રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી? – ડૉ. કુમારપાળ દેસાઈ

(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૨ના અંકમાંથી સાભાર)

[ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, ચરિત્ર અને બાળસાહિત્ય જેવાં સ્વરૂપોમાં લેખન કરનાર સર્જક ‘જયભિખ્ખુ’ના ભાવનાવિશ્વનું આગવી રીતે ઘડતર થયું. કોઈ પણ સર્જક પોતાની આસપાસની પરિસ્થિતિમાંથી ઘણી સ્ફુરણા અને પ્રેરણા પ્રાપ્ત કરતો હોય છે અને એનાથી એનો સર્જનપિંડ રચાતો હોય છે. એ રીતે લેખક જયભિખ્ખુના ભાવનાવિશ્વમાં આવતા પલટાઓને અહીં જોઈએ…]

કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)નાં રૂઢિ, વહેમો અને ક્રૂર સામાજિક રિવાજોથી ઘેરાયેલા સમાજમાં બાલ્યાવસ્થામાં જ સર્જક જયભિખ્ખુને સૌથી વધુ શોષિત એવો નારીસમાજ દ્રષ્ટિગોચર થાય છે. પોતાની આસપાસના સમાજમાં બનતી હૃદયવિદારક સામજિક સત્ય ઘટનાઓ યુવાન જયભિખ્ખુના હૃદયમાં રહેલી વેદના-સંવેદનાને સ્પર્શી જાય છે અને પછી એ કથારૂપે પ્રગટે છે. એમના લેખનનો પ્રારંભ થયો નારીવેદનાના ચિત્રણથી. એમની આસપાસની સામાજિક પરિસ્થિતિએ આ લેખકને અનેક સમાજથી કથાઓ લખવાની વિષયસામગ્રી અને આંતરપ્રેરણા આપી.

એમની કલમને વહેવાનો આ ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના જૈન ગુરુકુળમાં અભ્યાસ કરતા જયભિખ્ખુને ઈતિહાસનો અનેરો રંગ લાગ્યો. બોરસલીના ઊંચાં ઊંચાં વૃક્ષોની હારમાળા વીંધીને શિવપુરીના ગુરુકુળથી ગ્વાલિયર શહેરમાં જવાનો લાલ માટીવાળો રસ્તો પસાર થતો હતો. લીલું-હરિયાળું ઓઢણું ઓઢીને ધરતી નિરાંતે આરામ કરતી હોય, ત્યારે શિવપુરી-ગ્વાલિયરનો આ લાલ રસ્તો કોઈ સુંદરીમા સૌભાગ્યસેથામાં પૂરેલા સિંદૂર જેવો લાગતો હતો.

ગ્વાલિયરથી ૬૦ માઈલ દૂર ઊંચી ટેકરી પર આવેલું રમણીય પ્રકૃતિથી વીંટળાયેલું શિવપુરી ગામ હતું. એમ કહેવાય છે કે ઈતિહાસમાં એ સીપ્રી નામે ઓળખાતું હતું અને એના રાજાએ એનું નામ શિવપુરી પાડ્યું હતું. આ શિવપુરીની આસપાસ ૧૮૫૭ની સ્વાતંત્ર્યક્રાંતિમાં સરફરોશીની તમન્‍ના સાથે આત્મબલિદાન આપનારા શહીદોનાં જીર્ણશીર્ણ સ્મારકો જોવા મળ્યાં અને લોકમુખે વહેતી વીરગાથાઓ સાંભળવા મળી. શિવપુરીથી રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી માત્ર ૬૦ માઈલ દૂર હતું. આથી ગ્વાલિયરથી શિવપુરીના અનેક લોકો તાત્યા ટોપે અને ઝાંસીની વીરકથાઓ લઈને આવતા હતા. શિવપુરીના ગુરુકુળમાં વીર વિક્રમાદિત્ય હેમુનું પાત્ર ભજવનાર વિદ્યાર્થી જયભિખ્ખુને વીરરસનો રંગ તો લાગ્યો હતો, પરંતુ એ વીરરસની સાથોસાથ આ વાતાવરણે એમના હૃદયમાં સ્વાતંત્ર્યપ્રેમની જ્યોત જગાવી.

