દો પલ કે જીવન સે એક ઉમ્ર ચુરાની હૈ… – રોહિત શાહ

(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

ક્યારેક બીમારી પણ આપણા માટે લાભદાયી બની રહેતી હોય છે. બીમારી ઓચિંતી આવી પડે ત્યારે આપણા નિકટનાં સ્વજનો કોણ છે એનો ખ્યાલ મેળવવાનું સરળ થઈ પડે છે. કોણ દોડીને આપણા માટે આવી પહોંચે છે, કોણ આપણી કેવી-કેટલી સેવા કરે છે, કોણ માત્ર દૂર ઊભા રહીને મીઠી-મીઠી વાતો કરે છે કે સલાહો આપે છે એ બધું જોઈને આપણાં સાચાં સ્વજનોને ઓળખવાની વિશેષ તક આપણી બીમારી જ આપણને આપે છે.

બીમારીના બીજા પણ ઘણા લાભ છે. આપણી સહનશક્તિ કેટલી છે એનો આપણને અંદાજ મળે છે. બીમારી જો લાંબી ચાલે તો આપણે એ દરમ્યાન ફિલૉસોફર બની જઈએ છીએ. ગઈ કાલ સુધી જે ચીજ પ્રિય હતી, જે વાનગી માટે આકર્ષણ રહેતું હતું, જે ધમાલ-મસ્તી આપણને ખૂબ ગમતાં હતાં, જે સંપત્તિ એકઠી કરવા આપણે રાત-દિવસ જોયાં નહોતાં એ બધું ધીમે-ધીમે ‘જૂઠી માયા’ લાગવા માંડે છે.

પરંતુ બીમારીના આ બધા તો સ્થૂળ અને મામૂલી લાભ ગણાય. એમ તો કોઈ વ્યક્તિ ઓવરબિઝી રહેતી હોય, ચોવીસે કલાક પ્રવૃત્તિમય પ્રસન્નતાનો પ્રસાદ ચાખતી હોય એવી વ્યક્તિને બીમારી વખતે ડૉક્ટર બેડ-રેસ્ટ કરવાનું કહે ત્યારે થોડીક અંગત પળો જીવવાનો ચાન્સ મળી જાય છે ; પણ એય મામૂલી લાભ જ છે. બીમારીનો સૌથી મોટો અને સાચો લાભ તો જીવન પ્રત્યેનો આપણો અભિગમ બદલાય છે એ છે.

‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં એક ડયલૉગ એવો ચોટદાર છે કે જ્યારે જ્યારે એ સંવાદ સાંભળું છું ત્યારે-ત્યારે જાણે ગંગાસ્નાન કરતો હોઉં એવું ફીલ થાય છે. ઝ્હીર નામનો એક શખ્સ ઓચિંતો બીમાર પડે છે. ડૉક્ટર તેને કહે છે કે તારે થોડા વખત પહેલાં હૉસ્પિટલમાં આવી જવાની જરૂર હતી. ઝહીરને ગંભીર બીમારી લાગુ પડી છે. તે ડૉક્ટર સામે કહે છે કે ‘મેં જીવનમામ શરાબ-સુંદરી જેવા કોઈ દૂષણ સામે નજર પણ નથી કરી, તો પછી મને આ બીમારી કેમ વળગી ? મારા મિત્રો બધું એન્જૉય કરવા જતા હતા ત્યારે મને પણ મન થતું ; પણ મેં વિચાર્યું કે પહેલાં જીવનમાં કંઈક બની જઉં, સેટ થઈ જઉં પછી હું મારા પોતાના માટે જીવીશ.’ ઝહીર ખૂબ ઉદાસ અને હતાશ થઈ જાય છે. એ ક્ષણે મુન્નાભાઈ તેને સર્કિટ દ્વારા કેટલીક મોજ-મસ્તીની પળો પૂરી પાડે છે. સર્કિટ એ વખતે ઝહીરને કહે છે, ‘લાઈફ મેં જબ ટાઈમ કમ હો તબ ડબલ જીને કા, ક્યા !’

