ભાગ્યરેખા – રાજેશ અંતાણી

(‘નવચેતન’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

બાલ્કની તરફ જવાનું ન હતું – એ તરફ જવા માટે કોઈક રોકી રહ્યું હતું. તે છતાં પણ મહેશભાઈના પગ બાલ્કની તરફ વળ્યા. એમની ઈચ્છા બાલ્કનીમાં જોવાની હતી કે – કંપાઉન્ડવૉલની સમાંતર બહાર, ગેઈટ સુધી આવતી સડક પરથી કોઈ ઘરમાં આવી રહ્યું છે કે કેમ ? દૂરથી બાલ્કનીમાં એ લોકોને આવતાં જોવાઈ જવાથી કંઈક સારું રહે.

મહેશભાઈના પગ બાલ્કની તરફ જતાં રોકાઈ ગયા. પાછા ફરીને, કમરામાં આવીને આરામખુરશીમાં બેસી ગયા.

જ્યારે ઘેર કોઈક આવવાનું હોય છે ત્યારે આમ જ બને છે. સવારથી છેક – લગભગ મોડી રાત સુધી ખેંચાયેલો દિવસ ભારેખમ બની જાય છે. આજે પણ એવું બની રહ્યું છે.

આજે સવારે નીચેથી કાચનાં વાસણૉ તૂટવાનો અવાજ આવ્યો. ઉમાએ બૂમ પાડી. ઉમાબહેન લગભગ આક્રંદથી બોલી ઊઠ્યાં : ‘એ હેય – ગ્યાં ગ્યાં – કાચનાં મોંઘાં વાસણ ગ્યાં-’ દૂર બેઠેલા મહેશભાઈએ ઉમાબહેન તરફ જોયું હતું. નીચેથી કુંદાનો કર્કશ – ગુસ્સાવાળો અવાજ સંભળાયો હતો – એ ચંપાને ધમકાવતી હોય એવું લાગ્યું. ઉમાબહેને કહ્યું : ‘સાંભળ્યો અવાજ…? કાચનાં વાસણ તૂટવાનો ? શું તૂટ્યું હશે ? તમને જે ગમતી હતી એ કાચની કિટલી તો નહીં તૂટી હોય ને ? આપણે તો બહુ જ સાચવીને રાખી હતી – જીવની જેમ-’

મહેશભાઈએ તીખી નજરે ઉમાબહેન તરફ જોયું હતું – ઉમાબહેન બોલતાં રોકાઈ ગયાં હતાં. થોડી વાર પછી બોલ્યાં – લગભગ સ્વગત – આજે વળી કંઈક આવવાનું લાગે છે નીચે – પછી મહેશભાઈ તરફ ફરીને પૂછ્યું – ‘ફોન આવી ગ્યો ઈરાનો ?’

મહેશભાઈએ માથું ધુણાવ્યું.

ઉમાબહેન માથું ધુણાવાનો કોઈ અર્થ પામી ન શક્યાં. ‘ચંપા ઉપર આવશે ત્યારે કાંક ખબર પડશે – પણ આજે તો ચંપાને વઢ પડી છે તો મૂઈ, કદાચ ઉપરેય ન આવે.’

મહેશભાઈએ ઉમાબહેનના કહેવા પર ધ્યાન ન આપ્યું – એમણે છાપું ખોલીને પોતાનો ચહેરો ઢાંકી દીધો – થોડી વાર ચૂપકીદી ફેલાઈ ગઈ.

થોડી ક્ષણો પછી કોઈક પગથિયાં ચડતું હોય એવો અણસાર જાગ્યો. ચમકીને, એ લોકો બારણાં તરફ જોવાં લાગ્યાં – બારણાંના અવકાશ વચ્ચે કુંદા આવીને ઊભેલી દેખાઈ. બારણાં વચ્ચે ઊભી રહીને કુંદા, કર્કશ અવાજમાં બોલી : ‘સાંભળો, આજે સાંજના છ વાગ્યા પછી તમારે નીચે ઊતરવાનું નથી – ને તમારી ટેવ મુજબ ઉપરથી ડોકાં તાણવાનાં પણ નથી, સમજ્યા ?’

