ઓટલો – સુરેશ ઓઝા

(‘કુમાર’ સામયિકના જૂન, ૨૦૦૫ના અંકમાંથી સાભાર)

રમાભાભી કંઈક વિચારતાં લાકડીને ટેકે ખૂબ જ ધીમે ચાલતાં, પગ હમણાં ઘૂંટણમાંથી વળી જશે ને બેસી પડીશ જમીન પર; એવી તેમના મનની સ્થિતિ સાથે ઉબડખાબડ ગલીના નાકા સુધી પહોંચી ગયાં. તે દેરાસર ગયાં હતાં. રોજનો તેમનો આ નિયમ.

હવે તો પચીસ ડગલાં ને ઘર. તેમને નિરાંત થઈ.

પહોંચીને ઘરમાં જવાને બદલે ઓટલા પર, લાકડી દીવાલને ટેકવી બેસી પડ્યાં, શરીરને મજૂર ગુણ ફેંકે તેમ ફેંકતાં, ધબ દઈને. શરીર તેમનું પોતાનું નથી એવી લાગણી તેમને થઈ આવી.

આ શરીરે કેટલાં વરસ ખેંચી કાઢ્યાં ! તેમના ભરતનો જનમ પણ નહોતો થયો. આમ દેરાસરથી આવીને બેઠાંબેઠાં લગભગ રોજ તેમના મનમાં આ વિચાર ઉભરાતો. આ વિચારમાં બેસી જ રહેતાં.

ઈલેક્ટ્રિક લાઈટના થાંભલા પાસે પડોશણે ભેગા કરેલા કચરા સામે, ભંગાર સામે જોતાંજોતાં તેમને થાય છે – એની જગા ન હોય જાણે તેમ ઓટલા સામે ખડકે છે. પાછું તેને કંઈ કહેવાય પણ નહીં. તેમને કાયમ આમ બેસી પડવાનું ને આમ જ વિચારવાનું.

જીવનમાં કંઈક અટકી ગયું હોય એવું તેમને હવે લાગવા માંડ્યું છે. જીવન ક્યારેક પૂરું થશે એમ પણ તેમને લાગવા માંડ્યું છે.

એમનો દીકરો ભરત – તે અત્યારે મેડા પર નહિ હોય. ભલેને ન હોય એથી શું? મારો દીકરો છે, મેં જણ્યો છે. પેટમાં નવ મહિના રાખ્યો છે. પણ મારો નથી એમ તો કોઈ નહિ કહી શકે ને ! ભલેને અત્યારે તે મારો નથી. મારો થવા માગતો નથી. તો પણ તે મારું જ શરીર નથી?

તેમની ત્રણ દીકરીઓને તેમણે સાસરે વળાવી તેનો ભાર તેમને નહોતો લાગ્યો. તેનાથી અનેક ગણો ભાર તેમને તેમના શરીરનો લાગે છે. શું કહેવું બહેન મારે તેમને? તેમના મનમાં થાય છે. તેમને એટલે ભરતને. તે મનમાં બડબડે છે : અત્યારના છોકરાને કંઈ ન કહેવાય બહેન?

તે જ ક્યારેક ક્યારેક કોઈને, છોકરા પજવતા હોય ત્યારે તેમની સાથે વાત કરતાં કહેતાં : પરણ્યા પછી છોકરા આપણા નહિ. તે આ બધું સ્વીકારે છે છતાં તેમના પુત્ર ભરતથી ડરતા હોય એવું નથી લાગતું હમણાં? મારે ક્યાં ઝાઝું જીવવાનું છે હવે? ઉંમર મોટી ન કહેવાય ત્યાં પગ લથડી ગયા. પગ લથડ્યા એનું મને દુઃખ નથી – તે બેઠાબેઠા વિચારી રહ્યાં.

છે તેવું તેમને લાગે છે. ઉપર તો જવું જ પડશેને. મારું ઘર છે, મારા ધણીનું ઘર છે. તેમને એવું લાગતું નથી કે આ ઘર તેમનું છે. પતિ ગુજરી ગયા પછી વારસદાર તો દીકરા જ ને? તો પછી તેમના મરી ગયા પછી મારું ઘર ક્યું? તેમની શુષ્ક આંખોમાં આ વાંચી શકાય છે.

