મધુર સ્વપ્ન – કીર્તિકાન્ત પુરોહિત

(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘દાદા, વાર્તા કહો.’

‘બેટા, કઈ વાર્તા કહું, બોલ.’

‘દાદા, પરીની વાર્તા. પરીની વાર્તામાં બહુ મઝા પડે…’

દાદા પરીની કલ્પનામાં સરી પડયા. પરી રૂપાળી હોય, પરી નાજુક હોય, પરી પાંખ પ્રસરાવતી ઊડે અને મંજુલ કંઠે ગાય…

‘રૂપા, તારી બહેનપણી રમવા બોલાવે છે.’ મમ્મીની બૂમ સંભળાઈ.

‘દાદા, હું હમણાં રમી આવું. આપણે સૂતી વખતે વાર્તા કહીશું, ઓ…કે…?’

દાદા તો પરીની કલ્પનામાં વિચારી રહ્યા હતા ત્યારે તેમની સમક્ષ આવીને ઊભી બાળપણની એક છબી-

અસલ અદલોઅદલ પરી જ જોઈ લો.

મધુરી તે વખતે માંડ અગિયાર-બાર વર્ષની હશે. સંગીતકળા વિદ્યાલયમાં તે પણ તેની જોડે સંગીત શીખતી. શું મધુર કંઠ, શું નાજુક સૌંદર્ય અને એથીય મીઠી એની નમણી આંખો – જાણે પરી.

પંડિત દેવદત્ત સાળવીના સંગીતકળા વિદ્યાલયમાં પોતેય એક વિદ્યાર્થી બનેલા ત્યારે મધુરી ઠાઠથી તેના સરકારી અધિકારી પિતા નબેંદુ ઘોષની ગાડીમાં આવતી.

પંડિત દેવદત્તે પોતાને એટલે કે આજના વિખ્યાત ગાયક લલિતદેવ નાયકને શોધી કાઢ્યા અને એક સામાન્ય બાળક પર પોતાનું સર્વસ્વ હેત વરસાવી જગવિખ્યાત શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત ગાયક બનાવ્યા તે પણ ઈતિહાસ થઈ ગયો.

એ દિવસોમાં પંડિત દેવદત્તની સંગીતશાળા ઓપેરાહાઉસ પર મુંબઈમાં હતી. નજીક જ તેમનું નિવાસસ્થાન પંડિતજીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી. સમગ્ર હિન્દુસ્તાનમાં ઠેર ઠેર રાજા-રજવાડાંઓ પંડિતજીને બોલાવે પરંતુ પંડિતજીનું પહેલું કર્તવ્ય તેમની પ્રિય સંગીતશાળા અને તેમાં ઊછળતી બાળ પ્રતિભાઓ હતી.

દેવદત્તને લલિતદેવ કેવી રીતે સાંપડ્યા એની પણ એક વાત છે.

પંડિત દેવદત્ત વહેલી સવારે ચોપાટી પર નિત્યક્રમ મુજબ ચાલીને પાછા ફરી રહ્યા હતા. વિલ્સન કૉલેજની પાછળની ગલીમાંથી તેઓ ઘર તરફ પાછા આવી રહ્યા હતા તે દરમ્યાન નજીકના ઍપાર્ટમેન્ટના કંપાઉન્ડમાંથી નીચા સ્વરે ગવાતું ખૂબ મધુર ભજન તેમના કાને પડ્યું. એક કોમળ બાળસ્વર મહિલા સ્વર સાથે સૂર પુરાવતો હતો અને પંડિતજીના પગ થંભી ગયા. મહિલાના સુમધુર અવાજ સાથે સાથે સૂર પુરાવતા એ બાળસ્વરની મંજુલ મીઠાશ તેમને સ્પર્શી ગઈ. તેમના અનુભવી કાનોએ પારખી લીધું કે આ બાળસ્વર કેળવાય તો કેટલું સુંદર રતન ભારતીય સંગીતને પ્રાપ્ત થાય ! એ સ્વર લલિતનો હતો.

