મારી સાઇકલ – રમણ સોની

(‘સાત નંગ, આઠ નંગ અને-’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

મારી સાઇકલ છે નહીં – હતી. એનું નામ ઈસ્ટર્ન સ્ટાર. પ્રભાત-તારક, સુબહ કા તારા.

બાપુજી લઈ આવેલા. સેકન્ડ હેન્ડ. કહેતા હતા કે, ખાસ વપરાયેલી નથી. બાપુજીએ એને જતનથી, જાતે જ, સાફસૂફ કરેલી. કેરોસીનનો રંગ કાળો થઈ ગયેલો, બાપુજીના બંને હાથ કાળામેંશ થયેલા ને આંગણા વચ્ચે જ સાઇકલની ટ્રીટમેન્ટ થયેલી એથી એટલો ભાગ કેરોસીનના કાળા રેલાઓથી ખરડાઈ ગયેલો. દાદા અકળાઈ ગયેલા – ‘એક તો ઠાઠિયું લઈ આવ્યા ને પાછું આંગણું બગાડ્યું!’ પરંતુ કાળા રંગની આ લીલા વચ્ચે સાઇકલ ચકચકતી હતી, આછું આછું મલકતી હતી. એને ઘોડી પર ઊભી કરીને બાપુજીએ જોરથી પેડલ ઘુમાવ્યાં. વેગથી ફરતા એના પાર્શ્વ-ચક્ર એટલે કે પાછલા વ્હીલમાંથી જે તંદુરસ્ત અવાજ આવતો હતો એ જ એની સુધરેલી તબિયતની ઘોષણા કરતો હતો. અમારા સૌના આનંદ-ઑચ્છવની વચ્ચે એકાએક અમારું ધ્યાન પડ્યું કે, પેડલ મારવાના વેગીલા ઉત્સાહમાં સાઇકલના એ સુ-દર્શન ચક્રે પાછળની આખી દીવાલ પર પણ કાળો છંટકાવ કર્યો હતો! બાપુજીએ સાઇકલને હળવીફૂલ કરવા માટે ભારે શ્રમ કર્યો હતો. અમે બે ભાઈઓએ દીવાલ સાફ કરવા માટે અમારું શ્રમદાન કર્યું. એક અવસર પાર પડ્યો જાણે!

સાઇકલે અમારે ત્યાં નવો અવતાર લીધો!

અમે સાઇકલથી ખાસ્સા રોમાંચિત થયેલા – પણ સાઇકલ ચલાવતાં આવડે નહીં! દસ વર્ષની ઉંમરે સાઇકલ ન આવડતી હોય એ આજે તો હસવા જેવું લાગે – પણ ત્યારે તો મને કહેવામાં આવતું કે, હજુ નાનો છે તું, પણ એથી હું હતાશ ન થયેલો કેમ કે મારો નાનો ભાઈ, આઠ વરસનો, એણેય સાઇકલ ચલાવવાની ઉમેદવારી નોંધાવી દીધેલી!

અમારી પહેલી મજા તો બાપુજીની પાછળ કેરિયર પર કે આગળની બાબા-સીટ પર બેસીને સૅર કરવાની રહી. એય એક આનંદ તો હતો જ – પણ એ પરાધીનતા જ અમને ઉશ્કેરતી હતી. સ્વાયત્ત સાઇકલ-સવારીના આનંદ માટે અમે તલપાપડ હતા.

બાપુજી કંઈ અમને સાઇકલ શીખવે નહીં. અરે, ‘ફેરવવા’ લઈ જઈએ એ પણ એમની ગેરહાજરીમાં કે એમનાથી છુપાવીને, બા – અમારી મા – કકળાટ કરે કે, ‘ભઈલા, વાગી બેસશે, ન લઈ જાઓ, બેટા!’ પણ અમે એને ગણકારીએ તો ને! દાદા ટીખળ કરે, ‘કરો, ઠાઠિયું છે એને વધારે ઠાઠિયું કરો તમતમારે!’

