- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચહેરો.. – જીજ્ઞેશ અધ્યારૂ

સંંધ્યા ઢળી, અંધકારના ઓળા ઉતરી આવ્યા અને આશકાની ગભરામણ ફરી શરૂ થઈ. પાછા આવ્યાનો આજે દસમો દિવસ હતો અને આ દસ દિવસમાંં છેલ્લા છ દિવસની એની એકલતાએ એને વધુ નબળી કરી મૂકી હતી. આશકામાસી છ દિવસથી ઘરે નહોતા, અવની યુનિટ સાથે ફોરેન શૂટમાં ગઈ હતી. અશ્વને ત્યાં જવાનો તો… સવાલ જ નહોતો. માં પણ ગામડે પહોંચી ગઈ હતી.. અહીંં પોતે સાવ એકલી હતી. રોજની જેમ એ બાલ્કનીમાં જઈને બેઠી, મુંબઈના પોશ વિસ્તારના તેરમા માળના ફ્લેટની એની બાલ્કની પણ રૂમ જેવડી જ મોટી હતી.. આ એની રોજની જગ્યા થઈ ગયેલી. ક્યારેક અંગૂઠાથી ફ્લોરમેટ ખોતરતી તો ક્યારેક અન્યમનસ્કપણે રસ્તાપરની અવરજવર જોઈ રહેતી. એને ઉંચાઈનો ડર લાગતો… પણ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. દસ વાગ્યા તોય ત્યાંથી હલી નહીં, અવરજવર ઓછી થઈ રહી અને સ્તબ્ધતા વધતી રહી.. અંદરની પણ અને બહારની પણ..

છેલ્લીલી ત્રણેક આખી રાત એ બાલ્કનીમાં જ રહી હતી! પણ અંદર જવું જ પડે એમ હતું, તરસ અને ભૂખ પણ હદ બહાર પહોંચી એટલે આશકાએ રૂમમાં આવીને બાલ્કનીના દરવાજા પાસેની સ્વિચથી લાઈટ ઓન કરી, અને તરત જ ભડકી ઉઠી, એનો શ્યામ ચહેરો લાલ થઈ રહ્યો, રુંવાડા ઉભા થઈ ગયા, માંડ ગળામાં થૂંક ઉતાર્યું… આંખોમાં એક અજાણી લાગણી ડોકાઈ રહી. ઝડપથી એ રસોડા તરફ દોડી, બેડરૂમ પસાર કરતા તો એ મેરેથોન દોડી હોય એમ હાંફી રહી. રસોડાના દરવાજામાં ઉભા રહીને એણે લાઈટ ઓન કરી.. સબસલામત લાગ્યું એટલે અંદર ગઈ. રણમાં ભૂલા પડી ગયેલા મુસાફરની જેમ એનું મન શૂન્ય થઈ ગયું.

છ દિવસમાં જ એકલતાએ એને અંદરથી કોરી ખાધી હતી. પોતે જ એ પોતાની દુશ્મન બની ગઈ હતી. એને ભાગ્યે જ કોઈ ફોન આવતા, ટી.વી. જોવાનો કે કોમ્પ્યૂટર સામે બેસવાનો કે મોબાઈલ હાથમાં લેવાનો સવાલ જ નહોતો. રસોડામાં જઈને એણે ફ્રોઝન પીઝા કાઢ્યો, જાણે જીવનની છેલ્લી ક્ષણો બાકી રહી ગઈ હોય એમ અકરાંતિયાની જેમ પીઝાના ટુકડા ઉતાવળે મોંમાં ઠૂંસ્યા.. જ્યૂસ પીતા અંતરાસ આવી ગઈ પણ તોય એ ખાવાની ઝડપ ન ઘટી.. ફ્રિઝ પરથી પેપરની નીકળવા આવેલી સેલોટેપ એણે ફરી ચોંટાડી, ઉપર બીજી સેલોટેપ મારી. વાસણ વોશબેઝિનમાં મૂકીને એ બેડરૂમની ગણેશની મૂર્તિ પાસે આવીને ઉભી.

‘આ બધું ક્યાં સુધી ચાલશે?’ એણે પોતાના મનને પૂછ્યું,

‘તું ધારે ત્યાં સુધી..’ જવાબ મળ્યો, વરસાદ શરૂ થયો અને લાકડાની બારી પર ઝીંકાતી વાછટનો અવાજ એને કોઈ દરવાજો ખખડાવતું હોય એવો લાગ્યો. એણે બારી ખોલી નાંખી, બાલ્કનીનું બારણું પણ ખોલી નાંખ્યું અને વરસાદના એ ટીપાં જોતાં એ ફરી ભડકી, બારી અને દરવાજો જોરથી બંધ કરી દીધા, સ્ટોપર મારી દીધી..