પંડિત દેવદત્તના પગ આપોઆપ એ સ્વરની દિશામાં વળ્યા. મા અને દીકરો વહેલી સવારે સુંદર પ્રભાતિયું ગાવામાં મગ્ન હતાં. ઍપાર્ટમેન્ટના દાદર નીચે એક નાનકડી ખોલી બનાવેલી હતી. તેમાં આ ઍપાર્ટમેન્ટના ચોકીદાર તરીકે કામ કરતા સૂરજદેવ, પત્ની મંજુલા અને બાળ લલિત સાથે રહેતાં હતાં. સૂરજદેવના કુટુંબની સ્થિતિ ખોલીના દિદાર પરથી આપોઆપ છતી થતી હતી. પંડિતજી બે ઘડી ખોલીની બહાર ઊભા રહી મા-દીકરાને મધુર ગાતા સાંભળી રહ્યા. અચાનક મંજુલાનું ધ્યાન પંડિતજી પર પડ્યું. સ્વચ્છ ધોતિયું, અંગરખું અને પાઘડીધારી ગૃહસ્થને જોઈ મંજુલા છોભીલી પડી ગઈ. બે ઘડી તે કશું બોલી ન શકી.

‘ચાલુ રાખો બેટા. ખૂબ જ સુંદર ભજન છે. સાંભળવાની ઘણી મજા આવી.’

‘માફ કરજો… બાપુ, મેં આપને ઓળખ્યા નહિ.’

‘બેટા, હું છું દેવદત્ત. અહીંથી થોડે જ દૂર એક સંગીતશાળા ચલાવું છું અને સંગીત મારો પ્રિય વિષય છે.’

‘ઓહ, પંડિત દેવદત્તજી…’ કહેતાં મંજુલા તેમના પગમાં નમી પડી, ‘આપને કોણ ન ઓળખે.’

મંજુલાએ ઘરની એક માત્ર પુરાણી ખુરશીને ઝાપટી પંડિતજીને બેસવા આગ્રહ કર્યો. પંડિતજી નિઃસંકોચ બેઠા.

‘બેટા, આ બાળકનો કંઠ ઘણો જ સરસ છે. શું નામ છે એનું?’

‘લલિત, મારો પુત્ર છે. નાનપણથી એને મારી સાથે સૂર પુરાવવાનો ઘણો શોખ છે.’

બાર વર્ષના લલિતના માથે હાથ ફેરવતાં પંડિતજી એને ખૂબ સ્નેહાળ નજરે નીરખી રહ્યા, ‘બેટા, આ બાળક તું મને આપ. એનામાં એક મહાન ગાયક થવાના સંપૂર્ણ ગુણો છે. હું એને કેળવીશ.’

વાતવાતમાં પંડિતજીએ જાણી લીધું કે આ કુટુંબ ગુજરાતના વડનગર ખાતેના સંગીતજ્ઞ વંશમાંથી આવતું હતું. લલિતના પિતા સૂરજદેવ એક વખત સૌરાષ્ટ્રના એક નાનકડા પણ ગુણગ્રાહી રજવાડામાં સંગીતનો હવાલો સંભાળતા. રાજ્યમાં આશ્રય લઈ કુટુંબ સંગીતસાધનામાં લીન રહેતું. મધુર સ્વરના માલિક સૂરજદેવ અને મંજુલાના ગુણો બાળ લલિતમાં પણ આપોઆપ ઊતરી આવ્યા હતા.

આઝાદી પછી રાજાઓનાં રજવાડાં ગયાં. રાજાઓના આશ્રિતો માટે સૌરાષ્ટ્રમાં રહેવું મુશ્કેલ થઈ પડ્યું. કાયમી પાણીની તંગી થવા લાગી. નાટકમંડળીઓ અને ભવાઈઓનાં પણ વળતાં પાણી થઈ ગયાં હતાં. વખાના માર્યા સૂરજદેવ નાનકડું કુટુંબ લઈ મુંબઈ આવ્યા.

મુંબઈમાં તો રોટલો મળે પણ ઓટલો ન મળે. અહીં પણ નાટકોનું વિશ્વ મૃતપ્રાય દશામાં હતું. નવી રંગભૂમિના નવલા વેશે જૂની રંગભૂમિ તરફ લોકોને વિમુખ કરવા માંડ્યા હતા.

