વળગણ – મનીષ રાજ્યગુરુ

(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

હવે રાત પડવાને બહુ વાર ન હતી. અંધકારના ઓળા શહેર ઉપર ફરી વળવાની તૈયારીમાં હતા. આમ તો મારા જીવનમાં પણ અંધકારે ઘર કરી લીધું હતું. કેમ કે દસ-દસ વરહથી ભગવાને ગાયત્રીનો ખોળો ખાલી રાખ્યો હતો. આ ખાલીપો અમારા જીવનમાં શૂળની જેમ ડંખતો હતો.

આમ તો આખા ગામમાં છાના ખૂણે અમારી વાત થતી ત્યારે સત્યવાન-ગાયત્રીની જોડીનાં વખાણ થતાં અને ઈશ્વરને પ્રાર્થના કરતા પણ મેં ઘણી વખત લોકોને સાંભળેલા કે,

‘ભૂદેવના ઘેર પારણું બંધાય તો ગામમાં ગામ-ધુમાડો બંધ કરવો છે.’

‘ગામનું સત્સંગ મંડળ તો હાલીને સાળંગપુર હનુમાને જવાની બાધા રાખીને બેઠું છે.’

આવી સૌની શ્રદ્ધા વચ્ચે અમે વગર સંતાને ઝરતા હતા. આજે અમદાવાદથી વતનમાં આવતી એસ.ટી. માંડ માંડ પકડી. રસ્તામાં અમારી વચ્ચે સાવ ઓછો સંવાદ થયો. ઘેર આવતાં તો એક ભવ લાગી ગયો હોય તેમ લાગ્યું. ઘેર પહોંચી જેવુંતેવું વાળુ કરી અમે અમારા રૂમમાં પુરાયાં.

રૂમમાં આવતાવેંત ગાયત્રીની આંખમાં આંસુને બદલે આક્રોશ અને કંટાળાને બદલે ક્રોધ પ્રગટ થઈ ચૂક્યો હતો. તેના શબ્દોમાં આગ હતી.

‘જો સાંભળી લેજો…. હવે મારે કોઈ પણ પ્રકારની દવા લેવી નથી સમજ્યા? આ આઈ.યુ.આઈ.ના ઓવલ્યુશન સ્ટડી, આ હોર્મોનના ઇન્જેક્શન છતાં રીઝલ્ટ ઝીરો. આ બધાંથી હું થાકી ગઈ છું.’ એકીશ્વાસે ગાયત્રી બોલ્યે જતી હતી. તેના આવેશે છેલ્લે તો ધડાકો જ કર્યો.

‘નથી જોતું મારે બાળક. મને તો થાય છે કે ઊંઘની ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવી નાખું.’ આટલું બોલતાં તો તેના શબ્દો થોથવાવા લાગ્યા. જાણે તેનો રંગ ઊડી ગયો તેમ ફિક્કી નજરે મારી સામે જોતી જ રહી.

ત્યાં તો સત્યવાનના બારણે ટકોરા પડ્યા. ગાયત્રી અને હું એકદમ અવાક બની ગયાં. મેં બારણું ખોલ્યું, મોટાભાઈ અને ભાભી સામે હતાં. મેં આવકાર આપ્યો. બધાં બેઠાં. ભાભીએ વાત માંડી,

‘સત્યવાન, અમે તમારી બંનેની વાત સાંભળતાં હતાં. આમ તો કોઈની વાત સાંભળવી ન જોઈએ પરંતુ તમારી ઊંચા અવાજે થયેલી વાત અમારાથી છાની રહી નથી.’ આટલું કહી ભાભીએ ઉમેર્યું કે, અમે લીધેલો નિર્ણય તમારા મોટાભાઈ પાસેથી સાંભળ્યો,

‘જો ગાયત્રી, તું મારી દીકરી જેવી છો. ઈશ્વરે ભલે તારા સામું નથી જોયું, પણ અમારાથી થાય તેટલું અમે કરીએ તેવું નક્કી કર્યું છે. જો તારી ભાભીના કૂખે એક જીવ ટળવળે છે અને અમારે પાંચ વર્ષની બેબી તો છે જ. મારે હવે આવનાર બાળક તમને દત્તક આપી દેવું છે જેથી બંનેના પરિવાર હર્યા-ભર્યા થઈ જાય.’

‘પણ મોટાભાઈ, આટલું મોટું બલિદાન…’ ગાયત્રીની આંખમાં આંસુ આવી ગયાં…

મેં પણ કીધું, ‘ભાભી, ભગવાનને નથી દેવું તો આમ-નામ જિંદગી કાઢી નાંખીશું.’ સજળ નેત્રે થયેલી વાતે બધાને રડાવ્યા.

મારાં ભાઈ-ભાભીની મક્કમતા અને અમારી જરૂરિયાતે નિર્ણય ઉપર મહોર મારી દીધી. સગાંવહાલાં પણ સહમત અને રાજી થયાં કે શ્યામપ્રસાદના બંને દીકરાનું ઘર બાળ-કિલ્લોલથી ગુંજી ઊઠશે. દાદા-દાદીની હાજરી સ્વર્ગમાં છે પણ ત્યાં બેઠાં-બેઠાં રાજી થશે. બંને દીકરાની એકતા અને સંયુક્ત કુટુંબમાં રહેલી શાંતિથી સૌ આનંદિત થતાં.

