સંસ્કાર – શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી

(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર/ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાંથી સાભાર)

સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહિ પણ પવિત્ર પરિવારના માહોલમાંથી મળે છે. ઘરમાં ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અત્તરદાની હોય પણ ‘ખાનદાની’ ન હોય તો બધું વ્યર્થ છે. બધી કેળવણીમાં મોટી કેળવણી હોય તો તે ચારિત્રની કેળવણી છે.

પ્રામાણિકતા વિનાની ધાર્મિકતા પ્રાણ વિનાના હાડપિંજર કેવી છે. ઈજીપ્તના પિરામિડો-મમીઓ સોનેથી મઢવામાં આવ્યા છે. આખરે મમી તો હાડપિંજર જ છે. ‘પોતાને સુખી થવું એ સ્વાર્થ છે, પાડોશીને સુખ આપવું એ માનવતા છે, સમાજને સુખ આપવું એ સાધુતા છે અને જગતને સુખ આપવું કે ઈચ્છવું એ સંતપણું છે.’

સીડી માનવ શરીરને ઉપર ચડાવે છે. સંપત્તિ દિમાગને ઉપર ચડાવે છે. સદ્‍ગુણો આત્માને ઉપર ચડાવે છે.

ભૂલ કરે તે માણસ કહેવાય. ભૂલ સુધારે તે મોટો માણસ કહેવાય અને ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કહેવાય.

સંપત્તિ હોય એટલે સંસ્કાર આવી જાય એવું નથી. લંકા આખી સોનાની હતી; પરંતુ મોત આવ્યું છતાં સંસ્કાર તો ન જ આવ્યા ! સંપત્તિ છેતરીને લઈ શકાય છે પણ સંસ્કાર છેતરીને નથી લઈ શકાતા. ગુરુને પગે લાગવું સહેલું છે પણ ગુરુને પગલે ચાલવું કઠિન છે.

વાલીઓ પોતાના બાળકોને સંસ્કાર આપતા પહેલા તો તેને મોબાઈલ આપી દે છે પછી તે છોકરાઓ આઉટ ઓફ કન્ટ્રોલ ન થાય તો શું થાય ! કોઈ વ્યક્તિના સંસ્કારની ઊંચાઈ માપવાની ત્રણ રીત છે : તેના હૃદયની મધુરતા, ઉદારતા અને વિન્રમતા.

જે રસ્તે કપડાં બગડે એ રસ્તે જવાનું આપણે ટાળીએ છીએ પણ જે રસ્તે જવાથી આપણું મન બગડે તે રસ્તે જવાનું કેમ ટાળતા નથી? પાણીનો દુષ્કાળ તો એક વરસ અસર કરે છે. જ્યારે સંસ્કારનો દુષ્કાળ તો આખી પેઢીને અસર કરે છે. ઘડિયાળની ટીક ટીક આપણને સમય બતાવે છે; પરંતુ સંતોની રોકટોક તો આપણને જીવનનો રાહ બતાવે છે.

માણસ ભણ્યો કેટલું? તેના સર્ટિફિકેટ ઉપરથી ખબર પડે છે પણ સમજણો ને સંસ્કારી કેટલો થયો તે તો ભાઈઓના ભાગ પડે ત્યારે ખબર પડે.

પહેલી પેઢી તપશ્ચર્યા કરે, બીજી પેઢી તેના મીઠાં ફળ ભોગવે અને જો સંસ્કાર ન હોય તો ત્રીજી પેઢી ધન બગાડે અને ચોથી પેઢી ભીખ માગે ! પગમાં કાંટો ખૂંચે છે તેમ દિલમાં દોષો ખૂંચવા જોઈએ. જીભનો ઉપયોગ કોઈના ઘરને આગ લગાડવા માટે નહિ પણ હરિયાળો બાગ બનાવવા કરવો જોઈએ !

યુદ્ધમાં તો માણસો નાશ પામે છે પણ ભોગવિલાસમાં તો માનવજાત નાશ પામે છે.

આપણા જીવનમાં એક મિત્ર શ્રીકૃષ્ણ જેવો હોવો જોઈએ જે તેમારા વતી યુદ્ધ ભલે ન કરે પણ તમને સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

પૈસાનું આગમન તમારા ઘરમાં ફેરફાર કરી નાખે છે, પ્રભુ આગમન આપણા જીવનમાં ફેરફાર કરી નાખે છે.

તમારું બાળક કઈ કંપનીમાં નોકરી કરે છે તે મહત્વનું નથી પણ તે કઈ કંપની સાથે હરેફરે છે તે જાણવું મહત્વનું છે.

જીવનના રંગમંચ ઉપર આપણને મળેલું પાત્ર સુયોગ્ય રીતે ભજવી દઈએ એ જ સાચી જિંદગી. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી તેનું નામ સફળતા. રાઈટ ટ્રેકમાં વહાવવું હોય તો ભગવાન ઓક્સિજન જેવા છે તેને તમે જોઈ ન શકો પણ એના વગર તમે જીવી પણ ન શકો. બેલેન્સ વગરનો ચેક અને સત્સંગ વિનાની જિંદગી બંને નકામા છે.

