- ReadGujarati.com - http://www.readgujarati.com -

યુ હેવ ડન ઇટ…! – કાન્તા અગ્રવાલ

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

નીરજે તો ધરાર ના જ પાડી દીધી.

‘ના, ના ને સાડી સત્તર વાર ના! ઍન્ડ આઇ મીન ઇટ. અંડરસ્ટુડ? અને આ પ્રકરણ ફરી વાર ઉકેલીશ નહીં, સમજી ને?… સવાર સવારમાં મૂડની પત્તર…’

હું તો હેબતાઈ જ ગઈ. આવી ઉગ્ર પ્રતિક્રિયા? મને તો એમ હતું કે તેઓ મારાં વખાણ કરશે. પ્રશંસાના પુષ્પો વેરશે. કહેશે – ‘વાઉ અદિતિ! આ કહેવું પડે! બ્રેવો!…’ પણ તેમણે તો સીધો ‘ના’નો પતરો જ વીંઝી દીધો મારી ઉપર! અને ના પાડવાનું કારણ?

‘તું પોસ્ટ ગ્રૅજ્યુએટ થાય, તે મને ના પાલવે. અત્યારે જ તું તારી સુપીરિયારિટી કૉમ્પ્લેક્ષમાંથી ઊંચી આવતી નથી તો પછી તો…’

‘પણ તમે તો ઍન્જિનિયર છો. હું એમ.એ. થાઉં તો સમાજમાં તમારું ક્યાં હલકું દેખાવાનું છે?’

‘દલીલો કરવાનું હવે બંધ કરીશ? મારે મોડું થાય છે, અરજંટ મિટિંગ છે…’ અને મારી તરફ નજર પણ નાંખ્યા વગર તેમણે મોટરસાઇકલને કિક મારી. ધુમાડાનો એક મેલો ગોટો મારા મોઢા પર ફેંકાયો ને હું પાછળ ધકેલાઈ.

શાં શાં સપના જોયાં હતાં!… હું પીએચ.ડી. કરીશ. કૉલેજમાં લેક્ચરર બનીશ… પછી લેખિકા થઈશ. મારી પાસે દુર્લભ પુસ્તકોની એક લાઈબ્રેરી હશે!… પણ સપનાં આંખોમાં જ રહી ગયાં. મારે પણ સમાજમાં બનતું હોય છે એમ, મા-બાપના ઇમોશનલ બ્લેકમેલ આગળ નમતું જોખવું પડ્યું. અતિશય બોલકા નીરજે પોતાની મેઘધનુષી વાતોથી મારાં મમ્મી-પાપાને એવા આંજી દીધાં કે એ પોતાની ખુદની દીકરીનું પણ સાંભળવા તૈયાર થયાં નહીં અને આમ… મારું વ્યક્તિત્વ, મારાં સપનાં, મારું અસ્તિત્વ… બધું જ એક ક્ષણમાં હાંસિયામાં ધકેલી મારે નીરજ સાથે પ્રભુતામાં પગલાં માંડવાં પડ્યાં!!

છતા, બધું ભૂલી જઈ, એક સારી પત્ની બનવાની મેં પૂરેપૂરી પ્રમાણિકતાથી કોશિશ કરી. નીરજની પસંદગી, નીરજની ખુશી, નીરજની ઇચ્છાઓ, નીરજની સગવડ, નીરજની મહત્વાકાંક્ષાઓ, નીરજનાં સપનાં… બધું જ નીરજનું… મારું કશું જ નહીં. પણ તો ય… નીરજ જેનું નામ! એનો અહમ્‍, એની સુપીરિયારિટી કોમ્પ્લેક્ષ ડગલે ને પગલે આડે આવતાં અને ઘર બની જતું એક કુરુક્ષેત્ર! કાં તો એની તલવાર વીંઝાતી હોય અને કાં તો સ્મશાનવત્‍ શાંતિ! કોલ્ડ વૉર હોય કે હોટ! જીવનની દરેક ક્ષણ યુદ્ધનો જ પર્યાય બની રહી!

