ડ્યૂટિ પર હતો ત્યારે જ હું ગાળો બોલતો… – વિનોદ ભટ્ટ

(‘એ દિવસો…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.)

જમાનો બદલાઈ ગયો છે. આપણા ગરીબ અને લાચાર વડદાદાઓને એક રૂપિયાનું અઢી શેર શુદ્ધ ઘી ખાવું પડતું ને દસ રૂપિયે તોલો સોનું ખરીદવું પડતું. એમના કરતાં આજે આપણ કેટલા બધા સમૃદ્ધ છીએ… લગભગ ચારસો રૂપિયે કિલોનું ચોખ્ખું – ચોખ્ખું એટલે સાવ ચોખ્ખું નહીં – એ તો પચે પણ નહીં, એટલે થોડી ભેળસેળવાળું ચોખ્ખું ઘી આરોગીએ છીએ.

એ સમયના પોલીસો પણ ચા-પાણી જોગ લાંચથી વધારે રકમ માગવાની હિંમત કરી શકતા નહીં. કવિ રવીન્દ્રનાથ ટાગોરનાં ભાભી કાદમ્બરીએ ભરયુવાનવયે અફીણ ઘોળી આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાને કુદરતી મૃત્યુમાં ખપાવવાની લાંચ ફક્ત પાંચ રૂપિયા આપ્યાનું ટાગોરે ડાયરીમાં નોંધ્યું છે. અમારા સમયની વાત કરું તો સ્કૂટરો શોધવાનાં બાકી હતાં. સાઇકલ એ જ અમારી લક્ઝરી હતી. રાતે સાઇકલ ચલાવતી વખતે તેના પર રૂપકડું મિની ફાનસ રાખવું પડતું. ધારો કે એ બત્તી રાતે ન ચાલે કે પછી ભૂલમાં કોઈ વન-વેમાં ઘૂસી જઈએ ને પોલીસની નજરે ચડી જઈએ તો તેને રૂપિયા-બે રૂપિયાનું નૈવેદ્ય ધરાવવાથી વાત પતી જતી.

પણ ‘તે હિ નો દિવસાઃ ગતાઃ ।’ હવે તો વાત જ મૂકી દો. કદાચ આ જ કારણે પોલીસ માટે માનાર્થે બહુવચનમાં સંબોધન કરવાનો રિવાજ નથી – ખાસ તો તેની ગેરહાજરીમાં.

વાત જોકે બહુ જૂની નથી, કિન્તુ પોલીસખાતાના એક અદના કર્મચારીએ માત્ર પોલીસનું જ નહીં, સમગ્ર ગુજરાતનું ગૌરવ રાતોરાત વધારી દીધેલું. વાત જાણે આમ નાની છે, પણ રૂપિયામાં જોવા જઈએ તો થોડી મોટી ગણાય ખરી. એક પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાંથી લગભગ બસો કરોડ રૂપિયાની મિલકતો પકડી પાડી હોવાનો દાવો ઇન્કમટૅક્સવાળાઓએ કર્યો છે. કહે છે કે દરોડામાં અધધ કહેવાય એટલી, તત્કાળ ગણી પણ ન શકાય એટલી સંપતિ અને એને લગતા દસ્તાવેજો જોઈને ઇન્કમટૅક્સખાતાના અધિકારીઓ ચોંકી ગયા હતા. લઘુતાગ્રંથિથી પીડાવા લાગ્યા હતા. આયકરખાતા કરતાંય પોલીસખાતું અતિશય દુધાળું છે એ જાણીને પોતે ખોટા ધંધામાં આવી ગયા હોવાનો વસવસો બે-ત્રણ અધિકારીઓને તો ચોક્કસ થયો હશે.

અમને થયું કે આવા ગુજરાતરત્ન જોડે થોડી ગપસપ કરવી જોઈએ. તો હવે વી.આઈ.પી. સાથેની થોડીક પ્રશ્નોત્તરી :

‘સૌથી ધનિક પોલીસ અધિકારી હોવા બદલ અભિનંદન…’

‘ઠીક છે, ઠીક છે, આડીઅવળી મગજમારી કર્યા વગર મુદ્દામાલ કાઢ – ભૂલ્યો, મુદ્દાની વાત પર આવી જા.’

‘પોલીસખાતામાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળેલી?’

‘તારી પ્રેરણાની તો શું કહું? મારાથી પોલીસની ભાષામાં કંઈક બોલાઈ જશે…’

‘મારા પૂછવાનો મતલબ એ છે કે સસ્પેન્ડ પી.આઈ. સાહેબ, કે તમે જ્યારે પોલીસખાતામાં નોકરી લીધી ત્યારે તમને કલ્પના હતી કે એક દિવસ તમે રૂપિયા બસો કરોડના માલિક થશો?’

