કાશીમા નક્કામાં ? – હરિભાઉ મહાજન

(‘કલબલ અને કલરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્ર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

કાશીમા ઈઠ્ઠોતેર વર્ષનાં છે. તાલુકા મથકના જાણીતા ડૉક્ટર વ્રજલાલની ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યાં છે. દાખલ કર્યાં એ તો જાણે કે ઔપચારિકતા જેવું છે. આ તો બધાં જ જાણે છે કે ડોશીનો આ છેલ્લો સમય છે. એક-બે દિવસમાં કાં તો કાશીમાનો મૃતદેહ દવાખાનામાંથી લઈ જવાનો થશે. અથવા, કાશીમાની સ્થિતિ જોઈને ડૉક્ટરે જ કહેશે કે હવે ઘરે લઈ જાવ. ચાર-છ કલાકથી વધારે નહિ કાઢે.

‘બહુ જીવ્યાં. ઈઠ્ઠોતેર કંઈ ઓછાં છે?’ મળવા આવનાર સાથે ઝીણા સાદે થોડું થોડું બોલતાં કાશીમા કહે છે : ‘હવે તો ભગવાન લઈ લે તો સારું. આ પીડાઓ નથી વેઠાતી. ને ઘરનાંને પણ કેટલી તકલીફ !’ મૃત્યુનું વહેવારુ મહત્વ સ્વીકારતાં હોય એમ કાશીમા બોલે. પોતાના કથનની શું પ્રતિક્રિયા થાય છે તે જાણવા માટે સાંભળનારના ચહેરા પરના ભાવ વાંચવા મથે. અને એ ભાવ વાંચીને મનમાં સમજી જાય કે હું બોલી એનો જ પડઘો એ ચહેરા પર પડેલો છે. કોઈ ઈચ્છતું નથી કે ડોશી લાંબું જીવે !

‘કાશીમા, તમે ચિંતા ના કરશો. ડૉ. વ્રજલાલ બહુ હોશિયાર ડાક્ટર છે. તમને સાજાં કરી દેશે.’ – મળવા આવનારે તો, જાણવા છતાં કે હવે કંઈ આશા જેવું નથી, એવું જ બોલવું પડે ને?

કાશીમા પણ એ સમજે છે કે, માણસોના મનમાં કંઈ છે, ને બોલે છે કંઈ ! હવે હું નક્કામી ને ભારરૂપ થઈ ગઈ છું. હવે બધાં જ ઈચ્છે છે કે હું જલદી છૂટું તો સારું, જેથી, ખાસ તો, એ બધાં છુટાં થાય ! આવું છે દુનિયાનું – ખપ પુરતી સગાઈ !

‘ભાઈ તમારી વાત સાચી. ડાકટર હોશિયાર છે, પણ ઉપરવાળાના હુકમ સામે કોઈનું થોડું ચાલે છે? એમાં તો ડાક્ટરનુંય ના ચાલે.’ કટુ સત્યનું ઉચ્ચારણ કરતાં શીશી બોલે ને છેલ્લા શબ્દ સાથે નિસાસો નાખતાં આંખ મીંચી પડખું ફેરવવાનો પ્રયત્ન કરે – દુનિયાની નગુણાઈ પ્રત્યે અણગમો દર્શાવતાં હોય એમ.

હજી કાશીમાનો જીવ જતો નથી. જેમ મોડું થાય છે, તેમ કુટુંબીઓ અને નજીકનાં સગાંઓનો ઉચાટ વધતો જાય છે; અગવડો વધતી જાય છે ને !

હજી કાશીમા બરાબર ભાનમાં છે. વાત એવી હોય તો ફિક્કું ફિક્કું હસી પણ લે. સામાને સારું લાગે ને ! થોડાં ચા-પાણી, ફળનો રસ વિગેરે લઈ શકે છે. પ્રયત્નપૂર્વક થોડું થોડું બોલી પણ શકે છે. ઝાડા-પેશાબ તો પથારીમાં જ. જોકે વારાફરતી દીકરીઓ, વહુઓ હાજર હોય છે. તેઓ આ બધી સેવા મને-કમને કરતી રહે છે – ‘બહુ પીડાય છે. હવે છુટે તો સારું’, એવી ટિપ્પણીઓ કરતી કરતી !

