ભાઈ એન્ડ બા વીથ ગોડ એટ જી-મેલ ડોટ કોમ – રાહુલ શુક્લ

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

વિજયના વાળ નાની ઉંમરે સફેદ થઈ ગયા હતા, વર્ષોથી હેરડાઈ કરવાની શરૂ કરી હતી, પણ ૬૦ વર્ષ થયાં ત્યારે વાળ ડાઈ કરી કરીને કંટાળી ગયો હતો. પત્ની સુજાતાને કહે, ‘બસ હવે મારે મારી ઉંમરને સ્વીકારી લેવી છે.’ દર મહિનાની આ માથાકૂટથી કંટાળેલો વિજય સુજાતાને હજુ સમજાવી શકે તેમ હતો, પણ ભાઈ અને બા પાસે એનું કાંઈ ચાલતું નહીં.

વિજય નાનપણથી જ એના પિતાને ભાઈ કહેતો, અને માતાને બહેન. પણ અમેરિકા આવ્યા પછી વિજયને ત્યાં દીકરો રોહન જન્મ્યો તો ભારત ફોન કરે ત્યારે રોહને ‘બહેન’ને બા કહેવાનું શરૂ કર્યું હતું.

વિજયે જ્યારે ભારત છોડ્યું ત્યારે ભાઈને પચાસ વર્ષ થયાં હતાં. ભાઈ અને બા બંને ખૂબ ભણેલાં. સાહિત્યના શોખીન. વિજય ચાર વર્ષનો હતો ત્યારથી બા એને વાર્તાઓ કહેતાં, કેટલાંય ઉખાણાંઓ પૂછતાં. જ્યારે વિજય તોફાન કરે કે મજાક કરે ત્યારે ઉમળકાથી ખડખડાટ હસતાં. ભાઈ પાસેથી વિજય ફોટોગ્રાફી શીખતો, ભાઈ સાહિત્યકાર પણ હતા. એમના સાહિત્યના શોખને લીધે જ ઘરમાં સાહિત્યકારો મહેમાન થઈને આવતા. વિજયને સંસ્કૃતિનો વારસો નાનપણથી જ મા-બાપે આપ્યો હતો. પણ વર્ષો જતાં હવે ભાઈ અને બા વૃદ્ધ થઈ ગયાં હતાં. પણ વિજયને ક્યારેય એમની ઉંમર વધતી જણાઈ નહોતી. દર બીજા દિવસે ફોનથી ભારત રહેતાં ભાઈ, બા સાથે વિજય, સુજાતા અને રોહન વાતો કરતાં. છેલ્લાં આઠ વર્ષથી વિજયે એની અમેરિકન કંપનીની શાખા ભારતમાં ખોલી હતી. આથી અવારનવાર તે ભાઈ-બા સાથે રહી આવતો. ભાઈ અને બા ૫૦ વર્ષથી ૮૨ અને ૮૪ વર્ષનાં ક્યારે થઈ ગયાં તેની વિજયને કાંઈ જ ખબર પડી નહોતી.

અમેરિકામાં પોતાની જિંદગીમાં કોઈ પણ નવી વાત બને કે વિજયને પહેલો વિચાર આવે કે ફોન કરીને ભાઈ અને બાને ક્યારે જણાવે. અને આમ કરવાથી વિજયને પોતાની વધતી જતી ઉંમરનો ખ્યાલ આવતો નહોતો. એક વાર વિજય ભારતમાં ભાઈ અને બાની સાથે ઘેર હતો અને અચાનક ઊલટી થઈ અને તાવ આવ્યો, તો ૭૫ વર્ષનાં બા વિજયનું માથું દાબી આપવા બેઠાં. ‘બા બીજા કરશે, તમે શું કામ આ ઉંમરે હેરાન થાવ છો?’ વિજયે કહ્યું હતું, ‘બીજા તારી બા છે કે હું?’ બાએ હસતાં હસતાં જવાબ દીધો હતો.

