ચાર અછાંદસ રચનાઓ – રાજુલ ભાનુશાલી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત અછાંદસ રચનાઓ પાઠવવા બદલ રાજુલબેન ભાનુશાલી (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં તેઓ સતત ખેડાણ કરી રહ્યાં છે. તેમની કલમને અનેક શુભકામનાઓ. આપ તેમનો rajul.bhanushali187@gmail.com અથવા 99207 77625 પરસંપર્ક કરી શકો છો.)

૧. ઠૂંઠું

હવે એના પર ક્યારેય કોઈ કૂંપળ નહિ ઉગે
ક્યારેય કોઈ પંખી એની સુકાયેલી ડાળે બેસશે નહિ.

બરડ થઈ ગયેલા થોડા પીળા પાંદડા આસપાસ વેરાયેલા પડ્યા છે.
જરાક કોઈક પગરવ સંભળાય અને એ સડક થઈ જાય છે..
ક્યાંક –
આ નિશાનીઓ કચરાઈ ન જાય!

કાળઝાળ સૂરજ એક સરસરી નજર નાખીને આગળ વધી જાય છે..

ભોં પોતાનું રસકસ આપવા તૈયાર છે,
પરંતુ હવે એને એ આસવ ચૂસવાની ગરજ નથી!

એ ઉભું છે.. ટટ્ટાર..

હા, સમયરૂપી અજગર ક્યારેક ભરડો લે છે ખરો
અને, ઉતારે છે થાકેલા શરીરની ત્રોડ..

તે સિવાય બીજા શું કામનું છે સ્મરણોનું આ ઠૂંઠું?

૨. એકલદ્વીપ

અહીં દૂર દૂર સુધી કોઈ ચહલપહલ નથી..
સાવ સુરક્ષિત છે –
મારું એકાંત!

એના પરિઘમાં ન તો કોઈ આકાશ છે, ન કોઈ નદી..
માત્ર એક મીઠું ઝરણું વહી રહ્યું છે..

જેમાં સેંકડો નવજાત અભિવ્યક્તિઓ અવિરત સંઘર્ષરત છે –
ટકી જવા..

આ પરિઘની બહાર ચોતરફ પાણી છે, પણ.. સાવ ખારુંચુસ!
જીભમાં કાણા પડી જાય એવું..

પણ મને ઝરણા પર ભરોસો છે!

એમાં હજુ ઘણું શેષ છે, ઘણું બધું!

૩. ભ્રમ

તને વિચારું છું
અને,
નિરભ્ર આકાશ બની જાય છે હૃદય..
સાવ ખાલીખમ્મ!
નથી કોઈ વાદળ, કે તારા
કે પછી
એકાદ પારેવડું સુધ્ધાં નહીં!
કશું જ નથી..

ઘૂઘવતો દરિયો બની જાય છે આંખો..
જ્યાં –
તારી એકલદોકલ સ્મૃતિ પણ તરી શકતી નથી..

વિશ્વાસના ગઢની કાંગરીઓ ખરવા લાગી છે. એના ધ્વસ્ત થવાની જાણે અણી આવી ગઈ છે..

નસોમાં રક્ત બનીને પ્રતીક્ષા વહી રહી છે..
કદાચ કોઈ પણ ક્ષણે એ ફાટી પડશે.

પરંતુ,
શ્વાસ હજુય ચાલી રહ્યા છે, પુરી શિસ્ત જાળવીને!
તારા સ્નેહની જેમ જ – લયબદ્ધ!

આહ!
કેટલો છેતરામણો છે તારા હોવાપણાનો આ રોમાંચક ભ્રમ!

૪. ચાડિયો


ઉભો હતો, અકલિત
સોટા જેવો
સાવ સોળમી સદીના ફોટા જેવો !

ભ્રમિત…

જાણેકે
બધીજ ફરફરતી પાંખો એને જ આધીન ન હોય!

એક દિવસ ત્યાં એક બુલબુલ આવી
થનગનતી–
આમ ટહુકી, તેમ ટહુકી
નયન મટકાવ્યા

ઘડીક અટકી
ને પછી,
ફૂરર્ર કરતી ઉડી ગઈ…


ઉભો હતો
સોટા જેવો
સાવ સોળમી સદીના ફોટા જેવો !

– રાજુલ ભાનુશાલી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રીડગુજરાતી : તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ
અંતિમ ઇચ્છા – સુમંત રાવલ Next »   

3 પ્રતિભાવો : ચાર અછાંદસ રચનાઓ – રાજુલ ભાનુશાલી

  1. વાહ ખુબ સરસ રચનાઓ. એકલદ્વીપ અને ચાડિયો બહુ ગમી.

  2. સુંદર રચનાઓ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.