ડૉક્ટર વ્રજલાલ સાથે કાશીમાના કુટુંબનો પહેલેથી ઘર જેવો સારો સંબંધ. આરોગ્યને લગતી કંઈ પણ તકલીફ હોય તો કાશીમાના ઘરનાં એમની પાસે જ જાય.

ડૉક્ટરનું દવાખાનું પણ ઘરમાં જ ને હોસ્પિટલ પણ ઘરમાં. મકાન ઘણું મોટું છે. ડૉક્ટરનું કુટુંબ ઉપલા માળે રહે છે અને નીચે આગળની બાજુએ દવાખાનું ને દવાખાનાની પાછળની બાજુએ ચાર ઓરડામાં હોસ્પિટલ.

કાશીમાને એક પલંગ પર રાખ્યાં છે. નર્સને આ ખાસ પેશન્ટ માટે વિશેષ ધ્યાન આપવાની તાકીદ કરી છે. ડૉ. વ્રજલાલનાં કુટુંબીજનો પણ દિવસમાં બેત્રણ વાર કાશીમાની ખબર કાઢી જાય છે. ડૉક્ટરનાં પત્ની પન્નાબેન તો ખાસ.

જોકે બેત્રણ દિવસથી તો ડૉ. વ્રજલલના કુટુંબનો જ એક સભ્ય પેશન્ટ બની ગયો છે. આઠ વર્ષના પિન્ટુનો જમણો પગ સૂજી ગયો છે. ડૉક્ટર એમનાં જ્ઞાન, અનુભવ પ્રમાણે સારવાર તો કરે છે. પણ કંઈ ફેર પડ્તો નથી. ડૉક્ટરનાં પત્ની, મા-બાપ ને બીજાં બધાં ચિંતામાં છે. કંઈ કરડી જવાથી આવું થયું છે કે શરીરની અંદર કોઈ વિકારને લીધે, તે સમજ પડતી નથી. ડૉ. વ્રજલાલ પણ મૂંઝવણમાં છે.

‘આવ, બેન પન્ના, બેસ. કેમ છે હવે પિન્ટુને?’ પન્નાબેન કાશીમાના પલંગ પાસે આવ્યાં ત્યારે કાશીમાએ હમદર્દીથી પૂછ્યું. પન્નાબેન ગઈકાલે આવેલા ત્યારે જ વાતવાતમાં પિન્ટુના પગના સોજાની વાત નીકળેલી.

‘મટી જશે. દવા, ઈંજેક્શન શરૂ કર્યાં છે. વડોદરાના કન્સલ્ટન્ટ સાથે પણ એમણે ફોન પર વાત કરીને સલાહ-સૂચન મેળવ્યાં છે, ને તે પ્રમાણે સારવાર શરૂ કરી છે.’ ગઈકાલે પન્નાબેને એમને કહેલું.

‘હા, તો ચિંતા કરવાની જરૂર નથી. મોટા ડૉક્ટર તો વધારે હોશિયાર હોય, એટલે ઠીક થઈ જશે.’ કાશીમાએ પણ પન્નાબેનના વિશ્વાસમાં વધારો કરતો ટેકો આપેલો.

પણ આજે પન્નાબેનના ચહેરા પર ચિંતાની રેખાઓ વધેલી દેખાતી હતી. સ્વરમાં પણ સ્વસ્થતા નહોતી. વિશ્વાસ ડગતો હોય એવા હાવભાવ હતા.

‘છે એવું ને એવું જ છે.’ કાશીમાની પૃચ્છાના જવાબમાં પન્નાબેન એટલું જ બોલ્યાં.

‘કંઈ ફેર નથી પડ્યો હજી?’ કાશીમાએ માયાળુ અવાજે પૂછ્યું, ‘વડોદરાના મોટા ડૉક્ટર (સ્પેશલિસ્ટ)ની સલાહ પ્રમાણે તો સુધારો થવો જોઈએ ને?’

