અંતિમ ઇચ્છા – સુમંત રાવલ

(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

સાઠ વર્ષે મા એકાએક બીમાર પડી. સાઠ વર્ષ સુધી ક્યારેય તાવ પણ આવ્યો નહોતો. તંદુરસ્ત હતી. ગામડાના લોકો કહે તેવી “કડેધડે” હતી. પણ સાઠમું બેઠું અને તબિયત લથડી. લોહી સુકાવા લાગ્યું. આંખોમાં તેજ ઘટવા લાગ્યું. કાને બહેરાશ આવવા લાગી. ટેમ્પરેચર સો ઉપર રહેવા લાગ્યું. નિષ્ણાત ડૉક્ટરો પાસે તેના શરીરના જુદા જુદા અનેક ટેસ્ટ લેવરાવ્યા, છતાં રોગ પકડાતો નહોતો. એક માસ સુધી ડૉક્ટરે પોતાની દેખરેખ નીચે રાખી. છતાં કંઈ ફરક ન પડ્યો, હૃદયની ગતિ મંદ પડી જતી હતી. શ્વાસોશ્વાસ વધી જતા હતા અને આંખે અવારનવાર અંધારાં આવી જતાં હતાં… તેણે તો મને એકલાને કહી પણ દીધું કે શિરીષ… હવે મારો જવાનો સમય આવી ગયો… મારું હૈયું ભારે થઈ ગયું… પ્રાઈમરી ટીચરની નોકરીના પગાર પર મને ભણાવ્યો-ગણાવ્યો અને રંગેચંગે પરણાવ્યો હતો… હું ડૉક્ટર પાસે ગયો તો તેમણે રોકડું પરખાવી દીધું કે મિસ્ટર જોષી… હવે તમારાં મધરને ઘેર લઈ જાવ. એની ઇચ્છા મુજબ જીવવા દો… અલ્પવિરામ સાથે જિંદગી પૂર્ણવિરામ તરફ પહોંચી ગઈ હતી… પ્રત્યેક દરદી માટે એક સમય એવો આવે છે કે જ્યારે ડૉક્ટર હાથ ખંખેરી નાખે છે. મા માટે એ સમય આવી ગયો હતો.

ઍમ્બ્યુલન્સમાં નાખી માને હું ઘેર લાવ્યો અને સીમાને કહ્યું કે અવે ઉપરનો રૂમ ખાલી કરવો પડશે… સીમા વિમાસણમાં પડી ગઈ… મેં સમજાવ્યું કે માની પથારી ઉપર રાખવાની છે. આપણે ચોવીસે કલાક માટે એક નર્સ રાખી લઈશું… જેથી આપણને ડિસ્ટર્બ ન થાય!

હું અને સીમા બંને સરકારી નોકરી કરતાં હતાં. સીમા બૅન્કમાં હતી તો હું સરકારી કચેરીમાં. બન્ને એકાઉન્ટન્ટનું કામ કરતાં હતાં એટલે નાણાકીય જવાબદારી હતી. બાબો અમદાવાદ સી.એ.નું ભણતો હતો. અમે બંનેએ આવી પડેલી પરિસ્થિતિ સામે ઝઝૂમવાનો નિર્ણય કરી લીધો. ઉપર પંદર બાય પંદરનો રૂમ હતો, એટૅચ્ડ લૅવેટરી. અને નાનકડી બાલ્કની પણ હતી. ત્યાં માની પથારી ગોઠવી માને ‘શિફ્ટ’ કરી દીધી.

નોકરીએથી પરત આવી અમે બંને પગથિયાં ચડી મા પાસે જતાં, ખબરઅંતર પૂછતાં. તે પરાણે મલકતી અને કહેતી ઠીક છે, પણ ખરેખર તો અંદરથી ખૂબ ભાંગી પડી હતી. આંખોમાં નિયમિત ટીપાં નાંખતી હતી, છતાં ક્યારેક મને ઓળખી શકતી નહોતી. આંખના ડૉક્ટરે કહ્યું કે પરદા નબળા પડી ગયા છે – નો રેમેડી. આ પોતે સમજી ગઈ હતી, હવે મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો પણ મૃત્યુ આવતું નહોતું.

