નિવૃત્તિને નમાવનારો – કુમારપાળ દેસાઈ

(‘તન અપંગ, મન અડીખમ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. આ પુસ્તકમાં એવા લોકોની સત્યકથા આલેખવામાં આવી છે જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને ઓળંગીને મનની મજબૂતીથી સફળતાના શિખરો સર કર્યાં છે.)

રેગ હેરિસ

ઉંમર પૂરી ચોપન વર્ષની. માથે ધોળા વાળ. હજી એકતાલીસ વર્ષની ઉંમરે પગ મૂકે ત્યાં તો હૃદયરોગનો ગંભીર હુમલો ઘેરી વળ્યો.

થનગનતા રેગ હેરિસને પથારીમાં પડ્યા રહેવું પડ્યું. થોડો સમય કામધંધો છોડી દેવો પડ્યો. પણ એથીય વિશેષ તો સાઇકલની રસાકસીમાં ખેલવાની મોજ જતી કરવી પડી.

એક જમાનો હતો કે રેગ હેરિસની સાઇકલસ્પર્ધામાં બોલબાલા હતી. આજથી ચાલીસ વર્ષ પહેલાં રેગ હેરિસે સાઇકલસ્પર્ધામાં એક પછી એક વિક્રમો સર્જીને સનસનાટી મચાવી દીધી હતી. તેવીસ-તેવીસ વર્ષ સુધી રેગ હેરિસ સાઇકલસ્પર્ધાઓમાં ઝંપલાવતો રહ્યો. વિજય અને વિક્રમો હાંસલ કરતો રહ્યો. પાંચ વખત તો એ જગતનો સાઇકલદોડ વિશ્વવિજેતા બન્યો.
આ સમયે રેગ હેરિસની ઊંચાઈ પાંચ ફૂટ હતી.

રસાકસીભરી સાઇકલસ્પર્ધાઓ છોડ્યા પછી હૃદયરોગનો હુમલો પણ રેગ હેરિસની મુલાકાત લઈ ગયો. પરંતુ રેગ હેરિસ સતત કસરત કરતો. બીજા રમતવીરો કરતાં એને પ્રારંભથી જ વ્યાયામમાં ઊંડી શ્રદ્ધા હતી. કસરતથી પોતાના શરીરને બરાબર કસાયેલું રાખતો. પરિણામે સત્તર વર્ષ પહેલાં એનું જેટલું વજન હતું એમાં માત્ર પાંચ રતલનો જ ઉમેરો થયો છે. અપૂર્વ સિદ્ધિ મેળવનારા રેગ હેરિસે જે રીતે પોતાનું શરીર કેળવ્યું અને જાળવ્યું છે એ તો એની એક અપ્રતિમ સિદ્ધિ જ ગણાશે. રેગ હેરિસની ડૉક્ટરી તપાસ કરવામાં આવી. એની તબિયત એટલી બધી સ્વસ્થ હતી કે ખુદ ડૉક્ટરોએ કબૂલ્યું કે આટલી મોટી વયના માનવીની આવી શારીરિક તંદુરસ્તી અકલ્પ્ય જ ગણાય.

હૃદયરોગનો હુમલો થયા પછી થોડે સમયે રેગ હેરિસે ફરીથી સાઇકલની સ્પર્ધામાં ઝંપલાવવાનો વિચાર કર્યો. વિશ્વવિજેતાના આ વિચારને સહુએ હસી કાઢ્યો. એક વાર જેને હૃદયરોગનો હુમલો થયો હોય એ દેહને કાચની શીશીની જેમ જાળવે. સહેજે વધુ શ્રમ લે નહીં અને જીવન જાણે રોગની મર્યાદાથી ઘેરાઈ ગયું હોય તેમ પ્રવૃત્તિઓ સદંતર ઓછી કરી નાખે.

રેગ હેરિસને એના કસાયેલા શરીર પર એતબાર હતો. એનો રમતશોખ એના હૃદયમાં પડકાર કરતો હતો. આખરે રેગ હેરિસે ગંભીરતાથી સાઇકલસ્પર્ધામાં ઝુકાવવાનું નક્કી કર્યું. ડૉક્ટરે ખૂબ ધીમેથી અને શરીર સાચવીને સાઇકલ ચલાવવાની તાકીદ કરી. રેગ હેસિસ ધીરે ધીરે અંતર વધારવા લાગ્યો. પછી તો એક અઠવાડિયામાં દોઢસો માઈલનું અંતર કાપવા લાગ્યો. આટલું અંતર કાપતાં એના હૃદયને કોઈ અવર્ણનીય આનંદનો અનુભવ થતો હતો. ત્રણ વર્ષ પહેલાં હેરિસે સાઇકલસ્પર્ધામાં ઝંપલાવ્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. જ્યારે ૧૯૭૫ના ઑગસ્ટનાં બે અઠવાડિયાં અગાઉ જ રેગ હેરિસે સ્પ્રીન્ટ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાનું નક્કી કર્યું. સ્પર્ધાના અઠવાડિયા પહેલાં એણે પોતાની નવી સાઇકલ છોડીને અગાઉ જેનાથી વિજય મેળવ્યો હતો તે પુરાણી સાઇકલ સાથે ઝંપલાવવાનું નક્કી કર્યું.

