ભ્રષ્ટાચારમાં પીંખાઈ જતી પ્રામાણિકતા – ભગીરથ બ્રહ્મભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૭ના અંકમાંથી સાભાર)

એ કોલેજના છાત્રાલયમાં મારો પહેલો દિવસ. ખૂબ અતડું લાગે. વિધવા મા યાદ આવે. બીમાર બહેન સાંભરે, કાચી ઉંમરનો ભાઈ યાદ આવે. ભેંસ સાંભરે, ખેતર સાંભરે. પણ ધીરે ધીરે ગોઠવા લાગ્યું. એમાંય છાત્રાલયના ચોકીદારે મારા ઉત્સાહને જીવતો રાખેલો.

એ ચોકીદારનું નામ તો મને આજેય આવડતું નથી. જોકે પહેલાય ક્યાં આવડતું હતું? બસ, અમે ગુરખાજી કહીએ. આખું કોલેજ કેમ્પસ એમને ગુરખાજીના નામે જ ઓળખે.

‘ગુરખાજી’

‘જી સા’બ’ કહેતો હાજર.

એ કોલેજના અધ્યાપકોને તો ઠીક, સામાન્ય વિદ્યાર્થીઓને પણ ખૂબ માનથી બોલાવતો. નાના બાળક સાથે વાત કરતો હોય ત્યારેય ‘હા સા’બ’ એ એનાં પ્રમુખ ઉદ્દગાર ! એનાં મોઢે હિંદી ભાષા મધુર લાગતી, શોભતી.

છાત્રાલયની નજીકમાં જ એક કાચી ઓરડી એ એનું નિવાસસ્થાન. કોલેજની, છાત્રાલયની દિવસ-રાત ચોકી કરવી એ એની જવાબદારી. પોતાની ઓરડીની આસપાસ એણે સુંદર સૃષ્ટિ સજાવેલી. ઉપવન ઊભું કરેલું ! ગુલાબ, મોગરો, બોગનવેલ, ચંપો, આસોપાલવ જેવું તો કેટલુંય શિસ્તબદ્ધ રીતે ઉછેરેલું. પ્રત્યેક સભ્ય સાથે ભાવથી ભળી ગયેલો. કરેણ હોય કે ગલગોટો, ગુલાબ હોય કે મોગરો, દૂધી હોય કે ગલકી, મરચી હોય કે ટમેટી આ બધાં એનાં પરિવારના સદસ્યો.

સુંદર બાગની વચ્ચે બોગનવેલથી આચ્છાદિત સુંદર મંડપ, મંડપની બાજુમાં માધવીલતાનું વહેણ મંડપને પવિત્ર કરતું હતું. કોલેજના અધ્યાપકો, આચાર્ય પણ ગુરખાજીની પ્રકૃતિ પ્રીતિથી ખુશ હતા. તેઓ પણ રજાના દિવસે ક્યારેક એ જગ્યાએ પાર્ટી ગોઠવતા.

ગુરખાજીનો આ નિત્યક્રમ- સવારે પાંચના ટકોરે ઊભો થઈ જાય. દાતણ ચાવતો કોલેજ કેમ્પસમાં આંટાફેરા મારે. છ વાગતામાં તો ખાખી પેન્ટ, ખાખી શર્ટ, પટ્ટો લગાવીને. વળી ઈનશર્ટ કરેલું તો હોય જ – એવી મુદ્રામાં એ આવી જાય. દરેક વિદ્યાર્થીની રૂમેરૂમે જઈ ‘જી સા’બ’ કહી સલામ ભરતો. ખૂબ ટટ્ટાર રહીને એ ચાલતો. કોઈ વિદ્યાર્થી સાથે એને ખાસ અણબનાવ બનતો જ નહિ. પ્રત્યેક વિદ્યાર્થી-વિદ્યાર્થિની એના માટે દીકરા-દીકરી સમાન જ રહેતા. પરીક્ષાના દિવસોમાં જે રૂમનો વિદ્યાર્થી જેટલા વાગ્યે વાંચવા ઉઠવાનું જણાવે તેટલા વાગ્યે તે રૂમને ગુરખાજી ખખડાવતો. ‘ગુરખાજી એટલે ઘડિયાળ જ જાણે.’ એમ અમે કહેતા. એ ગુરખાજીને મારી સાથે ઘરોબો થવા માંડેલો. એમને મારી સાથે, મને એમની સાથે બેસવામાં મજા પડતી. મનેય એમનો સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠા જચેલા. મોડે સુધી રૂમમાં આવે, બેસે, ચા બનાવે, વાતો કરે. ખૂબ નજીક આવી ગયેલા અમે.

