મસ્તકે ચંદ્રશાળા – રમણલાલ સોની
(‘સાત નંગ, આઠ નંગ અને-’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
એક દિવસ મારો પાંચ વર્ષનો પૌત્ર અને હું મારા જૂના ફોટોગ્રાફ જોતા હતા. એમાં એક ફોટોગ્રાફમાં ગુચ્છાદાર ઘેરા વાળ હતા મારા માથા પર. પૌત્ર કહે, ‘દાદા, આ વાળ ક્યાં ગયા ?’ મેં કહ્યું, ‘દીકરા, તને આપી દીધા.’ એ રમૂજભરેલા કુતૂહલથી મારી સામે જોઈ રહ્યો. મેં કહ્યું, ‘તું અહીં આવવાનો હતો ને, એ પહેલાં મેં ભગવાનને કહેલું કે મારા વાળ મારા દીકરાને આપી દેજો.’ એ કંઈક સમજ્યો – ન સમજ્યો ને એણે એના માથે હાથ ફેરવીને પછી મારા માથે હાથ ફેરવ્યો. પછી કહે, ‘આટલા કેમ રહી ગયા ?’ મેં હસીને, એના વાળમાં આંગળીઓ નાખીને કહ્યું, ‘ભગવાનભાઈ ઉતાવળમાં હશે…’
વારસામાં જેમ દેવું મળે કે પછી સંપત્તિ મળે, એમ રોગ વગેરે લક્ષણો પણ મળે. આ મળતરને ‘માણસે સરજેલું’ ને ‘કુદરતે સરજેલું’ એવાં બે જુદાં ખાનાંમાં ન નાખવું હોય તો ‘નસીબનો ખેલ’ – એવા એક જ ખાનામાં નાખી શકાય. ‘ટાલિયા નર કોક નિર્ધન’ એવી હરિગીત છંદની કહેવતમાં જે લઘુમતી ‘કોક’ શબ્દ છે એ પણ મને વારસામાં મળેલો છે. મારા દાદાજી અને પિતાજી આનંદથી પૈસા વાપરવાને લીધે અલ્પ-ધન થયેલા ને હું અલ્પ-ધન હોવાને લીધે વાપરી નહીં શકેલો, ને એથી અલ્પધન જ રહેલો.
મારા વાળ પણ અલ્પધન રહ્યા છે, પરંતુ અગાઉ કહ્યું એમ એ સઘન હતા એકવાર. આપણા એક ખ્યાત ચિત્રકાર જગન મહેતાએ મારો ફોટોગ્રાફ લીધેલો ત્યારે મારી ઉંમર અત્યારે છે એનાથી અરધી હતી. એમણે કહેલું કે, તમારા વાળને લીધે તમારો ચહેરો ઉઠાવદાર લાગે છે. એટલે આપણે પ્રોફાઇલ (સાઇડ ફેસ) ફોટોગ્રાફ લઈએ. (વાળ સિવાયના બાકીના ચહેરા વિશે જગનભાઈ ત્યારે માર્મિક રીતે જે કહેવા માગતા હશે તે છેક આજે – વાળની ગેરહાજરીમાં જ – હું સમજી શક્યો છું !)
પછી તો વાળની ઘેરી અમાસ પૂરી થઈ અને પ્રતિપદાનો – સુદ પડવાનો મંગલ આરંભ થયો. પહેલાંના સમયમાં જે જગાએ ચોટલી ઊગતી એ જગાએ મારે માથે ચંદ્રકળાનો ઉદય થવા લાગ્યો. ને પછી કવિ ન્હાનાલાલે ‘શરદપૂનમ’ કાવ્યની શરૂઆતમાં કહ્યું છે એમ, ‘એવી ઊગી ચંદ્રકળા ધીરે ધીરે !’
શુક્લ પક્ષમાં ચંદ્રને પૂર્ણચંદ્ર (પૂનમ) થતાં પંદર દિવસ થાય છે પણ એ કળા-વિકાસ માટે મારા માથાએ પંદર વરસ જેટલો લાંબો સમય લીધો ! આકાશમાં જેમ ‘અમાસથી પૂનમ ભણી’ અને એ પછી પાછો ‘પૂનમથી અમાસ ભણી’ જેવો ઘેરો અંધકાર થવા લાગે છે એવું કાળા માથાના માનવીને વિશે થતું નથી ! એનામાં તો ‘પૂનમથી નિહારિકા તરફ’ એવો વિકાસ થવા લાગે છે. મારા મસ્તક પરનો પૂર્ણ ચંદ્ર કપાળ તરફ ખસવા લાગ્યો ને ત્યાં નિહારિકા થઈને ઝગમગવા લાગ્યો.
