- ReadGujarati.com - http://www.readgujarati.com -

ફક્ત એક કાગળ – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

રાજન ઑફિસ ગયો હતો… ઘરમાં વિદિશા એકલી જ હતી અને કુરિયરબોય એક કવર આપી ગયો – જેના ઉપર માત્ર વિદિશાનું જ નામ લખેલું હતું. વિદિશાને નવાઈ લાગી, હજુ તો આ શહેરમાં રહેવા આવ્યે તેને માંડ બે મહિના થયા હતા, તે કોઈને ઓળખતી નહોતી, તો તેને પણ કોઈ ઓળખતું નહોતું… તો પછી તેને આ રીતે કુરિયરથી કવર મોકલનાર કોણ હશે? તેની ઉત્સુકતા એટલી બધી વધી ગઈ કે તે પોતું કરતી હતી – રસોડામાં, તે કામ અધૂરું છોડીને ભીના હાથે જ કવર ફાડી નાખી વાંચવા બેઠી. કોણે કાગળ લખ્યો હશે – અને તે પણ તેના નામ ઉપર?! હજુ કદાચ રાજનના નામ ઉપર હોય તો સમજ્યા… પણ આ તો સ્પષ્ટ વિદિશાના નામ ઉપર જ…! કોઈક નોટ અથવા ચોપડામાંથી ફાડેલો કાગળ હતો. વિદિશાએ વાંચવાની શરૂઆત કરી…

‘વિદિશા,
ક્ષમા કરજો. હું તમને ઓળખતો નથી કે નથી તમે મને ઓળખતાં, પણ એક અણજાણ ભાઈના નાતે હું આ પત્ર તમને લખી રહ્યો છું કદાચ તમારું દિલ દુભાય તો તે બદલ મને માફ કરજો અને મારો આ કાગળ વાંચી તમારું દિલ અવશ્ય જ દુભાશે તેની મને ખાતરી છે… પણ શું કરું? તમારી સાથે થતો અન્યાય મારાથી જોવાતો નથી અને એટલે જ તમને અંધારામાંથી પ્રકાશમાં લાવવા આ પત્ર મારે તમને લખવો પડે છે – તે બદલ હું દિલગીર છું. રાજન મને ઓળખે છે અને એને ખબર પડે કે મેં એની પોલ તમારી સમક્ષ ખોલી નાખી છે તો કદાચ મારું ખૂન કરતાં પણ તે અચકાય તેમ નથી. આથી હું તમને મારું અસલી નામ જણાવી શકું તેમ નથી. પણ રાજને યુવાનીના મદમાં જે ખેલ ખેલવા માંડ્યો છે તેનો હું સાક્ષી છું અને એટલે જ એક શુભચિંતક તરીકે મારે તમને ચેતવવાં જોઈએ એવુ હું માનું છું અને એટલે જ હું આ પત્ર તમને લખવાની ગુસ્તાખી કરી રહ્યો છું.

તમે જો માર્ક કર્યું હોય તો છેલ્લા કેટલાક સમયથી રાજનનું વર્તન બદલાઈ ગયું હશે. પહેલાં જે તમારા માટે ફૂલોની ચાદર બિછાવતો હતો તે રાજન હવે તમારી નાનીમોટી ફરિયાદો તરફ ધ્યાન પણ નહીં આપતો હોય.’

વિદિશા આ વાંચીને અટકી અને વિચારવા લાગી… હા… વાત તો તેની સાચી જ હતી ને? તે પરણીને નવી નવી આવી ત્યારે તો રાજન તેની આગળપાછળ થતો હતો. તેને જો સહેજ માથું દુઃખતું હોય તો તરત જ બામ લઈને તેના કપાળે ઘસવા બેસી જતો હતો, જ્યારે હમણાં હમણાંથી તો જાણે કે તેને તેની પરવા જ ના હોય તેવું વર્તન કરવા માંડ્યો છે. અરે…! ગયા અઠવાડિયે જ વળી… રોટલી વણતાં વણતાં તેને ચક્કર આવી ગયા અને તે રસોડામાં જ બેસી પડી, રાજન પાસે જ હતો પણ એ તેને પૂછતો પણ નથી કે વિદિશા શું થયું? આ કાગળ લખનારની આ વાત તો સાચી જ હતીને? તેણે કાગળ અગળ વાંચવા માંડ્યો…

