હરીફ – સુમંત રાવલ

(‘અભિયાન’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંક ભાગ-૨માંથી સાભાર)

હું અને જિતુ રાજપરની ધૂળી નિશાળમાં સાત ધોરણ સાથે ભણ્યા હતા, અમે બંને એક શેરીમાં રહેતા હતા. સાથે રમ્યાં હતાં, સાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. આઠમું પૂરું થયું અને રાજપર ગામમાં નવમું ધોરણ નહોતું, પણ ગામના આગેવાનોએ પાટનગર સુધી દોડધામ કરી, ફંડફાળા કરીને મિડલ સ્કૂલ શરૂ કરાવી. મુંબઈ રહેતા ગામના જ એક વેપારીએ પોતાનું પાકું મકાન મિડલ સ્કૂલ માટે ફાળવી દીધું. અમે બંને નવમામાં આવ્યા અને સ્પર્ધા શરૂ થઈ. રંજન નામની એક વેપારીની એકની એક દીકરી પણ નવમા ધોરણમાં ભણવા આવતી હતી. કદાચ આ રંજનને કારણે જ અમારી વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી અને મારા હૈયામાં નાનકડો તણખો ઝર્યો હતો. જિતુ મને કહેતો, “રાજુ દોસ્ત, જીવનમાં આગળ આવવા માટે સ્પર્ધા બહુ જરૂરી છે. હું જો આગળ નીકળી જઈશ તો તેનું કારણ તું હોઈશ, તારી સાથેની સ્પર્ધા હશે.”

બાજુના ગામની હાઈસ્કૂલની ટીમ અમારી મિડલ સ્કૂલ સાથે ક્રિકેટ મેચ રમવા આવી. રાજપરની સ્કૂલની ટીમમાં હું અને જિતુ સામેલ હતા પણ હેડમાસ્તર જિતુને કેપ્ટન બનાવ્યો હતો, જે મને ગમ્યું નહોતું. મેં જોયું તો મેદાન સામે ખુરશીઓ પર ગામના મોટા લોકો બેઠાં હતા. મિડલ સ્કૂલમાં બહુ ઓછી છોકરીઓ ભણતી હતી. તેમાંથી ચાર-પાંચ છોકરીઓ જ મેચ જોવા આવી હતી અને એ ચાર પાંચમાં સૌથી મોખરે બેઠી હતી રંજન. રાજપર જેવા નાનકડાં ગામમાં પણ એ આધુનિક હતી. તેનો પરિવાર પરંપરામાં માનતો નહોતો. એટલે રંજન પેન્ટ-શર્ટ પહેરીને સ્કૂલે આવતી હતી. ક્રિકેટ મેચ જોવા પણ તે બ્લૂ ટી-શર્ટ અને સફેદ પેન્ટ ધારણ કરીને આવી હતી.

હું બેટિંગમાં ગયો ત્યારે તેણે જોરથી તાળીઓ પાડી. ગૂડલક… ગૂડલક કર્યું પણ હું પહેલી જ ઓવરમાં ક્લીનબોલ્ડ થઈને બેક ટુ પેવેલિયન થઈ ગયો. જિતુ છેક સુધી અણનમ રહ્યો અને રમતો રહ્યો. તે ચોક્કો ફટકારતો ત્યારે રંજન ખુરશી પરથી તાળીઓ પાડતી ઊભી થઈ જતી. એક બે વાર તો મેં તેને છોકરાની જેમ મોંમાં આંગળી ભેરવી સીટી વગાડતી પણ જોઈ. જિતુ બકઅપ… જિતુ બકઅપ…

અને જિતુને કારણે મેચની જીત થઈ. પ્લેયર્સ તેને ખભા પર ઊંચકીને લઈ આવ્યા, હેડમાસ્તરે હાથ મિલાવ્યા, અને રંજન પણ દોડી ગઈ અને બેધડક રીતે જિતુ સાથે હાથ મિલાવતા કહ્યું, “કોન્ગ્રેચ્યુલેશન !” પછી પાછા ફરતી વખતે ડોક મરડીને ત્રાંસી નજરે મારી તરફ જોયું અને કહ્યું, “કોન્સોલેશન !”