મને એમ હતું કે આ નીરજનો ટેમ્પરરી ગુસ્સો જ છે. સાંજ સુધીમાં બધું ભુલાઈ જવાશે. પણ ના, એ મારો ભ્રમ હતો. બે દિવસ પછી હું એમ.એ.નું ફૉર્મ ભરી, સિલેબસનાં પાનાં ઉથલાવતી હતી કે વાવાઝોડાની જેમ નીરજે પ્રવેશ કર્યો. મારા હાથમાંથી સિલેબસ ઝૂંટવીને એના અને ફૉર્મના ટુકડેટુકડા કરી ફેંકી દીધા અને દીવાસળી ચાંપી દીધી. હું કોઈ સ્વજનની સળગતી ચિતા હોય, તેમ બળતા કાગળોને અવાક્‍ બની જોઈ જ રહી! આ પૃથ્વી પર કોઈ આવું પણ કરી શકે? જોતજોતામાં કાગળો રાખના ઢગલામાં ફેરવાઈ ગયા. એની સાથે આ ‘અદિતિ’ પણ!

પણ એ રાખમાંથી જ એક નવી અદિતિ ઊગી. હું મક્કમ પગલે ઊભી થઈ… ના… કોઈના નિરર્થક અહમની વેદી પર મારાં સપનાંની બલિ નહીં ચડે! જીવવાનો હક મને પણ છે. આ કુરુક્ષેત્ર તો હવે લડ્યે જ છૂટકો…!

નીરજને ઑફિસના કામ અંગે કોઈ કોઈ વાર બહારગામ જવાનું થતું. મેં ત્યારે ફૉર્મ ભરી દીધું. અભ્યાસક્રમનાં પુસ્તકો લઈ આવી અને કબાટમાં જૂની ચોપડીઓ સાથે એવી રીતે ગોઠવી દીધાં કે નીરજને ખબર ના પડે. સત્યનો ઝગારા મારતો તેજસ્વી ચહેરો નીરજ ખુલ્લી આંખે ન જોઈ શકતા હોય તો ભલે ને આ આવરણથી ઢંકાયેલો રહે.

અને એ ક્ષણથી જ શરૂ થયાં એક મહાયજ્ઞનાં મંડાણ! મારી એકેએક ક્ષણની આહુતિ મેં એમાં આપી દીધી ને યજ્ઞના અગ્નિને અખંડ પ્રગટાવેલો જ રાખ્યો…

મેં મારી દિનચર્યામાં ધરખમ ફેરફારો કરી નાંખ્યા. બિનજરૂરી ઘરકામની બાદબાકી કરી દીધી. વૉટ્સયએપ, ફેસબુક પર પ્રતિબંધ મૂકી દીધો. ફોન પર બિલકુલ મુદ્દાસર ટૂંકી ને ટચ વાત કરવાની. મોટાભાગનું ઘરકામ નીરજ ઘરમાં હોય, તે દરમિયાન જ પતાવી નાંખવું બાકીના સમયમાં બસ હું અને મારાં પુસ્તકો!

દસ વાગે નીરજના ગયા પ્છી કામવાળી બાઈ પાસેથી ઘરકામ કરાવી લગભગ બાર વાગતાં સુધીમાં રસોઈ કરી હું ફ્રી થઈ જતી. તરત જ હું વાંચવા બેસી જતી. પણ આ વાચનયાત્રા મારે માટે થોડી કઠિન હોવા છતાં ભારરૂપ નહોતી. મારે અંગ્રેજીમાં એમ.એ. કરવાનું હતું. શૅક્સપિયર, મિલ્ટન, કીટ્સ, બેકન… આ બધાં વચ્ચે હોઉં ત્યારે મને મારાં કુટુંબીજનો સાથે હોઉં એવી આત્મીયતા લાગતી. ન કોઈ ટેન્શન, ન કોઈ ઈગો, ન કોઈ કંકાસ, ન કડવાશ… હતાં ફક્ત ધ્યેય અને ધગશ!

આ મારો અતિ પરિચિત, અતિપ્રિય સંસાર હતો. પુસ્તકોનાં પાનાંનો એ સ્પર્શ! મને રોમાંચ થઈ આવતો. નવાં પુસ્તકોની એ આહ્લા દક ગંધ! હું જુદી જ દુનિયામાં શ્વસી રહી હતી…

વાંચવામાં મને સમયનું ભાન રહેતું નહીં. બે, ત્રણ વાગી જતા. પછી હું જમતી. ઘરનાં નાનાં મોટાં કામ પતાવતી. મોટેભાગે નીરજ સાંજે કોઈક મિત્ર, સગાં કે પરિચિત સાથે આવતા. એટલે ચા-નાસ્તો બનાવવામાં અને સાંજની રસોઈ કરવામાં ખાસો સમય નીકળી જતો.