ભોજનમાં સંયમ રાખો અને ભજનમાં સ્વયંને રાખો. દરેક દેશનો સિક્કો પોતપોતાના દેશમાં ચાલે પણ સદ્‍ગુણ ને સારપનો સિક્કો તો સારી દુનિયામાં ચાલે. તમારે નીચું જોવું પડે તેવું એક પણ કામ ન કરશો. તમારા દોષોને દેખાડે તેને દાટેલું ધન દેખાડનાર સમજજો. ટેકેદાર બનજો નિરાધારના અને ઠેકેદાર બનજો સદાચારના. આંખ સુધરે તો આત્મા સુધરે અને જીભ સુધરે તો જીવન સુધરે. યૌવનને ભક્તિથી શણગારવું. સર્જનહારના સર્જનમાં ખોવાઈ જવાની કળા એટલે ભક્તિ છે. કેરેટ વગરના હીરાની અને કેરેક્ટર વગરના માનવીની કિંમત શું? ભગવાને બોનસરૂપે આપેલી જિંદગી બોગસરૂપે જીવવી ન જોઈએ.

દુઃખમાં ધીરજ, ઘડપણમાં પ્રસન્‍નતા, ક્લેશમાં સમાધાન ને જુવાનીમાં શાંતિ રાખનારા ધીરપુરુષો કહેવાય. તમે જીભથી બોલો તેમાં હજુ કોઈ કંઈક શંકા કરે પણ જીવન દ્વારા કંઈ કરી બતાવશો તો તે સહુ સ્વીકારી લેશે. સંસ્કાર વિનાનું ભણતર પાયા વગરનું ચણતર છે. જેના જીવનમાં લજ્જા નથી એના જીવનમાં મજા પણ નથી.

ધૃતરાષ્ટ્રની પેઠે ઘરડા થવું તે ગુનો છે પણ જનકરાજાની પેઠે વૃદ્ધ થવું તે જીવન જીવવાની શ્રેષ્ઠ કળા છે. મરતાને બચાવવો સહેલો છે કારણ કે તેને બચવું છે પણ બગડેલાને સુધારવો મુશ્કેલ છે. કારણ કે તેને સુધરવું જ નથી.

કોઈનું બગાડીએ નહિ તો સુધાર્યા બરાબર છે. સમાજમાં અનુશાસન નહિ જળવાય ત્યાં જરૂર દુઃશાસન પેદા થશે. હે યુવાનો, એવી રીતે જીવન જીવો કે લોકો તમારા પિતાને પૂછે કે કયા પુણ્યે તમને આવો દીકરો મળ્યો?

આજે સમાજમાં પૈસાદાર સજ્જનો કરતા પૈસાદાર દુર્જનોનો આંક ઊંચો છે. છતી આંખે પાટા બાંધીને ફરે તેની પ્રજા બગડે, બગડે ને બગડે જ. સદાચારથી મનુષ્ય શ્રેષ્ઠ બને છે. વિદ્યા કે ધનથી નહિ આ નૈતિક અધઃપતનના યુગમાં અંગત ચારિત્ર સાચવી રાખવું એ પણ એક સિદ્ધિ છે.

ખીલવું ને કરમાઈ જવું એ બે જીવનની પ્રક્રિયા છે તેની વચ્ચે માનવી સદ્‍ગુણો અને માનવતાની સુવાસ મૂકી જાય તે વ્યક્તિનું જીવન સફળ થાય છે. સફળ બનવા તમારી પાસે ઘણું હોવું જરૂરી છે. આ દુનિયામાં એ જ માણસ મોટો જે બીજા માટે કંઈક કરી છૂટે. પોતાનું વર્તન સુધાર્યા વિના જગતમાં પરિવર્તન લાવવાના અભરખા સફળ થતા નથી.

ઘેર શોકેસમાં પોપટ-પારેવા જેવા રમકડાઓ રાખીએ તેના કરતા સારા પુસ્તકો રાખીએ તો ઘરમાં સંસ્કારની વૃદ્ધિ થાય. સદ્‍વાંચનથી ઘરનું વાતાવરણ સુમેળભર્યું બને. સૌની સાથે હળીમળીને રહેવું એ દુનિયાની શ્રેષ્ઠ કળા છે. માણસને ફક્ત શિક્ષણ નહિ પણ સંસ્કાર સાથે શિક્ષણ આપો. એ આજના યુગની જરૂરિયાત છે.

સંસ્કારની જ્યોત

તામિલનાડુના કુમાર કુરુપરા ગામના કલ્યાણ સુંદરમ કોલેજમાં લાયબ્રેરીઅન તરીકે કામ કરતા. નાનપણમાં તેના પિતા ગુજરી ગયેલા. માતાએ ઉત્તમ સંસ્કારો આપ્યા. ૩૦ વર્ષ સુધી લાયબ્રેરીઅન તરીકે નોકરી કરી તેના તમામ પગારમાંથી નવો પૈસો પોતાને માટે વાપર્યો નહિ. આ પૈસા તેઓ અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે ખર્ચી નાખતા. પાર્ટટાઈમ બીજું કામ કરીને આજીવિકા ચલાવતા. લગ્ન કરે તો પરિવાર માટે રકમ વાપરવી પડે તો જરૂરિયાતમંદોની સેવા બંધ થાય. તેથી લગ્ન જ ન કર્યા. નિવૃત્તિના ૧૦ લાખ મળ્યા તે પણ સમાજ માટે વાપરી નાખ્યા. પેન્શનની રકમ પણ સેવામાં જ આપી દેતા. અત્યારે ૭૩ વર્ષની ઉંમર છે. આજીવિકા માટે વેઈટર તરીકે કામ કરે છે. તેની સેવાકીય પ્રવૃત્તિ બદલ ૩૦ કરોડ રૂપિયા વિશ્વમાંથી અનેક પુરસ્કારરૂપે મળ્યા. તે બધા સેવાકીય પ્રવૃત્તિમાં આપી દીધા. કોઈપણ સ્વાર્થ વગર બીજાને માટે જીવતા હોય. આને કહેવાય ખારા રણમાં મીઠી વીરડી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સંસ્કાર – શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.