‘…વિદિશા, ખોટું ના લગાડતાં પણ હવે રાજનને જાણે કે તમારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ રહ્યો નથી. અને એનું કારણ છે – ઑફિસમાં તેની સેક્રેટરી રોમા. હા… રોમા દેખાવે તો સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે તેવી છે અને બોલવામાં પણ હોશિયાર છે. તેણે રાજનને પોતાની પ્રેમજાળમાં એવો તો ફસાવી દીધો છે કે તેને રોમા સિવાય કોઈ દેખાતું જ નથી. આખો દિવસ ડિટેક્શન આપવાના બહાને રોમાને તેની કેબિનમાં જ બેસાડી રાખે છે. ઑફિસનો આખો સ્ટાફ આ જાણે છે. પણ તેને કોઈ થોડું કહે કે – સર, તમે આજે કાંઈ કરી રહ્યા છો તે ખોટું છે! વાઘને કોણ કહે કે તારું મોં ગંઘાય છે…! તમે આ વાત ના સમજી શકો એટલાં નાદાન તો નથી જ. આ અધૂરું હોય તેમ ઑફિસ છૂટ્યા પછી રોમાને રાજનની ગાડીમાં જ જવાનું. હું આ અદેખાઈથી નથી કહેતો, પણ એનું પણ કારણ છે – તે રોમાને લઈને હૉટલમાં જાય છે. તેઓ સાથે કૉફી પીએ છે, ક્યારેક નાસ્તા કરે અથવા જમી પણ લે છે. તમે નોંધ્યું હોય તો જ્યારે તેણે રોમા સાથે હૉટલમાં જમણ લીધું હોય ત્યારે તે ઘેર ખાતો નહીં હોય…!’

હા… વિદિશાને લાગ્યું કે તેની આ વાત પણ સાચી જ છે. રાજન ઘણી વાર આજે ભૂખ નથી અથવા ખાવાની ઇચ્છા નથી એવું કહેતો હોય છે. અરે! કેટલીક વખત તો તેને પ્રિય એવું પનીરનું પંજાબી શાક અથવા અડદની દાળ અને રોટલા બનાવ્યાં હોય ત્યારે પણ તે ના પાડતો હોય છે. એટલે આ વાત પણ સાચી જ છે.

વાત આટલેથી અટકી હોત તો તો કોઈ વાંધો નહોતો. કાગળમાં તે લખતો હતો…

‘પણ કેટલીક વખત હૉટલમાં એ.સી. રૂમ પણ રાખે છે – માત્ર એક કે બે કલાક માટે અને આખા દિવસનું ભાડું ચૂકવે છે. શા માટે? જરા વિચારી જુઓ. એક જવાન પુરુષ અને એક જવાન સ્ત્રી એકલાં એ.સી. રૂમમાં બંધ બારણે શું કરતાં હશે? મને તો લખતાં પણ શરમ આવે છે પણ તમારા માટે તો આ લાલ સિગ્નલ છે. વિદિશાબહેન, ચેતી જાવ અને તમારા પતિને રોકવાનો પ્રયત્ન કરો નહીંતર તમને તો રડતાં પણ નહીં આવડે. પેલી રોમા તો તમારા પૈસે જ તાગડધિન્ના કરતી રહેશે. અને મને તો એવી પણ ગંધ આવી છે કે પાછલ બારણે તમને છૂટાછેડા આપી તે રોમા સાથે લગ્ન પણ કરી લેવાની ફિરાકમાં છે. અને એટલે જ તમને ચેતવવામાં મેં આ પત્ર લખ્યો છે. મારો આ પત્ર વાંચીને ફાડી નાખજો.
લિ. તમારો હિતેચ્છુ અણજાણ ભાઈ.’

વિદિશાએ પત્ર પૂરો કર્યો, પણ એ પત્ર ફાડ્યો નહીં. કેટલીક ક્ષણો સુધી તો તે શૂન્યમનસ્કપણે એ પત્ર તરફ તાકી રહી. તેની વાત તો સાચી જ લાગતી હતી. કેટલીક વખત રાજનના શરીરમાંથી પર્ફ્યુમની સુગંધ આવતી તેણે અનુભવી હતી. હવે શું કરવું? રાજન ઘણી વાર ઑફિસેથી ત્રણ ત્રણ કલાક મોડો આવતો હતો અને તે પૂછે તો – ઑફિસમાં કામ હતું એવાં બહાનાં કાઢતો હતો. ઉપરથી તેના ઉપર ગુસ્સે થતો હતો કે ઑફિસમાં મારી કેટલી જવાબદારી છે તેનું તને કાંઈ ભાનબાન છે કે નહીં?

