ઝંઝાવાત – પ્રફુલ્લ કાનાબાર

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘મમ્મી, ઓબ્સ્ટિકલ રેસ એટલે શું?’ દસ વર્ષના નિલયે હેમાક્ષીને પૂછ્યું.

‘બેટા, ઓબ્સ્ટિકલ રેસ એટલે વિઘ્ન દોડ. દોડની વખતે જેટલા અંતરાયો આવે તેને કુશળતાપૂર્વક પાર કરીને તેમાં આગળ વધવાનું હોય છે.’

‘મમ્મી, કાલે મારી સ્કૂલમાં કોમ્પીટીશન છે. હું ભાગ લેવાનો છું.’ નિર્દોષ નિલય હેમાક્ષીને વ્હાલ કરીને ઝડપથી બહાર રમવા માટે દોડી ગયો.

હેમાક્ષી વિચારે ચડી ગઈ… જીવન પણ ઓબ્સ્ટિકલ રેસ જેવું જ હોય છે ને? તેમાં પણ જેટલાં વિધ્નો આવે તેને કુશળતાપૂર્વક પાર કરતાં કરતાં જ માણસે મંઝિલ સુધી પહોંચવાનું હોય છે ને?

હેમાક્ષીને જયદીપની યાદ આવી ગઈ. હેમાક્ષીની આંખમાં આંસુનાં તોરણ બંધાયા. જયદીપ સાથેનો પ્રથમ પરિચય કોલેજનાં સ્પોર્ટ્સરૂમમાં જ થયો હતો. જયદીપ ટેબલ ટેનિસનો અચ્છો ખેલાડી હતો.

છ ફૂટ હાઈટ, મજબૂત બાંધો, ગોળ ચહેરો, લાંબા વાળ અને પાણીદાર આંખમાં જ જાણે કે દરબારી ચમક હતી. જયદીપ હેમાક્ષીની આંખમાં પહેલી નજરે જ વસી ગયો હતો. હેમાક્ષીએ ઘણા દિવસો સુધી જયદીપનું ધ્યાન ખેંચવાના વિવિધ પેંતરા કરી જોયા હતા પરંતુ જયદીપ તેનાથી ખૂબ જ અતડો રહેતો હતો. એકવાર કોલેજેથી છૂટ્યા બાદ જયદીપ બીઆરટીએસની બસ પકડવા માટે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે હેમાક્ષીએ કાર થોભાવી હતી.

‘હાય, જયદીપ.ચાલ બેસી જા. તને છોડી દઉં.’

જયદીપ બે ચાર ક્ષણ માટે અવઢવમાં પડી ગયો. તે એકદમ જ હેમાક્ષીને ના નહોતો પાડી શક્યો. હેમાક્ષીએ બાજુનો દરવાજો ખોલ્યો એટલે જયદીપ ઝડપથી કારમાં બેસી ગયો. ટ્રાફિકને કારણે કાર ધીમે ધીમે જઈ રહી હતી.

‘થેન્ક્સ હેમાક્ષી.’ જયદીપે સસ્મિત ચહેરે કહ્યું.

‘જયદીપ, મારું ચાલે તો તને દરરોજ લિફ્ટ આપું.’

‘હેમાક્ષી, આટલી મોંઘી કારમાં બેસવાનું તો મને સપનું પણ નથી આવતું.’

‘જયદીપ, યુવાની હોય છે જ સપના જોવા માટે.’ હેમાક્ષીએ જયદીપની આંખમાં આંખ મેળવીને કહ્યું.

‘હેમાક્ષી, મારા જેવા લોઅર મિડલક્લાસનાં છોકરાને આવા મોંઘા સપના જોવા પણ ન પોસાય.’ જયદીપ બારીની બહાર જોવા લાગ્યો.

કદાચ એટલે જ તું મારાથી અતડો રહે છે… બરોબરને?’

‘હા… હેમાક્ષી. મારે તો બસ જલ્દી જલ્દી ગ્રેજ્યુએટ થઈને કમાતા થઈ જવું છે. બધું દેવું ગામડે ભાગમાં આવેલી જમીન વેચીને પૂરું કર્યું છે. અત્યારે મારી પાસે મારી બીમાર વૃદ્ધ મા સિવાય કોઈ મૂડી નથી.’