‘ગુરખાજી, આપ કિતને સાલ સે યહાં પર હો?’

‘કોલેજ હુઈ ઈતને સાલ સે.’

‘ભૂખ લગી હૈ, કુછ લે આઓ ન !’ અડધી રાત્રે અમારામાંથી કોઈ કહેતું.

‘ક્યા લાઉં, સા’બ?’

‘જો ઠીક લગે.’

ગુરખાજી બગલમાં સોટી મારી અડધી રાત્રે શહેરમાં જઈ નાસ્તો લઈ આવતો. કેટલું ચાલવું પડતું હતું ત્યારે. નાસ્તાનું પડીકું છોડીને અમે હસી પડતા. ખડખડાટ હસતા. નાસ્તામાં તો હોય ગોળ અને ચણા.

‘સા’બ, ખાને કી ચીજ તો યેહી હૈ !’ એ એનો ઉત્તર. એ ગુરખાજીમાં આયુર્વેદનું પણ જ્ઞાન હતું. હોસ્ટેલના કોઈ વિદ્યાર્થીને રાત્રે કંઈ થઈ જાય તો પ્રાથમિક સારવાર ગુરખાજી આપતા. શરદી થઈ હોય તો લાવી આપે તુલસી-ફુદીનો. ખાંસી આવે તો લાવે અરડૂસીના પાન. પેટમાં દુઃખે તો લાવે દિવેલાના પાન. ખરેખર એમની હાજરી હૂંફાળી.

ખાખી પેન્ટ, બુશશર્ટ અને ગોળ ટોપી. ઉપરાંત બગલમાં મારી હોય નેતરની સોટી. એ સોટી પાછી શણગારેલી ! એમની એ શણગારેલી સોટી અમને ગમી ગયેલી. મેં એક વાર તેમની પાસે માગી-
‘ગુરખાજી, યે લકડી હમે દે દો.’

‘ના સા’બ, દૂસરા કુછ ભી માંગો’ એ એનો જવાબ.

‘આપ ઈસ લકડી સે સબકો ડરાતે હો નહીં !’

‘ના સા’બ, યે દિખાને કે લિયે હૈ.’

એની વાતેય સાચી હતી. માત્ર નેતરની સોટી બગલમાં જ રાખવી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો એનો ધર્મ. સોટી વગરના ગુરખાજીની કલ્પના કરવી પણ અશક્ય ! એ સોટીના કારણે ભલભલા દાદાઓ, ગુંડાઓ ડરતા એ વાત ખરી. અસામાજિક તત્વો, દારૂડિયાઓ એ સોટીના પ્રતાપે કોલેજ કેમ્પસમાં પ્રવેશી શકતા નહિ. પણ એ સોટી વડે ગુરખાજીએ કૂતરાનેય હાંક્યું હોય એવું જોવામાં આવ્યું નથી.

કોલેજની લાયબ્રેરીનું મકાન બનતું હતું. સિમેન્ટની ચોરી કરવા રાત્રે બેચાર જણાં આવેલા. ગુરખાજીની રૂમને બંધ કરી દીધેલી. ગુરખાજીએ બારીમાંથી જોયું અને પછી છાત્રાલયની છતના નળિયા હટાવી ચોર લોકોને ભગાડેલા ત્યારે પણ એમનાં હાથમાં લાકડી નહોતી. એમનો હાથ જ પૂરતો હતો.

‘ક્યા તેરે બાપ કા માલ હૈ?’ કહેતા ગાલ ઉપર એવી તો લપડાક આપેલી કે પેલાં ચોરની ચીસથી અમે બધાં જાગી ગયેલા ને ત્યાં પહોંચી ગયેલા. ગુરખાજીની ધાક જ એવી કે કોઈ પ્રવેશ કરે જ નહિ. ત્યારે મેં ગુરખાજીને કહેલું :
‘હાથમાં સોટી રાખો છો, ઉપયોગ કરતા હો તો?”

‘ઉસ કી બાત અલગ હૈ’ એમ કહી ત્યારે તો તેમણે વાત ટાળેલી.

ગુરખાજી જાતે રસોઈ બનાવે, રોટી-શાક, મેં એમની રસોઈનો સ્વાદ ચાખ્યો છે. કોઈપણ વધારાનો મસાલો એ ન નાખે, પણ રસોઈ ખાતા રહી જઈએ !

બાગના કૂંડા સરખા કરે. બધા કૂંડાને રોજ સાંજે પાણી પાય. બપોરે બે કલાક ને રાત્રે ત્રણ કલાકની છૂટક ઊંઘ. વિદ્યાર્થીઓમાં થતાં તોફાનો દરમિયાન એમની હાજરી જ પૂરતી થઈ પડતી. વિદ્યાર્થીઓ એટલું બધું એમનું માન રાખે કે ન પૂછો વાત ! રજાઓના, વેકેશનના ગાળામાં છાત્રાલયનો દુરુપયોગ કરવા નીકળી પડેલા કોઈ તત્વો ગુરખાજીને લોભાવી શક્યા નથી.

