ચશ્માં વિનાનો એક દિવસ – કિશોર વ્યાસ

(‘દે દામોદર, દાળમાં…!’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે : ‘પત્યું, કશુંક ખોવાયું લાગે છે. મારાં ચશ્માં ક્યાંય મળતાં ન હતાં. ટેબલનાં ખાનાંઓ ફંફોસી લીધાં. કબાટને ખાલી કર્યો. ઘરમાં દિવાળી આવી હોય એવું થઈ રહ્યું. સૌને ચીજવસ્તુઓ કૂદીકૂદીને આવ-જા કરવાની મેં ફરજ પાડી એથી તેઓ અકળાયાં. ‘કોણ જાણે ક્યાં મૂકી આવો છો? અમારે તો તમારી દરેક ચીજો શોધાશોધ જ કર્યા કરવાની?’

‘ચશ્માં મળી જાય પછી ક્યાં શોધવાનાં છે?’ મેં તણાવભર્યા વાતાવરણમાં પણ મજાક છેડી એથી તેઓ વધુ ગુસ્સે થઈ કહે : ‘શાકભાજીની લારીમાં, કોઈ દુકાનના કાઉન્ટર પર મૂકી આવ્યા હશો. હવે અહીં શોધો તે ક્યાંથી મળે? હવે શોધ્યાં કરો તમતમારે. અમે તો થાકી ગયાં.’

ઘરનાં સૌનો ચશ્માં શોધવાનો આવો અસહકાર જોઈ હું નિરુપાય થઈ ગયો. શેરીના છેવાડે આવેલી બે દુકાને જઈને પૂછી આવ્યો. એક અઠવાડિયાથી શાક લેવા નહોતો ગયો તોયે શાકભાજીવાળાને પૂછી આવ્યો. એ મને ચશ્માં ન આપી શક્યો પણ સલાહ આપ્યા વિના રહી ન શક્યો : ‘તમારી ચીજવસ્તુનું ઠેકાણું તમારે જ રાખવું જોઈએ ને સાહેબ !’ ‘હાં, એ તો ખરું જ.’ મારે કહેવું રહ્યું. હું એ સલાહ વરસોથી સાંભળતો હતો એથી મને એની ખાસ અસર ન થઈ. માણસ પ્રાણી જ એવું છે કે એ અણગમતી સલાહને એક કાનેથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે. હું પણ એમાંથી શાને બાકાત રહું? મારાં ચશ્માં સાવ સાદાં ન હતાં. નોકરીમાં એક ઇજાફાની સરકારે જાહેરાત કરી પછી ચારેક ઇજાફા વધારે વાપરી નાખીને મેં ચશ્માં બનાવડાવ્યાં હતાં. ચશ્માંની કિંમત સાંભળી જૂના જમાનાના મારા એક સગાંએ કહેલું : ‘હાય, હાય. આટલી કિંમતમાં તો નવી આંખો આવી જાય.’

‘તો મારા માટે બે લઈ આવજો, જેથી દુનિયાને બમણી જોઈ શકું.’ હું બોલેલો.

હાલ તો ચશ્માંનો વિકટ પ્રશ્ન મારે ઉકેલવાનો હતો. કદાચ કૉલેજમાં પણ ભૂલી ગયો હોઉં એમ માનીને કૉલેજ જવાનો સમય થાય એની હું રાહ જોવા લાગ્યો. રસ્તા પરથી પડોશીએ મને ફળિયામાં, લીમડાના ટેકે નિરાંતવો બેઠેલો જોયો એટલે એ વાતો કરવા ઊભા રહી ગયા. ‘સરકારી નોકરિયાતોને આ મજા, નહીં? જ્યારે ને ત્યારે રજા.’ એમ કહી નોકરિયાતોને ક્યારે ક્યારે મફતની રજા મળતી હોય છે એની એમણે મને એક યાદી સંભળાવી. મેં કહ્યું કે : ‘આજે તો એવી કોઈ રજા નથી. સાડા દસ થાય કે હમણાં નોકરીએ જવા નીકળું જ છું.’ એ હસીને કહે : ‘રાતે ઊંઘ નથી આવી કે શું? અત્યારે તો સાડા અગિયાર થવા આવ્યા.’ વિસ્ફોટ કરીને તેઓ ચાલ્યા ગયા. હું દોડ્યો. ઓસરીમાં ટીંગાડેલી ઘડિયાળમાં આંખ ખેંચીને જોયું તો દસ અને અગિયાર વચ્ચે કાંટો એવો ચાલતો હતો કે મને ચશ્માં વિના એ સાડા દસ જ જણાતા હતા. હું દોડાદોડ ઘરમાં જઈ કહેવા લાગ્યો, ‘અરે, મને કહેતાં પણ નથી કે આટલો બધો સમય થઈ ગયો?’