‘બસો કરોડ તો ઇન્કમટૅક્સવાળા કહે છે, હું ક્યાં બોલ્યો છું? બસો કરોડમાં પાછળ કેટલા મીડાં હોય એ મારે કેલ્ક્યુલેટર પર ગણવું પડે.’

‘તમારા બંગલામાંથી મળેલ ત્રીસ લાખથી વધારે રૂપિયા ગણતાં ઇન્કમટૅક્સ અધિકારીઓને પરસેવો વળી ગયેલો એ વાત સાચી?’

‘ઇન્કમટૅક્સવાળાની ક્યાં માંડે છે? જો આટલી રકમ ગણતાં તેમને પસીનો છૂટી ગયો તો એટલું કમાતાં મને કેટલા ગેલન પસીનો વળ્યો હશે એનો વિચાર તને કેમ આવતો નથી? ને એ લોકોને તો આ રકમ મફતમાં જ મળી ગઈ ને !’

‘સૉરિ, સર, પણ આમ તો પી.આઈ. પાસે બહુ ઓછી સત્તા હોય છે તોપણ તમે પહાડ જેટલી મિલકત ઊભી કરી શક્યા તો તમે જો પોલીસખાતામાં સર્વોચ્ચ સ્થાને હોત તો કેટલું બધું ધન એંઠી શક્યા હોત?’

‘આવી વાહિયાત ત્રિરાશિ તારા જેવો કડકો માંડે.’

‘આગળનો પ્રશ્ન તમને બીજી રીતે પૂછું કે તમને ફક્ત ચોવીસ કલાક માટે પોલીસખાતાના સર્વોચ્ચ વડા બનાવવામાં આવે તો?’

‘ચોવીસ કલાકમાં તો તંબુરોય ના થાય. એ માટે પહેલાં તો મારે બે મહિના શહેરમાં લત્તેલત્તે રાઉન્ડ મારીને જાણી લેવું પડે કે ક્યાં-ક્યાં હીરાની ખાણો છે, કઈ જગ્યાએ સોનાની ખાણો છે, દારૂના કયા અડ્ડા પરથી દારૂની નર્મદા વહે છે, કઈ-કઈ ‘યુધિષ્ઠિર ક્લબો’માં કરોડો રૂપિયાનો જુગાર-સટ્ટો ખેલાય છે. ક્યાં નીતિધામોમાં અનીતિનાં ધામો ચાલે છે – ટૂંકમાં પૈસા સૂંઘવામાં જ છ મહિના નીકળી જાય…’

‘વડોદરાની આસપાસ તમારા નામે પંદરેક જેટલા પેટ્રોલપંપો છે એ વાત સાચી?’

‘આપણા નામે કશું જ નથી જગતમાં…’

‘આ તો, સાહેબ, આધ્યાત્મિક જવાબ થયો. એ લેવલે તમારી સાથે સંવાદ કરવાનું મારું ગજું નથી એ હું સ્વીકારું છું, કિન્તુ ઈશ્વરની જેમ તમારાંય અનેક નામો હશે… સહસ્ત્ર નામો હોવા છતાં ભગવાન વિષ્ણુને કોઈ બેનામી ગણતું નથી, ઊલટાના એમની સ્તુતિ કરે છે. પરંતુ જોકે આપણે ચાર-પાંચ નામે ધંધા કરીએ તો એ કારણે આપણે બેનામી બની જઈએ છીએ. જવા દો. ભગવાનની વગોવણી બહુ કરવી ઠીક નહીં, પણ તમારા કોઈ પેટ્રોલપંપ પર પોલીસના માણસોય પેટ્રોલ ભરાવવા આવતા હશે, તો તમે એ લોકો પાસેથી પેટ્રોલના પૈસા લો ખરા કે પછી પેલા નાવિક જેવું કરો? – ભગવાન શ્રીરામ પાસે નાવમાં બેસીને નદી પાર કરવાનું ભાડું લેવાની નાવિકે ધરાર ના પાડી દીધી હતી. કહ્યું હતું કે પ્રભુ, તમે લોકોને સંસાર પાર કરાવો છો. હું નદી પાર કરાવું છું, આપણો બંનેનો ધંધો એક કહેવાય, આપણે સમાનધર્મી ગણાઈએ, એથી તમારું ભાડું હું નહીં લઉં અને નાયી પણ પોતાના જાતભાઈ પાસે વત્તું કરવાના પૈસા લેતો નથી.’