આ બાઈને શું કહેવું મારે? લાઈટના થાંભલા પાસે જ ભોં પર ઘરની સામે જ બધું ખડકે છે. ઘરનો ભંગાર બધો. ભરતેય તેને કંઈ કહેતો નથી.

તેમને હવે પોતાના ઘરમાં મેડી પર રહેવાનું નથી. અહીં થાંભલા પાસે જમીન પર જ રહેવાનું છે તેવું તેમને લાગે છે. ભરત તરફથી તેમને સંતોષ નથી તેમાં ભરત શું કરે? તેમને થાય છે : જુવાન છોકરાને નો વતાવાય.

આ તેમના મનની છેલ્લી મૂંઝવણ.

તે જ્યારે પરણીને આવ્યાં ત્યારે તેમનાં સાસુ પથારીવશ હતાં. પછી તે ક્યારેય ચાલતાં થયેલાં નહિ. ઊભાં જ નહોતા થઈ શકતાં ત્યાં ચાલવાની વાત જ ક્યાં રહી. હા, ઊભાં જ નહોતાં થઈ શકતાં.

ત્યારે પતિએ કહેલું બાની ચાકરી આપણે જ કરવાની છે.

હા, ઊભાં જ નહોતાં થઈ શકતાં – ને તેમને થાય છે – મને ઓટલા પરથી ઊઠી ઊભાં થઈ મારા મેડા પર જવાનું જ મન નથી થતું. તે ઊભાં નહોતાં થઈ શકતાં. મારા ધણીએ કંઈ તેમને માંદા નહોતાં પાડ્યાં છતાં ચાકરી કરી હતી.

અને હજી તો પોતે દેરાસર જઈ શકે છે સવારસાંજ. ઘરમાં પણ માળા લઈને જ ફરે છે. પોતે ડરી ગયાં છે એટલે તો દેરાસરદેરાસર નથી થતુંને તેમને? એવું નથી. એમ બને પણ ખરું. શું સાચું? સાચું શું માનવું?

સાંજના ઓટલા પર બેસવાનો તેમનો કાયમનો નિયમ વર્ષોથી. એ સમયે નીચે ભાડે રહેતા સંતોકમાસી કોથળો પાથરી બેસતાં. તેમની લાઈનમાં જ ત્રીજા ઘરમાં રહેતા માલખમીમાનો પણ આ જ નિયમ. કોથળો હાથમાં ને નાના દાંડિયા જેવું લઈને આવે ને બેસે. કૂતરું-બૂતરું હોય તો દાંડિયો કામ લાગે. સંતોકમાસીને ને તેમને ખાસ બેનપણાં.

એ વખતે અંધારું થવાને હજી વાર હોય, ત્યારે મહંમદ ડોકે ખારી શિંગનો ડબો લટકાવીને નીકળે. ડબો છાતી નીચે લટકતો હોય. તેની શિંગ કાયમ ગરમ જ હોય. ચોમાસામાં પણ શિંગ કૂલડામાં સળગતા કોલસા રાખી ગરમ રાખતો. ચોમાસામાં ડબા સાથે ભરાવેલી છત્રી ટપકતી હોય વરસાદમાં.

ત્યારે ભરત બહુ નાનો. શેરીમાં છોકરા સાથે દોડાદોડ કરતો ને રમાભાભી પાછળ સંતાઈને ઘસાતો.

શિંગ લેવાતી, ખવાતી. તેમને માટે જ મહંમદ શેરીમાં આંટો મારતો. છોકરા શેરી વચ્ચે દોડાદોડ કરતા. મહંમદ જતો રહેતો. આમ સાંજના ઓળા આથમતા ને અંધારું ઊતરતું.

ભરતને લઈને રમાભાભી ઉપર ચડી જતાં તો પણ માલખમીમા ને સંતોકમાસી બેઠાં હોય.

આજે બેય મરી ગયાં છે. રમાભાભી તેમનું માન રાખતાં. તેમને લાગતું કે તે ભરતનું ધ્યાન રાખવા જ નીચે બેસે છે. પણ ખાસ એવું ન હતું.