ક્યાંય સુધી એ શબ્દ મારા માથામાં વાગતો રહ્યો પણ છ માસિક પરીક્ષાના રિઝલ્ટમાં મારા ગુણ જિતુથી ચડિયાતા હતા એ વાતે મેં મન મનાવ્યું. પણ નવમા ધોરણની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઊલટું જ થયું. જિતુએ મારાથી દસ ગુણ વધુ મેળવીને પહેલો નંબર લઈ લીધો. હું શેહ ખાઈ ગયો. જોકે જિતુએ મારી પીઠ થાબડતાં સાંત્વના આપી, “રાજુ, નિરાશ થવાની જરૂર નથી. જિંદગી ભરતી અને ઓટ જેવી હોય છે, નવમા ધોરણમાં હું આગળ છું અને દસમા ધોરણમાં કદાચ તું પણ આગળ હોય !” પણ કોણ જાણે ગમે તે કારણે હું જિતુથી હારી ગયો હતો. જિતુને જોતો અને હું મનોમન નાનપ અનુભવતો હતો ! તેની સામે બાથ ભીડવાની મારી હિંમત ઓસરતી જતી હતી.

એક વખત સ્કૂલ તરફથી ઘંટેશ્વર મહાદેવનાં દર્શને જવાનું નક્કી થયું. ત્રીસ કિલોમીટર છેટે પહાડ પર બહુ પુરાતન મંદિર હતું. પહાડની શીલાઓ વચ્ચેથી ધોધ પડતો હતો. પાર્વતીને વશ કરવા શિવજીએ ચમત્કારિક રીતે આ પર્વતમાળાની રચના કરી હતી એવી લોકવાયકા હતી. વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ પાસેથી ફાળો એકત્રિત કરી બસ બાંધવામાં આવી. બધાએ ઘેરથી નાસ્તો લાવવાનો અને બપોરે બધાએ ગોળાકારે બેસી પોતાની વાનગી બીજાને પીરસીને સમૂહભોજન કરવાનું હતું. સાંજ સુધી ત્યાં રોકાવાનું હતું. સાંજ સુધી બહુ મજા કરી. અંતાક્ષરી, પક્કડદાવ અને લંગડીદાવ જેવી રમતો રમ્યા. રંજન પેન્ટ-શર્ટમાં તો આવી હતી પણ આ વખતે તેણે મોર્ડન હોવાની ખાતરી કરાવવા એક વિવાદાસ્પદ પગલું ભર્યું હતું. તેણે પોતાના માથાના વાળ કપાવીને બોયકટ કરાવી લીધા હતા !

સાંજ ઢળી રહી હતી. બધાં ટેકરીની ટોચ પર બેઠાં હતાં અને સનસેટ પોઈન્ટનું દ્રશ્ય જોઈ રહ્યાં હતાં, કેટલાકની આંખો પર બાયનોક્યુલર હતાં. બહુ રમણીય દ્રશ્ય હતું, પશ્ચિમાકાશમાં લાલ રંગ છવાઈ રહ્યો હતો, ઘંટેશ્વર મહાદેવનું શિખર લાલ થઈ ગયું હતું. નીચે ઢોળાવ પર વહેતા ધોધના પાણીનો સતત અવાજ મનને ખુશગવાર કરી દેતો હતો. ત્યાં નીચે ઘાટીમાં રંજનના હસવાનો અવાજ સાંભળી મારા કાન ચોકન્ના થઈ ગયા. ઘાટીમાં વહેતા પાણીમાં ખુલ્લા પગે પગલાં ભરતી રંજનને મેં જોઈ. એકાએક તેણે ચીસ નાખી. હું ચમકી ગયો. તે ખડક પર બેસી પડી અને ઢીંચણ પર બીજો પગ મૂકીને પાનીમાં જોયું તો ફરી ચીસ પાડી ઊઠી. “કોઈ છે ? મને કાંટો વાગ્યો છે.” હું નજીક હતો. આ તક હતી રંજનનું દિલ જીતવાની અને જિતુને ઠેંગો દેખાડવાની ! મારા બંને હાથની દસે દસ આંગળીઓ રંજનની પાનીનો કાંટો કાઢવા થનગની ઊઠી પણ હું તેની પાસે પહોંચું તે પહેલાં જિતુ પહોંચી ગયો. રંજનનો પગ પોતાના ખોળામાં લઈ લીધો અને કહ્યું, “આંખો બંધ કરી દે રંજન, અને મોં પણ બંધ કરી દે. ચીસ ન પાડતી. હમણાં તારો કાંટો ખેંચી કાઢું છું.” અને એક ક્ષણમાં જ જિતુએ રંજનની પગની પાનીમાંથી કાંટો ખેંચી કાઢ્યો અને રંજનની હથેળીમાં મૂક્યો. રંજન જોઈ રહી. “આ તો શૂળ છે !”

