સેલફોન સુવિધા – મૃગેશ શાહ

(૧૭ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો આ હાસ્યલેખ તેમના હસ્તલિખિત લેખોમાંથી લીધો છે.)

મોડા ઑફિસે આવનારે ઑફિસ છૂટવાના સમયે નીકળવા માટે પણ દાવ ખેલવા પડે. એમાં પણ જો કામ બાકી હોય તો પત્યું. બોસથી લઈને સ્ટાફ સુધી બધાં જ આપણને પ્રાઈમ ટાઈમમાં આવતી સીરિયલની જેમ જોયાં જ કરે. પણ આ બાબતમાં હું જરા નસીબદાર. અમારા ઑફિસના સીનિયર કરસનકાકા મારું બધું સાચવી લે. સમયસર ઑફિસે પહોંચાય તો નહીં પણ સમયસર નીકળાય તેવી ગોઠવણ થઈ જાય.

ઑફિસેથી છૂટેલો, અતિશય આરામથી થાકેલો. બપોરના લંચમાં ભજીયા-ગોટા ખાઈને તૃપ્ત થયેલો માણસ છૂટીને ક્યાં જાય? સીધો ઘેર. અને પાછું ઘરે એમ બતાવવું જ પડે કે ઑફિસે ખૂબ કામ હતું. એટલે સાંજે ઑફિસેથી નીકળતી વખતે ભલે કાંસકો તમારી પાસે હોય પણ માથું ઓળવાનું ટાળવું – આમ બધું હું અનુભવથી શીખેલો. ઘરે પહોંચતા કોઈ આપણને એક ગ્લાસ પાણી પીવડાવે તેવું આપણું સ્ટેટસ ના હોય તો પણ કરી નાખવું. ઘરે પહોંચીને ઘણાને બ્રહ્મજ્ઞાન થાય કે કોણ કહે છે કે સૂતેલા સિંહમાં મૃગો પેસી જતા નથી? શિકાર સામે ચાલીને શિકારીની પાસે ગયો હોય તેવા દ્રશ્યો અને અનુભવો ઘણાંના જીવનમાં થાય. એમાં પણ ખાસ કરીને ઘરનાંએ કોઈ માગણી મૂકી હોય અને તમે હજી તેની વ્યવસ્થામાં હોવ ત્યારે દરરોજ ઘરની જગ્યાએ ગુફામાં પ્રવેશ થતો હોય તેવું લાગે.

આજે મારો પણ ગુફાપ્રવેશ આઈ મીન ગૃહપ્રવેશ કંઈક એવી રીતે જ થવાનો હતો. એક બાજુ નેન્સીની માગણી અને બીજી બાજુ શ્રીમતીજીનો વાહન શીખવાનો હુકમ. આ બંનેના વિચારોના તુમુલ સંઘર્ષ વચ્ચે મને મારો મોબાઈલ રીચાર્જ કરાવવાનો રહી ગયો એવું છેક સાંજે યાદ આવ્યું. ઑફિસેથી નીકળતાં જ મનમાં ગાંઠ વાળી લીધી કે, જઈને પહેલાં જ મોબાઈલ રીચાર્જ કરાવી લેવો.

ત્યાં રસ્તામાં જ મિ.ખત્રી મળી ગયા. તે મારા જૂના ભાઈબંધ.

“શું મિ.ખત્રી? શું ચાલે છે?”

“ઓહો… મિ.શાહ, ઘણા વખતે.”

“હવે ટાઈમ જ ક્યાં મળે છે. આ ઘરથી ઑફિસ ને ઓફિસથી ઘેર. તમારે શું ચાલે છે? છોકરાને વળાવી દીધો?” શબ્દોમાં હું ક્યારેક બાફી મારતો.

“એટલે? સમજ્યો નહીં.” મારા સીધા એટેકથી મિ.ખત્રી કંઈક મૂંઝાણા.

“ના ના, આઈ મીન નિલેશ. નિલેશ શું કરે છે?”

“હા… હા, તેને તો વિઝા મળી ગયા ને. લહેર કરે છે USમાં. હૌ હૌના કુટુંબ સાથે સુખી. પણ એક વાત માનવી પડે છે. આજકાલના છોકરાઓનું નસીબ ભારે ! આપણે તો કરજણે નહોતું જોયું ત્યાં તો આપણા ચિરંજીવીઓ કેલિફોર્નિયા પહોંચી ગયા.”