ક્યારેક બોલી પડતાં – ભરત કૂતરા સાથે મસ્તી નઈ. સંભળાતું નથી તને? ઊઠું હું? તેમને આ બરાબર યાદ છે.

‘છોકરું છે.’

‘માસી, તમે નો સમજો.’ તે માલખમીમાને કહેતાં.

‘ભલે નો સમજું. તારી વાતમાં તો બોલાયે નહિ.’

‘ના માસી, એમ નથી.’

આ વાત આજથી પાંત્રીસ-ચાળીસ વરસ પહેલાંની.

ચાળીસ વરસમાં પોતે પગ વગરનાં થઈ ગયાં. તેમનો તે ભરત પરણ્યો ને જુવાન થઈ ગયો ત્યારે જ તેમને ભરત દેખાયો હોય તેવું લાગ્યું. અત્યાર સુધી તેમની સામે ભરત નાનો હતો.

હવે તે થોડી મર્યાદા અનુભવતાં, ભરતને તેની વહુ ઘરમાં ફરતાં હોય ત્યારે. મકાન નાનું એટલે જવાય ક્યાં? ભરતની સામે જુએ છે ભરત તરીકે જ. ભલેને તે મોટો થઈ ગયો ને બે બાળકનો બાપ બન્યો હોય.

ભરત જ્યારે તેમની સામે જોતો, વાત કરતો ત્યારે તેની વહુ ગમે તે કામ હાથમાં હોય, કામ અટકાવી સાંભળ્યાં કરે. વહુની આ ટેવ રમાભાભીથી અજાણી ન હતી. તે કંઈ બોલતાં નહિ કે આ વાતની નોંધ પણ લઈ ન લેતાં. મહત્વ જ ન આપતાં. છતાં વહુની આવી કોઈની વાત સાંભળવાની રીત તેમને ગમતી નહિ.

પહેલેથી જ વહુની આ ટેવની તેમને ખબર હતી ને મનમાં ગોટે ચડી જતાં.

તેમને જીવતાં કોઈ કહી રહ્યું છે એવો તેમને ત્યારે અનુભવ થયો. જેમ તેને ધણી છે તેમ મારે પણ છે, તો આમા કેમ ?આવી વાત કરવી કોને?

માલખમીમા ઘણી વખત પોતાના દીકરાની ફરિયાદ સંતોકમાસીને કરતાં ત્યારે તો તેમની ઉંમર કેટલી નાની ને ભરત પણ ક્યાં દેખાતો ? બાળક હતો. ત્યારે તેમને લાગતું માલખમીમાનું મગજ બરાબર નથી એટલે આમ બોલે છે.

આ વાત વરસો પહેલાંની છે.

ત્યારે તે માલખમીમા સામે જોઈ રહેતાં. સંતોકમાસી માલખમીમાને કહેતાં, ‘શાંતિ રાખવી. આપણે કંઈ ન બોલવું.’

‘પણ બહેન આવું હોય?’

ત્યારે ભરત નાનો ને રમાભાભી ત્રીસ વરસનાં. આજે રમાભાભીને સિત્તેરમાં ત્રણ ઓછાં છે. ભરતભાઈ થઈ ગયા છે મોટો ભાયડો.

રમાભાભીના ધણી જીવતા હતા ત્યારે અત્યારે લાગે છે તેવું વસમું રમાભાભીને ન લાગતું. ગમેતેમ હોય તે બેઠાં છે તે ઘણું હતું. ઘર મારું છે એમ પણ તેમને લાગતું.

દુકાનેથી તેમના ધણી સાત વાગે આવી જતા ત્યારે રમાભાભી સંતોકમાસી પાસે નીચે ઓટલા પર બેઠાં હોય. આજે માલખમીમાને સંતોકમાસી બંને મરી ગયાં છે. તો પણ તેમનું ઓટલા પર બેસવાનું તો ચાલું જ રહ્યું છે.

સાત વાગે તેમના ધણી સાથે તે મેડો ચડતા. આવતાવેંત તો તે બોલતા નહિ. શરૂમાં માલખમીમા અને સંતોકમાસી મરી ગયાં પછી પૂછતાં, ‘એકલાએકલા બેસવું ગમે છે તને ? અકળામણ નથી થતી?