સાઇકલ પર સવાર થવું એ પહેલો મહાપ્રશ્ન. અમારી આ પ્રભાત-તારલી – આ ઈસ્ટર્ન સ્ટારલી હસીહસીને વારંવાર બેવડ વળી જાય – આડી થઈ જાય. કહે ‘અરે છોટે, સીટ પર બેઠા પછી પગથી પેડલ મારી શકે એટલો ઊંચો તો થાઆઆ…!’ હું ખિજાઉં, ‘બેસ ને હવે, ટીલડી!’ પછી મેં અને ભાઈએ સહિયારી સ્વાયત્તતાનો ઉપાય શોધી કાઢ્યો. સાઇકલ એણે પાછળથી પકડી રાખી ને હું ઓટલાનો આધાર લઈને ઉપર બેઠો, અને પછી દબાયાય એટલે સુધી પેડલ જોરથી દબાવ્યું. પણ દોહવા ન દેવું હોય ત્યારે ભેંસ વટકે – નખરાં કરે – એમ આ અવળચંડી સાઇકલે સીધે સીધું આગળ જવાને બદલે આગલા પૈડાને નમાવીને નકારમાં બાજુએ વાળી દીધું ને મને બીજી બાજુ પટક્યો. સાઇકલ પર ગુસ્સે થવાને બદલે હું નાના ભાઈ પર અકળાયો – એ તો નિરાંતે ખીખી કરતો હતો, ને આ વિશેષ દ્રશ્યને માણતો હતો! ‘હસે છે શું, પકડ ફરીથી.’ પણ સહિયારા સાહસમાં સમાધાન પણ કરવું પડે! મેં ફેરવી તોળ્યું : ‘પકડને ભઈલા.’

આવા પ્રયોગો કરતાં કરતાં અમે અઠવાડિયામાં તો પાદર સુધી પહોંચી ગયા – અમારું ‘લર્નિંગ’ ઝડપી હતું કેમ કે વાગે કરે એની અમે પરવા કરતા ન હતા. સાઇકલની શી દશા થાય છે એ તો અમારા વિચાર-પ્રદેશમાં આવતું જ ન હતું. બાપુજીને બહાર જવું હોય ત્યારે એ, અમારા પર ગુસ્સે થઈથઈને, સાઇકલને સરખી કરી લે – એ વખતે અમે ત્યાં દેખાવાની ભૂલ કદી કરતા નહીં; નેપથ્યેથી જ નિહાળી લેતા!

બીજી મુશ્કેલી અમારી એ હતી કે અમે સાઇકલની ભાષા બિલકુલ જ સમજતા ન હતા! બાપુજીને એના નાના સરખા અવાજ પરથી, કે પેડલ મારે ત્યારે સાઇકલની ચાલવાની ઇચ્છા-અનિચ્છા પરથી એઆ દર્દનો ને એની બીમારીનો ખ્યાલ આવી જતો – ને પોતે જ એની જરૂરી સારવાર કરી લેતા. સાઇકલ પર સવાર થતાં પહેલાં એની સીટને તે એકબે વાર થપથપાવતા – કોઈ જાતવાન ઘોડાને પંપાળતા કે શાબાશી આપતા હોય એવા હેતથી!

અમે – કહેવાઈએ બાળક, પણ ઘણા જ નિર્દય હતા. અમારો ઉત્સાહ ધૂની તેમજ જનૂની હતો – એકદમ આક્રમક. એક જણ સાઇકલ પર બેસે, બીજો પાછળથી ધક્કો મારતાંમારતાં દોડે ને પછી પૂર વેગમાં અશ્વને ને અસવારને નોંધારા છોડી મૂકે! એ થોડીક મિનિટોમાં, સાઇકલના વેગનો નશો અમને ચડતો ગયો હોય, પણ એટલામાં તો સાઇકલ ક્યાંક જોરથી અથડાય – આરૂઢ વીરપુરુષના હાથ અને / અથવા પગ ઘસડાય. કોણીઓ અને ઢીંચણ છોલાય, ક્યારેક કપાળ, નાક વગેરે કીમતી અંગો પણ રક્તતિલકવાળાં ને ધૂળના લેપનવાળાં થાય. સામે પક્ષે, સાઇકલની ગરદનને મોચ આવી ગઈ હોય – ‘ગવંડર’ (ઉર્ફે ગવર્નર) બરાબર સીધું હોય, પણ તે જ વખતે આગળનું વ્હીલ એક તરફ વાંકું થઈ ગયું હોય; જ્યારે વ્હીલ સીધું કરીએ ત્યારે ગવંડરને વાંકું પડે! રસ્તે જતા કોઈ ‘ફલાણા કાકા’ કે ‘ઢીંકણા ભાઈ’ દેશી હાડવૈદ્યની જેમ, બે પગ વચ્ચે સજ્જડ રીતે સાઇકલનું વ્હીલ ફસાવીને ગવર્નર સરખું કરી આપે, ત્યારે વળી સવારી આગળ ચાલવા પામે!

