શોપિંગ – મૃગેશ શાહ

(૧૯ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્યલેખ આજે તેમના અને રીડગુજરાતીના જન્મદિને તેમને જ સાદર અર્પણ. રીડગુજરાતી આજે તેરમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એ વિષયે મારી વાત આજે જ એક અન્ય લેખમાં મૂકી રહ્યો છું.)

‘શોપિંગ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું લગભગ દરેક શ્રીમતીજી માને છે. કોલેજમાં આજ કાલ જેમ રોઝ ડે, પિન્ક ડે, બ્લેક ડે જેવા ડે ઉજવાય છે એમ અમારા ઘરમાં પણ જુદા-જુદા ડે જેવા કે સાફસૂફી ડે, કચરાપોતાં ડે, દિવાળીમાં માળિયા ડે જેવા જુદા જુદા ડે ઉજવાય. ફરક એટલો જ કે આ બધામાં મુખ્ય રોલ મારે પ્લે કરવાનો હોય. વળી, શોપિંગ ડે પણ એમાંનો એક જ. શોપિંગ ડે એટલે કે મારા માટે ખિસ્સા ખાલી કરવાનો ડે!

પણ શું કરીએ? આપણે તો ‘હસબન્ડ’ એટલે તો કંઈ બોલાય જ નહીં. ‘હસ’ કહે તો હસવાનું, ‘બંધ’ કહે તો બંધ.

અમારા રાજુકાકા અંગ્રેજી શબ્દ WIFE ને કાયમ Wories invited for ever એમ કહ્યા કરે. ગમે તે હોય પણ શોપિંગ કર્યા વગર કંઈ થોડું ચાલે? પછી ભલે ને એમાં મુખ્ય રોલ આપણો ન હોય!

માંડ માંડ બચાવેલાં પૈસામાંથી હું અને બટુક આજે ૬થી૯માં જવાનું આયોજન કરતા જ હતા ત્યાં સવારમાં જ શ્રીમતીજીનો હુકમ છૂટ્યો, “જુઓ પેલી હંસાની છોડીનું લગ્ન આવતા અઠવાડિયે આવશે, પેલા પરેશભાઈની છોકરાની સગાઈ પણ છે અને પાછું ઘણા વખતથી…”

“હંહં… તે ચોક્કસ જઈ આવશું સગાઈ ને લગ્ન બંનેમાં. બસ. હું એવુ હશે તો રજા પણ લઈ લઈશ.”

“સાંભળો તો ખરા હવે, વચ્ચે બોલ બોલ કર્યા કરો છો. પૂરી વાત પણ સાંભળતા નથી.”

“હા… હા… બોલો.”

“તો વાત એમ છે કે ઘણા વખતથી કશી ખરીદી કરી નથી. મારા ચંપલ, દાગીના, સાડી, કપડાં બધું હવે Old fashion થઈ ગયું છે. આ સામેવાળી સીમા તો દર શનિવારે શોપિંગ કરવા જાય છે, તમે જ કંઈ કરતા નથી.”

“એમાં હું શું કરું? એમને જવું હોય તો એમની મરજી. એ કમાય તો એ જાય પણ ખરા..”

“વળી પાછું અવળું બોલ્યા. તમારામાં તો બુદ્ધિ ક્યારે આવશે? હું આપણું ‘કંઈ’ કરવાની વાત કરું છું, લોકોની નહીં.”

“હા. કરીએ કંઈક.”

“શું ધૂળ કરીએ?” શ્રીમતીજી ઘૂરક્યાં, “આકે, સાંજે આપણે શોપિંગ કરવા જવાનું છે.”

“આજે?” મેં કહ્યું. પછી જરા બટુકભાઈને યાદ પણ કર્યા.

“હા, આજે જ. કેમ આજે કશું છે?”

“હા આજે તો બટુક…”

“શું બટુક? તમે ને તમારા બટુકભાઈ દુનિયાભરના પિક્ચરો અને મુશાયરોમાં ફર્યા કરો. હવે જરા સુધરો. ઘર તરફ પણ જરા ધ્યાન આપો. આખો દાડો બટુક-બટુક શું કર્યા કરો છો.” શ્રીમતીજી એ લાંબુ લેક્ચર આપ્યું. મને તો બોલવાનો અવકાશ જ નહતો.

“હા ચલો ને જઈશું.” અંતે મેં સ્વીકારી લીધું.