‘તો શું કરું આખો દિ ઘરમાં?’

બસ આટલી જ વાત થતી. દીકરાની વહુ સાથે શું વાત કરાય? ગમે તેમ તોય તે મારું જણ્યું તો નથીને. તેમાં પણ જ્યારે વહુ તેમને વાતો સાંભળતી ત્યારે તે કહી ન શકતાં કે ‘કેમ એલી, અમે વાતો કરીએ છીએ ત્યારે શું સાંભળે છે તું? તારાથી કંઈ છૂપું છે કે તારી વાત કરીએ છીએ?’

તેમના ધણીને તેમણે આ વાત કરી ત્યારે બોલ્યા હતા, ‘નવું નવું હોય એટલે એવું કરે.’

‘પણ આવું?’

એના બાપાના ઘરે પણ આમ જ કરતી હશે તે એટલે તો તે સાંજ પડે નીચે ઊતરી જતા. પહેલાં તો માલખમીમા ને સંતોકમાસી હતાં. અત્યારે એકલાં બેસે છે. તે કલાક બેસી શેરીમાંથી જતાઆવતા માણસો જુએ છે. નવ વાગે ભરત દુકાન વધાવીને આવે ત્યારે ઘરમામ વસ્તી લેવું લાગે છે.

પોતે બે માણસ, ભરત, એની વહુ ને તેનાં બે નાના છોકરા. છોકરા પણ હવે નાના ન કહેવાય. પહેલાં ક્યારેક નાની બેબી નીચે ઊતરી તેમને ઘસાઈને બેસતી. કાલુંકાલું બોલતી. બહુ મીઠડી. પરણાવ્યા પછી વરસમાં જ તેમને ભરતમાં ફેરફાર લાગેલો. આ મારો ભરત નથી એવું કંઈક તેમને લાગેલું. પણ તે વિચાર તરફ તેમણે ધ્યાન આપ્યું ન હતું. ધારો કે ધ્યાન આપે તો પણ શું થવાનું હતું?

ભરત આવીને તેની વહુને કંઈક પૂછે કે તેની સાથે વાત કરે તો રમાભાભી આઘાંપાછાં થઈ જતાં. તે શું વાત કરે છે તે સાંભળવાની ઈચ્છા પણ તેમને ન નથી. જુવાન છોકરા છે. વાતો તો કરે જ ને. વહુ નહોતી સમજતી કે સાસુ અમારી વાત સાંભળતાં નથી કે અમે શું કહીએ છીએ તે પણ જોતાં નથી.

રમાભાભીનો સ્વભાવ ઠાવકો. કોઈ સાથે શેરીમાં તેમણે બગાડ્યું હોય કે ચડભડ થઈ હોય એવું કોઈએ સાંભળ્યું નથી. સમજે બધું ને મનમાં સંઘરી રાખે. કોઈને ઉપયોગી થાય તેવો તેમનો સ્વભાવ.

માલખમીમા મરી ગયાં, તેમને તેનો સ્વભાવ બહુ ગમતો. તે કહેતા, વહુ તો રમા તારા જેવી જ શોભે ઘરમાં. આ વાત વર્ષો પહેલાંની. રમાભાભી કહેતાં, ‘મારામાં શું હીરામાણેક ટાંગ્યા છે?’ ‘ના, સ્વભાવની વાત કરું છું.’

‘નવરા પડીએ કામમાંથી તો મન સ્વભાવ તરફ જાયને?’

એ વખતે રમાભાભીનો વસ્તાર ભરપૂર : ત્રણ દીકરીઓ, બે દીકરા, સાસુ-સસરા, ને બે પોતે. આમ ઘરમાં માણસો જ માણસો. સવારથી સાંજ સુધીમાં તો ઘરમાં ધમાલધમાલ જ લાગે.

સવારે બધાં તૈયાર થાય, સવારની નિશાળવાળા સવારે જાય. બપોરની નિશાળવાળા જમીને અગિયાર વાગે. બાપ-દીકરો (દીકરો એટલે તેમના પતિ) નવ વાગ્યા પહેલા દુકાને ઊપડે. બપોરની બે કલાક શાંતિ. સાંજે પાછામ બધાં ભેગાં ને પછી રાત.

