પ્રેમની આગ જીવનભર જલતી રહેવી જોઈએ – દિનેશ દેસાઈ

(‘પ્રેમ : જિંદગીનું સરનામું’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

ઘણાબધા લોકોને આપણે કહેતા સાંભળીએ છીએ કે “મને પ્રેમ થયો છે.” પ્રેમ કરવાનો ન હોય, થઈ જાય. એ કહેવાની વાત નથી, અનુભવવાની વાત છે. લાગણીનું પતંગિયું પ્રેમ બનીને ઊડઊડ કરે છે. આપણી ભીતરના આકાશમાં સંબંધનું મેઘધનુષ રચાય એનું નામ પ્રેમ. પ્રેમ એટલે પુષ્પનું ઊગવું. પ્રેમ થયો એવું કહેવાનું ન હોય, વ્યક્તિના ભીતરમાંથી એની સુગંધ આવ્યા કરે. પ્રેમ વ્યક્તિત્વને પોતાની સુગંધથી છલકાવી દે છે. પ્રેમ ખાલીપાને ભરી દે છે.

ઓશોએ કહ્યું છે, ‘પ્રેમ કરવો અને પ્રેમ માટે માગણી કરવી એ બેઉ જુદીજુદી બાબતો છે.’ જીવન પ્રેમથી ભરપૂર જીવવાનું હોય એના બદલે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમે હંમેશ પ્રેમ કરીએ છીએ. આ બે વાત બિન્‍ન છે. આવી વાતો કરનારાઓ પાસે મોટા ભાગે પ્રેમ હોતો જ નથી. તેઓ પ્રેમની તલાશમાં હોય છે, પણ જડતો નથી. બાળકો જેમ કોઈ ને કોઈ ચીજની માગ કરતાં રહેતાં હોય છે. એમ આપણે બાળકની જેમ પ્રેમની માગણી કરતા રહીએ છીએ. બાળકને મા પ્રેમ આપે છે જે તેને વિકસવામાં મદદરૂપ થાય છે. મિત્ર તેના મિત્ર પાસે અને પતિ તેની પત્ની પાસે તો વળી પત્ની તેના પતિ પાસે પ્રેમની માગણી કરતાં જ રહે છે. આ ચક્કર ચાલતું જ રહે છે.

પ્રેમની માગણી કરનારને કાયમ સહન કરવાનું – દુઃખ વેઠવાનું જ આવે, કારણ કે પ્રેમ ક્યારેય માગવાનો હોય નહીં. પ્રેમની માગણીમાં એવી કોઈ ખાતરી હોતી નથી કે તે તમને મળશે જ. વળી, તમે જેની પાસે પ્રેમની અપેક્ષા રાખીને બેઠા હો એ વ્યક્તિ પણ તમારી પાસે પ્રેમની ઝંખના રાખતી હોય તો આ ઉપાધિ જ કહેવાય. બે ભિખારી સામસામે મળ્યા હોય એવો ઘાટ થયો. એક માગનારો બીજા માગનારાને શું આપી શકવાનો હતો? દુનિયાભરમાં આ સમસ્યા છે. પતિ-પત્ની હોય કે પ્રેમી યુગલ, મોટા ભાગનાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં સંબંધોમાં આ જ કારણે સમસ્યા હોય છે. બેઉ એકબીજા પાસે પ્રેમની અપેક્ષા રાખી રહ્યાં હોય છે, પરંતુ તેઓ બેઉ એકબીજાને પ્રેમ આપી શકતાં નથી.

પ્રેમની આ વાત બારીકાઈભરેલી છે. તમે સતત પ્રેમ ઈચ્છો છો, કોઈ તમને સતત પ્રેમ કરે તો તમને સારું લાગે છે. પરંતુ તમને એ ખબર નથી હોતી કે આ તો લેવડદેવડનો વ્યવહાર થાય છે. સામી વ્યક્તિ તમને પ્રેમ કરે છે એવું તમને લાગે છે, એ વ્યક્તિ ખરેખર પ્રેમ કરે છે? કોઈ વ્યક્તિ માછલી પકડવા પાણીમાં જાળ નાખે છે, પરંતુ તે વ્યક્તિ માછલી પકડીને તેને તરફડતી જોવાનો આનંદ લે છે અને પાણી વિના (પ્રેમ વિના) મરી જવા તરછોડી દે છે. આપણી આસપાસ આવું બનતું જોવા નથી મળતું? એ વ્યક્તિને ફક્ત પકડવા ખાતર જ માછલી પકડવામાં રસ હોય છે, પછી કશું નહીં. આપણી આસપાસ પણ આપણને ઘણા એવા લોકો જોવા મળશે કે જેઓ માત્ર તરછોડી દેવા માટે જ પ્રેમ પામે છે, પકડીને છોડી દેવું.

