અજનબી – બિમલ રાવલ

આમ તો બસ રાત્રે અગિયાર વાગ્યાની હતી, પણ પછી ગામથી બસસ્ટેન્ડ આવવા કોઈ વાહન ન મળે એટલે અલકા તપનને લઈને વહેલી બસસ્ટેન્ડ પર આવી ગઈ હતી. સ્ટેન્ડ હાઇવે પર હોવાથી ઉપરથી આવતી લાંબા રૂટની અમુક બસો અહીં થઈને જતી, બાકી તો લોકલ બસોજ આવતી જતી. ઉતારુઓની થોડી ઘણી અવર-જવર ચાલુ હતી. જેવી કોઈ બસ ડેપોમાં દાખલ થાય કે બધાં ઉતારુઓ દોડે, બે ચાર માણસો ઉતરે અને એકાદ બે ચડે. જે લોકોની બસ ન હોય તે થોડા નિરાશ થતાં, પણ હમણા બીજી બસ આવશે એવી આશામાં પાછા આવીને બેસી જતાં. બસનો કંડક્ટર નીચે ઉભેલા કોઈપણ માણસને એક ચબરખીમાં કઈંક લખી ને આપતો, ને બસસ્ટેન્ડની ઑફીસ કે જે બંધ હતી તેના જાળિયામાં નાખી દેવા કહેતો, કદાચ બસ ડેપોમાં ક્યારે આવી હતી તેનાં સમયની નોંધણી માટે હશે તેવુ અલકાને લાગ્યું. બસમાંથી ઉતરીને ઉતારુઓ બહાર ભાગવાની જ ઉતાવળમાં રહેતા, ને આગળ જવા માટે પોતાના જોગુ વાહન શોધી લેતા, તો વળી અમુક પગપાળા ઉપડી જતા. વળી પછી બીજી બસ આવતી ને એજ સિલસિલો.. અમુક ચડી જતાં ને અમુક બીજી બસની રાહ જોતા રહેતા.

અલકા એક બાંકડા પર બેઠાબેઠા આ બધું નિહાળી રહી. બસ આવતા બધા દોડતા પણ અલકા બેસી રહેતી, કોઈએ તેને પૂછ્યું પણ ખરું, ‘બેન, તમારે કેની પા જાવાનું છે? આમ ને આમ બેહી રહેશો તો..’

અલકાએ સ્મિત કરતાં કહ્યું, ‘મારે તો સુરત જવાનું છે, ને સુરતની એક્સપ્રેસ રાત્રે અગિયાર વાગે આવશે, આ તો પછી ગામથી અહીં આવવા કોઈ સાધન ન મળે એટલે વહેલી આવી ગઈ છું.’

પેલા પૂછનાર વડીલ થોડી વાર તેની સામે જોઈ રહ્યાં, પછી કહ્યું, ‘ઓહ.. ઘણે લાંબે જવાનું છે, પણ દીકરી સાડાનવની છેલ્લી બસ જતી રહ્યા પછી સ્ટેન્ડ પર ભાગ્યેજ કોઈ જોવા મળશે, અગિયાર વાગ્યા સુધી એકલી રાહ જોઈને તું કંટાળી જઈશ.’

અત્યાર સુધી બસસ્ટેન્ડની ચહલપહલ જોઈને સમય પસાર કરતી અલકા એક્દમ ચમકી ગઈ. તેને ખ્યાલ આવ્યો કે આ વિષે તો એણે વિચાર સુદ્ધાં નહોતો કર્યો. તેને થોડી ગભરામણ પણ થવા લાગી, તેની આંખ સામે રાતનો અંધકાર અને પોતે એકલી બસસ્ટેન્ડ પર બેઠી છે તેવું ચિત્ર ખડું થઈ ગયું. તેનું મન કંઈં કેટલાય અજ્ઞાત વિચારોથી ઘેરાઈ ગયું. ધીરે ધીરે રાત સંધ્યા પર ભરડો લઇ રહી હતી અને જેમ જેમ અંધકાર વધતો જતો હતો તેમ સ્ટેન્ડ પરની ચહલપહલ ઓછી થઈ રહી હતી.