વાળુ તો છ વાગ્યામાં પતે. દિવસ આથમ્યા પછી જમાય નહિ ને આખા ઘરનો નિયમ. ધર્મમાં પૂરી રુચિ અને આસ્થા.

આજે તેમનાં સાસુસસરાને ગુજરી ગયાં વરસો થઈ ગયાં.

તેમના મોટા દીકરાને પરણાવ્યા પછી દુકાને તેના બાપ સાથે ન ફાવ્યું. દુકાનમાંથી જુદો થયો ત્યારે રમાભાભીના વરે તેને ઠેકાણે પડે ને સ્થિર થાય એની બધી જવાબદારી ઉપાડી.

ત્યારે રમાભાભી અકળાઈ ગયાં હતાં. તેમણે દીકરાને સમજાવ્યો, ‘આ શું સારું લાગે? અત્યારથી કારણ વિના…’

દીકરાએ એટલું જ કહેલું, ‘બા, તારે મારી સાથે રહેવું હોય તો આવતી રહેજે.’

‘મારે તો આ ઘરમાં જીવવાનું અને મરવાનું.’

તેમના સસરા ધર્મચુસ્ત. બહાર કોઈ જગાએ તે કોઈ પાસે અમથા ઊભા રહ્યા હોય તેમ બન્યું નથી. રમાભાભીએ દસ વરસ સાસુની ચાકરી કરી. રમાભાભીના મોં પર કોઈ દિવસ તે બાબત કચવાટ દેખાયો નથી. તે કહેતાં, ‘ઘરડું માવતર પોતાનું ઘર મૂકીને ક્યાં જાય?’

ત્રણત્રણ દીકરીઓને સાસરે વળાવી. પછી બાકી રહ્યો ભરત. ભરત નાનો એથી લાડકો ખરો.

આજે તે બાપ બની ગયો છે. પરણ્યા પછી બાપ બનતા કંઈ વાર લાગે !

તેમના મન પર ભાર જેવું લાગે છે અત્યારે આ ઉંમરે. કેટલું બધું જોઈ નાખ્યું છે મેં. કેટલાને સંભાળ્યા છે મેં – તેમને થાય છે. ભરત કોઈ દિવસ તેમની સાથે વાત કરતો નથી એટલે એકલા પડી ગયાં હોય તેવું લાગે છે. ભરત તેની વહુ સાથે શું વાતો કરતો હશે ખબર નથી. આપણે શું કામ છે જાણીને.

ભલેને અમારી વાતો એની વહુ સાંભળે. પછી તેમને થાય છે – ઉછેર, બીજું કંઈ નહિ. આ તે સમજતાં પણ બોલતાં નહિ. બોલવાથી શું ફાયદો, કચવાટ સિવાય.

ત્યારે તેમના ધણી બેઠા હતા એટલે તેમને ભરતની કે તેની વહુની કોઈ ચિંતા ન હતી. પણ મન કોચવાતું હોય તેવો અનુભવ તેમને થતો.

ભરત તો બાળક છે. બાળક જ કહેવાયને મારી પાસે? તેને શું કહેવાય આપણાથી? કહેવાનું પણ મારે ક્યાં છે કંઈ તેને !

તેમના પતિ જમીને બોલ્યા વગર ત્રીજે માળ ચડી જતા, ભરતની વહુની આમાન્યા રાખતા હોય તેમ. તે જમતા હોય ત્યારે પણ થાળીમાં જ તેમની નજર હોય. ઊંચે મોઢા સામે ન જુએ. ત્યારે રમાભાભી વહુને કંઈ આપવાનું કહેતાં. તે માથું હલાવી હા કે ના કહેતા.

નવ વાગે ભરત દુકાનેથી આવે ત્યારે રમાભાભી ઉપર જતાં રહે. બે માણસને આપણે ન ગમીએ એમ સમજીને. ત્યારે તેમના પતિ તો લગભગ ઊંઘી ગયા હોય. જાગતા હોય તો થોડી વાત કરે. આજે ભરત તેમને પૂછતો નથી, ‘બા, જમ્યા તમે? કેમ મોડામોડા જમો છો? વહેલા જમી લેવું. પહેલાં કેવા બધાં છ વાગે જમી લેતાં.’