બસ, આ ‘ડબલ જીવવાની’ ફિલૉસોફી પર ફિદા થઈ જવાનું મન થાય છે. મન મૂકીને જીવો, મોજ માણીને જીવો, મસ્તીભર્યું જીવો, તરબતર અને તરબોળ થઈ જવાય એમ જીવો ! અત્યાર સુધી તો આપણને એવો જ ઉપદેશ મળતો હતો કે સંસાર અસાર છે, બધું મિથ્યા છે, બધું છોડીને જવાનું છે ; એનો મોહ ન રાખો, એને ફગાવી દો, ત્યાગી દો. અત્યાર સુધી આપણને આવા જૂઠા અને વાહિયાત ઉપદેશો જ સાંભળવા મળ્યા હતા. આ ફિલ્મમાં એક નવો ઉપદેશ મળ્યો કે ‘લાઈફ મેં જબ ટાઈમ કમ હો તો ડબલ જીને કા !’

માણસ તરીકે જન્મવાની તક ફરીથી મળે કે ન મળે, મોજ માણવાની જે તક આજે આપણને મળી છે એ ભવિષ્યમાં ફરીથી મળે કે ન પણ મળે ; જે મિત્રો-સ્વજનો આજે આપણી સાથે છે તે કાલે કદાચ હોય કે ન પણ હોય, એટલે આજને ભરપૂર એન્જોય કરી લો. આવતા ભવનું ભાથું બાંધવામાં આ ભવમાં ભૂખ્યા મરવાની જરૂર નથી. જીવનની ક્ષણો ખૂબ ઓછી મળેલી છે. આપણે દરેક ક્ષણમાં જીવનનો ધબકાર છલોછલ જીવી લેવું છે. પેલા કવિએ ગાયું છે એમ ‘દો પલ કે જીવન સે, એક ઉમ્ર ચુરાની હૈ…’

જીવનનું મૂલ્ય સમજાવે એવી બીમારી આપણી ગુરુ જ કહેવાય ને !

સંસારમાં મેં એક બીજી વાસ્તવિકતા પણ જોઈ છે. માણસને જ્યારે શરદી-તાવ જેવી સામાન્ય બીમારી થઈ જાય છે, પરંતુ તેને કૅન્સર જેવી કોઈ ગંભીર બીમારી હોવાનો ખ્યાલ આવે છે ત્યારે મોટા ભાગે તે અધિક સ્વસ્થ રહે છે, સ્વજનોને સામેથી શાંત રહેવા કહે છે. જ્યારે કોઈ વ્યક્તિની આંગળી કપાય કે નખ ઊખડી જાય ત્યારે તે ડામાડોળ અને અસ્વસ્થ થઈ જાય છે, પરંતુ જ્યારે તેને તલવારનો જીવલેણ ઘા થયો હોય કે બંદૂકની ગોળી વાગી હોય, તેને ખ્યાલ આવે કે હવે મોત સામે જ ઊભું છે ત્યારે તે મન મજબૂત કરી લે છે. નાની તકલીફ તેને જીવનનું નડતર લાગતી હતી, પણ હવે તો મોતનો જ સાક્ષાત્કાર કરવાનો છે ! જે અનિવાર્ય જ હોય એની સામે જ નતમસ્તક થવું ! જેને જીવન જીવતાં ન આવડ્યું હોય તેને જ મોતનો ભય લાગે, જેણે મોજથી જીવનને માણ્યું હશે તે તો મોતને પણ સામે ચાલીને કહેશે – વેલકમ, નો પ્રૉબ્લેમ !

– રોહિત શાહ

[કુલ પાન ૧૪૪. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

લેખકનો સંપર્ક :
રોહિત શાહ, ડી-૧૧, રમણકલા ઍપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩, ૦૭૯-૨૭૪૭૩૨૦૭
rohitshah.writer@gmail.com


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મારી સાઇકલ – રમણ સોની
વિધવા : પ્રથમ તો એક માણસ – સ્વાતિ બારોટ સિલ્હર Next »   

5 પ્રતિભાવો : દો પલ કે જીવન સે એક ઉમ્ર ચુરાની હૈ… – રોહિત શાહ

 1. sandip says:

  જીવનનું મૂલ્ય સમજાવે એવી બીમારી આપણી ગુરુ જ કહેવાય ને !