વિદ્યાર્થી તરીકે તેઓ ઘણી વાર શિવપુરીથી પગપાળા ગ્વાલિયર ગયા હતા. આ સમયે કોઈ સ્મારક જુએ અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ઝૂઝતો કોઈ વીરપુરુષ કે વીરાંગના એમની નજર સમક્ષ જીવંત બની જતાં!

એક વાર શિવપુરીની પશ્ચિમ તરફના રસ્તાના એક ખૂણે કોઈ અજાણી સમાધિ જોઈ. વિદ્યાર્થી જયભિખ્ખુએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ગ્રામજનો એને ‘ટોપીવાળા વીરની સમાધિ’ કહેતા હતા. એ સમાધિની પડખે નાનકડું રમતિયાળ ઝરણું ખળખળ વહેતું હતું. બે ઊંચાં ઊંચાં તાડ ટટ્ટાર સ્વમાનભેર ઊભાં હતાં. સિંદૂરરંગ્યા બે પથ્થરો અને એની આસપાસ, આમતેમ વેરાયેલાં નાળિયેરનાં કાચલાં, ભીનાશમાં ફરતા કરચલાઓ અને પથ્થર ઉપર ફરકતી નાનકડી જીર્ણશીર્ણ ધજા! ટોપીવાળા વીરની આ સમાધિ તરફ ભાગ્યે જ કોઈની નજર જાય તેવું હતું.

વિદ્યાર્થી જયભિખ્ખુ આ માર્ગેથી પસાર થતા હતા, ત્યારે ગ્રામવાસીએ કહ્યું કે ખબર નથી પડતી, પણ આ સમાધિ પાસે રોજ સમીસાંજે અચૂક લોબાનનો ધૂપ મહેકતો હોય છે અને પ્રાતઃકાળે મીઠી હવામાં કોઈ ઊડતાં, રખડતાં, મોર અને ઢેલ સાથે આવીને અહીં મનોહર કળા કરે છે. અંધારી રાત્રે એકાદ દીપક ક્યાંકથી ઝબકી ઊઠે છે. આછો દીપક, લોબાનની ગંધ અને ઉપરથી બોલાતી ફાઉડી (એક જાતનું શિયાળ) લોકકલ્પનાને ભડકાવતાં હતાં. એમ કહેવાતું કે ગર્ભવતી સ્ત્રીઓ આ સ્થળેથી પસાર થતી નહીં અને બાળકોનાં મનમાં એટલો બધો ડર પેસી ગયેલો કે દિવસે પણ ત્યાં રમવા જતાં નહીં!

આ સમાધિની સામે સરકારી દવાખાનાની મૃતદેહો રાખવાની જગા હતી. ગ્રામજનો એને ‘મડદાંઘર’ તરીકે ઓળખતા હતા અને અંધારી રાત્રે કોઈ મૃત દર્દીના શબને અહીં લાવીને રાખ્યા પછી કોઈ પતિ ગુમાવનારી વિધવા નારી કે પુત્ર ગુમાવનારી માતા અથવા તો દુખિયારી બહેન ઝીણું ઝીણું રડ્યા કરતી હતી. આ રુદનના સ્વરો આ સમાધિના અદ્‍ભુત વાતાવરણમાં ભયાનકતાનો રંગ પૂરતા હતા. નજીકની ઊંચી ટેકરી પર આવેલો ગ્વાલિયર રાજનો હવામહેલ અને એની બાજુમાં આવેલું ગોરા અફસરોનું બિલિયર્ડનું મકાન; એની નજીક અને થોડે દૂર આવેલાં ધરતીમાતાના મુખ પર શીતળાનાં ચાઠાં જેવા ખેડૂતો, ગોવાળો અને મજૂરોનાં ઝુંપડાં હતાં. રાતના આછા અંધકારમાં આ બધું એકબીજા સાથે એવું ભળી જતું કે જાણે કોઈ ભેદી માયાવી સૃષ્ટિ ખડી થતી!

સીપ્રી (શિવપુરી)થી ગ્વાલિયર જવાના આ રસ્તે વિદ્યાર્થી જયભિખ્ખુને અવારનવાર આવવા-જવાનું થતું. આ સ્થળને જોતાં એમના મનમાં એક પ્રકારની અદ્‍ભુતતાનો ભાવ જાગતો હતો. અદ્‍ભુતનુંય આકર્ષણ હોય છે. એ રીતે એમને એના પ્રત્યે આકર્ષણ થતું.