અને આમ બા અને ભાઈનાં લાંબા જીવનના કારણે વિજયનું બાળપણ જાણે સચવાઈ રહ્યું હતું. જ્યારે વિજયે હેર-ડાઈ કરવી બંધ કરી દીધી ત્યારે ભાઈએ વિજયના ફેઈસ-બુકમાં ફોટા જોયા તો તરત ફોન કર્યો. ‘હેર ડાઈ ચાલુ કરી દે.’ પછી કહે, ‘આવા સફેદ વાળમાં તું મારા દીકરા જેવો નથી લાગતો.’

‘પણ ભાઈ, ક્યાં સુધી?’

તો ભાઈ કહે, ‘જીવીએ ત્યાં સુધી. હું હજુ ડાઈ કરું જ છું ને!’

વર્ષો પહેલાં વિજય કૉલેજમાં ભણતો, ત્યારે જાત જાતની સ્પર્ધાઓમાં ભાગ લેતો. કોઈમાં પ્રથમ ઈનામ મળે તો પોસ્ટ ઑફિસે દોડી જઈ ઓછામાં ઓછા શબ્દો થાય તેવી રીતે ભાઈ અને બાને તાર કરી દેતો ‘ફર્સ્ટ પ્રાઈઝ ઈન ડીબેટિંગ’, કૉલેજનું પરિણામ આવે અને વિજયનું સરસ પરિણામ હોય તો બા પેંડાનાં પડીકાં લઈ પાડોશીઓને આપવા જતાં. ‘અમારો વિજય યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો છે!’

અને પછી તો વિજય આધેડ ઉંમરનો થયો તોય વિજયની એ ટેવ ન ગઈ કે કાંઈ પણ સમાચાર એની જિંદગીમાં બને તો તરત ભાઈ અને બાને સમાચાર આપી દેવા.

જ્યારે વિજય અમેરિકામાં જાણીતો ઉદ્યોગપતિ બની ગયો તો, કોઈ કોઈ વાર અમેરિકાનાં છાપાંમાં એની ઉપર લેખો આવતા, વિજય તરત જ એને સ્કેન કરીને ભાઈ અને બાને મોકલી દેતો. એના મિત્રને વિજય એક વાર કહેતો હતો, ‘મારી આટલી ઉંમર થઈ છે તોય ભાઈ અને બાની શાબાશી લેવાની ટેવ જતી નથી.’

એક વાર એરઈન્ડિયાની ફ્લાઈટમાં ભારતથી પાછો આવતો હતો ત્યારે વિજયે એર-હોસ્ટેસને કહ્યું, ‘ક્યારેય ૭૪૭ની કોકપીટ અંદરથી નથી જોઈ. હું તો એના પાર્ટ્‍સ બનાવું છું. તો શકય હોય તો મને કોકપીટમાં લઈ જાવ.’

પ્લેઈન ટેઈક-ઑફ થયાને અર્ધી કલાક થઈ ત્યાં એર-હોસ્ટેસ વિજય પાસે આવી અને કહે, ‘મિસ્ટર દેસાઈ, કૅપ્ટન ભાટિયા વીલ સી યુ ઈન કૅબિન.’

વિજયે કૅપ્ટન ભાટિયાની બાજુની સીટમાં બેસી એક કલાક સુધી પ્લેઈનની ઉડાન કૅબિનમાંથી જોઈ. ઘેર પહોંચ્યો અને હજુ તો સામાન પણ ખોલ્યો ત્યાં એણે ભારત ફોન જોડ્યો. ‘ભાઈ, તમે નહીં માનો, મેં સહ-કૅપ્ટનની ચેરમાં બેસી એક કલાક સુધી ૭૪૭ના ઉડાનમાં જાણે કૅપ્ટનને મદદ કરી.’ ૫૭ વર્ષના વિજયના અવાજમાં ૧૨ વર્ષના બાળક જેવી તત્પરતા હતી. વિજય પોતાની ફૅક્ટરીમાં બધાને ગૌરવથી કહેતો, ‘મારા ફાધર ૭૫ વર્ષે કમ્પ્યૂટર શીખ્યા હતા અને એંશી વર્ષે ફેઈસ-બુક વાપરે છે, અને જી-મેઈલ પર ઈમેલ મેળવે છે અને મોકલે છે.’

