મૃગેશભાઈની ત્રીજી પુણ્યતિથિએ.. જાનદાર સવારી, શાનદાર સવારી – મૃગેશ શાહ

(આજે સ્વ. શ્રી મૃગેશભાઈની ત્રીજી પુણ્યતિથિ છે. તેમને તેમના પોતાના લેખ વડે જ આજે . પ્રસ્તુત છે આજે તેમનો જ લખેલો હાસ્યલેખ.. જાનદાર સવારી, શાનદાર સવારી જે તેમણે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ લખેલો, રીડગુજરાતીના સર્વે વાચકો તરફથી તેમને તેમના જ અક્ષરપુષ્પોથી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ.)

દરેક વસ્તુની જાણકારી મેળવવાનો મારો સ્વભાવ. એમાં પણ જો એ વસ્તુની ખરીદી કરવાની હોય તો તો પૂછવું જ શું? વેચનારે લગભગ એનું Users Manual મોઢે બોલવું પડે, બે-ચાર વાર પોતાના બોસને બોલાવવો પડે. ત્રણ ચાર ફોન ડિસ્ટ્રિબ્યુટરને ઠોકવા પડે ત્યારે મારી જિજ્ઞાસાને જંપ વળે.

મારી આ આદતને શ્રીમતીજી ‘ચકચક’ની ઉપાધિ આપીને બિરદાવે.

પેલા સેલફોનવાળાની દુકાને મને ઘણાં પ્રશ્નો પૂછવાની હજુ મનની મનમાં જ રહી ગઈ હતી. જેમ કે –
– ધોળકામાં આ નેટવર્ક પકડાય કે નહીં?
– ધાંગધ્રામાં ક્યા એરિયામાં સારું પકડાય?
– ધોળકાથી ધાંગધ્રા જવાનું થાય તો રસ્તામાં ક્યા ક્યા સ્ટેશને નેટવર્ક ના પકડાય?

એવા તો અનેક પ્રશ્નો મારા મગજમાંથી નીકળ્યા જ કરે. એ બધાં પ્રશ્નોને જો વ્યવસ્થિત ગોઠવી કાઢીએ તો એક ક્વીઝ પ્રોગ્રામ બની જાય. પણ ખેર! હવે રાતનો સમય થતાં પેટનાં કૂકડાં બોલે એટલે ઘેર તો જવું જ પડે ને.

આજની રાત કતલની રાત હતી. આજે મારે વાહનારોહણ કરવાનું હતું. જેમ પર્વત પર ચઢવાનું અઘરું હોય એટલે બધા એને પર્વતારોહણ કહે એટલે મારા માટે હવે આ ઉંમરે વાહન શીખવાનો કાર્યક્રમ વાહનારોહણ એ પર્વતારોહણ જેટલો જ કઠિન હતો પણ શ્રીમતીજીના હુકમ આગળ કશું ચાલે?

વાતને બને એટલું ટાળવાની હું કોશિશ કર્યા કરું, એટલે ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં જમવાનું ચાલુ રાખ્યું. મારું એ ભેદી મૌન શ્રીમતીજીએ પકડી પાડ્યું.

“કેમ? ઑફિસમાં કંઈ થયું છે?”

“ના કશું, કશું નથી થયું.” મેં ભાખરીનો ટુકડો મોઢામાં મૂકતા જવાબ આપ્યો.

ઘરમાં કોઈ અજાણ્યો મહેમાન આવ્યો હોય તેમ ત્રણે જણા વારાફરતી મારી સામે ઘૂરી-ઘૂરીને જોયા કરતાં. શ્રીમતીજી જોયા કરે, એનો વારો પતે એટલે નાનકો જોયા કરે એ પતે એટલે નેન્સી જોયા કરે.