એક વાર ગ્વાલિયર રાજ્યના મુલકી અધિકારી ભાલેરાવજી સાથે આ રસ્તે પસાર થવાનું બન્યું. ભાલેરાવજી ઈતિહાસના ઊંડા અભ્યાસી હતા. બે પથ્થર પર પવનમાં આમતેમ ફરકતી જીર્ણશીર્ણ ધજાને બતાવતાં એમણે કહ્યું, ‘વિદ્યાર્થીમિત્રો, આ શું છે એ તમે જાણો છો?’ વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, ‘ના, એની અમને કશી ખબર નથી; પણ એટલી ખબર છે કે જ્યારે જ્યારે આ સ્થળેથી પસાર થયા છીએ, ત્યારે ભયાનકતા અને અદ્‍ભુતતાનો વિલક્ષણ અનુભવ થાય છે.’

ભાલેરાવજીએ કહ્યું, ‘આ સિંદુર ચડાવેલા પથ્થરમાં એક સિંદૂરવદન દેવ સૂતો છે. સિંદૂરવદન દેવ ગણપતિએ જેમ માતાને ખાતર મસ્તક કપાયું હતું. એમ આ સમાધિમાં સૂતેલા વીરપુરુષે માતા સમાન માતૃભુમિને માટે પોતાનું બલિદાન આપ્યું છે.’

વિદ્યાર્થી જયભિખ્ખુએ પ્રશ્ન કર્યો, ‘એટલે આ કોઈ દેવનું સ્થાનક છે?’

‘જેણે બીજાને માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે એ મહાન ગણાય. જેણે પોતાના વતનને માટે પોતાની જાતની કુરબાની આપી, તે દેવ ગણાય.’

‘એ દેવનું નામ શું છે?’ જયભિખ્ખુએ ગંભીર બનીને પૂછ્યું.

‘નરવીર તાત્યા ટોપે.’

‘શું સન ૧૮૫૭નો તાત્યા ટોપે?’

ભાલેરાવજીએ જરા મસ્તક ઊંચું કરીને કહ્યું, ‘હા, સન ૧૮૫૭ની ક્રાંતિના અમર શહીદ તાત્યા ટોપે.’ આટલું કહીને ભાલેરાવજી ટકોર કરી, ‘આજની કેળવણીએ પોતાના વીર પુરુષોને માનપૂર્વક બોલાવવાનુંય ભુલાવ્યું છે. તનની સાથે મનથી પણ ગુલામ બન્યા છીએ. દાસત્વ એ અંતરના સંસ્કારોને કચડી નાખે છે સમજ્યા?’

વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓને પોતાની તોછડાઈ માટે શરમ આવી; પણ ત્યાં તો ગ્વલિયરના ભાલેરાવજીના મુખમાંથી તાત્યા ટોપેની વીરગાથા પ્રગટ થવા લાગી.

‘રોટી અને લાલ કમળનો એ લડવૈયો! સન સત્તાવનના સંગ્રામનો મહાન પરાક્રમ વીર! કાબેલ, કુટનીતિજ્ઞ, વિખ્યાત સેનાપતિ! ચક્રવ્યૂહનો અજબ ખેલાડી! માટીમાંથી મર્દ પેદા કરનારો, કલમબાજમાંથી અજબ કૃપાણધારી; સ્વધર્મ, સ્વદેશ અને સ્વતંત્ર્તાનો પરમ શહીદ!’

વિદ્યાર્થી જયભિખ્ખુના ચિત્તમાં વીર સેનાની તાત્યા ટોપેની યશગાથા ઊભરાવા લાગી. ૧૮૫૭ના સ્વાતંત્યસંગ્રામ-સમયે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મદદે જનાર તાત્યા ટોપેએ કેટલાંય મહત્વનાં નગરો અને ગામડાંઓ પર વિજય મેળવીને ગ્વાલિયરમાં નાનાસાહેબનો ડંકો વગાડ્યો હતો. મેરઠ, દિલ્હી, આગ્રા ઝાંસી અને ગ્વાલિયર જેવાં શહેરોમાં ક્રાંતિની જ્યોતિ જગાવી હતી. આ તાત્યા ટોપે, રાવસાહેબ અને લક્ષ્મીબાઈએ સાથે મળીને ગ્વાલિયર પર વિજય મેળવ્યો હતો અને નાનાસ્સાહેબને પેશ્વા તરીકે જાહેર કર્યા હતા. આ બધાનું સ્મરણ થતાં વાતાવરણમાં તાત્યા ટોપેની વીરતાનો પ્રકાશ ઝળહળતો લાગો અને હવાની મીઠી લહરીમાં સ્વાતંત્ર્યપ્રેમની ભાવનાનું ગુંજન સંભળાયું.

