ગરમાળો, ગુલમોર અને ખખડેલું બસસ્ટોપ ! – રામ મોરી

(રીડ ગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી રામભાઈ મોરીનો ખૂબ ખૂબ આભાર. લેખબક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો rammori3@gmail.com અથવા 7600102952 પર સંપર્ક કરી શકો છો.)

ઘરને તાળું માર્યુ તો જતાં જતાં અરીસા સામે જોવાનો લોભ રોકી ન શકી, કપાળ વચ્ચે લાગેલી નાની, સલવાર કુર્તાને મેચીંગ લાલકેસરી રંગની બિંદીને કશાય કારણ વિના કપાળ પરથી ઉખાડી ને ફરી લગાવી અને સહેજ મલકાઈ. કાળા વાળની વચ્ચે એક નાનકડો આછો સફેદ વાળ દેખાયો, તરત જ ખેંચી કાઢ્યો ને મલકાઈ. સેંડ્લલ કાઢ્યા ને ઘર બહાર નીકળવા ગઈ ને ઉંબર ભટકાણી, સહેજ હળવો સીસકારો નીકળી ગયો. જમણા અંગૂઠાનાં નખ પર વાગ્યું હતું ને સેન્ડલની પટ્ટી તૂટી ગઈ હતી. ફટાફટ સેન્ડલ બદલી અંગૂઠો પંપાળી એપાર્ટમેન્ટની બહાર નીકળી. સામેના મકાનવાળા બેન કચરો ફેંકવા બહાર નીકળ્યા. એ મારી તરફ એકધારુ જોવા લાગ્યા એટલે મેં ચાલવાની ઝડપ વધારી દીધી. એની નજર એને ફેંકેલા કચરાની રજની જોડાજોડ મારી પાછળ ચીપકી ગઈ.

થોડે આગળ નીકળી અને સામે શાકભાજીની લારીવાળી મળી. મેં એના પર ધ્યાન ન આપ્યું પણ એ તો કંઈ તંત મૂકે? “લ્યા બોન, કે બાજુ ચાલ્યા? શાક પાંદડું લેવું કે નહીં?” મેં ફટાફટ પર્સમાંથી દુપટ્ટો કાઢ્યો અને મોં ઢાકતાં બોલી, “ફ્રેન્ડના ઘેર જાઉં છું, મમ્મી બહારગામ ગઈ છે.” મને જ મારી વાતમાં વજન ન વર્તાયું. સાવ બોદુ બહાનું લાગ્યું. બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મેં મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા. સોસાયટીના ગેટ સુધી પહોંચતાં તો પરસેવે રેબઝેબ… સારું છે ઉનાળો છે નહિતર આ પરસેવાનું દેખાવવાનું કોઈને કારણ શું આપત! સોસાયટીના બસસ્ટોપે હું ઊભી રહી ગઈ. પર્સમાંથી મોબાઈલ કાઢીને મેં સરને ટેક્સ્ટ કર્યો ‘આઈમ કમીંગ.’ અને એમનો કલાક પહેલાં આવેલો મેસેજ ડિલીટ કર્યો. ‘આઈમ અલોન ઈન માય હોમ કાજલ ઈઝ આઉટ ઓફ ધ સીટી, એના પેઈન્ટિંગ્સનું એક્ઝીબિશન છે એટલે કાલે સાંજે આવશે.’ બસસ્ટોપના પડછાયે બે ત્રણ ગાય બેઠી બેઠી વાગોળતી હતી. એનું સ્થિર ઉપરનું જડબું અને હલતાં નીચલા જડબા પર ફીણ બાજેલા હતા. બાજુના પાનના ગલ્લે ક્રિકેટ જોતાં બે ત્રણ કોલેજીયન મારી સામે જોઈને કંઈક કોમેન્ટ પાસ કરી જોર જોરથી હસતાં અને એકબીજાને તાળીઓ આપતા હતા. ‘ખબર નહીં શું વાગોળતા હશે આ બધા, હરાયા.’ એવું બબડતાં મેં ચહેરા પર બાંધેલાં દુપટ્ટાને સરખો કર્યો અને ગોગલ્સ ઊંચા ચડાવ્યા. પછી થયું ક્યાંક આ બધા સરના ઘર બાજુના તો નથીને? પણ એમ ખાત્રી કરવા માટે પણ પછી એ તરફ બીજી વાર ધ્યાનથી જોવામાં મને બીક લાગી. રસ્તો પણ થોડો તપીને અકળાઈને એકલો પડ્યો હતો. બંને હથેળીઓ વારંવાર ભીંજાઈ જતી હતી.