પછી બાની તબિયત ધીમે ધીમે કથળતી જતી હતી. ઝાડામાં લોહી પડે તે ક્યારેક તો મહિના સુધી બંધ ન થાય. વિજય અને સુજાતા દોડીને ભારત પહોંચી ગયાં. પણ ૮૨ વર્ષની ઉંમરે બા એક દિવસ દુનિયા છોડીને ચાલી ગઈ. ભાઈ ભાંગી પડ્યા. એમની તબિયત ૮૪ વર્ષેય વિજય કરતાં સારી હતી. પણ બાના ગયાનું કારમું કલ્પાંત મહિનાઓ સુધી કર્યું. વિજયને રોજ વહેલી સવારે ફોન કરે અને રડે, ‘તું ક્યારે પાછો ભારત આવે છે?’ એમ પૂછ્યા કરે.

અને ૬ મહિના પછી મોડી રાત્રે ભારતથી ફોન આવ્યો, ભાઈને ઈન્ફેક્શન થયું છે, કોમામાં ચાલ્યા ગયા છે. વિજય અને સુજાતા બીજા દિવસની ફ્લાઈટમાં પહોંચી ગયાં. પણ ભાઈએ હૉસ્પિટલમાં જીવ છોડી દીધો.

વિજયની દુનિયામાં અંધારું થઈ ગયું, હૉસ્પિટલના ચોગાનમાં એ એના મિત્ર સાથે ઉદાસ આંખે ઊભો હતો અને મિત્રએ કહ્યું, ‘વિજય ગઈ કાલ સુધી તું યુવાન હતો, હવે બા અને ભાઈના જવાથી તું ઘરડો થઈ ગયો.’

ભારતમાં મૃત્યુ પછીની બધી ક્રિયાઓ વિજયે એક જવાબદાર બિઝનેસમેનની જેમ પતાવી. પછી ઘરના બધા નોકર-ચાકરને રજા દઈને ઘર બંધ કરી વિજય અમેરિકા પાછો આવ્યો.

એને દર બીજા દિવસે વહેલે સવારે ફોન આવતા હતા તે બંધ થઈ ગયા. વિજય રોજ સાંજે પાછળની ડેક પર બેસીને આકાશ સામે તાકી રહેતો. રોજ રડે. હવે લાઈફમાં કાંઈ બને તો કોઈ પાસે ફુલાવાનું રહ્યું નહીં, વિજયને થતું હતું.

સુજાતા વિજયને અવારનવાર રડતો જોઈ ખૂબ આશ્વાસન આપતી. કહે, ‘વિજય, તું આટલો હોશિયાર છે અને કેમ સમજતો નથી?’ વિજય કહેતો, ‘મને ભાઈના મનોબળમાં ખૂબ ભરોસો હતો, મને હતું કે ભગવાન જોડે રકઝક કરીને પણ ભાઈ રોકાઈ ગયા હોત.’

પછી સુજાતાથી ખાનગી રાખીને વિજયે સાઈક્રિઆટ્રીસ્ટને કહ્યું, ‘નાનીમોટી સફળતાઓની વિગત ભાઈને આપવામાં આનંદ હતો. છાપામાં ફોટા આવે કે કોઈ ઍવોર્ડ મળે એનો આનંદ કાંઈ નહોતો, પણ તે પછી ભાઈ પીઠ થાબડે ત્યારે થતું કે મેં કાંઈક સારું કામ કર્યું છે. ભાઈ વગર મારો સફળતા માપવાનો માપ-દંડ જતો રહ્યો છે.’