ભાલેરાવજીએ આ વિદ્યાર્થીઓને કહ્યું, ‘તાત્યા ટોપે દેવાસથી આ તરફ આવ્યા હતા અને ગ્વાલિયરના મહારાજા સિંધિયાના સરદાર માનસિંહે દગાબાજી કરીને એમને કેદ કર્યા હતા. આ તાત્યા ટોપેને પ્રથમ સીપ્રી (શિવપુરી) લઈ જવાયા હતા. ૧૮૫૯ની ૧૮મી એપ્રિલે મહાન સેનાની તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી. ક્રાંતિનો ઈતિહાસ વાંચતાં મને આ વીર નરનું સ્મરણ થયું અને નક્કી કર્યું કે જે ભૂમિ પર એને ફાંસી અપાઈ હતી, એ એના દેહવિલોપનની ભૂમિ શોધવી. આખરે આ સ્થળ નિશ્ચિત કરી શક્યા.’

વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓએ પાવન સમાધિ પાસે ગયા. પહેલાં અવાવરું સ્થળે પડ્યા હોય એવા બે બેડોળ પથ્થરો લાગ્યા હતા, હવે એમાં સમર્થ વીરપુરુષની તેજસ્વી છબી જોવા મળી. પથ્થર પરનો સિંદુરનો લાલ રંગ જાણે યુદ્ધમાં ખેલતા અને અંગ્રેજોને હંફાવતા તાત્યા ટોપેની તલવારના લાલ રંગ જેવો લાગવા માંડ્યો. ઉપર ફરકતી જીર્ણશીણ ધજા હવે કોઈ સ્વાતંત્ર્ય માટે કુરબાન થવા નીકળેલા આઝાદી વીરના હાથમાં શોભતી યશપતાકા જેવી લાગી!

ગ્વાલિયર રાજ્યના મુલકી અમલદાર ભાલેરાવજીએ કહ્યું, ‘મારા પ્રિય વિદ્યાર્થીઓ, મારી ઇચ્છા તો અહીં કીર્તિમંદિર ખડું કરવાની હતી, પણ ગુલામ દેશમાં એ શક્ય કઈ રીતે બને? ફંડ એકઠું કરીને એક નાની દેરી ચણાવી; પરંતુ એ એક અંગ્રેજ અમલદારની નજરે ચડી ગઈ, એણે કઢાવી નાખી. રાજદ્રોહીનાં વળી સ્મારક કેવા?

ભાલેરાવજીનો કંઠ રૂંધાઈ ગયો. એમના શબ્દો વેદનામાં ધરબાઈ ગયા. એમણે કહ્યું, “મન તો ઘણુંય હતું પરંતુ મારી સામે બે મુશ્કેલીઓ હતી. એક તો એ કે ગ્વાલિયર રાજ પર અંગ્રેજ શાસન ચાલતું હતું અને બીજું એ કે હું ગ્વાલિયર રાજનો અધિકારી હતો. રાજના નોકરને માટે આવી પ્રવૃત્તિ હાથ ધરવી, એ દેશદ્રોહનું કામ જ ગણાય; આમ છતાં મન સતત બેચેન રહ્યા કરતું હતું. રાતોની રાતો ઊંઘ આવતી નહીં. બસ, મનમાં એક જ સવાલ ઉઠતો કે જેણે આપણે માટે આટલું મોટું બલિદાન આપ્યું, એને માટે આપણે કંઈ ન કરી શકીએ? આપણા બાળકો વીરતાના પાઠ કેવી રીતે ભણશે? આખરે મેં બે પથ્થરોને સિંદુર ચોપડી ત્યાં મૂક્યા. એક બાવાજીને શોધી લાવ્યો. થોડા હોમ-હવન ચાલુ કર્યા પછી તો બાધા-માનતા અને ચમત્કારોની કથા શરૂ થઈ. એ રીતેય મારા વીરના દેહવિલોપનની ભૂમિની નિશાની જાળવી રાખી. લોકો આ સ્થાનને ‘ટોપીવાળા વીરની સમાધિ’ તરીકે ઓળખે છે.”

વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, ‘હા, તાત્યા ટોપેનું મૂળ નામ તો રામચંદ્ર પાંડુરંગ ભટ હતું પણ એ તાત્યા ટોપેને નામે જાણીતા થયા હતા.’

ભાલેરાવજીએ કહ્યું, ‘આ પ્રદેશ એ તાત્યા ટોપે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો શૌર્યપ્રદેશ છે. એમની વીરતાએ પ્રજાને ઘડી છે. આજે ભલે દેશ ગુલામ હોય, પરંતુ આવા વીરોનું બલિદાન અને એમની પ્રેરણા આઝાદીનું અજવાળું લાવ્યા વિના રહેશે નહીં.’

ભાલેરાવજીએ પોતાની વાત પૂરી કરી. ત્યાં વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓનું મન ભક્તિભાવથી દ્રવી ગયું. આઝાદીના આ મહાન યોદ્ધાની સમાધિને સહુએ સાથે મળીને વંદન કર્યા અને થોડા સમય પૂર્વ અવાવરું લાગતી જગા પવિત્ર તીર્થધામ સમી લાગવા માંડી.

શિવપુરીના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી જયભિખ્ખુએ જૈનદર્શનની સાથેસાથ આઝાદ વીરોના ચરિત્રોનું આકંઠ પાન કર્યું. તાત્યા ટોપેની સમાધિની જ એ સમયે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પણ જોઈ. ગ્વાલિયરના સ્ટેશનેથી બે માઈલ દૂર આવેલી એક સમાધિના દરવાજે ઢાલ અને તલવારનું પ્રતીક હતું અને અંદર ઓટલા પર તુલસીક્યારો હતો. ગ્વાલિયર સ્ટેશનેથી શહેરમાં જતાં વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓ આ ઓટલા પર બેંસતા, શિંગચણાનો મજાનો નાસ્તો કરતા અને એ કરતાં કરતાં આ સ્થળ પર ભક્તિભાવથી મસ્તક નમાવતા.

એ સમયે ગ્વાલિયર રાજ્યના પુરાતત્વ-ખાતાના એક અમલદાર ગર્દેસાહેબ છત્રપતિ શિવાજીના પરમ પૂજારી હતા. એમના દિલમાં સ્વાભાવિક રીતે જ સ્વદેશાભિમાન ધબકતું હતું. એમની એક ઈચ્છા હતી કે ઝાંસીની રાણી ગ્વાલિયરના સીમાડે દેશને માટે શહીદ થયાં હતાં, એ વીરભૂમિ હું શોધી કાઢું. આને માટે દિવસોના દિવસો સુધી એમણે પ્રયત્નો કર્યા. પોતાની અંગત રકમ ખર્ચીને બધા પુરાવા એકઠા કર્યા. અંતે જગા નક્કી થઈ અને સ્મારક કરવાનો વિચાર કર્યો.

સ્મારકની જગા હતી, એને માટે ધન ખર્ચનાર પણ તૈયાર હતા; પરંતુ ગ્વાલિયર રાજ પોતાના આંગણે, પોતાના કલંકનું સારક થવા દે ખરું? કારણ કે ઝાંસીની રાણીને મદદ કરવાને બદલે ગ્વાલિયરના રાજવી સિંધિયાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો અને એથી જ ઝાંસીની રાણી અને તાત્યા ટોપેએ સાથે મળીને ગ્વાલિયર પર હલ્લો કર્યો હતો અને ગ્વાલિયરને કબજે કરીને નાનાસાહેબને પેશ્વા તરીકે જાહેર કર્યા હતા. અંગ્રેજોના મિત્ર સિંધિયાને નાસી જવું પડ્યું હતું. જોકે એ પછી સર હ્યુ રોઝના લશ્કરે આ આઝાદીપ્રેમીઓને પરાજય આપ્યો હતો.