  સંસારમાં મેં એક બીજી વાસ્તવિકતા પણ જોઈ છે. માણસને જ્યારે શરદી-તાવ જેવી સામાન્ય બીમારી થઈ જાય છે, પરંતુ તેને કૅન્સર જેવી કોઈ ગંભીર બીમારી હોવાનો ખ્યાલ આવે છે ત્યારે મોટા ભાગે તે અધિક સ્વસ્થ રહે છે, સ્વજનોને સામેથી શાંત રહેવા કહે છે. જ્યારે કોઈ વ્યક્તિની આંગળી કપાય કે નખ ઊખડી જાય ત્યારે તે ડામાડોળ અને અસ્વસ્થ થઈ જાય છે, પરંતુ જ્યારે તેને તલવારનો જીવલેણ ઘા થયો હોય કે બંદૂકની ગોળી વાગી હોય, તેને ખ્યાલ આવે કે હવે મોત સામે જ ઊભું છે ત્યારે તે મન મજબૂત કરી લે છે. નાની તકલીફ તેને જીવનનું નડતર લાગતી હતી, પણ હવે તો મોતનો જ સાક્ષાત્કાર કરવાનો છે ! જે અનિવાર્ય જ હોય એની સામે જ નતમસ્તક થવું ! જેને જીવન જીવતાં ન આવડ્યું હોય તેને જ મોતનો ભય લાગે, જેણે મોજથી જીવનને માણ્યું હશે તે તો મોતને પણ સામે ચાલીને કહેશે – વેલકમ, નો પ્રૉબ્લેમ !

  આભાર્……………..

 2. KANAIYALAL A PATEL says:

  ENJOY THE LIFE

 3. Arvind Patel says:

  જ્ઞાન દરિયાના પાણી જેવું છે, પીધું એટલું આપણું બાકી દરિયાનું. મને ખબર છે કે ગુસ્સો ખુબ ખરાબ ચીજ છે, પણ હું કલાકમાં ૧૦ વખત ગુસ્સો કરું છું. તેથી આ જ્ઞાન બોજ રૂપ છે. જે જ્ઞાન નો તમે અમલ કરી શકો તેટલું જ જ્ઞાન તમારું, બાકી ચોપડી નું જ્ઞાન, ચોપડીમાં જ રહેવાનું. વર્ષો પહેલા ફિલ્મ આવી હતી, આનંદ. રાજેશ ખન્ના આનંદ ના રોલ મેં હતા. તેમાં એક ડાયલોગ હતો, બાબુમોશાય, જિંદગી બડી હોની ચાહિયે, લંબી નહિ. ક્યાં ફર્ક હૈ ૬ મહિને ઔર ૬૦ સાલ મેં. જીવન આનંદ કરવા માટે જ છે. ઓફિસ માં સાહેબ રહેવું અને ઘરમાં પતિ. પતિ જો ઓફિસ પહોંચી જશે અને ઓફિસર ઘેર આવી જશે તો ગડબડ થવાની જ છે. આ જીવન એક રંગ ભૂમિ છે, આપણે એક કલાકાર છીએ. આપણે ખુબ બધા રોલ કરવાના છે, પુત્રનો, પતિનો, પિતાનો, મિત્રનો, સાહેબનો, કર્મચારીનો, વગેરે, વગેરે. બધા જ રોલ આનંદથી અને સંપૂર્ણ નિપણુતાથી ભજવવા, રોલ પૂરો કરી, પાત્રની બહાર નીકળી જવું. તો ખુબ જ આનંદમાં રહેવાશે. જીવન એ ખેલ છે, ક્યારેય ખુબ જ ગંભીરતાથી ના રહેવું. હળવા રહેવું.

 4. pritesh patel says:

  aa vaat total experience per jaay che
  khare khar rogi mate jivan prerak lekh che
  aa j vastavikta che rogi ni
  man makam rakho.

  mot pan pachu jatu rese.

  aabahar

 5. Pravin Shah says:

  બહુ જ સરસ લેખ. કોઈ પણ પરિસ્થિતિમાં, જીવનમાં આનંદ શોધી કાઢો, જિંદગી હંમેશાં આનંદથી જીવો, અને બીજાઓને પણ આનંદમાં રાખો, એમાં જ જિંદગીની સાર્થકતા છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.