પગ પછાડતી કુંદા પાછી ફરી ગઈ.
પગથિયાં ઊતરતી કુંદાના ભારેખમ પગનો અવાજ સંભળાયો.
મહેશભાઈએ ઉમાબહેન તરફ જોયું.
બન્નેને થયું : નક્કી આજે કોઈક આવવાનું છે – ઈરાને જોવા.
‘હવે ઈરાનો ફોન આવવો જોઈએ’ – ઉમાબહેને મહેશભાઈ તરફ જોઈને કહ્યું.
મહેશભાઈએ એમના જૂના સેલફોન તરફ જોયું.

વચ્ચે ખાલી ઉત્કંઠાભરી ક્ષણો પસાર થઈ ગઈ. ત્યાં અચાનક સેલફોનનો રિંગટોન સંભળાયો – મહેશભાઈએ ચમકીને ફોન ઊંચકી લીધો – સ્વિચ ઑન કરીને ધીમા ભારે અવાજમાં બોલ્યા : ‘હ…લો !’
‘હા – બોલ, બેટા ઈરા..’
‘હા – તારી મમ્મીનો હુકમ હમણાં થોડી વાર પહેલાં મળી ગયો. અમને લાગ્યું કે આજે તને જોવા કોઈક આવવાનું છે – પણ કોણ છે એ લોકો ?’

‘અચ્છા, પોરબંદરના – વૈષ્ણવ કુટુંબ-’
‘ના બેટા, નથી ઓળખતો. અજાણ્યાં છે મારા માટે.. પણ છોકરો શું કરે છે ? પોરબંદર રહે છે કે બહાર…?’
‘ઓહ ! એમ.બી.એ., એચ.આર. વડોદરાની કોઈક કંપનીમાં – સરસ-’
‘અમારા બન્નેના આશીર્વાદ તારી સાથે જ છે બેટા.’
‘હા… હા… આવજે ને અમે જાગતાં જ હોઈશું – તારી રાહ જોતાં-’

મહેશભાઈએ ફોનની સ્વિચ ઑફ કરી, બારી બહાર જોવા લાગ્યા. ઈરા એમની પૌત્રીને જોવા પોરબંદરથી છોકરો આવવાનો છે. એટલે તો સાંજે છ વાગ્યા પછી નીચે ઊતરવાનો મનાઈ હુકમ હમણાં થોડી વાર પહેલાં જ મળી ગયો.
‘શું કીધું – ઈરાએ-’ ઉમાબહેન મહેશભાઈની નજીક આવીને ઊભાં રહી ગયાં હતાં એનો ખ્યાલ મહેશભાઈને મોડો આવ્યો.

ઉમાબહેન સૂનમૂન સ્થિર ઊભાં રહી ગયાં. મહેશભાઈએ ઉમાબહેનને વિગતે વાત કરી.

ઉમાબહેને ઊંડો શ્વાસ લીધો. પછી છોડી દીધો – અત્યારે તો સવારના સાડાદસ થયા છે. આજે તો સાંજ પણ મોડી પડશે – પછી રાત – રાતે ઈરા કહેવા આવશે – જે કાંઈ પણ… બસ. હવે આવનારી ક્ષણોની રાહ જ જોવાની.
મહેશભાઈ ઊભા થયા. ઘેર, આ રીતે આવવાનું હોય ત્યારે આ રીતે જ દિવસની ગતિ ધીમી પડી જતી હતી. બધું જ મંથર ગતિએ ચાલે અને રાતે – ઈરા આવે ત્યાં સુધી અટકી જાય.

તૈયાર થતા મહેશભાઈ બોલ્યા : ‘ચાલો, હું હમણાં થોડી વારમાં આટલામાં આંટો મારીને આવું.’

ઉમાબહેને નોંધ ન લીધી. એ વિચારોમાં ખોવાયેલાં હતાં. મહેશભાઈ ધીમે પગલે પગથિયાં ઊતરવા લાગ્યા.
*
આખો દિવસ ધીમી ગતિએ પસાર થયો. પછી અચાનક સાંજ પડી, સાંજનો ઊતરતો તડકો સંકોચાતો ક્યારે અંધકારમાં ફેરવાઈ ગયો એનો ખ્યાલ પણ ન આવ્યો. મહેશભાઈ આરામખુરશી પર ગોઠવાઈ ગયા હતા. ઉમાબહેન બારી પાસે ખુરશી રાખીને – એ જાણે કોઈકની આવવાની રાહ જોતાં હોય એમ ઊંચાનીચા થઈને જોતાં હતાં.

