કળિયુગમાં હરિ નામનો પ્રભાવ – મૃગેશ શાહ

(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો ચિંતનાત્મક લેખ)

વૈશાખી ઉનાળાની બળબળતી બપોર ભલે અસહ્ય ગરમીથી તપ્ત હોય પણ તેની સવાર આપણને બધાને શીતળ અને આહલાદ્‍ક લાગે છે. મંદ-મંદ હવા વાતાવરણને કુદરતી ઠંડકથી ભરી દે છે. સૂર્યના આછાં કિરણો, પક્ષીઓનું મીઠું ગૂંજન, બાગ-બગીચાની ચહલપહલ અને ખુલ્લા આકાશમાં કોઈક વાદળની આવનજાવન – એ બધું નયનરમ્ય લાગે છે. ધીમે ધીમે ગરમી એનું જોર પકડતી જાય છે. સૂરજ અગનગોળા વર્ષાવે છે. મધ્યાહન સુધીમાં તીવ્ર કિરણો પૃથ્વીને ગરમ ભઠ્ઠી જેવી બનાવી દે છે. ગરમ લૂનું ચારેકોર સામ્રાજ્ય વર્તાય છે. તેમ છતાં અમુક જગ્યાએ ગમે તેવા ઉનાળાની આકરી અસરો વર્તાતી નથી. એ જગ્યાઓએ જવાથી આપણે ગરમીથી મુક્ત રહી શકીએ છીએ. વૃક્ષોની છાયા, લીલી વનરાજીના પ્રદેશો, પર્વત પર ઊંચાઈએ આવેલા ગિરિમથકો તેમજ શહેરના વાતાનુકૂલિત ઘરોમાં ઉનાળો ગમે તેટલું કરે તો પણ પગ જમાવી શકતો નથી.

કંઈક આવી જ વાત કળિયુગના લક્ષણોના સંદર્ભમાં શાસ્ત્રોએ કહી છે. શ્રીમદ્ ભાગવતજીની શરૂઆત તેમજ સમાપન એમ બંને પ્રસંગોએ કળિયુગના પ્રભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે.

अहं भक्तिरिति ख्याता ईमो मे तनयो मतौ ।
ग्यानवैराग्यनामानौ कालयोगेन जर्जरो ॥ (ભાગવતમહાત્મય, અધ્યાય.૧, શ્લોક.૪૫)

દેવર્ષિ નારદ ભક્તિરૂપી સ્ત્રીને જ્યારે મળે છે ત્યારે ભક્તિ સ્ત્રીના રૂપમાં દેવર્ષિને કહે છે કે – ‘હું ભક્તિ છું, જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે પુત્રો છે. સમયના કળિયુગરૂપી બદલાવને કારણે તેઓ જર્જરિત થયા છે.’ શ્રીમદ્‍ ભાગવતજીના સમાપન પ્રસંગે પણ કળિયુગનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

तत्तश्चानुदिनं धर्मः सत्य शौच क्षमा दयाः।
कालेन बलिना राजन् नड्नयत्यायुर्बलं स्मृतिः ॥ (શ્રીમદ્‍ ભાગવત/દ્વાદશસ્કંધ)

શ્રી શુકદેવજી મહારાજ પરીક્ષિતને ‘कालेन बलिना राजन् અર્થાત્‍ હે પરીક્ષિત, કાળ બહુ જ બળવાન છે’ એમ કહીને કળિયુગના સમસ્ત ધર્મોનું વર્ણન કરે છે.

જ્યારે સપ્તર્ષિ મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે ત્યારથી કળિયુગની શરૂઆત થાય છે. જેમ શિયાળાની ઋતુ પછી ઉનાળો આવે છે તેમ કળિયુગ દ્વાપર યુગ પછી આવે છે. ઉનાળાની ઋતુ મોટા ભાગે ચાર મહિનાની હોય છે, એમ જો કળિયુગ વિશે વિચારીએ તો કળિયુગનું આયુષ્ય કેટલું? એ પ્રશ્નના સંદર્ભમાં ઘણા પ્રકારની ગણતરીઓ ધ્યાનમાં લેવી પડે તેમ છે. ગણતરી ત્રણ પ્રકારે છે.