“લે તારા પગની શૂળ કાઢી નાખી !” જિતુએ કહ્યું અને પોતાના હાથરૂમાલનો પાટો કરી રંજનની પાનીએ બાંધી દીધો. “થેંક્યુ.” રંજન ભાવવિભોર બની ગઈ.

“ઊભી થા…” જિતુએ રંજનનો હાથ પકડી ઊભી કરી. રંજને પોતાનો હાથ જિતુની ગરદન ફરતો વીંટાળી દીધો અને જિતુનો ટેકો લઈ ધીમેધીમે ચાલવા લાગી.

હું તો ઝાડનો ટેકે ઊભો હતો. એ સિવાય મારાં નસીબમાં બીજો કોઈ ટેકો નહોતો. બંને ઊંચા ઊગી નીકળેલા જંગલી ઘાસની પાછળ ગુમ થઈ ગયાં અને હું ગુમસૂમ થઈ જોઈ રહ્યો !

‘ટૂર’માંથી પાછા આવ્યા પછી લાગ્યું કે કેટલાકને ‘ટૂર’માં પ્રાપ્ત થતું હોય છે અને કેટલાકનું ખોવાઈ જતું હોય છે. મારું ભવિષ્ય ખોવાઈ ગયું હતું. વરસો વીતતાં ગયા અને રંજન બ્રા ને નીકર પહેરતી થઈ ગઈ. રંજનના પગનો કાંટો તો જિતુએ કાઢી લીધો હતો પણ મારી છાતીમાં ઘૂસેલો કાંટો કોઈ કાઢી શકે તેમ નહોતું. કૉલેજની બધી પ્રવૃત્તિમાં જિતુ મારાથી આગળ રહેતો હતો, તેના ઘરના શો કેસમાં ટ્રોફીની સંખ્યા વધતી જતી હતી અને મારા હૃદયન શો કેસમાં નિસાસાની સંખ્યા વધતી જતી હતી. જિતુ જામતો જતો હતો અને હું સુકાતો જતો હતો.

ગ્રેજ્યુએટ થયા પછી મેં, જિતુ અને રંજન ત્રણેયે સાથે જીપીએસસીના વર્ગ એક બેની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પ્રિલિમિનરી એક્ઝામ આપ્યા પછી હું બેચેન બની ગયો, કારણ કે જ્યારે જિતુ મારી સાથે હોય ત્યારે તેની જીત અને મારી હાર નિશ્ચિત હતી. છતાં રિઝલ્ટ આવ્યું ત્યારે જિતુ કરતાં મને વધુ આશ્ચર્ય થયું જિતુ અને હું બે પાસ થઈ ગયા હતા. ટકાવારીમાં હું તેનાથી આગળ હતો જોકે રંજન ફેલ થઈ હતી.

જિતુ મળ્યો ત્યારે કોન્ગ્રેચ્યુલેશન કહેતાં મારી સાથે હાથ મિલાવ્યા, “રાજુ, સાચું માનીશ ? મેં તારા માટે અંબાજીનાં દર્શને જવાની માનતા માની હતી, કારણ કે તારા મોટા ફેમિલીમાં તારે જોબની ખાસ જરૂર છે.”

અમે બંને બસમાં સાથે જ અંબાજી માતાજીનાં દર્શને ગયા. રોપવેમાં બેઠા ગબ્બરનાં દર્શન કર્યાં. જિતુએ કહ્યું કે હનીમુન માટે તો હું આબુ જવાનો છું તું ક્યાં જશે ? મારું હનીમુન થવાનું જ નથી. મેં મોં ફેરવતા કહી દીધું. તે ચૂપ થઈ ગયો.