‘એક વાત સમજી લે કે કાગડો ભલે બીજા કાગડાનું માંસ ન ખાતો હોય, એકબીજાનું ખાવાનું ઝૂંટવી લેતો ન હોય, પણ એક પોલીસ ઊઠીને બીજા પોલીસને એના નામ પ્રમાણે મફતમાં કશું આપે, પોલીસને એમ કોરોકટ જવા દે તો એની વરદીનું ગૌરવ લાજે. દરેક યુનિફૉર્મને પોતાનું ગૌરવ હોય છે.’

‘વિદેશની પોલીસ પ્રમાણિક કેમ છે?’

‘શેની પ્રામાણિક? (હસીને) સાવ ડફોળ છે ત્યાંની પોલીસ. ઑનેસ્ટ રહેવાનું કારણ એમની બેવકૂફી છે. અહીં શું કે ત્યાં શું આરોપીને રિમાન્ડ પર લેવાનો પગાર તો સરકાર ચૂકવે છે, પણ રિમાન્ડ પર નહીં લેવાનું બોનસ આરોપી પાસેથી મળે છે, જે પગાર કરતાં સો નહીં, હજારગણું મોટું હોય છે. મારામારીના કિસ્સામાં મારનાર તેમ જ માર ખાનાર – બંને પાસેથી દંડ વસૂલી શકાય છે. અને લૂંટના બનાવમાં પણ લૂંટાઈ જનાર અને લૂંટી લેનાર બંનેમાંથી જે લૂંટના વધારે ટકા આપવા તૈયાર થાય એનું જ કામ થાય છે. જોકે આની ગતાગમ ત્યાંની પોલીસને નથી.’

‘(ખડખડાટ હસી પડતાં) આ સારી રમૂજ છે. પેલા મુલ્લા નસરુદ્દીન અને આ જસ્ટિસ મુલ્લા વચ્ચે કોઈ તાત્વિક ભેદ મને તો જણાતો નથી.’

‘તમારા જીવનની કોઈ મહત્વકાંક્ષા બાકી રહી ગઈ છે?’

‘હા, મારે એક વાર મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂનું ઘોડાપૂર જોવાની મહેચ્છા હતી, પણ દારૂના પીઠા પર હપતા ઉઘરાવવા જતા પોલીસને જે રીતે ધોલાઈ થવાના સમાચારો છાસવારે છાપાંમાં વાંચવામાં આવે છે ત્યારથી એ મહેચ્છા મેં ઓલવી નાખી છે. આમેય દારૂનું ઘોડાપૂર જોઈને મારે શું કામ છે?’

‘સાહેબ, મેં એ નોંધ્યું કે આપણે છેલ્લા ઘણા વખતથી સાથે છીએ, છતાં તમારા મોંમાંથી એક પણ ગંદી ગાળ બહાર આવી નથી એનું ખાસ કોઈ કારણ ખરું?’

‘કારણની માને તો જવા દે, પરંતુ ગાળો તો હું ડ્યૂટિ પર હોઉં ત્યારે નૉનસ્ટૉપ બોલતો. મારું કોઈ પણ વાક્ય ગાળથી જ શરૂ ને પૂરું પણ થતું.’

‘તમે નોકરીમાં હતા ત્યારે “વિનય સપ્તાહ”ની ઉજવણી વખતે તમને કષ્ટ પડતું હતું?’

‘સાચું કહું તો એ ગાળામાં મને મૂંઝારો થતો, ચૂંથારો થતો, એટલે પછી વહેલી સવારે બાથરૂમમાં જઈ, અરીસા સામે ઊભો રહી મોટેથી ગાળો બોલીને મારો ક્વૉટા ત્યાં જ પતાવી દેતો, મગજ શાંત થઈ જતું. અત્યારે મારી જીભ સળવળવા માંડી છે. છેલ્લો સવાલ પૂછીને તું ફૂટ અહીંથી…’

‘પ્રજાને કોઈ સંદેશો આપશો?’

‘માણસે પચે એટલું જ ખાવું જોઈએ; અને બીજું એ કે દરેક રેંકડીવાળાએ કે ફેરિયાએ ઉદ્યોગપતિ બનવાનાં સપનાં ન જોવાં જોઈએ. હવે તું જઈશ?’

[કુલ પાન ૧૫૮. કિંમત રૂ. ૧૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ડ્યૂટિ પર હતો ત્યારે જ હું ગાળો બોલતો… – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.