ગર્દેસાહેબ વિચારમાં હતા કે હવે શું કરવું? એ દરેકને વ્યક્તિગત રીતે મળ્યા. સ્વાતંત્ર્ય માટેની ગર્દેસાહેબની તમન્ના અનોખી હતી. એ સમયે ગ્વાલિયરમાં પ્રધાનમંડળ રાજ કરતું હતું અને ગ્વાલિયરના એક પ્રધાન ભીડેસાહેબ લોકમાન્ય ટિળકના સહાધ્યાયી હતા. આખરે નિર્ણય થયો, ‘રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી? કરો સ્મારક!’

અંગ્રેજોનું શાસન હોવા છતાં સ્મારકનું કામ શરૂ થયું. પણ કહેવાય છે કે એક વાર અંગ્રેજ રેસિડેન્ટ ત્યાંથી નીકળ્યો. એની નજર આ સ્મારક તરફ ગઈ. એણે સ્મારકનું બાંધકામ થવા દીધું, પણ રાણી લક્ષ્મીબાઈની મૂર્તિ મૂકવા દીધી નહીં. આથી ગર્દેસાહેબે ત્યાં પવિત્ર એવો તુલસીનો છોડ રોપ્યો.

વિદ્યાર્થીઅવસ્થામાં જયભિખ્ખુ ગ્વાલિયરના આ પ્રદેશોમાં ઘૂમી વળે છે. જૈન ગુરુકુળના વાતાવરણમાં ધર્મસંસ્કારના રંગ રંગાયેલી આબોહવાનો અનુભવ થાય છે તો ગુરુકુળની બહાર આઝાદીની તમન્ના માટે જાનફિશાની કરનારા ક્રાંતિકારીઓનાં દર્શન થાય છે. આનું પરિણામ એ આવ્યું કે જયભિખ્ખુએ ઈતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો અને એથીય આગળ વધીને એમણે ઈતિહાસના સત્યને પામવા માટેનો પ્રયત્ન કર્યો. એમાં પણ સત્તાવનના સ્વાત્રંત્યયુદ્ધ અંગે એમની આગવી દ્રષ્ટિ હતી અને એથી જ ‘ગુલાબ અને કંટક’ કથાસંગ્રહના ‘પ્રવેશ’માં તેઓ લખે છે,

“સત્તાવનનો બળવો અમને શાન-શૌકતનો પણ લાગ્યો છે, ને આપણી લાજશરમનો પણ લાગ્યો છે. જ્યાં અપૂર્વ વીરત્વ નજરે પડ્યું, ત્યાં ઘોર સ્વાર્થંધતા પણ નજરે પડી છે!”

“અંગ્રેજો અમને સદા શત્રુ લાગ્યા નથી. આ ધર્મપ્રેમી દેશને રાષ્ટ્રપ્રેમની ભેટ એ અંગ્રેજોની બક્ષિસ છે. અંગ્રેજો વેપારી, રાજા, ગુરુ, શત્રુ ને અંતે મિત્ર – એમ પંચમૂર્તિ જેવા લાગ્યા છે.”

“પણ સત્તાવનનું સ્વાતંત્ર્યયુદ્ધ ન ઝગ્યું હોત તો હિંદમાંથી મર્દાઈ પરવારી જાત, ભારતીય આત્મા વિનષ્ટ થઈ જાત!”

આમ ગ્વાલિયરના વાતાવરણમાંથી વિદ્યાર્થી જયભિખ્ખુના ઈતિહાસના અભ્યાસનો પ્રારંભ થાય છે. એમાંથી ઈતિહાસકથાઓની રચના થાય છે અને ૧૯૪૪માં આવી કથાઓનો પ્રથમ સંગ્રહ ‘ઉપવન’ને નામે પ્રગટ થયો. એ પછી તો ઈતિહાસ એ એમના અભ્યાસનો એવો વિષય બન્યો કે જેમાંથી કથાઓ અને નવલકથાઓ સર્જાવા લાગી; પરંતુ બન્યું એવું કે ઈતિહાસના આ અભ્યાસે એમને એક નવી દિશા આપી. ઈતિહાસના અભ્યાસમાં એમણે જોયું કે જે બાબતમાં ઘણાને ગુલ (ફૂલ) દેખાયાં, ત્યાં એમને કંટક લાગ્યા અને ઘણાને જ્યાં કાંટા નજરે પડ્યા હતા, ત્યાં એમને ગુલ દેખાયાં. પ્રચલિત ઈતિહાસકારોની સચ્ચાઈ સામે પ્રશ્નાર્થ જાગ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી? – ડૉ. કુમારપાળ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.