એકવાર મોકો મળતા મેં જ વાત કાઢેલી.
‘ગુરખાજી, ઈસ સોટી કે બારે મેં આપ કુછ કહના ચાહતે થે, બતાઓ ન?’

‘સા’બ ઉસ કી બાત લમ્બી હૈ.’

‘સુનાઓ ન?’

‘સા’બ મુઝે એક લડકી થી. બડી પ્યારી બેટી થી. બડી તેજ થી. જબ તીન સાલ કી હુઈ તબ મુઝ સે બોલી, ‘યે લકડી મુઝે દો.’ મૈંને તબ સે યે લકડી ઉસ કો દે દી. લડકી લકડી સે ખેલતી થી. બહોત પ્યારી લડકી થી.’ એણે લાકડીને હોઠે લગાડી ચૂમી ભરી. પ્રેમપૂર્વક તેના ઉપર હાથ ફેરવવા લાગ્યાં. તે લાકડીને શણગારતો વારતહેવારે, સજાવતો દીપાવતો. એને ઘડીયે એનાથી વિખૂટી રાખતો નહિ. હોસ્ટેલના બધા જ વિદ્યાર્થીઓને એ વાતની ખબર પડી ત્યારે તો ગુરખાજી ‘લકડી’ ને ‘લડકી’ કહીને સંબોધતા થયેલા.

કોલેજના મેદાનમાં કે અન્યત્ર ક્યાંય કોઈ હરાયા ઢોર પર એમણે એ લાકડીને ઉગામી સુદ્ધાં નથી. પછી મારવાની વાત જ ક્યાં રહી?

મેં એક વાર પૂછેલું, ‘લડકી કહાં ગઈ?’

તેમણે આકાશ તરફ હાથ કરી કહ્યું, ‘ઉપર સા’બ. ઉસ કે પેટ મેં સા’બ કુછ ઐસી બીમારી ઘુસ ગઈ થી કિ બહોત દવાઈ કી, લેકિન તકદીર મેં નહીં. ક્યા કરું !’ કહેતા એમની આંખો ભીની થઈ ગયેલી.

મેં કુતૂહલવશ પૂછેલું, ‘ને છોકરીની મા?’

‘વો તો ગઈ સા’બ, વો ગોબર કી બાત છોડો.’ એણે બે હાથ ખંખેરતા કહ્યું.

‘ક્યું?’

‘સા’બ, વો જહન્‍નમ મેં ગઈ. લડકી કો જનમ દેતે હી ભાગ ગઈ.’

‘કહાં?’

‘સ’બ, બીસ સાલ પહેલે કોલેજ મેં એક ચંદુ પટાવાલા આયા થા. બેચારા ગરીબ થા, મેરે ઘર કે પાસ રહતા થા. ઉસલિયે મૈંને બોલ થા ખાનાપીના યહાં રખના. દિખાઈ મેં ઠીક થા. વો સાલા ભગાકે લે ગયા. ક્યા હુઆ ઈસ મેં ! ગાય ચલી ગઈ, ગોબર નહીં હોગા.’

નરસિંહ મહેતાની અદાથી એ બોલેલા. પત્નીના નાસી જવાથી એનામાં ક્યાંય નિરાશા નહોતી. મેં જોયેલું એના ચહેરા ઉપર ઉંમર વરતાતી હતી, પણ સ્ફૂર્તિ ગજબની હતી. ઉત્સાહ ઓસરતો જતો હતો, પણ કાર્યશક્તિમાં શિથિલતા નહોતી વરતાતી.

મને એ વર્ષે વાર્ષિક પરીક્ષા ટાણે આખી રાત વાંચતો રાખ્યો હતો. મને ઊંઘ આવતી તો એ એની રૂમમાં ચા બનાવી મને આપી જતો. નાસ્તો કરાવતો. થોડી વાતો કરતો. પણ મને વાંચવાનું કહેતો. ઘણી વાર કોઈ ફિલસૂફની અદાથી બોલતો.

‘સબ કરમ કા બદલા યહીં હી મિલનેવાલા હૈ.’

‘પૈસેવાલે કે ઘર સે હી ખરાબી શરૂ હોતી હૈ.’

‘દુનિયામાં સબ જગત અંધા કાનૂન હૈ, લેકિન ઉપરવાલે કી કોરટ બરાબર મજબૂત હૈ, ક્યા સા’બ, બરાબર ન?’