આ બધાની આંખોમાં આંખ નાખવાની મારી હિંમત ચાલી નહીં. રખે ને હું બોલું ને પાછું વાત-વાતમાં સ્કૂટી શીખવાનું યાદ આવી જાય – એ બીકે મેં મારું ભેદી મૌન ચાલુ રાખ્યું. આ બધી ચિંતામાં મારી ભૂખ ઊડી ગઈ પણ મેં આ વિકટ પરિસ્થિતિને ડાયેટિંગમાં ખપાવ્યું.

“બસ, હવે વધારે નહિ ખવાય.”
“કેમ? આજે શું છે? કંઈ લીધું જ નહીં.” શ્રીમતીજી વધારે આંખો પહોળી કરી મારી સામે જોઈ રહ્યાં.

“લીધું ને. વધતી ઊંમરે રાત્રે વધારે ખાવું સારું નહીં. લોકો ડાયેટિંગ નથી કરતાં?” મેં વળી આજે સલાહ આપવાની શરૂઆત કરી.
“ઓહોહોહો… આજે તો કંઈ સૂરજ પશ્ચિમમાં ઊગ્યો છે ને. આ ડાયેટિંગનું ભૂત વળી કોણે વળગાળ્યું?”

“બટુકભાઈએ….” મેં વળી મનમાં જે નામ આવ્યું તે ઠોકી દીધું.
“એ પાછા બટુકભાઈ કોણ નીકળ્યા આજે?”

“એ મારી સાથે સ્કૂલમાં ભણતા’તા. મળી ગયા રસ્તામાં આજે.”
“તો એ બટકું બટકું જ ખાતા હશે.”

“ડાયેટિંગ કરે છે, કેટલા ચુસ્ત અને ફીટ રહે છે! તું પણ ડાયેટિંગ કર. આ કોઠી જેવું શરીર હલકું થશે.” હું જરા ચિડાયો.
“હું તમને કોઠી જેવી લાગું છું? તમારે કરવું હોય તો કરો. તમે જાણો ને તમારા બટુકભાઈ જાણે. મને સલાહ આપવાની જરૂર નથી.”

જમવાનું પતાવીને શું કરું – શું કરું એમ મૂંઝવણ થયા કરતી હતી. જો એમ ને એમ બેસી રહું તો ચોક્કસ ત્રણે જણને મને કામ સોંપવાના વિચારો આવે. અને વિચારમાં ને વિચારમાં સ્કૂટી શીખવાનો વિચાર આવી જાય તો?
મને થયું રિસ્ક નથી લેવું. મેં પેટ પર હાથ ફેરવતા ફેરવતા ટીવી ચાલુ કર્યું. રિમોટ હાથમાં લીધું. વળી પાછો મનમાં વિચાર જાગ્યો.

મારું મન એ વિચારોની જાણે ફેક્ટરી. દર સેકંડના દશમા ભાગે હજારો હજારો વિચારો બહાર પડ્યાં જ કરે. હા, પણ ફરક એટલો કે એમાંથી કોક જ અમલમાં મૂકવા જેવા હોય. અમલમાં મૂકવાનો વખત થાય ત્યારે બીજા વિચારો મગજને ઘેરી વળ્યા હોય. આમ મારી ને વિચારોની સંતાકૂકડી ચાલ્યા જ કરે.

‘તો હું શું વિચારતો હતો?’
હં…

વળી પાછો મને વિચાર આવ્યો કે જો ત્રણે જણને પોતપોતાના કામમાં બીઝી કરી દઉં તો મારું ટેન્શન ઓછું થઈ જાય. એટલે મેં પહેલી બૂમ નાનકાને પાડી, “ઓ નાનકા…”
“જી ડેડી, આવું છું.” નાનકો આવ્યો. “બોલો ડેડ.”

“આ સામેવાળા હેમંતકાકા છે તે નવું વીસીડી પ્લેયર લાવ્યા છે. જોઈ આવ તો જરા. આપણે પણ બજેટ થાય ત્યારે લવાય.”
“શું વાત છે ડેડ! આર યુ સ્યૉર? આર યુ ઓકે?”