સાઈક્રિઆટ્રીસ્ટ કહે, ‘મારા આટઆટલા પેશંટમાં તમે કદાચ સૌથી વધુ તેજસ્વી છો. તો તમને તો જિંદગીના કાનૂન કોઈએ ન સમજવાના હોય. જે જન્મ્યું છે તેનું મૃત્યુ નક્કી છે તે તમને ક્યાં ખબર નથી?’

તે દિવસે સાંજે વિજય ઘેર આવ્યો અને એને થયું, ભાઈ હોત તો તરત જ ફોન કરીને મેં કહ્યું હોત, ‘ભાઈ, ન્યૂયૉર્કના બહુ જાણીતો સાઈક્રિઆટ્રીસ્ટ છે, પાર્ક એવન્યુ પર મોટી પ્રેક્ટીસ છે, ભલ-ભલા ધુરંધરો એના પેશંટ હશે અને ભાઈ, તોયે એણે કહ્યું, ‘મારા આટ-આટલાઅ પેશંટમાં તમે કદાચ સૌથી વધુ તેજસ્વી છો.’

તે સાંજે વિજયને એક ગાંડો વિચાર આવ્યો. શા માટે જી-મેઈલમાં એક એકાઉન્ટ ભાઈ અને બાના નામનો ન ખોલાવીએ દઉં. કોઈનેય આવા ગાંડપણની વાત ન કરાય. પણ પછી જ્યારે પણ ભાઈ કે બાને કોઈ વાત કહેવાનું મન થાય ત્યારે એમને તે એકાઉન્ટ પર ઈ-મેઈલ લખીને મોકલી દઈશ.

સુજાતા બહાર ગઈ હતી. વિજયે જી-મેઈલની સાઈટ પર જી ન્યૂ-એકાઉન્ટનું પેઈજ ખોલ્યું. એકાઉન્ટનું નામ શું રાખવું? વિજય વિચારતો હતો. પછી એણે મનમાંથી આવ્યું તે નામ પસંદ કર્યું કે બા ઍન્ડ ભાઈ વીથ ગોડ ઍટ જી મેઈલ ડૉટ કૉમ. પાસવર્ડ વિજયે હાથે કરીને બહુ અઘરો બનાવ્યો-બાર અંગ્રેજી અક્ષર અને આંકડા કોઈ સંદર્ભો વગર ઊભા કર્યા. વિજયને ખબર હતી કે આવો પાસવર્ડ ભૂલી જાય તો પોતે એ એકાઉન્ટ ક્યારેય ખોલી નહીં શકે. પણ એને થયું, હું ક્યાં ઈ-મેઈલ વાંચવા આ એકાઉન્ટ ખોલું છું. તોય વિજયે એકાઉન્ટનું નામ અને પાસવર્ડ એક ચબરખીમાં લખીને ઘેર કમ્પ્યુટર પાસે પડેલ પ્રિન્ટરને સહેજ ઊંચું કરીને પેલી ચબરખી નીચે સરકાવી દીધી. બીજા દિવસે એની ઓફિસેથી વિજયે ઈ-મેઈલ લખી નાખી. ‘પૂ. ભાઈ અને બા,, બહુ વખતથી તમને કાંઈ સમાચાર નથી મોકલ્યા. અમે બધા ઓકે છીએ. તમારી બહુ ચિંતા થાય છે. લિ. વિજયના પ્રણામ.’

અને આજુબાજુ કોઈ જોતું નથી એ ચકાસીને વિજયે ‘સેંડ’ બટન દાબી દીધું. પછીના દિવસે વિજયે ભાઈને લખી મોકલ્યું કે પાર્ક એવન્યૂવાળા સાઈક્રિયાટ્રીસ્ટ મને સૌથી અધુ તેજસ્વી પેશંટ માને છે.

