- ReadGujarati.com - http://www.readgujarati.com -

પુનરાવર્તન – ગોવિંદ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘…હારી ગયા સવિતા ! તમે હારી ગયાં ! અને એટલે જ ચોધાર આંસુઓથી રડી રહ્યાં છો. આમ તો હારવું અને તમે ! રડવું અને તમે ! આસમાન જમીનનું અંતર હતું. પરંતુ સમયે ક્ષિતિજ બની આ અંતર ભૂંસી નાખ્યું. બાકી તો તોબા તોબા…!’

આ શબ્દો હતા તમારી મમ્મીના. જ્યારે તમે ભાગતાં હતાં. અરે ! ભાગતાં જ શું કામ? જ્યારે તમે ચાલતાં શીખ્યાં ! બોલતાં શીખ્યાં, નાની વાત અને નાની વસ્તુ માટે પણ જીદ અને જક કરી ખોટો ભેંકડો તાણી આખા ઘરને માથે લેતાં શીખ્યાં ત્યારે પણ તમારી મમ્મી તો બિચારી આ તમારી બાળહઠથી પણ દંગ રહી જતી, ‘હાય હાય કેવું કરે છે આ છોકરી તો જો?’

જેમ જેમ તમે મોટાં થતાં ગયાં તેમ તેમ એ જીદ અને જક પણ એટલી જ પાંગરતી ગઈ. એમાં પણ જ્યારે તમે એસ.એસ.સી. અને એચ.એસ.સી.નો સમંદર પાસ કરી કૉલેજના પગથારે પગ મૂક્યો ત્યારે પણ તમારામાં કોઈ પરિવર્તન તો ન જ આવ્યું. ઊલટાનું એમાં સ્વાર્થ અને જમાલી ચહેરા અને હું પદનું મિથ્યા ગુરુર ભારોભાર થઈ ગયું. સ્વાર્થી સ્વભાવ, તોછડી જુબાન, અકારણ ગુસ્સાથી લાલઘૂમ રહેતો તમારો રૂપાળો ચહેરો એ જ જાણે તમારી ઓળખાણ બની ગઈ.

તમારા આ સ્વભાવના કારણે કોઈ સખી સહેલી તમારી સામે મિત્રતાનો હાથ ના લંબાવી શકી. જોકે તમને એવી કોઈ પરવા નહોતી, કારણ કે તમે તો માત્ર પોતાની જાતને જ મહત્વ આપનાર, પોતાના સ્વભાવને જ સમર્થન કરનાર અને પોતાની જ વાતને વળગી રહેનાર પૂર્ણ સ્વકેન્દ્રીય બની ગયાં હતાં. કોઈની ભલાઈ કે સૌજન્યને સમજવા કે સરાહવા જેટલું સૌજન્ય તમે ક્યારેય દાખવી ના શક્યાં. આ બધું માત્ર કૉલેજ પૂરતું સીમિત નો’તું, તમારા ઘરે પણ તમારો વ્યવહાર તો આ જ રહેતો. ઘરકામમાં મમ્મીને મદદ કરવાની વાત તો દૂર પણ રસોઈમાં સહેજ પણ કચાશ રહી જાય અથવા તમારી મનપસંદ રસોઈ ન બની હોય તો થાળીનો ઘા કરી દેતાં પણ તમે ના અચકાતાં ત્યારે તમારી મમ્મીના મોઢેથી આ શબ્દો નીકળી જતા, ‘તોબા તોબા ! શું થશે આ છોકરીનું?’

