સત્યકામ – ડૉ. ચન્દ્રકાંત મહેતા

(‘જનકલ્યાણ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

મિ. નિર્જિતના સરકારી નોકરીના દસ વર્ષ વહી ગયાં. પ્રશસ્તા સાથેનું દામ્પત્ય પણ પ્રમાણમાં પ્રસન્ન તાસભર, પણ આખરે ખોળાના ખૂંદનારની ખોટ તે ખોટ. વડીલોના માર્ગદર્શન મુજબ દર પૂનમે ડાકોર રણછોડરાયનાં દર્શને જઈ આજીજીપૂર્વક પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવાનો એમણે સંકલ્પ કર્યો.

સરકારી નોકરીમાં પોતાની પવિત્રતા લાંછિત ન થાયે તેનો મન-વચન-કર્મથી મિ. નિર્જિતે પૂરો ખ્યાલ રાખ્યો, જોકે તેમની પત્ની પ્રશસ્તા એમના આવા ઈમાનદારીના પ્રયોગો સાથે સંમત નહોતાં. એમનો ‘પગાર’ પણ ‘લગાર’ જેટલો લાગતો હતો. પતિ નિર્જિતના કડક સ્વભાવના કારણે તેઓ અનિચ્છાએ મૌન ધારણ કરતાં.

આદર્શને વરેલા મિ. નિર્જિત સાદગીથી સરકારી ક્વાર્ટર્સમાં રહેતા. એમના અન્ય સાથીઓનાં નિવાસસ્થાન લેટેસ્ટ ફર્નિચરથી સુસજ્જ હતાં. દરવાજા પાસે ભવ્ય કાર એમની પ્રતીક્ષા કરતી હોય. નોકર-ચાકર-રસોઈયા બધું જ એમના ઘરમાં હાજર હોય !

મિ. નિર્જિતના સસરાજીએ પણ પ્રશસ્તાની સાથે લગ્ન માટે એમ વિચારીને જ મિ. નિર્જિત પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો કે જે રીતે પ્રશસ્તાને પોતાના ઘરમાં સાહ્યબી મળી તેવી જ તેને સાસરિયામાં પણ મળશે. પ્રશસ્તાના પપ્પાજીને અનેક સરકારી અધિકારીઓ સાથે નિકટનો સંબંધ હતો. એમનું સાહ્યબીભર્યું જીવન એમણે નજરોનજર જોયું હતું એટલે એમને એ વાતનો સંતોષ હતો કે નિર્જિતના ઘરમાં એમની દીકરીને કશી વાતની ખોટ નહીં કરે !

પ્રશસ્તા પણ ક્લબ અને કીટી પાર્ટીઓમાં જતી. ક્લબના ધનાઢ્યા સભ્યોની અને મોટા મોટા સરકારી અધિકારીઓની પત્નીના સંપર્કમાં આવ્યા બાદ તેને લાગતું હતું કે નિર્જિત સાવ વેદિયો છે ! આખી દુનિયા જ્યારે પૈસાની પાછળ ઘેલી બની છે ત્યારે નિર્જિત પણ સહુના પંથે ચાલે તો એનું શું બગડી જવાનું છે? આ ઘોર કળિયુગમાં ઈમાનદારની કદર કરનારું કોણ? સમાજ નગુણો છે ત્યારે અને બલિદાનની મૂર્તિઓને વગર મોતે મરવું પડ્યું એનું લોકોને ક્યારેય દુઃખ નથી હોતું! થોડોક સમય શોક દર્શાવી, શ્રદ્ધાંજલિઓ આપી પોતાનું કર્તવ્ય પૂરું થયાનો આ દુનિયાના લોકો સંતોષ લે છે! નિર્જિતે આ વાત સમજી લેવી જોઈએ.

એણે પિયરમાં પોતાના પપ્પાજી સમક્ષ પણ આ વાતનો બળાપો કાઢી ‘જિદ્દી’ જમાઈને સુધારવાનું અભિયાન ચલાવવા ઉશ્કેર્યા હતા. એ અભિયાનના ભાગરૂપે પ્રશસ્તાના બે ખંધા કાકાઓ, ચલતાપૂર્જા જેવા મામા તથા દલાલીનો ધંધો કરતા ફુઆને નિર્જિતનું ‘બ્રેઈન વોશ’ કરવા માટે છુટા મૂકી દેવામાં આવ્યા હતા.