“તું સ્યૉર અને ઓકે કર્યા વગર જા ને હવે.”
નાનકો કૂદ્યો અને ભાગ્યો. હવે નેન્સીનો વારો હતો.

“ઓ ચકલી, અહીંયા આવ.”
“આવું છું… ચકલી-ચકલી મન નહીં કહેવાનું.” નેન્સી બોલી.

“આપણા નાકે નવો પાણીપુરીવાળો આવ્યો છે.” મેં ભૂતને પીપળો બતાવી દીધો.
“ના હોય!”

“અરે કેમ ન હોય. હમણાં આવતો હતો ત્યારે આપણી સોસાયટીની બધી છોકરીઓ વિભા, શીલા, સુશીલા બધી કેટલું ટેસથી ખાતી’તી.”
“શું વાત કરો છો? મને પહેલા મને પહેલાં કહેવું હતું ને. આજનું ખાવાનું કેન્સલ રાખીને ત્યાં જ જાત. પણ ઠીક છે, પાંચ-પંદર ટેસ્ટ કરવાનો ટ્રાયલ લેવા તો જવું જ પડશે.”

હું ટ્રાયલ શબ્દથી પાછો થોડો ગભરાયો. ક્યાંક આને ટ્રાયલ શબ્દથી સ્કૂટીનો ટ્રાયલ યાદ ના આવી જાય.
ચકલી ઊડી ગઈ. હું મારા પ્લાનમાં સફળ થતો હોઉં તેવું લાગ્યું. હવે શ્રીમતીજીનો વારો હતો. બિલાડીના ગળે તો કદાચ ઘંટડી બંધાઈ પણ જાય. પણ આ તો સિંહણના ગળે ઘંટડી બાંધવા જેવી વાત હતી. મેં મારા દિમાગને ૧૦૦ની સ્પીડે ચલાવ્યું. વિચારોના ઝૂંડના ઝૂંડ વરસાવી દીધા. ત્યાં એક વિચાર સ્ફૂર્યો.

મેં ન્યૂઝ ચેનલ ફેરવીને સીધી ગુજરાતી ચેનલ મૂકી દીધી. ચેનલમાં વિવિધ વાનગીઓનો પ્રોગ્રામ આવતો હતો. આવા બધા ફાલતુ પ્રોગ્રામોની મને ભારે ચીડ… પણ આજે છૂટકો નહોતો.
આજે જો હું આ પ્રોગ્રામ ના જોઉં તો મારો પ્રોગ્રામ બગડી જાય એટલે મેં શ્રીમતીજીને તેમનો મનપસંદ પ્રોગ્રામ જોવા હાકલ કરી.

“જો આ તારો વાનગીનો કંઈક પ્રોગ્રામ આવે છે.”
“ઊભા રહો… ઊભા રહો… ચેનલ ફેરવતા નહીં, હું આવું છું.” શ્રીમતીજીએ રસોડામાંથી બૂમ મારી અને દોડતાં-દોડતાં આવી ચઢ્યાં.

મને થયું કે આજે આખા પાકશાસ્ત્રની બધી વાનગીઓ રાત સુધી બનાવ્યા જ કરે તો કેટલું સારું! મનમાં ચીડ તો બહુ ચડે પણ જોયા વગર છટકાય એવું નહોતું. પ્રાઈમટાઈમમાં ભયંકર વાનગી જોવાના દિવસો આવ્યા હતા.
માણસ બધી ઈન્દ્રિયો બંધ રાખી શકે પણ કાનનું શું? ગમે એટલું હાથથી દાબી રાખો તો થોડુંક તો સંભળાઈ જ જાય. મેં આંખો તો અધખુલ્લી જ રાખેલી. મોંથી બોલવાનો તો સવાલ જ આજે નહોતો. છતાં કાનમાંથી ટીવી પર બોલાયેલો એક શબ્દ કાનમાં ઘૂસી ગયો. “સ્પેનિશ ફ્રેન્ચી”

આ વળી શું હશે? કૂતુહલ મારો સ્વભાવ. એટલે જાણવાની ઈચ્છા થઈ. મેં તો વળી શ્રીમતીજીને વાનગીની ચેનલ મૂકી આપેલી એ ફેરવી નાખી કે શું?
“સ્પેનિશ ફ્રેન્ચી શું હશે?” મારી વિચારપ્રક્રિયા અવિરત ચાલુ હતી પણ આંખો ખોલવાનું પોસાય એમ નહોતું.