એની કંપનીને એક ઓટો પરચેઝ ઑર્ડર આવ્યો, થોડા દિવસ પછી વિજયે ઈ-મેઈલ લખી- ‘ભાઈ, આજે તો ૩ મિલિયન ડૉલરનો ઓર્ડર બુક કર્યો છે.’

અને આમ જ્યારે જ્યારે વિજયને મનમાં ઓછાપો આવતો કે ભાઈ અને બાને સમાચાર નથી આપી શકતો ત્યારે તે આમ ખાનગીમાં ઈ-મેઈલ મોકલ્યા કરતો. એણે સુજાતા કે બીજા કોઈને તો શું પણ પોતાના થેરાપિસ્ટને પણ કહ્યું નહોતું કે તે આમ મૃત્યુ પામેલાં મા-બાપને ઈ-મેઈલ મોકલે છે.

પછીના મહિને વિજયને ગળા પર સહેજ ગાંઠ જેવું દેખાયું. ડૉક્ટર કહે થાઈરોઈડ કૅન્સર હોવાની પાંચ ટકા શક્યતા છે. બાયોપ્સી કરાવી લઈએ તો સારું. સુજાતા અને વિજયનાં મનમાં ગભરાટ હતો. પણ બાયોપ્સીનું રિઝલ્ટ નૅગેટિવ આવ્યું.

બીજા જ દિવસે વિજયે ઈ-મેઈલ લખી – ‘ભાઈ અને બા, અગાઉની ઈમેઈલથી તમને મેં ખોટી ચિંતા કરાવી – પણ ગઈ કાલે ટેસ્ટ રિઝલ્ટ આવી ગયું, બધું નૉર્મલ આવ્યું છે.’

ત્રણ મહિના વીતી ગયા. તે દરમિયાન વિજયે ૩૫ ઈ-મેઈલ લખી નાખી હતી. ક્યારેક સમાચાર આપવા તો ક્યારેક મનનાં ગાંડા આવેશો વહાવી દેવા. એક વાર બા પર ઈ-મેઈલ મોકલી હતી કે, ‘પૂ. બા, તમે છેલ્લાં કેટલાંય વર્ષોથી ડાયાબિટીસને કારણે તમારી મનપસંદ વાનગીઓ ખાતાં નહોતાં, પણ હવે તો ભગવાનને કહેજો તમને રોજ સુખડી અને પૂરણપોળી ખવડાવે.’

આવી ઈ-મેઈલ લખ્યા પછી આંખમાં આંસુ લૂછતાં વિજય વિચારતો કે કોઈ બીજાને ખબર પડે કે તે આવી ઈ-મેઈલ લખે છે તો વિજયને નક્કી પાગલ માને.

પછી એક વાર વિજય છાપામાં આવેલો કોઈ લેખ જી-મેઈલની સર્વિસ અંગેનો વાંચતો હતો, તો એમાં વાંચ્યું કે જી-મેઈલ એકાઉન્ટમાં તમારે ઈ-મેઈલ આવતી હોય પણ અગર તે એકાઉન્ટની ઈ-મેઈલ ક્યારેય ખૂલે જ નહીં અને દરેક ઈ-મેઈલનું સ્ટેટસ ‘નહિ વંચાયેલી’માંથી ‘વંચાયેલી’માં ન બદલાય તો ગૂગલવાળા તમારું એકાઉન્ટ થોડા વખત પછી ફ્રીઝ કરી દેતા હોય છે.