“એકવીસમી સદી છે ભાઈ. જે નહીં થાય તે ઓછું. વળી હવે તો સંચારપ્રાપ્તિની સરળ, સુલભ સુવિધાને લીધે દેશ-દેશ વચ્ચે અંતર ક્યાં રહ્યું.” – મેં પાછા ગૂંચવણભર્યાં શબ્દોનો ઘા કર્યો.

“યાર મિ.શાહ, તમે ઘણી વાર શું બોલો છો તે હમજાતું જ નથી.”

“ના… ના, હું તો સેલફોનની સુવિધાની વાત કરતો હતો.”

“હા, એ તો છે જ વળી. મેં પણ હમણાં સેલફોનનું ડબલું લીધું. શું છે કે શાક બાક લેવા નીકળ્યા હોય તો શ્રીમતીજી પાછો ફરી ધક્કો ના ખવડાવે અને ૧૦૦ ગ્રામ ભીંડા સાથે બીજી ૨૦૦ ગ્રામ પાપડી ભેગી લેતા અવાય.” સેલફોનનો નવો ઉપયોગ ખત્રીએ પોતાના અંગત અનુભવ સાથે રજૂ કર્યો.

“હા… હા, એ તો છે જ વળી. તમે કઈ કંપનીનું કાર્ડ નખાવ્યું?”

“એરટેલનું બોસ. બહુ સરસ સ્કીમ છે.”

“એમ?”

“હાસ્તો. તારું કઈ કંપનીનું છે?”

“આઈડિયા. પણ કોણ જાણે કેમ લોકોને આપણું ખિસ્સું ખંખરેવાના જ આઈડિયા આવે છે. હવે મારે બદલી નાખવું છે.”

“બદલી નાખ. આ સરસ છે. પણ તારા નંબરનું શું?”

મેં કહ્યું, “તમે કહ્યું તેમ. આપણો નંબર ક્યાં પ્રાઈમ મિનિસ્ટરને આપવો છે. શાક જ લાવવું છે ને? વળી બોસના ફોનની ઝંઝટ છૂટે.”

“હા.. હા, તો તો કરાય. તું તારા નજીકના કોઈ STD બુથ પર તપાસ કર અને સ્કીમ બરાબર સમજી લેજે.”

“હા, ચોક્કસ. ચલ મળીએ ત્યારે.” આમ કહી મેં ઘર ભણી ડગ માંડ્યાં.

ઘરે પહોંચ્યો. પહોંચતાની સાથે જ નેન્સીની આંખો પ્રશ્નોના સમંદરને લઈને મારી આજુબાજુ ફરવા લાગી.
માથું તો મેં ઓળેલું જ નહીં અને શેવિંગનો આપણને ટાઈમ નહીં એટલે મારા ચહેરાને જોઈને રસ્તે જતા કોઈ પણ ઘરેથી એક ગ્લાસ પાણી તો મળી જ જાય. તો તો પછી પોતાને ઘેર કેમ ન મળે? આખરે આખા દિવસના થાકેલા તો આપણે ખરા ને !

પાણી પીને મેં જ નેન્સી સામે રજૂઆત કરી, “જો નેન્સી ગવર્મેન્ટના કનેક્શનને આવવાને ફક્ત મહિનાની જ વાર છે. મેં બરાબર તપાસ કરી છે. ઈરાના સર્વિસ તો ખૂબ મોંઘી છે અને તે પણ વળી આપણા વિસ્તારમાં તે લોકોનું નેટવર્ક નથી. એ લોકોના પ્લાન પણ ખૂબ લિમિટેડ છે. જ્યારે ગવર્મેન્ટ કનેક્શન આપણને વન ગેંગાબાઈટ આપે છે.”

“હેં શું? ગેંગાબાઈટ?” નેન્સી પણ ચોંકી ગઈ.

“આ એક સરકારી એકમ છે.” મેં મારી વ્યાખ્યા બનાવી.

“એવું કંઈ ન હોય. આને ગીગાબાઈટ કહેવાય. પપ્પા, તમને તો કશું આવડતું જ નથી.”

“હા હા, એવું કંઈક હશે.” મેં ઠાવકાઈથી કહ્યું.