એક દૂરના ઓળખીતાના કહેવાથી આ ઍપાર્ટમેન્ટમાં ચોકીદારની નોકરી મળી. આછી પાતળી આવક સાથે રહેવાની નાની ખોલી મળી એ મોટી મહેરબાની હતી. સંઘર્ષમાં ટકવા નાના સરખા ટેકાની પણ જરૂર હતી. પંડિત દેવદત્તના કહેવાથી બાળ લલિતને મંજુલાને સાંજે સાંજે તેમની સંગીતશાળામાં મોકલવા માંડ્યો. પંડિતજીએ મંજુલાને ધીરજ બંધાવી હતી કે તેઓ લલિતને તૈયાર કરશે પરંતુ તેના માટે કશું પણ લેશે નહિ. તેમને માટે એક ઉત્તમ શિષ્ય તૈયાર થવો એ જ મોટું મહેનતાણું હતું.

અહીં જ લલિત અને મધુરી સાથે સંગીતનું શિક્ષણ લેતાં, સાથે રમતાં, મધુરી રોજ સાંજે ચર્ચગેટથી એના પિતાની ગાડીમાં આવતી. લલિત સમય કરતાં વહેલો શાળામાં પહોંચી મધુરીની રાહ જોતો.

મધુરીના પિતા નબેંદુ ઘોષ મુંબઈ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર હતા. એક મોટા આઈ.એ.એસ. અધિકારી અને શહેરના આગળ પડતા ગૃહસ્થ હતા. મધુરીના મધુર કંઠને ખીલવવા તેના પિતા ખાસ તેને પંડિતજીની શાળામાં તાલીમ લેવા મોકલતા.

મધુરી અને લલિતની બાળ-દોસ્તી સંગીતની યાત્રાએ ખૂબ જામી. ઘણી વાર બંને સંગીતક્લાસ ન હોય ત્યારે ચોપાટીની રેતીમાં રમવા જતાં. ચોપાટીની ભીની રેતીમાં બંને ઘર બનાવે. ઘરની આજુબાજુ સુંદર પાળવાળું ચોગાન બનાવે અને નજીકથી લીલાં તણખલાં લાવી ઝાડ-પાનના બગીચાનું રૂપ આપે.

‘લલિત, મને તો આમ ગુંફા જેવું ઘર ન ગમે. ખાસું મોટું બે માળવાળું ઘર જોઈએ.’

‘જો, એ પણ બનાવી આપું.’ કહી લલિત પ્રયત્ન કરે અને રેતી ફસકી જાય, એ વળી પાછો ઘર બનાવે, એમ સાંજ પડી જાય. એમ કરતાં એક દિવસ નીચેના ઘર ઉપર નાજુક રીતે પગ ટેકવી તેણે ઉપરનો માળ પણ બનાવી દીધો. બે માળનું ઘર તૈયાર. તે દિવસે મધુરી બહુ જ ખુશ થઈ. આનંદમાં આવી જઈ લલિતના હાથ પકડી એ ખૂબ ફેરફૂદડી ફરી.

મધુરી હંમેશા દેવાનંદનાં પિક્ચરોનાં ગાયન ગાય અને લલિતને ગમે દિલીપકુમાર. તે દિલીપકુમાર જેવા વાળ ઓળે અને દિલીપની અદાઓમાં ઊભા રહેવાની અને હાથ હલાવવાની, આંખો પટપટાવવાની નકલ કરે. મધુરી પેટ પકડીને હસે અને પછી તેણે તાજેતરમાં જોયેલા દેવાનંદના પિક્ચરના સીન કહી સંભળાવે, મધુરીને રાજી કરવા લલિત ગાય, ‘ખોયા ખોયા ચાંદ.’

બંને બાળકો સંગીતસાધનામાં બરાબર પાર ઊતરતાં જોઈ પંડિત દેવદત્તજી પણ ખુશ થતા. બંનેને પોતાની સાધનાનો નિચોડ શીખવવા તે પ્રયત્ન કરતા રહેતાં. સંગીતની દરેક પરીક્ષામાં બંને અવ્વલ નંબરે પાસ થતાં. એમ કરતાં કરતાં ચાર વર્ષ નીકળી ગયા.

લલિતના મુખ પર આછા મૂછના દોરા ફૂટ્યા હતા. તેનો અવાજ વધુ ઘેરો અને ગંભીર બન્યો હતો. કેળવાયેલા અવાજમાં માધુર્ય વધુ નીરખી ચૂક્યું હતું. રિયાઝની પાબંદી વધુ ને વધુ રંગ લાવતી હતી. …અચાનક મધુરીની સંગીતસાધના અટકી. મધુરીના પિતાશ્રીની બદલી થતાં તેઓને મુંબઈ છોડવાનું આવ્યું.