વિજયને ચિંતા બેઠી. એણે તો એકાઉન્ટ શરૂ કર્યો તે પછી કોઈ દિવસ તે એકાઉન્ટ ખોલ્યો નહોતો. ઈ-મેઈલ તો ભેગી થતી જતી હશે. વિજયને થયું : જલદી એકાઉન્ટનો પાસવર્ડ આપી બધી ઈ-મેઈલ એક વાર ખોલી નાખું તો ‘નોટ રેડ’ ‘નહિ વંચાયેલી’માંથી ‘રેડ’ – ‘વંચાયેલી’નું સ્ટેટસ થઈ જાય. પણ વિજયને પાસવર્ડ જરા પણ યાદ નહોતો. બીજા દિવસે ઑફિસમાં જતાં પહેલાં ઘરના કમ્પ્યૂટર બાજુના પ્રિન્ટર નીચેથી એણે પાસવર્ડની કાપલી લઈ ખિસ્સામાં મૂકી દીધી. પછી ઑફિસ જઈ જી-મેલના એકાઉન્ટ પર જઈ સાઈન-ઈનમાં લખ્યું, Bhai&BawithGod@gmail.com અને ખિસ્સામાંથી કાપલીમાંથી જોઈને લાંબો લાંબો અર્થ વગરનો પાસવર્ડ ટાઈપ કર્યો.

સ્ક્રીન પર મેસેજ દેખ્યો, ‘લોડિંગ’, વિજયને ખબર હતી કે જી-મેઈલનો મેસેજ આવશે કે You have 35 unread e-mail પણ In-box માં જોયું તો સંદેશો હતો, you have zero unread mails. વિજયે જોયું કે એણે મોકલેલી દરેક E-mail Inbox માં હતી. પણ દરેકેદરેક ઉપરથી બોલ્ડ હાય લાઈટ જતું રહ્યું હતું અને ભૂખરા રંગનું હાય-લાઈટ હતું જે એવું દર્શાવે કે ઈ-મેઈલ વંચાઈ ગઈ છે.

વિજયના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા. આ બધી ઈ-મેઈલ કોઈ પણ સંજોગોમાં ‘વંચાઈ ગયેલ’ તરીકે જી-મેઈલમાં હોઈ જ ન શકે. વિજયે તો એકાઉન્ટ ખોલાવ્યા તે પછી ત્રણ મહિને આજે પહેલી વાર સાઈન-ઈન કર્યું હતું.

કદાચ સુજાતાએ ઘેર સાફસૂફી કરતી વખતે પ્રિન્ટર ઉપાડ્યું હશે, આ કાપલી જોઈ હશે અને કુતૂહલવશ થઈ જી-મેઈલ ચેક કરી હશે? પણ તો પછી મને કહે તો ખરી ને? પણ કદાચ આવી ઈ-મેલ જોઈ સુજાતાને એમ તો નહિ થયું હોય કે વિજયનું મગજ છટકી ગયું હશે? સુજાતાને પૂછીને ખાતરી કરવી પડશે.

વિજય ખૂબ જ મૂંઝાઈ ગયો હતો. કોઈક તો આ ઈ-મેઈલ જરૂર વાંચી રહ્યું છે, કોણ હશે તે ! અને અચાનક વિજયની આંખ આંસુથી ઊભરાઈ ગઈ. એ ધીમેથી બોલ્યો, ‘ભાઈ, તમારું મનોબળ તો પહેલેથી કેવું મજબૂત હતું, મારે સુજાતાને ઈ-મેઈલ અંગે કોઈ સવાલ નથી પૂછવા.’ અને એણે પાસવર્ડની કાપલી ફાડીને ફેંકી દીધી જેથી ભવિષ્યમાં ક્યારેક આ એકાઉન્ટની ઈ-મેઈલનું સ્ટેટસ એ ખુદ ન ચકાસી શકે.

અને પછીના દિવસે એણે ઈ-મેઈલ લખી, ‘ભાઈ અને બા, તમે મારી ઈ-મેઈલ રોજ વાંચો છો એ જાણી મને ખૂબ આનંદ થયો છે, અને હું તમને નિયમિત મારી સુજાતા અને રોહનની જિંદગીમાં જે થાય તે લખ્યા કરીશ-

લિ. તમારા દીકરા વિજયના પ્રણામ.’

– રાહુલ શુક્લ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ભાઈ એન્ડ બા વીથ ગોડ એટ જી-મેલ ડોટ કોમ – રાહુલ શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.