તેઓ વારાફરતી નિર્જિતના ક્વાર્ટર્સ પર આવતા. ‘બે નંબર’ના રૂપિયાથી કયા કયા ઓફિસર તર્યા અને કેવા મુફલિસ માણસો માલેતુજાર બન્યા, એની વાતો નિર્જિત સમક્ષ કર્યા કરતા. આવા ‘અસત્યનારાયણ’ની કથાઓથી નિર્જિત કંટાળી જતો, પણ સ્વભાવે સજ્જન અને સહિષ્ણુ હોવાને કારણે આગંતુક સગાંઓનું અપમાન કરવાનું તેને પસંદ નહોતું. નિર્જિતને રણછોડરાયની કૃપામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. ભક્તજનોના મુખેથી પણ રણછોડરાયે શ્રદ્ધાળુ ભક્તની મનોકામના પૂર્ણ કર્યાની વાતો સાંભળી હતી.

પ્રશસ્તા મેડિકલ-ચેકઅપ કરાવતી અને ગાયનેકોલોજિસ્ટે જ્યારે તેને માતા બનવાની સ્થિતિના સમાચાર આપ્યા ત્યારે એના આનંદનો પાર નહોતો.

આ શુભ સમાચારના આનંદમાં પ્રશસ્તાના પપ્પાજીએ એક હોટલના વિશાળ બેન્કવેટ હોલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. પોતાને ખપ લાગે તેવા અને પોતાની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે તેવા મોભાદાર મહાનુભવો અને સરકારી અધિકારીઓને ભોજન માટે આમંત્રિત કર્યા. મહેમાનો ખુશખુશાલ થઈ ગયા ! કેટલાક સરકારી અધિકારીઓ તો અંદરોઅંદર ચર્ચા પણ કરતા હતા કે મિ. નિર્જિત બિનભ્રષ્ટાચારી હોવાનો દંભ કરે છે. હકીકતમાં પાર્ટીનું આયોજન એમણે પોતાના ખર્ચે જ કર્યું છે. સસરાજીનું કેવળ નામ વટાવવાનું બહાનું છે ! પ્રશસ્તાને એની સહેલીઓ પણ વ્યંગભર્યા અભિનંદનના શબ્દોમાં કહેતી, ‘રણછોડજીની કૃપાથી ઘરમાં પારણું બંધાવાની સાથે લક્ષ્મીજી પણ રૂમઝૂમ કરતાં પધારી ચૂક્યાં લાગે છે ! પ્રશસ્તા, તને સલામ ! આખરે તું નિર્જિત જેવા મુનિવર પતિને ચલિત કરવામાં સફળ થઈ !’ પ્રશસ્તા તો જૂઠા વખાણની ભૂખી હતી. પોતાના પતિ વિશેના ખોટા આક્ષેપોનો વિરોધ કરવાને બદલે તાળી લઈને ખડખડાટ હસતી હતી !

અને પ્રશસ્તાની માતા બની ખોળાને ખૂંદનારની મહેચ્છા ઈશ્વરકૃપાથી પૂર્ણ થઈ એનો તેને તથા મિ. નિર્જિતને પારાવાર આનંદ હતો.