‘લલિત, તું તારી સાધના ચાલુ રાખજે. હું જ્યાં હોઈશ તારી પ્રગતિ માટે મનોકામના કર્યા કરીશ.’

મધુરીનાં નયન સજળ હતાં.

‘મધુરી, જાણતો નથી કે હું બે માળનું ઘર બીજું બાંધી શકીશ કે નહિ પરંતુ તારા માટે હંમેશાં પ્રાર્થના કરીશ કે તું મહેલોની રાણી બને.’

‘ના, લલિત, એવી કોઈ આકાંક્ષા નથી. નાનકડું પણ તારું બનાવેલું ઘર હોત તો વાત જુદી હતી.’

લલિત અવાચક થઈ ગયો. બાળસહજ પ્રીતિ અવ્યક્તપણે પણ આંખોમાં છલકાતી હતી પરંતુ એ સ્વપ્ન હતું.

…અને સ્વપ્નાં ક્યાં હંમેશાં સાચાં પડવા સર્જાય છે? આ પણ એક વહેલી સવારનું સ્વપ્ન જ હતું ને ! ક્યાં લલિત, ક્યાં મધુરી !

મધુરી તો તે પછી ચાલી જ ગઈ. કૉલકાતા તો કેટલું દૂર હતું તે પણ લલિતને ખબર નહોતી. હા, મધુરીએ કહ્યું હતું કે ટ્રેનમાં જઈએ તો પણ પહોંચતાં બે દિવસ લાગે. ચાલતાં તો ખબર નહિ કેટલા દિવસ ! લલિતને છતાં પોતાનું ધોળે દિવસે જોયેલું સ્વપ્ન તો સાકાર કરવું જ હતું. તેને સંગીતજ્ઞ થઈ દેશવિદેશમાં નામના કરવાની મહેચ્છા હતી એનું એકલાનું સ્વપ્ન થોડું હતું? એ સ્વપ્ન તો એના ગુરુજી પંડિત દેવદત્તનું, તેના પિતા સૂરજદેવ અને માતા મંજુલાનું પણ હતું. પંડિતજીએ લલિતની આંખોમાં મધુરીના જવાનો વિષાદ અનુભવથી પારખી લીધો હતો. એ વિષાદની ધારી અસર ઘૂંટાતાં લલિતમાંથી એક અદ્વિતીય કળાકાર આકાર લેવાનો હતો તે તેઓ જાણતા હતા.

લલિતની સાધના જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ પંડિત દેવદત્ત પોતાને અનાયાસ મળી આવેલા હીરાને પોતાને આપવા બદલ સૃષ્ટિનિયંતાનો મનોમન આભાર માનતા હતા. પંડિત દેવદત્ત સાથે હવે કાર્યક્રમોમાં લલિત નાયકનો સાથ રહેતો. મોડી રાત સુધીના જલસાઓમાં બંનેની જુગલબંધી જામતી.

વસંતો આવતી અને કુદરતમાં વસંત રાગને મોકળે કંઠે લહેરાવતી. લલિત વસંત બહાર ગાતાં ભોરવિભોર થઈ જતો. વર્ષામાં મલ્હારનો કેકારવ તેને પાગલ કરી મૂકતો. મયૂરોનાં નર્તન સાથે મલ્હાર તેના કંઠથી વરસતો હોય તેમ લાગતું. વસંતો વહેતી ગઈ અને વર્ષામાં મલ્હાર મચલતા રહ્યા. પાનખરની એક બપોરે બાર વાગ્યે રાગ સારંગ અનેક પ્રયત્નો છતાં જામતો નહોતો. લલિત ઉદ્વિગ્નતા ટાળવા મથતો હતો.