‘ઉમા, લાઈટ તો કર…’

‘લાઈટ તો કરું પણ, નીચે કોઈને વાંધો…’

‘ના. કોઈને ખ્યાલ જ નહીં આવે – આ બધાં ઝાડની કતાર છે ને – ઘરમાં અજવાળું તો કર. સંધ્યા સમયે ઘરમાં અંધારું હોય એ અશુભ-’

‘હા – ભાઈશાબ… કરું લાઈટ કરું. અબઘડી કરું !’

ઉમાબહેન ઊભાં થયાં. સ્વિચ ઑન કરીને લાઈટ કરી. હથેળીમાં અજવાળું ઝીલ્યું, અત્યારે કમરો કંઈક જુદો લાગવા માંડ્યો.

ઉમાબહેન બારી પાસે જઈને ઊભાં. બારીની કિનાર પાસેથી વાંકા વળીને જોયું. ‘કેમ શાંતિ જણાય છે ? હજુ કોઈ દેખાતું નથી. કોઈ અવાજો પણ નથી આવતા – એ લોકોને કેટલા વાગ્યાનો સમય આપ્યો હશે ?’

‘એ…તો એ લોકોને ખબર… ઉમા…’

ઉમાબહેન અકળાઈ ગયાં. મહેશભાઈની પાસે આવીને બેસી ગયાં. અંદરથી વિહ્વળ થઈ ગયાં હોય એમ મહેશભાઈનો હાથ પકડી લીધો. મહેશભાઈએ પ્રેમથી ઉમાબહેનનો હાથ દબાવ્યો – ધીરે ધીરે હાથ પ્રસાર્યો- પછી ભીના કંઠે બોલ્યા : ‘શું થાય છે તને – ઉમા ?’

ઉમાબહેનની આંખોમાં પાણી છલકવા લાગ્યું. લગભગ રડતાં બોલ્યાં, ‘આપણી લાચારી… પૌત્રી માટે – લોકો જોવા આવી ગયાં છે કે નથી આવ્યાં – એની આપણને ખબર નથી. એક ઘરના ઉપરના ભાગમાં આપણે બેઠાં છીએ સાવ એકલાં અને લાચાર…’

‘ઉમા, મારા મનમાં પણ એ જ બધા પ્રશ્નો ચાલે છે. પણ હું અને તું શું કરી શકીએ આ પરિસ્થિતિમાં-’ મહેશભાઈ બોલ્યા પછી રોકાઈ ગયા. થોડી વાર ચૂપકીદી.

અચાનક ઉમાબહેન બોલ્યાં : ‘ઈરાને જોવા જ્યારે જ્યારે કોઈ આવ્યું છે ત્યારે મને આપણા પ્રશાંતની સાથે બનેલી ઘટનાઓ ક્રમશઃ યાદ આવે છે. આપણે સવારથી જ માનસિક રીતે તૈયાર થઈને – બધી જગ્યાએ સમયસર પહોંચી જતાં હતાં – પછી-’

મહેશભાઈએ વચ્ચે જ કહ્યું, ‘હા, છેલ્લે આપણે ઇન્દ્રવદનને ત્યાં ગયાં હતાં – ત્યારે થોડાં મોડાં પડ્યાં હતાં. કુંદાને આપણે પહેલી વાર જોઈ હતી. પ્રશાંતે નિર્ણય પણ ઝડપથી લઈ લીધો હતો. ત્યારે મેં એને ભારપૂર્વક કહ્યું હતું : ‘દીકરા, ઉતાવળ નથી કરતો ને ? ભલે આ ઇન્દ્રવદન મારો મિત્ર છે – કુટુંબ પણ સરસ છે તે છતાં તું ફરી ફરીને – વિચારી જોજે.’

પ્રશાંતે નિર્ણય લઈ લીધો. લગ્ન પણ ધામધૂમથી થયાં. એ લગ્ન પછીના બીજે જ વરસે તમે નિવૃત્ત થયા… ધીરે ધીરે એક અંતરની રેખા આપણા અને પ્રશાંત-કુંદા વચ્ચે ખેંચાતી ગઈ. ઈરા અવી ગયા પછી એ લોકોએ એવી વ્યવસ્થા કરી કે – આપણે ઘરના ઉપરના ભાગમાં અને એ લોકો ઘરના નીચેના ભાગમાં – આપણી કેટલીક હદ નક્કી થઈ ગઈ. એ હદને આપણે આજે પણ ઓળંગી શકતા નથી. પ્રશાંતને જોયા વિનાના દિવસો પસાર થતા રહે છે. ઈરાને પણ-’ મહેશભાઈ રોકાયા.

