સ્વભાવ. તેને શું સમજાવું ?

સેલફોનનો ગાળિયો ગળામાં નાખું પછી જ યાદ આવે કે ટીનિયાએ (સેલફોને) દૂધ પીધું નથી એટલે વારે વારે ટેં… ટેં… અવાજ કરે છે. વળી પાછો ગાળિયો ગળામાં જ રાખીને સેલફોન ને છૂટો કરી ચાર્જ કરવા મૂકું. ત્યાં સુધી બૂટ પોલિશનો પ્રોગ્રામ ચાલે. ચારેબાજુ પાકીટ, કાંસકો, રૂમાલ અને ઘડિયાળની શોધખોળ ચાલે. તેમાં અમારું આખું કુટુંબ જોડાય. સવાર-સવારમાં બરાબર ધમાલ અને ધમાચકડીના દ્રશ્યો ભજવાય. તેમાં પણ જો કોઈ મહેમાન આવી ચડ્યું તો તો બાર જ વાગી જાય (એટલે કે મહેમાન જ સ્તો વળી !) આખું ઘર જાણે રૂમે રૂમે ફરી ગરબા ગાતું હોય તેવા દ્રશ્યો ખડાં થાય.

બૂટ પોલિશનો પ્રોગ્રામ પતે એટલે બસ પકડવાની ઉતાવળ તેમાં ને તેમાં અઠવાડિયાનાં ચાર દિવસ પેલો સેલફોન ઘરે ચાર્જ કરવામાં જ રહી જાય અને પેલો પાછો ગાળિયો તો ગળામાં લટક્લતો જ હોય ! અથડાતો-કૂટાતો હું ઑફિસે પહોંચું એટલે બોસ સાથે બોક્સિંગ શરૂ થાય.

“મિ. શાહ, પાછા મોડા આવ્યા ? ચાલો, આ ફાઈલ જરા ક્લીયર કરો મારે ઈન્કમ ટેક્ષ પહોંચાડવાની છે.” અને વળી પાછો હું રોજની જેમ ફાઈલોની અગોચર દુનિયામાં ખોવાઈ જાઉં.

આજની સવાર પણ કંઈક આવી જ હતી પણ આજે મને બરાબર યાદ હતું કે નેન્સી માટે ઈન્ટરનેટની તપાસ કરવાની છે. ઘરેથી નીકળતા જ વિચાર આવ્યો કે કોઈ પણ કનેક્શન લેતાં પહેલા ગર્વમેન્ટ સ્કીમની તપાસ કરી લેવી. આમ પણ ‘કનેક્શન’ અને ‘ગર્વમેન્ટ’ એ બે શબ્દોને બહુ સારું બને. એટલે વળી મને થયું કે ઈન્ટરનેટ કનેક્શન જો ગર્વમેન્ટનું એટલે કે BSNLનું મળી જાય તો કદાચ સસ્તું પડે. આવો વિચાર કરીને મેં BSNLના રૂટની બસ પસંદ કરી.

મોડા પડવાની આદત તો હતી જ એટલે વળી મને એમ થયું કે થોડું આપણું પણ કામ પતાવીને જ ઑફિસ જવું. ઉતાવળ કરું તો પણ મોડા જ પડાય અને મોડો પડું એટલે બીજા દિવસે વળી પાછો ઉતાવળ કરું. આમ, ઉતાવળ કરવાને લીધે મોડા પડાય છે કે મોડા પડવાની બીકે ઉતાવળ થઈ જાય છે તેવી મારી ગૂંચનો ઉકેલ મને આજ સુધી મળ્યો નથી. એ ગૂંચ ઉકેલવાનો મિથ્યા પ્રયાસ કરતા વિચારો અને સરકારી બસની સુહાની સફરનો આનંદ લેતાં લેતાં મારે ઉતરવાનું હતું તે સ્ટેશન આવ્યું.

ત્યાંથી થોડું ચાલીને મેં ટેલિફોન એક્ષ્ચેન્જમાં મારા કદમ મૂક્યા. દરવાજાની પાસે વોચમેનને જોતા મેં મારી જિજ્ઞાસા વ્યક્ત કરી, “અહીંયા ઈન્ટરનેટ કનેક્શન એટલે કે બ્રોડબેન્ડ માટે ક્યાં મળવાનું ?”