આજે જ એણે સવારના વર્તમાનપત્રમાં મધુરીનો ફોટો જોયો હતો. સમાચાર હતા કે મધુરી ચેટરજી બંગાળની સરકારમાં રાજ્યકક્ષાનાં પ્રધાન ચૂંટાયાં હતાં. ફોટા પરથી મધુરીને ઓળખવામાં લલિતે સ્હેગજ પણ થાપ ખાધી નહોતી. વર્ષો વીત્યાં તો શું થયું, મધુરીના ચહેરા પર યૌવનનું લાલિત્ય સોળે કળાએ ખીલેલું હતું. લલિત મધુરીને ન ઓળખે? પણ મધુરી ચેટરજી?…મધુરી તો ઘોષ હતી. જરૂર મધુરીનાં લગ્ન થઈ ગયાં હશે. તેના પિતા પણ નિવૃત્ત થયા પછી પંજાબના ગવર્નર થયા હતા તેવાં સમાચાર તે જ અખબારમાં હતા.

લલિત શૂન્યમનસ્ક થઈ ગયો. માબાપની વારંવારની પરણવાની વિનંતીઓ અત્યાર સુધી તે ટાળતો રહ્યો’તો. પંડિત દેવદત્તની પણ છૂપી ઈચ્છા લલિતનાં લગ્ન તેમની એકની એક પુત્રી વિદિશા સાથે કરવાની હતી. તેમણે અછડતાં તે વાત મંજુલા સમક્ષા વ્યક્ત કરી હતી. પરંતુ લલિતને ઊંડે ઊંડે મધુરીની ઝંખના હતી. મધુરી કેવી રીતે મળશે તે સ્પષ્ટ ન હતું છતાં એક અભિલાષા મનને ખૂણે સંતાઈને પડી હતી જે તેનું દિલ ખોતર્યા કરતું હતું. જખમ દૂઝ્યા કરતો હતો.

અખબારથી જાહેર થઈ ગયું હતું કે મધુરી હવે પરિણીત છે, તેની આશા પણ વ્યર્થ છે. મનમાં ઊભી કરેલી આશાઓનો કશો અર્થ નથી. આખરે લલિતે પોતાની પસંદગી વિદિશા ઉપર ઉતારી અને માતાપિતા અને ગુરુ દેવદત્તની ઈચ્છાઓ પાર પાડી. પંડિત દેવદત્ત જે ઈચ્છતા હતા તેમ તેમને સાચેસાચનો વારસ મળી ચૂક્યો.

વિદિશા ખૂબ સંસ્કારી, સમજુ અને ગુણવાન ગૃહિણી પુરવાર થઈ. પંડિત દેવદત્તની કળાના વારસ તરીકે લલિત પ્રસ્થાપિત થઈ ગયો હતો. વૃદ્ધ દેવદત્ત હવે દરેક કાર્યક્રમોમાં લલિતદેવ નાયકને આગળ કરતા અને તેની કીર્તિ ચોમેર ફેલાતી જોઈ ખુશ થતા.

આખરે પોતાના સાચા વારસ એવા શિષ્યને પોતાનાથી પણ સવાયું સન્માન પ્રાપ્ત થવાનો સંતોષ લઈ પંડિત દેવદત્તે આંખો મીંચી દીધી. પંડિત લલિત નાયક પંડિત દેવદત્તની પરંપરાને આગળ ધપાવી રહ્યા. દેશ-વિદેશમાં પંડિત લલિતદેવના કાર્યક્રમો યોજાતા રહ્યા. એ દરમિયાન મધુરી રાજકારણમાં આગળ આવી અને કેન્દ્ર-સરકારમાં પહોંચી ગઈ.

એ દિવસે પંડિત લલિતદેવનો સંગીતનો કાર્યક્રમ દુબઈમાં હતો. દુબઈનું ભારતીય સાંસ્કૃતિક મંડળ કાર્યક્રમ યોજી રહ્યું હતું અને દુબઈની મુલાકાતે આવેલ ભારત સરકારનાં સાંસ્કૃતિક ખાતાનાં પ્રધાન શ્રીમતી મધુરી ચેટરજી પ્રમુખપદે હતાં. એ કાર્યક્રમમાં પંડિત લલિતદેવ અને તેમનું ગ્રુપ ખૂબ ખીલ્યું. મોડી રાત્રે ભૈરવી સાથે એ કાર્યક્રમ સંપન્ન થયો ત્યાં સુધી પ્રધાનશ્રી મધુરીએ હાજરી આપી. વચ્ચે તેમના પ્રવચન દરમિયાન પોતે બાળપણમાં પંડિત લલિતદેવ સાથે સંગીત શીખતાં હતાં તેનું ગૌરવ પણ વ્યક્ત કર્યું અને તેમને વધુ અને વધુ કીર્તિમાનો સંગીતમાં સ્થાપવાની શુભેચ્છા પણ પાઠવી. લલિત સન્માન સ્વીકારતાં ગદ્ગ દિત થઈ ગયો.