ગળે શોષ પડ્યો. સખત તાપ પડતો હતો. બૉટલ કાઢી અને પાણી પીધું. થોડું પાણી બસસ્ટોપના પતરાની બેંચ પર ઢોળ્યું, થોડું રેલાયુંને પછી પાછળ પાછળ સુકાતું ગયું જાણે અહીં કોઈએ પાણી ઢોળ્યું જ નથી. મને એમાં ગમ્મત પડતી તે તપી ગયેલાં બેંચના પતરા પર પાણી ઢોળ્યા કરતી ને સુકાયેલા પાણીના પ્રવાહની નિશાનીઓ જોયા કરતી ને જૂની સુકાયેલી નિશાનીઓ શોધ્યા કરતી. રંગ ઊખડી ગયેલાં, અડકો ત્યાં પોપડીઓ ખરે એવાં ખખડેલ બસસ્ટોપના પતરામાંના કાણામાંથી ચળાઈને તડકો મારી પીઠને દઝાડતો હતો. બસસ્ટોપની સાવ બાજુમાં ઊભેલાં એકવડિયા ગુલમોર પર કેસરી ફૂલોના ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. મને એ હંમેશા બહુ સુંદર લાગે, મારો ફેવરિટ કલર એટલે લાલકેસરી રંગોનું મિશ્રણ, ગુલમોર. ગુલમોરના ટેકે બસસ્ટોપ છે કે બસસ્ટોપના ટેકે ગુલમોર એ કહેવું મુશ્કેલ હતું ને હું હંમેશા એ વિચારતી ત્યાં જોયા કરતી. સડકના સામા છેડે પાંજરામાં પાંગરેલો ગરમાળો પીળી ઉદાસીમાં મને આ બધું આમ કરતી જોયા કરતો અને પવનની લહેરખીઓમાં હાલક ડોલક થયા કરતો. આટલા વર્ષોથી અહીં રહું છું પણ આ ગરમાળા પાસે ગઈ નથી. જોયો છે માત્ર દૂરથી. ક્યારેક સૂંડલોક પાંદડાની વચ્ચે શાંત તો ક્યારેક ઉનાળાઈ પીળી લહેરમાં સહેજ સહેજ હાલક ડોલક. ન તો મારી પાસે આવવાનો હતો ન તો હું ક્યારેક એની પાસે જવાની હતી. બસ એકબીજાને દૂરથી તાક્યા કરવાના હતા. વચ્ચે જે આ કાળી તપેલી ખાબડ ખૂબડ સડક છે એની મર્યાદા રાખી હતી અમે બંનેએ. હું અહીં ઊભી ઊભી જે કાંઈ કરું એ એને જોયા કરવાનું હતું ને એ જોયા કરે છે ચૂપચાપ. ને મારે રાહ જોયા સિવાય બીજું કોઈ કામ નહોતું કરવાનું.

તે અત્યારે પણ બસની રાહ જોતી ઊભી હતી. સહેજ કંટાળી હતી ત્યાં હાંફતી ધણધણતી બસ આવી. માંડ જગા મળી. સર મને પૂછતાં, “કાવ્યા, તને બસમાં ગિરદી તો નથી નડતી ને?” ને મેં એક વાર જવાબ આપેલો, “ડોન્ટ વરી સર, હું મારી જગા કરી જ લઉં છું, લટકવું ને ટીંગાવવું મને ન ફાવે.” ને મારા જવાબથી થોડા અકળાયેલા મારી સામે જોઈ રહેલા ને પછી શર્ટ પહેરીને ‘હું હમણાં આવું’ કહીને પેકેટમાંથી સિગારેટ કાઢી બહાર નીકળી ગયેલા. મને કંઈ સમજાયેલું નહિ કે મેં શું કહ્યું કે એ આમ સાવ.

“ટિકિટ… બેન… કંઈ જવું છે?” કંડક્ટરે એટલાં જોરથી કીધું કે આજુબાજુવાળા મારી સામે જોવા લાગ્યા. મને થોડી ગભરામણ થઈ ગઈ. જીભ તો જાણે ચોંટી જ ગઈ.

“હેં… મારે…?”

“ના, તમારે નહિ મારે જવું છે…!” કંડક્ટર એકદમ બેપરવાહીથી બોલ્યો. મને બહુ માઠુ લાગ્યું. કોઈએ ગાલ પર તમાચો માર્યો હોય એમ હું સમસમી ગઈ. સહેજ રડવા જેવું પણ થઈ ગયું.