“કયુ બેન્ડ ? અહીં કોઈ બેન્ડ-બેન્ડ નથી.” – મને ખાતરી જ હતી તેવો ઉત્તર મળ્યો. પણ હું સરકારી ઑફિસની હવાથી પરિચિત હતો એટલે મેં તો દીધે રાખ્યું.

“હું કંઈ વરઘોડામાં વગાડે એ બેન્ડની વાત નથી કરતો. આ ઈન્ટરનેટની વાત છે. તેને કમ્પ્યૂટરમાં લગાડવાનું હોય છે.” – મેં ભાષણ છોડ્યું.

“તો એમ કો’ને સા’બ ! તમારે કમ્પ્યૂટર કનેક્શન જોઈએ છે.” – વોચમેને ફોડ પાડ્યો.

મને થયું આને સમજાવવો મુશ્કેલ છે. ઈન્ટરનેટ અને કમ્પ્યૂટર આ બંને તેના માટે સરખું જ હતું. એટલે મેં તેની હામાં હા ભેળવી, “હા. બસ, એમ જ કંઈક.”

“તો સા’બ, ત્રીજા માળે રૂમ નંબર ચારમાં હમણાં જ તેને લગતું નવું ખાતું ખૂલ્યું છે ત્યાં તપાસ કરો.”

સરકારી ઑફિસ અને લિફ્ટ એ બંનેનો કદી મેળ ખાય નહીં. એટલે મેં લિફ્ટના બટનને દબાવી રાખીને રાહ જોવાનો મિથ્યા પ્રયાસ રહેવાનો માંડી વાળી સીધું પગથિયેથી ચઢાણ કરવા માંડ્યું. છ-છ મોટા પહાડ જેવા દાદરા ચઢીને સામે જોયું તો રૂમ નં.૩૨ દેખાયો. બે ઘડી તમ્મર આવી ગયા કે આ વોચમેને ક્યાંક ભળતી જગ્યાએ તો નથી ભટકાવી દીધા ને. પણ રૂમ નં.૩૨ની સામેના જ ખૂણામાં રૂમ નંબર ‘છ’ એમ લખેલું દેખાયું અને મને હાશ થઈ. આનું જ નામ સરકારી ઑફિસ !

રૂમમાં પ્રવેશીને ચારેબાજુ દ્રષ્ટિ કરી એ જ ટિપીકલ સરકારી વાતાવરણ ફાઈલોના ઢગલાં, ઢગલાની ચારેબાજુ ટોળે વળીને ચા પીતા સરકારી કારકુનો. “हम हिन्दी में पत्रव्यवहार का स्वागत करते है” એમ લખેલા મોટા મોટા બેનરો. આમથી તેમ દોડતા ઉંદરો, રઘવાયા રઘવાયા થઈને ટેબલથી ટેબલ ફરતાં મારાં જેવા અનેક મુસાફરો અને આ બધાથી દૂર અલિપ્ત રીતે કેબિનમાં પોઠેલો મોટા સરકારી ઓફિસરો.

સામેના એક ટેબલ પર બેઠેલા એક સાહેબ થોડા સજ્જન દેખાયાં. મેં પાસે જઈને પ્રશ્ન કર્યો, “સાહેબ ઈન્ટરનેટ ક્નેકશન માટે ક્યાં મળવાનું ?”

“આ લાઈનમાં છેલ્લાં ટેબલ પર જતા રહો.”

તેમને સમજ પડી એમ જાણી અતિ આનંદ થયો અને મનમાં થયું, ‘કોણ કહે છે ભારતમાં સાક્ષરતા ઓછી છે ?’ ‘ઈન્ટનેટ’ જેવો ભારેખમ શબ્દ એક સરકારી ઓફિસરને જો સહેલાઈથી સમજ પડી જાય તેનાથી મોટું સાક્ષરતાનું પ્રમાણ કયુ ? મેં રાજી થતાં થતાં છેલ્લાં ટેબલ ભણી ગતિ કરી.