બીજે દિવસે પંડિત લલિતદેવનો ઉતારો હતો તે હોટલમાં સામેથી સંદેશો આવ્યો કે પ્રધાનશ્રી મધુરીદેવી તેમને મળવા આવવા માંગે છે તો સમય આપો. પંડિત લલિતદેવે જણાવ્યું કે તેમને સમય લેવાની જરૂર નથી, તેઓ ફક્ત અનુકૂળતા જણાવે અને પોતે હાજર રહેશે. તે સવારે મધુરી ખુદ તેના રૂમ ઉપર હોટલમાં આવી. શું જાજરમાન દેહલાલિત્યથી શરીર થોડું ભરાયું હતું પરંતુ સોનાર બાંગલાનું દેદીપ્યમાન રૂપ મધુરીના અંગેઅંગમાં નીખરતું હતું. પ્રધાન તરીકેનો ઠસ્સો અને સુંદર વેશ-પરિધાન તેના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દેતાં હતાં.

પંડિત લલિતદેવની રૂમમાં મધુરી સાથે ફોટો સેશન પત્યું પછી બંને એકલાં પડ્યાં.

‘પંડિતજી…’

‘ઉહું… કોઈ પંડિત બંડિત નહિ, ફક્ત લલિત કહો, મધુરીદેવી.’

મધુરી હસી પડી, ‘સારું લલિત… પણ તારેય મને મધુરી કહેવી પડશે, થોડી તો આ પ્રધાનપદના ભારથી હળવી થાઉં.’

લલિત મધુરીના સૌજન્યથી અવાચક થઈ ગયો. ક્યાંય સુધી મધુરીને નીરખી રહ્યો. પરંતુ મધુરી સાથે વાત ન થઈ શકી… ‘કેમ છે… મઝામાં છે’થી વધુ વાત થાય તે પહેલાં પ્રધાન મધુરીના અન્ય કાર્યક્રમોએ તેનો કબજો લઈ લીધો.

એ જ વર્ષે ભારત સરકાર દ્વારા પંડિત લલિતદેવની ભારતીય લલિત કેન્દ્રના નિયામક તરીકે નિમણૂક થઈ. મધુરીની સિફારીશ લલિતથી અણજાણ ન રહી અને એમ લલિતનું દિલ્હીમાં આગમન થયું. એ વર્ષે તેઓ તાનસેન ઍવોર્ડથી નવાજિત પણ થયા. દિલ્હીમાં સરકાર તરફથી લલિતને સુંદર બગલો, ગાડી અને ઊંચો દરમાયો પ્રાપ્ત થયો. લલિતદેવ પત્ની અને એના પુત્ર કર્ણદેવ સાથે દિલ્હીમાં સ્થાયી થયા. એ દરમિયાન મધુરી દેવી વિદેશમાં ઈંગ્લૅન્ડ ખાતે એક સાંસ્કૃતિક સંઘનાં યુનો તરફથી અધ્યક્ષ નિમાયાં. બંને આથી મળી ન શક્યાં.

વર્ષોનાં વહાણાં વાયાં. પંડિત લલિતદેવ ત્યાર પછી અમેરિકા ખાતે ભારતીય સંગીત અકાદમીમાં સેવા આપવા અમેરિકા સ્થાયી થયા અને તેમના પુત્રના ઘરે પણ પુત્રી થઈ ત્યાં સુધી અમેરિકા રહ્યા.

અમેરિકામાં વર્ષો વિતાવ્યાં પછી તેઓએ પાછા ભારત ફરીને દિલ્હીમાં જ પોતાની પં. દેવદત્ત સંગીત અકાદમી શરૂ કરી અને એના નિયામક બન્યા.

આ દરમિયાન મધુરી દેવી પણ રાજકારણમાં ખૂબ સક્રિય રહ્યાં હતાં એ અખબારો દ્વારા લલિતદેવ જાણતા હતા. કમનસીબે કોઈ જોગ તે છતાં બંનેનો મળવાનો જામ્યો નહોતો.