વંદા મારવાની નવી દવા હશે?
કોઈ સ્પેનિશ કૂતરાની જાત હશે? ડિસ્કવરી પર નવું આવ્યું હશે કે શું?

જાતજાતના વિચારો મારા મનમાં ઘુમરાવા માંડ્યા. પણ હવે વધુ નહીં રહેવાય એટલે આંખો ખોલી નાખી.
આંખો ખોલીને જોયું તો બે બહેનો રસોઈ જ બનાવતી હતી!

“આ વળી શું? આવી તે વાનગી હોતી હશે?” મેં શ્રીમતીજીને કહ્યું.
“તમને સમજણ ન પડે. આ લો કેલરીની નવી વાનગી છે.”

“મારા જેવાને તો જરૂર નથી. કદાચ તારે જરૂર હોય તો જો. આ ગુજરાતી ચેનલોવાળા ઢોકળા, હાંડવો, મૂઠિયા અને ખીચડી છોડીને આ સ્પેનિશ વાનગી પાછળ કેમ પડી ગયા?”
હું મારા જવાબની રાહ જોઉં ત્યાં તો પેલા બહેને કંઈક ભાખરીના લોટનું કચોરી જેવું વાળીને પેણીમાં ગરમ પાણી મૂક્યું અને એ કચોરી(કદાચ!)ને પાણીમાં તળી. અત્યાર સુધી તેલ ને ઘીમાં તળેલું જ સાંભળ્યું’તુ. પાણીમાં તળેલી વાનગી જોઈને મને પાછા વિચારોના વમળ આવ્યા. પણ ઈન્ફેક્ટ, આ વખતે મને પાણીની વાનગીઓના વિચારો આવ્યા. જેમ કે,

– પાણીના ભજિયા
– ગરમ પાણીનો સૂપ
– પાણીવાળો દૂધપાક (એમાં બહુ મહેનતની જરૂર નથી, દૂધ પાણીવાળું બહુ સહેલાઈથી મળે છે.)
– પાણીના પાતરા… વગેરે વગેરે

મને થયું હાશ, ચલો બધા પોતપોતાના કામે લાગી ગયા અને હું સ્કૂટીની ઝંઝટમાંથી બચી ગયો. પણ મુસીબત એમ કંઈ પીછો છોડે? નાનકો પોતાની સીડી ટેસ્ટ કરવા એક સીડી એટલે કે ડિસ્ક લેવા આવ્યો.
“પપ્પા, પેલી સીડી ક્યાં મૂકી છે?”

“એ સ્ટોર રૂમમાં માળિયાને ટેકવીને જ મૂકી છે. લઈ જા.” મેં સમજ્યા વગર જ ઉત્તર આપ્યો.
“એ નહીં હવે, તમે બી શું. હું તો પેલી એ.આર.રહેમાનવાળી સીડીની વાત કરું છું.”
“મને શું ખબર? શોધી લે તારી મેડે.”

નાનકો ડિસ્ક શોધવા બીજા રૂમમાં ગયો અને મુસીબત સામે ચાલીને આવી. પારેખભાઈએ બારણું ખખડાવ્યું, મારા બધા અંગોમાં ઝણઝણાટી થઈ ગઈ. ગાત્રો શિથિલ થવા માંડ્યા. જેનો ડર હતો એ જ થયું. મારી મહેનત પર પાણી ફરી વળ્યું.
“૫૦૦ના છુટા આપો ને બોસ. ધોબી આવ્યો છે.”