‘સત્યવાન આપણે કાયદેસર, કોર્ટમાં એફિડેવિટ કરીને દત્તક બાળકની પ્રોસેસ કરવી છે. અને તે પણ બાળકના જન્મ પહેલાં.’

‘મોટાભાઈ, તેમાં કોર્ટમાં પડવાની જરૂર શી છે?’

‘જો આજે નહીં ને કાલે મારું કે તારી ભાભીનું મન ફર્યું તો તકલીફ ઊભી થાય. માટે મને લાગે છે કે આપણે કોર્ટ દ્વારા દત્તક બાળકની પ્રક્રિયા કરીએ.’

અમે તે માટે તૈયાર થયાં. કોર્ટમાં અમારા ચારેયની મંજૂરી આપતી સહી લેવામાં આવી. કોર્ટ તરફથી અમોને ચેતવ્યા કે ‘આ નિર્ણય તમે કોર્ટ સમક્ષ લીધો છે માટે તેમાં ફેરફારનો હક્ક માત્ર કોર્ટ પાસે રહેશે. તમે જાતે તેમાં ફેરબદલી કરી શકશો નહીં.’ બધાંએ આ વાત મંજૂર રાખી અને ઘેર આવ્યાં.

સાતમા મહિને રાધાભાભીનું રૂપ નિખર્યું હતું. પૂનમના ચંદ્ર જેવું તેનું મુખ જોઈ પડોશના લોકો કહેતા કે “તારે ખોળે ‘કાનુડો’ રમવાનો છે.” મજાકમાં રમેશભાઈ કહેતા, ‘તારા દિયરના ઘેર કાનુડલ રમતો જોઈને ઈર્ષ્યા કરતી નહિ હોં?’ બધાં રાધાની માવજતમાં રહેતાં. જાણે રાધાની આસપાસ આખું ઘર ફરતું હતું. ગાયત્રીનું સર્વસ્વ રાધાના પેટમાં ધરબાઈને પડ્યું હતું. દસ-દસ વરહના વિરહ દરમ્યાન કેટ-કેટલા સંવાદોના ભણકારા તેને વાગ્યા કરતા.

‘બેન, તમારું અનિયમિત માસિક અને એન્ડોસ્કોપી બતાવે છે કે ટેસ્ટ ટ્યૂબ બેબી છેલ્લો ઉકેલ છે. આશરે ત્રણેક લાખનો ખર્ચ, પરંતુ દરેક સાઇકલમાં બાળક રહેવાની સંભાવના વીસ ટકા જેવી જ રહેશે.’

‘બાજુના ગામનો તાંત્રિક કંઈક રાત્રિ-સાધના કરે છે તેમાં જે સ્ત્રી બેસે છે તેને સંતાનયોગ પ્રાપ્ત થાય છે.’ આવા સંવાદ વચ્ચે કોઈ એમ પણ કહી જતું કે ‘હવે છોડો આ જંજાળ, એય… પ્રભુભજન કરી જિંદગી પસાર કરી નાંખો ને…?’

– બધું જાણે કે નજર પરથી ફિલ્મની પટ્ટીની જેમ પસાર થતું હતું. ક્યારેક આંસુ આવી જતાં પણ રાધાભાભી સામે જોતાં બધું દુઃખ વિખેરાઈ જતું.

‘શ્યામસદન’માં આજે દોડધામ હતી. પૂરા નવ માસે રાધાએ કાનુડાને જનમ આપ્યો હતો. સગા-સ્નેહીને મીઠાઈ વહેંચાઈ રહી હતી. બધાં ખુશ હતાં. દિવાળીના દિવસોના ફટાકડા જાણે ઉજવણીમાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા. આ ઉલ્લાસ ભૌતિક રીતે બધા જોઈ શકતા હતા પરંતુ માનસિક રીતે ગાયત્રીના જીવનમાં દીવડા પ્રગટાવી રહ્યા હતા.

છઠ્ઠીની રસમ પૂરી થતા મોટાભાઈ બધાંને લઈ મંદિરે ગયા. ત્યાંથી સીધા કોર્ટમાં જઈ બાળકના આવવાના જન્મની નોંધણી કરાવી કૃષ્ણ સત્યવાન દવે નામાભિધાન થયું, આનંદનો કોઈ પાર ન હતો. કૃષ્ણ બધાને બહુ વહાલો. ‘કાનો’ ‘લાલો’ નામથી શ્યામસદન ગુંજતું રહેતું. સમય કેમ પસર થઈ ગયો ખબર ન પડી. નાના હાસ્યમાં રમાતાં રમકડાં, થતા બંદૂકના અવાજો, અલૌકિક બાળપણમાં નાની સાઇકલમાં કાનુડાના વિચરણ વચ્ચે ગાયત્રીનો ધીમો અવાજ સત્યવાનના કાને અથડાયો.

