પ્રભુનો અંશ – ગિરીશ ગણાત્રા

(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

સાંજે અરુણ ઑફિસેથી ઘેર આવ્યો ત્યારે પ્રીતિએ શરમાતા શરમાતા સમાચાર આપ્યા : “હું આજે ડૉ. માલતીબેન પાસે જઈ આવી, એણે કહ્યું કે મને સારા દિવસો રહ્યા છે…”

“રીઅલી?” અરુણે પ્રીતિને પોતાની પાસે ખેંચતા કહ્યું.

“આવું શું કરો છો? બારણાં ખુલ્લાં છે…”

“તો ખુલ્લાં જ રાખજે. આપણા ચાર જણના સંસારમાં હવે પાંચમું પ્રવેશી રહ્યું છે. જો પ્રીતિ, હવે તારી તબિયત સાચવજે. રાધાબાઈએ કપડાં-વાસણ કરે છે પણ આજથી જ એને ઝાડું-કચરા-પોતાનું પણ સોંપી દેજે. તારે હવે બહુ શારીરિક શ્રમ લેવાનો નથી. તું માત્ર રસોઈને જ સાંભાળજે. શાકભાજી, કરિયાણું કે ધોબીનાં કપડાં લાવવા જેવા કામો હું કરીશ.”

“એ તો હજુ વાર છે, બે-ચાર મહિના જવા દો, પછી એ વિચારીશું.”

‘નથિંગ-ડુઈંગ. યાદ છે, પિન્ટુની ડિલિવરીમાં સિઝેરીયન ઑપરેશન કરાવતી વેળા લેડી ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નો મોર ડિલિવરી, બે જ બાળકોથી સંતોષ માનજો. સરકાર પણ વિનંતી કરે છે કે બે બસ.”

“એ બધું જાણું છું, પણ પિન્ટુની ડિલિવરી પછી સાડા ત્રણ વર્ષ વીતી ગયાં છે. હવે જ્યારે પ્રૅગનન્ટ રહી છું ત્યારે એબોર્શન થોડું કરાવાશે ?”

“આપણે એવું કરવું છે પણ ક્યાં? પણ આ વખતે તારી તબિયત સાચવજે. જોઈએ તો પાંચ-સાત મહિના રસોઈયણ બાઈ રાખી લઈએ. એ મોંઘું નહીં પડે. પણ હવેથી કોઈ શારીરિક શ્રમ નહીં, અન્ડરસ્ટૅન્ડ?”

અરુણે પોતાના નજદીકના તમામ સગાંસંબંધીઓને આ શુભ-સમાચારની જાણ કરી દીધી. હવે એને ઘેર કોઈ ને કોઈ સગું સાંજે કે રાત્રે બેસવા આવતું રહેતું. સૌથી પહેલવહેલાં આ જ શહેરમાં રહેતાં એનાં દૂરનાં ફૈબા જ આવ્યાં. એણે જ પ્રીતિને કહ્યું કે, ‘ઘરમાં રૂપાળી બૈરીઓવાળાં કૅલેન્ડરો હવે ઉતારી નાખો. એની જગ્યાએ રામ, કૃષ્ણ, વિવેકાનંદ કે શંકર-પાર્વતીનાં ચિત્રોવાળાં કૅલેન્ડર લટકાવો. દરરોજ સવારે, બપોરે, સાંજે કે રાત્રે સૂતા પહેલાં એના તરફ નજર કરવી. દ્રષ્ટિમાં જે વસ્યું તેવું બાળક થાય.’ એ પછી એની નણંદ આવી ગઈ, એણે ભાભીને એક લાંબું લિસ્ટ આપી ગાંધી કે કરિયાણાવાળાની દુકાનેથી આ બધાં વસાણાં મંગાવી રાખવાનું કહ્યું જેથી એક રવિવારે આવી એ જુદા જુદા પાક બનાવી આપે. ‘આવનાર બાળકનો પિંડ આનાથી મજબૂત થશે, હું તમને ચોટીલાનું ઘી મોકલાવું છું. એ અને દૂધ પર હવે બરાબરનો મારો રાખજો.’ દેશમાં રહેતાં સાસુ પણ શુકન લઈને વહુની ખબર પૂછી ગયાં. એને જુદી જુદી સૂચનાઓ આપી, સુવાવડની તારીખ પહેલાં આવવાનું કહીને ગયાં.

પ્રીતિએ પોતાના અને બંને બાળકો રિંકી અને પિન્ટુને પણ હળવેકથી સમજાવી દીધું કે એમને એક નવોનક્કોર ભાઈ કે બહેન મળશે.

“ભાઈ કે બહેન?” પિન્ટુએ પૂછ્યું.

“તને શું ગમે?” પ્રીતિએ એને સોડમાં લેતાં કહ્યું.

“મને તો ભાઈ જ જોઈએ. આ રિંકી તો મારી જોડે જરાયે રમતી નથી. એ એની બહેનપણીઓ જોડે જ રમતી રહે છે.”