સંસ્કૃત કવિતાએ, ખાસ તો કવિ કાલિદાસે ઘરની અગાશી માટે એક સરસ શબ્દ આપ્યો છે : ‘ચંદ્રશાળા’. એટલે કે ખીલેલા ચંદ્રને ઝીલવાની, ચાંદનીને માણવાની જગા (=શાળા). મારા મસ્તકે ધીમે ધીમે આવી ચંદ્રશાળાનું રૂપ ધારણ કર્યું. જે પોતે જ ચંદ્ર હતો તે હવે વિશાળ થઈને ચંદ્રને ઝીલે છે !
આપણે ત્યાં વિકલાંગ (ડિ’સેબલ) જેવા અર્ધ-માનવાચક શબ્દને બદલે હવે નિરાળા સક્ષમ (ડિફરન્ટ્લી એબલ્ડ) જેવો માનવાચક શબ્દ વપરાય છે એમ, જેમના માથે વાળ નથી રહ્યા હોતા એમને માટે અર્ધ-માનવાચક ‘ટાલવાળા’ શબ્દ વપરાય છે એ બદલીને ‘ચંદ્રમૌલિ’ શબ્દ વાપરીએ તો આપણે વધારે માનવાચક શબ્દ વાપર્યો ગણાય. ચંદ્રમૌલિ એટલે જેના મસ્તકે ચંદ્ર છે એવા મહાદેવ શંકર. જટાધારી શંકરને માથે ચંદ્ર એ ચોંટાડેલો હોય એવો લાગે છે જ્યારે ટાલવાળાઓ માટે ચંદ્ર માથાનો જ એક મૂળભૂત હિસ્સો હોય છે એટલે શંકર કરતાં પણ ટાલવાળા વધારે સાચી રીતે ચંદ્રમૌલિ કહેવાય. પણ આપણે નવા શબ્દો વપરાશમાં લાવવાની બાબતે બહુ જ આળસુ છીએ – સરસ શબ્દ વાપરીએ તો ‘પ્રમાદી’ છીએ. ‘સરસ્વતીચંદ્ર’ના મહાન લેખક ગોવર્ધનરામે એમના એક પાત્રને પ્રમાદધન કહેવાની હિંમતભરી સર્જકતા બતાવી. એ પછી આપણાં કોઈ ફોઈ આવાં સરસ નામ પાડવાની હિંમત દાખવી શક્યાં નથી.
મારા વિશે વાત કરવાની આળસ (=પ્રમાદ)ને કારણે હું આમ બીજી બધી વાતો – ફિલોસોફિકલ ચર્ચાઓમાં પડી જાઉં છું પણ મારે મૂળ રસ્તે પાછા આવવું જોઈએ.
માથામાંના વાળ લુપ્ત થવાને કારણે મને શો ફાયદો થયો ? પૂર્વે કહ્યું એમ, વારસામાં શાપ મળ્યો હોવાને કારણે હું સ-ધન (ધનિક) ન થઈ શક્યો. ધનિક શ્રેષ્ઠીઓની ટાલો, ટાલ હોવા છતાં કંઈક જુદી જ હોય છે – અત્યારે જ શબ્દ લોકપ્રચલિત છે એ વાપરીએ તો, કંઈક હટકે હોય છે. એમના ચહેરાની ચામડી ચમકે છે એવી જ ચમક એમના મસ્તકમાં પણ હોય છે. રેશમી મુલાયમ ઝભ્ભાવાળો એમનો (જ) હાથ જ્યારે એઓશ્રી માથા પર હળવેથી ફેરવતા હોય છે ત્યારે એક નવી સ્ટાઇલ જોવાનો ધન્ય અનુભવ – બાકીના સૌને પણ – થાય છે. જ્યારે મારા જેવા, માથે તેલ લગાડીને આવે તો પણ એ ચમક એવી ભવ્ય ચમક લાગતી નથી. તેમ છતાં, ટાલમાત્રમાં એક પ્રકારની પ્રભાવશાળી છટા તો હોય જ છે – એવું હું હવે ચોક્કસ માનતો થયો છું.
