શિયાળાની સવાર પથારીની બહાર? – અલ્પા શાહ

(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

શિયાળે શીતળ વા વાય
વહેલી સવારે કેમ ઉઠાય?

આપણાં પ્રિય કવિ દલપતરામની કવિતાને શિયાળાની વહેલી સવારે ગાઓ તો આપણા મોંમાંથી આવું કૈંક નીકળી જાય. હંમેશાં દરેક સિક્કાની બે બાજુઓ હોય એમ શિયાળો ગમવા ન ગમવા, શિયાળામાં વહેલા ઊઠવા ના ઊઠવા તથા વહેલા ઊઠીને કસરત કરવા ન કરવા બાબતે પણ બે સાવ અલગ અલગ મત પ્રવર્તી શકે. એક વર્ગ માને કે આ બધું કરવું જોઈએ તો બીજો વર્ગ આના સિવાય બીજું બધું કરવું જોઈએ એમ માનવાવાળો હોય. શિયાળાની ઠંડી વહેલી સવારે ઊઠી શકે અને કસરત ન કરી શકે એમની દલીલો સાવ નકારી ન શકાય. એમના મતે વડીલો ભલે કહેતા ગયા કે શિયાળો આખા વર્ષની ઊર્જા ભેગી કરી લેવાની ઋતુ કહેવાય, પણ આપણે કૈં ઊંટ છીએ તે આખા વર્ષનું ભેગું કરી રાખીએ?! એવી સંગ્રહવૃત્તિ શું કામની? શિયાળાની સવારમાં સૂરજદાદા પણ વાદળાની રજાઈમાંથી વહેલા બહાર નીકળવાનું પ્રીફર ન કરે એવામાં ‘અંધેરી રાતોમેં સૂનસાન રાહોં પર’ના શહેનશાહની જેમ ચાલવા નીકળી પડતા લોકો ચાલીને કે દોડીને ઘેર પાછા ફરે એ વખતે આછું આછું અજવાળું થવાનું શરૂ થયું હોય. આ દોડવીરો છાપાં નાંખવા આવતા ફેરિયાઓ કરતા પણ વહેલા દોડી આવે. શિયાળાની વહેલી સવારે ચાલવા તથા દોડવાવાળાનું પણ ઊઠતા પહેલાં એક વાર તો ઈમાન જરૂર ડોલતું હશે. ગરમ ગરમ રજાઈ એમને પણ પડ્યા રહેવાની લાલચ આપતી હશે. પણ અડગ મનના એ માણસો રજાઈને હડસેલીને ઊઠી જતા હોય. જ્યારે કોમળ દિલના લોકો રજાઈની મધરલી લાગણી સમજીને રજાઈમાં પડ્યા રહે.

શિયાળાની સવારમાં પથારી અને રજાઈ એટલી વહાલી લાગે કે એનાથી રૂડું તો સ્વર્ગ પણ નહિ હોય. શિયાળામાં તંદુરસ્તી માટે વસાણાં ખાવાનો અને કરસત કરવાનો મહિમા હોય. એ વસાણાં ખાવા માટે કદાચ થોડું ધનથી ઘસાવું પડે પણ વહેલા ઊઠવામાં મનથી ઘસાઈ જવાય. સવારે વહેલા ઊઠીને ચાલવા જવામાં તનને મળતી તંદુરસ્તીની સામે રજાઈમાં ગોટમોટ થઈને સૂઈ રહેવામાં મનને મળતી તંદુરસ્તીનું પલ્લું ક્યારેક ભારે થઈ જાય. ક્યારેક નિમયિત મૉર્નિંગ વૉક કરતા તમારા કોઈ મિત્રની પ્રેરણાથી તમે તમારી જાતને ઓળખતા હોવા છતાં, તદ્દન અવિચારીપણે, ઈમ્પલ્સિવ થઈને આવતી કાલથી ચાલવા જવાનું એલાન કરી દો. પણ એ વખતે કદાચ બપોર હોય એટલે બીજા દિવસની ભયંકરતાનો ખ્યાલ ન જ આવે. આ એલાન તમે તમારા એકલા પૂરતું કર્યું હોય તો ઠીક છે. માણસ છે ભૈ, ભૂલ તો થઈ જાય એમ માનીને પોતાની દયા ખાઈને, જાતને થાબડીને પાછી રજાઈમાં સુવાડી દઈએ પણ બીજા દિવસથી જો કોઈની સાથે ચાલવા જવાનું વચન રાજા દશરથની અદાથી આપી આવ્યા હો તો ભગવાન જ તમને બચાવે. સવારે ના પડવી જોઈએ તોપણ પડે અને પેલો તમારી સાથે ચાલવા જવાવાળો સહચાલક હમણાં આવી જશે એવી ફાળ પડે. સૌથી પહેલાં તો પથારીમાં પડ્યા પડ્યા તમે તમારી જાતને જ ઠપકો આપો કે ‘મૂર્ખ, વચન આપતા પહેલાં એક વાર પણ વિચાર્યું નહિ?’

