રીડગુજરાતી : તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ

વડીલો, સ્નેહીઓ.. વાચક અને સર્જક મિત્રો,

આજે રીડગુજરાતી ટીનએજમાં પ્રવેશી રહ્યું છે, આ મહાકાય ઈ-સામયિકનો તેરમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે અને મૃગેશભાઈનો આજે જન્મદિવસ છે. મૃગેશભાઈના નામની આગળ સ્વ. મૂકવાનું મન નથી થતું, રીડગુજરાતી શરૂ કરીને, ગુણવત્તાસભર અને નિયમિત મનનીય અને પ્રેરણાદાયક સાહિત્ય પ્રસ્તુત કરીને તથા દેશવિદેશમાં વસતા અનેક ગુજરાતીઓને વાંચવા માટે સર્વશ્રેષ્ઠ ઓનલાઈન માધ્યમ ઉપલબ્ધ કરાવીને ભાષા માટે તેમણે કરેલી અપાર મહેનત અને નિઃસ્વાર્થ કાર્યને હજારો વાચકોએ વખાણ્યું અને માણ્યું છે. મને યાદ છે કે હું મારી કારકિર્દીની શરૂઆતમાં દિલ્હીમાં અને ઝારખંડમાં હતો ત્યારે એક ગુજરાતી કાગળ વાંચવા તરસી જતો. એવા સમયે ઓનલાઈન ગુજરાતી સંસાધનો જ મારી મદદે આવેલા અને કદાચ મને ભાષાથી અલગ થઈ જતો બચાવવામાં આ જ ઓનલાઈન મહાગ્રંથોએ ભાગ ભજવ્યો છે. મને મારી ભાષા અને ભૂમી સાથે જોડી રાખવામાં રીડગુજરાતીનો અપાર અને અનન્ય ફાળો છે. આજે દિલ્હીમાં બેસીને જ્યારે હું આ લખી રહ્યો છું અને વિશ્વભરના ગુજરાતીઓ માટે રીડગુજરાતી સાહિત્યકૃતિઓ પ્રસ્તુત કરે છે ત્યારે ભૌગોલિક વિવિધતાઓને કોરાણે મૂકીને સાહિત્યને પ્રસરાવવામાં રીડગુજરાતી અને મૃગેશભાઈના યોગદાનને યાદ કરું તો મન અહોભાવથી ભરાઈ જાય. સાથે સાથે પોતાના અંગત જીવનને અને ઉજ્જવળ કારકિર્દીને કોરાણે મૂકીને ભાષાની સેવા કરવાની આ ધગશને મેં અંગત રીતે તેમની સાથેની મિત્રતાને લીધે જોઈ છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે.

અમારી મૃગેશભાઈના ઘરે અને સ્વ. શ્રી મીરાબેન ભટ્ટના ઘરે, અરુણભાઈ અને અમારી સૌની વચ્ચે થતી અનેક ગોઠડીઓમાં સાહિત્યના અર્કને મેં સમજવાનો યત્ન કર્યો છે. સાહિત્યને અને સરળ જીવનને વરેલા આ મહાનુભાવોની વચ્ચે મને કમાવાની અને સ્વાર્થની વૃત્તિ સદાય તુચ્છ લાગી છે. આજે તો મીરાબેન અને મૃગેશભાઈ બંને આ વિશ્વને છોડી ગયા છે, સ્વર્ગમાંએ બંને ક્યાંક આમ જ આપણા સદાબહાર સાહિત્યની કૃતિઓ સાથે ગોઠડી માંડતા હશે! તેમની ચર્ચાઓ મને સદાય કોઈ કૃતિની ઉપરછલ્લી ચર્ચા કે ટિકા કરવાની બદલે કે કોઈ લેખકના સ્વભાવ અને તેમની કૃતિઓ વચ્ચેની અસંગતતાની ચર્ચાઓને બદલે તેની ભાવલક્ષી ચર્ચાનું જ દેખાયું છે. ક્યારેક તો એમ પણ થાય કે જે કૃતિ મને ન ગમી હોય એ તેમને કહું તો એનો પણ એક નવા જ પ્રકારનો અર્થ તેઓ મારી સામે ખોલી આપે, મેં ક્યારેક એમને પૂછેલું પણ ખરું, ‘શું લેખકે જ્યારે સર્જન કર્યું હશે ત્યારે આટલુ ઉંડાણમાં વિચાર્યું હશે?’ મને યાદ છે કે મૃગેશભાઈ કહેતા, ‘કોઈ ક્યાં પ્રયત્ને લખે છે, આ તો બધું લખાય છે..’