અને આમ તમે તમારા જિદ્દી અને જક્કી, સ્વાર્થી અને ઘમંડી સ્વભાવ અને વ્યવહાર સાથે પણ કૉલેજ તો પૂરી કરી લીધી. પછી તમારાં મમ્મી-પપ્પા તમારા માટે યોગ્ય મુરતિયાની શોધમાં લાગી ગયાં. બે-ત્રણ, મુરતિયા રિજેક્ટ કર્યા પછી, ચહેરેમહોરે, નાકેનકશે રૂડો-રૂપાળો, સ્વભાવે શાલીન અને પ્રકૃતિથી ધીર-ગંભીર એવા “વિશ્વાસ” નામના મુરતિયા ઉપર તમારી નજર ઠરતાં લગ્ન કરી મા-બાપ ઉપર ઉપકાર કરતાં હોય એમ હશે ! ચાલશે ! કહી તમે સંમતિની મહોર મારી દીધી અને વિશ્વાસની પરણેતર બની તમે તમારા શ્વશુર ગૃહે આવી ગયાં.

સામાન્ય રીતે તો પરણીને આવનાર નવવધૂ જ સાસરિયાં સાથે અનુકૂળતા સાધવાનો પ્રયત્ન કરતી હોય છે. પરંતુ તમારા માટે ઊલટું હતું. તમારા સ્વભાવને સારી રીતે ઓળખી ગયેલાં તમારાં સાસરિયાં, તો બિચારાં તમને અનુકૂળ રહેવામાં જ સાર માની લીધો. તમારા એક જ આંચકે હેબતાઈ જતાં તમારાં સાસુ-સસરા એ તો બસ “તું જો બોલે હા તો હા, તું જો બોલે ના તો ના” નો જ જીવનમંત્ર અપનાવી લીધો અને તમારો પતિ વિશ્વાસ પણ ઘરમાં શાંતિ અને લગ્નજીવનને સુખી રાખવા માટે “જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે…” એ સિવાય બીજી વાત બિચારો કહી પણ ના શક્યો. આમ ઘરમાં તમારો પડ્યો બોલ વિના વિરોધે કે વિવાદે ઝિલાતો રહ્યો. સાથે સાથે જ તમારાં જીદ, જક, સ્વાર્થ અને ઘમંડની મગરૂબી ભારોભાર થઈ ગઈ.

એકતરફી સમાધાનકારી વલણ હોવાથી વિના કોઈ રોકટોક, મનદુઃખ કે મતભેદ તમારું લગ્નજીવન સડસડાટ ચારેક વર્ષના સુખના પાટા ઉપર દોડી ગયું. પરંતુ વીતેલું આ ચાર વર્ષીય સુખી કહી શકાય એવું દાંપત્યજીવન તમને માતૃત્વનાં કોઈ એંધાણ ના આપી શક્યું. ત્યારે તમારાં સાસુએ ડરતાં ડરતાં કહ્યું, “અરે અનિતા, કોઈ ડૉક્ટર પાસે ચેક-અપ કરાવી લો તો?” સાસુની વાત કંઈક સાચી લાગતાં તમે તમારા પતિ વિશ્વાસ સાથે ડૉક્ટરી ચેક-અપ માટે તૈયાર થઈ ગયાં.

વિશ્વાસના કુટુંબ સાથેનો નજીકનો ઘરોબો ધરાવતા ગાયનેક ડૉ. પટેલે તમારું મેન્યુઅલ ચેક-અપ કરી, વિશ્વાસનો સીમેન અને તમારા સોનોગ્રાફી રિપોર્ટ માટેની ભલામણ કાગળ ઉપર ઉતારી તમને લૅબોરેટરીમાં મોકલી આપ્યાં. થોડી ફડક સાથે જરૂરી પરીક્ષણો લૅબ.માં આપી તમે ક્યારેય ના અનુભવ્યો હોય એવો એક ઉચાટનો ભાર માથે લઈ તમે પતિ સાથે ઘરે આવ્યાં. શું હશે? મારામાં શું ખામી હશે? નો ફફડાટ તમને બીજા દિવસે સાંજે વિશ્વાસ લૅબ.માંથી રિપોર્ટ લઈ ડૉક્ટરને બતાવીને ના આવ્યો ત્યાં સુધી પીડતો રહ્યો. છેક સાંજે તમારા પતિને તમે માયુસ ચહેરે આવતો જોતાં જ સામે ધસી ગયાં, એકદમ રઘવાયા સૂરે તમે પૂછ્યું, “શું થયું વિશ્વાસ? શું કહ્યું ડૉક્ટરે?” વિશ્વાસે થોડી ઝૂકેલી નજરે, દયામણા ચહેરે, પરાણે હોઠ ફફડાવતાં કહ્યું : “અનિતા, તું બિલકુલ નૉર્મલ છે, પરંતુ મારો સીમેન રિપોર્ટ નૉર્મલ નથી. ડૉક્ટરના કહેવા મુજબ ડાઉન સીમેન કાઉન્ટ ઇન્ક્રીઝ થાય એમ નથી. બસ માત્ર બાળક દત્તક લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી.”