એ વખતે માણસો કેટલા હતા ઘરમાં અને દુકાનમાં પણ? એટલે વહેલા જમવું પરવડે. અત્યારે માણસો ક્યાંથી કાઢવા ! મનમાં મનમાં રમાભાભી ભરત તેમને બોલાવે નહિ તો પણ ગોઠવે છે ને મનમાં મૂંઝાય છે. તેમને થાય છે જુવાન છોકરાઓને ઘરડા માણસોની શું સ્થિતિ હોય છે તેની સમજ નહિ પડતી હોય. એ તો ઘરડા થાય ત્યારે જ. એમ પણ તેમને મનમાં થાય છે.

રમાભાભીને ઘર ખાલી થઈ ગયા પછી માત્ર ભરત તેમની સાથે રહે છે એથી ભરતની ચિંતા મનમાં રહ્યા કરે છે – અત્યારે તો અમે બે છીએ પણ પછી? બેમાંથી એક તો આગળ થશે જ ને? અત્યારથી જ ભરત મારાથી જુદો હોય એવું લાગે છે તો પછી ત્યારે શું થશે !

દીકરીઓ એમના વહેવારમાં વ્યસ્ત છે.

સમય જતાં તેમના ધણીના પગ અટકવા માંડ્યા. દુકાને ભરતને બપોરે બે કલાક છોડાવવા જાય એટલું જ. બધો બોજો ભરતે પોતાને માથે લઈ લીધો ત્યારે ઘરનો મુખ્ય આધાર હોય તેવો દેખાવા માંડ્યો.

રમાભાભી ભરત નાનો હતો ને તેને લઈને જતાં ત્યારે ભરત તેમના સાડલાનો છેડો કચકચાવી પકડી સાથે ચાલતો.

તેમના પતિ પણ સવારે ધીમેધીમે પોરો ખાતાખાતા દેરાસર જતા થઈ ગયા. તેમને કોઈ સામે મળે ત્યારે કહે છે, ‘સિત્તેરમાં બે ઓછાં છે. હવે તો પગ અટકે જ ને.’

રમાભાભીના પગ ત્યારે સાવ અટક્યા ન હતા. ચાલવામાં તકલીફ હતી પણ ઓછી. તેમને ખબર નહિ કે આવું બધું શરીરનું એકાએક થાય છે, પૂછ્યા વગર. એ વખતે રમાભાભીને થયેલું – મોટા પાસે તો જવું જ નથી, મરી જઉં તોય.

આવા જ્યારે તેમને વિચાર આવતા ત્યારે નાસીપાસ થતાં. તેમને થતું કે દરેક માણસ એકલું જ હોય છે કે મને એમ લાગે છે?

બન્યું પણ તેમ જ. તે એકલા રહ્યાં.

તેમના ધણી સૂતાંસૂતાં કંઈક બોલતા હતા. રમાભાભી તેમની બાજુમાં સૂતાં હતાં. તેમની ઊંઘ એવી જ હમણાંથી. તે જોઈ રહ્યાં. અંધકાર સામે જોતાં હોય તેમ. પછી સાંભળ્યાં કર્યું. ઊઠ્યાં. લાઈટ કરી. ધણીની પથારીમાં જોયું તો તેમના ધણી નાક પર આંગળી રાખી અવાજ ન કરવાની નિશાની કરી રહ્યા હોય તેવું લાગ્યું.

શું હશે? ધીમેધીમે મનમાં ગણગણતા હતા.

રમાભાભીએ પૂછ્યું તેમના હાથને અડીને, ‘શું એમાં બેયનું સાથે કામ નહિ બોલો છો?’

‘કંઈ નહિ.’ ‘તમે તો બોલો છો.’

‘ના રે.’ ‘મેં સાંભળ્યું ને.’

‘સાંભળ્યું હશે. કંઈક બોલાઈ ગયું હશે.’