કહું છું ને કે ભાષા નહોતી આવડતી અમને સાઇકલની, જરા સરખી પણ! એ બિચારી, તકલીફ થતી હોય ત્યારે, ન-છૂટકે કંઈક અવાજ કરે પણ અમે એને એની નકામી બકબક સમજીને ધરાર એની ઉપેક્ષા કરીએ. એકવાર, આગળના વ્હીલના પંખા આગળથી સતત ખચર ખચર અવાજ આવતો હતો પણ મેં તો પેડલ પર શક્તિ અજમાવીને વેગ વધાર્યો. પેલો અવાજ વધતો ગયો, પણ મેં એની લગીરે તમા ન કરી. ને એકાએક જ શું થયું કે સાઇકલ પાછળથી સ્‍હેજ ઊંચી થઈને, આડી વળીને જોરથી પછડાઈ. એની બાજુમાં જ હું પછડાયો – એટલા જોરથી કે હું ઝટ ઊભો થઈ ન શક્યો! અત્યારે યાદ નથી પણ એ ધોળે દિવસે એકબે તારા પણ દેખાઈ ગયેલા. દરમિયાન પાછળ દોડતો ભાઈ આવી પહોંચ્યો. પહેલાં એણે મને ઊભો થવામાં મદદ કરી. મારી પીઠ ઝલાઈ ગઈ હતી – પણ યોદ્ધાને આરામની ડખલગીરી કેમ પાલવે! એટલે અમે બંનેએ મળીને સાઇકલને ઊભી કરી, પુનઃ સવારી કરવા માટે…

અમારી એ ઘવાયેલી પંખિણીનો આગળનો પંખો વળી ગયો હતો. વ્હીલથી પંખાને દૂર રાખનાર એક સ્ક્રૂ કે બોલ્ટ ઢીલો થયો હશે એથી પંખો સ્‍હેજેક વ્હીલને અડતો હશે, એના ખચર-ખચર ધ્વનિની અમે – એટલે કે મેં – પરવા ન કરેલી. પરિણામે એ સ્ક્રૂ નીકળી જતાં ખુદ પંખાએ જ આગળની બ્રેકની વધારાની કામગીરી બજાવી. ને પરિણામે…

હવે સાઇકલને અમે મહાપરાણે ઘોડી પર ઊભી કરી, ને એ નાનકડા ખોવાયેલા સ્ક્રૂને કોઈ રત્નની જેમ શોધવા નીકળ્યા. અમે બહુ મથ્યા, પણ નિષ્ફળ. સાઇકલ ચાલવાની ઘસીને ના પાડતી હતી. હવે અમે એનું દર્દ ને એની હૃદયદ્રાવક ભાષા સમજ્યા હતા! ફિલમમાં કે ટીવીમાં જેમ, ઘવાયેલા સ્વજનને – ખાસ કરીને સજનીને – ઊંચકીને હીરો હૉસ્પિટલ સુધી દોડતો જાય એ જ રીતે અમે બે ભાઈઓએ સાઇકલને અડધી ઊંચકી, અડધી ઢસડી, ને અમે ઘરે પહોંચતી કરી. તે દિવસે, સાઇકલને રિપેર કરતાં પહેલાં બાપુજીએ અમારા બને પર હાથ સાફ કર્યા – સાઇકલ પછાડાવાથી વાગતું હતું એને લેખામાં ન લેનાર અમે શૂર-જનો પિતાજીની પ્રચંડ થપ્પડોથી ધ્રૂજવા લાગેલા. બીજો આખો દિવસ સોપો પડી ગયો –

અમારા આનંદ-સાહસના અભિયાનમાં સહસા રૂકાવટ આવી ગઈ.