જોયું તો ૬૦-૬૫ વર્ષના એક કાકા. કદાચ તેનાથી પણ વધારે ઉંમર. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મને મારા કમ્પ્યૂટર જ્ઞાન પર શંકા ગઈ. આમ તો મારું પણ કમ્પ્યૂટર જ્ઞાન સારું એવું. નેન્સી પાસેથી ૧૫-૨૦ શબ્દો પણ ગોખી નાખેલા એ પાછાં અર્થ સાથે. નેન્સી સ્કૂલમાં પ્રોજેક્ટ બનાવે ત્યારે એની બાજુમાં બેસું પણ ખરો. ઑફિસમાં પણ કમ્પ્યૂટર એટળે વળી થોડું જ્ઞાન ખરું. પણ ઑફિસના કમ્પ્યૂટરમો સીમિત ઉપયોગ. ટાઈપ કરતાં ન આવડે. બીજી આંગળી વડે Enter, Esc, end અને page up તથા page down બસ એટલી જ કી દબાવતાં આવડે. છતાં છાપાં અને મેગેઝિનમાં આવતાં કમ્પ્યૂટરના શબ્દો જેવા કે બાઈટ, ગીગા બાઈટ, ટોનર, હાર્ડ ડિસ્ક, રેમ એવું બધું વાંચ્યા કરું.

અહીં આ કાકાને જોઈને મને કમ્પ્યૂટર શીખવાનો જુસ્સો ઓર વધી ગયો. કાકાને નજીક જઈને મેં પૂછ્યું – “ઈન્ટરનેટ કનેક્શન જોઈએ છે.”

“ચ્યુ કનેક્શન ?” – કાકા બોલ્યા.

“ઈન્ટરનેટ કનેક્શન.” – મેં બૂમ પાડીને કહ્યું. મને એમ કે કાકા જરા ઊંચું સાંભળતા હશે.

“તે એમાં આટલી રાડો શું પાડો છે ? ક્યા પ્રકારનું જોઈએ છે, તે બોલો ની.” હું જરા ઝંખવાયો. ઈન્ટરનેટનો વળી પ્રકાર કયો ? મેં કહ્યું – “એટલે ? હું જરા સમજ્યો નહીં.”

કાકાએ મને જાણે ‘ઢ’ ગણીને બારીની બહાર નજર ફેરવતાં કહ્યું, “ડાઈલ અપ જોઈએ છે કે બ્રોડબોન્ડ ?”

પહેલો શબ્દ તો જરા સાંભળેલો ન લાગ્યો. પણ નેન્સી કંઈક બ્રોડબેન્ડ જેવું કાયમ બોલ્યા કરતી હતી. એટલે મને થયું તે જ હશે. પણ આ કાકાએ બ્રુકબોન્ડ ચાની જેમ કંઈક નવો જ શબ્દ ‘બ્રોડબોન્ડ’ વાપર્યો એટલે હું પાછો ગૂંચવાયો. પણ છતાં મેં મારો શબ્દ પકડી રાખીને કહ્યું – “બ્રોડબેન્ડ જોઈએ છે.”

“તો તે હજી ચાલુ નથી થયું.”

મેં વળી પાછો પૂછવાનો દોર આગળ લંબાવ્યો, “પણ તમારી પાસે તેના ફોર્મ કે સ્કીમ અંગે માહિતી તો હશે ને ? ક્યારે ચાલુ થશે તેની કોઈ ખબર ?”

કાકાએ સરકારી જવાબ આપ્યો, “એવું કંઈ કહી ના શકાય, પણ માર્ચ-એપ્રિલમાં થાય તો થાય. ફોર્મ બધા હતા પણ ખલાસ થઈ ગયા.”

હું મારી જીદ છોડું તેમ ન હતો, “સાહેબ, જરા જુઓ ને એકાદ ફોર્મ હશે. કંઈક સ્કીમની જાણકારી તો થાય.”

સાહેબે નીચા નમી ડ્રોઅરો ખોલી જોયા. ફાઈલોના ઢગલાને આમથી તેમ કર્યા. થોડી ધૂળ ખંખેરીને ફાઈલો ઊંચી નીચી કરી. બધી જ ફાઈલોની નીચે પડેલું ગડીવાળું એક કાગળ કાઢ્યું. કાગળ પર ચાના કપના કુંડાળા સ્પષ્ટ દેખાતા હતા.

મને આવનારા યુગમાં કમ્પ્યૂટરની સરકારી ઑફિસમાં થનારી અવદશાનો ખ્યાલ આવી ગયો. ફોર્મ ટેબલ પર ખોલી મને સમજાવવાનું ચાલુ કર્યું, “આ જો એક ફોર્મ મળ્યું છે. ઘરે વાપરવાનું છે કે ઑફિસમાં ?”

“જી, ફોર્મ તો ઘરેથી જ ભરી આવીશ.”

“અરે એમ નહીં, કનેક્શન; કનેક્શન ઘરે વાપરવાનું છે કે ઑફિસમાં ?”

“જી, ઘરે.” મેં ટૂંકો ઉત્તર આપ્યો.