મિ. નિર્જિતે ઈમાનદારીનો પોતાનો સંકલ્પ જાળવી રાખ્યો. બીજી તરફ પુત્રના ઉછેરના આધુનિક ખ્યાલોને વરેલી પ્રશસ્તાએ પુત્ર ન્યાસની પાછળ ધૂમ ખર્ચ કરવા માંડ્યો. નિર્જિત એને વારંવર ગજા બહારનું ખર્ચ ન કરવા ટોકતો પણ પ્રશસ્તા તેની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતી. એની એક જ દલીલ હતી : ખોટના દીકરાને રાજકુમારની જેમ ઉછેરાય, કંજૂસની જેમ નહિ! તમે બહારની દુનિયા જોઈ નથી એટલે નાનાં બાળકોને એમનાં અમીર મા-બાપ કેવી સાહ્યબીથી ઉછેરે છે તેની તમને ખબર નથી. ખર્ચ પોસાતું ન હોય તો મારા પપ્પાજી તમને લોન આપવા તૈયાર છે! દેવું ન ચૂકવી શકો તો લહેણી રકમ ‘દાન’માં ગણી લેવા મારા પપ્પાજીને હું મનાવી લઈશ, પણ મહેરબાની કરી વૈભવી ઠાઠથી ન્યાસને ઉછેરવાના મારા કાર્યક્રમમાં દખલ ન કરશો!’

પ્રશસ્તાના છૂટા હાથના ખર્ચને લીધે નિર્જિત માટે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું. વારંવાર મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવામાં તેને સ્વમાનભંગ જેવું લાગતું હતું.

મોટું ડોનેશન આપી અંગ્રેજી માધ્યમની સ્કૂલના કે.જી.સેક્શનમાં પ્રશસ્તાએ ન્યાસનું એડમિશન પાકું કરી લીધું હતું. એને શાળાએ લેવા-મૂકવા માટે આયા સાથે સ્વતંત્ર ટેક્સી ભાડે રાખી લીધી હતી. ન્યાસની વર્ષગાંઠના દિવસે આખી સ્કૂલનાં બાળકોને પાર્ટીમાં આમંત્રિત કરી જાતજાતની ને ભાતભાતની વાનગીઓ ખવડાવી હતી. સ્કૂલનાં પ્રિન્સિપાલ અને શિક્ષિકાઓ પણ બે નંબરની આવકને કારણે મિ. નિર્જિતની પત્ની પ્રશસ્તા આટલો મોટો ખર્ચ કરી શકે છે એની ચર્ચા કરતાં હતાં.

ન્યાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને હાઈસ્કૂલમાં આવ્યો, ત્યાં સુધીમાં તો ‘સત્યના પ્રયોગો’ને વળગી રહેનાર મિ. નિર્જિત ખાસ્સા દેવાદાર થઈ ચૂક્યા હતા. દિવસે દિવસે પ્રશસ્તાનો શાહી ઠાઠથી રહેવાનો ખ્યાલ વકરતો જતો હતો. હવે ન્યાસ પણ થોડો સમજણો થયો હતો. એને મમ્મીનો દંભ ગમતો નહીં! મમ્મીના આગ્રહ અને દબાણ છતાં ટ્યૂશન ક્લાસમાં જોડાવાનો કે ટ્યૂશન માટે શિક્ષકને ઘેર બોલાવવાની વાતનો એણે વિરોધ કર્યો હતો!

વારંવાર પૈસા ઉછીના લેવાની લાચારીથી મિ. નિર્જિત કંટાળી ગયા હતા. એમના અપ્રામાણિક મિત્રો એમને વારંવાર પ્રેક્ટિકલ બનવાની સલાહ આપતા હતા, છતાં નિર્જિતનો અંતરાત્મા તેમની સલાહ સ્વીકારવાની એને છૂટ આપતો નહોતો. પ્રશસ્તા પણ તેમને ‘લક્ષ્મી’ સામેથી આવતી હોય તો ‘કપાળ કોરું’ રાખવાનો આગ્રહ પડતો મૂકવા સમજાવતી હતી, છતાં નિર્જિત અણનમ રહ્યો હતો.

પોતાના પપ્પાજીના સર્કલના મિત્રો પૈકી કોઈ અધિકારી પ્રામાણિકતાના આગ્રહી નહોતા એની કોલેજિયન બનેલા ન્યાસને ખબર હતી અને તેથી એણે નોકરીને બદલે વેપારી બનવાનો ઈરાદો સેવ્યો હતો. પ્રામાણિક રીતે વેપાર કરી મોંઘવારી અને શોષણથી પીડાતી જનતાના હમદર્દ બનવાની તેણે મનોમન પ્રતિજ્ઞા કરી હતી.