જ્યારથી નાનકાએ પાછળ પડીને સ્કૂટી શીખવાડી દીધું. ત્યારથી ખિસ્સા ખાલી કરવાના પ્રસંગો આઈ મીન શોપિંગ ડે અમારા ઘરમાં વધારે પ્રમાણમાં ઉજવાવા લાગ્યા.

હું જાણે ઘરમાંથી ભાગવાનો પ્લાન બનાવવાનો હોય તેમ બધી ચેકબુકો, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ભેગાં કરી લાવું. ખાતું ચાલુ રહે એટલા પૈસા રાખીને બાકીના ઉપાડી લઉં. ખિસ્સુ જરા ભારે થાય પછી અમારો શોપિંગ કાર્યક્રમ જરા વ્યવસ્તિત ચાલે. આ બધામાં પૈસા ખૂટે એટલે રસ્તામાં મોટા મોટા થેલાઓ લઈને એટીએમમાં જવાનો શુભ પ્રસંગ પણ ઘણી વાર બની જાય. ત્યારે શ્રીમતીજીનું મોઢું જોવા જેવું થઈ જાય.

આજે પણ કંઈક એવો જ પ્રસંગ બન્યો. સાંજ પડી એટલે શ્રીમતીજી તૈયાર. મેં પણ છેલ્લી વાર નોટોના બંડલની સામે જોઈને મનમાં ગણગણ્યું. “બેકાર કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી પરિવાર મીલે.”

“ચલો તૈયાર” – ત્યાં તો શ્રીમતીજીએ બૂમ પાડી.

“હા ચલો. એકદમ તૈયાર” મેં નોટોની થપ્પી ખિસ્સામાં નાખતાં કહ્યું.

બજારમાં પહોંચ્યાં. મારા જેવા કેટલાય બિચારાઓ ને મેં દીઠાં. આપણા જેવા આપણને દેખાય પછી ચિંતા થોડી હળવી થાય પણ તેથી શું? ખિસ્સું તો ખાલી થવાનું જ ને.

“આ ચાદર જુઓ તો… ડબલબેડની છે. કેવો મસ્ત કલર છે.”

“કલર તો સારો છો પણ આ જે ઓરેન્જની સાથે પિન્ક અહીંયા મિશ્ર થાય છે એની જગ્યાએ બ્લુની સાથે પિન્ક હોત અને ઓરેન્જની કિનારી હોત તો વધારે સારું રહેત પણ આ બ્લેક છાંટ છે એ સારી લાગે છે. વળી, આ કુંડાળા છે એ કંઈક અસ્તવ્યસ્ત દેખાય છે. અને આ ચેક્ષ વચ્ચે જોઈ? આ ચેક્ષ બરાબર બટુકના બુશકોટ જેવી છે.”

“જરાક તો સીધું બોલતાં શીખો. જ્યારે પૂછીએ ત્યારે લાંબા લાંબા લેકચર આપો છો. મેં ચાદરનો રીપોર્ટ નથી માંગ્યો. અહીં ચાદરમાંય પાછો બટુક ક્યાંથી આવ્યો?” શ્રીમતીજીએ કહ્યું.

“ના, એટલે મને એમ લાગ્યું. પણ આ સામે જો, પેલી બ્લેકમાં મરૂન કલરવાળી કેવી લાગે છે?”

“હા એ પણ સારી છે.” શ્રીમતીજીએ સંમતિ દર્શાવી અને દુકાનવાળાને કહ્યું, “પેલી જરા બ્લેકમાં મરૂનવાળી બતાતો તો.”

“આ સરસ છે. આ લઈ લે.” મેં શ્રીમતીજીને હળવેથી કહ્યું.

“કેટલા છે આના?”

“૪૦૦ રૂપિયા. દશ ટકા ડિસ્કાઉન્ટ સાથે છે.” દુકાનદાર બોલ્યો.

“૪૦૦ રૂપિયા!?!” મારી આંખો પહોળી થઈ ગઈ. મેં દુકાનદારને ઉદ્દેશીને કહ્યું. “અલા ૪૦૦ રૂપિયા તે કંઈ હોતા હશે. આટલા બધા? લૂંટવા જ બેઠા છો કે શું? આના તો ૧૦૦ રૂપિયા અલાય.”

દુકાનદાર બોલ્યો, “હું કાકા? ૧૦૦ રૂપિયામાં તો ટુવાલ આવે.” મારી ઘરવાળી ‘બેન’ અને હું ‘કાકા’. આવા ઘોર પક્ષપાતથી હું અકળાયો. મારા મોંમાંથી નીકળી ગયું – “હા તો પછી આ સાઈઝનો ટુવાલ જ આપી દે અમારે ચાલશે.” મેં કહ્યું.