વિદિશાને કોઈ રસ્તો સૂઝતો નહોતો… શું કરવું? તેની કાંઈ ખબર પડતી નહોતી. એક તો તે આ ગામમાં નવી હતી, કોઈને ઓળખતી નહોતી અને રસ્તા પણ અજાણ્યા હતા. બીજું અહીં તેની કોઈ બહેનપણી કે હિતેચ્છુ નહોતાં, એવા સંજોગોમાં શું કરવું? ગમે તે રીતે રાજનને પહેલાં તો રંગે હાથ પકડવો જોઈએ. પણ કેવી રીતે? વિદિશા વિચારતી હતી. સંસારમાં જ્યારે બીજી સ્ત્રીનો પ્રવેશ થાય છે, રખાત આવે છે ત્યારે પત્નીની શી હાલત થાય છે – તેની વિદિશાને બરાબર ખબર હતી અને તેના એક નહીં પણ અનેક કિસ્સા તેણે જોયા અને જાણ્યા હતા. પરિણીત પતિએ તેની પ્રેમિકા સાથે મળીને પત્નીનું ખૂન કરી નાખ્યું કે બાળકોનું ખૂન કરી નાખ્યું એવું તો તેણે કેટલીય વાર વાંચ્યું હતું… એ વિચાર આવતાં જ તે ફફડી ગઈ… ના… ના… જો આ કાગળ લખનારની વાત સાચી હોય તો તેણે સાવચેત થઈ જવાની જરૂર છે. અને આવા સંજોગોમાં હવે અહીં રાજન સાથે તો ના જ રહેવાય…! તેના જ જીવને જોખમ…! વિદિશા લગભગ ગભરાઈ ગઈ હતી. શું કરવું તેની તેને કશી સમજ પડતી નહોતી. એક વિચાર તો એવો આવ્યો કે તેના પપ્પાને જાણ કરી દે – એટલે કાલે ઊઠીને તેને કાંઈ થઈ જાય તો એ લોકો અંધારામાં હતાં એવું તો ના થાય ને…! પણ પછી થયું કે – ના… ના… પપ્પા તો હાર્ટ પેશન્ટ છે અને આ જાણીને એમને તો એટૅક જ આવી જશે…! એટલે તેણે આ વિચાર માંડી વાળ્યો…! તો પછી શું કરવું? એક વિશાળ પ્રશ્ન નાગની માફક તેની આસપાસ ફેણ માંડીને વીંટળાઈ વળ્યો હતો. જમવાનો સમય થઈ ગયો હતો, જમવાનું તૈયાર હતું તોપણ આવા સંજોગોમાં અન્નનો કોળિયો કેવી રીતે ગળે ઊતરે? તેનું માથું ભમતું હતું. વિદિશાને લાગતું હતું કે જો આ વાત સાચી નીકળશે તો બીજા કોઈને તો નહીં પણ તેને તો ચોક્કસ જ એટૅક આવી જશે…!

તે પલંગમાં આડી પડી. રિમોટથી ટી.વી. ચાલુ કર્યું તો સિરિયલમાં પણ એ જ ‘પતિ-પત્ની અને વો’ના જ કિસ્સા…! હીરો અન્ય સ્ત્રીની પ્રેમજાળમાં ફસાય છે. હીરોઇન એ લોકોને રંગે હાથ પકડી પાડે છે અને પછી તો મારામારી-ખૂનામરકી…! વિદિશાએ ટી.વી. બંધ કરી દીધું. માથે બામ લગાડ્યો પણ માથું હલકું પડતું નહોતું. ત્યાં તો લેન્ડલાઇનનો ફોન ખખડ્યો. વિદિશાએ રિસીવર ઉપાડીને કાને ધર્યું.

“હલ્લો…”

“હલ્લો… વિદિશા… ઓળખાણ પડે છે? હું નિશા…”

“અરે! નિશલી… ક્યાંથી બોલે છે?” નિશા તેની કૉલેજકાળની ખાસ બહેનપણી… બન્ને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ…! વિદિશાને ગમ્યું – નિશાનો ફોન આવ્યો તે…!