વાળ ન હોવાથી રોજે રોજ મારો સમય બચે છે. વાળ શેમ્પુ સાબુ આદિથી ધોવા, સૂકવવા, હોળવા એ બધા આનંદના અવસર ગણાતા હશે પણ મૂળમાં તો સમયઘાતક છે. હેરકટિંગ સલૂનમાં પણ મારું માથું બે-પાંચ મિનિટમાં પતી જાય છે. હેરકટિંગ સલૂનોના યુનિયને મિનિમમ વાળ-કાપણ-ચાર્જ નક્કી કરેલા ન હોત તો મારા થોડાક પૈસા પણ બચ્યા હોત. ઉનાળામાં બહુ જ ગરમી હોય ત્યારે હું, મારા માથામાં જે થોડાક બચ્યા છે એટલા વાળથી પણ કંટાળ્યો હોઉં છું ત્યારે કેશ-કર્તન-કળાકારને કહું છું કે, ‘ભાઈ, ઓછા કરી નાખો.’ ત્યારે એ કલાકારના સંવેદનશીલ હૃદયમાં કરુણા (દયા) જાગે છે. એ પોતાના અંતરાત્માને કહે છે : ‘રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું. ઘટે ના ક્રૂરતા આવી…’ (કલાપી). અને મને કહે છે, ‘ના, ના, એમ કરવાથી તો કશું જ બચશે નહીં.’ એ સાંભળીને મને આનંદ એ વાતે થાય છે કે હું જ એકલો બચતપ્રેમી કરકસરિયા સ્વભાવનો નથી, આ નાપિત યુવાન, પણ એવો જ કરકસરિયો છે ! એ મને અલ્પ-ધન રહેવા દે છે પણ સાવ નિર્ધન કરવા માગતો નથી !
પણ એની કળાનો પરચો એણે એક વાર બતાવેલો. મારા વાળ કાપી રહ્યા પછી એણે ચંદ્રશાળા મધ્યે હળવેથી અસ્તરો ફેરવવા માંડ્યો. હું ચમક્યો – કેમ ભાઈ, ત્યાં ? એ કહે – અહીં તમારે વધુ વાળ હોત તો સારા લાગત, પણ છૂટાછવાયા જે બે-પાંચ અંકુર ફૂટી નીકળ્યા છે એ ખરાબ લાગે છે. એ જગા ચોખ્ખી-લિસ્સી જ વધુ સારી લાગે. મને સમજાયું – કેશ આમ અયોગ્ય જગાએ ઊગવા લાગે એ પણ ‘સ્થાનભ્રષ્ટ’ જ કહેવાય. સંસ્કૃતમાં કહ્યું જ છે ને કે, ‘સ્થાનભ્રષ્ટાઃ ન શોભન્તે દંતા-કેશા-નખા-નરાઃ’ એક નવો અર્થ લાધ્યો – કપાયેલા જ નહીં, અસ્થાને ઊગવાનો અવિવેક કરનાર પણ સ્થાનભ્રષ્ટ જ વળી ! કેશ-કર્તન-કળાકારની કોઠા-સૂઝ માટે મને માન થયું…
અરે, તમને એક વાત કહેવાની તો રહી ગઈ ! આવું તો ઘણું કહેવાનું રહી જાય છે. કેમકે હું બહુ જ ભુલકણો છું. જો એ બધું ભૂલી જવાતું ન હોત તો મેં પણ જરૂર ચાર ભાગમાં મારી આત્મ-નવલ-કથા લખી હોત ને સર્વશ્રેષ્ઠ લેખકોમાં એકનો ઉમેરો કર્યો હોત. મારે એ વાત કહેવાની રહી ગઈ કે હું એક ખૂબ જ ઝીણી, નાનકડી કાંસકી રાખું છું. મારા આ અલ્પ વાળ છે તે પણ બળવાખોર છે, ને એથી જ્યારે ને ત્યારે ઊંચા થઈ જાય છે ત્યારે પેલી કાંસકીથી હું એમનો બળવો દાબી દઉં છું. મને રાહત થાય છે કે જો અત્યારે પણ મારા સમગ્ર માથામાં વાળ હોત તો માથામાં બળવાખોરોનું પ્રમાણ કેટલું વધી ગયું હોત ! એ વિચારથી જ મારા અલ્પ વાળ ઊંચા થઈ જાય છે…
હમણાં ઘણે દિવસે એક વાર મારા એક વિખ્યાત ઘેઘૂર વાળ વાળા મિત્ર મળી ગયા – પણ એમને માથે એ દિવસે સફાચટ જોતાં મને ધ્રાસકો પડ્યો. મેં કહ્યું, ‘શું નજીકનું કોઈ સગું…?!’ એમણે કહ્યું, ‘ના, ના, યાર. હમણાં તિરુપતિ ગયો હતો ત્યાં મુંડન કરાવી આવ્યો. પુણ્યનું પુણ્ય ને શાંતિની શાંતિ !’
આવતે ઉનાળે મારે પણ તિરુપતિ જઈ આવવું છે.
[કુલ પાન ૧૫૬. કિંમત રૂ. ૧૪૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]



0 પ્રતિભાવ : મસ્તકે ચંદ્રશાળા – રમણલાલ સોની