મિત્ર મૃગેશભાઈ, મને રીડગુજરાતી પર નિયમિત લેખ ન મૂકી શકાય ત્યારે કાયમ અફસોસ થાય કે ઉપર આવીને મારે તમારો ઠપકો ખાવો પડશે, અઠવાડીયે છની બદલે ત્રણથી ચાર કૃતિઓ મૂકવાનો યત્ન રહે છે. ગઈકાલે જ ધનંજયકાકા સાથે ચર્ચા થઈ તેમ હવે ટાઈપ કરેલી કૃતિઓનો એક સંગ્રહ અગાઉથી જ આપણી પાસે હોય તો રોજ એક કૃતિ મૂકી શકીએ એવી વ્યવસ્થા કરવી છે. સોનિયાબેન ઠક્કરની અથાગ અને સતત નિઃસ્વાર્થ મહેનત, કાકા ધનંજયભાઈ શાહની લેખ શોધી આપવાની ચીવટ અને તેને સ્કેન કરી મોકલવાની મહેનત, હજારો વાચકોનો રોજે મળતો અથાગ પ્રેમ અને પ્રતિભાવ, સ્નેહસભર ઈ-મેલ્સ અને ફોનકોલ્સ, કેટલાય વાચકોની લેખ માટેની ઉઘરાણી.. આ બધુંય તમારી જ મહેનતનું અને તમારા જ હકનું છે. મને નિરાશાના અને હતાશામાં વાંચન જ દિશા ચીંધે છે, કોઈ એક સંવાદ કે લીટી સ્પર્શી જાય અને થાય કે જાણે ઈશ્વર પોતે જ મને એ વંચાવવા ઈચ્છે છે, ઈશ્વર મારા સવાલનો જવાબ જાણે મને આ રીતે આપે છે, અને હું ફરી જાણે રિફ્રેશ થઈને ઝંપલાવી દઉં છું.

આજે ગુરુપૂર્ણિમા છે, અને મને સાહિત્યગંગા તરફ પાછો વાળવા બદલ મૃગેશભાઈ અને રીડગુજરાતીને ગુરુસ્થાને વંદન. રીડગુજરાતીની ક્લિક્સ સતત અને રોજ દસહજારથી વધુ રહે છે, એ વાચકોનો અપાર સ્નેહ અને ભરોસો જ દર્શાવે છે. એ સર્વેને હ્રદયપૂર્વક વંદન. સાહિત્યની આ ગંગાને ફક્ત માર્ગ આપવાનું મને મળેલું કાર્ય પણ કેટલુ આત્મસંતોષ આપે છે.. એ જવાબદારીનું હું વહન કરી શકું છું તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ મદદ કરવા બદલ સર્વેનો આભાર.

રીડગુજરાતીના સર્વે સર્જકો, વાચકો, પ્રકાશકો, મદદકર્તાઓ, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો આ સહિયારો પ્રયાસ મૃગેશભાઈએ વિચારેલા અને મહેનતથી ઉછેરેલા આ વટવૃક્ષના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એ ઈશ્વરને પ્રાર્થના..

ટીન એજમાં પ્રવેશવા બદલ અને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ રીડગુજરાતી.. હેપ્પી બર્થડે મૃગેશભાઈ..

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “રીડગુજરાતી : તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ”

Copy Protected by Chetan's WP-Copyprotect.