વાત પરભામહારાજની… – મહેશ યાજ્ઞિક

(‘અખંડ આનંદ’ સામયિકના મે-૨૦૧૭ના અંકમાંથી સાભાર)

ક્યારેક આવું પણ બને ક્યારેક એવું પણ બને,
ક્યારેક ધાર્યું ના બને ક્યારેક અણધાર્યું બને.

બંગલાના ગેટનો ખખડાટ સાંભળીને કલ્યાણી ચમકી. રિમોટ બાજુ પર મૂકીને એણે ઘડિયાળ સામે નજર કરી. બપોર એક વાગ્યે કોણ હશે? ઊભી થઈને એ બહાર આવી.

‘બાપા, તમે?’ આંખ સામે દેખાતું દ્રશ્ય જાણે માનવામાં ના આવતું હોય એમ એનો અવાજ તરડાઈ ગયો. સુખદ આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ પ્રભાશંકર સામે તાકી રહી. બીજી સેકન્ડે એના ગળામાં ડૂમો ભરાયો. ગેટ પાસે ઊભેલા પ્રભાશંકરની આકૃતિ ધૂંધળી દેખાવા લાગી ત્યારે એને ભાન થયું કે બંને આંખ આંસુથી ઊભરાઈ રહી છે. એ દોડી. ઝડપથી ગેટ ખોલીને એ પ્રભાશંકરને વળગી પડી.

‘બાપા…’ રડતી રડતી એ એમના પગ પાસે ફસડાઈ પડી. આઠ મહિનાનો ડૂમો એકસાથે ઓગળ્યો હોય એમ એની આંખો વરસી રહી હતી. બાપના પગ ઉપર દીકરીના આંસુઓનો અભિષેક થઈ રહ્યો હતો.

ટટ્ટાર ઊભેલા પ્રભાશંકરે સહેજ ઝૂકીને એને ઊભી કરી. સાડીના છેડાથી આંખો લૂછીને કલ્યાણીએ એમની સામે જોયું. પૂરા આઠ મહિના પછી એ બાપાના ચહેરાના દર્શન કરી રહી હતી. પાંસઠ વર્ષના પ્રભાશંકરનું શરીર થોડું સુકાઈ ગયું હોય એવું એને લાગ્યું, પરંતુ ચહેરા ઉપરની ચમક હજુ એવી ને એવી હતી. એકવડિયું શરીર, ખાદીનો સફેદ ઝભ્ભો-ધોતિયું, પગમાં ખાદી ભંડારની ચંપલ. સહેજ લંબગોળ તેજસ્વી ચહેરો. આછા થઈ ગયેલા સફેદ વાળ. અજાણ્યો માણસ પણ આદરથી હાથ જોડે એવું વિદ્વતાનું તેજ ચહેરા પર તરવરતું હતું. આખા તાલુકામાં શાસ્ત્રો અને વિધિ-વિધાનમં એમના જેટલું જ્ઞાની કોણ હતું? બાપાના ચહેરાની આભા અને આંખોની અલૌકિક ચમક સામે કલ્યાણી ટગર ટગર તાકી રહી. ભરબપોરે એ એવી રીતે આવ્યા હતા કે શું બોલવું એ એને સૂઝતું નહોતુ.

પ્રભાશંકરની સ્નેહભીની આંખો કલ્યાણીના ગોળમટોળ ચહેરા ઉપર સ્થિર હતી, ‘કલુ બેટા, હું હારી ગયો…’ કલ્યાણીના મસ્તક ઉપર હાથ મૂકી એમણે એકરાર કર્યો, ‘આજ સુધી માત્ર મગજથી વિચારતો રહ્યો’તો. મારું નામ, મારો મોભો અને સમાજ શું કહેશે એ એક માત્ર વિચારમાં અટવાયેલો રહ્યો…’ સંસ્કૃતના પ્રખર અભ્યાસુ પ્રભાશંકરના અવાજમાં એક વિશિષ્ટ રણકાર હતો. ‘તું ઘર છોડીને ગઈ એ પળથી અંતરાત્મા ડંખતો હતો. આત્માના અવાજને દાબીને દુનિયાથી ડરતો રહ્યો. એ મારી ભૂલ હતી બેટા…’ એમનો પ્રેમાળ હાથ કલ્યાણીના માથા ઉપર ફરતો હતો. ‘ઘરની પ્રત્યેક દીવાલ વચ્ચે તારી યાદ છલકાતી હતી. આત્માના અવાજને રૂંધીને કઠોર હોવાનો અભિનય કરતો રહ્યો પણ આજે હારી ગયો દીકરી! અંદરથી વલોવાઈને તૂટી ગયો હતો. આજે બધાં બંધનો તોડી નાખ્યાં. માત્ર આત્માનો અવાજ સાંભળીને દોડી આવ્યો તારા દરવાજે…’