‘ના કંઈ ફેર જણાતો નથી. ઊલટું સોજો વધતો હોય એમ લાગે છે. શું કરવું તેની સમજ પડતી નથી. હું તો એમને કહું છું કે તમને ના ગડ બેસતી હોય તો વડોદરા લઈ જઈએ ને કોઈ બીજા સ્પેશલિસ્ટને હોસ્પિટલમાં દાખલ કરાવી દઈએ.’ પન્નાબેન બોલ્યાં.

‘હા, તો એમ જ કરો. એ વધારે સારું.’ ખાંસતાં ખાંસતાં તૂટક સ્વરે કાશીમાં બોલ્યાં, ‘પછી દરદ વધી જાય એ કરતાં વેળસર, તમે કહો છો એમ, કરવા જેવું ખરું.’

‘પણ આજે બે ગંભીર કેસ આવ્યા છે. વ્રજલાલ કહે છે કે કાલે લઈ જઈએ. અહીંનું દવાખાનું ને હોસ્પિટલ સંભાળવા માટે એમણે એમના ઓળખીતા એક ડૉક્ટરને ફોન કરીને જણાવ્યું છે, તે કાલે સવારે આવવાના છે.’

‘ઠીક.’ સહજ વારે કાશીમાએ પન્નાના ઉદાસ મોં પર નજર નાખી. એમને કંઈક વિચાર આવ્યો. ‘પન્ના, ત્યાં સુધી એક દેશી ઈલાજ કરી જોવો છે?’ પન્નાને ચોખ્ખું સંભળાય એ માટે હાથના ઈશારે વધારે પાસે બોલાવતા કાશીમાએ પૂછ્યું. ‘મારાં સાસુમા ને એમના ગયા પછી હું પણ આવા દેશી ઈલાજથી ઘણાને સારાં કરી દેતાં. ત્યારે તો આજના જેવી ડૉક્ટરો ને દવાઓની સગવડો ક્યાં હતી?’

પન્નાબેન જરા ખચકાયાં, ડૉ. વ્રજલાલ દેશી ઉપચારની વાત ના માને તો? પણ હવે પન્નાબેન પણ ધીરજ ખોઈ બેઠાં હતાં. ત્રણ દિવસથી કંઈ ફેર પડતો નહોતો. એમણે પણ ડોશીવૈદાની વાતો સાંભળેલી તો હતી. એ પણ એક પ્રકારનો આયુર્વેદિક ઉપચાર જ હતો. અને જ્યાં એલોપથી સફળ નથી થતી, એવા ઘણા કિસ્સામાં આવા ઉપચારોથી ચમત્કારિક ફાયદા થયાના કિસ્સા વિશે પન્નાબેને પણ સાંભળ્યું હતું. ‘ડૂબતો માણસ તણખલું પકડે’ એ ન્યાયે પન્નાબેને પણ છેવટે કાશીમાની વાત સ્વીકારી લીધી – ડૉક્ટરને પૂછવાનું પણ બાજુએ મૂકીને. બોલશે તો જોયું જશે, એવા વલણ સાથે.

કાશીમાનું મકાન ગામના છેવાડાના વિસ્તારમાં હતું. ઘર આસપાસ મોટો વાડો ને બાજુમાં ખેતર પણ હતું. હજુ એ વિસ્તારમાં વૃક્ષો, વનસ્પતિ ખરાં.

‘જા, તો આપણી વાડેથી હું કહું તે થોડા વેલા લઈ આવ તો. ભોંયે પથરાયેલા પણ હશે.’ પાસે ઊભેલા એમના ચૌદ વર્ષના પૌત્ર રાજુને કાશીમાએ સૂચના આપી. વેલાની ઓળખ પણ આપી. સાથે ઘરમાંથી બીજી એક-બે દેશી ઔષધીઓ અને રસાયણો લાવવાનું પણ કહ્યું. ‘ને તારી માને આપીને કહેજે કે આ બધું ભેગું કરીને ઝીણું વાટીને લેપ બનાવીને મોકલે. જા ઝટ જા, ને ઝટ લેપ લઈ પાછો આવ.’

દોઢેક કલાકમાં રાજુ લેપ તૈયાર કરીને લઈ આવ્યો.

‘જા પન્નાને બોલાવ. એને સમજ પાડું.’