‘પણ કેમ? મારી સાથે જ કેમ?’ ફરીથી એણે મનને પૂછ્યું, જવાબ ન આવ્યો. ફરીથી પ્રશ્ન પૂછાયો, ‘મારો શું વાંક?’ અને ફરી જવાબ ન જ મળ્યો.

‘ના, હવે નહીં, બહુ થયું..’ એ બબડી, ‘આજે પૂરું જ કરવું છે.’

આખરે એણે કબાટના અરીસા પર લગાડેલા છાપાંના સેલોટેપથી ચોટાડેલ પાનું હળવેકથી એક તરફથી કાઢવાનું શરૂ કર્યું. હાથ અને મન વચ્ચે તુમુલ યુદ્ધ ચાલ્યું, આખરે મનને થોડીક ક્ષણ ધોબીપછાડ આપીને હાથે એ પાનાં એક તરફ વાળ્યું અને અરીસામાં એણે મહીનાઓ પછી પોતાનો ચહેરો જોયો, એ હસી રહ્યો હતો.. ખડખડાટ.. એ જ ચહેરો.. જેનો ડર હતો એ જ થઈ રહ્યું હતું, પહેલા ખૂબ ડર લાગ્યો, પછી એને ભયંકર ગુસ્સો આવ્યો અને આખરે નિઃસહાયતાની લાગણીએ આશકાની આંખમાંથી આંસુ ટપકી રહ્યાં, આનાથી કેમ છૂટવું? અથાગ પ્રયત્નો અને અપાર તુક્કાઓ લડાવ્યા છતાં બંધ થવાનું નામ જ નહીં. રાતના સાડા બાર થવા આવ્યા હતા. અને પછી કબાટના અરીસા પરના છાપાંના ટુકડાઓને એમ જ લટકતા છોડી દઈ એણે કપાળ પરથી પરસેવો સાફ કર્યો, વાળ સહેજ સરખા કર્યા અને પૂરા આત્મવિશ્વાસ સાથે ચહેરા પર બળજબરીથી સ્મિત મઢીને એણે ટી.વી પરથી કપડું હટાવ્યું.. ઘડીક ટી.વીની બંધ સ્ક્રીન પર એ જ જોઈને અવાચક થઈ ગઈ.. રડતા ચહેરાની ભીતરમાં કોણ હતું? આજે એને હરાવીને જ જંપીશ.. એણે ફ્રીજ પરથી, બાલ્કનીના દરવાજાઓ પરથી, બાથરૂમના અરીસા પરથી, રસોડાની ટાઈલ્સ પરથી – બધેથી છાપાંના સેલોટેપથી ચોંટાડેલા ટુકડા ફાડ્યા. અને એક સાથે આટલા બધા હસતા ચહેરાઓ જોઈને એ રડી પાડી ઉઠી.. ચહેરાઓનું હાસ્ય વધુ ભયાનક બન્યું. લેન્ડલાઈનથી અશ્વને ફોન કરીને પોતાની પાસે આવવા કરગરી, ને પોતે બાલ્કનીમાં આવીને બેઠી..

‘આશકા.. ઓપન ધ ડોર પ્લીઝ.. વોટસ ધ મેટર?’ બહારથી બૂમ પડી, એ દરવાજા તરફ દોડી, રસ્તામાં ટાઈલ્સ પરથી ખસી ગયેલા મેટ્રેસના ટુકડાને લીધે ટાઈલ્સમાં દેખાતા પેલા ચહેરાને કચડવા એના પર પગ મૂકીને રડતી એ આગળ વધી ગઈ અને ચહેરાએ અટ્ટહાસ્ય કર્યું..

પણ આ શું? દરવાજો ખોલ્યો તો સામે પણ એ જ હસતો ચહેરો.. એ જોરથી ચીસ પાડી ઉઠી અને આઘાતથી બેભાન થઈ ગઈ. પણ પડે એ પહેલા દરવાજો ખોલીને અંદર આવેલા અશ્વના હાથમાં ઝૂલી ગઈ.

‘આશકા.. આશકા..’ એના ચહેરા પર પાણી છાંટવા જતા અટકી ગયેલો અશ્વ આશકાને એ ઘટના પછી આજે પહેલીવાર મળી રહ્યો હતો, અનેક વખત મળવાની કરેલી વિનંતિઓને આશકાએ સાવ તુચ્છકારથી નકારી દીધેલી.. પણ આજે એને સામેથી બોલાવીને… એ ચીસ પાડીને બેહોશ થઈ ગઈ એ ઘટનાએ અશ્વને હલબલાવી મૂક્યો. આશકાને એણે ઉપાડીને બેડ પર મૂકી, એ.સી. ઓન કર્યું અને એને પોતાના ખોળામાં એનું માથું રાખીને આશકાને પંપાળી રહ્યો. થોડીક વારે એ ભાનમાં આવી..