પતિના આ એક જ વાક્યે, ગઈ કાલનો તમારા માથા ઉપર ભારે થઈ ગયેલો તમારો એ ઉચાટ પલક વારમાં માથેથી ખંખેરાઈ ગયો અને તમારા જ સ્વભાવની અસલિયત તમારી જુબાન પર આવીને કોરડો બની પતિના ઉપર વીંઝાઈ ગઈ. “એટલે, તું શું કહેવા માગે છે વિશ્વાસ? તારી એબના કારણે મારે શું પારકાં જણ્યાં ઉછેરવાનાં?” તમારા આ જનોઈવઢ ઘાને પણ પોતાના સંયમની ઢાલ ઉપર ઝીલી લઈને પણ પતિ વિશ્વાસ તો બિચારો તમને સમજાવતો રહ્યો. છતાંય તમે તમારા મન સાથે સમાધાન તો ના જ કરી શક્યાં. પતિની અધૂરપ ઉપર ધૂંધવાઈ ગયેલાં તમે માત્ર ચાર જ દિવસમાં બીજો ઝટકો મારતાં કહ્યું : “વિશ્વાસ, તારા જેવા અધૂરા પુરુષ સાથે હું જિંદગી નહીં વિતાવી શકું, એના કરતાં ભલાઈ એમાં છે કે આપણે અલગ થઈ જઈએ.” ઘા ખાઈ ગયેલા પતિ વિશ્વાસની અનેક વિનંતીઓ, કાકલૂદીઓ પછી પણ તમે તમારી જીદ અને જકમાં અક્કડ રહ્યાં ત્યારે લાચાર બની આજ સુધી તમારી જીદ્દ પૂરી કરતા રહેલા તમારા પતિ વિશ્વાસે ડિવોર્સની જીદ પણ પૂરી કરી દીધી અને તમે પિયુ-ઘર છોડી પિયર-ઘરની વાટ પકડી લીધી.

અચાનક થયેલી તમારી ઘરવાપસીથી થોડાં ચિંતિત બનેલાં તમારાં મમ્મી-પપ્પા તો તમારા માટે બીજા પૂર્ણ પુરુષની શોધમાં લાગી ગયાં. જોકે તમારું પાસું તો ઊજળું હતું એટલે તમને તો તત્કાલ ક્વોટામાં, હતું એવું સાસરું અને હતાં એવાં જ સાસરિયાં, હતું એવું જ ઘર અને હતો એવો જ વર “દિલસુખ” પૂર્ણ પુરુષ તરીકે મળી ગયો. પરંતુ સમાજમાં અધૂરા પુરુષ તરીકે પંકાઈ ગયેલા વિશ્વાસને એટલું સહેલાઈથી કોઈ પાત્ર મળે એમ નહોતું. પણ એને એક એવી છોકરી મળી જે વરસે દા’ડે તમારા કરતાં નાની, સાવકી માના ત્રાસથી પૂર્ણ ત્રસ્ત થઈ ગયેલી. નાનપણથી જ મહેણાં, ટોણાં, માર, ઝૂડ, ગાળો અને અપમાન. આ સિલસિલો મોટી પરણવાની ઉંમરે પણ અટક્યો નહીં. મોટી થયા પછી આ બધું સહન ના થતાં મનોમન જિંદગીનો અંત લાવવાનો મનસૂબો કરી બેઠેલી આ છોકરી સામે કોઈ સંબંધીએ વિશ્વાસનું પ્રપોઝલ મૂક્યું ત્યારે કંઈ વિચાર કર્યા સિવાય જ સ્વીકારી લીધું. એને નહોતું જોઈતું પતિસુખ, નહોતું જોઈતું સંતાનસુખ એને તો માત્ર વાઘણ જેવી સાવકી માના ક્રૂર પંજામાંથી મુક્ત થવું હતું એટલે વિશ્વાસ જેવા અધૂરા પુરુષનો પણ એણે સ્વીકાર કરી લીધો.