…અને આજે પૌત્રીના આગ્રહે તેઓ પરીની કલ્પનામાં સરી પડ્યા ત્યારે તેમને પરી તરીકે મધુરીની છબી જ નજર સમક્ષ આવ્યા કરતી હતી. લલિતદેવ વિચારતા કે મધુરી પોતાને હવે ભૂલી પણ ગઈ હશે. તે પોતે તો બહુ મોટી રાજકારણી થઈ છે અને વિદેશી સરકારોમાં પણ તે ખૂબ માનસન્માન પામી રહી છે. તેને ક્યાંથી આ નાચીજ લલિતદેવની પડી હોય? છેલ્લા સમાચાર મુજબ મધુરીદેવી હવે પોતાના હોદ્દા ઉપરથી નિવૃત થઈ રહ્યાં હતાં અને આગામી માસમાં તેઓ ભારત પરત ફરી રહ્યાં હતાં. કૉલકાતામાં તેમના માનમાં એક ભવ્ય સમારોહ પણ યોજાયેલ હતો.

…અને આજના અખબારી સમાચારે લલિત માટે ધરતીકંપ સર્જ્યો. તે આખો અંગેઅંગ ધ્રૂજી ઊઠ્યો, ‘ભારતની પનોતી પુત્રી અને ભારતનાં ભૂતપૂર્વ પ્રધાન શ્રીમતી મધુરી ચેટરજીનું લંડન ખાતે ખૂબ જ ટૂંકી માંદગી દરમિયાન અવસાન થયું છે.’ અખબારમાં ઠેર ઠેર મધુરીદેવીને શ્રદ્ધાંજલિઓ અપાઈ હતી. શૂન્યમનસ્ક પંડિત લલિતદેવ આ આઘાતજનક સમાચાર વાંચી રહ્યા હતા. સજળ નયને એક પરીને તેઓ ઊડીને આકાશે જતી જોઈ રહ્યા. તેમનો કંઠ રૂંધાઈ જતો હતો અને એ જ દિવસની ટપાલમાં એક પત્ર મળ્યો. પત્ર મધુરીનો હતો.

‘પ્રિય લલિત,
‘પ્રિય’ સંબોધન જાણે તારી પાસેથી અધિકાર છીનવી લઈને કહી રહી છું. સંગીત સાથે તું મને એટલો જ પ્રિય રહ્યો હતો. સંગીત મારો પ્રથમ પ્રેમ હતો અને તેની સાથે લલિત, તારાં સ્મરણો જોડાયેલ હોઈ આપોઆપ તારો પ્રેમ અંતઃસ્તલે ધરબાઈને પડી રહ્યો હતો.

હું તને મધુર સ્વપ્નો આપવા સિવાય અને તારા તરફથી મધુર સ્વપ્નો મેળવ્યા સિવાય કશું કરી ન શકી. તારા અવ્યક્ત પ્રેમને મેં સદાય તારી આંખોમાં વાંચ્યો હતો. એ બાળસમજ પ્રીત કદી મૂરઝાઈ ન્હોતી. તેં મારા માટે રેતીનું બે માળનું ઘર ચોપાટીની રેતીમાં બનાવ્યું હતું, મારે માટે એ ઘર સ્વપ્નવત જ રહ્યું; પરંતુ એની મધુર કલ્પના અને આપણે સાથે ગાળેલ સ્સમય એ મધુર ક્ષણો જીવનભરનું સંભારણું હતાં. વિધાતાના ખેલ મુજબ મારે તારી સાથેની સંગીત સાધના અધવચ્ચે અટકાવી માતા-પિતા સાથે કૉલકાતા આવવું પડ્યું. તારા સાથ વગર હું સંગીતના પ્રેમને આગળ ધપાવી ન શકી. સંગીત અને લલિત બેય મને હાથતાળી દેતા રહ્યાં.

કૉલેજમાં હતી ત્યારે જ પિતાશ્રીએ મારાં લગ્ન એરફૉર્સમાં ઊંચી પદવી ધરાવતા શિશિર ચેટરજી સાથે કરી દીધાં. શિશિર એક ખૂબ જ હોનહાર એરફૉર્સ અધિકારી અને કુશળ પાઈલટ હતા. મારા કમનસીબે લગ્નના એક જ વર્ષમાં જ શિશિર એક હવાઈ કવાયત દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અવસાન પામ્યાં. હું વિધવા બની. ખૂબ જ કુમળી વયમાં, આ મારે માટે બહુ મોટો આઘાત હતો.

