- ReadGujarati.com - http://www.readgujarati.com -

પ્રસન્નતાનાં પુષ્પો – કુમારપાળ દેસાઈ

(‘પ્રસન્નતાનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) શું લાવ્યા અને શું લઈ જશો?

જિંદગી સદૈવ એકસરખી જતી નથી. એમાં ભરતી અને ઓટ પેઠે સુખ અને દુઃખ આવે છે. સમય અને સંજોગ પલટાય છે.

એક સમયે અપાર સમૃદ્ધિમાં આળોટતા ધનિકની સંપત્તિ એકાએક ચાલી ગઈ અને એ સાવ નિર્ધન થઈ ગયો. એક વાર એની પાસે અઢળક ધન-સમૃદ્ધિ હતાં, એને હવે એક-એક પાઈ માટે તલસવું પડતું હતું. હતાશ થઈને લમણે હાથ મૂકીને વિષાદગ્રસ્ત ચહેરા સાથે એ જીવતો હતો. ક્યારેક એનું મન આઘાત અનુભવતું, તો ક્યારેય એને આત્મહત્યાનો વિચાર આવતો.

એવામાં એ ગામમાં એક સંત આવ્યા અને ધનિક એમની પાસે દોડી ગયો. પોતાની બદલાયેલી આર્થિક સ્થિતિની વાત કરી અને સંતને ચરણે પડીને વિનંતી કરી, “મહારાજ, જીવનમાં સઘળું ગુમાવીને બેઠો છું. કોઈ એવો રસ્તો બતાવો કે એનાથી મને શાંતિ મળે.”

સંતે વળતો પ્રશ્ન કર્યો, “તમારું બધું જ ચાલ્યું ગયું છે ને !”

ધનિકે સ્વીકારમાં માથું હલાવ્યું, ત્યારે સંતે કહ્યું, “તમારી પાસે હતું એ તો તમારી પાસે જ રહેવું જોઈએ. એ ક્યાંથી ચાલ્યું જાય? જરા કહેશો, તમે તમારા જન્મ સમયે શું લઈને આવ્યા હતા?”

ધનવાન વિચારમાં પડી ગયો. આવા પ્રશ્નનો ઉત્તર શો આપવો? એણે કહ્યું, “મહારાજ, જન્મ સમયે તો સહુ કોઈ ખાલી હાથે આવે છે.”

સંતે વળી પ્રશ્ન કર્યો, “તો હવે એ કહો કે મૃત્યુ સમયે તમે શું સાથે લઈ જવા માગો છો?”

ધનવાનને વળી આશ્ચર્ય થયું અને કહ્યું, “મહારાજ, મૃત્યુ સમયે ક્યાં કોઈ પોતાની સાથે કશું લઈ જાય છે, પણ વાત મૃત્યુની નથી. મારી હાલની આજીવિકાની છે.”

આ સાંભળી સંતે હસતાં-હસતાં કહ્યું, “જે ધન પર ભરોસો રાખે છે એમની આ જ દશા થાય છે. તમારી પાસે હાથપગ તો છે ને ! એનો ઉપયોગ કરો. પુરુષાર્થ એ જ સૌથી મોટું ધન છે.”

ધનવાનને સંતની વાત સ્પર્શી ગઈ અને એણે લમણે હાથ દઈ બેસી રહેવાને બદલે પ્રબળ પુરુષાર્થનો પ્રારંભ કર્યો.

(૨) વૃત્તિને શાંત કરવા ધૈર્ય જોઈએ

ભગવાન બુદ્ધ એમના મુખ્ય શિષ્ય ભિખ્ખુ આનંદ સાથે વિહાર કરતા હતા. આજુબાજુ માત્ર સપાટ મેદાનો હતાં. દૂર-દૂર સુધી એ સિવાય કશું દેખાતું ન હતું. ધર્મવાર્તા કરતાં-કરતાં વિહારમાં ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો. રસ્તામાં ક્યાંય પાણી મળ્યું નહીં. ભગવાન બુદ્ધ અત્યંત તૃષાતુર થઈ ગયા. એમણે શિષ્ય આનંદને કહ્યું, “વત્સ, ક્યાંકથી થોડું પાણી લઈ આવો, જેથી હું મારી તૃષા છિપાવી શકું.”