વિશ્વાસ પણ પતિ તરીકે એના હૃદયમાં છેક ઊંડે સુધી લાગેલા ઘાની મલમપટ્ટી કરવામાં વ્યસ્ત બની ગયો.

આ તરફ પુનઃ ધબકતું થયેલું તમારું પુનર્લગ્ની લગ્નજીવન તેજ રફતારમાં બીજા ત્રણેક વરસ વળોટી ગયું. છતાંય એ ત્રણ વર્ષીય લગ્નજીવન પણ તમને માતૃત્વ તો ના જ બક્ષી શક્યું. ત્યારે તમે અકળાઈ ગયાં અને એ અકળામણ ગુસ્સા સ્વરૂપે પતિ દિલસુખ સામે ઠાલવતાં કહ્યું : “શું છે દિલસુખ આ બધું? મારી પ્રેગનન્સી ડીલે થવાનું કારણ શું? કે પછી એવું તો નથી કે તું પણ પેલા વિશ્વાસની જેમ?”

જોકે તમારો ટોન ના સમજી શકે એટલો દિલસુખ નાદાન નો’તો, પરંતુ કોઈ પણ દલીલ કર્યા વિના જ તમારી સાથે ડૉક્ટરી ચેકઅપ માટે તૈયાર થઈ ગયો. જીવનમાં મળેલા બે બે પુરુષોની અધૂરપ ઉપર ધૂંધવાઈ ઊઠેલાં તમે “જેટલા મળ્યા એ બધા અધૂરા”ના બબડટ સાથે પતિ દિલસુખને ડૉક્ટરના હવાલે કરી દીધો.

દિલસુખના આવેલા સીમેન રિપોર્ટના આધારે ડૉક્ટરે ચહેરા પર હળવા સ્મિત સાથે ખુશી ભરતાં કહ્યું : “મિ. દિલસુખ, યુ આર ટોટલી નૉર્મલ, તમને કોઈ ખામી નથી.” હવે અકળાવાનો વારો તમારો આવ્યો અનિતા. તમે ડૉક્ટરને પ્રતિપ્રશ્ન કરતાં કહ્યું : “તો પછી ડૉક્ટર મારી પ્રેગનન્સી ડીલે થવાનું કારણ શું?”

ડૉક્ટરે પોતાની નજર દિલસુખ ઉપરથી તમારી ઉપર ઠેરવતાં કહ્યું : “મૅડમ, એના માટે તો તમારું ચેકઅપ કરવું પડે.” ત્યારે તમે તમારા રૂપાળા ચહેરા ઉપર વિજયી સ્મિત પાથરી પોતાની પૂર્ણતાનો ગુરુર ભરતાં કહ્યું : “ડૉક્ટર, મારું ચેકઅપ કરવાની કોઈ જરૂર નથી, મારું ચેકઅપ તો થઈ ગયું છે. હું સંપૂર્ણ છું.” છતાંય ડૉક્ટરે તમારી વાતનો અસ્વીકાર કરી પોતાની જ વાત પકડી રાખી. “મૅડમ, જો નિદાન મારે કરવાનું હોય તો હું ચેકઅપ સિવાય તો ના જ કહી શકું.” અને આમ ડૉક્ટરની ભલામણ અને પતિ દિલસુખની વિનંતીને ગ્રાહ્ય કરી તમે ચેકઅપ માટે તૈયાર થયાં. ડૉક્ટરની ભલામણ મુજબ જરૂરી પરીક્ષણો લૅબમાં આપી દીધાં.