“અરે! તારા ગામમાં જ આવી છું અને સ્ટેશન ઉપર ઊતરી તે સાથે જ તને ફોન કર્યો, તારા ઘેર જ આવું છું. મારી બદલી તારા ગામમાં જ થઈ છે અને સાંજની ગાડીમાં તારા જીજાજી પણ આવશે…” ફોન મૂકી દેતાં નિશા બોલી. વિદિશાને ઘણું સારું લાગ્યું. નિશા તેની મુશ્કેલીમાંથી જરૂર માર્ગ કાઢી આપશે તેવી તેને ખાતરી હતી. તે નિશાની જ રાહ જોવા લાગી. નિશા અને તે બન્ને કૉલેજમાં સાથે જ ભણતી હતી અને બન્ને એકબીજાની સુખ-દુઃખની સાથી હતી. વિદિશા બીમાર પડી અને તેને દવાખાનામાં દાખલ કરી ત્યારે દસ દસ દિવસ સુધી એ જ નિશા તેની સાથે દવાખાનામાં રહી હતી. એટલું જ નહીં, પણ બન્ને એકબીજાની અંગત વાતો પણ કોઈ પણ પ્રકારની શેહશરમ કે છોછ વિના એકબીજાને કરતી હતી… ‘અલી, ક્લાસમાં આવેલો પેલો નવો છોકરો તો ચાલુ પીરિયડે પણ તારા તરફ જ ટીકીટીકીને જોયા કરતો હતો’ કે ‘પેલો બુખારી તારી પાછળ લાળ દદડાવે છે. પણ સાવચેત રહેજે… કૅરેક્ટરનો ગયેલો કેસ છે…’ તો ક્યારેક ‘પેલો મર્સીડિઝ લઈને આવે છે તે છોકરો જોયો તેં? એવો જીવનસાથી મળી જાય તો લાઇફ બની જાય યાર…! વૉટ એ ડેશિંગ પર્સનાલિટી…!’ ‘અને પેલો કૌસ્તુભ તો ઊડતી ચકલીઓ પાડે એવો છે. જોજે તેની વાતોમાં આવી જતી…!’ ‘અરે! પેલા ઈકોનૉમિક્સના સર તો કુંવારા જ લાગે છે… ક્લાસમાં તેમની નજર હંમેશાં છોકરીઓ ઉપર જ ફરતી હોય છે.’ – આ અને આવી ઘણી ઘણી વાતો કે જેની આવી રીતે જાહેરમાં ચર્ચા પણ ના કરાય – તેમની વચ્ચે થતી રહેતી. પણ કોઈ પણ સમસ્યા કે મુશ્કેલીનો હલ નિશા પાસે વગાડતામાં જ મળી રહેતો એટલે જ નિશા આવે છે જાણી વિદિશા ખુશ ખુશ થઈ ગઈ. તેની મુશ્કેલીના સમયે નિશાનું આવવું એક આશીર્વાદ જેવું હતું…! તેની સ્મસ્યાનો ઉકેલ પણ નિશા પાસેથી અવશ્ય મળી રહેશે તેની વિદિશાને ખાતરી હતી અને એટલે જ તે ઉભી થઈ અને ઘરમાં બધું ચોખ્ખું કરવા માંડી. નહીંતર પાછી એ નિશલી જ કહેશે કે વિદુ, તું તો પહેલાની માફક ફુવડ જ રહી…! ડોરબેલ વાગ્યો એટલે વિદિશાએ દોડીને બારણું ખોલ્યું. સામે નિશાને જોઈ તેનાં મનનાં બધાં જ બંધનો ખૂલી ગયાં. અત્યાર સુધી સંતાડી રાખેલ દુઃખ આંસુનો ધોધ બનીને વહેવા માંડ્યું. તે નિશાને બાઝીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. નિશા પૂછતી જ રહી કે શું થયું? પણ તેનાં ડૂસ્કાં બંધ થવાનું નામ જ નહોતા લેતાં. ઘર વિદિશાનું હતું તોપણ નિશા અંદર જઈ ફ્રીઝમાંથી પાણી લઈ આવી અને વિદિશાના મોઢે માંડ્યું. બસ… થોડી વાર અને પછી વિદિશા સ્વસ્થ થઈ, છતાં કશું બોલવાના તો તેના હોશ જ નહોતા. તેણે આજે જ કુરિયરમાં આવેલો તેના નામનો કાગળ નિશાના હાથમાં પકડાવી દીધો. નિશાએ એકધ્યાન થઈ તે કાગળ વાંચ્યો. ફેરવી ફેરવીને જોયો. થોડીક વાર વિચાર કરતી રહી પછી તેણે વિદિશા પાસેથી રાજનનો નંબર માગ્યો. વિદિશાએ તેને નંબર આપ્યો અને પૂછ્યું પણ ખરું કે તું શું કરવા માગે છે? જોજે રાજનને સીધી જ પૂછી લેતી, નહીંતર… એ ચેતી જશે. નિશાએ તેને સાંત્વના આપતાં કહ્યું – તું શાંતિ રાખ અને મારા ઉપર વિશ્વાસ રાખ… તું માત્ર હું જ કરું તે શાંતિથી જોયા કર… તારી મુશ્કેલીનો ઉકેલ તો આ રહ્યો… ચપડી વગાડતાંમાં…!