‘કેમ તારાથી મોટા ભાઈ નથી?’

‘હેમાક્ષી… ત્રણ મોટા ભાઈ પરણીને અલગ થઈ ગયા છે. સૌથી નાનો હું છું… મમ્મીની માંદગીની સારવારનો ખર્ચ પણ ખાસ્સો આવે છે… બસ એકવાર મને નોકરી મળી જાય એટલે જંગ જીત્યો.’

‘ટૂંકમાં તું નોકરી મળશે એટલે લગ્ન માટે વિચારીશ, બરોબરને?’

‘મારા ભાઈઓ પરણીને જે રીતે બદલાઈ ગયા તે જોઈને હું તો હવે તે દિશામાં વિચારતો પણ નથી.’ જયદીપે સ્પષ્ટતા કરી.

‘જયદીપ, તને એવું કોઈ પાત્ર મળી જાય જે તારી તમામ જવાબદારી વહન કરવામાં સાથ આપવા તૈયાર હોય તો?’

‘હેમાક્ષી, બોલવું સહેલું છે… મારાં મોટાભાઈઓ એક પછી એક માને છોડીને જે રીતે ગયા છે તે મેં નજરે જોયું છે…માની વ્યથા મેં દિલથી અનુભવી છે.’

‘જયદીપ, એકવાર મને અજમાવી તો જો… આઈ લાઈક યુ… આઈ લવ યુ.’ હેમાક્ષીએ જયદીપનો હાથ પકડીને ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાનાં પ્રેમનો એકરાર કરી લીધો.

જયદીપે હેમાક્ષીનાં નાજુક હાથોમાંથી પોતાનો મજબૂત હાથ છોડાવતાં કહ્યું, ‘હેમાક્ષી… આપણા વચ્ચે ધનની ખૂબ મોટી દિવાલ છે. તારા કરોડપતિ પપ્પા આ મુફલિસને પસંદ નહીં કરે…વળી આપણી જ્ઞાતિ પણ અલગ છે.’

‘જયદીપ હું તારા માટે આખી દુનિયા છોડવા તૈયાર છું. બસ, એટલું કહી કે હું તને પસંદ તો છું ને?’ હેમાક્ષીએ ફરીથી જયદીપનો હાથ પકડી લીધો.

‘હેમાક્ષી, તારા જેવું પાત્ર તો નસીબદારને જ મળે પરંતુ…’

‘પરંતુ શું?’

‘પરંતુ મારી એક શરત છે.’

‘કઈ શરત?’

‘હું કોઈપણ સંજોગોમાં તારા પપ્પાની કોઈ જ મદદ લઈશ નહીં, હું જે કમાઈશ તેમાં તારે સંતોષથી રહેવું પડશે.’

‘ડન.’ હેમાક્ષી કારમાં બેઠી બેઠી જ જયદીપને લગભગ વળગી પડી. હેમાક્ષીને સ્વમાની જયદીપ પર વધારે માન થઈ ગયું હતું.

તે જ દિવસથી બંને પ્રેમી પંખીડાઓનો પ્રેમાલાપ ચાલુ થઈ ગયો જે કોલેજનાં બાકીનાં દોઢ વર્ષ સુધી સતત ચાલ્યો.

ગ્રેજ્યુએટ થયા બાદ જયદીપને સ્પોર્ટસ ક્વોટામાં જ બેંકમાં નોકરી મળી ગઈ અને બંનેએ હેમાક્ષીના ધનવાન પિતાની નારાજગી વ્હોરીને લગ્ન કર્યાં. હેમાક્ષીના પપ્પાએ તથા પિયરપક્ષના સમગ્ર પરિવારે હેમાક્ષી સાથે સંબંધ કાપી નાખ્યો હતો. હેમાક્ષી માનસિક રીતે તૈયાર જ હતી.

જયદીપના નાના ભાડાના મકાનમાં હેમાક્ષીએ તેના સપનાનો સંસાર વસાવ્યો હતો. માત્ર એક વર્ષમાં તો જયદીપની બીમાર માનું અવસાન થયું હતું અને નિલયનો જન્મ થયો હતો.