“તો આ હોમ પ્લાન છે. ૫૦૦ રૂપિયા ભરવાના દર મહિને અને એક ગેંગા બાઈટ વાપરી શકો.”

વળી પાછો કોઈ નવા શબ્દનો પ્રહાર મારા માથા પર થયો. કાકા કમ્પ્યૂટરની કોઈ વિશિષ્ટ ડિક્ષ્નરી વાપરતાં હોય તેમ જણાયું. ગીગા બાઈટ તો જાણેલો શબ્દ હતો પણ કાકાએ તેને પોતાની ભાષામાં વ્યક્ત કર્યો એટલે હું જરા ધૂંધવાયો. મેં આ વિશિષ્ટ ભાષાની જાણકારી મેળવવા બ્રહ્મજિજ્ઞાસા કરી એટલે કાકા પણ જરા ધૂંધવાયા.

“પણ, આ ગેંગા બાઈટ એટલે શું ?” મેં હળવે રહીને પૂછ્યું.

“આ જગ્યા માટે વપરાતો એકમ છે.”

“એમ ?”

“હોવે.”

“કઈ જગ્યા માટે ?”

“ઈન્ટરનેટ પર તમારા ખાતામાં જે જગ્યા હોય તેની માટે.”

“પણ મારું તો ખાતું ઈન્ટરનેટ પર નથી. મારું ખાતું ઈન્ડિયન ઓવર્સિઝ બેન્કમાં છે.”

“તમને ભલા માણસ, કંઈ કમ્પ્યૂટરનું જ્ઞાન-બાન છે ?” કાકા ઘૂરક્યા. મને થયું મામલો જરા બગડી જશે એટલે મેં વધુ પૂછવાનું ટાળીને ટૂંકમાં પતાવવા વાતની શરૂઆત કરી.

“છે ને સાહેબ. હું કમ્પ્યૂટર વિભાગમાં જ નોકરી કરું છું. પણ આ તો ઈન્ટરનેટનો મામલો છે એટલે જરા મારું જ્ઞાનવર્ધન થાય એટલા માટે.”

“તો પછી આ ફોર્મ લઈ જાવ, તેમાં બધું આપેલું છે. મહિના પછી તપાસ કરજો.” કાકાએ ટિપીકલ સરકારી જવાબ આપ્યો.

કાકા જોડે માથાકૂટ કરવામાં કંઈક મને આવડ્યું હશે તે શબ્દો પણ હું ભૂલી જઈશ એ બીકે મેં વધુ લંબાવવાનું ટાળ્યું અને સરકારી ઑફિસમાંથી બહાર આવીને લાંબો શ્વાસ ખેંચ્યો.

ઘડિયાળમાં જોયું તો બાર.

વળી પાછી બોસનો ભાષણ સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થશે એવું લાગ્યું. ફરી પાછી એ જ ઉતાવળ. જે આવી તે બસ પકડીને મેં ઑફિસ તરફ દોટ મૂકી.

“આવો આવો મિસ્ટર શાહ, કહ્યું હોત તો ઘેર લેવા આવી જાત.” બોસે મને વેલકમ સેન્ટેન્સ કહી મારું સ્વાગત કર્યું. હું ચૂપચાપ સમજીને મારા કામે લાગી ગયો.

બપોર થઈ ત્યાં અચાનક મને નેન્સીએ કરેલી ઈરાના ઈન્ટરનેટ કંપનીની વાત યાદ આવી. પણ હવે નંબર મેળવવો ક્યાંથી ?

“મિસ્ટર પટેલ, તમે ક્યાંક ઈરાના ઈન્ટરનેટ કંપનીનું નામ સાંભળ્યું છે ?”

“ના ભાઈ ના, આપણે તે વળી ઈન્ટરનેટ શી જરૂર ?”

હવે શું કરવું ? હું મૂંઝાણો. ત્યાં લાઈટ થઈ (એટલે કે મારા દિમાગમાં!).

ક્યાંકથી ડિરેક્ટરી મળી જાય તો બાત બની જાય. વળી, પાછું અંધારું ! પણ ડિરેક્ટરી તો બોસની કેબિનમાં. હવે ? ઘરે ફોન કરી પૂછી લઉં ? પણ રોજની જેમ મોબાઈલ તો ઘેર ભૂલી આવેલો. વળી, પાછું થયું, ઑફિસનો ફોન ક્યારે કામમાં આવશે ?