‘હા – મેં પ્રશાંતને બે દિવસ પહેલાં કારમાંથી ઊતરતો જોયો. મને એ ઢીલો અને સુકાયેલો લાગ્યો.’ ઉમાબહેન ભીના લાગણીસભર અવાજમાં બોલ્યાં – પછી મહેશભાઈનો હાથ પકડીને બારણાં વચ્ચેના અવકાશને તાકી રહ્યાં.

*

ઘણો સમય પસાર થઈ ગયો.

ઘરના નીચેના ભાગમાં બનતી એક મહત્વની ઘટના, ઘરના ઉપરના ભાગમાં, અંધકારની વચ્ચે કલ્પવાની હતી – ગેરહાજર રહીને.

અચાનક બારણાં વચ્ચેના અવકાશમાં એક છાયા જેવી ધૂંધળી આકૃતિ દેખાઈ.

મહેશભાઈ ચમક્યા.

આંખોમાં આવી ગયેલ ઝાંખપની આરપાર, અવકાશની વચ્ચે જોયું તો –
‘ઈ..રા…!’
ઈરા દોડતી કમરામાં આવી મહેશભાઈને વળગીને બોલી : ‘દા..દા…!’
ઉમાબહેન દોડી આવ્યાં : ‘ઈરા… દીકરી…’
‘કેમ આટલી ગભરાયેલી લાગે છે ? રડે કેમ છે ?’

‘કંઈ નહીં દાદા, ભાવમાં આવી ગઈ.’
‘શું થયું આજે ?’ ઉમાબહેને પૂછ્યું.
‘બસ એમ જ. જેમ દર વખતે બને છે તેવું-’
‘છોકરો કેવો હતો ?’
‘સામાન્ય. વિચિત્ર સવાલો કરતો હતો મને-’

‘વિચિત્ર સવાલો ?’ મહેશભાઈએ હળવા બનતાં કહ્યું – ‘એમાં તો દીકરી, તારે એ વિચિત્ર સવાલો માટે હસવાનું હોય. તું તો રડે છે.’

‘ઓહો ! દાદા – તમે પણ – દાદા-દાદી આજે હું તમને એક ખાસ વાત કહેવા આવી છું. મારે આ રીતે લગ્ન નથી કરવાં…’ ઈરાના અવાજમાં મક્કમતા આવી ગઈ.

‘તો કઈ રીતે ?’
‘મેં મારા માટે છોકરો શોધી લીધો છે.’

‘અરે વાહ ! એમ ?’
‘મેં પપ્પાને વાત કરેલી. એમણે કશો જવાબ નહોતો આપ્યો. એમણે મમ્મીને વાત કરી. મમ્મી કહે – બહુ જ સામાન્ય કુટુંબ છે. છોકરો ભણીને ક્યારેય ઊતર્યો છે અને નોકરી શોધે છે-’
‘છોકરો કોણ છે ?’ મહેશભાઈએ પૂછ્યું.
‘તમે એમને ઓળખો છો – બહુ જ સારી રીતે – તમારા ખાસ મિત્ર – હરેન્દ્રદાદાનો પૌત્ર – રાજન…!’
‘ઓહો ! એમ વાત છે ? તો તેં મને પહેલાં કેમ ન કહ્યું ? ઠીક છે – તું બધી ચિંતા મારા પર છોડી દે – હું હવે બધું સંભાળી લઈશ.’