મારા જન્મ પછી દસ વરસનો હતો, ત્યાં પતિ સાથે વાંધો પડી ગયો. પતિ ઘર છોડીને ચાલ્યો ગયો. મા ભણેલી હતી. પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકાની નોકરી શોધી કાઢી અને મને પોતાનો આધાર બનાવી લીધો એ રીતે પચાસ વરસ કાઢી નાખ્યાં! હવે મૃત્યુ સમીપે પહોંચી ગઈ હતી ત્યારે પતિને યાદ કરી રહી હતી… પતિનો જૂનો ફોટો ક્યાંકથી શોધી કાઢ્યો હતો અને ભીંત પર લટકાવી તાકી રહેતી હતી, પથારીમાં પડી પડી પતિને જોયા કરતી. નર્સે કહ્યું કે આખો દિવસ ‘જયકાંત… જયકાંત’નું રટણ કરે છે. મારા બાપનું નામ જયકાંત હતું.

એક સાંજે અચાનક મારો હાથ પકડી લીધો. અને પૂછ્યું… ‘શિરીષ… રહી રહીને મને તારા બાપ જયકાંત બહુ યાદ આવે છે. એ ક્યાં હશે? શું કરતો હશે? બીજી વાર પરણ્યો હશે કે એકલો હશે? જીવતો હશે કે મરી ગયો હશે?’

મેં કહ્યું… મા અત્યારે જો જીવિત હશે તોપણ એ સિત્તેર વરસના થઈ ગયા હશે… તું ઓળખી પણ નહીં શકે… અને એને કંઈ પડી નથી તો પછી આપણા કેટલા ટકા?

મા મને તાકી રહી. આંખોમાં આગિયા જેમ એક ઇચ્છા તગતગીને અદ્રશ્ય થઈ ગઈ.

મારે એની માફી માંગવી છે… એના ખોળામાં માથું મૂકીને મરવું છે. મારી આ અંતિમ ઇચ્છા છે… એકસાથે અનેક આગિયા આંખમાંથી ઊડીને બહાર નીકળી રહ્યા હતા…

મને મારો જય શોધી આપ… તેની આંખોમાં કાકલૂદી નજરે પડતી હતી… જયકાંતને એ પ્રેમથી ‘જય’ કહીને બોલાવતી હતી. જુવાનીનો પ્રેમ જાણે બુઢાપામાં પુનર્જીવિત થઈ રહ્યો હતો. બાપે ઘર છોડ્યું ત્યારે હું દસ વરસનો હતો. બાપ રતલામમાં ક્યાંક નોકરી કરતો હતો એવા ઊડતા સમાચાર મળ્યા ત્યારે હું હાઈસ્કૂલમાં હતો. પછી હું તેને શોધવા રતલામ ગયો અને તે ન મળ્યા ત્યારે હું કૉલેજમાં હતો. પછી તો હું ભણવામાં ડૂબી ગયો. મા નોકરી કરતી રહી, હું ગ્રૅજ્યુએટ થયો, નોકરી મળી, સીમા મળી, લગ્ન કર્યા, પરેશનો જન્મ થયો. નવા સંબંધો બંધાતા ગયા અને જૂના સંબંધો તૂટતા ગયા. બાપ સાથેનો સંબંધ પણ લગભગ તૂટી ગયો હતો. માએ તો ફોટો પણ ઉતારી લીધો હતો. ત્યાં પાછલી ઉંમરે ફોટો શોધીને ભીંતે લટકાવ્યો હતો…

મેં સીમાને વાત કરી તો તેની આંખો ચમકી ગઈ… મને ડર છે કે ક્યાંક મા ગાંડી થઈ જશે તો ઉપાધિ થશે… આપણી બંનેની નોકરી નિવૃત્તિના આરે છે. જો જરાસરખી ચૂક થઈ જશે તો પેન્શન અટકી જશે. અમે બંને ટેન્શનમાં આવી ગયાં!