અલકાએ ઘડિયાળમાં જોયુ, સાડા આઠ વાગવા આવ્યા હતા, હવે સ્ટેન્ડ પર પોતે, તપન અને પેલા કાકા રહ્યા હતા. થોડી વાર થઈ ત્યાં એક છ ફુટ લાંબો કદાવાર માણસ સ્ટેન્ડમાં દાખલ થયો, તેના હાથમાં એક મોટુ પોટલું હતું, એ અલકા બેઠી હતી તે બાંકડા પાસે આવ્યો ને બાંકડા પર પોટલું મૂકી આમતેમ જોવા લાગ્યો. તેનો વાન ઘઉંવર્ણો હતો, વાળ વાંકડીયા હતાં, આમ કંઈં એ બિહામણો નહોતો લાગતો પણ કોણ જાણે કેમ અલકા આ અજનબીને જોઈને છળી ગઈ. થોડી વાર થઈ ત્યાં એ અજનબી અલકા તરફ જોઈને બોલ્યો, ‘બહેનજી, જરા સામાનકા ખયાલ રખના, મેં અભી આયા.’

અલકા ડરેલી હતી, તેને કાંઈં સૂઝ્યું નહીં, તેણે હકારમાં માથુ ધુણાવી દીધું. એ માણસ ત્યાંથી થોડે દૂર ઉભા ઉભા બીડી પી રહેલા પેલા કાકા પાસે ગયો, કંઈંક વાત કરી અને સ્ટેન્ડની બહાર નીકળી ગયો. અલકાની ગભરામણ વધી ગઈ, તેને થયું આ તો પોટલું મૂકીને જતો રહ્યો. અલકાનું મગજ ચકરાવે ચડી ગયું, તેણે પોટલા સામે જોયુ, શરીરમાં ભયનું લખલખુ પસાર થઈ ગયું. મનમા સવાલ થયો, આ પોટલામાં શું હશે? પોતાના વિચારથી બીજી જ ક્ષણે તે થથરી ગઈ, કોઈ આતંકવાદી તો નહી હોય ને! વાતાવરણમાં ઠંડક હોવા છતાં તેના કપાળે પરસેવો વળી ગયો.

કાકાનો અવાજ સાંભળીને તે ઝબકી, કાકા કહી રહ્યાં હતા, ‘દીકરી પેલો ભાઈ છે ને તે સાડાનવની બસમાં જવાનો છે, ત્યાં સુધી તને સંગાથ રહેશે.’ કાકાની વાત પરથી અલકાને સહેજ શાંતિ વળી કે તે માણસ આતંકવાદી તો નથી, ને પાછો આવશે ખરો. ત્યાંજ એક બસ દાખલ થઈ, બસની લાઇટથી આંખો અંજાઈ ગઈ, પેલા કાકા ‘ચાલ દીકરી, મારી બસ આવી ગઈ.’ એમ કહી દોડીને બસ તરફ દોડ્યા. કંડક્ટરે કાકાને ચબરખી આપી, કાકા ચબરખીને ઑફીસના જાળિયામાં નાખી બસમાં ચડી ગયા. હવે સ્ટેન્ડ પર માત્ર અલકા, તપન અને પેલા અજનબીનું પોટલું રહ્યા.

અલકાને એકલતા, નિરવ શાંતિ અને ડરને કારણે ધ્રુજારી આવી ગઈ, તેણે આમતેમ નજર દોડાવી, સ્ટેન્ડમાં લાઇટ હતી તે એક માત્ર ઉજાસ હતો, બાકી ચોતરફ અંધકારે સામ્રાજ્ય જમાવી દીધુ હતું. ચહલપહલ ઓછી થવાથી હવે પવનના સુસવાટા પણ ચોખ્ખા સંભળાતાં હતા. તેને થયું કે પેલો અજનબી તેને નુકસાન તો નહીં પહોંચાડે ને, તેના મગજમાં જાત જાતના ખરાબ વિચારો આવવા માંડ્યા, ત્યાં જ તપન બોલ્યો, ‘મમ્મી ભૂખ લાગી છે ને તરસ પણ લાગી છે.’

સાત વરસના તપનનો અવાજ સાંભળી અલકા સહેજ ચમકી પણ પછી તેના મનને આશ્વાસન મળ્યું કે તે સાવ એકલી નથી. ડૂબતો માણસ તણખલું પકડે તેમ.. અલકાને પણ ખબર હતી કે સાત વરસનો તપન તેને કોઈ મુસીબત આવી તો શું મદદ કરવાનો! પણ મનમાં એક વાતની શાંતિ થઈ કે કોઈ છે તેની સાથે. અલકાએ તેને પર્સમાંથી નાસ્તાનો ડબ્બો કાઢી આપ્યો અને કહ્યું, ‘પાણી નાસ્તો કરીને પીજે, એકજ બોટલ છે, ને આખી રાત બસમાં કાઢવાની છે.’