મને થયું તે ૫૦૦ના છુટા માંગીને મારી છૂટી કરી નાખી. શ્રીમતીજી તો પારેખભાઈને જોઈને તરત કૂદ્યા. “શું પારેખભાઈ તમે તો કંઈ સ્કૂટી શીખી લીધું ને!”

“હા બેન, સમય સાથે તો ચાલવું જ પડેને. બીજું કશું નહિ પાણ દેવદર્શન કરવા તો જવાય.”
“હાસ્તો વળી, આ તમારા ભાઈને સમજાવો. આજથી જ એમને શીખવાડવાનો શુભારંભ કરવાનો છે. પણ કોણ જાણે કેમ બધું ભૂલવાડી દીધું.”

પારેખે સલાહ આપવાનું ચાલુ કર્યું, “શીખી લે ને યાર, કંઈ નથી. બે દિવસમાં આવડી જાય. બહુ બહુ તો એક વાર પડાય. પણ પછી આવડી જાય.”
એ સમજાવતો હતો કે ગભરાવતો હતો એ જ મને સમજણ ન પડી. ત્યાં તો રૂમમાંથી નાનકો પણ બહાર આવ્યો. તેની પણ લાઈટ ઝબકી. “ચાલો હવે કશા બહાના નહીં ચાલે. મને લાગે છે શીખવામાંથી છટકવા માટે જ તમે અમને બધાને વિદાય કરવાનો પ્લાન બનાવ્યો લાગે છે.”

હું શું બોલું? શ્રીમતીજીએ ટીવી બંધ કર્યું. પારેખભાઈ તો ક્યારના છૂટાછેડા આઈ મીન છુટા લઈને વિદાય થઈ ગયેલા.
“પણ તારી સ્પ્રીન્ચી ફ્રિન્ચી…” મેં કંઈક ભળતા જ નામનો ઉચ્ચાર કર્યો.

“ભાડમાં ગઈ સ્પ્રીન્ચી ફ્રિન્ચી.” શ્રીમતીજી તાડૂક્યાં અને ઉમેર્યું. “એ બધું પાણી પીને પહેલવાન ના બનાય.”
બંને જણ આગળ મારું કંઈ ચાલ્યું નહીં. નાનકાએ મને અંતે હાથ ઝાલીને સ્કૂટી પર બેસાડી દીધો.

મારું વાહનાવરોહણ ચાલુ થયું. જિંદગીભર કોઈ વાહન ચલાવેલું નહીં. હા, એક માત્ર સાઇકલ ઓટલો પકડી પકડીને ચલાવેલી. જાહેરાતમાં ખાલી વાહનો પર નજર માર્યા કરું પણ ચલાવવાની કદી હિંમત નહીં. ધર્મેન્દ્રની પેલી રાજદૂતની જાહેરાત “જાનદાર સવારી… શાનદાર સવારી…” એ કાયમ જોયા કરું. પણ આ આજની સવારી મારી જાનદાર (કે જાનલેવા) થશે કે શાનદાર થશે એમ અંદર-અંદર ગભરાયા કરું.
“ગભરાવાનું નહીં.” નાનકાએ ગભરાઈ જવાય એવી બૂમ પાડી.

નાનકાએ મને સ્કૂટીના જુદા જુદા ભાગોની ઓળખાણ કરાવી. એમાં બ્રેકની ઓળખાણ બે વાર કરાવી. એ પછી લાઈટો, સ્વીચો, જુદા જુદા કાંટાઓ, સ્પીડ લિમિટ વગેરે વિશે વિસ્તૃત સમજ આપી. અમારો વાર્તાલાપ સાંભાળી આડોશી-પાડોશી ભેગાં થયાં.
“શું વાત છે મિ. શાહ, તમે અને સ્કૂટી?”