“મારે ધ… ધરણી…” એકસાથે કેટલી બધી આંખો મારા તરફ મંડાઈ. મને તો એ નામ બોલતાં આટલી તકલીફ કેમ થઈ એ જ નહોતું સમજાતું.

“ભાઈ, એમને ધરણીધર દેરાસરની જ આલી દે.” મારી બાજુમાં બેસેલા એક આન્ટી બોલ્યા.

“નક્કી કરીને ચડતાં હોય તો, લ્યા આંહી નવરા થોડીને બેઠા છીયે, બોલવામાં બી કલાક કરે. એ બોલે ત્યાં ઘડીએ એનું સ્ટેશન બી આવી જાય ને પછી જવાબ તો અમારે આલવાનો ને…” એવું બબડતો બબડતો એ ટિકિટ ફાડીને પૈસા લઈને જતો રહ્યો. મેં બારીની બહાર પ્રયત્નપૂર્વક મોં દબાવી રાખ્યું. નજર પણ જાણે કે વધારાનો લોખંડનો સળિયો બની બસની બહાર બારીએ લાગી ગઈ. આંખો ભરાઈ આવી હતી.

“ધરણીધરમોં જોબ કરો છો? તમને આવા સમયે આ બસમોં ઘણીવારે જોયા છે એટલે. હું બી ન્યાં કોમ કરું, ચંદ્રનગરમોં, ડૉક્ટરનું બૈરું સાવ ગોંડા જેવું છે તે હું બેબીને રમાડું છું, આયા છું.” મેં એ આન્ટીની વાતમાં ધ્યાન જ ન આપ્યું. આવા લોકો બહુ સ્માર્ટ હોય. કઈ ઘડીએ તમારી પાસેથી કઈ વાત કઢાવી લે ખબર પણ ન પડે. સહેજ વાત કરીશ તો કોના ઘેર જઉં છું? શું કામ?થી માંડીને એ તમારા શું થાય? સુધીનું પૂછી કાઢશે એ બીકે હું ચૂપ જ રહી. પછી એ બહેનને થયું કે હું સૂઈ ગઈ એટલે એ ચૂપ થઈ ગયા.

આવી ફીલિંગ્સ મને એક વાર પણ આવેલી ત્યારે પણ રડી પડેલી. લગભગ આવો જ ટાઇમ હતો. સરની સાથે જ હતી એના બેડરૂમમાં. અને ડોરબેલ રણકેલી. ખૂબ ગભરાઈ ગઈ હતી. સર પણ પરસેવે રેબઝેબ, કપડાં તો ક્યાંય… પેલ્લી વખત કશુંક સારું નથી કરતી એવો ભાવ મારા મનમાં આવ્યો. સર દોડીને બહાર ગયા, મને અંદર જ રહેવાનું કહ્યું. હું ક્યાં સંતાઉ એવો કોઈ આઈડિયા ન આવતાં એના મોટા ટેબલના નીચેના ભાગે સંતાઈ ગઈ, મારાં કપડાં તો… મારી સાથે ક્યારેક આવુંય… હું જોરથી રડી પડીશ એ બીકે મારાથી મારા મોઢે હાથ મૂકાઈ ગયો. પછી સર દસ મિનિટમાં પાછા આવ્યા અને સિગારેટ સળગાવી. શર્ટ કાઢ્યો અને એસી ફુલ કરી ધુમાડાના ગોટેગોટા કાઢવા લાગ્યા. હું બહાર નીકળી અને રડી પડી એમને મને શાંત પાડી અને કીધું,

“ડોન્ટ વરી, કાજલ હતી. પેઈન્ટિંગ્સ ભૂલી ગઈ હતી. જતી રહી.” હું બાથરૂમમાં પુરાઈ ગઈ અને ક્યાંય સુધી પાણીની છાલકો ચહેરા પર મારતી રહી. બાથરૂમમાં પહેલી વખત મને અરીસોય ડરાવતો હતો. હિંમત જ ન થઈ મારું મોઢું જોવાની. ફ્રેશ થઈને ફટાફટ નીકળી ગઈ પણ આંખો તો જાણે વરસવાનું બંધ જ નહોતી કરતી. રસ્તામાં પણ ગોગલ્સની અંદર રડતી રહી. એ રાત્રે એક અનનોન નંબર પરથી એક મેસેજ આવ્યો…

“સોરી ફોર ધિસ નૂન. જ્યારે આવ ત્યારે ચપ્પલ બહાર ન કાઢવા, ને હેરપીન ભૂલવી સારી આદત નથી. નેક્સ ટાઈમ પેઈન્ટિંગ્સ ભૂલ્યા વિના સાથે લઈ જઈશ.” આખી રાત હું સૂઈ ન શકી. શું રીપ્લાય આપવો? થેંક્સ કે આઈ એમ સોરી? રાતભર મેં સરના ઘેર દીવાલો પર જોયેલાં મેડમનાં ફોટા અને એમાંથી છલકાતા પીળા સલવાર ને પીળી સાડી અને એની મોટી પારદર્શક આંખો બધું ઉભરાતું રહ્યું મારી આંખોમાં. જાણે એમાંથી મને મારો જ પડછાયો મળતો હોય.