આટલું બોલી કે તેના કાને અવાજ અથડાયો, ‘અરે બહેનજી, ક્યૂં બચ્ચેકો પાની કે લિયે મના કર રહી હો? યહાં સ્ટેન્ડ કે બાહર એક છોટા ગલ્લા હૈ, વહાં પાનીબોટલ મિલતી હૈ.’ અલકા તેને જોઈને ચમકી ને થોડી બઘવાઈ પણ ગઈ. પોતાની ગભરાહટ છુપાવવાની કોશિશ સાથે તેણે કહ્યું, ‘નહીં, ઈતના કાફી હૈ.’

પેલા માણસે થોડી વાર આમ તેમ આંટા માર્યા પછી બાંકડા પર આવીને બેસી ગયો. તેની અને અલકાની વચ્ચે પેલું પોટલું પડ્યું હતું. વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અલકાએ બેગમાંથી સ્વેટર કાઢી તપનને પહેરાવ્યું, અને પછી પોતે પણ પહેરી લીધું. પેલા માણસે તપન સામે જોઈને પૂછ્યું, ‘કહાં જા રહે હો આપલોગ?’

તપને મમ્મી સામે જોયુ, અલકાને થયું કે આને પોતે સુરત જાય છે તેવુ નથી કહેવુ, ત્યાં જ તપન બોલ્યો, ‘સુરત.’

‘ઓહો, સુરત..’ અલકાને તેની આંખોમાં અનોખા ભાવ દેખાયા, જાણે તે મનમા કંઈક ગોઠવતો લાગે છે. ઘડિયાળમાં જોયું, સાડા નવમાં પાંચ મિનિટની વાર હતી. તેને હવે રાહ હતી તો સાડાનવની બસની, ક્યારે બસ આવે ને ક્યારે આ તેમા બેસીને અહીંથી રવાના થઈ જાય. અંતે સાડાનવની બસ આવી, પણ અલકાના આશ્ચર્ય વચ્ચે પેલો ત્યાંથી હલ્યો પણ નહીં. કંડક્ટરે તેને ઈશારો કરી ચબરખી નાખવાં કહ્યું, તે ઉભો થયો, ચબરખી લીધી અને ઑફીસના જાળિયામાંથી અંદર નાંખી દીધી. અલકાને થયું, તેને યાદ અપાવે કે ભાઈ તારી બસ જાય છે, પણ તેણે એ ન કર્યું. બસ ઘરઘરાટી કરતી ઉપડી ગઈ. એન્જિનનના ધુમાડાને કારણે વાતવરણમાં વ્યાપેલી ક્ષણિક ગરમી વળી પાછી ઠંડકમાં થીજી ગઈ. હવે અલકાને ખરેખર ખૂબ ગભરામણ થવા લાગી. તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો, ઘરેથી નીકળતી વખતે કાકીએ કહ્યું હતું, ‘રાતની બસમાં શું કામ જવું છે, સવારે પણ એક બસ ઉપરથી આવે છે એમા જતી રહેજે.’ પણ અલકાને સવાર સુધીમાં સુરત પહોંચી જવું હતું એટલે તેણે કાકીની સલાહ અવગણી ને સાંજે જ નીકળી ગઈ. પણ હવે હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો. આલ્કા તપનને સોડમાં લઈ પોતાની ગભરામણ સંતાડવાની નિષ્ફળ મથામણ કરી રહી હતી. પેલો માણસ તેને જોઈને થોડું હસ્યો, પણ અલકાએ તેને કોઈ પ્રતિભાવ ન આપ્યો. વાતાવરણમાં સન્નાટો હતો, પવનના સૂસવાટા અને બહાર હાઇવેપરથી એકલદોકલ વાહનોના અવાજ સિવાય ફક્ત અલકાના ઝડપથી ચાલતાં શ્વાસોચ્છવાસ ગૂંજી રહ્યાં. તપન અલકાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો હતો. અલકાએ ઘડિયાળમાં જોયું, દસ વાગ્યા હતા, અલકાને ખાતરી થઈ ગઈ હતી કે આ અજનબીએ કઈંક ગરબડ કરવાનાં ઈરાદાથીજ સાડાનવની બસ જતી કરી છે. તે ઈશ્વરને પ્રાર્થના કરી રહી કે બસ આ એક કલાક હેમખેમ પસાર થઈ જાય.

