- ReadGujarati.com - http://www.readgujarati.com -

ભગવાનની ખોજ – આશા વીરેન્દ્ર

(‘પુસ્તકાલય’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

એ વાતને કદાચ ત્રણેક દાયકા વીતી ગયા હશે. એ વખતે મારી ઉંમર પાંચેક વર્ષની હશે. નાનકડા એવા અમારા ગામમાં દાદાજીનું ખૂબ માન. જુવાનિયાઓ નિરાંતે બીડી તાણતા હોય ને ત્યાં દાદાજી પહોંચી જાય તો જલદી જલદી છુપાવી દે. દૂરથી એમને આવતા જુએ કે તરત ગામની વહુઆરુઓ માથું ઢાંકે. વેપારીઓ કે ખેડૂતો વાંકા વળીને નમસ્કાર કરે. હું તો દાદાજીના જીગરનો ટુકડો. મને એટલા લાડ લડાવે કે, દાદી, મા-પિતાજી બધાં ફરિયાદ કરતાં, કે આમ કરી કરીને તેઓ મને બગાડી મૂકશે.

સવારે આંખ ખૂલે એટલે મારા મોંમાં પહેલો શબ્દ હોય, ‘દા..દા!’ અને દાદા પણ, ‘હં, બોલો બેટા!’ કહેતાં હાજર જ હોય. હું ગમે તેટલા સવાલો પૂછું પણ દાદા કોઈ દિવસ કંટાળે નહીં. મારી નાની નાની આંખોને એમણે દુનિયા જોતાં શીખવ્યું. ‘દાદા, આ પાંદડાં લીલા ને ફૂલનો રંગ લાલ કેમ?’

‘દાદા, આ ચકલી આટલી નાનકડી ને કાગડો મોટો કેમ?’

મારા જિજ્ઞાસુ મનમાંથી અવનવા સવાલો ઊઠતા રહેતા અને દાદા ધીરજપૂર્વક સરળતાથી બધાના જવાબ આપતા. કેટ-કેટલી જાતના પંખીઓ, એમનો કેવો અવાજ, ક્યાં ઝાડ કે છોડનો દવા તરીકે કે પૂજા માટે ઉપયોગ થાય – આ બધી વાતો એમને નાનપણમાં મને રમત રમતમાં શીખવેલી.

‘જો, આ તુલસી છે ને, એનાં પાંચ પાન રોજ ચાવી જા. શરદી તારાથી દૂર ભાગશે.’ ‘આ ફુદીનો છે. પેટમાં દુખતું હોય તો એનો રસ પી જવાનો તરત સારું થઈ જાય.’

‘પણ દાદા, આ આખી દુનિયા, આટલા બધા માણસો, ફૂલ-ઝાડ, પંખીઓ – આ બધું કોણે બનાવ્યું?’

‘ભગવાને.’

‘ભગવાન એટલે? એ કોણ છે? કેવા છે?’

‘આ સૃષ્ટિનો સર્જક, રક્ષક અને વિનાશક બધું ભગવાન જ છે.’ પછી મારા મૂંઝવણભર્યા ચહેરા સામે જોઈ હસીને કહેતા, ‘નથી સમજાતું? આ બધું સમજવા માટે તું હજી નાનો છે. બસ, માત્ર એટલું સમજી લે કે, આ બધી ઈશ્વરની કૃપા છે.’

‘દાદા, આ ભગવાન છે ક્યાં?’

‘બધે જ. જ્યાં જ્યાં તું નજર કરે ત્યાં બધે જ એનો વાસ છે.’

‘તમે એને જોયા છે?’

ઘડીક વિચાર કરીને દાદા બોલ્યા, ‘હા, જોયા છે રોજ જોઉં છું એમની કૃપાનો પણ રોજ અનુભવ કરું છું.’

મેં એમનો હાથ જોરથી પકડી લીધો, ‘મને પણ ભગવાન બતાવો, મારે એમને જોવા છે.’

વ્હાલથી મારો ગાલ ખેંચતા એ બોલ્યા ‘તારે માટે હજી એને જોવાનો સમય પાકવાને વાર છે. વખત આવ્યે તને દેખાશે.’