(૧) મનુષ્યવર્ષ પ્રમાણે
(૨) દેવતાવર્ષ પ્રમાણે
(૩) બ્રહ્માવર્ષ પ્રમાણે

જો આપણે મનુષ્યવર્ષ પ્રમાણે જોઈએ તો કળિયુગનું આયુષ્ય ૪,૩૨,૦૦૦ વર્ષનું છે. એ જ ગણતરી દેવતાઓના વર્ષ પ્રમાણે ૧૨૦૦ વર્ષની છે. બ્રહ્માજી પ્રમાણે ગણતરીનો પ્રકાર કંઈક જુદો છે. મનુષ્યના ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ બરાબર બ્રહ્માજીના માત્ર બાર કલાક થાય છે ! મનુષ્ય લોક પ્રમાણે બ્રહ્માજીનો દિવસ ચાલે છે અને અત્યારે બ્રહ્માજીની ઘડિયાળમાં દિવસના દસ વાગ્યા છે. તેથી કર્મકાંડ વગેરેમાં ब्रह्मणोडमि द्वितिय प्रहारर्ध અર્થાત્‍ ‘બ્રહ્માજીનો દ્વિતીય પ્રહર’ એમ બોલાય છે. સૃષ્ટિના કલ્પમાં અઠ્ઠાવીસમી વારનો આ કળિયુગ ચાલે છે. અત્યારે કળિયુગનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. ગણતરી પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે ૪૦૦૦ વખત ચારે યુગો વીતી જશે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થશે અને બીજા એટલા યુગો વીતશે ત્યારે બ્રહ્માજીની એક રાત થશે. તેવા એકત્રીસ દિવસનો એક મહિનો અને એવા બાર મહિના બરાબર એક વર્ષ થશે. આ રીતે ગણતાં બ્રહ્માજીનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે !

આ ગણતરીથી એમ લાગે છે કે આપણે કળિયુગની ખોટી બૂમો પાડીએ છીએ. આ યુગ કંઈ પહેલી વાર આવ્યો નથી. તેમ જ હજી આ યુગના મધ્યાહને પણ આપણે પહોંચ્યા નથી. જેમ આગળ જોયું તેમ કળિયુગ હજી પ્રથમ ચરણમાં છે. ધર્મ, સત્ય, દયા અને તપ વગેરે સદ્‍ગુણો હજી સમૂળગા લુપ્ત થયા નથી. પણ હા, ખરાબ તત્વો પોતાનો પ્રભાવ વધારવા માટે જોર જરૂર કરી રહ્યા છે. તેમ છતાં તે તરફ આપણે કોઈ ધ્યાન આપવાની જરૂર પણ રહેતી નથી. અત્યારે એમ કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણને સ્વધામ ગયે ૫૦૦૦ વર્ષનો સમય વીતી ગયો છે, પણ જો આ ગણતરી બ્રહ્માજીના વર્ષ પ્રમાણે કરવામાં આવે તો હજી એક મિનિટનો સમય પણ થયો નથી. ભગવાન હજી હમણાં જ ગયા છે તેમ કહી શકાય ! તેથી આપણે ‘કળિયુગ’ ‘કળિયુગ’ એમ બૂમો પાડવાની એટલી જલદી ના કરવી જોઈએ. संभवामि युगे युगे એમ ભગવાન જ્યારે ગીતામાં કહે છે ત્યારે મનુષ્યની ગણના પ્રમાણે ભલે એક યુગ થતો હોય પણ બ્રહ્માજીની ગણના પ્રમાણે એક દિવસ જ થાય છે, કારણ કે ચારેય યુગનો સરવાળો કરીએ ત્યારે બ્રહ્માજીનો એક દિવસ (આગળ જોયું તેમ ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ) થાય છે. આ પરથી એમ કહી શકાય કે પ્રત્યક્ષરૂપે પણ ભગવાન રોજ અવતાર લે છે ! તત્વના સ્વરૂપે ભગવાન ઘટ-ઘટમાં વ્યાપ્ત તો છે જ અને બીજા અનેક સ્વરૂપે ક્ષણે-ક્ષણે અવતરે છે એ તો જૂદું ! આમ જાણીને આપણે કળિયુગથી ડરવાને બદલે પરમાત્માના કીર્તનમાં ધ્યાન આપવું જોઈએ. ક્યારેક તો કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વર આપણને રોજ મળે છે.

કળિયુગ તો પ્રથમ ચરણમાં છે તેથી એમ કહી શકાય કે હજી ઉનાળાની આહ્‍લાદક સવાર પડી છે. અત્યારના સમયને શ્રેષ્ઠ ગણી શકાય. શિયાળાની ઠંડીમાં કદાચ થથરી પણ જવાય પણ આ તો ઉનાળાની શીતળ સવાર છે. બપોર હજી ઘણી દૂર છે. ઘોર કળિયુગરૂપી બપોર જ્યારે થશે ત્યારે પણ જે પોતાના સદ્‍ગુરુરૂપી ધૂનની છાયામાં, અધ્યાત્મરૂપી પર્વત પર કે પછી શાંતિ અને પ્રસન્‍નતારૂપી વાતાનુકૂલિત પ્રદેશમાં રહેશે. કળિયુગ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. આપણું સદ્‍ભાગ્ય છે કે આપણને આ બધા જ પ્રકારની શીતળતા કળિયુગરૂપી સવારથી પ્રાપ્ત થયેલી છે.