“પણ એક મહિનામાં ચોક્કસ હોં.” નેન્સીએ પ્રોમિસ માંગ્યું.

“આવશે એટલે ચોક્કસ લઈશું. મારે થોડો કેબલ લબડાવવાનો છે?” મેં પણ આશ્વાસન આપીને વાતને પૂરી કરી.

વળી પાછું સેલફોનનું કાર્ડ બદલવાનું યાદ આવ્યું એટલે શ્રીમતીજીની રજા લઈને હું STD બુથ પર જવા નીકળ્યો. ત્યાં પાછા સવારની જેમ કોઈ કાકા જ બેઠેલા. પણ આ કાકા એટલા ઉંમરલાયક નહોતા. વળી પાછું નોલેજ હોય તેમ પણ લાગ્યું એટલે મેં મારા જ્ઞાનવર્ધન માટે તેમની સાથે વિસ્તારથી ચર્ચા આરંભી.

“નવું પ્રિપેડ કાર્ડ લેવું છે.”

“ક્યું લેવું છે?’ કાકાએ પૂછ્યું.

“જી, આમ તો એરટેલનું. બીજું કોઈ સસ્તું ને સારું ખરું?”

“ઘણી કંપનીઓ છે. તમારા ઉપયોગ પર બધું ડિપેન્ડ છે.”

“તો મને જરા સમજાવોને ડિટેલમાં.”

કાકાએ પહેલેથી શરૂઆત કરી.

“જો આ એરટેલનું સિમ કાર્ડ છે. તેમાં લોકલ કોલ છે ૧.૨૦ પૈસા.”

“લોકલ કોલ ગુજરાતમાં ગણાય કે આપણા જ શહેરનો?”

“આખા ગુજરાતમાં ૧.૨૦ પૈસા છે.”

“પણ એ ત્રણ મિનિટના કે એક મિનિટના?”

“સાહેબ, એક મિનિટના જ હોય ને. મને જરા સમજાવવા તો દો.” કાકાએ જરા ભ્રૂકુટિ તંગ કરી.

“હા, હા.”

“જો ફરીથી સમજાવું છું. લોકલ કોલ તમારો ૧.૨૦ પૈસા લાગશે અને STD તમારે ડબલ એટલે કે ૨.૪૦ પૈસા લાગે. તમને ૩૨૫માંથી ૧૮૦નો ટોકટાઈમ મળે. તેની માટે સ્ટાર્ટર પેક પહેલા લેવું પડે.”

વળી પાછો હું વચ્ચે કૂદ્યો. (ઉતાવળિયો ખરો ને!) “એ બધું તો બરાબર. પણ સરળ મોબાઈલ સંદેશનું શું?”

“એટલે?” કાકા આશ્ચર્યમાં પડી ગયા.

“SMSની વાત કરું છું.”

“તો એમ બોલો ને. જો SMS તમારે નેશનલ હોય તો ૨ રૂપિયા લાગે. પણ લોકલ હોય તો ૧ રૂપિયો થાય.”

“તો એમાં ચિત્ર કે રીંગટોન મોકલાય.”

“મોકલાય જ ને.”

“તો તેન કેટલા થાય?”

“એ બધું એમ ખબર ના પડે. એ બધું તો તેની સાઈઝ પર હોય.”

“એમ?”

“હોવે.” કાકા બોલ્યા.

“પણ રોમિંગનું શું?” વળી પાછું મેં તૂત કાઢ્યું.

“રોમિંગ બધું એક્ટિવેટેડ જ હોય.”

“પણ તેનો કોઈ ચાર્જ નહીં?”

“હોય જ ને. નેશનલ રોમિંગના ૪૦ રૂપિયા કપાય.”

“પણ આપણે ગુજરાતમાં જ રોમિંગ કરીએ તો.’ – મેં ગૂંચવણ હાથે કરીને ઉભી કરી.

“અલા ભલા માણસ, ગુજરાતમાં તો લોકલ કોલ છે. એમાં વળી રોમિંગ ક્યાંથી આવ્યું.” – કાકા ઘૂરક્યાં.

“હા હા, અચ્છા એમ સમજ્યો.” મેં એક સાથે બધી સમજણ વ્યક્ત કરી દીધી.

“પણ હું રોમિંગમાંથી આપણા શહેરમાં કોઈને ફોન કરું તો કેટલો?”