તો સામેના પક્ષે પણ આવી જ મનોદશા હોય. બંને જણા મનમાં વિચારે કે સામેથી જ જો આજે ચાલવા નહિ જવાય એવો ફોન આવી જાય તો ભગવાનને સવા અગિયાર રૂપિયાનું નારિયેળ ચડાવીશ. કારણ કે શિયાળાની સવારમાં ગરમાવો આપતી રજાઈમાં દસ મિનિટ એકસ્ટ્રા ઊંઘવા મળે એમાં જે મજા છે તે દોડવા જવામાં નથી એવું પોતાની જાતને કહી દેવાય.

સવારમાં રસ્તાના ખૂણાઓમાં ટૂંટિયું વાળીને સૂતેલાં કૂતરાં આ દોડતા માણસોને જોઈને દયા ખાતા એકબીજાને કહેતા હોય કે બિચારા માણસોના નસીબમાં જ ઊંઘવાનું નથી. આખો દિવસ કામ માટે ઓછું દોડતા હોય છે? તે સવારમાં પણ દોડવા નીકળી પડે છે ! કેટલાંક એનર્જીના ખજાનાઓ વહેલી સવારે ઘેરથી નીકળી પાંચ કિલોમીટર દોડીને જિમમાં જાય. તેમાં જો રસ્તે કૂતરું પાછળ પડે તો તો આવી જ બને. જિમમાં જઈ ત્યાં પણ કસરત કરે અને આવી ભારે કસરત કર્યા પછી હળવો નાસ્તો કરે. ત્યાં હળવી કસરત કરીને ત્યારે નાસ્તો કરવાવાળા લોકો પણ આ સંસારમાં મળી આવે. સવારની કસરતથી થતા આટલા બધા ફાયદા સામે આટલી પ્રીશિયસ સવારની ઊંઘને કુરબાન કરી દેવાનું ઘણું વસમું લાગે. સવારને બદલે બપોરે કસરત કરવાનું કહેવામાં આવે તો હજુ વિચારી શકાય. ઉનાળાની સવારમાં તમે ઉઠાડો એટલા વાગે ઊઠી જવાય, પણ શિયાળાની સવારમાં કોઈને ઉઠાડવું એ મહાપાપ છે. શિયાળામાં માણસ અને એની ગતિવિધિઓ સંકોચાઈને ધીમી પડી જાય એમાં માણસનો વાંક નથી. વિજ્ઞાને જ આપણને શિખવાડ્યું છે કે ગરમીમાં પદાર્થ પ્રસરે અને ઠંડીમાં સંકોચાય. તો ઠંડી-ગરમીની એ અસર માણસ ઉપર પણ થાય જ ને ! માણસ પણ ગરમીમાં હાથ ફેલાવીને ઊંઘતો હોય. ઠંડીમાં માણસ અદબ વાળીને ફરતો હોય એને કૈં કામ કરાવવા અબદ છોડાવો એ પણ થોડું અગવડભર્યું લાગે તો પછી આખેઆખા પથારીમાંથી-રજાઈમાંથી બહાર નીકળવું તો કેટલું બધું કષ્ટદાયી બની રહે !