‘અમને તો એમ છે કે ચશ્માંના શોકમાં તમે રજા પાડી દીધી હશે.’

જેમતેમ તૈયાર થઈ કૉલેજ જવા મેં ખભે થેલો ભરાવ્યો. ‘અરે, જમીને તો જાઓ.’

મને કૉલેજ પહોંચવાનો લાંબો પથ ચશ્માં વિના પણ ચોખ્ખો દેખાતો હતો. મેં બસસ્ટૉપ તરફ જાણે કે દોટ જ મેલી. મંદિરમાં પ્રાર્થના કરીએ ત્યારે આપણને જાણ નથી હોતી કે ભગવાને આપણી અરજ સાંભળી કે ના સાંભળી. બસસ્ટૉપ અને મંદિરમાં ઝાઝો તફાવત નથી. બંને જગ્યાએ મોટાભાગે ઊભા રહેવાનું જ આવે. બસ આવવાની છે. ચાલી ગઈ છે કે હવે આવશે એની અટકળમાં રાહ જોયા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો.

ખાસ્સી વાર પછી મોટાં ચશ્માં લગાવ્યાં હોય એવી બસ આવતી જોઈ. સૌ રણમેદાનમાં જવા સજ્જ થઈ ગયા. એક ધક્કે હું બસમાં ચઢી ગયો. આટલી ધક્કમુક્કીમાં પણ હું બસમાં જગા કરી શકું છું એનું મને આશ્ચર્ય શમતું ન હતું. કંડક્ટર પાસે કૉલેજ રોડની ટિકિટ માગતાં એ મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યો. ચશ્માં વિના પણ એનું સૂકું મોં, તુચ્છકારભરી નજર હું જોઈ શકતો હતો. મેં પાંચ રૂપિયાની નોટને બદલે પાંચસોની નોટ આપી દીધી છે કે શું? એ વિચારથી નોટને એના હાથમાંથી ખેંચી લઈ આંખને પણ બરાબર ખેંચીને જોયું તો એ બરાબર જ હતી. કંડક્ટરનો મૂડ બરાબર ન હતો. એમણે મને કહ્યું : ‘તમારી નોટ તમારી પાસે જ રાખો ને હેઠા ઊતરો.’

‘અરે, પણ આ સાચી નોટ છે, બનાવટી નથી.’

‘આ બસ કૉલેજ રોડ પર નહીં જાય, આશ્રમ તરફ જશે.’

‘મારો ગૃહસ્થાશ્રમ હજુ હમણાં જ શરૂ થયો છે ત્યાં સંન્યાસ આશ્રમની ક્યાં વાત કરો છો? મારે તો કૉલેજ જવું છે.’

‘તો સિત્યોતેર નંબરની બસમાં બેસો.’

‘કેમ? આ તો એ જ બસ છે ને !’

‘આ નવ્વાણું નંબર છે. અભણ છો કે શું?’

‘પણ મેં સિત્યોતેર નંબર જ વાંચેલો.’

‘એમ? તમે તો સિત્તેર પણ વાંચો. હવે ઊતરશો કે આશ્રમ લગી આવશો?’ આમ કહી એણે બેલની દોરી ખેંચી. કૉલેજમાં છૂટવાનો બેલ અમારા સૌના માટે દુનિયાનું શ્રેષ્ઠ સંગીત અમે માનતા આવ્યા છીએ. એ બે-પાંચ ક્ષણ પણ આઘોપાછો થાય તો અમે બેબાકળા થઈ ઊઠીએ છીએ. આજે આ ઘંટડી મને મૃત્યુઘંટ જેવી લાગી. દુષ્યન્તે ભરસભામાં જેમ શકુન્તલાને અપનાવવાનો ઇન્કાર કરી દીધો હતો એમ મુસાફર તરીકે મને અપનાવવા કન્ડક્ટર રાજી ન થયો. એ રાજી થયો હોત તો મારે એટલા ગાઉ ચાલવું પડત કે માત્ર દિવસ જ નહીં, બોલી પણ બદલાઈ જાત. મેં અધવચ્ચે ઊતરી કૉલેજની વાટ પકડી. મારા વિદ્યાર્થીઓને કૉલેજ આવતાં જે થાક લાગે છે અને કટાણું મોં થઈ જાય છે એવા હાલ મારા પણ થઈ ગયા હતા. આચાર્યે મને મોડા પડવા બદલ તતડાવ્યો : ‘જુઓ મિસ્ટર, કેટલા વાગ્યા છે?’