ઘરે ફોન જોડ્યો. શ્રીમતીજી ફોન ઉઠાવ્યો. “હવે હું જે કહું છું તે જરા સાંભળ.”

“બોલો. અત્યારે બપોરે ક્યાં નવરા થયા ?” – શ્રીમતીજીની ઊંઘ બગડી હોય તેવું લાગ્યું.

“જો કબાટના ઉપલા ખાનામાંથી ડિરેક્ટરી કાઢી લાવ. એક કામ છે, એક નામ શોધવાનું છે.”

“ફોન ચાલુ રાખો- શોધું છું.”

હું ફોનને બરાબર ચિપકી રહ્યો. ત્યાં શ્રીમતીજીનો સામેથી અવાજ સંભળાયો. મને નવાઈ લાગી. મારા ઘરમાં મૂકેલી વસ્તુઓ આટલી જલદી મળવા લાગી. પણ હશે !

“બોલો, શું શોધવાનું છે ?”

“હવે જરા ‘I’ થી શરૂ થતું પાનું જરા ખોલ.”

શ્રીમતીજી તો ભાગોળ સુધી ભણેલા પણ અનુભવે બધું ધીમે ધીમે ઉકેલતા આવડે.

‘I’ તેને જડી ગયો ખરો, પાછો ટહુકો કર્યો, “હવે આગળ બોલો. શું નામ છે ?”

“I R A N A” – મેં અક્ષરો છૂટા પાડીને ઉચ્ચાર કર્યો.

“કંઈ હમજાતું નથી.”

“ઈરાના, ઈરાના નામ હશે જરા બરાબર જો.” મેં જરા મોટેથી કહ્યું.

“કંઈ હમજાતું જ નથી.”

“તું નાનકાને આપ.” મેં કહ્યું.

“નાનકો પાછળ ખમણવાળાની દુકાને ગયો છે.”

“એ આખો દિવસ ખમણ જ ખાધા કર્યા કરે છે. બુદ્ધિના લઠ્ઠ જેવો ક્યારે આવશે ?” મેં ગુસ્સો કર્યો.

“એનું તે કાંઈ નક્કી હોય ? અડધા કલાક પછી ફોન કરજો.”

મેં ફોન મૂક્યો અને મારા મ્યુઝિયમ જેવા ફેમિલીને યાદ કરી માથે હાથ મૂક્યો. ત્યાં લંચનો ટાઈમ થયો. શ્રીમતીજીને તો બીજી વાત થાય એવું હતું નહીં. ‘કંપનીનું નામ’ ‘કંપનીનું નામ’ કરી હાંક્યે રાખ્યું હતું. નહીં તો ? નેન્સીની ધમકી મારા કાનમાં ગૂંજતી હતી.

ફરી પાછો કલાક રહીને ફોન જોડ્યો. મારા સદ્‍ભાગ્યે નાનકાએ જ ઉઠાવ્યો. મને થયું ચાલો કામ પત્યું. “જો નાનકા, તારી મમ્મીને IRANA કંપનીનું નામ ડિરેક્ટરીમાંથી શોધવાનું કહ્યું, પણ તેને મળ્યું નહીં. તું જરા શોધી કાઢ. મારે તેના નંબરની તાત્કાલિક જરૂર છે.”

“જી ડેડ, હમણાં જ શોધી કાઢું. પણ ડિરેક્ટરી ક્યાં છે ?”

“એ હમણાં જ તારી મમ્મીએ ટેબલ પર મૂકી હશે. જો જરા ત્યાં જ હશે.” મેં કહ્યું.

“અરે ! ડેડ હસવા જેવી વાત છે !” નાનકાએ ફોડ પાડ્યો.

“કેમ શું થયું ?”

“મમ્મી ડિરેક્ટરી નહીં, પણ ડિક્ષ્નરી લઈને શોધતા હતા.”

મને હસવું કે રડવું એ જ ન સૂઝ્યું. મૂરખાઓની જમાતમાં બુદ્ધિશાળીને શી ગણતરી થાય ? મેં ભગવાનને પ્રાર્થના કરી કે, ‘હે ભગવાન ! તું અમારી સરકારને સાક્ષરતા અભિયાન ચલાવવાની, બલ્કે જોરશોરમાં ચલાવવાની પ્રેરણા આપ.’

વળી પાછા સવારવાળા કાકા યાદ આવ્યા એટલે ઉમેર્યું, ‘-અને કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન પણ…’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.