કડકડતી ઠંડીમાં ખુલ્લામાં દોડવા નીકળી પડ્યા પછી એ અનુભૂતિ ખરેખર સ્ફૂર્તિ અને આનંદ બંને આપનારી હોય. પણ પથારીમાંથી યે ખુલ્લામાં દોડવાનું શરૂ થાય એ પહેલાંની પીડદાયક યાત્રા પારાવાર ત્રાસ અને દુઃખ આપનારી હોય. કોઈ બીજાને ઉઠાડવાના હોય તો રજાઈ ખેંચીને એને ઉઠાડી દઈએ, કારણ કે કોઈક સવારે વહેલું ઊઠે ચાલવા જાય, તંદુરસ્તી મેળવે… સરવાળે કોઈનું ભલું થાય એવો આપણો આશય હોય. જ્યારે પોતાની બાબતમાં આપણું પોતાનું ભલું કરવા સ્વભાવની કડકાઈ કે જીદ બતાડવી આપણને ન ગમે. પથારી સામે એક ભક્તની નિષ્ઠાથી શરણાગતિ સ્વીકારીને આપણે ચૂપચાપ પડ્યા રહીએ. પ્રકૃતિને ઠારી નાખવી એ શિયાળાની પ્રકૃતિ છે. શિયાળો એક તો બિચારો વરસમાં એક વખત આવે. તમે ગરમ કપડાં પહેરી-ઓઢીને ફરો તો એને આવવું વ્યર્થ લાગે, ગરમ કપડાં પહેરીને શિયાળાને ન વધાવો તો એને આવવું વ્યર્થ લાગે. દુનિયાને ઠંડીથી થીજવી નાખું એમ નક્કી કરીને આવેલા શિયાળાની સામે પડતા હો એમ તમે રજાઈ ફગાવીને રસ્તા પર દોડવા લાગો તો શિયાળાને અપમાન જેવું લાગે. કદાચ શિયાળાનો સાચો ઉપયોગ કસરત કરીને કરવો જોઈએ એમ માનતા લોકો પણ ખોટા નહિ હોય. શિયાળામાં કસરત કરવી જોઈએ એવું જનમોજનમથી સાંભળતા આવ્યા છીએ. કોઈ કાળ ચોઘડિયે આપણે પણ કોઈની આગળ બોલ્યા હોઈશું.

કોઈક તમને શિયાળાની સવારમાં ગાર્ડનની ખુલ્લી હવામાં ચાલવાની સલાહ આપે તો કોઈ ટ્રેડમિલ પર ચાલવાનું સૂચન કરે. કોઈ તમને શિયાળાની સવારમાં સૂર્યનમસ્કાર કરવા પ્રેરે તો કોઈ પ્રાણાયામ કરવાનો આગ્રહ કરે. કોઈ કહે કે જિમમાં જાઓ તો કોઈ અખાડાની વાત કરે. કેટલાક તો વળી ભરશિયાળાની વહેલી સવારમાં સ્વિમિંગ કરવાનો મરણતોલ આઈડિયા આપે. હવે આટલાં બધાં શારીરિક કષ્ટો તો કેમ કરીને વેઠાય? એ પણ શિયાળાની વહેલી સવારમાં? આમ આ બધામાંથી શું કરવું એ ન સમજાતાં છેવટે રજાઈ માથે ઓઢીને ઊંઘી જવાની અને વિન્ટર મૉર્નિંગને જરા આરામદાયક રીતે માણવાની પોતાની જ સલાહ માની લઈએ.

*
સંપર્ક : બી-૪૨, સ્કાયલાર્ક એપાર્ટમેન્ટ, શિવરંજની, સૅટેલાઈટ, અમદાવાદ-૩૮૦ ૦૧૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “શિયાળાની સવાર પથારીની બહાર? – અલ્પા શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.