“મારે તો બહેન જોઈએ.” રિંકીએ કહ્યું, “આ પિન્ટુ તો આખો દિવસ મારી જોડે લડ્યા જ કરે છે. નાની બહેન મોટીબહેનનું ઉપરાણું તાણે ને !”

એ પછી બંને બાળકો માટે જે કંઈ ખરીદાય તેમાં આવનાર બાળકનો પણ ભાગ રાખે. કાંસકો, તેલ, સાબુ, નાનકડી બાસ્કેટ કે બૉલ હોય કે પછી સ્વેટર-મોજાં માટે ઊનના દડા હોય. રિંકી અને પિન્ટુ એ માટે લડતાં પણ ખરાં અને કહેતા : “મમ્મી, એ આવે ત્યાં સુધીમાં આ બધું જૂનું થઈ જશે. તું એને તદ્દન નવી જ ચીજવસ્તુઓ લઈ દેજે ને ! ભઈનો બૉલ હમણાં હું જ રમવા લઈ જઉં છું.” રિંકી પણ સાબુ, કાંસકા માટે મમ્મી જોડે દલીલો કરતી રહેતી.

હવે પ્રીતિને ખુદ જાણવાનું મન થતું કે આવનાર બાળક છોકરો હશે કે છોકરી? “તમારે પ્રીતિબેન, એ જાણીને કરવું છે શું?” હસતાં હસતાં લેડી ડૉક્ટરે કહ્યું, “છોકરો હોય કે છોકરી. માને મન તો દરેક સંતાન અદકેરું જ હોય !”

હવે પ્રીતિ જ અનુમાન કરતી રહેતી. સવારે ઊઠીને પહેલું જે નજરે ચડે એની જાતિ તે આવનાર બાળકની જાતિ. એમાં કોઈ વખત છોકરો નીકળે ને કોઈ વખત છોકરી પણ નીકળે. એણે એક મેગેઝીનમાં વાંચેલું કે પ્રયોગશાળામાં ટેસ્ટ માટે વપરાતા લિટમસ પેપરને સવારે નરણા કોઠે જીભ પર મૂકવો. પેપરનો કલર બ્લ્યૂ નીકળે તો છોકરો ને લાલ નીકળે તો છોકરી. પ્રીતિએ એ પ્રયોગ પણ કરી જોયો પરંતુ એમાંથી એ કશું નક્કી ન કરી શકી.

અરુણ હસતો. ક્યારેક પ્રીતિને ચીડવવા આંગળીઓ પકડાવીને જુદાં જુદાં અનુમાનો રજૂ કરતો રહેતો. છેવટે કંટાળીને પ્રીતિએ આંગળી પકડવાની રમત છોડીને મનને મનાવ્યું કે જે હોય તે. મને તો છોકરોય ગમે ને છોકરીયે ગમે.

આખરે સુવાવડના દિવસો નજદીક આવતા ગયા. પ્રીતિનાં સાસુ દોઢ મહિના અગાઉ દેશમાંથી રહેવા આવી ગયાં. હવે ઘરનો કારોબાર એની સાસુને હસ્તક હતો. પ્રીતિની મા પણ લગભગ દરરોજ ખબર કાઢવા આવી જતી. ડૉક્ટરે સૂચના ફરમાવી દીધી – કમ્પલિટ બેડ-રેસ્ટ. હવે ઘરમાં ફરફર નહીં કરવાનું અને હા, મગજ પર કોઈ ટેન્શન નહીં રાખવાનું. પથારીમાં સૂતાં સૂતાં વાંચવાનું અને આખો દિવસ આરામ કરવાનો.

પ્રીતિની નાજુક તબિયત અને અગાઉની ડિલિવરી સિઝેરિયન ઑપરેશન દ્વારા કરવી પડેલી એ કારણે ડૉક્ટરે ઘરના સૌ સ્નેહીઓને સૂચના આપી દીધેલી કે આ ડિલિવરી વખતે ખૂબ જ સાવચેત રહેવું પડશે. જોકે પ્રીતિ આ ભયસ્થાનોથી વાકેફ જ હતી એટલે આ પ્રસૂતિ હેમખેમ પાર પડશે કે કેમ એ અંગે એ સચિંત હતી.

એક દિવસ અરુણ ઑફિસે ગયો એ પછી પ્રીતિને બ્લીડિંગ થવા લાગ્યું. પ્રીતિનાં અનુભવી સાસુએ તુરત જ ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે સાવચેતીથી ઈંજેક્શન આપ્યું, પણ હવે ખુદ એના જ મનમાં શંકા હતી. રાત્રે ફરી બ્લીડિંગ થયું. દવાની કૅપ્સ્યૂલો બહુ અસરકારક નીવડી નહીં. વહેલી સવારે પ્રીતિને હૉસ્પિટલમાં લઈ જવી પડી. ડૉક્ટરોને તાત્કાલિક ઑપરેશનનો રાહ લેવો પડ્યો. માને બચાવવા નવજાત શિશુનો ભોગ લેવાયો. પ્રીતિને મરેલું બાળક અવતર્યું.