બીજા દિવસે સવારે તમારા આવેલા રિપોર્ટના આધારે ડૉક્ટરે થોડા ગંભીર ચહેરે, ભારે શબ્દોમાં ક્ષણવાર માટે હૈયું ધબકાર ચૂકી જાય એવું નિદાન કરતાં કહ્યું : “સૉરી મૅડમ ! આપ મા બની શકો એમ નથી.” અને ખરેખર ક્ષણવાર માટે તમે તો સડક બની ગયાં અનિતા. ડૉક્ટર તમારી અનફર્ટિલિટીઝ બાબતે વધારે વિવરણ કરે એ પહેલાં જ તમે ડૉક્ટરની વાત કાપતાં કહ્યું : “એવું કઈ રીતે બની શકે ડૉક્ટર? એક ડૉક્ટરે મને પૂર્ણ નૉર્મલ જાહેર કરી અને તમે? કે પછી એવું તો નથી કે મારો આખો રિપોર્ટ બદલાઈ ગયો હોય?” ડૉક્ટરને પણ થોડો ખટકો લાગી જતાં ધારદાર નજર તમારા તરફ કરતાં કહ્યું : “મૅડમ, મારા લેવલે હું સાચો છું. છતાંય તમે બીજા ડૉક્ટરનો ઓપિનિયન લઈ શકો છો.”

તમે બીજા કોઈ ડૉક્ટરના બદલે તમારા પતિ દિલસુખને લઈને એ ડૉક્ટર પાસે પહોંચી ગયાં, જ્યાં પ્રથમ પતિ વિશ્વાસ સાથે ચેકઅપ કરાવ્યું હતું.

વિશ્વાસના કુટુંબ સાથેનો નજીકનો ઘરોબો ધરાવતા ડૉ. પટેલને તમને ઓળખવામાં કે તમારા નવા રિપોર્ટને સમજવામાં ક્ષણનોય વિલંબ ના લાગ્યો. તમારા જૂના સંબંધોના નાતે ડૉક્ટરે તમને નામજોગ સંબોધન કરતાં કહ્યું : “હા અનિતા, આ તમારો નવો રિપોર્ટ સાચો છે. તો પછી ડૉક્ટર તમારો રિપોર્ટ.” તમે થોડા રોષ સાથે દલીલ કરી. “મારો રિપોર્ટ પણ સાચો હતો. પરંતુ… પરંતુ… તમારા રિપોર્ટ માં તો મને…” તમે થોડું અસમંજસી ગડથોલું ખાઈ ગયાં. પરંતુ તમારી મૂંઝવણ પારખી ગયેલા ડૉ. પટેલે તમને રોકતાં કહ્યું : “જુઓ અનિતા, હું તમને વધારે મૂંઝવવા નથી માગતો, પરંતુ જે દિવસે વિશ્વાસ તમારો અને એનો બંનેનો રિપોર્ટ લઈને મારી પાસે આવેલો ત્યારે મેં એને એ જ કહ્યું હતું, કે વિશ્વાસ તું સંપૂર્ણ નોર્મલ છે, પરંતુ તારી પત્ની અનિતા મા બની શકે તેમ નથી. કોઈ દવા કે દુવા પણ કારગત થાય તેમ નથી એટલે મેં જ એને બાળક દત્તક લેવાની ભલામણ પણ કરેલી. ત્યારે નિરાશ થઈ ગયો હતો. પરંતુ તત્ક્ષણ નિરાશા ખંખેરી વિશ્વાસે મને વિશ્વાસમાં લેતાં કહ્યું : “પ્લીઝ ડૉક્ટર, આ વાત તમે કોઈને ના કરતા, મારી પત્ની અનિતાને પણ નહીં. કારણ કે ક્યારેય સહેજ પણ સહન કરવા નહીં ટેવાયેલી મારી પત્ની કદાચ આટલો મોટો વ્રજાઘાત સહન નહીં કરી શકે. અને બીજી સમસ્યા એ છે કે આ સમાજ પણ એને અધૂરી સ્ત્રી કહી સ્વામાનભેર જીવવા નહીં દે, અને ત્રીજી સમસ્યા એ છે કે પોતાના વારસદારનો બેતાબીથી ઈંતજાર કરી રહેલાં મારાં માવતર મને પુનર્લગન કરવા માટે મજબૂર કરશે. આ ત્રણેય સમસ્યાઓનો જો કોઈ ઉકેલ હોય તો એ છે કે આ એબ હું મારા માથે સ્વીકારી લઉં, જેથી મારી પત્ની સ્વમાનભેર જીવી શકે. હું તો પુરુષ છું, સહન કરી લઈશ, પરંતુ હું નથી ઈચ્છતો કે મારી પત્ની સામે કોઈ અધૂરપની આંગળી ચીંધે.”