રાજપર પાછા ફર્યા ત્યારે ગામ આખામાં એક જ ચર્ચા હતી. આ બે જુવાનિયા ડેપ્યુટી ક્લેકટર થઈને ગામની કાયાપલટ કરશે. ગામલોકો આશાભરી નજરે અમને જોઈ રહ્યા હતા.

એક વાર હું ભાવનગર ગયો અને નવા ખુલેલા આધુનિક સિનેમાગૃહમાં ફિલ્મ જોવા ગયો. મગજ પરનો ભાર જરા હળવો કરવો હતો. ફિલ્મ સરસ હતી, લવ ટ્રાયેંગલ પરની સ્ટોરી હતી. ઈન્ટરવલમાં હું બહાર નીકળ્યો અને કેન્ટીનના કાઉન્ટર પર કોર્નફ્લેક્સનું પેકેટ લેવા ગયો તો ચમકી ગયો. જિતુ હાથમાં કોકાકોલાની બોટલ પકડીને ઊભો હતો. હું ખુશ થતો તેને મળવા નજીક જતો હતો, પણ મને ઝટકો લાગ્યો. હું દૂર ફેંકાઈ ગયો. તેની બાજુમાં મેં રંજનને જોઈ. બંને કોકાકોલાની બોટલ હલાવીને પી રહ્યાં હતાં. બોટલ ફીણથી છલકાઈ ગઈ હતી અને મારું મન છીણ થઈ ગયું હતું. જાણે કોઈ હથોડો લઈને મારું માથું ટીપી રહ્યું હોય તેમ માથામાં ખન્ન ખન્ન થવા લાગ્યું, હું બાકીની ફિલ્મ જોયા વગર બહાર નીકળી ગયો.

થોડા દિવસ પછી જીપીએસસીનો ઓરલ ઈન્ટરવ્યૂ હતો. તેણે મને ગૂડલક કહ્યું અને મારું માથું ભમી ગયું. તારા પેટમાં તો કૈંક જુદું જ રંધાઈ રહ્યું છે, મારાથી કહેવાઈ ગયું. મારો ગુસ્સો જોઈ તે ચૂપ થઈ ગયો પછી આસ્તેથી મારા ખભે હાથ મૂકતાં સુફિયાણી સલાહ અપી, “મગજ શાંત રાખ, રાજુ… અકારણ ગુસ્સો હેલ્થ માટે ખતરનાક હોય છે !’’

ઈન્ટરવ્યૂ પૂરો થયો. પરિણામ મેં ધાર્યું હતું એવું જ આવ્યું. જિતુ વર્ગ એકની જગ્યા માટે પસંદ થઈ ગયો. સરકારી આવાસ, સરકારી ગાડી અને ખૂબસૂરત પત્ની… એ પત્ની કદાચ રંજન પણ હોઈ શકે. રાજપરના લોકોએ તેનું સન્માન કર્યું. ખુદ જિતુ કાર લઈને મને તેડવા આવ્યો, પણ મેં માથાની બીમારીનું બહાનું બતાવી તેના આમંત્રણને ઠુકરાવી દીધું.

બીજે દિવસે રંજન સાઈકલ પર જતી હતી. મને જોઈ તેણે સાઈકલને બ્રેક મારી. પેન્ટ-શર્ટ, માથા પર સ્કાર્ફ અને આંખો પર ગોગલ્સ. મને જોઈ સાઈકલની બેલ મારી અને હસી. “આઘો ખસ, નહીંતર કચડી નાખીશ.” “કચડાઈ તો ગયો છું.” મેં મ્લાન વદને કહ્યું, “ઓશિયાળો ના થા, આખી જિંદગી પડી છે !” સાઈકલની પાછળ કેરિયરમાં છાપું હતું. તેણે છાપું કાઢીને એક પાનું ખોલીને મને બતાવતાં કહ્યું, “હું આ સમાચાર તને વંચાવવા આવતી હતી, ત્યાં તું રસ્તામાં મળી ગયો.”