* * *

‘..એન્ડ મિસ ઈન્ડિયા અર્થ ફોર ધિસ યર ઈઝ મિસ આશકા અધ્યારૂ..’ તાળીઓના ગડગડાટ વચ્ચે એણે આઠ ફાઈનલિસ્ટ્સની વચ્ચેથી ગત વર્ષની વિજેતા આરોહી અગ્નિહોત્રી તરફ ડગલા માંડ્યા.. ગુબ્બારાઓમાંથી ઉડતી આનંદની છોળો વચ્ચે એને મિસ ઈન્ડિયા અર્થનો તાજ અને એમ્બલમ આશકાને અપાયા. કેમેરાની ફ્લેશ બંધ થવાનું નામ જ નહોતી લેતી.. એ જાણે વર્ષો પછી આજે પોતાનામાં પાછી ફરી હતી.. અને સામે પ્રેક્ષકોની ભીડમાંથી સલમાન એને જોઈ રહ્યો.. એને ગુમાવ્યાનો રંજ એની રગેરગમાં વાસના બનીને દોડી રહ્યો..

બીજે દિવસે આશકાના મિસ ઈન્ડિયા અર્થ બન્યાના સમાચારની સાથોસાથ હતા સમાચાર એના પર ફેંકાયેલા એસિડના.. એના અપાર્ટમેન્ટ પાસે વસ્તીમાં રહેતા સલમાનને એસિડ ફેંકાયા પછી તરત જ લોકોએ પકડી લીધેલો, આશકાનો આખોય ચહેરો ઝુલસી ગયો અને શરીરનો ઘણોખરો ભાગ કદરૂપો થઈ ગયો.. હોસ્પિટલથી ઘરે આવતા આશકાને ગાડીના રિઅર વ્યુ મિરરમાં દેખાઈ એક અલગ જ આશકા..

* * *

‘થેન્ક ગોડ આશુ, તું આવ્યો.. આ બધી મને બહુ હેરાન કરે છે, બિચ.. પ્લીઝ એને અહીંથી કાઢ..’ આશકા એને ભીંસી રહી.

‘કોણ? અહીં આપણા સિવાય કોઈ નથી.’

‘આ બધી, જો ને.. બધે જ છે, બધાય અરીસાઓમાં, મારો જ ચહેરો, મારું રિફ્લેક્શન મારું વિરોધી થઈ ગયું છે, એ મને તાકીને જોયા કરે છે, હું એની સામે જોઉં અને રડું તો એ જોરજોરથી હસે છે ને હું હસું તો એ પોક મૂકીને રડે છે.. મારી જિંદગીને દોઝખ બનાવી દીધી છે એણે.. આઈ વિલ કિલ હર આશુ..’

‘આશકા, પ્લીઝ રિલેક્ષ, કોઈ નથી અહીં..’

‘આ જો.. ટી.વીની સ્ક્રીનમાંથી એ મારી સામે સ્માઈલ કરે છે.. હું જતી રહું તોય એ ત્યાં જ ઉભી રહે છે, ને મારી પાછું ત્યાં જોવાની રાહ જુએ છે..’ એણે જોરથી ડૂસકું મૂક્યું, ‘જો કેવી મારી સામે જુએ છે.. એને કાઢ આશુ પ્લીઝ, આઈ બેગ ઑફ યૂ..’

‘રિલેક્ષ.. એવું કોઈ નથી…’

‘જો જો હવે એ ખડખડાટ હસે છે..’ એ બેડમાંથી ઉભી થતા બોલી, ‘જો એ આરામથી બેસીને મારી સામે કેવા ચેનચાળા કરે છે.. ધેટ બ્લડી.. હું આજે એને નહીં છોડું.’ કહીને એ ઉભી થઈ ગઈ.. પાસે પડેલું ફ્લાવરવાઝ હાથમાં લઈને એણે વોર્ડરોબના અરીસા પર છુટ્ટું માર્યું.. અને હાશકારાનું સ્મિત તેના ચહેરા પર ઝળક્યું, પણ જેવી એ કાચના ટુકડાઓ પાસે ગઈ કે એ બધાંય રિફ્લેક્શન્સ એક સાથે પોક મૂકીને રડી પડ્યાં.. દોડતી ગયેલી આશકાને અશ્વ સંભાળે એ પહેલા બાથરૂમમાંથી લાવીને અરીસાના ટુકડાઓ પર એણે એસિડ ઢોળી દીધું..