ઘણી વાર સરના ઘેર બાથરૂમમાં નહાવા જાઉં ત્યારે અરીસા પર મેડમની બિંદીઓ ચીપકેલી જોઉં પછી એ પીળી બિંદીઓને મારા ચહેરા પર લગાવું અને પછી ક્યાંય સુધી મને આમ અરીસામાં જોયા કરું. હું હવે અરીસામાં મારી જાતને ફેસ કરી શકતી ધીમે ધીમે. મેડમના વાળ તો બહુ જ મોટા ને એનો ઢળતો અંબોડો બહુ જ ફાઈન લે એ. હું અરીસામાં મારા વાળને ઢળતા અંબોડામાં બાંધવા જાઉં તો બંધાતા જ નહીં, તોય હું પ્રયત્ન કર્યા જ કરતી. મમ્મીએ એક વાર મને આમ અરીસા સામે મહેનત કરતાં જોઈને કહેલું કે, “કાવ્યા, તારા વાળ ઢળતા અંબોડા માટે ટૂંકા પડે…” ને પછી બે ઘડી હું કંઈ કેટલુંય વિચાર્યા કરતી ને પછી અરીસા સામે જોઈ પીળી બિંદી કપાળ પરથી કાઢી નાખી, ને પાછા ગુલમોરના રંગની રાતીકેસરી બિંદી લગાવી દીધી. ઘણી વાર થાય કે હું મેડમને મળવા જાઉં. પણ બીજી પળે થાય કે હું શું બોલીશ એની મોટી પારદર્શક આંખોમાં જોઈને? મેડમને ભલે મળી નથી પણ એમનાં ચિત્રો જોઈ હું એના વ્યક્તિત્વને સમજવા મથ્યા કરું છું. એમનાં ચિત્રોમાં આકાશ બ્લ્યુ કલરનું જ હોય એવું નથી જોયું મેં, એ તો આકાશનેય લીલાશથી ભરી દે છે. એના ડુંગર ભૂખરા નથી જોયા, ડુંગરને ગુલાબી રંગે રંગતા હોય છે એ. એના ચિત્રોમાં પાણી પણ કેસરી ઝાંયવાળું હોય છે… બધું ન કલ્પી શકાય એવું જ. કોઈ વસ્તુ એવી અસલ રંગમાં હોય… ને પછી થાય કે એમનો ગરમાળા જેવો અસબાબ ભલે કોઈ પીંજરમાં છે પણ મારી જેમ કોઈ ખખડધજ બસસ્ટોપની…

‘લ્યા બોન, જાગો તમારું ધરણીધર દેરાસર આઈ જ્યું, હેંડો…” હું ઝબકીને ગઈ, ફટાફટ પર્સ સંભાળીને ઊભી થઈ અને ઊતરવા જઉં ત્યાં સુધીમાં બસ ઘણી આગળ નીકળી ગઈ હતી. પેલા આન્ટીએ રાડો પાડી, “લ્યા ભાઈ, રોકો આ બોનનું સ્ટેશન પાછળ રઈ જ્યુસ.” બસ અધવચ્ચે ઉભી રહી હું નીચે ઉતરી. કંડક્ટર બબડતો રહ્યો. ઉપર આકાશમાં સફેદ વાદળોના ગુચ્છાઓ બાઝેલા હતા, એની પાછળથી સૂરજનો અસહ્ય તાપ પડતો હતો. ને હું રસ્તા વચ્ચે ઊભી હતી જાણે કે સરનામું ભૂલેલી. ખરેખર તો હું પણ અકળાઈ હતી આમ અધવચ્ચે ઉતરી જવું એ મારા સ્વભાવમાં જ નહીં. કાં તો મારા સ્ટોપે જ ઉતરું અથવા નીકળું જ નહીં! એક બે બાઈક મારી બાજુમાંથી ધીમી પણ પડી પણ હું આ રસ્તાઓથી અજાણ નહોતી, હંમેશાની જેમ ચાલતી રહી. સરે કહેલું,

“જેટલો પ્રયત્ન સંતાડવાનો કરીએ, એટલાં બહાર વધુ પડીએ એટલે આ દુપટ્ટા અને મોજા ને ચશ્માં કાઢીને આ સોસાયટીમાં આવવાનું, તું તો મારી સેક્રેટરી છે. ડરવાનું નહિં.”