પંદર દિવસ પછી પ્રીતિ હૉસ્પિટલેથી ઘેર પાછી ફરી. આ વખતે એ નિરાશાથી ભરપૂર હતી. પોતાના ઉદરમાં આઠ મહિના સાચવેલા બાળકને આ પૃથ્વીનાં દર્શન પણ ન થયાં ! ઈશ્વરે એને ભેટ આપીને આંચકી લીધું !

પ્રીતિ નંખાઈ ગઈ હતી. પણ અરુણે આ અવસ્થામાં પત્નીને સાચવી લીધી. ધીરે ધીરે એ ફરી ગૃહકાર્યમાં લાગી ગઈ.

એક વખત બપોરે એ એકલી જ હતી. અરુણ ઑફિસે ગયેલો. બંને બાળકો શાળાએ ગયાં હતાં. બેડરૂમનો વૉર્ડરોબ બહુ જ અસ્તવ્યસ્ત હતો.

પ્રીતિ એ સરખો કરવા બેઠી. વૉર્ડરોબને સરખો કરતાં કરતાં એની નજર એક ખૂણે પડેલી બાસ્કેટ તરફ ગઈ. બાસ્કેટમાં થોડા નૅપ્કિન્સ હતા, ઢીંગલી હતી, જાતે ગૂંથેલાં નાનકડાં મોજાં, ચૂસવાની ટોટી અને બેબી પાઉડર ને સાબુ હતાં. નવા આવનારા બાળક માટે એણે આ સંઘરી રાખેલું.

એણે આ બાસ્કેટ બહાર કાઢી. ખાસ કરીને એણે ઢીંગલી સામે જોયું. કેવી સરસ મજાની ઢીંગલી હતી ! હીરા જેવી ચમકતી આંખો, પોચા પોચા રબ્બરથી બનેલું અંગ, અંગ પર કોમળ રેશમી વસ્ત્રો, માથા પર ગુચ્છેદાર વાળ.

ક્યાંય સુધી એ ઢીંગલી સામે જોતી રહી. જો એની પ્રસૂતિ હેમખેમ પાર પડી હોત તો આવું જ, આ ઢીંગલી જેવું જ એનું બાળક હોત ને? જેને એણે ક્યારેય નીરખ્યું નહોતું, જન્મતાવેંત જ એ મૃત જીવાત્માને ડૉક્ટરોએ મેત્તરણ બાઈને હવાલે કરી દીધું હતું. એ જો જીવતું હોત તો !

પ્રીતિએ ઢીંગલીને બહાર ડ્રૉઈંગરૂમમાં લઈ આવી. ડ્રૉઈંગરૂમના શો-કેસમાં એને ગોઠવીને મૂકી અને ત્યાં એક કાપલી મૂકી. કાપલી પર લખ્યું – ઈશ્વરે પૃથ્વી પર રમતું મૂકેલું એક કિરણ કે જેમાં તેજ મૂકવાનું ઈશ્વર ભૂલી ગયો હતો.

કાપલીમાં એણે વિલીન થઈ ગયેલા આ તેજની તારીખ લખી. એની આજુબાજુ નૅપ્કિન, રૂમાલ, બેબી પાઉડર અને એક ફૂલ ગોઠવ્યાં. ક્યાંય સુધી પ્રીતિ એ શો-કેસ સામે જોતી બેઠી હતી.

સાંજે અરુણ, રિંકી અને પિન્ટુ ઘેર આવ્યાં ત્યારે શો-કેસમાં થયેલા ફેરફારની નોંધ લીધી. કાપલી પરનું લખાણ વાંચી રિંકીએ પૂછ્યું પણ ખરું – “મમ્મી, આ ભઈ છે કે બહેન?”

રિંકીના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં ફેરવતાં પ્રીતિએ કહ્યું,

“તું રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરે છે તે વખતે પ્રભુને પૂછી લેજે.”

પ્રીતિના ઘરમાં દર વર્ષે આ ઢીંગલાનો જન્મદિવસ ઊજવવામાં આવે છે. પ્રીતિ એ દિવસે મિષ્ટાન્ન બનાવે છે, મંદિરમાં જાય છે અને એ રાત્રે પેલું ઢીંગલું શો-કેસમાંથી બહાર નીકળી બાળકોના બેડરૂમમાં પહોંચી જાય છે. રાતભર બાળકો સાથે સૂઈ, સવારે એ પાછું શો-કેસમાં ગોઠવાઈ જાય છે.

રિંકી અને પિન્ટુએ એનું નામ પાડ્યું છે – અંશ, પ્રભુનો એક અંશ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “પ્રભુનો અંશ – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.