મમ્મીના આગ્રહ છતાં એણે મોટરબાઈક પર કૉલેજ જવાને બદલે મ્યુનિસિપલ બસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. એની મમ્મી પ્રશસ્તાને લાગતું હતું કે એના પપ્પાની પ્રમાણિકતાનું ભૂત ન્યાસને પણ વળગ્યું છે! ન્યાસ કપડાલત્તાં પાછળ પણ ઝાઝો ખર્ચ કરતો નહીં અને મોટા ભાગનો ફાજલ સમય એ ગ્રંથાલયમાં જ પસાર કરતો!

અને સ્વેચ્છાએ જ દર પૂનમે એણે પપ્પાજીની પરંપરા અનુસાર રણછોડરાયનાં દર્શને ડાકોર જવાનું શરૂ કરી દીધું હતું! એની મમ્મી પ્રશસ્તાને એ વાતનું ભારે દુઃખ હતું કે પતિની જેમ પુત્રને પણ ભક્તિનું ઘેલું લાગ્યું છે. ન્યાસ જો એના પપ્પાના માર્ગે ચાલશે તો એના ભાવિ જીવનની પણ અવદશા થશે તેની ચિંતા પ્રશસ્તાને સતાવી રહી હતી. એવામાં પ્રશસ્તાના પપ્પાજીને હાર્ટએટેક આવ્યો, પણ તેઓ બચી ગયા. સાજા થયા બાદ એમણે પોતાની સંપત્તિનો અડધો ભાગ દોહિત્ર ન્યાસને નામે કરવાની દરખાસ્ત મૂકી. પ્રશસ્તાએ પોતાના પપ્પાજીને વહાલથી ભેટી એમની ઉદાત્ત ભાવનાનાં મુક્તકંઠે વખાણ કર્યાં, પણ ન્યાસે તરત જ કહ્યું : ‘નાનાજી પરસેવો પાડ્યા વગરના પૈસાની લાલચમાં સપડાવું એ પણ માનસિક પાપ જ છે! કૃપા કરીને મને સ્વાવલંબી બનવા દો. મારો અંતરાત્મા કોઈની પણ મહેરબાની માણવાની અનુમતિ નથી આપતો! આપની સંપત્તિની અનેક દીનદુખિયાંને જરૂર છે. એમના કલ્યાણ માટે દાન કરી દો! મને એમાંનું કશું જ ખપે નહીં.’

‘પણ મને ખપે છે! તારા પપ્પાજીની જેમ તારા હાથ આર્થિક સંકડામણ અનુભવે તે મને મંજૂર નથી અને મારા પપ્પાજી મારા પુત્રને કશું ભેટ આપે તે મને અજુગતું લાગતું નથી.’ પ્રશસ્તા તાડૂકી હતી!

‘પણ મને અજુગતું લાગે છે! નાનાજીએ જે રીતે પૈસા એકઠા કર્યા છે એમાં, ભ્રષ્ટાચારની દુર્ગંધ છે એનો સ્વીકાર એટલે મારી પણ ભ્રષ્ટાચારમાં ભાગીદારી. મમ્મી તું મારી નેકીની ઝૂંપડીમાં આગ ન લગાડીશ. મફતમાં મળનાર મહેલ પણ મારે મન કારાગાર સમાન છે. હવે વધુ ચર્ચા નથી કરવી. આવજો નાનાજી! માઠું લાગ્યું હોય તો ક્ષમા માગું છું.’ અને ન્યાસ રિક્ષામાં બેસી ઘેર પહોંચ્યો હતો.

ઘરની બહાર એક શાનદાર કાર પાસે ડ્રાઈવર ઊભો હતો. ન્યાસે ક્વાર્ટર્સમાં પ્રવેશવાની કોશિશ કરી એટલે કારના ડ્રાઈવરે તેને પૂછ્યું : ‘તમે નિર્જિત સાહેબના ઘરના માણસ છો કે બહારના?’

‘કેમ? તમારે એ સાથે શો સંબંધ છે?’ ન્યાસે સહેજ કરડાઈથી કહ્યું.