કાશીમાના કહેવાથી મેડે જઈને રાજુ પન્નાબેનને બોલાવી લાવ્યો. પન્નાબેન ઉત્સાહભેર ઉતાવળે ઉતાવળે આવ્યાં.

‘લે બેટા, આ લેપ થોડી હળદર ભેળવીને સોજાવાળા ભાગ પર સારી રીતે ચોપડી દે. થોડી આજુબાજુ પણ લગાડજે. ને ઉપર રૂ દબાવી દેજે. ભગવાન કરશે તો સવાર સુધીમાં ફેર પડી જશે.’ કાશીમાં કહેવામાં વિશ્વાસની ઝલક વરતાતી હતી.

‘હા, મા. ભગવાનની કૃપા ને તમારા આશીર્વાદથી આ દવા જરૂર કામ કરશે.’ પન્નાબેન પણ શ્રદ્ધાથી બોલી પડ્યાં. એમની આંખો બોલતાં બોલતાં પિન્ટુ પ્રત્યેની લાગણીને લીધે ભીની થઈ ગઈ. ‘ને ભગવાન તમનેય જલદી સારાં કરી દે, જેથી તમે આમ બીજાં ઘણાંના દુઃખ ભાંગી શકો.’

પન્નાએ આમ આડકતરી રીતે સ્વીકાર્યું કે ડોશીમાની ઉપયોગિતા હજી ખલાસ નથી થઈ ગઈ !

ને ખરેખર ચમત્કાર જ થયો. બીજે દિવસે સવારે પન્નાબેનના દીકરા પિન્ટુના પગનો સોજો ઘણો ઓછો થઈ ગયો હતો. આટલું સરસ પરિણામ જોઈને પન્નાબેન તો હર્ષાવેશમાં આવી ગયાં. એમની આંખો હર્ષાશ્રુથી છલકવા લાગી. એમની ચિંતા દૂર થઈ ગઈ હતી. એમણે ડૉ. વ્રજલાલને પણ વાત કરી, ને વ્રજલાલ પણ દોડતા આવ્યા, ને સોજો ઘણો ઊતરી ગયો, એ જોઈને ખુશ થયા. આશ્ચર્ય પણ પામ્યા. ઘડીક તો એમને કહેવાનું મન થયું કે લેપથી નહિ, પણ મારી બદલેલી સારવારથી ફાયદો થયો છે. પણ એમણે પત્નીના મોં પરના ભાવ વાંચીને પોતાની વાત મનમાં જ દાબી દીધી, કારણ એમણે જોયું કે પોતે શું કહેવા ઈચ્છે છે તે પન્ના સમજી ગઈ છે અને કંઈ બોલું એ પહેલાં જ ઠપકાનો ભાવ પન્નાની નજરમાં ઉપસી આવ્યો છે.

પન્નાબેન તરત કાશીમાને ખબર આપવા નીચે દોડી ગયાં. ઉતાવળે પલંગ પાસે પહોંચ્યા. કાશીમા ભીંત બાજુનું પડખું કરી સૂતા હતાં.

‘કાશીમા, કાશીમા, સૂતાં છો? પિન્ટુને તમારા લેપથી સારું થઈ ગયું હોં કે,’ હર્ષાવેશમાં જ પન્નાબેને કાશીમાને સ્પર્શીને કહ્યું. પન્નાબેનનો અવાજ સાંભળીને કાશીમા જરા સળવળ્યાં.

કાશીમાને પડખું ફેરવવામાં તકલીફ પડતી હતી. એટલે પન્નાબેન જ ધીમેથી પોતાના બન્ને હાથ વડે કાળજીપૂર્વક એમને જમણા પડખે કર્યાં. પણ કાશીમામાં બોલવાની શક્તિ નહોતી. આંખો ખુલ્લી હતી. ડોશી પન્નાબેનને ઓળખવાનો પ્રયત્ન કરતાં હોય એમ એમના ચહેરા સામે તાકી રહ્યાં.