ભૌતિક ક્ષેત્રે આપણે અત્યારે ખૂબ પ્રગતિ કરી છે અને સાથે સાથે સાંસ્કૃતિક વારસો પણ જાળવી રાખ્યો છે. આજે રાષ્ટ્ર પાસે સાયન્ટીસ્ટો પણ છે અને સંતો પણ છે. ‘સમ્યકજીવન’ જીવી શકાય તેવી પૂરી અનુકૂળતાઓ છે. જીવનને સુયોગ્ય દિશા આપવાની પૂરી તકો રહેલી છે. તમામ પ્રકારની ભૌતિક પ્રગતિથી આપણે લોકકલ્યાણ કરી શકીએ છીએ. જેમ કે વાહનોનો ઉપયોગ કરીને કોટેશ્વરથી કૈલાસ સુધી ક્ષણોમાં (ટૂંકા સમયમાં) પહોંચી શકાય છે. ટેલિવિઝન દ્વારા કથા, પ્રવચનો અને સત્સંગનો લાભ અશક્ત વ્યક્તિ પણ ઘરે બેઠા લઈ શકે છે. કમ્પ્યૂટરના ઉપયોગથી દેશ-વિદેશમાં સગા-સંબંધીઓના સંપર્કમાં રહી શકાય છે. વિવિધ ચિકિત્સા પદ્ધતિઓથી શરીરને રોગમુક્ત રાખી શકાય છે. આમ, આપણને મળેલા જીવનકાળનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ છીએ. જો આટલી ભૌતિક પ્રગતિ આપણે ન કરી હોત તો આપણે લાઈટો, વાહનો, ટેલિફોન કે પછી ગેસ જેવી કોઈ આધુનિક વસ્તુ વાપરી ના શકત. અને તેના પરિણામે આપણો બધો જ સમય ખાવા-પીવાનું બનાવવામાં કે પછી પગપાળા લોકોને મળવા જવામાં જ વ્યસ્ત થઈ જાત. આ બધાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને, સમય બચાવીને આપણે સત્સંગ કરી લઈએ એમાં જ ડહાપણ છે. ટીવી, કમ્પ્યૂટર અને વાહનો આવવાથી કળિયુગ આવી જતો નથી પણ તેના દુરુપયોગથી જે નુકસાન થાય છે તેને જ કળિયુગ ગણવો જોઈએ. ઘણા લોકો એમ માને છે કે સંતોએ વાહનોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ વાત ખોટી છે. આ આપણી સંકુચિત માનસિકતાનું લક્ષણ છે. સંતો દરેક ચીજનો ઉપયોગ લોકકલ્યાણ અને પરોપકાર માટે કરે છે. તેમના વિવેકપૂર્ણ ઉપયોગને લીધે, કોઈ પણ પ્રકારની ભૌતિકતા એમને બંધનરૂપ બનતી નથી.

આપણે સત્સંગરૂપી છાયામાં કાયમ રહીને વિવેકપૂર્ણ રીતે વસ્તુઓનો ઉપયોગ કરીશું તો કળિયુગરૂપી તડકો આપણને કશું નુકસાન નહીં કરે. જે લોકો નરી ભૌતિકતા પાછળ દોડે છે એ લોકોને જ કળિયુગ સામે આવતો દેખાય છે. જે લોકો ભગવદ્‍ કથારૂપ છાયામાં બેઠા છે એ દુનિયાનું ઉજ્જવળ ભાવિ જુએ છે. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. આપણે કળિયુગના લક્ષણો ગણવા કરતાં સત્સંગ તરફ ધ્યાન આપવાની વધારે જરૂર છે. લોકોની ભૂલો અને ખામીઓ કાઢીને તળેટીમાં બેસી રહીશું તો પર્વતની ઊંચાઈએ આવેલી શીતળતા આપણને પ્રાપ્ત નહીં થાય. આપણને જો આપણી આજુ-બાજુ કળિયુગના લક્ષણ દેખાવા માંડે તો એનો અર્થ એવો થાય કે આપણે બહાર તડકામાં ઊભેલા છીએ. તડકામાં ઊભા રહેવાથી ભૌતિક જગતરૂપી લૂ લાગી જવાનો ભય રહે છે. આ બધાથી બચવા માટે આપણે તરત સદ્‍ગુરુરૂપી છાંયો શોધી લેવો જોઈએ. તમામ શાસ્ત્રોએ પણ આ જ ઉપાય બતાવ્યો છે.