“તમે બી શું ચૂપ બેસો ને જરા.” શ્રીમતીજી બોલ્યાં.

“હું શું કરું? બોલું છું તો તું કહે છે લેકચર આપો છો ચૂપ બેસી રહું તો કહે છે બોલતા નથી. હવે મારે શું કરવું શું?” મેં કહ્યું. શ્રીમતીજીએ મારી તરફ ત્રાંસી આંખે જોયું અને બોલ્યાં –

“તમારે કંઈ કરવાનું નથી. તમે ફક્ત ‘હા’ ને ‘ના’ માં જવાબ આપો. મને મારું કામ કરવા દો.”

શોપિંગનો પોગ્રામ આગળ ચાલ્યો. મારું કામ હવે મોબાઈલ કેશિયર જેવું હતું.

ડ્રેસ… ડ્રેસ પતે એટલે સાડીઓ, સાડીઓ પતે એટલે નેપ્કીનો, નેપ્કીનો પતે એટલે ટુવાલો, ટુવાલો પતે એટલે વળી પાછા ડ્રેસો… એમ શોપિંગ પ્રક્રિયા સતત ચાલતી. અહીં પછી બિચારા નાનકડા પાકીટનં શું ગજું.

દશ રૂપિયા બચ્યા.

“પૈસા ખલાસ. થોડા ખંખેરી લઈએ.”

“ખંખેરી લઈએ? એટલે શું?”

“ના… ના એટલે એમ કે જરા નજીકના એ.ટી.એમ.માંથી જઈને ઉપાડી આવીએ.”

“વળી પાછું એ.ટી.એમ.? આ તો રંગમાં ભંગ પડ્યો?” શ્રીમતીજીએ મોઢું મચકોડ્યું.

મને વળી એમ કે રંગમાં ભંગ નહીં પડે તો મારો રંગ ઊડી જશે. “ચલને હવે! વાર નહીં લાગે.”

નજીકના એ.ટી.એમ સેન્ટર પર અમે પહોંચ્યા જોયું તો મોટી લાઈન. વળી આપણે ત્યાં એ.ટી.એમ. રૂમમાં બધાને સપરિવાર જવાની છૂટ એટલે કાયમ ભીડ અને ભીડ જ લાગ્યા કરે.

“અહીં તો મોટી લાઈન છે!” શ્રીમતીજી બોલ્યાં.

“તે આપણી જેમ આખી દુનિયામાં દુઃખ બધે હોય. દુઃખ ક્યાં નથી? જીવન તો સુખદુઃખનો સરવાળો છે.”

“વળી, પાછું ચાલું કર્યું.” બબડતાં બબડતાં અમે લાઈનમાં ઊભાં. દશ-પંદર મિનિટે નંબર લાગ્યો. હું બારણું ખોલીને અંદર. શ્રીમતીજીના હાથમાં થેલીઓ (મેં જ પકડાવેલી) એટલે એમણે પગ વડે જોરથી બારણાંને ધક્કો માર્યો, અંદર પેસી ગયા, અને ડોર ક્લોજર ને લીધે બારણું એટલી જ જોરથી બહાર તરફ ખૂલ્યું અને પાછળ ઊભેલીં એક હેલ્ધી બેનને ભટકાણું. પરિણામે બેન દારરો ચૂક્યા. આખી લાઈન હાલક-ડોલક થઈ ગઈ અને પછી શું થયું એ આખી દુનિયાએ જાણ્યું. માંડ-માંડ લોકોની ભીડમાંથી પૈસા લઈને અમે એ.ટી.એમ.માંથી છૂટ્યાં.

રાત સુધી શોપિંગ જ શોપિંગ. અમારું નાનકડું સ્કૂટી થેલીઓથી ચારેબાજુ છલકાઈ ગયું. ટિફિન સર્વિસવાળા ટિફિનો જેમ લઈને જતા હોય એવું વારંવાર મને સ્કૂટી પર બેસીને લાગ્યા કરતું.

વળી પાછી એ જ ચાદરવાળાની દુકાન પાસે આવવાનું થયું.

મેં બૂમ પાડીને કહ્યું “ટુવાલ આપવો છે?”

શ્રીમતીજીએ પાછળથી કોણી મારી, “ચલો હવે છાનામાના!”


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભગવાનની ખોજ – આશા વીરેન્દ્ર
રીડગુજરાતી : તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ Next »   

0 પ્રતિભાવ : શોપિંગ – મૃગેશ શાહ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.