થોડો સમય પસાર થયો હશે ત્યાં પેલો અલકાની નજીક આવ્યો, એ સાવધ થઈ ગઈ, તેણે અલકાને કહ્યું, ‘મેં આતા હું.’ અને તે સ્ટેન્ડની બહાર નીકળ્યો. અલકાને વળી પાછા ખરાબ વિચારો આવવા માંડ્યા, તેને થયું નક્કી એ પોતાના સાથીદારોને બોલાવવાં ગયો છે. એકવાર તો તેને વિચાર આવ્યો કે તપનને લઈને ત્યાંથી ભાગી જાય, હાઇ-વે પર જતા આવતા કોઈ વાહન ઉભું રાખી નજીકના કોઈ ગામમાં આશરો લેવા જતી રહે, પણ તેને સુરત પહોંચવું પણ ખૂબ જરૂરી હતું, ઑફીસની ખૂબ અગત્યની મિટીંગ હતી. થોડી વાર થઈ ત્યાં પેલો માણસ સ્ટેન્ડમાં દાખલ થયો, તેના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી. તે બાંકડા પાસે આવ્યો અને અલકા સામે જોઈ સ્મિત કર્યુ ને કહ્યું, ‘બચ્ચા સો ગયા, અચ્છા હૈ, થક ગયા હોગા..’ આટલુ બોલી તે પાછો બાંકડા પર બેસી ગયો. અલકા ડર છુપાવવાની મથામણમાં મૌન જ રહી. આમ ને આમ સમય પસાર થતો ગયો. અલકાને સમજાતુ નહોતું કે પેલાના મનમાં શું ચાલી રહ્યું છે? એ ફરી ફરીને બસસ્ટેન્ડના પ્રવેશ તરફ જોતો હતો. અલકાને થયું નક્કી તેના કોઈ સાથીદારની રાહ જોતો લાગે છે.

ભારેખમ વાતાવરણને તોડતા પેલાએ કહ્યું, ‘બસ અબ દસ પન્દ્રહ મિનિટમેં આપકી બસ આ જાએગી.’

અલકા અચંબિત થઈ ગઈ, ઘડિયાળમાં જોયું ને તેના માનમાં હાશકારાની નાની લહેરખી દોડી ગઈ, પોણા અગિયાર વાગ્યા હતા. થોડી જ વારમાં બસ આવશે અને તે આ ડરના ઓથારમાંથી મુક્ત થઈ જશે. થોડીક જ મિનિટોમાં બસની ઘરઘરાટી સંભળાઈ, અલકાએ ફટાફટ તપનને ઉઠાડ્યો, સામાન લેવા જતી હતી ત્યાં પેલા માણસે બેગ લઈ લીધી, ને કહે, ‘આપ બસમેં બૈઠ જાઓ, બેગ મેં ચડા દેતા હું.’ બસ જોઈને અલકામાં થોડી હિંમત આવી ગઈ, તેણે કંઈં વાંધો ન લીધો ને તપનને લઈને બસમાં ચડી ગઈ. પેલો બસમાં ચડ્યો, અલકાની બેગ ઉપર ખાનામાં ગોઠવી દીધી ને નીચે ઉતારવા લાગ્યો. કંડક્ટરે તેને પેલી ઑફીસમાં નાખવા ચબરખી પકડાવી દીધી.

અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય એમ કંડક્ટરને કહ્યું, ‘એક મિનિટ રોકના..’ અને દોડતો બાંકડા પાસે ગયો. પોટલું ખોલી તેમાંથી કંઈંક કાઢ્યું અને પેલી પ્લાસ્ટિકની થેલી લઈને બસમાં પરત આવ્યો. અલકા તરફ થેલી લંબાવતા બોલ્યો, ‘બહેનજી, યે રખીએ, પાનીકી બોટલ હૈ, ઔર વેફરકા પૅકેટ હૈ, બચ્ચે કે લીયે.. ઔર યે..’ તેના હાથમાં શાલ હતી. અલકાએ કહ્યું, ‘યે ક્યા?’ તે કહે, ‘બહેનજી, મેં ઘરઘર જાકર ગરમ કપડે બેચતા હું, ઠંડ જ્યાદા હૈં, શાલ આપકો રસ્તેમે કામ લગેગી..’