“રોમિંગ એટલે ક્યું રોમિંગ, નેશનલ ને?” કાકા હવે ઈન્ક્વાયરી કરવા લાગ્યા.

“હા. દાખલા તરીકે કોલકતાથી આપણા શહેરના મગન પટેલને.”

“કોણ મગન પટેલ?”

“આ તો દાખલો છે હવે.”

“તમારા સિમ કાર્ડથી તમારા શહેરમાં કરો તો લોકલ લાગેને.” કાકાએ કંઈક ગૂંચવણ સાથે અસમંજસતામાં ઉત્તર આપ્યો.

“પણ લેન્ડલાઈનનું શું?”

“એ આમાં પાછી લેન્ડલાઈન ક્યાંથી આવી?”

“કેમ ન હોય ! દાખલા તરીકે ઑફિસેથી મારા ઘરના લેન્ડલાઈન પર; મારા ઘરના મોબાઈલથી ઑફિસના લેન્ડલાઈન પર, મારા ઑફિસના લેન્ડલાઈન પરથી મારા ઘરના લેન્ડલાઈન પર.”

“હવે ઑફિસના લેન્ડલાઈન પરથી ઘરના લેન્ડલાઈન વચ્ચે મોબાઈલ ક્યાંથી આવ્યો?” કાકા સખત રીતે ઘૂંચવાયેલા ને ધૂંધવાયેલા જણાયા. પણ હું મારી ઈન્કવાયરી છોડું તેમ નહોતો.

“હા એ વાત તો બરાબર. પણ મોબાઈલથી લેન્ડલાઈનના દર તો સમજાવો.”

“જો હું થાકી ગયો ભાઈસા’બ, છેલ્લી વાર તમને સમજાવું છું હવે બરાબર સમજી લો. મોબાઈલથી મોબાઈલના ૧.૨૦ પૈસા છે, મોબાઈલથી લેન્ડલાઈનના ૨ રૂપિયા છે અને આ બધામાં કોઈ પણ રીતે STDના ૨.૪૦ પૈસા છે. સમજ્યા હવે?”

“આ બધું તો બરાબર. પણ લોકલ મોબાઈલનું શું?”

“તમે મને કહો ભાઈસા’બ, તમારે સિમ કાર્ડ લેવાનું છે કે મોબાઈલની કંપની ખોલવાની છે.” કાકાની આંખોમાં રાતો રંગ સ્પષ્ટ દેખાતો.

મને થયું હવે વાતને બહુ લંબાવવામાં મજા નથી. એટલે મેં કહ્યું, “ના આ તો ખાલી જાણવા માટે.”

“શું ધૂળ જાણવા માટે. મારો કલાક બગાડી નાખ્યો. બોલો હવે શું કરવાનું છે?”

“ના બસ, આ આઈડિયાનું કાર્ડ છે જરા રીચાર્જ કરી દો ને.” મને થયું હવે હમણાં નવી સ્કીમમાં નથી પડવું.

“તો પહેલાં ભસવું હતું ને. ખાલી ખાલી ટાઈમ બગાડવા આવી જાઓ છો. લાવો મોબાઈલ.”

મેં મારો મોબાઈલ આપ્યો. કાકાએ કંઈક નંબરો નાખીને મને ‘રીચાર્જ સક્સેસફુલ’ એવો મેસેજ બતાવ્યો અને કહ્યું – “લો થઈ ગયો. ૩૨૫ આપો.”

મેં પૈસા આપ્યા અને જતાં જતાં પાછું પૂછ્યું, “હમણાં આઈડિયામાં શું સ્કીમ ચાલે છે?”

કાકાનો મોંનો નકશો જોઈને મને લાગ્યું કે હમણાં ચંપલ કાઢશે. પણ કાકા પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને બોલ્યાં, “એ તમે હેલ્પલાઈનમાં પૂછશો તો વધારે ખબર પડશે. એમાં પૂછી લેજો.”

મેં પણ વાતને પૂરી કરી ને ત્યાંથી ચાલતાં ચાલતાં વિચાર્યું કે દેશમાં હરિયાળી ક્રાંતિ પ્છી હવે સેલફોન ક્રાંતિ આવી છે. શું સુવિધા છે સેલફોનની?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સેલફોન સુવિધા – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.