અને અનિતા જેમ ભૂસ્તરીય પ્લેટો ખસી જતાં ધરતીકંપનો અનુભવ થાય છે એમ જ આજે તમારી જીદ અને જકની, સ્વાર્થ અને ઘમંડની તમામ પ્લેટો એક સાથે જ ખસી ગઈ. પરંતુ એના પ્રકંપની પ્રબળ અનુભૂતિ થાય એ પહેલાં જ ડૉક્ટરે પોતાના નિવેદનમાં એક પુરવણી વધારે આપી. “હા, અનિતા હું તમારી જાણ ખાતર કહું કે વિશ્વાસે પુનર્લગન કરી લીધાં છે. એને સુંદર મજાનો એક બાબો પણ છે.” તમારો હાથ લંબાઈ ગયો અનિતા. “હશે ! ભલે, ભગવાન એને સો વરસનો કરે.” આટલાં આશીર્વચન બોલી અંદરનું રુદન બહાર આવી જાય એ પહેલાં તમે ડૉક્ટરની ચેમ્બર છોડી દીધી અને તમારા પતિ દિલસુખના સ્કૂટર પાછળ બેસી તમારા જ ઘરે આવી તમારા જ બેડરૂમના, તમારા જ પલંગના ઓશીકે મોઢું છુપાવી તમે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાં છો અનિતા, કારણ કે આજે તમે હારી ગયાં છો. આજે તમે હાર્યાં નથી આજે તો માત્ર હાર કબૂલ કરી છે. હૈયાની ચીરી નાખતું તમારું આ રુદન કુદરતે આપેલા અભિશાપનું નથી કે હવે પછી દિલસુખ ડિવોર્સ આપી લગ્નનો વિચ્છેદ કરી નાખશે એ ડરનું. એ માટે તો તમે સજ્જ છો અનિતા. પરંતુ આ રુદન તો વિશ્વાસનો તમે વિશ્વાસ ના કરી શક્યાં એનું રુદન છે. વિશ્વાસના કરેલા સમપર્ણનું તમારા સ્વાર્થી સ્વભાવથી થયેલી ક્રૂર અવહેલનાનું રુદન છે. કામદેવના અવતાર સમા એક પૂર્ણ પુરુષના સંવેદનશીલ હૃદય ઉપર તમે દઈ દીધેલા એ ધગધગતા ડામનો દાહ આજે તમારા જ અંતરાત્માને દઝાડી રહ્યો છે અને એટલે જ તમારું હૈયું આજે તમારા હાથમાં નથી રહ્યું.

તમારા આ હૈયાફાટ રુદનથી તમારા કરતાં પણ વધારે ગમગીન અને લાગણીશીલ બની ગયેલા તમારા પતિ દિલસુખ તમારા ખભે હાથ મૂકી સાંત્વના આપવા કંઈક કહેવા જતા હતા; ત્યાં જ તમે એક મોટું વસવસાભર્યું ધ્રુસકું મૂકી, શરણાગતિના સૂરે સીસકતાં, પતિને અટકાવતાં કહ્યું : “નહીં, નહીં દિલસુખ, મેં તમને છેતર્યા છે, પરંતુ મારી અધૂરપનો ભાર લઈ હું તમારી જિંદગી ઝેર સમાન નહીં બનવા દઉં. ચાલી જઈશ તમારા જીવનમાંથી, છતાંય મારા અપરાધની તમે જે કંઈ સજા કરશો એ સ્વીકારી લઈશ, તમે જે નિર્ણય કરશો તે માથે ચઢાવી લઈશ.”