આ અને આવા અનેક વાક્યો તેણે મને સંભળાવેલા. જીવનનું સાચું સત્ય હું એની પાસેથી શીખ્યો હતો.

પરીક્ષા સમાપ્ત થયા પછીથી મારે હોસ્ટેલ છોડવાની હતી. મારા કરતાં વધારે દુઃખ ગુરખાજીને હતું. મારો બેડિંગ ઉપાડી બસસ્ટૅન્ડ સુધી વળાવવા આવેલો. બસ ઉપડતા જ બે હાથ જોડીને બોલેલો.

‘સા’બ ભૂલચૂક હો તો માફ કરના. આખિર મેં હમ ભી ઈન્સાન હૈ’ અને એની બગલમાં ભરાયેલી સોટીને ઉદ્દેશીને કહેવા લાગ્યો-
‘દેખ લે, તેરા બડા ભૈયા ભી યે ચલા.’

બસ ઉપડતી ત્યારે એની, મારી આંખો એક થઈ ન શકી. બંનેની આંખો ભીંજાયેલી. કેટલો પ્રેમાળ આદમી !
* * *
પરિણામ વખતે ગુણપત્રક લેવા ગયો ત્યારે ગુરખાજીને મળેલો. મને મારા ગુણપત્રકમાં ગુરખાજી દેખાતા હતા. તેમને પગે પડ્યો.

‘યે ક્યા કરતા હૈ, તેરી મહેનત સે તૂ પઢા હૈ.’ કહેતા ઓરડીમાં જઈ ગોળ લઈ આવ્યો. મારું મોં ગળ્યું કરાવેલું.

ખબર અંતરની ઘણી વાતો કરી. તેમની પાસે પેલી સોટી નહોતી. હું ચોંક્યો. મેં હળવેકથી પૂછ્યું :
‘કહાં ગઈ મેરી બહન?’

તેમણે આંગળી કરી. થોડે છેટે મોગરાના કૂંડામાં એ રોપેલી. બાજુમાં હતું ગુલાબનું કૂંડું. હું જોઈ રહ્યો.

મેં કુતૂહલવશ પૂછ્યું, ‘ક્યોં વહાં લગા દી?’

‘સા’બ લડકી બડી હોતી હૈ તબ બાપ સે અલગ હોતી હૈ ન? શાદી હો ગઈ ઉસ કી, માન લો.’

હું એની વ્યથાને જીરવી ન શક્યો. એ બોલતો હતો ‘બડી હુઈ ન? સા’બ મેરે હાથ સે ગિર જાતી થી. મુઝે, હુઆ, ઉસકો ઘર બસાના હૈ. બસા દિયા, બરાબર હૈ ન?’ મેં માથું ધુણાવ્યું. નીકળ્યો.

‘સા’બ, કભી યાદ કરના.’ કહેતા એણે મને ફરી વિદાય આપેલી.
* * *
ઘણા વર્ષો પછી એ કોલેજમાં વ્યાખ્યાન આપવા જવાનું થયું ત્યારે સૌથી વધુ આકર્ષણ ગુરખાજીને મળવાનું હતું. પરંતુ ત્યાં ગુરખાજી નહોતા. એમના વિશે આ પ્રમાણે માહિતી મળી-
આ નવા આવેલા આચાર્યશ્રીએ એના કોઈ માણસને ચોકીદારની નોકરી અપાવવા ગુરખાજી ઉપર ચોરીનો આરોપ મૂકી કઢાવી મૂક્યો. કેટલો સરસ માણસ હતો. પણ જતાં જતાં ફકીરની અદાથી પ્રિન્સિપાલને સંભળાવતો ગયો.

મેં પૂછ્યું, ‘શું?’

‘સા’બ, મુઝ પે ઈલ્જામ લગાયા વો ઠીક નહીં કિયા. કિસી જરૂરતવાલે કો નોકરી દેને કી આપ કી મરજી થી તો મુઝે બોલ દિયા હોતા તો મૈં અપને આપ નોકરી છોડ દેતા. ઈસ કોલેજ કી એક એક ઈંટ સે પૂછો, યે ગુરખાજી કૈસા હૈ? આપ તો કલ હી આયે સા’બ. આપ જાને આપ કા કરમ જાને. આવું બોલીને એ બિંદાસ કેબિન છોડી ગયેલો, સૌને સા’બ, હમ જાતે હૈ કહીને નીકળી ગયેલો.’

ત્યારે મને થયું, કોણ જાણે, આટલી મોટી દુનિયામાં એનું શું થયું હશે?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ભ્રષ્ટાચારમાં પીંખાઈ જતી પ્રામાણિકતા – ભગીરથ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.