તેણે રાજનને ફોન કર્યો. રાજને ફોન ઉઠાવ્યો એટલે તે તરત જ બોલી, “જીજાજી, નિશા બોલું છું… ઓળખાણ પડી…? વિદિશાની બહેનપણી.”

‘હા… હા… અમારી સુહાગ રાતે મને હેરાન કર્યો હતો તેને તો કેમ ભુલાય? બોલો… કેમ ફોન કરવો પડ્યો?”

“તમારા ઘેર જ આવી છું પણ મારે એક માહિતી જોઈતી હતી તમારી ઑફિસની.”

“બોલો ને.”

“તમારી ઑફિસમાં હમણાં કોઈક શૌર્ય નામનો માણસ બદલાઈને આવ્યો છે?”

“હા… દસેક દિવસ થયા… અમદાવાદ ઑફિસમાંથી જ બદલાઈને આવ્યો છે… પણ તમારે શું કામ પડ્યું તેનું?”

“એ તમે ઘેર આવશો ત્યારે જણાવીશ.”

“અરે! મારી પત્નીની બહેનપણી આવી હોય અને હું ઑફિસમાં બેસી રહું? હું અબઘડી ઘેર પહોંચું જ છું, પણ તમે જતાં ના રહેતાં…”

“અરે! હોય કાંઈ? હું જવા માટે આવી જ નથી… તમારા ઘેર રોકાવાની છું પૂરા પંદર દિવસ… જ્યાં સુધી તમારા સાઢુ આવીને મકાનનું ઠેકાણું ના પાડે ત્યાં સુધી. મારી અહીં બદલી થઈ છે એટલે મારા ઘેર રહેવા જઈશ ત્યાર પછી પણ તમને હેરાન કરવા ચોક્કસ આવતી જ રહીશ…”

“ચાલો, બહુ સરસ…” કહીને રાજને ફોન મૂકી દીધો. વિદિશા તો બાઘાની માફક જોયા જ કરતી હતી કે આ નિશા શું કરે છે? જેવો રાજને ફોન મૂક્યો તે સાથે જ તે ખડખડાટ હસી પડી અને વિદિશા તરફ ફરીને બોલી, “અરે ગાંડી, આ તો પેલો લગ્ને લગ્ને કુંવારો શૌર્ય… ઓળખ્યો? મારા ઉપર તેણે પ્રેમપત્ર લખ્યો હતો અને મેં તેને ચંપલે ચંપલે માર્યો હતો?”

“હા…. મારી પણ પાછળ પડ્યો હતો.” વિદિશાએ કહ્યું.

“બસ એ જ… તું રાજન ઉપર ખોટી વહેમાય છે… એને તો ટેવ જ છે લોકોના સુખી સંસારમાં ચિનગારી ચાંપવાની.”

“પણ તને કેવી રીતે ખબર પડી કે આ કાગળ તેણે જ લખ્યો છે?”

“કેમ એણે મારા ઉપર પ્રેમપત્ર નહોતો લખ્યો? હું તેના અક્ષરો સારી રીતે ઓળખું ને? દસ વાર વાંચ્યો હતો મેં એ કાગળ! અને તેં પણ વાંચ્યો જ હતો ને? યાદ કર… તેનું લખાણ સીધી લીટીમાં નહોતું… ઉપરથી નીચે તરફ જતું હતું અને તેનો આ ‘ર’ તો જો… બગડા જેવો જ છે ને? અને પાક્કું કરવું હોય તો હમણાં જીજાજી આવે ત્યારે તેના અક્ષરો અને લખાણ વિશે પણ પૂછીશ. અને એણે ચોક્કસ જીજાજીને તેમનાં લગ્ન કોની સાથે થયાં તે પૂછ્યું હશે. તારું નામ સાંભળ્યા પછી જ તમારા સંસારમાં આગ લગાડવા આ કાગળ લખ્યો હશે…”

“નિશા, તું ના આવી હોત તો મારો સંસાર ચોક્કસ જ ભાંગી પડત.” કહેતાં વિદિશા નિશાને બાઝી પડી.

– અર્જુનસિંહ કે. રાઉલજી
સંપર્ક : ૪૨, કૃષ્ણશાંતિ સોસાયટી-૨, મુજમહુડા, અકોટા રોડ, વડોદરા- ૩૯૦ ૦૨૦