મારે એને કેમ સમજાવવું કે આ બધું તમે સમજો છે તો તમે કેમ અમલમાં નથી મૂકતા. કાળા મખમલના ઓછાડ પર દીવાલને ટેકો દઈ એ સિગારેટ પીતાં હોય અને હું એમને અઢેચીને બેઠી હોઉં, એમના ખભા પર મારી આંગળીઓ ફરે ત્યારે પોપડીઓ ખરે એમ એની પાસેથી બધી વાતો હરતી હોય, હું જાણતી હોઉં કે ન જાણતી હોઉં એ બધાની વાતો, ફાયદો નુકશાન, જશ-અપજશ, દુનિયાદારીની વાતો, સ્વાર્થી સંબંધો ને મેડમની વાતો, મેડમનો સ્વભાવ, દોષ ને વખાણ એ મને સાંભળાવ્યા કરે. એ બધા લોકોને ગાળો આપ્યા કરે અને હું એના સ્વભાવના કાણામાંથી આવતા આ તડકાથી દાઝ્યા કરું.

મેડમ સાથે તો જાણે એમને કોઈ લેણદેણ જ નહોતી. આવડા મોટા બંગલામાં બે માણસો સાથે રહીને પણ સાથે નહોતા. બેડશીટની સળવટો બંને વચ્ચે જાણે જોજન અંતર. મેડમ પણ આ રૂમમાં ધીરે ધીરે સૂવા આવતાં સાવ બંધ થઈ ગયા એ મને બાથરૂમમાં અરીસા પર થાકેલી પીળા કલરની ઘટતી બીંદીઓ પરથી જાણવા મળ્યું. એક તબક્કે ત્યાં હવે માત્ર લાલકેસરી ગુલમોર રંગની બીંદીઓ ફેલાતી જતી. દીવાલો અને સોફા સેટના કવર સુધ્ધાં પીળી ઉદાસી ખંખેરી રહ્યા હતા અને ત્યાં રાતાકેસરી ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. સિગારેટના કશા લેતાં લેતાં એ ક્યારેય મેડમની વાત માંડવાનું શરૂ કરે ત્યારે મને એમના શરીર પર પીળાશ ફેલાતી જતી દેખાય ને તુરંત હું પીળાશ ખંખેરી નંખાવતી. ઘેર મમ્મી કહેતી કે, “કાવ્યા, હવે હાથ પીળાં કરવા અંગે કાંઈક વિચાર…” ને હું હસીને કહેતી, “હાથ પીળા જ તો નથી થવા દેવા મમ્મી!” મારાથી અપાય એ બધું હું સરને આપતી પણ સરને હંમેશા ઓછું જ પડે, બધું સુકાઈ જતું. સરે મને પ્રોમિસ કરેલી કે આગળ કહેલી કોઈ વાત યાદ ન રાખે ત્યારે હું ચિડાઈ જાઉ તો એ મારી પાસે સબિતી માગે ત્યારે હું એ બેન્ચ પર હાથ ફેરવી એના પર, કાળી સડક જેવા ઓછાડ પર જુની નિશાનીઓ શોધવા મથી પડું અને ગરમાળો તો એની મર્યાદામાં રહીને ક્યારેક હવામાં ઝુલ્યા કરે. પણ હા, વર્ષોથી હું એમની પાસે નથી ગઈ, નથી એ મારી પાસે આવ્યો, માત્ર દૂરથી અમે એકબીજાને જોયા કરીએ છીએ. નથી આ સળવટોની સડક ઓળંગી મારી પાસે આવવાનો કે નથી ખખડધજ બસસ્ટોપને મુકી હું ત્યાં જવાની. બસ, એકબીજાની આંખોમાં એકબીજાનાં પ્રતિબિંબને શોધ્યા કરીએ છીએ. સૂંડલો સૂંડલો પાંદડા વચ્ચે તો ક્યારેક ઉનાળાનાં પીળાં કે રાતાકેસરી ગુચ્છાઓ વચ્ચે કશીક રાહ જોતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ગરમાળો, ગુલમોર અને ખખડેલું બસસ્ટોપ ! – રામ મોરી”

Copy Protected by Chetan's WP-Copyprotect.