લગ્નજીવનમાં પ્રેમ હંમેશા ક્ષણોમાં લપેટાયેલો હોય છે. પતિ-પત્ની ઉપર જેમ જેમ જવાબદારીઓનો કાફલો આવતો જાય છે તેમ તેમ પ્રેમનું બાષ્પીભવન થવા લાગતું હોય છે. મોટાભાગના લગ્નો પ્રેમને કારણે નહિ પરંતુ સમજદારીને કારણે જ ટકી જતાં હોય છે. હેમાક્ષી અને જયદીપનું લગ્નજીવન પણ સમજદારી ઉપર જ આગળ વધી રહ્યું હતું ત્યાં જ એક ઝંઝાવાત આવ્યો જેણે બંનેનાં લગ્નજીવનને તહસનહસ કરી નાખ્યું. હા… તે ઝંઝાવાત એટલે જયદીપનાં ભૂજથી ટ્રાન્સફર થઈને આવેલાં લેડી બ્રાન્ચ મેનેજર અસ્મિતા મેડમ.

બેંકમાં ઓવરટાઈમને કારણે જયદીપને હંમેશા મોડું થતું. ડિલિવરી બાદ નાનકડા નિલયનું જ ધ્યાન રાખવામાં પરોવાયેલી હેમાક્ષી જયદીપનું ધ્યાન રાખવામાં કાચી પડી ગઈ. જયદીપની નસોમાં પણ દરબારી લોહી વહેતું હતું. અસ્મિતા મેડમ કુંવારા હતા અને અત્યંત દેખાવડા પણ હતાં. જયદીપ કરતાં તો દસકો મોટા હતા પરંતુ જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાન આકર્ષણ ઊભું થાય છે ત્યારે તેમા સારાસારીનો વિવેક લગભગ ભુલાઈ જતો હોય છે. હેમાક્ષીને જ્યારે જયદીપનાં અસ્મિતા મેડમ સાથેનાં સુંવાળા સંબંધની ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. હેમાક્ષીને ગૃહત્યાગ પહેલાંનો જયદીપ સાથેનો છેલ્લો સંવાદ અક્ષરશઃ યાદ હતો.

‘જયદીપ, મેં તને આવો ન્હોતો ધાર્યો.’

‘હેમાક્ષી, હું મજબૂર છું. અસ્મિતામાં એવું ‘કાંઈક’ છે જે મને તેના તરફ ખેંચી જાય છે.’

‘જયદીપ, તું પરણેલો સદ્ગૃંહસ્થ છે… એ પણ એવી સ્ત્રીને જેણે તેનાં કરોડપતિ બાપનાં ધનને અને મનને બંનેને લાત મારી દીધી છે… માત્ર તને પામવા માટે.’

‘હા… હેમાક્ષી… મેં પણ તેમનાં પૈસા સામે ક્યારેય ક્યાં જોયું જ છે? પરંતુ અસ્મિતાને હું છોડી નહિ શકું…’

‘જયદીપ… જે થાય છે તે સારું નથી થતું.’

‘હેમાક્ષી, મારી દશા દુર્યોધન જેવી છે… હું જાણું છું કે મારે અસ્મિતા સાથે સંબંધ ન રાખવો જોઈએ તેમ છતાં હું તેના વગર જીવી નહીં શકું.’

હેમાક્ષીની આંખમાં આંસુ હતાં. જીવનમાં આવો ઝંઝાવાત સર્જાશે તે વાત જ તેની કલ્પના બહારની હતી.

હેમાક્ષી ચૂપચાપ બે વર્ષના નિલયને લઈને ઘર અને ગામ છોડીને વડોદરા આવી ગઈ હતી. વડોદરામાં હેમાક્ષીને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. આ આઠ વર્ષમાં જયદીપે એકપણ વાર હેમાક્ષીનો સંપર્ક કરવાની કોશિશ નહોતી કરી. હેમાક્ષીને પુરુષજાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી. મન, મોતી અને કાચ એક વાર તૂટે પછી ક્યારેય સંધાતા નથી.

હેમાક્ષીએ નિલયને પણ ખોટું જ કહ્યું હતું કે તેનાં પપ્પા અમેરિકામાં સેટલ થયા છે.