– પણ બ્રેક કે બાદ પાછા અમે એવા ને એવા.

યુદ્ધ પત્યા પછી સૈનિકને કંઈ પોતાનાં બધાં જ પરાક્રમો – ને ખાસ તો પરાક્રમનાં પરિણામો સિલસિલાબંધ યાદ રહેતા નથી. વારંવાર સાઇકલની ચેઈન ઊતરી જવાના કે પંક્ચર થઈ જવાના કે કશુંક તૂટી-વળી-ગોબાઈ જવાના અગણિત કિસ્સા થતા, પણ એવા ઉચ્છ (માનવ-સર્જિત) અકસ્માતો યાદ થોડા રહે!

પણ એક વાર, અમારા ગામના પાદરમાં ઊગેલા ભોંયબાવળ પર –

સાઇકલ ચલાવતાં આવડી ગયા પછી, અમે ગવર્નર પકડ્યા વગર જ ખુલ્લે હાથે સાઇકલ ચલાવવાના પ્રયોગો કરેલા. સાઇકલ ‘ના, ના’ કરતી રહી ને અમે છુટ્ટે ખુલ્લે હાથે સાઇકલ ચલાવીએ. એમ ચાલતી સાઇકલે જ એક વાર અમે અમારા કૉલર ઊંચા કરવા ગયેલા ને વિફરેલી સાઇકલે અમને એક ખાબોચિયામાં પછાડેલા! એથીય આગળ જઈને, પાછળ કેરિયર પર બેસીને સાઇકલ ચલાવવાનો અભિનવ પ્રયોગ અમે કરેલો. ત્યારેય સાઇકલે ઘણી ના પાડેલી – ‘અરે નંગભારથી, સીધે સીધો સીટ પર બેસને હવે!’ ત્યારે અમે એને ખીજવવા આંખ મિચકારીને ઝડપ વધારેલી. પણ અમારા ગામના પાદરમાં ભોંયબાવળ ઊગી નીકળેલા ઠેરઠેર, રસ્તાની બિલકુલ બાજુમાં. સાઇકલ ન થાય ભૂંડી તે અમારો તૉર ઉતારવા, અમને નાખ્યા એ ભોંયબાવળમાં. ઓ… હ !

બાવળની શૂળો પર હું, મારા પર સાઈકલનો પાછલો ભાગ, ને એની ઉપર પેલી બાજુનો મારો બીજો પગ. જેમ જેમ ઊભો થવા જાઉં એમએમ સાથળપ્રદેશમાં શૂળો વધારે પૅસે ! ‘બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ’ – એવું ચિત્ર પાઠ્યપુસ્તકમાં તો જોયેલું. પરંતુ એમાં તો ગંભીર પ્રસન્નતાથી પિતામહ સદુપદેશ આપતા હતા સૌને ! મને જ્ઞાન થયું કે બાણશય્યા કરતાં પણ આ બાવળશય્યા ઘણી આકરી. ઘણાબધાની મદદથી મને ને સાઈકલને એ શય્યાશૂળોમાંથી જેમતેમ કરીને ઊભાં કરવામાં આવ્યાં.

મને ડૉક્ટર પાસ્સે લઈ ગયેલા કે કેમ તે યાદ નથી પણ મારો એક સિનિયર મિત્ર, અમારી એ પ્રભાત-તારલી પર બેસીને એને સડસડાટ દોડાવી ગયો હતો, મારા ઘર ભણી – એ બરાબર યાદ છે.

અન્ય થકી દોડાવાઈ જતી મારી એ સાઈકલનું દ્રશ્ય આજેય મારા સ્મરણમાં ક્યારેક ઝબકી જાય છે…

[કુલ પાન ૧૫૬. કિંમત રૂ. ૧૪૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “મારી સાઇકલ – રમણ સોની”

Copy Protected by Chetan's WP-Copyprotect.