સીમાએ ઉપાય સૂચવ્યો : હું માનું છું ત્યાં સુધી તમારા પિતા જીવિત નહીં હોય… તમે માને કહી દો કે રતલામથી ભોપાલ ગયા અને ત્યાં તેમનું અવસાન…

ખોટું બોલતાં મારું મન માનતું નથી… મરતા માણસને ઊઠાં ભણાવવાં એ એક પ્રકારનું પાપ કહેવાય.

‘વાત સાચી છે. એકમાત્ર આશાએ તેમનો શ્વાસ ટકી રહ્યો છે…’ સીમાએ કહ્યું… ‘પતિ મરી ગયાની વાત સાંભળી તેમનો શ્વાસ અટકી જાય અને આપણને ડંખ રહી જાય કે આપણા કારણે જ માનું મૃત્યુ…’ અને ફિલ્મ જેવું બને. કદાચ પાછળથી પતિ જીવાતા મળવા આવે તો.’

સીધા પ્રશ્નસૂચક નજરે મને તાકી રહી… પહેલા હું ખાનગીમાં પૂરેપૂરી તપાસ કરી લઉં કે મારો બાપ જીવે છે કે મરી ગયો છે… આ માટે ભલે ખર્ચ થાય… પણ બે-ત્રણ માણસોને રતલામ મોકલી તપાસ કરાવી લઉં.

અઠવાડિયું વીતી ગયું, રતલામ-ભોપાલ સુધી ટૅક્સી દોડાવી… પણ બાપનો પત્તો ન લાગ્યો. ફોટા સહિત માના નામે છાપામાં જાહેરાત પણ આપી. અંતિમ ક્ષણે તમને ઝંખું છું… મારા અહ્મ્ને માફ કરીને પણ મને મોં બતાવી જાવ… તમારી શોભના જોષી… ટેલિવિઝનમાં ગુમસુદા વ્યક્તિમાં જાહેરાત આપી… મહિનો પસાર થઈ ગયો… હવે માને સાફસાફ જણાવી દેવાનો નિર્ણય કર્યો… મેં પથારી નજીક બેસતાં કહ્યું… મા, મારા બાપ હવે આ દુનિયામાં નથી… ત્યાં તો માના ચહેરા પર તીખાશ આવી અગઈ. તું સાચી રીતે મે’નત કરતો નથી.

કરું છું, આ જો તેનો ફોટો ખીસામાં રાખીને ગામે ગામ તપાસ કરી આવ્યો. તેમની ઉંમરના તેમના મિત્રોને મળ્યો. પણ કોઈને કંઈ ખબર નથી. મેં ઢીલા પગે ખુરશી પર બેસતા કહ્યું. નર્સે દવાનો ડોઝ તૈયાર કરી આપ્યો. માએ ઢોળી નાખ્યો.

‘મારે દવા નથી પીવી… એ આવે અને એમના હાથે જ દવા પીશ. શિરીષ, તું ખોટો છે… તારો બાપ મને સપનામાં આવે છે અને મને મળવા તલસી રહ્યો છે…’

મા તીલમીલા ગઈ… ત્યાં સીમા એ મારી પીઠ પર હાથ મૂક્યો અને હાથનો ઈશારો કરી મને પાછળ આવવા કહ્યું. હું સીમાની પાછળ દાદરો ઊતરી નીચે ગયો.