મારે ઉપરછલ્લો નહીં, ઊંડો અભ્યાસ કરવો હતો. પાસ થવા ખાતર પાસ થવાનું નહોતું. પ્રશ્ન એ હતો કે ક્યા સમયે હું સળંગ વાંચી શકું? ખૂબ વિચાર્યું. ઘણી મથામણ કરી. પણ કોઈ ઉકેલ શોધી શકી નહીં. હવે?… નીરજનું મન વાળવાના આડકતરા પ્રયત્નો કરી જોયા પણ પથ્થર તો કંઈ પીગળતા હશે? મારી મૂર્ખતા પર હું જ અકળાઈ…

છેવટે દર્દ જ દવા બન્યું. મારો વાચનશોખ જ વાંચવાની સમસ્યાનો ઉકેલ બન્યો. મારી પથારીમાં ઓશીકા પાસે હંમેશાં બે-ચાર મૅગેઝિનો, ન્યૂઝપેપરો હોય જ. ટેબલ લૅમ્પના અજવાળે હું રાત્રે કાયમ વાંચતી જ હોઉં છું. તો બસ, એ ટેવ જ બની મારી તારણહાર!

મેં થોડાંક પાતળાં પુસ્તકો જુદાં તારવ્યાં. મારે જે પુસ્તક રાત્રે વાંચવું હોય, તે પુસ્તક હું કોઈ મૅગેઝિનનાં પાનાં વચ્ચે મૂકી દેતી. નીરજને તો પુસ્તકો વાંચવાની ઍલર્જી હતી. તે તો કદી મારાં મૅગેઝિનો અને પુસ્તકોને અડકતા પણ નહીં. પુસ્તકો પ્રત્યેની એમની સૂગ મારા માટે વરદાન બની ગઈ.

રાત્રે નીરજના સૂઈ ગયા પછી હું એમ.એ.ના અભ્યાસક્રમનું પુસ્તક લઈ મૅગેઝિનનાં પાનાં વચ્ચે મૂકીને વાંચતી. નીરજ જાગી જતા, અથવા પાણી પીવા ઊઠતા તો પણ એમને કશું અજુગતું લાગતું નહીં. કારણ કે મને તો કાયમ મોડે સુધી વાંચવાની ટેવ જ હતી! વિધિની કેવી વક્રતા! અભ્યાસક્રમનાં પુસ્તકોમાં કશુંક વિવાદાસ્પદ અથવા અવાંછનીય વાંચનાર તો ઘણાં હોય છે પરંતુ મૅગેઝિનોમાં અભ્યાસક્રમનાં પુસ્તકો વાંચનાર તો હું અને ફક્ત હું જ હતી!

બધાં પુસ્તકો આવી રીતે મેં પહેલાં આનંદથી વાંચ્યાં. પછી પરીક્ષાલક્ષી વાંચ્યાં. અને પછી પ્રશ્નોત્તર રૂપે લખી લખીને પરીક્ષાની તૈયારી કરી. આ પ્રવૃત્તિમાં હું એવી ગળાડૂબ થઈ કે ઉષા ક્યારે સંઘ્યામાં પલટાઈ જતી અને સંધ્યા ક્યારે રાત્રિમાં, એનું પણ ભાન મને રહેતું નહીં. સમયનું ચક્ર ફરતું ફરતું પરીક્ષાના દિવસ પર આવી અટક્યું. મારા હાથમાં પરીક્ષાનું ટાઇમટેબલ આવ્યું…

પરીક્ષા કુલ આઠ દિવસ ચાલવાની હતી. યક્ષપ્રશ્ન એ હતો કે આ આઠ દિવસની વ્યવસ્થા કઈ રીતે કરવી? નીરજને ખબર પડે તો મારી બધી જ મહેનત પર પાણી ફરી વળે. જાત જાતના વિચારોના તરંગો મનમાં ઊછળતા, પણ યથાર્થ પરિસ્થિતિના ખડકો સાથે અફળાઈ ચૂરેચૂરા થઈ જતા… મેં બધું ઈશ્વર પર છોડી દીધું.