છાપામાં જિતુનો ફોટો હતો અને રાજપરના ગૌરવ તરીકે ખબરપત્રીઓએ તેને બિરદાવ્યો હતો. આવા ફ્રેન્ડ બદલ જિતુ પર આપણે ગૌરવ લેવું જોઈએ.” મને કહેવાનું મન થયું કોનો ફ્રેન્ડ, પણ હવે કહેવાનો કોઈ મતલબ જ રહેતો નહોતો. તોફાન આગળ વધી ચૂક્યું હતું. નાવ મધદરિયે પહોંચી ગઈ હતી અને હું નાવમાંથી ઉથલી પડ્યો હતો. ડૂબતા પહેલાં નાવમાં સવાર થયેલાં જિતુ અને રંજનને છેલ્લી વાર જોઈ રહ્યો હતો !

હવે મેં ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો, ત્યાં પોસ્ટ દ્વારા એક સુખદ સમાચાર મળ્યા. પરબીડિયું ખોલ્યું તો એક વરસ પહેલાં સરકારી કચેરીમાં કલાર્ક તરીકે આપેલી પરીક્ષામાં એંસી ટકા ગુણ મેળવીને ઉતીર્ણ થઈ ગયો હતો એટલે ઓર્ડર મળી ગયો હતો, જિલ્લાના મથકે પોસ્ટિંગ થયું હતું. મા-બાપ રાજી થઈ ગયાં. રાજુ, આજ ક્લાર્ક તો કાલે હેડ ક્લાર્ક બનીશ. મોકો હાથથી જવા ન દેતો ! મારે તો ગામથી છૂટવું હતું.

નવું શહેર, નવી કચેરી, નવા લોકો, નવું વાતાવરણ, હું ખુશ થઈ ગયો. જિંદગી જીવવાનો એક આધાર મળી ગયો. ટેબલ-ખુરશી મળી ગયાં, અરજદારો માટે હું ‘સાહેબ’ બની ગયો. મહિનો વીતી ગયો, પહેલો પગાર હાથમાં આવ્યો અને અડધી રકમનું મનીઓર્ડર ઘેર કરી દીધું.

એક વર પ્યૂને કહ્યું કે સાહેબ બોલાવે છે એટલે હું સ્વસ્થ થઈ અદબપૂર્વક ચેમ્બરમાં દાખલ થયો, અંદર પગ મૂક્યો અને શરીરમાં ગરમાગરમ શેરડો પડ્યો, ઠરી ગયેલી આગ ફરી ભભૂકી ઊઠી. રિવોલ્વિંગ ચેર પર જિતુ બેઠો હતો અને બાજુમાં રંજન હતી. જિતુ મારો બોસ અને હું તેનો ગુલામ. સાહબ… બીબી ઔર ગુલામ !

“જિતુ તું ?” અનાયાસે મારા મોંમાંથી નીકળી ગયું. તે હસ્યો, “રાજુ તું ?” તે ઊભો થયો અને મને ભેટી પડ્યો, પછી રંજન સાથે પરિચય કરાવતા હિન્દી ભાષામાં કહ્યું, “ઈન સે મિલીયે. યે હૈ મેરી બીબી.” પછી રિવોલ્વિંગ ચેર પર સ્થાન લઈ ઘુમાવતાં કહ્યું, “સોરી રાજુ, હું તને ઈન્વાઈટ ન કરી શક્યો. મારે તને સરપ્રાઈઝ આપવું હતું.”

“પણ… પણ…” શું બોલવું એ મને સમજાતું નહોતું. “સર, તમે અહીં કેવી રીતે ?”

“તકદીર લઈ આવ્યું. આપણો નાતો અતૂટ છે અને રહેશે. જો સાંભળ, મેં તને એટલા માટે બોલાવ્યો છે કે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ અહીંની સનરાઈઝ હોટલમાં સાંજનું ડિનર ગોઠવ્યું છે. તારે એમાં મારી સાથે હાજરી આપવાની છે.”