વર્ષોની રિલેશનશિપ પછી પણ ઘણાં યુગલ પાસે પ્રેમની આગના નામે ફક્ત રાખ જ હોય છે. આગ ઠરી ગઈ હોય છે. પ્રેમ વરાળ બનીને ઊડી ગયો હોય. પ્રેમની આગ જીવનભર જલતી રહે એ માટે પરસ્પર આકર્ષણ, સમજદારી, વિશ્વાસ અને પ્રામાણિકતાનાં ખાતર-પાણી જોઈએ. તમારાં સાથી તમને માન અને આદર આપતા હોય તો એ પણ પ્રેમ છે. આદર માગવાની નહીં, આપવાની વાત છે. ફૂલછોડ વાવી દીધા એટલે જવાબદારી પૂરી, એવું માનનારાને સુકાયેલા છોડવા જોવાનો વારો આવે છે. સંબંધના ફૂલ-છોડ વાવ્યા પછી એમાં બિનશરતીય પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવનાં ખાતર-પાણી પણ આપવાં પડે. પ્રેમ, કાળજી, માવજત વિના સંબંધ પણ સુકાઈ જાય. પ્રેમમાં ત્રણ ચીજો જરૂરી છે : (૧) સમય (ટાઈમ) આપવો. (૨) કાળજી (કૅર) લેવી. (૩) સતત ધ્યાન (ઍટેન્શન) આપવું. પ્રેમમાં પ્રિય વ્યક્તિ તરફ તમને ગાંડપણની હદ સુધી વળગણ – ખેંચાણ સતત રહેવું જોઈએ.

પ્રેમના ફંડા પણ સમજવા જેવા છે : (૧) પ્રેમમાં ક્યારેય ખોટું કર્યાની ફિલિંગ્સ ન થાય. (૨) પ્રેમમાં બે વ્યક્તિ વચ્ચે સતત કૉમ્યુનિકેશન થતું રહે, લાગણીનું ઝરણું સતત વહેતું રહે. (૩) એકબીજાને ખુશ રાખવા અને ખુશ જોવાની ઈચ્છા રહે. (૪) જાતીય ઈચ્છાઓ અંગે પણ નિખાલસ ચર્ચા થતી રહે. (૫) સંબંધમાં કોઈ શરતો ન હોય, માત્ર પરસ્પર આદર અને સન્માન જ હોય. (૬) પ્રેમમાં એકાકાર થાઓ તેટલા ઊંડા ઊતરી શકો અને સંબંધ વધુ ગાઢ બને. (૭) પ્રેમ એટલે એકબીજાનો અયોગ્ય વ્યવહાર ચલાવી લેવો એવું નહીં, ન ગમતી બાબતનો આદરપૂર્વક ઈનકારનું નામ પણ પ્રેમ. (૮) જન્માક્ષર નહીં, પ્રેમની કૅમિસ્ટ્રી નળતી રહેશે. (૯) પ્રેમ એટલે એકમેકમાં ખોવાયેલાં રહે. (૧૦) પ્રેમ એટલે જિંદગીનો ખૂબસૂરત અનુભવ. (૧૧) પ્રેમમાં વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનો સ્વીકાર, એટલે કે ખૂબીઓ પણ ગમાડવી અને ખામીઓ પણ ગમાડવી. (૧૨) પ્રેમમાં માગણી કે અપેક્ષા ન હોય. (૧૩) પ્રેમ ફના થઈ જાય, બલિદાન ન માગે.

‘પ્રેમગલી અતિ સાંકરી, જા મેં દુજો ના સમાય.’ પ્રેમ બે વ્યક્તિને એક બનાવે છે. પ્રેમના ભાગાકારમાં શેષ વધતી નથી. પ્રેમમાં માત્ર પ્રેમ જ વધે છે. પ્રેમમાં હંમેશાં સરવાળો અને ગુણાકાર જ હોય. પ્રેમ ચંદ્રકળાઓની જેમ વધતો જ જાય. પ્રેમમાં શુક્લપક્ષ જ સદા રહે, એમાં કૃષ્ણપક્ષ ન આવે. પ્રેમમાં એકમેકનું અસ્તિત્વ ઓગળી જાય. તમામ રાગ-દ્વેષની બાદબાકી થઈ જાય. પ્રેમ માણસને પવિત્ર બનાવે છે. પ્રેમ કરનારો માણસ કશું પણ ખોટું કરી શકતો નથી. પ્રેમ હંમેશાં સત્યથી સજ્જ રહે છે. પ્રેમ હોય ત્યાંથી તમામ દુર્ગુણો દૂર ભાગે છે. પ્રેમ એટલે જ સફળતા અને પ્રેમ એટલે જ સાર્થકતા.

સ્ટૉપર : પ્રેમનો રસ્તો રંકને પણ રાજા બનાવે છે.

[કુલ પાન ૧૭૮. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “પ્રેમની આગ જીવનભર જલતી રહેવી જોઈએ – દિનેશ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.