સીમાએ ધીમેથી ઉપાય સૂચવ્યો : આવડું મોટું શહેર છે… કોઈ ભળતો માણસ શોધી કાઢો ને… આમેય મમ્મીને ઓછું દેખાય છે… દૂર ઊભો રાખી બતાવવાનો… એમના આત્માને સંતોષ થાય અને સરળતાથી મોત થાય…

વાત ગંભીર હતી, છતાં માન્યા વગર છૂટકો નહોતો… પ્રયોગ ખતરનાક હતો, પણ અમલમાં મૂકવા સિવાય કોઈ ઈલાજ નહોતો. મેં જરા ધ્રુજતા અવાજે કહ્યું : પ્રયોગ જોખમી છે.

‘આખું જીવન જ જોખમી છે, આપણે બંને એકાઉન્ટન્ટની નોકરી કરીએ છીએ, આડેધડ થતી પૈસાની લેવડ-દેવડનો હિસાબ સાંજે મળે ત્યારે શ્વાસ હેઠો બેસે છે. એટલે જોખમ તો બધે છે!’ સીમાએ સુફિયાણી વાત કરી.

બીજે દિવસે મેં તપાસ શરૂ કરી દીધી. ખીસામાં બાપની જુવાનીનો ફોટો હતો એટલે અત્યારે તો તે બુઢો થઈ ગયો હશે, માથામાં ટાલ હશે અથવા માથાના બધા વાળ સફેદ હશે… સિત્તેર વરસે ઘણુંબધું બદલાઈ જતું હોય છે. શરીર સાથે સ્વભાવ પણ બદલાઈ જતો હોય છે.

એક બપોરે લંચ ટાઈમે ઑફિસની સામેની કૅન્ટીનમાં બેઠો હતો ત્યાં બાંકડા પર મેં અસલ જયકાંત જોષી જેવો માણસ જોયો… હું ચમકી ગયો. જેને શોધતો હોઈએ તે સામે આવીને મળે છે એવું થયું. હું બાપની શોધમાં ક્યાંનો ક્યાં ભટક્યો હતો પણ એ તો આ શહેરમાં જ હતો. મેં ખીસામાંથી ફોટો કાઢ્યો અને તેની સાથે સરખાવી જોયો… તો પોશાક પણ ફોટામાં હતો તેવો જ ધારણ કર્યો હતો. ઝભ્ભો, લેંઘોં, આંખો પર ચશ્માં, પગમાં સાદાં ચપ્પલ, ઉંમર પણ સિત્તેરની આસપાસ હશે… મેં સીધું જ પૂછ્યું, ‘વડીલ, આપનું નામ જાણી શકું?’

‘કેમ?’

‘આપને જોઈ મને મારા પિતાની યાદ આવી ગઈ.’

વડીલ હસ્યા : અમૃતલાલ… પણ તમે મને અમુ અંકલ કહેશો તો ગમશે.

‘તમારા પિતા શું કરતા હતા?’

‘તે હયાત નથી…’ ‘સૉરી…’

‘આપ એકલા જ છો…’

‘હા, રિટાયર્ડ ટીચર, પેન્શન પર જીવું છું. અહીં નજીકમાં શિવાલી એપાર્ટમેન્ટમાં રહું છું.’ એટલું કહી તેમણે પોતાનું કાર્ડ આપ્યું.

‘થૅંક્સ…’ મેં જોયું તો કાર્ડમાં ફોન નંબર હતો. રોજ હું ફોન કરતો અને ખબરઅંતર પૂછતો… એ રીતે અમે બંને નજીક આવતાં ગયાં. સીમા પણ ખુશ હતી કે પ્લાન માટેનું મુખ્ય પાત્ર મળી ગયું હતું, મમ્મીની અંતિમ ઈચ્છા પૂરી કરી શકાશે…

પહેલી મુલાકાત વખતે અમુ અંકલે પૂછ્યું : ‘તમારી માનું નામ શું?’