‘એટલા માટે કે મારા શેઠે મને કહ્યું છે કે હમણાં નિર્જિત સરના ઘરમાં કોઈને ન આવવા દેતો. એક મહત્વનું ડીલ નિર્જિત સર સાથે કરવાનું છે.’ ડ્રાઈવરે કહ્યું.

‘પ્રાઈવેટ ડીલ? શાનું પ્રાઈવેટ ડીલ?’ ન્યાસે પૂછ્યું.

‘તમે નિર્જિત સરના દીકરા છો?’

‘હા પણ એને અને ‘પ્રાઈવેટ ડીલ’ને શો સંબંધ?’ ન્યાસે પૂછ્યું.

‘અરે, નાના સાહેબ, સરકારી અધિકારીના દીકરા થઈને આવા નકામા સવાલ પૂછો છો ! તમારું ઘડતર બરાબર રીતે થયું લાગતું નથી ! તમે તો ઘરના જ માણસ છો એટલે અંદર જાઓ બધું જ સમજાઈ જશે.’ ડ્રાઈવરે કહ્યું.

અને ન્યાસને ઉપરના માળે આવેલા પપ્પાજીના બેડરૂમમાંથી કોઈકનો અવાજ સંભળાયો, ‘નિર્જિત સાહેબ, મને ખબર છે કે તમે પ્રામાણિકતાનો આગ્રહ રાખી દેવાદાર થઈ ગયા છો! અને તમારું આખુંય દેવું ચૂકવી દેવાની મારી તૈયારી છે! તમે થોડાક નમો એટલે હું ડબલ નમીશ.’

‘તમે જાતજાતની ક્વેરી કાઢી મારું લાખો રૂપિયાનું બિલ રોકી રાખ્યું છે. એના પર ‘રહેમ નજર’ દાખવી સહી કરી દેવાની… તમારું કામ પણ થશે અને મારું પણ.’

‘પણ આજ સુધી મેં પૈસા ખાતર ખોટું કામ કર્યું નથી.’ નિર્જિત કહી રહ્યો હતો.

‘દાનવોને હરાવવા દેવો પણ ખોટું કામ ક્યાં નહોતા કરતા? તો આપણે તો માણસ છીએ. દેવોની જેમ જીવનારાઓ વહેલા ‘દેવલોક’ પામ્યાની ઘટનાઓથી તમે પણ વાકેફ હશો.’

અને મિ. નિર્જિત નિરૂત્તર થઈ ગયા હતા! ‘લાવો તમારું બિલ’ – નિર્જિતે થોડોક સમય ચૂપ રહ્યા બાદ કહ્યું હતું…

ન્યાસને લાગ્યું કે કદાચ મેરુ પર્વત આજે આર્થિક લાચારીથી ચલિત થશે એટલે એ સીધો જ પપ્પાજીના બેડરૂમમાં ધસી ગયો હતો અને આવનાર વેપારીને એણે કહ્યું હતું : ‘પ્લીઝ, ગેટઆઈટ. રૂપિયાના ધાડપાડુઓ કરતાં કોઈના ચારિત્ર્યને લૂંટવા નીકળેલા ‘શરીફો’ને હું ધિક્કારું છું! મારા શબ પર તમારું બિલ મૂકીને મારા પપ્પાજી સહી કરે તો મને વાંધો નથી! તમે નહીં જાઓ તો પોલીસને ખબર આપવાની મને ફરજ પડશે.’

અને વેપારીએ મોં બગાડીને ચાલતી પકડી હતી… જતાં જતાં કહ્યું હતું : ‘જેવા બાપ તેવા બેટા’ ‘જેવા વડ તેવા ટેટા.’

અને આજે પડવાની અણીએ એક ટેટાએ વડને બચાવી લીધો હતો. પિતા નિર્જિતની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. એનાં પાવન નીર જાણે કહી રહ્યાં હતાં કે હજીયે સતપુત્ર રૂપે ક્યાંક દેવો ધરતી પર જન્મ લેતા હોય છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “સત્યકામ – ડૉ. ચન્દ્રકાંત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.