૧૯૭૫ની સત્તાવીસમી જુલાઈએ એક હજાર મીટરની બ્રિટિશ પ્રોફેશનલ સાઇક્લિંગ ટ્રેક સ્પ્રીન્ટ ચૅમ્પિયનશિપમાં રેગ હેરિસે ઝંપલાવ્યું. પોતાનાથી પચીસ વર્ષ નાના જુવાન ખેલાડીઓને હરાવીને રેગ હેરિસ વિજેતા બન્યો. ઇંગ્લૅન્ડના લિસેસ્ટર પરગણામાં યોજાયેલી આ સ્પર્ધામાં છેલ્લા બસો મીટર તો રેગ હેરિસે માત્ર ૧૨.૬ સેકન્ડમાં કાપી નાખ્યા. રેગ હેરિસ એની યુવાનીના દિવસોમાં પણ લગભગ આટલી જ ઝડપ ધરાવતો હતો. આ રેગ હેરિસ વેપારમાં પણ એટલો જ કુશળ છે. એ સેલ્સ અને માર્કેટિંગનો સલાહકાર હોવા ઉપરાંત ચાર કંપનીઓના ડાયરેક્ટર તરીકે પણ કામ કરતો હતો.

રેગ હેરિસને એક પ્રશ્ન મૂંઝવતો હતો. એ વિચારતો હતો કે હવે પછીની સાઇકલસ્પર્ધામાં ભાગ લેવો કે પોતે વિજેતા બન્યો હોવાથી ટોચ પર રહીને જ વિદાય લેવી? પરંતુ રેગ હેરિસ નિરાશાને નબળાઈ ગણે છે અને નિવૃત્તિ જેવી કોઈ વાતની એને ખબર નથી.

રેગ હેરિસે કસાયેલા તનની તાકાતનો પરિચય આપ્યો. મનની મજબૂતાઈથી એ રોગના ભયને ઓળંગીને સિદ્ધિની ટોચે પહોંચ્યો, પરંતુ રેગ હેરિસને રમતની દુનિયામાં તો નિવૃત્તિને નમાવનારા તરીકે સદાય યાદ કરાશે.

[કુલ પાન ૧૫૨. કિંમત રૂ. ૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ફક્ત એક કાગળ – અર્જુનસિંહ કે. રાઉલજી
મૃગેશભાઈની ત્રીજી પુણ્યતિથિએ.. જાનદાર સવારી, શાનદાર સવારી – મૃગેશ શાહ Next »   

4 પ્રતિભાવો : નિવૃત્તિને નમાવનારો – કુમારપાળ દેસાઈ

 1. Subodhchandra says:

  “નિવૃત્તિ ને મનાવનાર” ઉદાહરણ લેખ રહ્યો.
  કદાચ કહી શકાય કે હ્રદયરોગ અને કેન્સર *જીનેટીકલ કારણોસર* થતો હશે. અથવા કોઈપણ પ્રકારના કારણની જરૂર ના પણ હોય !

 2. Subodhbhai says:

  “નિવૃત્તિ ને નમાવનારો ” ઉદાહરણિય લેખ રહ્યો.
  કદાચ કહી શકાય કે હ્રદયરોગ અને કેન્સર *જીનેટીકલ કારણોસર* થતા હશે. અથવા કોઈપણ પ્રકારના કારણની જરૂર ના પણ હોય !

 3. ખુબ જ પ્રેરણાદાયક લેખ

 4. Arvind Patel says:

  આપણે કહીયે છીએ કે, ઉંમર તો એક આંકડો છે. આંકડા સામે જોવાની કોઈ જ જરૂર નથી. આ ઉંમરે આમ થાય અને આ ઉંમરે આવું ના થાય. તે જાત ની વિચાર સારણી બાજુ પાર મૂકી દેવી. મન ને ગમે તે બધું જ કોઈ પણ ઉંમરે થાય. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. આ વાક્યનું પાલન કરવું. પ્રવૃત્તિ થી વ્યસ્ત રહેવું, મનથી મસ્ત રહેવું, મસ્ત એટલે ચિંતા મુક્ત, જો આમ થશે તો તમે સ્વસ્થ રેહવાનાજ છો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.