શોભના… શોભના જોષી… મેં કહ્યું. વા… સરસ નામ છે…

શિક્ષિકા હતાં… કદાચ તમે ક્યાંક મળ્યાં પણ હો… યાદ નથી…

હું અવારનવાર તેમને મળવા જતો હતો… એકલપંડે હતાં, ટિફિન ખાતાં હતાં, પત્ની સાથેનો એક ફોટો દીવાલ પર લટકતો હતો. મેં તેના પરિવાર વિષે બીજી લપછપ ન કરી… મારે કામથી કામ હતું… હું બહુ સાવધાનીપૂર્વક પ્યાદાં ગોઠવી રહ્યો હતો, મેં મારી માનો ફોટો પણ તેમને આપી દીધો હતો.. તેમણે કહ્યું : કામ ધાસ્તીભરેલું છે… પરસ્ત્રીના પ્રેમ સાથે જૂઠું નાટક કરતાં મારો જીવ અચકાય છે. આત્મા કોસે છે.’

‘પરોપકારનું કામ છે… તે પતિને યાદ કરતાં કરતાં મરી જશે તો અવગતે જશે. માને સદ્ગહતિ આપવાનો પુરુષાર્થ કરવાનો છે.’

‘પણ એ જીવી જશે તો મારી પોલ પકડાઈ જશે…’

અમુ અંકલે પહેલી વાર મજાક કરી અને હસ્યા.

મેં હાથ જોડ્યા… મારી સાથે સીમા પણ આવી હતી, તેણેય હાથ જોડ્યા… ‘અમારી આજીજી ધ્યાને ધરો.’ હું ચૂપ રહ્યો.

સીમાએ કહ્યું, ‘બહુ ઝાઝુ કાઢે એમ નથી, માત્ર એક ઈચ્છાએ શ્વાસ ટકાવી રાખ્યો છે… જયકાંતનું રટણ લઈને બેઠા છે.’

આ તો જાતી જિંદગીએ મારે નાટક કરવાનું આવ્યું. તેમણે સ્મિત કર્યું.

નાટક પણ બીજાના ભલા માટે…

સીમાએ કહ્યું… ચાલો તો ખેલ પાડી દઈએ… તેમણે હિંમતપૂર્વક કહ્યું.

છેવટે બધું ગોઠવાઈ ગયું, એ જ પોશાકમાં તૈયાર થઈ તે મારા સ્કૂટરની પાછલી સીટ પર બેસી ગયો, હું ઘેર લઈ ગયો. સીમાએ પણ હિંમત આપી. હું, સીમા અને અમુ અંકલ – આખો ડ્રામા તૈયાર થઈ ગયો. અમે ત્રણેય પગથિયાં ચડી ઉપર આવ્યાં. બંધ બારણા પાસે મેં અમુ અંકલને અટકાવ્યા.

‘પહેલાં હું અને સીમા જઈને વાત કરીએ. પછી હું બોલાવું ત્યારે આવજો…’

અમુ અંકલ જરા નર્વસ થઈ ગયા.

બહુ ઉજાસ ન રાખતા, નહીંતર ઓળખી જશે… આંખો કામ કરતી નથી… મેં કહ્યું અને ઉમેર્યું કે બે-પાંચ મિનિટનો મામલો છે.

બે-પાંચ મિનિટનો જ મામલો હતો, હું અંદર ગયો. ત્યારે માનો શ્વાસ જોરજોરથી ચાલતો હતો. આંખો ચકળવકળ થતી હતી. મને ઓળખવા કોશિશ કરી રહી હતી.

હું…. છું… શિરીષ…

શિઈઈઈરીઈઈઈસઅઅઅ… તેની જીભના લોચા વળતા હતા.

મા. મારા બાપુજી આવ્યા છે…

આવ્યા છે! તે માની ન શકતી હોય તેમ મને જોઈ રહી. પથારીમાં બેઠા થવા કોશિશ કરી. મેં અને સીમાએ ટેકો આપ્યો. પાછળ ઓશીકું ગોઠવ્યું.

ક્યાં છે એ? આંખો ફાડીને મા ખુલ્લા બારણા વચ્ચે તાકી રહી હતી. બારણા વચ્ચે અમુ અંકલ ઊભા હતા.

ત અ અ મે?