બીજે દિવસે નિલય વિઘ્ન દોડમાં ટ્રોફી જીતીને આવ્યો હતો. નિલય ખુશખુશાલ હતો. એક હાથમાં ટ્રોફી સાથે તે હેમાક્ષીને વળગી પડ્યો હતો.

‘મમ્મી, આજે મને ટ્રોફી બેંકના સૌથી મોટા સાહેબના હાથે આપવામાં આવી… તેમની સાથે બીજા એક સાહેબ અને મેડમ હતાં તેમણે મારું નામ જાણીને મારી પાસેથી આપણું એડ્રેસ માગ્યું હતું.’

‘તે આપ્યું?’

‘હા… મમ્મી બંને ખૂબ જ ભલા હતા… મને ચોકલેટો પણ આપી.’ નિલયે બંને ખિસ્સામાંથી મોંઘી ચોકલેટો કાઢીને બતાવી.

હેમાક્ષી વિચારમાં પડી ગઈ.

‘મમ્મી… નવાઈ કહેવાયને કે મારા પપ્પાનું નામ પણ જયદીપ જાડેજા છે અને તે અંકલનું નામ પણ જયદીપ જાડેજા જ હતું… મમ્મી… મારા પપ્પા અમેરિકાથી ક્યારે આવશે?’

હવે હેમાક્ષી આંખમાં ઉમટી આવેલા આંસુના પૂરને રોકી ન શકી. તે નિલયને વળગી પડી.

‘બેટા… એ જ તારા પપ્પા છે… અને સાથે જે આન્ટી હતા તેમની સાથે જ તેઓ રહે છે… એમ સમજને કે તે આન્ટીએ જ તારા પપ્પાનાં જીવનમાં મારી જગ્યા લઈ લીધી છે.’ નિર્દોષ નિલય હતપ્રભ થઈ ગયો.

અચાનક ડોરબેલ રણકી.

નિલયે દોડીને ફ્લેટનો દરવાજો ખોલ્યો.

સામે ગ્રે કલરના સૂટમાં સજ્જ જયદીપ ઊભો હતો.

‘નિલય, હું જ તારા પપ્પા છું… અંદર આવવાનું નહિ કહે?’

હેમાક્ષીએ ઝડપથી આગળ આવીને નિલયને પાછળ ખેંચીને ફ્લેટનો દરવાજો કચકચાવીને બંધ કરી દીધો.

જયદીપ ધીમા પગલે પગથિયા ઉતરી ગયો. તે કારનો દરવાજો ખોલીને અંદર ગોઠવાયો. બાજુની સીટમાં બેઠેલી અસ્મિતા ધીમા અવાજે બોલી, ‘હું તો તને પહેલેથી જ કહેતી હતી કે એ મા દીકરો હવે તને નહીં સ્વીકારે… જયદીપ, દરેક માણસને સ્વમાન હોય છે.’

‘અસ્મિતા મને એમ કે ડોક્ટરોના રિપોર્ટ મુજબ તને તો હવે બાળક થાય તેવી કોઈ શક્યતા નથી. અનાથ આશ્રમમાંથી અજાણ્યું બાળક દત્તક લઈએ તેના કરતાં જો મારું જ લોહી આપણા ઘરમાં આવી જાય તો…’

હજુ જયદીપ વાક્ય પૂરું કરે તે પહેલાં જ પહેલા માળની બાલ્કનીમાંથી માત્ર ચોકલેટો જ નહીં પરંતુ ટ્રોફી પણ મોંઘી કારના બોનેટ ઉપર અથડાઈ.

જયદીપે કારની બહાર નીકળીને બાલ્કનીમાં ઊભેલાં મા દીકરા સામે જોયું તો બંનેની આંખમાંથી વરસી રહેલાં વેદનાનાં અંગારા જાણે કે હમણાં જ આગ બનીને નીચે ત્રાટકશે તેવું લાગી રહ્યું હતું… હા એ જ અંગારા હતા જે વર્ષો પહેલાં સર્જાયેલા ઝંઝાવાતનાં પરિણામ સ્વરૂપ હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ઝંઝાવાત – પ્રફુલ્લ કાનાબાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.