ઘડિયાળ તરફ મેં આંખને ખેંચી. કાંટાઓ અને આંકડાઓ મારા મોં જેવા ઝાંખાપાંખા મને જણાતા હતા. ચશ્માંના કારણે હું કંઈક ભળતો જ સમય કહી બેસીશ એવી બીકથી હાજરીપત્રકમાં મેં ચૂપચાપ સહી કરી દીધી. મેં સહી કરી કે સાહેબ ગર્જી ઉઠ્યા : ‘તમે આ શું કર્યું?’ મેં આંખને ફરી ઝીણી કરી. કોઈ હીરાને તપાસતો હોઉં એમ આંખને ખેંચીને જોયું તો મેં સેવકભાઈને જગ્યાએ સહી કરી દીધી હતી. ચેકબુકમાં સહી કરવાનું સદ્‍ભાગ્ય મને ખાસ મળતું નથી. આથી હાજરીપત્રકમાં હું ખાસ ચીવટથી સહી કરી જાતને ધન્ય માનતો હતો. એમાં પણ આજે ચૂક થતાં હું શરમાયો. એ સમયે મારું અધ્યાપકપદું મને કામ આવ્યું : ‘સાહેબ ! આખરે તો હું આ સંસ્થાનો અદનો સેવક જ છું ને?’

‘સારું, સારું, હવે તમે જાઓ. પણ ધ્યાન રહે. આવતી કાલે મારા ખાનામાં સહી કરીને આચાર્ય ન બની જતા.’

પાછળ જોયા વિના જ મેં વર્ગમાં જવાનું મુનાસિબ માન્યું. કોઈ વર્ગમાં હું ચશ્માં વિના ચોપડી પકડી શકું એમ ન હતો. મેં જાતભાતની વાત જોડી કાઢી. વિદ્યાર્થીઓ અભ્યાસને લગતા મારા વ્યાખ્યાનને પણ ખાસ સમજી શકતા નથી. કેટલાક તો પાટલી પર માથું ટેકવીને સ્વપ્નનગરીના નાગરિકો પણ થઈ જતા હોય છે. કેટલાક મૂઢમતિ હું શું ફેંકી રહ્યો છું એ ન સમજાતાં ચશ્માંની આરપાર તાકી રહેતા હોય છે. ચશ્માં પહેરીને બેઠેલા આવા એક પછી એક વિદ્યાર્થીઓના આ ચશ્માંવૈભવની મને ઈર્ષા થઈ.

ઘરે આવ્યો ત્યારે સૌએ ‘ચશ્માં મળ્યાં કે?’ એવા અઘરા પ્રશ્નથી મારું સ્વાગત કર્યું. મારા જવાબથી તેઓ હતાશ થઈ ગયાં કે ચશ્માં વિના હું જે ભૂલો કરવાનો હતો એ ભોગવવાની એમના પક્ષે હતી. ‘હવે નવાં ચશ્માંનો ખર્ચ કરી નાંખો.’ એમ સૌ છૂટથી કહેવા લાગ્યાં. સવારે સૌ પહેલું કામ એ જ હાથમાં લઈશ એવી ખાતરીથી સૌને નિરાંત વળી.

એકટાણાના ભોજનનું રાતે સાટું વાળી દીધું. ચશ્માં કરાવવા જઈશ તોયે અઠવાડિયા લગી નવાં ચશ્માં બનશે કે કેમ એની ચિંતામાં નીંદર વેરણ થઈ ગઈ હતી. ચશ્માં વિના જીવરામ ભટ્ટની માફક કશુંયે જોવા-વાંચવાનું ક્યાં હતું? તે છતાં આદતવશ પુસ્તકોના કબાટ પાસે ઊભો રહી ગયો.

કબાટમાં ‘ચશ્માં ઉતારવાના સો ઉપાયો’ પુસ્તક પડ્યું હતું. મોટા અક્ષરો જોઈ એને હાથમાં લીધું. પુસ્તકની વચ્ચે દબાઈને મારાં ચશ્માં ત્યાં લહેરથી પડ્યાં હતાં.

રહીરહીને યાદ આવ્યું કે ગઈ કાલે મેં ચોપડી વાળીને આમ જ ચશ્માં મૂકી દીધેલાં. મેં મનોમન કહ્યું : ‘હવે હું પ્રોફેસર સાચ્ચો.’

[કુલ પાન ૯૨. કિંમત રૂ. ૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ચશ્માં વિનાનો એક દિવસ – કિશોર વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.