પતિ દિલસુખે જાણે કંઈ જ બન્યું ના હોય એવો નિર્લેપ ભાવ ભરતાં કહ્યું : “અરે ! અનિતા, આપણે સજા કરી શકીએ એટલા અધિકારી નથી કે નથી નિર્ણય કરી શકીએ એટલા પાવરધા. આપણે તો બસ પુનરાવર્તન કરી શકીએ, હા – માત્ર પુનરાવર્તન.” “હું સમજી નહીં.” તમે પ્રશ્નાર્થ બની જઈ પૂછ્યું : “એટલે?…” “હા અનિતા, તારા જીવનમાં બધું જ પુનરાવર્તન થયું છે. એક પતિ વિશ્વાસ અને બીજો હું દિલસુખ, લગ્નજીવનનું પુનરાવર્તન. ત્યાં પણ તું મા બનવા માટે અસમર્થ હતી. આજે પણ એ જ. ત્યાં પણ તારા માથે ઝળૂંબી રહેલી ત્રણ વિકટ સમસ્યાઓ અને આજે પણ સમસ્યાઓ તો એ જ રહેવાની, પુનરવર્તન તો એ જ થયું.” તમે દયામણા ચહેરે સીસકતા સૂરે પતિ દિલસુખ સામે જોઈ નીચી નજરે પૂછ્યું :
“તો પછી એનો કોઈ તોડ?”

“હા – છે ને બસ, એક પુનરાવર્તન વધારે.”

“એટલે એમ જ ને કે જેમ મેં વિશ્વાસને ડિવોર્સ આપી દીધા એમ તમે મને આપી દો, થઈ ગયું પુનરાવર્તન.”

“બસ આટલી જ વાત.” પતિ દિલસુખે આંખોમાં થોડો રોષ ખેંચી તમે વિશ્વાસ સાથે કરેલા નિષ્ઠુર વ્યવહાર ઉપર ટોણો મારતાં કહ્યું : “બસ, આટલી જ વાત. આટલી જ ટૂંકી વિચારસરણી, પોતાના પાર્ટનર માટે આટલી બધી અસહિષ્ણુતા. તરત ચહેરા ઉપર ગંભીરતા પાથરી દરેક પતિ માટે કદાચ સહજ ના હોય એવો એકરાર કરતાં કહ્યું : “જો અનિતા, મેં એ વિશ્વાસને ક્યારેય જોયો નથી, પરંતુ એનું સમપર્ણ એની મહાનતાની ચાડી ખાય છે. બસ, એના સમર્પણનું પુનરાવર્તન કરી લઉં તો?”

તમે પલંગમાંથી સ્પ્રિંગની જેમ બેઠાં થઈ ગયાં. રડી રડીને થાકેલી તમારી નજર પતિ દિલસુખની ભાવનિર્ઝરી સમંદરી આંખોમાં ઊતરવા લાગી. તમે જોકે જાણતાં હતાં કે હવે આવું પુનરાવર્તન શક્ય નથી અને એની તમને કોઈ જરૂર પણ નો’તી. પરંતુ વિશ્વાસની પ્રતિકૃતિ સમા આ પતિ દિલસુખની દિલ દિલેરી સામે તમારું મસ્તક શરમના ભારથી ભારે થઈ ઝૂકી ગયું. એ જીદ અને જક, સ્વાર્થ અને ઘમંડ ફગાવી તમે પતિ દિલસુખના ચરણોમાં ઢગલો થઈ ગયાં અનિતા, તમે ઢગલો થઈ ગયાં.

સંપર્ક : મુ. ખોરજ, તા.જિ. ગાંધીનગર – ૩૮૨૪૨૧ મો. : ૯૩૨૭૧૫૨૦૧૫