પાણી લેવા માટે ભિખ્ખુ આનંદ થોડે દૂર આવેલા નદીના કિનારા સમીપ ગયા. થોડા સમય પહેલાં જ નદીના પ્રવાહમાંથી એક ગાડું પસાર થઈ ગયું હોવાથી પાણી અત્યંત મલિન થઈ ગયું હતું. આવું મલિન પાણી ગુરુને માટે કઈ રીતે લઈ જવાય? આથી આનંદ પાણી લીધા વિના પાછા ફર્યા. ભગવાન બુદ્ધ સમક્ષ ભિખ્ખુ આનંદે આ વાત કરી ત્યારે ભગવાન બુદ્ધે પુનઃ કહ્યું, “જાવ, હવે ફરી એ કિનારે જઈને પાણી લઈ આવો.”

ભિખ્ખુ આનંદ બીજી વાર ગયા. જોયું તો પાણી અગાઉ જેટલું મલિન અને ડહોળું નહોતું, પણ અસ્વચ્છ હતું. એમાં ઘણો કચરો હોવાથી પાણી લીધા વિના જ પાછા ફર્યા.

થોડી વારે ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યા અને કહ્યું, “હજી નદીનું પાણી ચોખ્ખું થયું નથી. કચરાવાળું પાણી સહેજે પિવાય તેવું નથી.”

વળી થોડી વાર પછી ભગવાન બુદ્ધે આનંદને એ જ નદીના કિનારા પરથી પાણી લાવવાનું કહ્યું. આનંદ ત્યાં ગયા અને જોયું તો સૂર્યનાં કિરણોમાં નદીનું સ્વચ્છ અને નિર્મળ જળ ચમકી રહ્યું હતું. એમાં કચરો કે ગંદકીનું નામોનિશાન નહોતું. ભિખ્ખુ આનંદ શુદ્ધ જળ જોઈને નાચી ઊઠ્યા. એમણે વિચાર્યું કે આ નિર્મળ પાણી લઈ લઉં, એનાથી ગુરુની તૃષા છીપશે.

ભિખ્ખુ આનંદ ભગવાન બુદ્ધ પાસે આવ્યા અને પાણીનું પાત્ર ધર્યું. બુદ્ધે પૂછ્યું, “કેમ ! અંતે એ જ જગ્યાએથી શુદ્ધ પાણી મળ્યું ને?”

ભિખ્ખુ આનંદે સ્વીકારતાં મસ્તક હલાવ્યું. ત્યારે ભગવાન બુદ્ધે મર્મ સમજાવતાં કહ્યું, “આપણા જીવનને કુવિચારોનાં ગાડાં પ્રતિદિન મલિન કરે છે અને આપણે આવા વિચારોથી દૂર નાસી છૂટવાની કોશિશ કરીએ છીએ. દૂર નાસી જવાને બદલે એ સ્વચ્છ થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ, તો જ જીવન સાર્થક થઈ જાય. આપણા જીવનપ્રવાહને આપણી વૃત્તિઓ અને લાલસાઓ મલિન કરે છે. એને કારણે ચિત્ત ઉદ્ધિગ્ન રહે છે. એ ચિત્તને શાંત કરવા માટે ધૈર્ય જોઈએ.”

“સાચી વાત છે આપની.” ભિખ્ખુ આનંદે કહ્યું.

“પ્રિય શિષ્ય ! તમે બે વખત ગયા, ત્યારે પાણી મલિન હતું. તમે ધૈર્ય ધારણ કર્યું. વૃત્તિઓને શાંત કરી. આને પરિણામે જ સ્વચ્છ, નિર્મળ જળ મેળવી શક્યા. જીવનનાં નીર ગુસ્સા કે આપત્તિથી ડહોળાય, ત્યારે એને શુદ્ધ કરવા ધૈર્ય રાખવું જોઈએ.”

[કુલ પાન ૧૫૦. કિંમત રૂ. ૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]