‘આવું ના બોલો બાપા…’ રૂંધાયેલા અવાજે કલ્યાણી બબડી, ‘બધો વાંક મારો હતો. મારી જીદમાં મેં તમારું કંઈ ના વિચાર્યું. તમે ચોખ્ખી ના પાડેલી છતાં ઘેરથી ભાગીને લગ્ન કર્યાં. પાછળ તમારું શું થશે એ વિચારવાની અક્કલ પણ ખોઈ બેઠેલી.’ સામે સોફા ઉપર બેઠેલા પ્રભાશંકર સામે એ ભીની આંખો તાકી રહી. ‘તમારા પવિત્ર આત્માને દુભાવ્યો એનો પારાવાર પસ્તાવો થતો હતો. કેટલીય વાર આવીને તમારી માફી માગવાનું મન થતું હતું પણ પગ નહોતો ઊપડતો. એકવાર મૂર્ખામી કરી ઊંબરો ઓળંગીને ભાગી તો ખરી પણ જ્યારે તમારો વિચાર આવે ત્યારે રડી પડતી’તી. આખા ઘરમાં તમે એકલા શું કરતા હશો? સાચું કહું છું બાપા એકલી એકલી અનેકવાર રડી છું…’

‘મારી દશા તારાથીયે ખરાબ હતી.. તને યાદ કરું ને અંદર શારડી ફરતી હોય એવી પીડા થાય. અહમને લીધે આંખમાં આંસુ ઉપર પણ મનાઈહુકમ. ગળે આવી ગયો’તો આ યાતનાથી. આજે બધુંય ફગાવીને આત્માનો અવાજ માન્યો. દોડીને તારી પાસે આવી ગયો.’ એમના ગળામાં ડૂસકું અટક્યું એટલે કલ્યાણી ઊભી થઈ. ટ્રેમાં પાણીનો ગલાસ લઈને આવી. પાણી પીતી વખતે પ્રભાશંકરની નજર દીકરીના ડ્રોઈંગરૂમનું નિરીક્ષણ કરતી હતી. સરસ સોફાસેટ, પગ નીચે પોચી પોચી કાર્પેટ, વિશાળ ટીવી, ઐશ્વર્ય અને સમૃદ્ધિમાં કોઈ ખામી નહોતી. એમણે સંતોષનો શ્વાસ લીધો. ‘બાપા…’ કલ્યાણીએ વિનંતી કરી, ‘પહેલીવાર મારા ઘેર આવ્યા છો તો હવે રોકાઈ જાવ. સાંજે જમીને જ જજો. તમારા જમાઈ ચાંગોદર ફેક્ટરી ઉપર ગયા છે. સાંજે સાતેક વાગ્યે એ પણ આવી જશે.’

‘તે કહ્યું એમાં બધુંય આવી ગયું…’ પ્રભાશંકરે ડૂસકું ખંખેરીને પાણીનો ગ્લાસ ટિપોઈ પર ઊક્યો. ‘દીકરીના ઘરનું પાણી સિવાય કંઈ ના ખપે.’ બાપની નજર દીકરીના ચહેરા ઉપર સ્થિર થઈ. ‘તેં આ રીતે લગ્ન કર્યાં એ વખતે તારા નામનું નાહી નાખેલું. છેલ્લા એક અઠવાડિયાથી રાતની ઊંઘ ઊડી ગઈ’તી. રોજ રાતે તારી મા ઓરડામાં આંટા મારતી હોય એવું લાગે. આંખ ખોલું તો ઓરડો ખાલીખમ. ફરીથી આંખ બંધ કરું તો એ આવે. પલંગ પાસે ઊભી રહીને મને પૂછે કે આટલા મહિનામાં તમે આપણી કલુની ખબર પૂછવા પણ નથી ગયા?’

કલ્યાણીની આંખમાં ઝળઝળિયાં હતાં. એ પોતાના પિતાના સ્વભાવને જાણતી હતી. એ બાર વર્ષની હતી ત્યારે ચાર દિવસની માંદગીમાં જ એની માતાનું મૃત્યુ થયું હતું. મરતી માતાની છેલ્લા શ્વાસ સુધીની ચાકરી પણ કલ્યાણીએ જ કરી હતી. માતાને પણ જાણે મૃત્યુનો અણસાર આવી ગયો હોય એમ છેલ્લા ચાર કલાક કલ્યાણીના ખોળામાં માથું રાખીને જ સૂઈ રહી હતી. ઝળઝળિયાં વચ્ચે એ સ્મૃતિ કલ્યાણીની આંખમાં તરવરતી હતી.