कालेदोषोनिधे राजनास्ति एको महान गुणः ।
कीर्तिनादेव कृष्णस्य मुक्तसंगः परं व्रजेत ।। (શ્રીમદ્‍ ભાગવત)

હે પરીક્ષિત, આમ તો કળિયુગ બધા જ દોષોની ખાણ છે, પણ એમાં એક બહુ જ અદ્‍ભુત ગુણ રહેલો છે કે જે કળિયુગમાં કેવળ ભગવાન શ્રીકૃષ્ણનું (કે પછી કોઈ પણ રૂપમાં પરમાત્મ તત્વનું) સંકીર્તન કરે છે તે સમસ્ત આસક્તિથી છૂટીને પરમાત્માની પ્રાપ્તિ કરે છે.

कृत यद्‍ ध्यायतो विष्णुं त्रेयतां यज्तो नरवैः ।
द्वापरे परिचर्यायां कलौ तदरिकीर्तनाम् ।। (શ્રીમદ્‍ ભાગવત)

સતયુગમાં જે ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા મોટા યજ્ઞો કરવાથી, દ્વાપરમાં વિધિવત્‍ પૂજા કરવાથી ફળ મળે છે તે કળિયુગમાં કેવલ ભગવાનનું નામ સંકીર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. દેવતાઓ પણ કળિયુગમાં જન્મની આશા રાખે છે. સ્કંધપુરાણ (મા.૩૮/૪૪-૪૬) માં કહ્યું છે કે કળિયુગ સમાન કોઈ યુગ નથી. કારણ કે આ યુગમાં ભગવાન વિષ્ણુના સ્મરણ-કીર્તનથી મનુષ્ય પરમપદ મેળવી લે છે. આટલું જ નહિ પરંતુ તે ભગવદ્‍ સ્વરૂપ બની જાય છે. પદ્મપુરાણ (સ્વર્ગ ૬૧/૬-૮)માં લખ્યું છે કે કળિયુગમાં જે મનુષ્ય નારાયણનું ભજન કરે છે તે જ ખરો ધર્માત્મા છે. તે હૃદયમાં પરમ શાંત પરમેશ્વરને સ્થાપિત કરીને ત્રણેયલોક જીતી લે છે. તે મનુષ્ય હરિકીર્તનરૂપી અમૃતનું પાન કરીને કલિકાલરૂપી સર્પના કરડવા છતાં તેના પાપરૂપ ઝેરથી અચૂક બચી જાય છે. રામચરિતમાનસમાં સંતશ્રી તુલસીદાસજી મહારાજ લખે છે કે –

नहि कलिकरम न भगति बिबेकू ।
रामनाम अवलंबन एकू ॥
कलियुग केवल हरिगुन गाहा ।
गावत नर पावहि भव थाहा ॥

એક રામનામના અવલંબનથી જ કળિયુગમાં નર ભવસાગર પાર કરી શકે છે. ભૌતિક અને આધ્યાત્મિક વિકાસના આ સંગમે સાધકે પરમાત્મામય બનીને આંતરિક પ્રગતિ કરવી જોઈએ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચશ્માં વિનાનો એક દિવસ – કિશોર વ્યાસ
પ્રેમની આગ જીવનભર જલતી રહેવી જોઈએ – દિનેશ દેસાઈ Next »   

2 પ્રતિભાવો : કળિયુગમાં હરિ નામનો પ્રભાવ – મૃગેશ શાહ

  1. ASHWIN PATEL says:

    This article explains the philosophy of our Hinduism very well and clears many ambiguity from our minds. This is written in very simple easy way to understand.

  2. sandip says:

    “આપણે સત્સંગરૂપી છાયામાં કાયમ રહીને વિવેકપૂર્ણ રીતે વસ્તુઓનો ઉપયોગ કરીશું તો કળિયુગરૂપી તડકો આપણને કશું નુકસાન નહીં કરે. જે લોકો નરી ભૌતિકતા પાછળ દોડે છે એ લોકોને જ કળિયુગ સામે આવતો દેખાય છે. જે લોકો ભગવદ્‍ કથારૂપ છાયામાં બેઠા છે એ દુનિયાનું ઉજ્જવળ ભાવિ જુએ છે. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. આપણે કળિયુગના લક્ષણો ગણવા કરતાં સત્સંગ તરફ ધ્યાન આપવાની વધારે જરૂર છે. લોકોની ભૂલો અને ખામીઓ કાઢીને તળેટીમાં બેસી રહીશું તો પર્વતની ઊંચાઈએ આવેલી શીતળતા આપણને પ્રાપ્ત નહીં થાય. આપણને જો આપણી આજુ-બાજુ કળિયુગના લક્ષણ દેખાવા માંડે તો એનો અર્થ એવો થાય કે આપણે બહાર તડકામાં ઊભેલા છીએ. તડકામાં ઊભા રહેવાથી ભૌતિક જગતરૂપી લૂ લાગી જવાનો ભય રહે છે. આ બધાથી બચવા માટે આપણે તરત સદ્‍ગુરુરૂપી છાંયો શોધી લેવો જોઈએ. તમામ શાસ્ત્રોએ પણ આ જ ઉપાય બતાવ્યો છ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.