પિતાશ્રીના અથાગ પ્રયત્નોથી મેં મારું મન રાજકારણ તરફ વાળ્યું. રાજકારણમાં સેવા કરી હું મારી જાતને ડુબાડી દેવા માંગતી હતી. પછી તો રાજકારણે મને ઘેરી લીધી અને પ્રધાનપદાં અને હોદ્દાઓનાં વિષયકેન્દ્રએ મને સતત પ્રવૃત્તિ માં રાખી. આ દરમિયાન હું સતત તારી પ્રગતિની માહિતી મેળવતી હતી. એક ઊંચા દરજ્જાના સંગીતજ્ઞ તરીકેની તું નામના મેળવી રહ્યો હતો તે જાણી હું ખૂબ જ ખુશ હતી. ઘણા કાર્યક્રમોમાં મેં એક સામાન્ય પ્રેક્ષક બની પાછળની સીટોમાં બેસી તારું સંગીત માંણ્યું છે. તારી સમક્ષ આવવાની મારી હિંમત નહોતી ચાલી. તને દૂરથી જોઈ તથા તારી પ્રગતિના હેવાલ મેળવી હું સંતોષ પામતી.

દુબઈમાં પણ તને મળી ત્યારે ઘણી વાતો કરવી હતી પરંતુ હું નારીસહજ નબળાઈથી તારી સમક્ષ રડી પડીશ જાણી હું તારાથી તરત જ દૂર થઈ. તારી નજરમાં તે ક્ષણે પણ છલકાતો મારા માટેનો મૂક સ્નેહ મારાથી અજાણ્યો નહોતો.

દિલ્હી ખાતે લલિતકેન્દ્રમાં તારી નિમણૂક કરાવતાં મારે સ્થાપિત હિતો સામે સારું એવું ઝઝૂમવું પડ્યું હતું છતાં હું તે બધા અવરોધોને પાર કરી તને તેના નિયામક તરીકે નીમી શકી હતી. મારે મારા લલિતને ખૂબ ઊંચા સ્થાને બિરાજેલ જોવો હતો.

નસીબે મને સદા તારાથી દૂર ને દૂર રાખી પરંતુ હું કદી તારાથી અળગી પડી ન્હોતી. મારાં સ્મરણોમાં હું તને કદી ભૂલી શકી નહોતી. આપણે એકબીજા માટે એક સુંદર મધુર સ્વપ્ન જ રહી ગયાં હતાં. જેવી નિયતિની ઈચ્છા.

આ પત્ર તને મળશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. મને કૅન્સરે સમગ્ર રીતે ઘેરી લીધી છે અને તેની જાણ ભાગ્યે જ કોઈને છે. મારી સાથે તારાં સ્મરણોને લઈ હું જવા માંગું છું એટલે વધુ જીવવાની ઈચ્છા નથી; પરંતુ છેલ્લી ક્ષણ સુધી મારા મનોબળને મજબૂત રાખી તને સંભારતી રહીશ. મારી ઈચ્છા છે કે તું સંગીતમાં સૌથી ઊંચાં કીર્તિમાનો સ્થાપિત કરે. મેં મારી તાકાત તને એ દિશામાં સર્વોચ્ચ ઍવોર્ડ મળે એ માટે સંપૂર્ણપણે લગાડી છે. મારી મધુર યાદ સાથે મારી સ્મૃતિ પણ એમાં જ હશે. પ્રભુ તને દૈવી સંગીતનાં ઊંચા શિખરો સર કરવાની શક્તિ આપે.

લિ.
તારી છતાં તારી ન થઈ શકેલ
મધુરીના સંસ્મરણ.’

પત્ર પૂરો થતાં પંડિત લલિતદેવ જિંદગીમાં પ્રથમ વાર મોકળા મને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

એ વર્ષે ભારત સરકારે લલિતદેવ નાયકને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ એનાયત કર્યો.

*
સંપર્ક :
૨૨-નંદીગ્રામ સોસાયટી નં.૧, સિંધવાઈ માતા રોડ, વડોદરા-૩૯૦૦૦૪ મો. ૯૮૭૯૧૧૪૨૯૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “મધુર સ્વપ્ન – કીર્તિકાન્ત પુરોહિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.