પરીક્ષાના બે દિવસ બાકી હતા. હું ટેન્શનમાં આવી ગઈ. અચાનક નીરજને ઑફિસના કામ અંગે બહારગામ જવાનું થયું! આને કહેવાય ભાગ્યની કૃપા! ઘણા દિવસ પછી મને મોકળાશ લાગી. હાશ! હવે હું ધારીશ એટલો સમય પરીક્ષાની તૈયારી કરી શકીશ!

મેં મમ્મીના ઘરે જઈને પરીક્ષા આપવાનું વિચાર્યું હતું. ફોન પર નીરજ આગળ કારણની રજૂઆત જ એવી સજ્જડ કરી કે તેઓ ના પાડી જ શક્યા નહીં.

આવી રીતે જાત જાતની વૈતરણીઓ પાર કરી, છેવટે હું પરીક્ષા આપી શકી. ભગીરથને પણ ગંગાને દેવલોકથી પૃથ્વી પર ઉતારવામાં કદાચ આટલી મુશ્કેલીઓ નહીં પડી હોય!

પરીક્ષા જે દિવસે પૂરી થઈ, મારા હૃદયમાં આનંદની સરવાણી ફૂટી. જાણે આકાશમાં ઊડતી હોઉં એવી લાગણી મેં અનુભવી. એમાં પીંછા જેવી નરી હળવાશ લાગી. મારો આત્મવિશ્વાસ એક નવી ઊંચાઈએ પહોંચ્યો. મેં મારી જ પીઠ થાબડી – ‘અદિતિ! યુ હેવ ડન ઈટ…!’

પરિણામની પ્રતીક્ષા ઔપચારિક જ હતી. મને પૂરો વિશ્વાસ હતો. મારો વિશ્વાસ સાચો પણ પડ્યો. એમ.એ. પાર્ટ-૧માં હું ધારી સફળતા મેળવી શકી હતી. એમ.એ. પાર્ટ-૨ની પરીક્ષામાં પણ પાર્ટ-૧નું પુનરાવર્તન કરવું પડ્યું. એ જ વાંચવાના સમયની મથામણ, એ જ ઘરકામનો બોજો, એ જ નીરજનું ઉગ્ર, રુક્ષ વર્તન… અને બધા સમુદ્રમંથનને અંતે એ જ અમૃતકુંભ જેવું પરિણામ! હું એમ.એ.માં પાંસઠ ટકા મેળવી પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ હતી!

…કોયલના ટહુકાવાળી કોલબેલ વાગી. અત્યારે કોણ હશે? મેં વિચારતાં વિચારતાં બારણું ખોલ્યું તો લાલ ગુલાબનાં ફૂલોના બુકે સાથે નીરજ! બુકે મારા તરફ લંબાવી એમણે હસતાં હસતાં કહ્યું –
‘કોંગ્રેચ્યુલેશન અદિતિ!’
મેં પ્રશ્નાર્થ નજરે જોયું.

‘પાંસઠ ટકા સાથે એમ.એ.માં પાસ થવા માટે માટે!’ હું આંખો ફાડી ફાડીને જોઈ જ રહી. સ્ટૅચ્યુ થઈ ગઈ… આ નીરજ હતા! એમનું આવું રૂપ તો મેં કદી જોયું જ નહોતું! હું હજી આગળ વિચારું એ પહેલાં એ બોલ્યા – ‘મને તો પહેલેથી ખબર જ હતી! પણ મારા અહંકારને લીધે હું બોલી ન શક્યો. આજે હું કહું છું. યુ હેવ વન ધ બેટલ. તારા અદ્ભુ ત ‘ટાઇમ મૅનેજમેન્ટ’ આગળ તો ભલભલા નિષ્ણાતો પણ પાણી ભરે! હું દ્રષ્ટિહીન હતો કે આ અણમોલ કોહિનૂર પારખી ન શક્યો!

અદિતિ! શું તું મારામાં એક વાર ફરીથી વિશ્વાસ મૂકી શકીશ?’ – તેમણે મારી તરફ હાથ લંબાવ્યો.

અને મને કંઈ પણ વિચારવાની તક આપ્યા વગર મારા બંને હાથ આગળ લંબાઈ ગયા…

*
સંપર્ક : ‘ઈશાવાસ્યમ્‍’, એ-૪, શુક્લ સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ગોધરા-૩૮૯ ૦૦૧, મો. ૯૮૭૯૫૪૬૬૬૮