‘કલુ…’ દીકરીના બંને હાથ પોતાના હાથમાં જકડીને એ બબડેલી, ‘તારા બાપા તો બિચારા ભગવાનનું માણસ છે, કોઈ એમને છેતરતું હોય તો પણ પેલો છોબીલો ના પડે એટલા માટે જાણીજોઈને છેતરાવાનું ચાલુ રાખે એવી એમની પ્રકૃતિ છે. તું એમને સંભાળજે. એમના આવા સ્વભાવની કાળજી રાખજે. કલુ બેટા, એ પુણ્યાત્માને દુઃખ થાય એવું ક્યારેય ના કરતી. મારો સમય પૂરો થવા આવ્યો. એમનું ધ્યાન તારે રાખવાનું છે.’

બાર વર્ષની કલ્યાણીએ પોતાની હથેળી માના હોઠ ઉપર દાબી દીધાં, ‘તું આવી વાત ના કર. તાવ છે એ ઊતરી જશે.’

બુઝાતા દીપકના છેલ્લા ઝબકારા જેવું સ્મિત બાના ચહેરા પર છલકાયું. ‘અરે મારી ડાહી દીકરી! અમારે તો દીકરો ગણો કે દીકરી-બધુંય તું છે. તારા બાપાને સાચવજે…’

બાનો અવાજ બદલાયો એટલે કલ્યાણી ચમકી. એણે ચીસ પાડી. મહામૃત્યુંજયના જાપ અધૂરા મૂકીને પ્રભાશંકર દોડતા રૂમમાં આવ્યા. પત્નીની આંખો અને ચહેરો જોઈને સમજી ગયા કે હવે આ મંત્રજાપ નિરર્થક છે. પત્નીના કપાળે હાથ મૂકીને પ્રભાશંકરે ગંગાજળ લાવીને પત્નીના મોંમાં રેડ્યું. ખુલ્લી આંખો પતિ અને દીકરી સમક્ષ તાકી રહી હતી. હોઠ ઉપરનું છેલ્લું સ્મિત ફરક્યું અને ચહેરો ડાબી તરફ ઢળી ગયો.

‘તમારું શરીર સાવ લેવાઈ ગયું છે…’ આંખ લૂછીને કલ્યાણી વર્તમાનમાં આવી. પ્રભાશંકરની સામે જોઈને એણે કહ્યું, ‘આ આઠ મહિનામાં તમારી ઉંમર દસ વર્ષ વધી ગઈ હોય એવું લાગે છે.’

પ્રભાશંકર ફિક્કું હસ્યા, ‘તું હતી ત્યારે ગરમાગરમ જમવા મળતું હતું. તું ગઈ એની સાથે ભૂખ-તરસ બધુંય મરી ગયું. પેટ ભરવું પડે એટલે એક ટાઈમ ભાખરી-શાક બનાવી નાખું. ક્યારેક મુઠ્ઠી ખીચડીમાંય ચાલી જાય.’

‘બાપા…’ કલ્યાણીએ પિતાની આંખોમાં આંખ પરોવી ‘તમે માનો નહીં એટલે કહેતાં જીભ નથી ઊપડતી. બાકી મારી ઈચ્છા તમને સાથે રાખવાની છે. આ ઉંમરે ગામડા ગામમાં તમારું કોણ? આંખ-માથું દુઃખે તો કોણ ચાકરી કરે? અરે, હું હતી ત્યારે તમે કેવું કરતા’તા? તાવ આવે તોય કહ્યા વગર ચૂપચાપ સૂઈ રહેતા’તા. મૂંગા મોઢે પીડા વેઠવાની તમારી આદતને લીધે કોઈનેય તકલીફ નહોતા આપતા.’ કલ્યાણીના અવાજમાં લાગણીની ભીનાશ ભળી. ‘હવે તમારી દીકરીની વાત માનો. એમનો સ્વભાવ પણ ખૂબ સારો છે. વચ્ચે તો એમણે જ મને કહેલું કે પપ્પાને અહીં બોલાવી લે. બોલો બાપા, મારું કહ્યું માનશો?’