મને દાદાના વચન પર પૂરો ભરોસો હતો. દાદા કહે છે તો જરૂર એક દિવસ મને ભગવાન બતાવશે. અમારા ઘર પાછળના વાડામાં એક કૂવો હતો. દાદા મને ત્યાં નાહવા લઈ જતા. પાણી ખેંચીને પોતે પણ નાહતા અને મને પણ નવડાવતા. એક દિવસ રોજના ક્રમ પ્રમાણે એ મને નવડાવી રહ્યા હતા ત્યારે મેં કહ્યું,

‘દાદા, તમે કહો છો કે, ભગવાન બધે છે પણ મને તો ક્યાંય દેખાતા નથી. એવું કેમ? સાચું કહો ને, ભગવાન ક્યાં છે?’ મને ભગવાનને જોવાની બરાબર તાલાવેલી લાગી હતી. મારી વારંવારની પૂછપરછના જવાબમાં એક દિવસ એકાએક એમણે કહ્યું,

‘ભગવાન છે ને તે…છે ને તે. આ કૂવામાં છે. ખૂબ ઊંડે.’

મેં ઉત્સાહથી કહ્યું, ‘તો તો મને બતવો. હમણાં ને હમણાં જ બતાવો.’ એમણે કહ્યું, ‘ના, એમ કોઈ બીજું બતાવી ન શકે. આપણે જાતે જ જોવા પડે.’ દાદા મને રામાયણ, મહાભારત, ગીતાની વાતો સમજાવતા. રામ, કૃષ્ણ, હનુમાન, બુદ્ધ, મહાવીરની કેટલીય જાત જાતની વાતો કહેતા. મને સાંભળાવામાં ખૂબ રસ પડતો પણ સાથે જ ગુંચવાતો પણ ખરો કે, આટલા બધામાંથી સાચા ભગવાન કોણ અને તે કેવા હોય?

એક દિવસ દાદા ટેબલ પર ચઢીને કબાટમાંથી ચોપડી લેવા ગયા ત્યારે ઘડી ભર માટે ચૂક્યા ને ટેબલ પરથી પડ્યા. માથામાં સખત માર વાગ્યો. ડૉક્ટરે ડ્રેસિંગ કરીને પાટો બાંધી આપ્યો. માથે સફેદ પાટો અને મોઢા પર મીઠું સ્મિત. આ સ્વરૂપમાં મને દાદાજી એટલા ગમી ગયા કે, અનાયાસ જ મારાથી પૂછાઈ ગયું,

‘દાદા, ભગવાન તમારા જેવા હોય?’

‘ના રે ના, ભગવાન જેવા થવાનું કે દેખાવાનું મારું નસીબ ક્યાંથી?’ પછી મને પોતાની પડખે બેસાડી મારે માથે વહાલથી હાથ ફેરવતાં બોલ્યા, ‘બેટા, મારી પર ભરોસો રાખ. હું તને કહું છું કે, એક દિવસ તને જરૂર સમજાશે કે, ભગવાન કેવા હોય?’

એ રાતે સૂતા પછી બીજી સવારે દાદા ઊઠ્યા જ નહીં. આખા ઘરમાં સોપો પડી ગયો. હસતું-રમતું ઘર જાણે દુઃખની છાયામાં ઢંકાઈ ગયું. પિતાજી ગુમસુમ થઈ ગયા હતા અને મા છાનું છાનું રડ્યા કરતી હતી પણ બધા કરતાં મને એમના જવાનો જબરદસ્ત આઘાત લાગ્યો. મારા વડીલ ગયા કે મારો મિત્ર ગયો એ મને સમજાતું નહોતું પણ એટલું તો હું સ્પષ્ટપણે એ વયે પણ સમજી શક્યો હતો કે, મારા જીવનની બહુ મૂલ્યવાન ચીજ મેં ગુમાવી દીધી હતી. હું સાવ સૂનમૂન થઈ ગયો.

થોડા દિવસ પછી એક બપોરે હું એકલો એકલો કૂવા પાસે પહોંચ્યો. મને દાદાએ કહેલી વાત યાદ આવી કે, ભગવાન આ કૂવામાં છે. કાંઠે પડેલી લોખંડની બાલદી ઊંધી વાળીને હું સાચવીને એની પર ચઢ્યો. કૂવામાં ડોકિયું કર્યું ને મારા આનંદનો પાર ના રહ્યો.

‘આ શું? ભગવાન તો મારા જેવા જ દેખાય છે!’

આજે આટલાં વર્ષો પછી સમજાય છે કે, દાદાએ રમત રમતમાં મારા બાળમનમાં શ્રી કૃષ્ણએ ગીતામાં, અર્જુનને કહેલું વાક્ય કેવું જડબેસલાક ઉતારી દીધુ હતું. ‘તત્‍ ત્વમ્‍ અસિ!’ હું તારામાં જ છું. જે તું છે એ હું છું અને જે હું છું તે તું છે.

હું મનોમન દાદાજીને પ્રણામ કરું છું.