‘તમે સાંભળો છો?’ રાત્રિના અંધકારમાં ગાયત્રીનો અવાજ સાંભળી સત્યવાન ચોંક્યો.

‘કેમ, હજુ જાગે છે? કાનુડાનો થાક નથી લાગ્યો હજુ?’

‘તમને એક વાત બે દિવસથી કરવાની રહી જાય છે કે બે મહિના મને માસિક આવ્યું નથી.’

‘હેં? શું વાત કરે છે? તો તો વૈદરાજ વાઘેલાની વાત સાચી કે બંનેમાં કોઈ ખામી નથી માટે સમય જ દવા છે. ટેસ્ટ કરાવી લઈએ… બરાબર છે.’

‘મેં ટેસ્ટ કરાવ્યો છે તે પોઝિટિવ છે.’ ગાયત્રી બોલી, ‘શું વાત કરે છે? હું બહુ ખુશ થયો. તેં મને બહુ મોટી ભેટ આપી છે. આપણે આવનાર બાળકને પણ કાનુડા જેટલો જ પ્રેમ આપીને મોટું કરીશું.’

નવી સવારની રાહ જોતાં અમે બંને સૂઈ ગયાં. સવારે મોટાભાઈ-ભાભીને જાણ કરી. તે રાજી થયાં કે દત્તક દીધાને બે વર્ષે ભગવાને સામું જોયું. જાણે ખુશીમાં દિવસો વીતવા લાગ્યા. આજે ફરીવાર ‘શ્યામસદન’ ગુંજી ઊઠ્યું હતું. ગાયત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો. ‘રામનવમી’એ અવતરેલા બાળકનું નામ ‘રામ’ પાડી દેવામાં આવ્યું. રામ-કૃષ્ણ સાથે મોટા થવા માંડ્યા. મોટાભાઈની દિવ્યા બધાં મળીને રમતાં-ભણતાં આખું ઘર માથે લેતાં, કિલકિલાટથી ઘર ભરી દીધું હતું.

આ તરફ ગાયત્રી-સત્યવાનને કાનુડાનું અનહદ આકર્ષણ, દિલના કટકા જેવો કાનો રામથીયે વધુ વહાલો. બધાંનાં હૃદયમાં બેસી જાય તેવો કાનો ફળિયામાં રમતો હતો. તેને તો ગાયત્રી-સત્યવાન જ સાચાં મા-બાપ લાગે. દૂરથી આવતા રમેશભાઈ-રાધાભાભીનાં ઓશિયાળાં મોઢાં જોઈ સત્યવાને કહ્યું, ‘કેમ ભાઈ, શું છે?’

‘કંઈ નહિ.’

‘કાંઈક ચિંતામાં છો તમે.’ સત્યવાને ભારપૂર્વક કહ્યું.

‘સત્યવાન, કોઈ અકળ કારણોસર તારી ભાભી હવે મા નહિ બની શકે તેમ ડૉક્ટર કહે છે.’ રમેશભાઈ બોલ્યા.

‘આપણે મોટા ડૉક્ટરને બતાવીએ.’

‘છેલ્લા છ માસથી કોઈ ડૉક્ટર બાકી રાખ્યો નથી.’ રમેશભાઈએ કહ્યું.

‘બીજું કંઈ નહિ; અમે વંશ વગરનાં જાશું તેનું દુઃખ છે.’ રાધા બોલી.

‘ભાભી, એવું ના બોલો. રામ-કૃષ્ણ બેય તમારા જ છે ને, બંનેને લઈ લો બસ?’ ગાયત્રી બોલી.

‘તે શક્ય નથી. કોર્ટ…’

‘તો આપણે કોર્ટના રૂલ પ્રમાણે દત્તક હક્ક રદ કરાવીએ.’

બીજા દિવસે ચારેય કોર્ટમાં ગયા. કોર્ટે કહ્યું, ‘બાળક સાત વર્ષનું થયું છે તો જે નિર્ણય બાળક લે તેવું થશે.’

ભરચક કોર્ટમાં કૃષ્ણને પૂછવામાં આવ્યું, ‘તું જાણે છે કે તારાં સાચાં મા-બાપ કોણ છે? તું ક્યાં જવાનું પસંદ કરીશ?’

કૃષ્ણ બોલ્યો : ‘હું સમજું છું કે મારાં સાચાં માતા-પિતા કોણ છે, પણ…’ કહી રડી પડ્યો.

– ને દોડી ગાયત્રીના પાલવ વચ્ચે મોઢું સંતાડી બોલ્યો : ‘પણ હું તમારું ‘વળગણ’ નહિ છોડી શકું.’

* * *
સંપર્ક : ૨૮, મોહનનગર સોસાયટી, નવા સ્ટૅન્ડ પાસે, ગઢડા(સ્વા.), જિ. બોટાદ પિન-૩૬૪૭૫૦

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વળગણ – મનીષ રાજ્યગુરુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.