‘કલુ બેટા, તારી લાગણી સાવ સાચી પણ દીકરીના ઘરનું માત્ર પાણી ખપે. એ સિવાય કંઈ નહીં…’ પ્રભાશંકરનો અવાજ સાવ ઢીલો થઈ ગયો.

એ બોલતા હતા એ વખતે કલ્યાણી વિચારમાં ડૂબી ગઈ હતી. એની આંખ સામે ભૂતકાળ તરવરી ઊઠ્યો. બારમા ધોરણ પછી ગામની બધી છોકરીઓનો અભ્યાસ પૂરો થઈ ગયો. પ્રભાશંકરે કલ્યાણીની ઈચ્છા પૂરી કરી. બાજુમાં તાલુકાની કોલેજમાં પ્રવેશ અપાવ્યો. એ બસમાં આવ-જા કરતી. કોલેજના છેલ્લા વર્ષમાં રૂપેશ સાથેનો પરિચય વધુ ગાઢ બન્યો. એ પછી રૂપેશે લગ્નની દરખાસ્ત મૂકી હતી. બ્રાહ્મણની દીકરી ખત્રી યુવાન સાથે લગ્ન કરે એ વાત પ્રભાશંકરને મંજૂર નહોતી. રૂપેશ સંસ્કારી હતો. ચાંગોદરમાં ફેક્ટરી હતી. પરિવાર પણ ખાનદાન હતું એ છતાં જ્ઞાતિભેદ નડી ગયો. જ્ઞાતિના યુવાનો પૈકી ચારેક જગ્યાએ અગાઉ વાત થયેલી. ગામડાની છોકરી સામે છોકરાઓને વાંધો હતો. પોસ્ટમેન, પ્રાથમિક શાળાના શિક્ષક કે કંપાઉન્ડર જેવી નોકરીવાળા જ્ઞાતિના યુવાનો મળતા હતા. એ માટે કલ્યાણી તૈયાર નહોતી.

જબરદસ્ત મનોમંથન પછી કલ્યાણીએ હિંમતભર્યો નિર્ણય લઈને ઘર છોડ્યું. એ વખતે એણે અને રૂપેશે વિચારેલું કે એકાદ વર્ષમાં પ્રભાશંકરને મનાવી લઈશું અને એમને સાથે રાખીશું. રૂપેશની આ માટે પૂરી તૈયારી હતી.

પ્રભાશંકર હજુ બોલતા હતા. કલ્યાણી ઊભી થઈ. સોફા ઉપર બેઠેલા પ્રભાશંકરના પગ પકડીને એ રડી પડી, ‘બાપા…’ એના અવાજમાં પારાવારા પસ્તાવો છલકાતો હતો. એના શબ્દો હૃદયના ઊંડાણમાંથી આવતા હતા. ‘તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરીને મેં ભૂલ કરી છે એ કબૂલ. તમે કહો એ રીતે માફી માગવા તૈયાર છું પણ મારી આ ભૂલની સજા તમે શા માટે ભોગવો છો? મારી આટલી વાત માનો. રોકાઈ જાવ. રૂપેશ આવે એટલે એની ગાડીમાં ગામડે જાવ. દીકરી તરીકે આજ સુધી તમારી પાસેથી કંઈ માગ્યું નથી. આજે પહેલી વાર અને છેલ્લી વાર માગું છું કે કાયમ માટે અમારી સાથે રહેવા આવી જાવ…’

એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી એટલે આગળ બોલી ના શકી. દીવાલ ઉપરની ઘડિયાળમાં બે ડંકા પડ્યા. કલ્યાણીએ ઘડિયાળ સામે જોયું. બાપા બરાબર એક વાગ્યે અહીં આવ્યા હતા. માત્ર એક કલાક જ થયો હતો એ છતાં જાણે કેટલાય કલાકથી એ અહીં હોય એવું લાગતું હતું.

હવે ફોન કદાચ ચાલુ થયો હશે એમ વિચારીને એ ઊભી થઈને ફોન પાસે ગઈ. રૂપેશને ફોન કરીને એ ખુશખબર આપવા માટે તત્પર હતી. ફોનનું ડબલું સવારથી બંધ હતું. કલ્યાણીનો મોબાઈલ રૂપેશે રિપેર કરાવવા માટે બે દિવસથી આપ્યો હતો. હજુ ફોન ચાલુ નહોતો થયો એટલે ધૂંધવાઈને એણે ડબલું પછાડ્યું.

આ બાજુ પ્રભાશંકર ઊભા થયા.

‘બાપા, એ આવે ત્યાં સુધી તો રોકાવ.’

‘અરે ગાંડી, આટલું તો રોકાયો. હવે રજા લઈશ.’