‘કોની સાથે બોલતા’તા?’

‘સૂઈ જાવ હવે.’

રમાભાભીની તેમના ધણી સાથેની આ છેલ્લી વાત. તેમને ખબર નહિ સાચેસાચ કોઈ લેવા આવ્યું છે તેની સાથે વાત કરે છે. તેમણે એમ પણ કહ્યું, ‘તું સૂઈ જા. હું જઉં છું.’

તે ગયા પછી રમાભાભીએ વ્યવસ્થિત ખૂણો પાળ્યો તેમના ધણી પાછળ.

એમણે ખૂણો પાળ્યો એ સમય દરમ્યાન તેમને થયેલું – હવે જીવનમાં બધું પૂરું થઈ ગયું, માત્ર પગ ઢસડવા સિવાય.

આજે દેરાસર સવારસાંજ નિયમિત લાકડીના ટેકે હળુહળુ જાય છે ત્યારે તે ક્યાં જાય છે તે તેમને સમજાતું નથી.

દાક્તરે કહ્યું છે ચાલવું. નહિતર ઊભા નહીં થઈ શકો.

ઓટલો એનો એ જ છે તે પરણીને આવ્યા ત્યારનો.

સંતોકમાસી શાંત થઈ ગયાં પછી તેમનો દીકરો પણ ભરજુવાનીમાં શાંત થઈ ગયો. તેમનો આ બચુ મગજથી થોડો નબળો હતો. તેનું ક્યાંયે થતું ન હતું તેની ચિંતા સંતોકમાસીને હતી. તેના લગન થયા પછી સંતોકમાસી દીકરાની વહુને તમે આમ કરો, બેટા આમ ન થાય, તેમ વહુને હથેળી પર રાખતા, તે ઓટલા પર બેઠાંબેઠાં રમાભાભી જોયાં કરતાં.

બચુ ઊંચો લાંબો. તેની વહુ તેના દીકરાને લઈ તેના બાપા પાસે જતી રહી. એ રીતે નીચેના ભાડુઆત સંતોકમાસી ગયાં. આજે ઓટલા પાસેનું બારણું બંધ છે.

તેમના પગ અટક્યા ત્યારે જ તેમને લાગ્યું કે ભરત કેટલો બધો મોટો થઈ ગયો છે ! જુવાન પુરુષ જેવો. તેને હું હવે મારો દીકરો કઈ રીતે કહી શકું? તે પુરુષ છે. ભરતભાઈ છે.

ત્યારથી રમાભાભી તેને ભરતભાઈ ભરતભાઈ કરીને બૂમ મારે છે. સવારે પાંચ વગે મ્યુનિસિપાલિટીના નળ આવે છે ભરતભાઈ, ભરતભાઈ પાણી જતું રહેશે.

ભરત અને તેની વહુ નીચે સૂએ છે. રમાભાભીને હવે ઊંઘ ઓછી થતી જાય છે. લથડતા પગે દીવાલને ટેકે ઊતરી બારણું ભડભડાવી તે બૂમ મારે છે :

‘ભરતભાઈ, ભરતભાઈ, આ પાણી જતું રહેશે.’

તેમના ધણી પણ સવારે પાંચ વાગે મોટર ચાલુ કરી પાણી ઉપર ચડાવતા. ‘ભરતભાઈ એ ભરતભાઈ.’ થોડી વારે, ‘ભરતભાઈ એ ભરતભાઈ’ પણ તેમનો દીકરો ભરતભાઈ બની ગયા પછી જલદી ઊઠતો નથી.

‘આ પાણી. સાંભળો છો? નળ જતા રહેશે, ભરતભાઈ.’

દાદરનાં પગથિયાં પાસે થાકીને કાયમ હવે ઓટલા પર બેસી પડે છે, ઉપર નથી જવું એવા ભાવથી.

નાનો દીકરો હવે ભરતભાઈ બની ગયો છે એટલે એમ થતું હશે?

તેમણે હવે ઓટલા પર મૂંગામૂંગા બેસી જોયા કર્યું, ઓટલો જ માત્ર હવે તેમનો હિતેચ્છુ હોય એ રીતે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ઓટલો – સુરેશ ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.