હા…. હું શોભના… તારો જયકાંત…

જય… મારા જય… તેના ધ્રૂજતા સુકાઈ ગયેલા પાતળા હાથ ઊંચા થયા… જય… આવ…

તને મળવા જ જીવી રહ્યો છું…

અવાજ બદલાવતા અમુ અંકલ નજીક આવ્યા અને ચશ્માંમાંથી ઘડી મારી તરફ તો ઘડી સીમા તરફ જોવા લાગ્યા…

‘અહીં બેસ…’ માએ પથારીમાં હાથ પછાડ્યો મારી સામે…

અમુ અંકલ બેસી ગયા. મા નીરખી નીરખીને જોઈ રહી હતી… અને અમુ અંકલ પણ નીરખી નીરખીને માને જોઈ રહ્યા હતા, ત્યાં અચાનક શું સૂઝ્યું કે માએ અમુ અંકલના ખોળામાં માથું નાખી દીધું અને રડી પડી.

મને.. મને.. માફ કર… જય…

શોભના, તુંય મને માફ કર…

અમુ અંકલનો અવાજ ગળગળો થઈ ગયો, આંખોમાં આંસુ આવી ગયાં. નાટક સફળ પુરવાર થયું હતું. અમુ અંકલ આવેગમાં આવી ગયા હતા. તેમનો ધ્રુજતો હાથ માની પીઠ પર ફરી રહ્યો હતો. અને એ સ્પર્શનો આહ્લાઆદ-આનંદ લેતી હોય તેમ માએ આંખો મીંચી દીધી… વાત આગળ વધી ગઈ હતી. સીમા આશ્ચર્યથી મને તાકી રહી હતી. અમુ અંકલ મર્યાદા ઓળંગી રહ્યા હતા એટલે સીમા તેમને રોકવા જતી હતી, પણ મેં મારા હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાની સૂચના આપી દીધી એટલે તે ચૂપ થઈ ગઈ.

અમુ અંકલનો હાથ માની ગરદન પરથી સરકતો સરકતો છેક પીઠ સુધી ચાલ્યો જતો હતો… અને મા રડતી હતી… રડમસ અવાજે તેણે કહ્યું : હવે… હવે… હું સુખેથી… મરીશ… એટલું બોલતાં તેની ડોક નમી ગઈ. અમુ અંકલ સજ્જડ થઈ ગયાં. ચશ્માના કાચમાં તેમની આંખો થીજી ગઈ… માનો શ્વાસ અટકી ગયો હતો અને અમુ અંકલનો શ્વાસ ચાલુ થઈ ગયો હતો…

માએ અમુ અંકલના ખોળામાં જ દેહ છોડી દીધો હતો. મેં અને સીમાએ માના દેહને ઊંચકીને પથારીમાં ચત્તોપાટ સુવડાવ્યો, શ્વાસ બંધ. ખુલ્લી આંખો, પણ ચહેરા પર અપૂર્વ સંતોષ!

અમે બંનેએ એકસાથે મરણપોક મૂકી. આખો રૂમ ખળભળી ઊઠ્યો. અમુ અંકલ ઊભા થયા અને પીઠ ફેરવી એક વખત માના શબ સામે જોયું પછી તેમણેય મોટેથી પોક મૂકી… મારી શારદાઆઆ. તું ઘર છોડીને જતી રહી અને મને રટતા રટતા મરી ગઈ… પણ તને ન મળી શક્યો… પછી ડોક નમાવી માની ખુલ્લી આંખોનાં પોપચાં આંગળીનાં ટેરવાં વડે બંધ કરતા ધીમેથી બબડ્યા… આજ તારી ઈચ્છા પૂરી કરી…

*
સંપર્ક :
c/o જશવંત શાહ, ‘આનંદમંગલ’, માધવનગર, છબીલા હનુમાન પાસે, સુરેન્દ્રનગર-૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “અંતિમ ઇચ્છા – સુમંત રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.