‘કાશીમા, પિન્ટુને સારું થઈ ગયું છે.’ કાશીમાના કાન પાસે મોં લઈ જઈને, પોતાને મન અત્યંત ખુશીના એવા સમાચાર, કાશીમા સાંભળી અને સમજી શકે એ રીતે પન્નાબેને જરા મોટા અવાજે કહ્યા.

કાશીમાના હોઠ સહેજ મલક્યા. આંખોમાં આનંદની ચમક દેખાઈ આવી. પોતાની સદ્ભાવના દર્શાવવા હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો. પણ હાથ માંડ વેંત જેટલો જ ઊંચો થયો ને પાછો નીચે પટકાઈ પડ્યો.

કાશીમાની હીલચાલ પરથી પોતાની વાત એમને સમજાઈ છે, એની પન્નાબેનને ખાત્રી થઈ. અને પિન્ટુ સાજો થયાની વાત જાણીને કાશીમા ખુશ થયાં છે, એ જોઈને પન્નાબેનને પણ ઘણો આનંદ થયો.

‘ભગવાન ! કાશીમાને જલદી સારું કરી દો. એ નક્કામા નથી થઈ ગયાં. હજી મારા પિન્ટુની જેમ બીજા કેટલાંયની પીડા મટાડી શકશે.’ શુદ્ધ સાત્વિકભાવે પન્નાબેને મનોમન પ્રાર્થના કરી.

‘સૂઈ જાવ. થોડી વાર પછી ફરી આવીશ. થોડો મોસંબીનો રસ લઈને આવું છું. હવે તમને પણ સારું થઈ જશે.’ પોતાના કથન દ્વારા પન્નાબેન ડોશીમાને આશ્વાસન આપતાં હતાં કે પોતાને જ? કોણ જાણે !

કાશીમાને મળીને ગયા પછી બે-અઢી કલાકમાં પન્નાબેને પોતાનાં સવારનાં કામો ઝટપટ પતાવ્યાં. વારે વારે પિન્ટુના પગ પર નજર કરી જતાં. સોજો ઘણો ઓછો થઈ ગયો હતો. પન્નાબેન ઘણી માનસિક રાહત અનુભવી રહ્યાં હતાં. પૂજાપાઠનું નિત્યકર્મ ત્વરાથી આટોપીને એમને કાશીમા પાસે પહોંચી જવાની તાલાવેલી હતી.

પોતાનું બધું પરવારીને એ કાશીમાના રૂમમાં પ્રવેશ્યાં ત્યારે ત્યાં કાશીમાના ઘરનાં બધાં શોકમગ્ન ચહેરે ચૂપચાપ ઊભાં હતાં. ડૉ. વ્રજલાલ પણ તાકીદે આવી પહોંચ્યા હતા, ને કાશીમાને તપાસી રહ્યા હતા. નાડી જોઈ. ધબકારા તપાસ્યા ને નિરાશાસૂચક રીતે માથું હલાવ્યું.

ને એ સાથે કલ્પાંત અને આક્રંદ શરૂ થઈ ગયાં.

પન્નાબેનના હાથમાંથી મોસંબીના રસની વાડકી પડી ગઈ. સાડીનો છેડો એમની આંખોએ પહોંચી ગયો. ગળામાંથી ડૂસકું નીકળી ગયું.

‘કાશીમા, તમે અહીં પેશન્ટ બનીને આવ્યાં ને, ડૉક્ટર પણ જે ન કરી શક્યા એ, ડૉક્ટરના જ દીકરાનો ઈલાજ કરીને એને સાજો કર્યો ! તમારી તો મારી જેમ ઘણાંને જરૂર હતી.’ રડતાં રડતાં પન્નાબેન બોલ્યાં.

બીજું કોઈ ભલે એમ માને, પણ પન્નાબેનને તો સમજાઈ જ ગયું હતું કે કાશીમા નક્કામાં નહોતાં.

[કુલ પાન ૨૫૬. કિંમત રૂ. ૧૦૫/- પ્રાપ્તિસ્થાન : પુનિત સેવા ટ્રસ્ટ. સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ ફોન.: ૦૭૯-૨૫૪૫૪૫૪૫]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “કાશીમા નક્કામાં ? – હરિભાઉ મહાજન”

Copy Protected by Chetan's WP-Copyprotect.