‘દાદા, રાજનને આજે એક સારી કંપનીનો ઑર્ડર મળ્યો છે – એ તો પરમ દિવસે જવાનો છે – અમદાવાદ – સર્વિસ પર હાજર થવા – પણ… દાદા… મને ચિંતા થાય છે. પપ્પા તો કશું નહીં બોલે… પણ મમ્મી… રાજનને સ્વીકારી શકશે ?’ ઈરા રડવા લાગી.
‘અરે ! તું રડે છે ? તને કેટલી વાર કહ્યું છે કે, તારે અમારી પાસે હસતાં હસતાં આવવાનું – હસતાં હસતાં જવાનું – ઓકે ? હું બધું સંભાળી લઈશ.’
‘હું જાઉં – દાદા-દાદી… મમ્મીને ખબર પડશે તો ?’ ઈરા ત્યાંથી ખસી ગઈ. બારણાના અવકાશમાં અદ્રશ્ય થઈ ગઈ.
*
ઈરાના ગયા પછી પણ મહેશભાઈના મનમાં અનેક પ્રશ્નો ઘૂંટાતા હતા. એમનાથી ન રહેવાયું – રાત પણ ઘણી આગળ નીકળી ચૂકી હતી. એ ઊભા થયા. વિશ્વાસથી પગથિયાં ઊતરવા લાગ્યા. પોતાના જ ઘરના નીચેના ભાગમાં બારણા પાસે હાથ મૂક્યો –
બારણું ખૂલ્યું – પ્રશાંત સામે ઊભો હતો.
‘અરે ? પપ્પા, તમે ? બાને તો ઠીક છે ને ?’
‘આજે અત્યારે, તે નક્કી કરેલી હદ ઓળંગીને તને એક ખાસ વાત કરવા આવ્યો છું.’ મહેશભાઈ ઘરમાં દાખલ થયા અને સોફા પર બેસી ગયા.
પ્રશાંત કંઈ સમજતો ન હતો.

‘પ્રશાંત… અત્યારે હું, તમે લોકોએ જે અમારા જીવનના ઉત્તરાર્ધમાં જે વ્યવસ્થા કરી છે એ માટે કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો – પણ – આપણી દીકરી ઈરા માટે ખાસ વાત કરવા આવ્યો છું – આ વાત તમારા બન્નેની હાજરીમાં કરવા માગું છું – માટે કુંદાને બોલાવીશ ?’
‘જી…’ કહીને પ્રશાંત ઊભો થયો. કુંદાને બોલાવી. કુંદા કંટાળેલું મોઢું કરીને આવી. મહેશભાઈને આટલી રાતે અહીં જોઈને નવાઈ પામી.
‘તમે… શું છે અત્યારે ?’

મહેશભાઈ પ્રશાંત અને કુંદા સામે સોફા પર બેસી ગયા.
‘આપી ઈરાનાં લગ્ન માટેના તમે પ્રયત્નો કરો છો – બરાબર છે – પણ ઈરાએ તો મારા મિત્ર હરેન્દ્રના પૌત્ર રાજનને પસંદ કરી લીધો છે.’
‘હા, અમે જાણીએ છીએ – એમાં નવું શું છે ? રાજનનાં ક્યાં ઠેકાણાં છે ? પાછું કુટુંબ પણ સાવ સામાન્ય-’ કુંદાએ મોઢું બગાડીને કહ્યું.
મહેશભાઈએ ઊંડો શ્વાસ લીધો.

પછી કહ્યું –
‘કુંદા, પ્રશાંત સાથે તમારાં લગ્ન થયાં – ત્યારે પ્રશાંત પણ નોકરી માટે પ્રયત્નો કરતો હતો – પછી જોકે, નોકરી પણ તરત મળી ગયેલી – પણ અમારું કુટુંબ તો હરેન્દ્રના કુટુંબ કરતાંય સામાન્ય હતું – તો પછી તમે-’ મહેશભાઈ એકશ્વાસે બોલ્યા.
કુંદા નીચું જોઈ ગઈ.
‘દુઃખ લાગે છે ને – કુંદા – તમને ? જીવનની વાસ્તવિકતા અને માન્યતા વચ્ચે એક રેખા ખેંચાયેલી હોય છે. આવી જ કેટલીક રેખાઓ આપણા હાથમાં હોય છે. એ હાથની કેટલીક રેખાઓને વ્યાકરણશાસ્ત્રી પાણિનિની જેમ, ધારદાર હથિયારથી ફેરવી નાખવી પડે છે – તમે લોકો વિચારી લેજો – રાજન – ઈરાને સુખી કરે એવો સાલસ છોકરો છે. આજે જ એને સારી કંપનીમાં જોબ મળી છે… ઈરાને સુખી જોવા માગતા હો તો ગંભીરતાપૂર્વક વિચારજો…’ મહેશભાઈનો અવાજ ભીનો થયો.

એ ઊભા થયા.
જોયું – સામેના કમરાના પડદાની આડશમાં ઈરા ઊભી છે.
એ મક્કમતાથી ચાલવા લાગ્યા.
‘પપ્પા…!’ કુંદાનો અવાજ.
કુંદાનો અવાજ – ભીનો અને લાગણીસભર.

*
સંપર્ક : ડી/૪૦૫, સિલ્વર પાર્ક, ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦૦૬૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ભાગ્યરેખા – રાજેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.