‘બાપા, રોકાઈ જાવ ને.’ કલ્યાણી કરગરી.

‘મોડું થાય છે બેટા.’ પ્રભાશંકરે એના મસ્તક ઉપર હાથ મૂકીને હળવેથી કહ્યું, ‘આજે આવીને આટલું રોકાયો એ પૂરતું નથી?’ રડતી કલ્યાણી સામે જોઈને એ ફિક્કું હસ્યા. ‘બસ, હવે એક ગ્લાસ પાણી આપી દે અને હસીને તારા બાપને વિદાય આપ…’ કિચનમાં જઈને કલ્યાણી પાણીનો ગ્લાસ લાવી. પ્રભાશંકરે અડધો ગ્લાસ પાણી પીધું અને ગ્લાસ ટિપોઈ પર મૂક્યો. પછી ધીમા પગલે આગળ વધ્યા.

કલ્યાણીની બંને આંખમાં દરિયો છલકાયો. એ પગથિયાં પર ઊભી રહી. ગેટ તરફ જતા પ્રભાશંકરની ટટ્ટાર ચાલ સામે એ તાકી રહી. ગેટ પાસે ઊભા રહીને પ્રભાશંકરે પાછળ જોયું. કલ્યાણી સામે આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કર્યો અને સડસડાટ ગેટની બહાર નીકળી ગયા.

ભાંગેલા પગે કલ્યાણી રૂમમાં આવી. બે હાથ વચ્ચે માથું પકડીને એ સોફા પર બેઠી. એ દશામાં એ કેટલી વાર બેસી રહી એની એને ખુદને ખબર નહોતી. અચાનક એકસાથે બે મોટરસાઈકલ આવીને ગેટ પાસે ઊભી રહી એટલે એ ચમકી.

ગામડે બાપાના ઘરની સામે રહેતા હતા એ ભીખુકાકા અને દેવુકાકા ભરબપોરે બાઈક લઈને પોતાના ઘેર કેમ આવ્યા હશે એ કલ્યાણીને સમજાયું નહીં. બંનેના ચહેરા ગંભીર હતા.

બંને અંદર આવીને સોફા ઉપર બેઠા. કઈ રીતે વાત શરૂ કરવી એ દ્વિધા એમના ચહેરા ઉપર હતી. ‘કલુ બેટા…’ ભીખુકાકાએ ધીમા અવાજે કહ્યું, ‘જલદી તૈયાર થઈ જા. તારા બાપાની તબિયત ઠીક નથી. અમે તને લેવા આવ્યા છીએ.’

‘ક્યારના ફોન જોડતા હતા પણ તારો ફોન લાગતો નહોતો…’ દેવુકાકાએ કહ્યું.

પગ પાસે વીજળી પડી હોય એમ કલ્યાણી હચમચી ઊઠી. સડક દઈને ઊભી થઈને એ આ બંનેની સામે ઊભી રહી.

‘દેવુકાકા, ભીખુકાકા…’ કલ્યાણીનો અવાજ તરડાઈને ચીસ જેવો બની ગયો. ‘તમને મારા સમ છે. સાચી વાત શું છે એ કહો.’ કલ્યાણીના અવાજમાં જે રણકાર હતો એ સાંભળીને એ બંનેએ એકબીજા સામે જોયું.

‘કલુ બેટા, બે દિવસથી પરભામહારાજની તબિયત ઠીક નહોતી. આજે સવારથી એ તને યાદ કરતા’તા. તારો ફોન લાગ્યો નહીં એટલે અગિયાર વાગ્યે દેવુભાઈના મનોજને મોટરસાઈકલ લઈને તને બોલાવવા દોડાવ્યો પણ એ બિચારાને રસ્તામાં એક્સિડન્ટ થયો. પગે ફ્રેક્ચર થયું. પરભામહારાજના હોઠ પરથી તારું નામ સુકાતું નહોતું. ચકળવકળ આંખો ફેરવીને એ તારું રટણ કરીને બારણાં સામે જોઈ રહ્યા હતા.’ દેવુકાકાએ નિરાશાથી માથું ધુણાવ્યું, ‘છેલ્લા શ્વાસ સુધી એ તને યાદ કરતા’તા. બરાબર એક વાગ્યે એમણે દેહ મૂક્યો !’

કલ્યાણી અવાચક બનીને ટિપોઈ પર પડેલા પાણીના ગ્લાસ સામે તાકી રહી.

– મહેશ યાજ્ઞિક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “વાત પરભામહારાજની… – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.