હું લાશ બની ગયો. લાશની જેમ પગલાં ભરતો મારી ખુરશી સુધી માંડ આવી શક્યો ને ખુરશી પર જાતને ફેંકી દીધી. આમેય હું ફેંકાઈ ગયો હતો. આ જિતુ નામનું ભૂત મિત્રનો ‘માસ્ક’ પહેરીને મારી પાછળ પડી ગયું હતું પણ હવે હું તને નહીં છોડું. ભણવામાં, પરણવામાં, નોકરીમાં બધે તું મારાથી આગળ રહ્યો અને મને હરાવતો રહ્યો પણ હવે હું તને નહીં છોડું. મારા મગજની નસો તંગ થવા લાગી. હાથની મુઠ્ઠીઓ વળવા લાગી. દાંત અક્કડ થઈ ગયા. હિસ્ટીરિયાનો એટેક આવ્યો હોય તેવું લાગતું હતું. હું ખુરશી પરથી ઊઠી રસ્તા પર આવી ગયો. હું બેકાબૂ બની ગયો હતો. એક પ્રકારનું વિચિત્ર ઝનૂન તનમનમાં ઊભરાઈ આવ્યું હતું.

ડ્રાઈવરે ગરાજમાંથી ઉપર લાઈટવાળી સરકારી કાર બહાર કાઢી, ડોર ખોલ્યું. જિતુ અને રંજન ખડખડાટ હસતાં અંદર બેઠાં, ડોર બંધ કરી, ડ્રાઈવર સીટ પર બેઠો, કાર સ્ટાર્ટ કરી અને દોડાવતો રસ્તા પર આવ્યો, ત્યાં એકાએક હું સામે આવી ગયો. મને કચડી નાખ જિતુ… મારા પર કાર દોડાવી મને ખતમ કરી નાખ. કારની જોરદાર ટક્કર વાગતાં હું રસ્તા પર ફંગોળાઈ ગયો અને આંખો સામે કાળો અંધકાર છવાઈ ગયો.

આંખોનાં પોપચાં પર ભાર હતો, ધીમેથી આંખો ખોલી તો કાળાધોળા ધબ્બા દેખાવા લાગ્યા, બધા ધબ્બા એકત્ર થઈને આકાર બની ગયા. હું એ આકારને ઓળખી ગયો. મારી સામે જિતુ, રંજન અને ડૉક્ટર ઊભાં હતાં. “આર યુ ઓકે મિસ્ટર દેસાઈ ?” ડૉક્ટરે પૂછ્યું. હું સમજી ગયો. અકસ્માતથી ઈજાગ્રસ્ત થતાં મને આ હૉસ્પિટલમાં એડમિટ કર્યો હતો.

મેં ડોક ઘુમાવી જોયું તો મારા બાવડામાં ઈન્જેક્શનની સોય ઘુસાડેલી હતી. સોય પરથી ટ્યુબ અને ટ્યુબ પરથી લાલ રંગના બાટલા પર મારી નજર અટકી ગઈ. જિતુએ લગભગ કરગરતા અવાજે કહ્યું, “રાજુ, આ તને શું સૂઝ્યું, સ્યૂસાઈડ ?” રંજન તો રોઈ પડી. મેં રંજન સામે જોયું : નાટકીય સ્ત્રી !

ડૉક્ટરે વચ્ચે કહ્યું, “યુ આર લકી મિસ્ટર દેસાઈ કે તમને સાહેબ જેવા મિત્ર મળ્યા છે, માથામાં ચોટ આવી, ખૂબ લોહી વહી ગયું. કોઈને સાથે તમારું લોહી મેચ ન થાય, પણ સાહેબને કેટલી શ્રદ્ધા. તેમણે કહ્યું કે મારું લોહી ચેક કરો, મારું મેચ થઈ જશે. તેમનું લોહી મેચ થયું એટલે તમે બચી ગયા.” મારી નજર સોય પર પડી ત્યાંથી ટ્યુબ પર અને ટ્યુબ પરથી લોહીની બોટલ પર અટકી ગઈ. મારા શરીરમાં જાણે જિતુ સંચરી રહ્યો હોય તેવું ફિલ થયું. મેં આંસુભીની આંખે ઘડીક જિતુ તો ઘડીક રંજન સામે જોયું અને ફફડતા હોઠે માંડ બોલી શક્યો, “મને માફ કર દોસ્ત !”

Leave a Reply to Keyur Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “હરીફ – સુમંત રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.