આ બધાના ભાવાર્થો મને સમજાણા નહીં. મારું ધ્યાન હમણાં ‘જાણકારી એ જ બચાવ’ એવા સૂત્રને વાગોળવામાં રહેલું. ત્યાં તો નાનકો પાછળ બેસી ગયો અને બોલ્યો, “હેંડો ત્યારે.”
“બસ આટલું જ!” મેં કૂતુહલથી એની સામે જોયું. મને એમ કે એ હજી Users Manual લાવીને બતાવશે એટલે આજનો દિવસ આઈ મીન રાત તો Introducionમાં વીતી જશે.

“તો કેટલું હોય. તમતમારે ચાંપ દબાવીને ચાલુ કરો. આગળ બધું દેખ્યું જશે.”
બધુ દેખ્યું જશે એવા દ્વિઅર્થી વાક્યોએ મને ઔર ગભરાવ્યો. મેં થોડું એક્સીલેટર આપ્યું.

“આટલા એક્સીલેટરે તો કાંકરો પણ નહીં હાલે.” નાનકો પાછળથી બોલ્યો. મેં બરાબર એક્સીલેટરનો નોબ ફેરવી નાખ્યો. સ્કૂટી જોરથી ભાગ્યું.
“બસ… બસ… ધીમે… આ શું કરો છો? આટલું બધું એક્સીલેટર એક સાથે અલાતું હશે…”

“તે તો કહ્યું હતું કે કાંકરાય નહીં હાલે.”
“આમાં તો આપણેય હાલી જઈશું. જરા મધ્યમ ગતિથી ચાલો.” સરકસના ખેલની જેમ ચારેબાજુ પ્રોત્સાહિત કરવા અમારી સોસાયટીના લોકો ઊભા હતા. આમ પણ અમારી સોસાયટીમાં નવરા બહુ!

ગમે તેવા પથરા આવે, સાંકડામાં સાંકડી જગ્યા આવે, ઈંટો અથડાય પણ મેં મારા પગ હજી ઉપર લીધા નહોતા. નાવડી ચાલે તોય જેમ બે હલેસાં પાણીમાં ડૂબેલાં રહે એમ મારા પગ જમીનને જ અડકેલા જ રહેતા. ગોળ ગોળ ચક્કર મારતો જાઉં અને પારેખને ગાળો દેતો જાઉં.
“હવે પગ ઉપર લઈ લો.” નાનકો બોલ્યો.

“તો પછી બાકી શું બચશે?”
“બાકી એટલે? આમ બાબાગાડીની જેમ થોડું ચલાવાય?”

“હજી તો આજે પહેલો દિવસ છે. પહેલા દિવસે બધું થોડી આવડી જાય?”
“તો આપણે સ્કૂટી જ ચલાવવાનું છે. સ્પેસ શટલ નથી ચલાવવાનું.” નાનકાએ પરાણે પગ ઉપર લેવડાવ્યા.

થોડું ફેરવ્યું ત્યાં તો એક્સીલેટર પર જોર જરા વધારે અપાઈ ગયું. (પારેખના ગુસ્સામાં)
સામે હતો થાંભલો, મારું ધ્યાન નહીં.

નાનકાએ પાડી બૂમો, “પપ્પા, બ્રેક… બ્રેક…”
પણ બ્રેકની જગ્યા ભૂલાઈ ગયેલી એટલે ડાબા હાથની જગ્યાએ જમણા હાથની લૂઝ બ્રેક દબાવ્યા કરું.
નાનકાએ ઝડપથી આગળ વળી મારા ડાબા હાથની બ્રેક મારા ડાબા હાથ સાથે જ દબાવી દીધી. મારાથી ચીસ પડાઈ ગઈ.

“થાય આવું બધું, એમ કરતા આવડી જશે.”
મને પરસેવો વળી ગયો ને મનમાં થયું – “કેમ કરતા આવડશે? હારો… પારેખીયો…”

– મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “મૃગેશભાઈની ત્રીજી પુણ્યતિથિએ.. જાનદાર સવારી, શાનદાર સવારી – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.