અલકાનું મગજ બહેર મારી ગયું, તેને થયું કે પોતે છેલ્લા બે કલાકથી આ માણસ વિષે શું નું શું વિચારતી રહી, ને આ તો.. પેલો તપનના ગાલ પર હળવી ટપલી મારી નીચે ઉતરી ગયો. કંડક્ટરે તેને પૂછયું, ‘અરે ભાઈ, કેમ ઉતરો છો? હવે તો કોઈ બસ પણ નહીં આવે?’ જવાબમાં તેણે કહ્યું, ‘સાહબજી, હમારા બસ તો કબકા ચલા ગયા, યહ તો બહેનજી અકેલી થી ઓર ગભરા રહી થી ઈસી લિયે હમ રૂક ગયા. અબ તો સુબહકી બસ મેં હી ઘર જાઉંગા.’
કંડક્ટરે તેના એસ.ટી. અંદાજમાં ધડામ દઈને દરવાજો બંધ કર્યો ને અલકાનું મગજ એ થડકારે ચેતનવંતુ થયું. તેને પોતાની જાત ઉપર શરમ આવી રહી, જે માણસ માટે તે આટલું નીચું વિચારતી રહી એ અજનબી હકીકતમાં તેને મદદ કરવા આખી રાત આવી ઠંડીમાં બસસ્ટેન્ડમાં સૂઈ રહેશે અને સવારે પોતાના રસ્તે જશે. તેની નજર એક અજનબી ભાઈએ આપેલી શાલ પર સ્થિર થઈ ગઈ, તપન શાલ ઓઢીને તેના ખોળામાં માથુ નાખીને સૂઈ ગયો હતો. અલકાની પાંપણ પરથી એક અશ્રુબિંદુ સરીને શાલ પર પડ્યું અને એમાં શોષાઈ ગયું.

– બિમલ રાવલ
સંપર્ક – બી ૧૩, સીએલપી ટાઉનશિપ, ગામ પગુથાણ, જી. ભરુચ. મો. ૯૮૨૪૧૨૧૭૦૧


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મૃગેશભાઈની ત્રીજી પુણ્યતિથિએ.. જાનદાર સવારી, શાનદાર સવારી – મૃગેશ શાહ
બાકોરું – ધરમાભાઈ શ્રીમાળી Next »   

16 પ્રતિભાવો : અજનબી – બિમલ રાવલ

 1. sandip says:

  ખુબ સરસ વાર્તા ……

  આભાર્…………….

 2. સુબોધભાઇ says:

  આપણા ભારતમા જ મહદ્ અંશે આવા બનાવો બનતા હોય છે. માટે જ કહી શકાય કે ” ઇટ હેપન્સ ઑન્લી ઈન ઈન્ડિયા ‘ . ખૂબ સરસ વાત.

 3. Sheela Patel says:

  Good story

 4. Arvind Patel says:

  ભય કરતા કાલ્પનિક ભય વધુ ખરાબ છે. સંકટ સમયે વ્યક્તિ નકારાત્મક વધારે વિચારે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. દરેક વ્યકિએ એક અભ્યાસ કરવો જોઈએ. હકારાત્મક વિચારોમાં કેવી રીતે રહેવું. કાલ્પનિક ભય થી દૂર કેમ થવું. આવું દરેકના જીવનમાં બનતું હોય છે. હકારાત્મક વિચારોમાં રહેવું. આમ થવાથી, ભય ની સામે અડગ ઉભા રહેવાની શક્તિ આપોઆપ આવી જશે.

 5. વાર્તા એકદમ રસપ્રદ. નકારાત્મક વિચાર હંમેશા પહેલાં જ આવે. જોકે અતિ-આત્મવિશ્વાસ થી પણ નુકસાન છે જ.

 6. અતિ સુંદર વર્ણન, એક ક્ષણ માટે પણ વાર્તા મુકવાનું મન ના થાય તેવું.
  આભાર…

  જગદીશ કરંગીયા ‘સમય’
  https://jagdishkarangiya.wordpress.com/

 7. pritesh patel says:

  aaj ni ledi a sikhva jevi vaat che
  darek ne khotu samjva ni bhul na thay

  good story

  thanks.

 8. Harivadan Doshi says:

  Do not go by appearance.

 9. Khushbu Mehta says:

  Nice story.

 10. SHARAD says:

  PAROPAKARI AJNBI , NAKARATMAK VICHARO NI SAME NAVOJ ANUBHAV KARAVE CHHE. YUVTI ANE BALAKNI SAMBHAL LEVA JANE ISHAWAR NO AWTAR !

 11. tia says:

  અલકા ના સારા નસીબે અજનબી ભાઈ સજ્જન નીક્ળ્યા, નહિંતર નારી આવા રાત્રીના અંધકાર માં બરબાદ થઇ જાય છે. સાવચેત થઈ ને જોખમી પગલુ (રાત્રી ની સફર) લેતા પહેલા બધી શક્યતા ને નજર માં રાખવી જ જોઈએ.

 12. krishna says:

  nice story……koi ne b janya vagar ana vise khotu k khrab na vicharay

 13. ખુબ સરસ વાર્તા ……

 14. SHAILENDRA SHAH says:

  Very heart touching story.In today’s time it is difficult to judge good or bad person in Night journey.

 15. Kalidas V. Patel {Vagosana} says:

  બિમલભાઈ,
  સરસ વાર્તા આપી.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.